બહુ દૂરની ઘટના નથી. આ દેશની જાગતી પ્રજાએ એ સમયના ભારતના રાષ્ટ્રપતિના પુત્ર પાસે માફી મગાવી હતી. ૨૦૧૨ના ડિસેમ્બર મહિનામાં દિલ્હીમાં નિર્ભયા ઉપર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો અને છેવટે તેણે પ્રાણ ગુમાવ્યા એના વિરોધમાં દિલ્હીમાં અને દેશભરમાં પ્રચંડ આદોલન થયું હતું. લોકો રસ્તા ઉપર ઊતરી આવ્યા હતા અને નિર્ભયાને ન્યાય મળે એવી માગણી કરતા હતા. આંદોલનમાં મહિલાઓ અગ્રેસર હતી. એ આંદોલનકારી મહિલાઓ વિશે એ સમયના દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અને કૉન્ગ્રેસના નેતા અભિજિત મુખર્જીએ મજાક કરતાં કહ્યું હતું કે ‘ડેન્ટેડ એન્ડ પેઇન્ટેડ વિમેન’નું આ આંદોલન છે. ‘ડેન્ટેડ એન્ડ પેઇન્ટેડ’નો અર્થ એ કે આંદોલન કરનારી મહિલાઓ મેકઅપ કરીને પોતાના ચહેરા ઉપરના ખાડા અને કરચલીઓ ઢાંકનારી ખાતીપીતી મહિલાઓ છે.
અભિજિત મુખર્જીને આવી અભદ્ર અને અસંવેદનશીલ કમેન્ટ ભારે પડી ગઈ હતી. દેશભરમાંથી એટલો વિરોધ થયો કે અભિજિત મુખર્જીને જાહેરમાં માફી માગવી પડી હતી અને એ પહેલાં તેમના બહેન શર્મિષ્ટા મુખર્જીએ ભારતીય મહિલાઓની અને નિર્ભયાની માફી માગી હતી. એ સમયે અભિજિત મુખર્જીનો કોઈએ બચાવ કર્યો નહોતો. કરી શકાય એમ હતો પણ નહીં.
આજે હવે આપણે પ્રગતિ કરી છે. માત્ર આઠ વરસમાં આટલી પ્રગતિ. આજે હવે અસંવેદનશીલ છોડો, નીચ કક્ષાની પ્રવૃત્તિ કરવામાં અને એવી ભાષામાં બોલવામાં કોઈને શરમ આવતી નથી. તેઓ સરેઆમ નીચતાનો બચાવ કરે છે. અને માફી? માફી તો નમાલાઓ માગે. આ તો બધા શૂરવીર છે. છેલ્લા એક વરસમાં કેટલી બધી શરમજનક ઘટનાઓ બની, પણ મને યાદ નથી કે કોઈએ શરમ અનુભવી હોય અને માફી માગી હોય!
આવું કેમ બન્યું હશે? કારણ કે આપણે શરમાવાનું છોડી દીધું છે. ભાઈ વાચક, હાથરસની ઘટના પછી તેં શરમ અનુભવી? દિલ રડ્યું? એ યુવતી પર શું વીત્યું હશે અને તેના માબાપનાં શાં હાલ હશે એની જરા સરખી કલ્પના કરતાં શરીરમાંથી પસાર થતા લખલખાનો અનુભવ કર્યો? એક પ્રકારની બેચેનીનો અનુભવ કર્યો? ઘણાએ નહીં કર્યો હોય અને જેમણે આવો અનુભવ નથી કર્યો એ માણસ કહેવડાવવાને લાયક નથી. કેટલાક તો બચાવ કરે છે. બાકીના મોઢું ફેરવી લે છે. બહુ ઓછા લોકો શરમ અનુભવે છે અને જે લોકો બોલે છે તેમને બેશરમીથી મૂંગા કરી દેવામાં આવે છે. માનવતાના આવાજો બીજાના કાને ન પડે એ માટે પ્રચંડ ઘોંઘાટની એક પ્રકારની યંત્રણા વિકસાવવામાં આવી છે. હાથરસની યુવતીની ચીખ તમારા સુધી ન પહોંચે એ માટે અર્ણવ ગોસ્વામીઓ બરાડા પાડે છે.
આપણે પણ હાથરસની યુવતીની ચીખ સાંભળવી નથી. માણસાઈ કેળવતા રખે ક્યાંક હિંદુ મટી જશું તો? જો માણસાઈ કેળવશું તો બીજાના અધિકારની કદર કરવી પડશે, દરેકને સમાન લેખવા પડશે, દરેકના માનવીય અધિકાર કબૂલ કરવા પડશે, કાયદાનું રાજ્ય સ્વીકારવું પડશે, સમાન ન્યાયના સિદ્ધાંતને સ્વીકારવો પડશે, વગેરે. આ બધું જાળવી રાખીને પણ હિંદુ તરીકે જીવી શકાય છે. ગાંધી, વિનોબા, વિવેકાનંદ, ટાગોર જેવા સેંકડો દાખલા ઉપલબ્ધ છે!
મેં આ કોલમમાં અનેક વાર કહ્યું છે કે એક દિવસ હિંસા તમારા બારણે આવીને ટકોરા દેવાની છે અને એ દિવસ દૂર નથી. પસંદગી તમારે કરવાની છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 ઑક્ટોબર 2020