રિઝર્વ બેન્કના ગવર્નર ડૉ. ઉર્જિત પટેલે રાજીનામું આપ્યું છે અને તેમની જગ્યાએ ભૂતપૂર્વ નાણા સચિવ શક્તિકાન્ત દાસની ત્રણ વરસ માટે નિમણૂક કરી છે. ડૉ. ઉર્જિત પટેલે રાજીનામું આપવાનું કારણ રાજીનામાના પત્રમાં અંગત આપ્યું છે, પરંતુ આખું જગત જાણે છે કે તેમણે રાજીનામું શા કારણે આપ્યું છે. કેન્દ્ર સરકાર ડોશીની મરણમૂડીમાંથી સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા સરકાવી લેવા માગતી હતી, અને ડૉ. ઉર્જિત પટેલ અને તેમના સાથી ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય તેનો વિરોધ કરતા હતા. આ મૂડી માત્ર અને માત્ર અસાધારણ સંજોગોમાં જ વાપરવામાં આવે છે. ફૂહડ દંપતીને સંસાર ચલાવતાં આવડતું ન હોય અને બાળકોની ગુલ્લક તોડે એની જેમ ફૂહડ શાસકોને રાજકાજ કરતાં આવડતું ન હોય અને રિઝર્વ બેન્કની ગુલ્લક ઉપર નજર કરે એ કેમ ચલાવી લેવાય ?
એમ કહેવાય છે કે ડૉ. ઉર્જિત પટેલ તો ગયા મહિને કેન્દ્ર સરકારે જ્યારે રિઝર્વ બેન્કના કામકાજમાં દરમ્યાનગીરી કરવાના કાયદાનો ઉપયોગ કર્યો ત્યારે જ રાજીનામું આપવાના હતા, પરંતુ ભારતની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને ઝાંખપ ન લાગે એ માટે તેઓ અટકી ગયા હતા. એ પછીથી સમાધાન કરવાની અને રિઝર્વ બેન્કે સમાધાનકારી વલણ અપનાવવું જોઈએ જેવી વાતો થવા લાગી હતી અને ડૉ. પટેલને મનાવી લેવાનાં પ્રયાસો કરવામાં આવ્યા હતા. રિઝર્વ બેન્કના બોર્ડમાં સરકારી માણસો તો છે જ અને તેઓ દબાણ કરતા હતા. છેવટે ઉર્જિત પટેલે રાજીનામું ધરી દીધું.
સોમવારે તો એવી પણ અફવા હતી કે તેમની સાથે ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યે પણ રાજીનામું આપ્યું છે. જગતમાં ભારતની પ્રતિષ્ઠાને અને બજારોમાં સેન્ટિમેન્ટને અસર ન થાય એટેલે તરત જ રિઝર્વ બેન્કે ખુલાસો કર્યો હતો કે વિરલ આચાર્યે રાજીનામું નથી આપ્યું. વાસ્તવમાં કેન્દ્ર સરકારની દખલગીરીનો વિરોધ કરવામાં વિરલ આચાર્ય ડૉ. ઉર્જિત પટેલ કરતાં વધુ મુખર હતા. ડૉ. ઉર્જિત પટેલ ઓછું બોલે છે અને સભા-સમારંભોમાં ઓછા જાય છે એટલે તેમની ઈમેજ વડા પ્રધાનના દરબારી તરીકેની બની હતી. આ ઉપરાંત તેઓ વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રી તરીકેની પ્રતિષ્ઠા ધરાવનારા રઘુરામ રાજનના અનુગામી હતા એ કારણે પણ તેઓ વિરાટ સામે વામન ભાસતા હતા. ઓછામાં પૂરું તેઓ ગવર્નર બન્યા એ પછી બે મહિનામાં જ નોટબંધી આવી હતી એટલે તેમની પ્રતિષ્ઠાને હજુ વધુ બટ્ટો લાગ્યો હતો. એક ભલો અને ઈમાનદાર માણસ સરકારી કઠપૂતળી તરીકે ઓળખાતો હતો.
મોકાણ નોટબંધીની છે. કોણે આવો ક્રાંતિકારી વિચાર વડા પ્રધાનને આપ્યો કે પછી એ વડા પ્રધાનની પોતાની ફળદ્રુપ ભેજાની યોજના હતી એ એક રહસ્ય છે. આ બેલ મુઝે માર જેવું થયું. એમ કહેવાય છે કે આ કલ્પના રઘુરામ રાજન સમક્ષ રાખવામાં આવી હતી અને રાજને તેને હસી કાઢી હતી. દેશનું ૮૪ ટકા ચલણ રાતોરાત રદ્દ ન કરાય. રાજન માનતા નહોતા એટલે તેમની પાછળ શ્વાન છોડવામાં આવ્યા હતા. બદનામીથી કંટાળીને ડૉ. રાજને જાહેરાત કરી હતી કે તેઓ મુદ્દત પૂરી થયે અમેરિકા પાછા ફરશે. તેમની જગ્યાએ ડૉ. ઉર્જિત પટેલની સરકારે ત્રણ વરસ માટે ગવર્નરપદે નિયુક્તિ કરી હતી. ડૉ.ઉર્જિત પટેલ પર નોટબંધીનું સંકટ અને બદનામી બન્ને આવી પડ્યાં હતાં. ૯૯.૩ ટકા જૂનું નાણું પાછું આવી ગયું છે, એ રહસ્ય રિઝર્વ બેન્ક છુપાવી શકે એમ હતી જ નહીં. એમ કહેવાય છે કે ખટરાગની શરૂઆત અહીંથી થઈ હતી. મહાન હિંમતબાજ અને ક્રાન્તિકારી પગલું હાસ્યાસ્પદ સાબિત થાય અને રિઝર્વ બેન્ક તેને સત્તાવાર મહોર મારે એ સરકાર કબૂલ કરવા તૈયાર નહોતી.
તમને ખબર છે સર્વોચ્ચ સ્થાનેથી કેટલા લોકોએ રાજીનામાં આપ્યાં છે? ડૉ. રઘુરામ રાજન જતા રહે એ માટેનો તખતો રચવામાં આવ્યો હતો અને તેઓ જતા રહ્યા. નીતિ આયોગના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગરિયા મુદ્દત પૂરી થાય એ પહેલાં જતા રહ્યા છે. કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ્ મુદ્દતપૂર્વે રાજીનામું આપીને જતા રહ્યા અને હવે ડૉ. ઉર્જિત પટેલ. હવે ખબર આવ્યા છે કે જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. સુરજિત ભલ્લાએ વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદમાંથી રાજીનામું આપી દીધું છે. છેક ઉપરના સ્તરે દમદાર લોકો આ સરકાર સાથે કામ નથી કરી શકતા. ૨૦૧૫માં કેન્દ્ર સરકારે એ સમયનાં વિદેશ સચિવ સુજાથા સિંહને અચાનક કારણ આપ્યા વિના હોદ્દા પરથી દૂર કર્યાં હતાં.
એક તો નાનાં માણસોની સરકાર છે અને એમાં કદાવર અધિકારીઓ અને નિષ્ણાતો પણ ખપતા નથી. આ સ્થિતિમાં શાસનનો ઉલાળિયો ન થાય તો બીજું શું થાય? અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ, નિર્મલા સીતારામન્, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર અને સ્મૃતિ ઈરાની સિવાય કોણ પ્રધાન છે અને કયું ખાતું સંભાળે છે એ જાણવા ગૂગલના શરણે જવું પડે છે. દેશ આવડા મોટા કૃષિસંકટનો સામનો કરી રહ્યો છે, પણ કૃષિ પ્રધાન કોણ છે એ કોઈ જાણતું નથી. આગળ જે નામ ગણાવ્યાં એ લોકો પ્રધાન બન્યા એ પહેલાંથી જાણીતાં હતાં એટલે પરિચિત છે, બાકી તેમને પણ સ્વતંત્ર રીતે કામ કરવાં મળતું નથી. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે વિદેશોમાં ફસાયેલોઓને વિઝા આપવા સિવાય કોઈ કામ આ સાડા ચાર વરસમાં કર્યું જ નથી. કરવા દેવામાં આવ્યું નથી. તેમનું બીજું કામ છે વિદેશથી પાછા ફરતા વડા પ્રધાનનું એરપોર્ટ પર સ્વાગત કરવાનું. તમને ખબર છે? કેન્દ્રના નાણા પ્રધાન અરુણ જેટલીને નોટબંધી કરવામાં આવી રહી છે એની જાણ કરવામાં આવી નહોતી. તેમને આપણા કરતાં કલાક વહેલી જાણ થઈ હતી.
કોઈક પ્રકારની લઘુતાગ્રંથિથી અત્યારના શાસકો પીડાય છે. સ્વતંત્રતા અને તેજસ્વીતા તેઓ ખમી શકતા નથી. એટલે તો મોટી આશા પેદા કર્યા પછી નરેન્દ્ર મોદી ફ્લોપ શો સાબિત થયા છે. ગલઢાં ગાડાં વાળે, જેનું કામ જે કરે અને સંઘબળ(ટીમ સ્પિરિટ)ને લગતી લોકવાર્તાઓ વડા પ્રધાને સાંભળી હોય એમ લાગતું નથી. શ્રેયમાં કોઈ ભાગીદાર ન બનવું જોઈએ એની લ્હાઈમાં આવી સ્થિતિ પેદા થઈ છે.
રિઝર્વ બેન્કના નવા ગવર્નર શક્તિકાંત દાસ વિષે પણ તમે બહુ ખાસ નહીં જાણતા હો, પણ તેમનો ચહેરો તમને જરૂર જાણીતો લાગશે. નોટબંધી વખતે રોજ સાંજે પત્રકારોને મળીને બ્રીફિંગ આપનારા અને થઈ રહેલી ક્રાંતિના ગુણગાન ગાનારા. ગવર્નરપદ તેમને શિરપાવ તરીકે મળ્યું લાગે છે. કદાચ એવું પણ બને કે સંજોગો બદલાય એ પછી કે નિવૃત્તિ પછી શક્તિકાંત દાસ પણ મોઢું ખોલે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 13 ડિસેમ્બર 2018
![]()


વાત નીકળી જ છે તો પરિણામોનું વિવરણ કરતાં પહેલાં સમવાય ભારતમાં યોજાતી વિધાનસભાઓની ચૂંટણીઓ વિષે વાત કરી લેવી જોઈએ. હમણાં કહ્યું એમ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પછી અત્યાર સુધીમાં બાવીસ અને અત્યારે યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એમ કુલ ૨૭ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી યોજાઈ છે. બે લોકસભાની ચૂંટણી વચ્ચે જો અંદાજે અઢી ડઝન રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાતી હોય તો શાસકોએ તેને કઈ રીતે જોવી જોઈએ? આપણા અનોખા વડા પ્રધાને વડા પ્રધાન તરીકેનો તેમનો ઓછામાં ઓછો દસથી ૧૫ ટકા ટકા સમય રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરવામાં ખર્ચ્યો છે જે એક રેકોર્ડ છે. આવું આ પહેલાં ક્યારે ય બન્યું નથી. વડા પ્રધાન ચૂંટણી-પ્રચારકના મૉડમાંથી બહાર જ નથી આવી શક્યા. ચૂંટણી પ્રચારમાં જીત મહત્ત્વની હોવાથી, ગમે તેમ બોલવાની લાલચ રોકી શકાતી નથી, જેમાં સરવાળે વડા પ્રધાનની આબરૂ ખરડાઈ છે. આ ફેડરલ ઇન્ડિયા છે જેમાં રાજ્યોમાં ચૂંટણીઓ યોજાયા જ કરે, જગત આખામાં લોકશાહી દેશોમાં પ્રાંતોમાં ચૂંટણી યોજાતી રહે છે એટલે તેને પ્રતિષ્ઠાના જંગ તરીકે કે લોકપ્રિયતાના બેરોમીટર તરીકે નહીં જોવી જોઈએ.