યુરોપના સંસ્થાનવાદે માત્ર ભારતને ગુલામ નહોતું બનાવ્યું; એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના બીજા ઘણા દેશોને ગુલામ બનાવ્યા હતા. સૌથી મોટો ફરક એ હતો કે કોઈ દેશ ભારત જેવડો મોટો નહોતો. ૧૭૭૬માં અમેરિકા સ્વતંત્ર થઈ ગયું હતું. કોઈ દેશમાં ભારત જેટલી પ્રજાકીય વિવિધતા નહોતી, ભાષાની વિવિધતા નહોતી, સાંસ્કૃતિક વિવિધતા નહોતી, સેંકડોની સંખ્યામાં દેશી શાસકો નહોતા, કુદરત એટલી મહેરબાન હતી કે એમાં પણ વિવિધતા હતી. દરેક રીતે ભારત એક અદ્ભુત દેશ હતો. તેમને અનુભવે એ પણ સમજાયું કે આ દેશની પ્રજા સંસ્કૃતિશૂન્ય નથી અથવા આફ્રિકા અને લેટિન અમેરિકામાં જોવા મળ્યું હતું એમ આદિવાસીઓની હોય છે, એવી પ્રાથમિક સભ્યતા પણ નહોતી. આ દેશની સંસ્કૃતિને ભલે લૂણો લાગ્યો હોય; પણ એ છે પ્રાચીન, અંદરથી સમૃદ્ધ અને ટકાઉ.
બીજી વાત તેમના ધ્યાનમાં એ આવી કે આ દેશની પ્રજા વચ્ચે ઝઘડવાનો સંબંધ છે, સંપીને રહેવાનો સંબંધ છે, એકબીજા પ્રત્યે ઉદાસીનતાનો પણ સંબંધ છે અને પરસ્પરાવલંબનનો પણ સંબંધ છે. આ દેશની પ્રજા આગ્રહ વિનાની લચીલી પણ છે અને દુરાગ્રહી પણ છે. આવું તે કાંઈ હોતું હશે? ઝઘડો અને સંપ, ઉદાસીનતા અને પરસ્પરાવલંબન, લવચીકતા અને દુરાગ્રહ એક સાથે કઈ રીતે હોઈ શકે? તેમના માટે આ કોયડો હતો.
આને કારણે જે માર્ગ તેમણે બીજા ગુલામ દેશોમાં અજમાવ્યો હતો એ માર્ગ ભારતમાં ચાલે એમ નથી એ તેમને ધીરે ધીરે સમજાવા લાગ્યું. તમે આફ્રિકાનો નકશો જોશો તો ધ્યાનમાં આવશે કે તેના યુરોપિયન માલિકોએ એ રીતે ભૂમિની વહેંચણી કરી હતી કે જાણે ચાકીમાં મોહનથાળનાં ચોસલાં પાડ્યાં હોય. સીધી લાઈનો ખેંચીને ભૂમિના ભાગ પાડ્યા હતા જે આજે દેશ કે રાષ્ટ્ર તરીકે ઓળખાય છે. ખેડૂતની જમીનના શેઢા પણ આવી રીતે સીધી લાઈનના હોતા નથી. કેટલાંક સંસ્થાનો તો તેના માલિકોની એસ્ટેટ જેવાં હતાં, જેમ કે રોડેશિયા જે સિસિલ રોહ્ડ્સની માલિકીનો હતો. કેટલીક જગ્યાએ મૂળ પ્રજાઓનું જાતિનિકંદન કાઢવામાં આવ્યું હતું તો કેટલીક જગ્યાએ તેને અક્ષરસ: ગુલામ બનાવી દેવામાં આવી હતી.
આમ અંગ્રેજોને ધ્યાનમાં આવી ગયું કે અન્ય સંસ્થાનોમાં અને ભારતમાં ફરક છે. અન્ય સંસ્થાનોમાં જે માર્ગ અપનાવવામાં આવ્યો હતો, એ ભારતમાં ચાલે એમ નથી. ભારત જેવા દેશને એસ્ટેટમાં ફેરવી શકાય એમ નથી, ભારતની પ્રજાનું જાતિનિકંદન શક્ય નથી અને તેને ગુલામ પણ બનાવી શકાય એમ નથી. આ સિવાય ભારતમાં પહેલો સાંસ્થાનિક પ્રયોગ કરનારા પોર્ટુગીઝોનો અનુભવ તેમની સામે હતો. પોર્ટુગીઝોએ લાંબો વિચાર કર્યા વિના ધર્મપ્રચાર સહિત દરેક રીતે આક્રમક વલણ અપનાવ્યું હતું જેને કારણે તેમને સમગ્ર ભારતને સંસ્થાન બનાવવામાં સફળતા મળી નહોતી.
તો પછી ભારત જેવા દેશમાં શાસન કરવામાં કયો માર્ગ અપનાવવો જોઈએ? એવું શું કરવું જોઈએ કે જેથી લાંબો સમય સુધી શાસન કરી શકાય અને ભારતનું શોષણ કરી શકાય? ભારતમાં પ્રસ્થાપિત સામાજિક-આર્થિક વ્યવસ્થાને કઈ રીતે સ્પર્શવી જોઈએ? આ એવી વ્યવસ્થા છે જે ગમે તેવી સડેલી કે સત્ત્વહીન હોય તો પણ સેંકડો વરસથી ટકેલી છે અને પ્રજાએ આપનાવેલી છે. જગતના બીજા કેટલાક ગુલામ દેશોની માફક પાટી ભૂંસીને કોરી પાટીએ શાસન શક્ય નથી. જૂનું ચિતરામણ ભૂંસી શકાય એમ નથી. વળી એ અત્યંત જટિલ છે, તેનાં પર બારીક નજર કરશો તો ચિત્ર પણ ઉપસતું નજરે પડશે અને ઊકલે નહીં એવા લીટોડા પણ નજરે પડશે. આમ નવેસરથી શ્રી ગણેશ શક્ય નથી અને જૂના ગણેશજીને હજારો સૂંઢો છે અને માપી ન શકાય એવું મોટું અને ઊંડું પેટ છે.
અહીં એક વાત નોંધવી જોઈએ કે અંગ્રેજોએ જેટલો ભારતને સમજવાનો પ્રયાસ કર્યો છે એટલો ભારતની પ્રજાએ ભારતને સમજવાનો ક્યારે ય પ્રયાસ કર્યો નથી. કારણ કે તેમને આ દેશનું શોષણ કરીને સમૃદ્ધ થવું હતું અને એ તેમને માટે પુરુષાર્થ હતો.
બે માર્ગ તેમને નજરે પડતા હતા. એક તો એ કે જે ટકાઉ ઢાંચો છે તેને એમને એમ જાળવી રાખવામાં આવે. અંગ્રેજ અમલદારોએ અનિવાર્ય હોય એટલા ફેરફાર કરીને એ ઢાંચો અપનાવી લેવો જોઈએ. બીજો એ કે ધીરે ધીરે કે પછી જોખમ ઊઠાવીને ઝડપથી જૂનો ઢાંચો તોડી નાખવામાં આવે અને તેની જગ્યાએ બ્રિટિશ પાશ્ચાત્ય ઢાંચો લાગુ કરવામાં આવે. આ બેમાંથી કયો માર્ગ અપનાવવો જોઈએ એ વિશે તેમની અંદર પ્રચંડ મનોમંથન ચાલ્યું હતું. અંગ્રેજો જે નિર્ણય લે એના પર ભારતનું ભાવિ અવલંબિત હતું. આ મનોમંથન, કહો કે સમુદ્રમંથન, છ દાયકા સુધી ચાલ્યું હતું, જેની ભારતની પ્રજાને બહુ ઓછી જાણ હતી. ભારતની પ્રજાનું ભાવિ પરાયા નક્કી કરવાના હતા. જૂનું, ખખડી ગયેલું પણ ટકાઉ ભારત? અથવા નવું ભારત? કે પછી બેના મિશ્રણવાળું ભારત? જો મિશ્રણ કરવું હોય તો પ્રમાણ કેવું હોવું જોઈએ? જેટલો તમે તમારા પરિવારના કલ્યાણ માટે પણ સાંગોપાંગ વિચાર નહીં કર્યો હોય એટલો વિચાર તમારે અંગે તમારું શોષણ કરવા આવેલા શોષકોએ કર્યો હતો. છે ને કમાલની વાત!
શરૂઆતમાં પ્રબળ મત તો એવો હતો કે આ સળ ન સૂઝે એવા જટિલ સમાજના ઢાંચાને ખાસ હાથ લગાડ્યા વિના અપનાવી લેવામાં આવે. તેમના ધ્યાનમાં આવ્યું હતું કે હિંદુ સવર્ણો અને ભદ્ર મુસલમાનો અનુક્રમે પાઠશાળાઓમાં અને મદરસાઓમાં ગમે તેવું પણ શિક્ષણ તો મેળવે છે. એમાં જ થોડું ખપ પૂરતું ઉમેરણ કરવું જોઈએ. એના દ્વારા દેશી નોકરો પેદા કરી શકાશે; પણ શરત એ છે કે વહીવટ દેશી અને પર્શિયન ભાષામાં ચાલશે અને વહીવટીતંત્ર પર નજર રાખવા માટે અંગ્રેજ અમલદારોએ દેશી ભાષાઓ અને પર્શિયન શીખી લેવી પડશે.
૧૭૮૧માં વોરેન હેસ્ટિંગે કલકતામાં મદરસાની સ્થાપના કરી હતી. ૧૭૯૧માં બનારસના કંપની સરકારના રેસીડન્ટ જોનાથન ડંકનના કહેવાથી લૉર્ડ કાર્નવૉલીસે બનારસમાં હિંદુઓ માટે સંસ્કૃત કોલેજની સ્થાપના કરી હતી, જે અત્યારે સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય તરીકે ઓળખાય છે. આની પાછળનો ઉદ્દેશ ભારતીય મસ્તિષ્ક જેના દ્વારા ઘડાયું છે એ સમજવાનો હતો. આ ઉપરાંત પ્રબળ કુતૂહલવૃત્તિ પણ તેમનામાં હતી.
પણ એનો અર્થ એવો નથી કે અંગ્રેજીના પક્ષધર ચૂપ હતા. તેમને સતત એવું લાગતું હતું કે સરકારે થોડું થોડું જોખમ ઊઠાવતા જવું જોઈએ. ૧૭૯૭માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સંચાલકો સમક્ષ અંગ્રેજી ભાષામાં શિક્ષણ આપવાનો પહેલો પ્રસ્તાવ રાખનારા સર ચાર્લ્સ ગ્રાન્ટ હતા. કંપનીના સંચાલકોએ તે તરફ ધ્યાન આપ્યું નહોતું અને તેનું કારણ રસપ્રદ છે.
બન્યું એવું કે મિશનરીઓએ કલકત્તા નજીક સિરામપોરમાં છાપખાનાની સ્થાપના કરી અને ભારતીય ભાષાઓમાં બાયબલ છપાવ્યું એ પછી કેટલાક બ્રાહ્મણોએ ધર્મપરિવર્તન કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. મિશનરીઓ ગેલમાં આવી ગયા હતા. હાંસિયામાં જીવતી ભારતની પછાત પ્રજા ખ્રિસ્તી થાય એનાથી હિંદુ ધર્મના પાયાને ખાસ કોઈ અસર નહોતી થતી. તેઓ નામ પૂરતા હિંદુ હતા અને હિંદુ સાંસ્કૃતિક પરિવેશમાં હાંસિયામાં હતા. જો બ્રાહ્મણો ખ્રિસ્તી બને તો હિંદુ ધર્મના પાયાને હચમચાવી શકાય. આમાં સિરામપોરમાં છપાયેલા બાયબલ પછી અચાનક તેમને અણધાર્યું પરિણામ હાથ લાગ્યું. હિંદુ સમાજના જે કેન્દ્રમાં છે એની જ શ્રદ્ધા જો ડગમગી જાય તો પછી પૂછવું જ શું? એ પછી બીજી પ્રજા બ્રાહ્મણોને જરૂર અનુસરશે, કારણ કે બીજી પ્રજાને તો ઉપરથી ખ્રિસ્તી ધર્મમાં સામાજિક સમાનતા પણ મળવાની હતી. એક બાજુ ભારતીય ભાષાઓને સમૃદ્ધ કરનારા મિશનરીઓ હવે નવું પરિણામ હાથ લાગતાં અંગ્રેજી ભાષાના આગ્રહી થઈ ગયા. તેમનો મૂળ ઉદ્દેશ તો ધર્મપ્રચારનો હતો અને હિંદુ ધર્મના મહેલને ઉધ્વસ્ત કરવાનો હતો. જો અંગ્રેજી ભાષા દ્વારા મોટી માછલીઓ જાળમાં ફસાતી હોય તો અંગ્રેજી ભાષા શા માટે નહીં?
આ તો હિંદુ સમાજ ને! ડાયનાસોર જેવા હિંદુ સમાજનાં વિરાટ પશુનાં છેવાડાનાં અંગો ખરી પડતાં હતાં તેની તેને જાણ જ નહોતી અને જો જાણ હતી તો કોઈ ફરક નહોતો પડતો. મિશનરીઓને પણ આ ઉદાસીનતા જોઈને આશ્ચર્ય થતું હતું. આવો તે કેવો સમાજ જેનાં છેવાડાનાં અંગો ખરી રહ્યા છે અને તેને કોઈ ફરક પડતો નથી! એની વચ્ચે અચાનક સીધો ડાયનાસોરના હ્રદય ઉપર ઘા પડ્યો. કેટલાક (આમ તો મુઠ્ઠીભર) બ્રાહ્મણો ખ્રિસ્તી થયા અને ડાયનાસોરે ક્રુદ્ધ નજરે પણ એ સાથે જ ડરીને કંપની તરફ જોવાનું શરૂ કર્યું. બે શબ્દો ખાસ ધ્યાનમાં લેજો. ‘ક્રુદ્ધ નજરે’ પણ ‘ડરીને’.
આ બાજુ કંપની પણ હિંદુ સવર્ણોની ક્રુદ્ધ નજર જોઈને ડરી ગઈ અને અંગ્રેજી દાખલ કરવાનું જોખમ ઊઠાવવાનું એ સમયે મુલતવી રાખ્યું. મુલતવી રાખ્યું હતું, માંડી નહોતું વાળ્યું; કારણ કે ડાયનાસોરની આંખમાં ડર પણ તેમણે ભાળ્યો હતો. હિંદુ સવર્ણોના મનમાં એક જ સમયે અને એક સાથે પાશ્ચાત્ય સભ્યતા માટે આકર્ષણ પણ હતું, ડર પણ હતો અને ક્રોધ પણ હતો એ અંગ્રેજોનાં ધ્યાનમાં આવી ગયું. તેમના ધ્યાનમાં એ પણ આવ્યું કે તેઓ જે પકડી રાખવા માંગે છે એની પાછળ દ્રઢ શ્રદ્ધાનો અભાવ છે, માત્ર રુઢિગત અભિમાન છે. મિશનરીઓ જે છોડાવવા માગતા હતા એમાં દ્રઢ શ્રદ્ધાનો રણકો હતો અને બ્રાહ્મણો જે પકડી રાખવા માગતા હતા તેમાં ક્યાંક કોઈક જગ્યાએ શ્રદ્ધાનો અભાવ હતો. કંપનીના હાકેમો ઉતાવળ કર્યા વિના ઝીણી નજરે જે બની રહ્યું હતું એ જોતા હતા અને એક એક ડગલું માંડતા હતા. જરૂર પડ્યે મિશનરીઓને વારતા હતા અને જરૂર પડ્યે પ્રોત્સાહન આપતા હતા. આગળ કહ્યું એમ જેટલો તમે તમારા પરિવારના કલ્યાણ માટે પણ સાંગોપાંગ વિચાર નહીં કર્યો હોય એટલો વિચાર તમારે અંગે તમારું શોષણ કરવા આવેલા શોષકોએ કર્યો હતો.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 01 માર્ચ 2020