આદર રળવાનો હોય કે માગવાનો હોય? સર્વોચ્ચ અદાલતના વકીલ પ્રશાંત ભૂષણે એક ટ્વીટ કરીને સર્વોચ્ચ અદાલતની અને દેશના મુખ્ય ન્યાયમૂર્તિની ટીકા કરી ત્યારે આ સવાલ પૂછવામાં આવ્યો હતો. આદર અધિકાર છે કે સામેની વ્યક્તિ દ્વારા જાળવવામાં આવતો વિવેક છે? એ સમયે આ પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો.
દેશની અને સર્વોચ્ચ અદાલતની વાત બાજુએ મુકીએ, આપણાં પોતાનાં ઘરમાં જો વડીલો કે ઘરના મુખ્ય કર્તા ન્યાયબુદ્ધિથી ન વર્તે, પક્ષપાત કરે તો તેમના પ્રત્યેના આદરમાં વધારો થાય કે ઘટાડો? શરૂઆતમાં આદરપૂર્વક વડીલનું ધ્યાન દોરવામાં આવે કે તમારું વલણ બરોબર નથી. એ પછી હજુ વધારે સ્પષ્ટતાથી કહેવામાં આવે કે તમે જે કરી રહ્યા છો એ બરાબર નથી. એ પછી પણ વડીલ જો ન્યાયબુદ્ધિથી ન વર્તે તો કુટુંબના નજીકના હોય એવા બીજા કોઈ વડીલ દ્વારા કહેવડાવવામાં આવે કે તેમણે ન્યાયબુદ્ધિથી વર્તવું જોઈએ. એ પછી પણ જો વડીલ પક્ષપાત કરે તો વડીલનો ધર્મ યાદ કરાવવામાં આવે અને એ પછી પણ જો વડીલ ન સુધરે તો? તો દીકરો બાપની જાહેરમાં આબરૂ કાઢે.
પરિવારના વડીલ તરીકેનો આદર સ્વાભાવિકપણે, કહો કે એક પ્રકારના અધિકારના ભાગરૂપે મળતો હોય છે. પરિવારના સભ્યો કુટુંબના મોભીનો એ અધિકાર સ્વીકારી લેતા હોય છે અને કોઈને તેની સામે વાંધો હોતો નથી. પણ પછી વડીલ તરીકેના અધિકારરૂપે મળેલો આદર જાળવી રાખવાની અને તેમાં ઉમેરો કરવાની જવાબદારી વડીલની કે પરિવારના સભ્યોની? વડીલ કાંઈ પણ કરે અને મારા માટેનો આદર મારો અધિકાર છે અને તારે આપવો જ રહ્યો એ તારી ફરજ છે એવું કહે તો એ લાંબો વખત ચાલે ખરું? વડીલ ‘બેશરમ’ બનીને ટીકા કરનારને નુકસાન પહોંચાડી શકવાની તાકાત ધરાવતા હોય તો કદાચ ડરના માર્યા પરિવારના સભ્યો ચૂપ રહે પણ કોઈ તો એવો નીકળે જે મોઢે સંભળાવી દે. આ ઉપરાંત પડોશીઓ અને આખું જગત વાતો કરે એનું શું? કેટલા મોઢે ગળણાં બાંધવા જશો? અહીં બેશરમ શબ્દ અવતરણ ચિહ્નમાં વાપરીને વજન આપ્યું છે એનું કારણ છે. ઊઘાડો પક્ષપાત કરતા રહ્યા પછી પણ અધિકારના ભાગરૂપે આદરની અપેક્ષા રાખે અને જો આદર નહીં આપે તો સજા કરીશ એવું જો કોઈ કહે કે કરે તો એવી વ્યક્તિને ‘બેશરમ’ તરીકે જ ઓળખાવી શકાય.
આપણા દેશમાં સર્વોચ્ચ અદાલતની હાલત પરિવારના પક્ષપાતી વડીલ જેવી છે. સર્વોચ્ચ અદાલતે અને એકંદર ન્યાયતંત્રે આદર રળવાનું અને આદરમાં ઉમેરો કરવાનું તો ક્યારનું છોડી દીધું છે. આદરમાં ઉમેરો ત્યારે થાય જ્યારે ન્યાયમૂર્તિ પ્રામાણિક હોય, કાયદાનો જાણકાર વિદ્વાન હોય, જેના ઉપર દેશનું ભવિષ્ય અવલંબિત છે એ બંધારણનો રખેવાળ હોય, જેને સૌથી વધુ ન્યાયની જરૂર છે એને પહેલો ન્યાય આપતો હોય અને જે નિર્ભય હોય. આ હું નથી કહેતો, બંધારણ ઘડનારાઓએ સર્વોચ્ચ અદાલતના જજો પાસેથી આવી અપેક્ષા રાખી છે. ભારતના અદના નાગરિકની છેલ્લી આશા સર્વોચ્ચ અદાલત છે અને ત્યાં તો તેને અન્યાય ન જ થવો જોઈએ અને ન્યાય મળવો જ જોઈએ એ માટે વિદ્વતા, પ્રામાણિકતા, નિર્ભયતા, પ્રતિબદ્ધતા અને પ્રાથમિકતાની અપેક્ષા રાખવામાં આવી છે.
હવે સ્થિતિ કેવી છે? સર્વોચ્ચ અદાલતમાં એવા જજો પણ છે અને ઠીકઠીક સંખ્યામાં છે જેનામાં ઉપર કહ્યા એ પાંચ ગુણમાંથી એક પણ ગુણ નથી. કોણ નથી જાણતું આ? ઉઘાડું સત્ય છે? આ પાંચેય વાના હોય એવા જજ તો રણમાં મીઠી વીરડીની માફક ભાગ્યે જ જોવા મળે છે. જજોની પસંદગીનો ચાળણો જ એવો રાખવામાં આવ્યો છે કે ચાલાક લોકો ચાળણાની દીવાલ પકડીને બચી જાય છે અને ઉપરના પાંચેય ગુણ હોય એવા ખરા અર્થમાં ‘ન્યાયમૂર્તિ’ ચળાઈ જાય છે. ચાળણો બનાવનારા એ, ચાળળો ચલાવનારા એ, માફક આવે એવા ન હોય એને ચાળી નાખનારા એ, માફક આવે એને બચાવી લેનારા પણ એ. લાભ કરાવી આપે એવા સમર્થોની ખિદમત કરનારા પણ એ. ઉપરથી તેઓ આદરની અપેક્ષા રાખે છે. ન આપો તો માગે છે. અધિકારના ભાગરૂપે માગે છે. ટીકા કરો તો ડરાવે છે, સજા કરે છે.
જ્યારે કોઈ ટીકા કરે ત્યારે ટીકાનું વાજબીપણું સાબિત કરવાની જવાબદારી ટીકા કરનારની છે. જેની ટીકા કરવામાં આવી હોય એનો એ અધિકાર છે કે તે ટીકા કરનારને પડકારે કે તું ટીકાનું વાજબીપણું સિદ્ધ કર. જજોએ પણ ટીકા કરનારાઓને પડકારવા જોઈએ કે ટીકાનું વાજબીપણું બતાવ. પ્રશાંત ભૂષણે તો સામે ચાલીને બે હાથ જોડીને કહ્યું હતું કે હું ટીકાનું વાજબીપણું સાબિત કરવા તૈયાર છું મને મોકો આપવામાં આવે. શા માટે મોકો આપવામાં નહીં આવ્યો? કારણ કે કોઠીમાં કાદવ ભર્યો છે. આક્કાઓના ગુલામ છે અને એ જાહેર થઈ જાય.
પ્રશાંત ભૂષણને ટીકાનું વાજબીપણું સાબિત કરવાનો મોકો આપવામાં ન આવ્યો એને કારણે, હું ફરી કહું છું કે એને કારણે સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરા ટીકા કરવામાં એક ડગલું આગળ ગયા છે. તેમણે ટ્વીટ કરીને સર્વોચ્ચ અદાલતની આકરી ટીકા કરી છે, સર્વોચ્ચ અદાલતના મકાનને ભગવા રંગે રંગ્યું છે અને ઉપર દેશના રાષ્ટ્રધ્વજની જગ્યાએ ભા.જ.પ.નો ઝંડો લહેરાવ્યો છે. તેમણે કહ્યું છે કે હું ટીકાનું વાજબીપણું સાબિત કરવાનો નથી, માફી માગવાનો નથી, દંડ ચૂકવવાનો નથી. મારી સામે ખટલો ચલાવવાનું નાટક કર્યા વિના સજા કરીને જેલમાં મોકલી દો. તેમણે સર્વોચ્ચ અદાલતને કહ્યું છે કે મારી પાછળ જે સમય તમે ખર્ચ કરવાના છો એ સમય એવા ખટલા હાથ ધરવામાં ખર્ચો જ્યાં ન્યાયબુદ્ધિ અને રહેમદિલીની તાત્કાલિક જરૂર છે. જે ન્યાયબુદ્ધિ અને રહેમદિલી અર્ણવ ગોસ્વામી માટે બતાવી છે એ ત્યાં બતાવો. પ્રશાંત ભૂષણ કરતાં એક ડગલું આગળ. ટીકા કરી છે, તેની જવાબદારી લઉં છું, જેલ જવા તૈયાર છું; તમે સાબિત કરો કે તમે ખરા અર્થમાં ન્યાયની ખુરશી ઉપર બેસવાને લાયક ‘ન્યાયાધીશ’ છો. આટઆટલા કેસ તમારી પાસે પડ્યા છે જે ખરા અર્થમાં પ્રાથમિકતા ધરાવે છે, જાહેર હિતના છે અને ન્યાયબુદ્ધિની કસોટી કરનારા છે. ઉઠાવો ધનુષ અને આપો પરીક્ષા. મને તમે ખુશી ખુશી જેલમાં મોકલી દો.
પ્રશાંત ભૂષણ કરતાં એક ડગલું આગળ. હજુ પણ જો જજો સમર્થોની સેવા કરતા રહેશે, પક્ષપાત કરતા રહેશે, આદરને અધિકાર માનવાનું અને ડરાવીને ટીકાકારોને ચૂપ કરવાનું વલણ ધરાવતા રહેશે તો હવે પછી બીજો કોઈ કુણાલ કામરા હજુ એક ડગલું આગળ જશે. જજસાહેબોને એટલી તો જાણ હશે જ સમાજમાં બધા લોકો કાયર નથી હોતા. ભલે ઓછી સંખ્યામાં પણ સમાજ નીડર અને બુદ્ધિમાન લોકોને પણ પેદા કરે છે. જે ગુણ જજો પાસે અપેક્ષિત છે એ વિદ્વતા, પ્રામાણિકતા, નિર્ભયતા, પ્રતિબદ્ધતા અને પ્રાથમિકતા અનેક નાગરિકો ધરાવતા હોય ત્યાં તમે શું કરશો? આ લોકો ઢોરને વળગેલી બગાઈની માફક સાચું બોલીને હેરાન કરતા જ રહે છે. સોક્રેટિસે પોતાના માટે કહ્યું હતું કે હું એથેન્સને વળગેલી બગાઈ છું.
ન્યાયાધીશોએ અનીતિ આચરવાનું છીંડું પાડ્યું અને આલોચના શરૂ થઈ. જેમ જેમ છીંડું પહોળું થતું ગયું એમ ટીકા પણ આકરી થવા લાગી. હજુ વધુ પહોળું થશે તો હજુ વધુ આકરી ટીકા થશે. આ તો સ્વાભાવિક ક્રમ છે. જ્યારે પહેલી આલોચના કાને પડી ત્યારે ‘ટીકા કરી જ કેમ, આદર આપ નહીં તો જેલમાં મોકલીશ’નું વલણ અપનાવવાની જગ્યાએ ટીકા કરનાર પાસે ટીકાનું વાજબીપણું સમજવાની કોશિશ કરી હોત તો આવી સ્થિતિ પેદા ન થાત. પ્રારંભમાં કહ્યું એમ આદર રળવાનો હોય, માગવાનો ન હોય.
જજો પાસે બે વિકલ્પ છે. એક આત્મનિરીક્ષણ કરે અને પોતાને તેમ જ ન્યાયતંત્રને સુધારે. જો એમ ન કરવું હોય તો રાજકારણીઓની જેમ જાડી ચામડી કેળવે. નેતાઓની કેવી ઠેકડી ઉડાડવામાં આવે છે, પણ કોઈ માઠું લગાડે છે? આમ પણ સ્થિતિ એવી જ થવાની છે. જેવી સ્થિતિ જજોની થઈ રહી છે એવી ચૂંટણીપંચની પણ થઈ રહી છે. આ દેશમાં ન્યાયતંત્ર અને ચૂંટણીપંચ સ્વતંત્ર છે એમ કહેવાનું સાહસ કોઈ બેવકૂફ જ કરી શકે. પરમ ભક્ત પણ આવું સાહસ નહીં કરે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 નવેમ્બર 2020
 ![]()


કનૈયાલાલ મુનશીએ તેમના ‘પિલ્ગ્રીમેજ ટુ ફ્રિડમ’ નામના ગ્રંથના પહેલા ભાગમાં લખ્યું છે કે ભારતીય નેતાઓએ મોરલે-મિન્ટો સુધારા તરીકે વધારે જાણીતો ‘ધ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ-૧૯૦૯’નો સ્વીકાર કર્યો એ સાથે ભારતનાં વિભાજનનાં બીજ રોપાયાં હતાં. એ કાયદાકીય સુધારા હેઠળ ભારતીય પ્રજાના પ્રતિનિધિઓને ધારાસભાઓમાં સ્થાન મળ્યું હતું, પણ ચૂંટણીનું સ્વરૂપ કોમી હતું. મુસલમાનો માટે અલગ મતદાર સંઘ આપવામાં આવ્યો હતો, જેમાં માત્ર મુસલમાનો જ મતદાન કરી શકે. ૧૯૧૬ના ડિસેમ્બર મહિનામાં કૉન્ગ્રેસ તરફથી અથવા એમ કહો કે હિંદુઓ તરફથી લોકમાન્ય તિલકે અને મુસ્લિમ લીગ તરફથી અથવા કહો કે મુસલમાનો તરફથી મહમદઅલી ઝીણાએ વિભક્ત મતદાર સંઘની દરખાસ્ત પર મંજૂરીની મહોર મારી હતી. મુસલમાનોને તેમની સંખ્યાના પ્રમાણમાં ઘણી વધુ બેઠકો અલગ મતદાર સંઘ તરીકે મંજૂર રાખીને ફાળવવામાં આવી હતી. કનૈયાલાલ મુનશી તેમના ગ્રંથમાં લખે છે કે એ સમજૂતી આગળ જતા દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતમાં પરિણમશે એની ત્યારે કોઈએ કલ્પના નહોતી કરી. માત્ર મદનમોહન માલવિયાએ લખનૌ કરારનો વિરોધ કર્યો હતો.
૧૯૩૪ના પ્રારંભમાં ગાંધીજી દક્ષિણના પ્રવાસે હતા ત્યારે તેમણે પોંડીચેરી જઇને શ્રી અરવિંદને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શ્રી અરવિંદનો જાતે લખેલો ઉત્તર આવ્યો હતો કે તેઓ કોઈને મળતા નથી એટલે દિલગીર છે. ગાંધીજીએ શ્રી અરવિંદના શિષ્યા અને ઉત્તરાધિકારી માતાજીને મળવા લખ્યું તો તેમનો પણ કોઈ ઉત્તર ન આવ્યો એ જોઇને વલ્લભભાઇ પટેલને માઠું લાગ્યું હતું. વલ્લભભાઇનો ગાંધીજીને લખેલો પત્ર તો જોવામાં આવ્યો નથી, પણ ગાંધીજીએ વલ્લભભાઇને જે ઉત્તર આપ્યો હતો એના પરથી લાગે છે કે વલ્લભભાઇને આમાં ગાંધીજીનું અપમાન નજરે પડ્યું હોવું જોઈએ. તેમણે માતાજીને ‘માતાજી’ તરીકે સંબોધવામાં આવે એ પણ વિચિત્ર લાગ્યું હતું.