આપણે જોયું કે ભારતમાં મુઘલ સામ્રાજ્યનો અસ્ત શરૂ થયો અને અંગ્રેજોનું રાજ્ય મૂળિયાં જમાવતું ગયું ત્યારે મુસલમાનોનો અભિગમ મૂળ તરફ પાછા ફરવાનો હતો. મુસલમાનોએ ઇસ્લામનાં મૂળ તત્ત્વો છોડ્યાં એટલે રાજ ગુમાવ્યું એમ કહેવામાં આવ્યું. પૂર્વાશ્રમના હિંદુ સંસ્કાર ધરાવતા વટલાયેલા ભારતીય મુસલમાનોને પાક્કા મુસલમાન બનાવવાનું શરૂ કર્યું. ભારતીય ઇસ્લામની વેગળી ઓળખને નકારવાનું શરૂ થયું. ભારતના મુસલમાનો ઉપર ઈરાની પ્રભાવ હતો તેને પણ નકારવાનું શરૂ કર્યું. સૂફીઓના પ્રભાવને નકારવામાં આવ્યો. ભારતને દારુલ હર્બ જાહેર કરવામાં આવ્યું. હિજરત અથવા જેહાદનો માર્ગ અપનાવવામાં આવ્યો. ભારતની સીમાની બહાર મુસ્લિમ વિશ્વબંધુત્વ પર નજર નાખવામાં આવી. આ બધું મુસલમાનોની અંદર પુનર્જાગરણ માટેના એક, એક નહીં એક માત્ર ઈલાજ તરીકે કરવામાં આવ્યું હતું. જો ગયેલો સુવર્ણયુગ પાછો લાવવો હોય તો આ જ એક માર્ગ છે એમ વહાબીઓ અને શાહ વલીઉલ્લાહના અનુયાયીઓ કહેતા હતા.
આનું દેખીતું પરિણામ એ આવ્યું કે મુસલમાનોનું વલણ અંગ્રેજોની વિરુદ્ધમાં તીવ્ર થતું ગયું. ભારત જો દારુલ હર્બ હોય તો શાસક તરીકે અંગ્રેજોનો સ્વીકાર કેમ થઈ શકે? અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા માટે મુસલમાનોએ જોઈએ તો હિંદુઓનો સાથ લેવો જોઈએ એમ પણ કહેવામાં આવતું હતું. આશ્ચર્ય એ વાતનું છે કે ૧૭૦૭માં ઔરંગઝેબના મૃત્યુ પછી મુસલમાનોએ શું કરવું જોઈએ એની જે ચર્ચા શરૂ થઈ હતી એમાં સામે પ્રતિવાદ કરનારો કોઈ પક્ષ જ નહોતો. ૧૮૫૭ના વિદ્રોહ સુધી આખી ચર્ચા જ એક પક્ષીય હતી. એવો એક પણ સૂર નહોતો જે એમ કહેતો હોય કે ભારત આપણું માદરે વતન છે અને ભારતમાં મુસલમાન અને હિંદુઓ એમ બંને અંગ્રેજોના ગુલામ છે એટલે જે કોઈ માર્ગ અપનાવવો હોય એ સહિયારો અપનાવવો જોઈએ. હિંદુ આ દેશમાં બહુમતીમાં છે અને તેમની લાંબી અને સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા છે એ ધ્યાનમાં રાખીને મુસલમાનોએ વહેવારુ માર્ગ અપનાવવો જોઈએ. હવે પછીના યુગમાં હિંદુઓની ઉપેક્ષા કરવી શક્ય નથી. આવું કહેનારો એક પણ મુસ્લિમ વિચારક ૧૭૦૭થી લઈને ૧૮૫૭ વચ્ચેનાં દોઢસો વર્ષમાં થયો નહોતો. દોઢસો વર્ષના મુસ્લિમ વિમર્શમાં સામે છેડે પ્રતિવાદ કરનારો કોઈ અવાજ જ ન હોય એ આશ્ચર્યની વાત હતી અને મારો એવો મત છે કે એને કારણે ભારતીય મુસલમાનોને બહુ મોટું નુકસાન થયું છે.
અંગ્રેજોએ આ પણ નોંધ્યું હતું. તેમને એમ લાગ્યું હતું કે ભારતીય મુસલમાનો લગભગ એક અવાજે અંગ્રેજોના શાસનની વિરુદ્ધ છે. તેઓ એવા તારણ પર પણ આવ્યા હતા કે ભારતમાં અંગ્રેજી રાજ સામે સૌથી મોટું જોખમ મુસલમાનો તરફથી છે. તેઓ સ્વાભાવિકપણે મુસલમાનો તરફ નજર રાખતા હતા.
આ બાજુ હિંદુઓમાં અંગ્રેજો માટે ખાસ કોઈ નફરત નહોતી. તુલસીદાસ જ કહી ગયા છે કે રાજા આવે ને જાય પ્રજાને શું ફરક પડે છે! વળી હિંદુઓએ પાછા ફરવાપણું હતું પણ નહીં. પાછા ફરવું હોય તો પાછા ફરીને ક્યાં જવું એ બાબતમાં કોઈ એકવાક્યતા હતી નહીં. નથી પેગંબર કે નથી પુસ્તક. દેશની ભૂમિને હિંદુ ભૂમિ કે શત્રુ ભૂમિ જેવી ઓળખો આપવી એ પણ તેને માટે કલ્પના બહારની વાત હતી. શાસ્ત્રમાં બતાવેલ શુદ્ધ ટકોરાબંધ હિંદુ કેવો હોય એનું ઉદાહરણ આજ સુધી કોઈ હિંદુએ જોયું જ નથી. આમ હિન્દુના મનમાં અંગ્રેજ શાસન સામે કોઈ ઊંડી નફરત નહોતી. હિંદુઓને અંગ્રેજો સામે એક જ વાતે ફરિયાદ હતી અને તે સામાજિક રીતિરિવાજને લઈને. અંગ્રેજો એમાં હસ્તક્ષેપ ન કરે તો હિંદુઓ તરફથી અંગ્રેજોને ભય રાખવા માટે કોઈ કારણ નહોતું.
અંગ્રેજોએ રિયાસતો પાસેથી લશ્કર છીનવી લેવાનું શરૂ કરી જ દીધું હતું કે જેથી હિંદુઓમાં કોઈ શિવાજી ન પાકે અને મુસલમાનોમાં કોઈ કર્ણાટક ટાયગર ટીપુ ન પાકે. પાકે તો પણ લશ્કર અને શસ્ત્ર-સરંજામ ક્યાંથી લાવે? આ સિવાય તેમણે તક મળે ત્યાં રિયાસતો ખાલસા કરવા માંડી. તેમની ગણતરી ૧૯મી સદીના અંત સુધીમાં તમામ રિયાસતોને એક કે બીજે માર્ગે ખતમ કરી નાખવાની હતી. એક વાર રિયાસતોની ખસી કરી નાખવામાં આવે અથવા ખાલસા કરી નાખવામાં આવે એ પછી અંગ્રેજ રાજ સામે જે કોઈ ભય બચતો હતો એ પ્રજાકીય ભય જ બચતો હતો, રાજકીય કે લશ્કરી નહીં. આ મુદ્દાને સમજવાનો પ્રયાસ કરજો. આવડા મોટા દેશમાં, છ હજાર માઈલ્સ દૂરથી આવેલા મુઠ્ઠીભર વિદેશી શાસકોએ એવી વ્યવસ્થા કરી હતી કે તમને જે કોઈ ભય હતો એ પ્રજાકીય હતો; રાજકીય કે લશ્કરી નહોતો. પ્રજાકીય ભય તો હંમેશાં રહેતો હોય છે. કોઈ શાસક એનાથી મુક્ત નથી હોતો અને જો શાસન અન્યાય અને શોષણ કરનારું હોય તો પ્રજાકીય ભય વધારે રહેતો હોય છે.
પ્રજાકીય ભય પણ આગળ કહ્યું એમ મુસલમાનો તરફથી વધુ હતો. તેઓ લગભગ એક અવાજે અંગ્રેજોનો વિરોધ કરતા હતા. તેઓ બહારના મુસ્લિમ દેશો તરફ મદદની ગુહાર કરતા હતા અને કેટલાક જેહાદનો માર્ગ અપનાવતા હતા. મુસલમાનોની તુલનામાં હિંદુઓ તરફથી પ્રજાકીય ભય ઓછો હતો એ અંગ્રેજોનાં ધ્યાનમાં આવ્યું હતું. ૧૮૫૭ના વિદ્રોહમાં વસ્તીના પ્રમાણમાં મુસલમાનોનો સહભાગ હિંદુઓ કરતાં ઘણો વધુ હતો એ આ વાત સિદ્ધ કરે છે. એ સમયે મુસલમાનોની લડત ધાર્મિક વધુ હતી તો હિંદુઓની લડત સામાજિક વધુ હતી. રહી વાત રિયાસતોની તો ૧૮૫૭ના વિદ્રોહમાં ભાગ લેવા માટે દરેકનાં પોતાનાં અંગત કારણો હતાં જેમ કે ઝાંસીની રાણીનું લડવાનું કારણ દત્તક પુત્રને પાટવી કુંવર તરીકે માન્યતા અપાવવાનું હતું. રાષ્ટ્ર અને આઝાદીની તો ત્યારે કોઈ વાત જ નહોતી. એ તો એ વિદ્રોહની ઘટના પર પાછળથી પહેરાવવામાં આવેલો મુગટ છે, જેમ અત્યારે મુસ્લિમ ફકીર સાંઈબાબાને મુગટ પહેરાવીને તેમનું હિંદુકરણ કરવામાં આવી રહ્યું છે.
હવે મુસલમાનોમાં અંગ્રેજવિરોધી વલણની તીવ્રતાને કારણે અને હિંદુઓની અંગ્રેજો પરત્વેની ઉદાસીનતાને કારણે અથવા વિરોધમાં જોઈએ એટલી તીવ્રતાના અભાવના કારણે એક બીજું પરિણામ આવ્યું. ઈ. સ. ૧૮૦૦ની સાલ પછી ભારતમાં અંગ્રેજરાજ એટલી હદે મજબૂત થઈ ચૂક્યું હતું કે હવે તેને સદી-બે સદી હટાવવું મુશ્કેલ હતું. અંગ્રેજોએ ભારતમાં રાજકીય સ્થિરતા મેળવ્યા પછી શાસનનો નવો ઢાંચો દાખલ કરવા માંડ્યો. તેઓ તેમને ત્યાનું ન્યાયતંત્ર અને વહીવટીતંત્ર ભારતમાં દાખલ કરવા માંડ્યા અને એ સારુ પાશ્ચાત્ય શિક્ષણ લાગુ કર્યું કે જેથી ભારતીય અમલદારો મળી રહે. ૧૮૫૭ની સાલમાં વિદ્રોહ થયો ત્યાં સુધીમાં અંગ્રેજી શિક્ષણ મેળવેલી પહેલી પેઢી ભારતમાં આવી ગઈ હતી અને તે લગભગ સો ટકા હિંદુઓની હતી. સો ટકા હિંદુઓની, કારણ કે મુસલમાનો તો તીવ્રપણે અંગ્રેજોનો વિરોધ કરતા હતા અને તેમના બાળકોને મદરસાનું શિક્ષણ આપવાનો આગ્રહ રાખતા હતા.
હવે સરકારી નોકરી કરનારા ગુજરાતના નાગરોને અને ઉત્તરના કાયસ્થોને પર્શિયન ભાષા શીખવાની જરૂર નહોતી રહી. હવે અચકન અને ભદ્ર મુસલમાન પહેરતા એવી ફર કેપ પહેરવાની જરૂર નહોતી રહી. હવે અંગ્રેજી ભાષાનો દબદબો હતો. નોકરિયાત હિંદુ વર્ગે પારસીઓને અનુસરીને કોટ-પાટલુન અને પાઘડીનો સમન્વય કર્યો હતો. પગથી માથા સુધી અંગ્રેજ અને માથાની ઓળખ ભારતીય. ભારતને જુગાડુ દેશ તરીકે ઓળખાવવામાં આવે છે. આ પણ એક જુગાડ હતો. યાદ રહે, જુગાડ એ જ કરી શકે જેમાં લચીલાપણું હોય. જિદ્દ અને જુગાડ સાથે ન જાય. મુસલમાનો આવો કોઈ જુગાડ ન કરી શક્યા માટે નક્કર અંગ્રેજી રાજના નક્કર લાભોથી વંચિત રહેવા લાગ્યા.
ભારતમાં અંગ્રેજ રાજ એ નકારી ન શકાય એવી નક્કર વાસ્તવિકતા છે અને માટે ભારતીય પ્રજાને જે કોઈ નક્કર લાભ (અને ગેરલાભ પણ) થવાનો છે તે અંગ્રેજો દ્વારા જ થવાનો છે એ વાત મુસલમાનોને ૧૮૫૭ના વિદ્રોહમાં થયેલા પરાજય સુધી નહોતી સમજાઈ. ૧૮૫૭ સુધી તેઓ દારુલ હર્બ અને દારુલ ઇસ્લામની ચર્ચા કરતા રહ્યા. ત્યાં સુધી તેઓ હિજરત અને જેહાદના માર્ગને ફંફોસતા રહ્યા. ત્યાં સુધી તેઓ પાશ્ચાત્ય શિક્ષણને નકારતા રહ્યા.
૧૮૫૭ના વિદ્રોહની નિષ્ફળતાએ બે વાત સિદ્ધ કરી આપી. એક તો એ કે ભારતમાં અંગ્રેજ રાજ સદી-બે સદી માટેની વાસ્તવિકતા છે. હવે મુસલમાનોએ નક્કી કરવાનું હતું કે દારુલ હર્બમાં કઈ રીતે રહેવું? તેને નકારનારા અને તેની સામે સતત લડનારા ‘સાચા’ મુસલમાન તરીકે કે પછી અંગ્રેજોની રૈયત તરીકે? અને બીજું હિંદુઓ અંગ્રેજી રાજનો સ્વીકાર કરીને અથવા કહો કે તેને નહીં નકારીને તેનો લાભ લેવામાં એક પેઢીથી આગળ નીકળી ગયા હતા.
મુસલમાનોએ શું કરવું જોઈએ? હવે વાસ્તવિકતાનું ભાન થવા છતાં જેહાદ કરીને, અંગ્રેજોને તગેડીને, ફરી એકવાર મુસ્લિમ શાસન સ્થાપિત કરવનાં સપનાં જોવાં એ શેખચલ્લીનાં સપનાં હતાં. તો પછી શું કરવું જોઈએ? આનો જવાબ સર સૈયદ અહમદ ખાન લઈને આવે છે.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 10 મે 2020