
રમેશ ઓઝા
ઘડીભર મોદીદ્વેષ અને મોદીભક્તિને બાજુએ રાખીને ઓપરેશન સિંદૂરના સૂચિતાર્થો સમજવા જોઈએ.
ભારતમાં કે ભારત પર ત્રાસવાદી હૂમલા થયા હોય એ કોઈ નવી વાત નથી. છેલ્લાં ૩૫ વરસમાં સોથી વધુ નાનામોટા હૂમલા થયા છે, જેમાં ૧૯૯૯માં નેપાળથી દિલ્હી જતા ભારતનાં વિમાનના અપહરણની ઘટના, ૨૦૦૧માં સંસદભવન પર કરવામાં આવેલો હૂમલો અને ૨૦૦૮માં મુંબઈમાં તાજમહાલ હોટેલ અને અન્યત્ર કરવામાં આવેલા હૂમલા મુખ્ય છે. પહેલી બે ઘટના વખતે હિંદુ રાષ્ટ્રવાદી કૂળના અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા, તેમનાથી પણ વધારે આકરા હિંદુ રાષ્ટ્રવાદી લાલકૃષ્ણ આડવાણી ગૃહ પ્રધાન અને નાયબ વડા પ્રધાન હતા અને ૨૦૦૮ની ઘટના વખતે ભારતીય રાષ્ટ્રવાદી અને મિતભાષી ડૉ. મનમોહનસિંહ વડા પ્રધાન હતા. પાકિસ્તાન સામે લશ્કરી કારવાઈ કરવા માટે ત્યારે ઉધમપુરની ઘટના કરતાં પણ વધારે મોટું કારણ હતું, પણ તેમણે એ માર્ગ અપનાવ્યો નહોતો. આ ત્રણેય નમાલા હતા કે નિર્ણયશક્તિ ધરાવતા નહોતા એમ ન કહી શકાય. એમ કહેવું એ માત્ર તેમનું અપમાન નહીં ગણાય, ભારતીય લશ્કરનું અપમાન ગણાશે. કારણ કે ભારતીય લશ્કર પાકિસ્તાન સામે હારે એ અસંભવ છે. ભારતીય લશ્કરી તાકાત પ્રચંડ સરસાઈ ધરાવે છે, એ પાકિસ્તાન પણ જાણે છે.
તો પછી શા માટે તેમણે અત્યાર કરતાં પણ વધારે મોટું કારણ હોવા છતાં પાકિસ્તાન સામે લશ્કરી કારવાઈ કરી નહોતી? હમણાં કહ્યું એમ ભારત પરાજીત થાય એવી તો કોઈ શક્યતા જ નહોતી. પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઈએ એવું પ્રજાનું દબાણ હતું, અપેક્ષા હતી અને વિશ્વદેશોનો ભારતને ટેકો હતો. કમ સે કમ સહાનુભૂતિ તો હતી અને ભારતના સ્વબચાવના અધિકારને સ્વીકારવામાં આવ્યો હતો. પણ ભારતના એ સમયના બન્ને ફૂળના શાસકોએ લશ્કરી કારવાઈનો માર્ગ અપનાવ્યો નહોતો.
શા માટે?
કારણ બે હતાં અને એ બન્ને કારણો આજે પણ પ્રાસંગિક છે.
પહેલું અને સૌથી મોટું કારણ એ કે પાકિસ્તાન સામે ભારતનો પરાજય અસંભવ છે તો ૧૯૭૧ જેવો નિર્ણાયક વિજય પણ અસંભવ છે. એ દિવસો ગયા જ્યારે લડાઈ પરંપરાગત રીતે લડાતી હતી અને તેમાં લડનારાઓનો જય-પરાજય થતો હતો. વિરાટ રશિયા અને નાનકડા યુક્રેન વચ્ચેની લડાઈ આનું ઉદાહરણ છે. ત્રણ વરસ થવાં આવ્યાં અને કોઈ પરાજીત નથી થયું. અમેરિકા જેવા અમેરિકાએ ઈરાક અને અફઘાનિસ્તાનમાંથી ઉચાળા ભરવા પડ્યા. દેશભક્તિથી અને ગુસ્સાથી કાંપતા રાષ્ટ્રવાદીઓએ શૌર્ય માટે લડવા સિવાયના બીજા માર્ગો શોધવા જોઈએ. છે, આવા માર્ગ છે. મૂછો મરડવા સિવાયના અને બાવડાના ગોટલા બતાવવા સિવાયના બીજા માર્ગો પણ છે જે ચીન અપનાવી રહ્યું છે. એક જ ઉદાહરણ આપું. જે દિવસે યુદ્ધવિરામની જાહેરાત થઈ એ દિવસે હું સિક્કીમમાં નાથુ લા હતો જ્યાં ભારતથી ચીન જવાનો માર્ગ છે. બોર્ડર હજુ તો દૂર હતી ત્યાં ડ્રાઈવરે અમને ચેતવણી આપી કે હવે કોઈ નેટવર્ક મળશે નહીં અને જો ફોન કરશો કે લેશો તો આઇ.એસ.ડી.ના ચાર્જ લાગશે. હું હજુ તો બોર્ડર તરફ જતો હતો ત્યાં મને મેસેજ આવ્યો: વેલકમ ટુ ચાઈના અને પછી વાતચીત માટે ફોન એક્ટીવેટ કરવા માટે લીંક આપવામાં આવી હતી. ચીને પાવરફુલ જામર લગાડીને ભારતીય નેટવર્કને ભારતની ભૂમિમાં બ્લોક કરી દીધું હતું. આને કહેવાય નૂતન યુગની અભિનવ શક્તિ. મૂછો અને બાવડાના ગોટલા ચારણી સાહિત્યમાં શોભે, આજે હાસ્યાસ્પદ લાગે.
સારુ, યુદ્ધ નિર્ણાયક સ્વરૂપમાં જીતી શકાય એમ ન હોય તો કાંઈ વાંધો નહીં, ભારતે મેદાનમાં તો ઉતરવું જ જોઈએ. શું આપણે સહન કરી લેવાનું અને બેસી રહેવાનું? આ સવાલ ત્યારે પણ પૂછવામાં આવતો હતો. ભારતે તેની પ્રજાનો આક્રોશ લશ્કરી કારવાઈ દ્વારા પ્રગટ કરવો જ જોઈએ.
વાત તો સાચી, પણ એ છતાં ય ભારતના ઉપર કહ્યા એ બન્ને કૂળના શાસકો ધીરજ ધરતા હતા અને એની પાછળ એક બીજું કારણ હતું. – આ જે યુગ્મવાચક ચિહ્ન છે તેને અંગ્રેજીમાં હાઈફન કહેવામાં આવે છે અને બે નામ કોઈ પણ પ્રકારના ભેદ વિના સાથે લેવામાં ત્યારે તેને હાઈફનેશન કહેવામાં આવે છે. ૧૯૪૭થી વિશ્વદેશો ભારત અને પાકિસ્તાનનો ઉલ્લેખ ભારત-પાકિસ્તાન તરીકે કરતા હતા. બન્ને નામ એક સાથે મૂકવામાં આવતા હતા કારણ કે બન્ને એક જ ભૂમિના સંતાન છે. હમણાં સુધી સાથે હતા, એક જ પ્રજા છે, એક જ ભાષા છે, પહેરવેશ છે અને એક સરખી આર્થિક સ્થિતિ છે. પણ પછી પાકિસ્તાનમાં સરમુખત્યારશાહી આવી. લશ્કરી રાજ આવ્યું. ઇસ્લામિક મૂળભૂતવાદ આક્રમક થવા લાગ્યો અને ત્રાસવાદની ઉછેરભૂમિ બની ગયું. દુનિયાભરના ત્રાસવાદીઓ પાકિસ્તાનમાં જમા થવા લાગ્યા. પાકિસ્તાન એક નિષ્ફળ અને ગામના ઉતાર જેવો દેશ બની ગયો. હવે ભારતને એમ લાગવા માંડ્યું કે ભારતનું નામ પાકિસ્તાનની સાથે લેવામાં આવે એ બરાબર નહીં. લોકશાહી, વિવિધ પ્રજાઓનું સહઅસ્તિત્વ, કાયદાનું રાજ, સેકયુલરિઝમ, ફેડરલિઝમ, આઇ.આઇ.ટી. જેવી સંસ્થાઓએ પેદા કરેલા ભારતીય યુવકોએ દુનિયામાં મેળવેલું સ્થાન અને ભારતને આપેલી પ્રતિષ્ઠા, જગતનું પાંચમાં ક્રમનું અર્થતંત્ર, વિકાસ વગેરે ક્યાં અને પાકિસ્તાન ક્યાં? ભારતે સંકલ્પ કર્યો કે ભારતનું નામ પાકિસ્તાન સાથે ન લેવાવું જોઈએ.
આને માટે ભારતે પોતે અપનાવેલા માર્ગ આગળ વધવું જોઈએ અને પાકિસ્તાને અપનાવેલો માર્ગ ન અપનાવવો જોઈએ, એ બે ચીજ તો ખરી જ પણ બને ત્યાં સુધી પાકિસ્તાન સાથે ફૂલ ફ્લેજ્ડ યુદ્ધમાં પણ ન ઉતરવું એ પણ જરૂરી હતું. યુદ્ધ હંમેશાં બે દેશ વચ્ચે લડાતું હોય છે અને તેને રોકવા દુનિયા રસ લેતી થાય છે અને દુનિયા બન્ને દેશોને એક આળીએ મૂકતી હોય છે. આ સિવાય કાશ્મીરનો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય બને અને દુનિયા તેનો ઉકેલ કરવા ચંચૂપાત કરે. પાછું આ યુગમાં કોઈ યુદ્ધ નિર્ણાયક સ્વરૂપમાં જીતી શકાતું નથી કે કોઈને હરાવી શકાતું નથી.
તો પછી શું દરેક વખતે હાથ જોડીને બેસી રહેવાનું?
ના, ગામના ઉતાર તરીકેની ઓળખ કેવી એક પીડા છે એની એને ખબર હોય જે અનુભવતા હોય. પાકિસ્તાનીઓના ચિત્કાર કરતાં પાકિસ્તાનીઓની આપઓળખની જે પીડા છે એ વધારે લોહીનિંગળતી છે, પણ મૂંગી છે. પાકિસ્તાન તરફડે છે, ભારત સાથે એક પંક્તિમાં બેસવા. ભારતની મુલાકાતે આવનારા વિદેશી મહેમાનો સમક્ષ ભારત સરકાર શરત મૂકતી હતી કે ભારત અને પાકિસ્તાનની મુલાકાત એક સાથે લેવામાં આવે એ અપને પસંદ નથી. આવો તો માત્ર ભારતની મુલાકાતે આવો. ડૉ મનમોહનસિંહ સરકારની શરત અમેરિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે માન્ય રાખી હતી અને બુશ પાકિસ્તાન પણ આવે એ સારુ પાકિસ્તાને ધમપછાડા કર્યા હતા. ઇતિહાસ છે તપાસી જુઓ. લોકશાહી, વિકાસ, સભ્યતા વગેરેની બસ તો પાકિસ્તાન ચૂકી ગયું છે એટલે હવે આસાન માર્ગ છે; યુદ્ધનો. ઉશ્કેરો અને યુદ્ધ માટે તૈયાર કરો. દુનિયા બન્નેને સાંભળશે, મનાવશે અને એક સરખું વજન આપશે. અને એવું જ બન્યું.
જેટલા બુદ્ધિશાળી અને જવાબદાર લોકોને મેં સાંભળ્યા અને સમીક્ષાઓ વાંચી છે અને વિદેશી અખબારો વાંચ્યા છે એના પરથી મારી એવી સમજ બની છે કે ભારત સરકારનો ઈરાદો નવ જગ્યાએ ત્રાસવાદી છાવણીઓ પર હુમલા કરીને રોકાઈ જવાનો હતો. પણ એમ બન્યું નહીં. ગોદી મીડિયા કૂદી પડ્યા, સાયબર સેલે લલકારવાનું શરૂ કર્યું, “આ યુ.પી.એ.ની નબળી સરકાર નથી. અમે સમજાવવામાં નથી માનતા ઠોકવામાં માનીએ છીએ” વગેરે. આમ પણ દરેક કાર્યને ઇવેન્ટમાં પરિવર્તિત કરવાની અને પોતાની ઊંચાઈમાં કેટલો વધારો થયો તે માપતા રહેવાની આપણા વડા પ્રધાનને આદત છે. માટે મોકડ્રીલ, અંધારપટ, સાયરન, પક્ષના કાર્યકર્તાઓનો ઉન્માદ, લશ્કરી ગણવેશમાં હાથમાં હેલ્મેટ પહેરેલી વડા પ્રધાનની તસ્વીર વગેરેએ યુદ્ધનું વાતાવરણ પેદા કરી દીધું. (૧૯૭૧માં આવું કશું જ નહોતું કરવામાં આવ્યું અને ભારતે પાકિસ્તાનનાં બે ફાડિયા કરી નાખ્યા. ઇવેન્ટ યોજ્યા વિના ભારતીય ઉપખંડની ઐતિહાસિક મહાન ઇવેન્ટ બની ગઈ) ગોદી મીડિયાએ તો પાકિસ્તાનને પરાજીત કરી દીધું. તમારામાંથી ઘણાએ એ રસના ઘૂંટડા પીધા છે અને તૃપ્તિનો અનુભવ કર્યો છે એટલે વધારે લખવાની જરૂર નથી. પાકિસ્તાનને આ જ જોઈતું હતું જે તેને મળી ગયું. પાકિસ્તાને હુમલા જારી રાખ્યા કે જેથી ભારતે હૂમલા કરવા પડે.
પહેલા બે દિવસ તો અમેરિકાએ અને બીજા દેશોએ ખાસ કોઈ રસ લીધો નહીં પણ પછી ધ્યાનમાં આવ્યું કે ચીન પ્રોક્સીવૉર લડી રહ્યું છે અને એ પણ સક્રિયપણે. આ અભૂતપૂર્વ અને ગંભીર વળાંક હતો. યુદ્ધવિરામ ભારતની જરૂરિયાત બની ગઈ. આ સિવાય પાકિસ્તાને પરમાણુ હૂમલો કરવા માટેની પાકિસ્તાનની પરમાણુ સમિતિની બેઠક બોલાવી. આપણે જાણતા નથી કે એ ધમકી હતી કે બ્લેક મેઈલીંગ હતું કે પછી ‘મરતા ક્યા નહીં કરતા’ જેવી સ્થિતિ હતી, પણ સ્થિતિ ચાન્સ લેવા જેવી નહોતી રહી. ભારતે યુદ્ધવિરામ સ્વીકારી લીધું.
અમેરિકાએ યુદ્ધવિરામની જાહેરાત કરીને ભારતના વડા પ્રધાનના મિત્રએ ભારતનું અપમાન કર્યું છે. કોણે આવો અધિકાર આપ્યો? ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે મેં ભારતના અને પાકિસ્તાનના વડા પ્રધાનોને ધમકાવ્યા કે યુદ્ધ બંધ નહીં કરો તો બન્ને દેશ સામે વેપારપ્રતિબંધ મૂકવામાં આવશે. જો યુદ્ધ બંધ કરશો તો તમારી સાથે અમેરિકા વેપારમાં વધારો કરશે. વળી પાછું કહ્યું કે બન્ને દેશ મહાન છે, બન્ને દેશના વડા પ્રધાન મહાન છે, લોકપ્રિય છે, શક્તિશાળી છે, દૂરંદેશી ધરાવે છે વગેરે. વળી પાછું કહ્યું કે અમેરિકા બન્ને દેશ વચ્ચે કોઈ ત્રીજા સ્થળે મંત્રણા ગોઠવશે. અને વળી પાછું એક દિવસ કહ્યું કે હું પોતે (ટ્રમ્પ) કાશ્મીરની હજાર વરસ જૂની (જી, હજાર વરસ જૂની. આ તો ટ્રમ્પ છે) સમસ્યા ઉકેલી આપીશ. પાકિસ્તાનને તો લોટરી લાગી ગઈ. ભારત-પાકિસ્તાનના યુગ્મવિચ્છેદ (ડીહાયફનેશન)ની ચાર દાયકાની જહેમત પાણીમાં ગઈ. ચાર દિવસથી ટ્રમ્પ ભારત પરના પોતાના ઋણની યાદ અપાવે છે અને ભારત સરકાર ચૂપ છે. યુદ્ધવિરામ પછી ત્રીજા દિવસે વડા પ્રધાને રાષ્ટ્રને સંબોધીને ભાષણ કર્યું જેમાં ટ્રમ્પના દાવાઓ વિષે કોઈ ખુલાસો નથી. વડા પ્રધાનના ચહેરા પર માયુસી નજરે પડતી હતી અને વડા પ્રધાન તેને છૂપાવી શકતા નહોતા. તેમનો ચહેરો ભાષણના શૌર્યપરક શબ્દોને અભિવ્યક્ત નહોતો કરતો. તમે નોંધ્યું હશે.
આગળના શાસકો નમાલા તો નહોતા જ પણ મૂર્ખ પણ નહોતા. અમે અસભ્ય અસંસ્કારી અરાજકતાગ્રસ્ત દેશની મર્યાદાઓમાં માનતા સભ્ય પાડોશી છીએ એ ઈમેજ ભારતને વધારે લાભ આપતી હતી અને પાકિસ્તાનને વધારે પ્રતાડિત કરતી હતી. દુનિયામાં બે દેશના છાબડા ઉપરનીચે થઈ ગયા હતા.
પાકિસ્તાન તો ઠીક છે, અમેરિકા અને ચીનનું વલણ ચિંતા ઉપજાવે એવું છે. ચીનની સક્રિયતા પહેલીવાર જોવા મળી છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 મે 2025
![]()


પોપ ફ્રાન્સીસને ધર્મનો આ ચહેરો ઈશુના અપરાધ જેવો લાગ્યો હતો અને એટલે તેમણે ધર્મના નામે તેમ જ ધર્મ આધારિત કહેવાતી મહાન સંસ્કૃતિના નામે કરવામાં આવતી “બીજા”ઓની સતામણી અકળાવનારી લાગતી હતી. પોપ પેલેસ્ટાઇનના પક્ષે, સમલિંગીઓના પક્ષે, ગરીબોના પક્ષે, સ્ત્રીઓના પક્ષે અને સમાજના તમામ દુબળા વર્ગની પડખે ઊભા રહેતા હતા. આજકાલના ધર્મગુરુની જમાતમાં નોખા પડે. સરેરાશ ધર્મગુરુ ઈશ્વરના બંદા નથી, ઈશ્વરના અપરાધી છે અને અનુયાયીઓ પાસે અપરાધ કરાવે છે. અને હવે તો ઓળખ આધારિત રાજકારણ કરનારા નેતાઓ અને ધર્મગુરુઓ વચ્ચે ધરી રચાઈ છે.