છત્તીસગઢમાં રાયગઢ અને અન્યત્ર ચૂંટણીસભાઓને સંબોધતા કૉન્ગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું કે છત્તીસગઢમાં જો કૉન્ગ્રેસ સત્તામાં આવશે તો ગણી રાખજો, દસ દિવસમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે એ માટેના પૈસા વિજય માલ્યા, નીરવ મોદી, અનિલ અંબાણી જેવા દેશની તિજોરી લૂંટી જનારાઓના ખિસ્સામાંથી ઓકાવીને કાઢવામાં આવશે. એ પછી તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કઈ રીતે ખોટાં વચનો આપે છે એની યાદી ગણાવી હતી. રાહુલ ગાંધીએ પોતે વચનો પાળવામાં કેટલા પ્રામાણિક છે તેનાં પ્રમાણ તરીકે તેમણે મનરેગા, માહિતીનો અધિકાર, જમીન સંપાદન ધારો, અન્નનો અધિકાર જેવાં ઉદાહરણ આપ્યાં હતાં.
છત્તીસગઢમાં કૉન્ગ્રેસ સત્તામાં આવશે તો ખેડૂતોનું દેવું તો જાણે માફ કરી દેવામાં આવશે. એન.પી.એ.ના ગંજાવર ધોવાણ પછી ખેડૂતોનાં દેવાં તો કોઈ વિસાતમાં નથી. હવે હસમુખ ગાંધીની ભાષામાં કહીએ તો ચશ્મિષ્ટ અર્થશાસ્ત્રીઓ ખેડૂતોને આપવામાં આવતી સબસિડી અને કર્જમાફી એ ખોટનું અર્થશાસ્ત્ર (બેડ ઇકોનોમી) છે, એવી દલીલો કરતા બંધ થઈ ગયા છે. કયા મોઢે કરે જ્યારે ફાયદાકારક અર્થશાસ્ત્ર (ગુડ ઇકોનોમી) એ દેશને ઉઠાડી મૂક્યો છે તે ત્યાં સુધી કે નાણા પ્રધાન રિઝર્વ બેન્કની મરણમૂડી પર નજર કરી રહ્યા છે. બીજું, ખેડૂતો પણ ક્યાં કરજ ફેડવાના છે? એક તો ભારતમાં ખેતીવ્યવસાય ખોટમાં છે એટલે તેઓ ઈચ્છે તો પણ કરજ ફેડી શકે એમ છે નહીં, અને ઉપરથી મોટા ચોરોએ ચોરીને સદગુણ તરીકે સ્થાપી આપ્યો છે. આજકાલ ખેડૂતો કહે છે કે જાવ પહેલાં નીરવ મોદી પાસેથી પૈસા લેતા આવો અને પછી અમારા ઊભા પાકની જપ્તી કરો કે બળદ લઈ જાઓ.
જે વાત ખેડૂતો જાણે છે એ વાત રાહુલ ગાંધી નથી જાણતા? જાવ નીરવ મોદી પાસેથી પૈસા લઈ આવો એમ જ્યારે ખેડૂતો અને સામાન્ય માણસો કહે છે ત્યારે તેમને ખાતરી છે કે આપણા શાસકોની માલ્યા-મોદીના ખિસ્સામાંથી પૈસા ઓકાવવાની ત્રેવડ નથી. નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં ત્રેવડ વિનાનાં વચનો આપ્યા હતાં અને આજે બિચારાની ઠેકડી ઉડાડવામાં આવે છે. નરેન્દ્ર મોદી એક મોટો ગુણ ધરાવે છે; આંખનું મટકું પણ માર્યા વિના, આંખમાં આંખ પરોવીને, પૂર્ણ આત્મવિશ્વાસ સાથે ફેંકવાનો એ ગુણ છે. મોદીના આત્મવિશ્વાસને જોઇને લોકોએ તેમના દરેક ગપ્પાને સાચા માની લીધાં હતાં. આજે લોકો નરેન્દ્ર મોદીનો ચૂંટણીપ્રચારનો વહીવંચો વાંચીને ઠોકે છે અને ઠેકડી ઉડાડે છે. અમેરિકામાં ‘વોશિંગ્ટન પોસ્ટ’ નામનું અખબાર ટ્રમ્પના જુઠાણાઓનો દૈનિક આંકડો છાપે છે. ટ્રમ્પ ચાર હજારનો આંકડો વટાવી ગયા છે.
જે લોકો વ્યવસ્થા પરિવર્તન વિશે એક શબ્દ નથી બોલતા અને સ્વર્ગ ધરતી પર લઈ આવવાની વાતો કરે છે, એ બધા જ ફેંકુ છે. હિંમત હિંમતમાં ફરક છે, બાકી પદારથ એક જ છે; અસત્ય. ૨૦૧૪માં આ મોરચે નરેન્દ્ર મોદીની તુલનામાં રાહુલ ગાંધી વામણા સાબિત થયા હતા. નરેન્દ્ર મોદીને અનુસરીને જો રાહુલ ગાંધી એમ માનતા થયા હોય કે ફેંકવાથી મત મળે છે તો તેઓ મોટી ભૂલ કરી રહ્યા છે. મત તો કદાચ મળી જશે, સત્તા પણ મળે; પરંતુ સરવાળે હાસ્યાસ્પદ સાબિત થશે.
ખેડૂતો અને સામાન્ય માણસો બેન્કોની લોનની પરતફેડ નથી કરતા ત્યારે તેમને ખબર છે કે સમસ્યા વ્યવસ્થાની છે અને જ્યાં સુધી વ્યવસ્થા નહીં સુધરે ત્યાં સુધી બસો ઈંચની છાતી હોવાનો દાવો કરનારો હોય કે બીજો કોઈ, દંડવાનું તેમનું ગજું નથી. રાહુલ ગાંધી વિજય માલ્યા, નીરવ મોદી, અનિલ અંબાણીના પેટમાંથી પૈસા ઓકાવવાની વાત કરે છે તો એને માટે પરિણામકારક વ્યવસ્થા જોશે.
ચુસ્ત દુરુસ્ત શાસકોના દબાણમાં ન આવે એવી તપાસકર્તા એજન્સીઓ જોશે. કૉન્ગ્રેસના દિવસોમાં સી.બી.આઈ.ની કેવી અવસ્થા હતી અને કેટલી સ્વતંત્ર હતી એ આપણે ક્યાં નથી જાણતા! સી.બી.આઈ.ના ભૂતપૂર્વ ડાયરેક્ટર રણજિત સિંહા રાતના અંધારામાં તેમના સત્તાવાર નિવાસસ્થાનની લોગબુકમાં એન્ટ્રી કરાવ્યા વિના સત્તાના દલાલોને મળતા હતા એ યુ.પી.એ. – ૨ (૨૦૦૯-૨૦૧૪) સરકારના વખતની ઘટના છે. ચોરના ખિસ્સામાંથી પૈસા કઢાવવા હશે તો ચુસ્ત દુરુસ્ત ન્યાયતંત્ર જોશે. સમયસર ચુકાદાઓ આવે અને ચોર લોકો ન્યાયતંત્રને ચકરાવામાં ન નાખે એ માટે ન્યાયતંત્રમાં સુધારાઓ કરવા પડશે. બેન્કોને કોઈ નવડાવે નહીં એ માટે બેન્કિંગ સુધારાઓ કરવા પડશે. ડિફોલ્ટર અને વિલફુલ ડિફોલ્ટર (સંજોગોવશાત્ ઊઠી જનાર અને જાણીબૂજીને ઊઠી જનાર)માં ભેદ પાડવો પડશે અને તેની સ્પષ્ટ વ્યાખ્યા કરવી પડશે. નાદારીને લગતા કાયદા સુધારવા પડશે. કોઈ નાસી ન જઈ શકે એની તજવીજ કરવી પડશે અને એ પછી પણ જો કોઈ નાસી જાય તો દુનિયાના દેશો સાથેની પ્રત્યાર્પણની સંધિઓમાં સુધારાઓ કરવા પડશે. સ્થાનિક પોલીસથી લઈને સી.બી.આઈ. અને રૉ સુધીની સંસ્થાઓ વચ્ચે તાલ-મેલ વધારવો પડશે. લોકાયુક્ત લોકપાલની નિયુક્તિ કરવી પડશે. રામરાજ્યનો માર્ગ ક્યાંથી પસાર થાય છે એ બધાને ખબર છે, કરવું કોઈને નથી.
કુલ મળીને લગભગ બે ડઝન સુધારાઓ કરવા પડે એમ છે. એ સુધારાઓ જ્યારે થશે ત્યારે તંત્ર આપોઆપ લોકોની સુરક્ષા કરશે, આપોઆપ દેશના પૈસાની સુરક્ષા કરશે, છીંડાં બુરાઈ ગયાં હશે એટલે કોઈ છટકી નહીં શકે, ગુનેગારને પકડી પડાશે અને દંડી શકાશે. એ પછી દેશને કોઈ ભડવીર માંગણાવાળાની જરૂર નહીં પડે, ૧૫ ઈંચની છાતી ધરાવનારો નિર્બળ શાસક પણ સફળ શાસન આપી શકશે. શાશનની ગુણવત્તા શાસનવ્યવસ્થામાં છે અને શાસનવિધા એ કુસ્તીવિધા નથી. આપણને સાથળને થપથપાવનારાની નહીં, વ્યવસ્થા સુધારી આપનારાની જરૂર છે.
જે કોઈ નેતા, જે કોઈ પક્ષનો હોય, ગમે એવી ગર્જના કરતો હોય; જો એ વ્યવસ્થા સુધારવાની બાબતે કાંઈ જ ન બોલતો હોય અને પાછો પ્રજાની સુખાકારી વિશે વાયદા કરતો હોય તો એને ફેંકુ સમજવો. આ ફેંકુની સીધીસાદી વ્યાખ્યા છે. રાહુલ ગાંધીએ છત્તીસગઢની જાહેરસભાઓમાં માલ્યા-મોદી-અંબાણીના ખિસ્સામાંથી પૈસા કઢાવવાની વાત કરી છે એ એક ગપ્પું છે. તેમણે વ્યવસ્થા વિશે હરફ નથી ઉચાર્યો. કોઈ પણ જાહેરસભામાં કે મંચ પરથી બોલતા રાહુલ ગાંધીને વ્યવસ્થા પરિવર્તન વિશે બોલતા હજુ સુધી તો સાંભળ્યા નથી. ટૂંકમાં નરેન્દ્ર મોદીનું અનુકરણ કરવામાં કોઈ ફાયદો નથી. એ હાસ્યાસ્પદ નિવડવાનો માર્ગ છે. અનુસરવા માટે રાહુલ ગાંધી પાસે તેમના પરદાદા જવાહરલાલ નેહરુનું ઉદાહરણ ઉપલબ્ધ છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 19 નવેમ્બર 2018
 ![]()


આનો ટૂંકો ઉપાય છે ગળું દબાવેલું રાખો. ત્રણ કરોડ કેસોનો ભરાવો થયો છે અને તેમાં વધારો થઈ રહ્યો છે. વકીલો કાયદાઓની આંટીઘૂંટી વાપરીને અને તારીખો માંગતા રહીને ન્યાયતંત્રને પરાસ્ત કરી રહ્યા છે. લેખિત રજૂઆત માટેની જોગવાઈ ન હોવાથી મૌખિક દલીલો દિવસોના દિવસો સુધી કરવામાં આવે છે કે જેથી કેસનો નિકાલ ન ન આવે. સૌથી મોટું શસ્ત્ર છે જજોની નિમણૂક નહીં કરવાનો અને અદાલતો માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું નહીં પાડવાનું. આ બધું જાણીબૂજીને કરવામાં આવી રહ્યું છે અને દાયકાઓથી કરવામાં આવી રહ્યું છે.
ઉમાશંકર જોશીએ કહેલો એક પ્રસંગ મેં આ પહેલાં નોંધ્યો હતો. એક વાર જવાહરલાલ નેહરુએ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન્ની ઉપસ્થિતિમાં દેશભરનાં કેટલાંક ચુનંદા સાહિત્યકારો અને વિદ્વાનોની એક બેઠક બોલાવી હતી, જેમાં ઉમાશંકર જોશી પણ હતા. વિષય હતો: અમર કહી શકાય એવાં કાલજયી વિદેશી વિચારોને અને સાહિત્યને ભારતીય ભાષાઓમાં લઈ આવવાનો કે જેથી દરેક પ્રદેશની નવી પેઢીને વિચારવા માટે ભાથું મળે. સોક્રેટિસ, પ્લેટો-એરિસ્ટૉટલથી શરૂ કરીને જ્યૉં પૉલ સાર્ત્ર સુધીના વિચારકો અને હોમરથી લઈને કાફકા સુધીના સાહિત્યકારો વિષે તેમાં ચર્ચા થઈ હતી અને અનુવાદ માટેનાં પુસ્તકોની યાદી બનાવી હતી.
