ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ; બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ એ ચાર આશ્રમ; સત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણ; પ્રેય અને શ્રેય અથવા સ્વાર્થ અને પરમાર્થ; વ્યષ્ટિ અને સમષ્ટિ; ભક્તિ, જ્ઞાન અને સાધના એ ત્રણ મોક્ષપ્રાપ્તિના માર્ગ એ સ્થૂળ જીવનને અને સકળ જગતને જે તે અવસ્થાઓમાં વિભાજીત કરતાં ખાનાં છે કે પછી માણસે કરવો જોઈતો સારાસાર વિવેક છે? વિચારી જોશો તો ખ્યાલ આવશે કે દાર્શનિકો આમાં આપણને વિવેક કરવાનું શીખવે છે. જો આપણે આપણા જીવનને સાર્થક કરવું હોય તો આમાં વિવેક કરવો જરૂરી છે અને ભગવદ્ ગીતામાં મુખ્યત્વે સારાસાર વિવેક કરવાનું કહેવામાં આવ્યું છે.
આધુનિક યુગમાં વિદ્વાનોએ પોતપોતાની રીતે અને વિશેષ કરીને પોતાના વલણ અનુસાર ગીતાનું અર્થઘટન કર્યું છે. લોકમાન્ય તિલકે તેને કર્મયોગ તરીકે ઓળખાવી છે, વિનોબા ભાવેએ તેને ‘સામ્યયોગ’ તરીકે ઓળખાવી છે અને ગાંધીજીએ તેને ‘અનાસક્તિ યોગ’ તરીકે ઓળખાવી છે. બીજા અનેક લોકોએ ગીતા સાથે ભલે કોઈ ઓળખવાચક વિશેષણ નથી જોડ્યું, પરંતુ ભાષ્ય કરવામાં તેમનું વલણ પ્રગટ થાય છે. ડોલરરાય માંકડ કહેતા કે ગીતાને બુદ્ધિયોગ તરીકે ઓળખાવવી જોઈએ કારણ કે તેમાં બુદ્ધિપૂર્વક વિવેક કરવાનું કહેવામાં આવ્યું છે.
મને એમ લાગે છે કે ગાંધીજીનું ગીતાનું અનાસક્તિપરક વિવરણ ગીતાના આશયથી સૌથી વધુ નજીક છે. આસક્તિ આવી કે વિવેક ચૂક્યા પછી એ આસક્તિ સત્યની કે અહિંસાની પણ કેમ ન હોય? વાછડો રીબાતો હોય તો તેને ઇન્જેક્શન આપી દેહમુક્ત કરવો એ ધર્મ છે અર્થાત્ અહિંસા પરત્વે અનાસક્તિ છે, પરંતુ જૈનો ધર્મગ્રંથ ટાંકીને તેનો વિરોધ કરે તો તે અહિંસા પરત્વેની આસક્તિ છે જે ધર્માસક્તિ કે ગ્રંથાસક્તિનું પરિણામ છે. આવું જ સત્યનું અને બીજા ગુણોનું. આવું જ જ્ઞાન, ભક્તિ અને ધ્યાન કે ઉપાસનાનું. સારાસાર વિવેક મુખ્ય છે અને વિવેક ત્યારે જ શક્ય બને જ્યારે માણસ આસક્તિથી મુક્ત હોય.
આગળના લેખમાં કહ્યું હતું એમ મહાભારત જેવું મહાકાવ્ય લખ્યા પછી અને તેમાં સોનીના ત્રાજવે માનવવહેવારનું સારા-નરસાપણું તોળી આપ્યા પછી ભગવાન વ્યાસને પ્રશ્ન થયો હશે કે વાંચનાર આમાંથી કાંઈ પામશે કે પછી વાર્તા સમજીને બાજુએ મૂકશે? માનવીની આંખ ઉઘાડવાનો પ્રયત્ન એળે ન જાય એટલા સારુ તેમણે અર્જુનને વિષાદગ્રસ્ત બનાવીને ભગવાન કૃષ્ણના મોઢે જીવનદર્શન બોલાવડાવ્યું છે. હું હાથ ઊંચા કરી કરીને કહું છું, છતાં મારું કોઈ સાંભળતું નથી એમ વ્યાસે પણ કહ્યું છે અને ગાંધીએ પણ કહ્યું છે.
ગાંધીજી તો માનતા હતા કે જેને ધર્મક્ષેત્ર તરીકે ઓળખાવ્યું છે એ કુરુક્ષેત્ર એ બહારની સ્થૂળ રણભૂમિ નથી, પરંતુ અંદરની રણભૂમિ છે. આપણી અંદર; સત્ય-અસત્ય વચ્ચે, શ્રેય અને પ્રેય વચ્ચે, ત્યાગ અને મમતા વચ્ચે ચોવીસે કલાક અનંત યુદ્ધ ચાલ્યા જ કરે છે. એનો અંત ત્યારે જ આવે જ્યારે જ્ઞાન થાય અને ડોળા પરના પડળો દૂર થાય. આ જ્ઞાન પણ પાછું ભક્તિ અને સાધનાને નકારનાર કે ઓછું આંકનાર કહેવાતા જ્ઞાનયોગનું જ્ઞાન નહીં, વિવેકપુરઃસર જ્ઞાન. વિવેક સ્વભાવત: અવિરોધી હોવાનો. એટલે ગાંધીજી કહેતા કે મહાભારતમાં જે યુદ્ધની વાત છે એ રૂપક છે, બાકી વાત આપણી અંદર ચાલતા આંતર્યુદ્ધની છે.
બાહ્યયુદ્ધ નહીં, પણ આંતર્યુદ્ધ એવું યુદ્ધ વિશેનું ગાંધીજીનું અર્થઘટન તેમની અહિંસા માટેની આસક્તિનું પરિણામ છે એમ તમને લાગતું હોય તો તમે એ અભિપ્રાય થોડી વાર માટે અવશ્ય પકડી રાખજો. આવું કેટલાક રાષ્ટ્રવાદી વિદ્વાનોએ તો કહ્યું પણ છે. તેમને બાહ્ય યુદ્ધનો ખપ છે જેમાં પ્રજા વીર્યવાન બને, દુશ્મનને ઓળખે, તેની તાકાત પિછાણે અને છેવટે અન્યાયકર્તાને પરાજીત કરે. ભારતની પ્રજા વીર્યવાન બને એ તેમની પહેલી નિસ્બત હતી અને એ જરા ય ખોટી નહોતી. ગાંધીજી ભારતમાં આવ્યા અને અહિંસા વિષે આગ્રહ સેવતા ભાષણો આપતા હતા ત્યારે લાલ-બાલ અને પાલની ઉગ્રવાદી ત્રિપુટીમાંના એક લાલા લજપત રાયે તો ‘મૉડર્ન રિવ્યૂ’માં લેખ લખીને ગાંધીજી સાથે જાહેરમાં વિવાદમાં ઉતર્યા હતા. તેમણે ગાંધીજીની અહિંસાને વળગણ તરીકે ઓળખાવી હતી અથવા કહો કે અહિંસા માટેની આસક્તિ કહી હતી.
તેમના ધ્યાનમાં એક વાત નહોતી આવી કે ગાંધીજી અહિંસાની સાથે નિર્ભયતાની વાત કરતા હતા અને ધર્મપાલન(કર્તવ્યપાલન)ની પણ વાત કરતા હતા. એટલે જો કોઈ દુષ્ટ માણસ સ્ત્રી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કરે તો નિર્ભયી અને ધર્મનિષ્ઠ માણસ પોતાનો ધર્મ બચાવવા નિર્ભયતાથી પ્રતિકાર કરશે અને જરૂર પડ્યે હિંસા પણ કરી શકાય. જો વાછડો રીબાતો હોય અને તેનો કોઈ ઈલાજ ન હોય તો તેને મારી નાખીને દેહમુક્ત કરવો એ પણ ધર્મ છે. પંડિત સુખલાલજીએ જૈનોને કહ્યું હતું કે ગાંધીજીની અહિંસા જૈનોની અહિંસા નથી, પણ તેનાથી ઘણી આગળ ભાવાત્મક (પોઝિટીવ) અહિંસા છે.
તો સત્ય અને અહિંસાની વાત કરતી વખતે બીજી ત્રણ ચીજ ગાંધીજી કહેતા હતા જે પ્રજાને વીર્યવાન બનાવવા ઈચ્છા રાખનારાઓ ભૂલી જાય છે. પહેલો ધર્મ. સકળ વિશ્વના હિતમાં મારે જે કરવાનું હોય એ ધર્મ. સંકલ્પ-વિકલ્પના અંતે એક વાર સંકલ્પ થઈ ગયો એ પછી ફરજની બાબતમાં હિમાલય જેટલી અડગતા. બીજી નિર્ભયતા. ફરજ-પાલનમાં મૃત્યુને ભેટવું પડે તો એ જીવનની સાર્થકતાનું ઇનામ કહેવાય. છેક દક્ષિણ આફ્રિકાના દિવસોથી ગાંધીજીએ જેટલો બલિદાની મૃત્યુને (સાધારણ મૃત્યુ નહીં, બલિદાની મૃત્યુ) પ્રેમ કર્યો છે એટલો કદાચ ઇતિહાસમાં કોઈએ નહીં કર્યો હોય. હજારો વાર તેમણે બલિદાની મૃત્યુનો મહિમા ગાયો છે. અંતે તેમને મૃત્યુ પણ એવું જ મળ્યું !
અને ત્રીજુ નિર્વૈર. જ્યાં વેર હોય ત્યાં કરુણા ન હોય અને જ્યાં કરુણા ન હોય ત્યાં વ્યવહાર-વિવેક ન હોય. મારે તારી સામે લડવું પડશે; એટલા માટે નહીં કે મારી તારી સાથે કોઈ દુશ્મની છે પણ એટલા માટે કે તું સમજાવ્યો સમજતો નથી અને મારે મારો ધર્મ (કર્તવ્ય-પાલન) બચાવવાનો છે. શુદ્ધ કરુણાભાવથી અને નિર્ભયતાથી. ગાંધીજી આ ત્રણ વાત પણ સત્ય અને અહિંસાની વાત કરતી વખતે સાથે સાથે કહેતા હતા, પરંતુ તેના તરફ લોકોનું ધ્યાન બહુ ઓછું ગયું છે. લાલા લજપત રાયનું ધ્યાન નહોતું ગયું. સેંકડો વરસથી નમાલી બની ગયેલી ભારતની પ્રજાને વીર્યવાન બનાવવાની છે એટલે થોડી દુશ્મની, થોડો ધિક્કાર, થોડુંક ચડિયાતાપણું, થોડાંક સત્ય સાથેના સમાધાન અને અનિવાર્ય હોય એટલી ખપ પૂરતી હિંસા જરૂરી છે. પ્રજાને વીર્યવાન બનાવવી એ રાષ્ટ્રધર્મ છે એવું તેમને લાગતું હતું.
આમ ગાંધીજીની અહિંસા એ અહિંસા માટેની આસક્તિ નહોતી અને ગીતામાં કૃષ્ણ અર્જુનને લડવા માટે પ્રેરે છે એ કૃષ્ણની હિંસા માટેની આસક્તિ નહોતી. હકીકતમાં બન્ને અવિરોધી છે. ગીતાને આંતર્યુદ્ધના રૂપક તરીકે ન લો અને જમીન માટેના કે અન્યાય સામેના પ્રત્યક્ષ યુદ્ધ તરીકે લો તો પણ અવિરોધી છે. ભગવાન અર્જુનને વિવેક કરવાની સલાહ આપે છે, યુદ્ધ કરવાની સલાહ નથી આપતા. યુદ્ધ તો વિવેકનું પરિણામ છે; પછી તે આંતરિક હોય કે બાહ્ય.
જતા જતા એક કોયડો અહીં ઉપસ્થિત કરવાની રજા લઉ છું. કદાચ વિદ્વાનો આના પર પ્રકાશ પાડી શકે. ભગવદ્ ગીતાનો સમાવેશ પ્રસ્થાનત્રયીમાં થાય છે અને છતાં ગીતા લખાયા પછી સેંકડો વરસ સુધી કેમ તેના વિષે વાત નથી થઈ? મારી જાણ મુજબ ઈ. સ.ની આઠમી સદીમાં શંકરાચાર્યે લખેલું ભાષ્ય એ ગીતા પરની પહેલી ઉપલબ્ધ ટીકા છે. એની પહેલાં બ્રાહ્મણ કે શ્રમણ કોઈ પરંપરામાં ગીતા વિષે બહુ વાત થઈ હોય એવું જોવા મળતું નથી. આ વચ્ચેના સમયમાં કેમ ગીતા વિષે ખાસ વાત થઈ નથી? મધ્યકાલીન સંતોએ પણ ગીતા વિષે ખૂબ લખ્યું છે એવું નથી, તેમની ભક્તિરચનાઓમાં ગીતા જુદા જુદા સ્વરૂપે આવ્યા કરે છે એટલું જ. મરાઠી ભાષામાં લખાયેલી જ્ઞાનેશ્વરી અને એવા બીજા ગણ્યાગાંઠ્યા ગ્રંથો આમાં અપવાદ છે. વળી જ્ઞાનેશ્વરી એ ગીતાનો મરાઠી અનુવાદ છે, ભાષ્ય નથી.
તો શું ગીતાનો ખપ આધુનિક યુગમાં વધારે વર્તાવા લાગ્યો એવું છે? કદાચ એવું જ છે. આપ-ઓળખનો બોધ થવા લાગ્યો એ પછી વીર્યશોધનની જરૂરિયાત પડવા લાગી અને એમાં ગીતાનો ખપ ધ્યાનમાં આવ્યો હશે. જો કે વચ્ચેના સમયમાં ગીતા વિષે બહુ ઓછી વાત કેમ થઈ એ સવાલ તો ઊભો જ છે. ગીતાને જીવનશોધનના ભાગરૂપે પણ તપાસવી જોઈતી હતી, પણ એવું ઓછું બન્યું છે.
છેલ્લે એક રમૂજી કિસ્સો ટાંકું છું. આપણા કવિ બળવંતરાય ઠાકોર ગાંધીજીના સહપાઠી હતા અને ગાંધીજીની બૌદ્ધિકક્ષમતા વિષે બહુ નબળો અભિપ્રાય ધરાવતા હતા. ઠાકોરસાહેબનો દોહિત્ર લંડનમાં ભણતો હતો. તેણે એક વાર લંડનથી ઠાકોરસાહેબને પત્ર લખ્યો કે તે આજકાલ ગાંધીજીનું ગીતા પરનું ભાષ્ય ‘અનાસક્તિ યોગ’ વાંચે છે. બળવંતરાય ઠાકોરે તેને તેની નબળી રુચિ વિષે ઠપકો આપતાં લખ્યું કે તને અરવિંદ તિલક કોઈ જડ્યા નહીં તે મોહનભાઈનું પુસ્તક વાંચે છે? એ હાથવણાટની ખાદીના પગલૂછણિયાં જેવું હશે. તું તારો સમય બગાડી રહ્યો છે એ જોઈને મને તારા પર ગુસ્સો આવે છે.
આને કહેવાય બૌદ્ધિક તર્ક માટેની આસક્તિ! કાનજીસ્વામીની શૈલીમાં કહી શકાય કે, ‘વિવેકનો મારગ અઘરો, ભાઈ!’
સૌજન્ય : ‘એક વાતની સો વાત’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 19 મે 2019
![]()


દેશમાં આત્યાર સુધીમાં ૧૪ વડા પ્રધાન અને વિવિધ રાજ્યોમાં અઢીસો કરતાં વધુ મુખ્ય પ્રધાનો આવ્યા અને ગયા, પરંતુ એમાંથી એક માત્ર નરેન્દ્ર મોદીને છોડીને કોઈએ કહ્યું નથી કે ‘હું ગરીબ છું, પછાત વર્ગમાંથી આવું છું, મેં ભીખ માગી છે, ચા વેચી છે માટે તમારી સહાનુભુતિને પાત્ર છું અર્થાંતરે વડા પ્રધાનના પદને માટે લાયક છું.’ કોઈ કહેતા કોઈએ નહીં. કર્પૂરી ઠાકુર તો ખુદ્દારીની મિસાલ જેવા હતા. તેઓ બિહારના બબ્બે વખત મુખ્ય પ્રધાન બન્યા પછી પણ પહેલા જેટલા જ ગરીબ હતા અને તેમની ગરીબી લોકોની નજર સામે હતી. તેઓ હજામ હતા અને બિહારના મોટા ગજાના નેતા બન્યા પછી પણ હજામત કરતા હતા. તેમણે ક્યારે ય કહ્યું નહોતું કે તેમણે કેવી કેવી યાતના ભોગવી છે અને માટે દયાને પાત્ર છે. કર્પૂરી ઠાકુરને છોડો દલિત અને આદિવાસી નેતાઓએ પણ કહ્યું નથી કે તેઓ શું શું સહન કરીને આવ્યા છે. બાબુ જગજીવન રામ, બાબા સાહેબ આંબેડકર, માયાવતી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે.આર. નારાયણન્ વગેરેએ એવી ગરીબી અને પછાતપણું જોયું છે અને તેમણે જીવનમાં જે હાલાકી ભોગવી છે અને અન્યાય સહન કર્યો છે તેની સામે નરેન્દ્ર મોદીની ગરીબાઈ તો કોઈ વિસાતમાં નથી. આદિવાસી સમાજમાંથી આવતા નેતાઓ માટે ક્યાં કોઈએ લાલ જાજમ બિછાવી હતી. તેમણે દરેકે ગરીબી અને પછાતપણાને કારણે કરવામાં આવતી અવહેલના ભોગવી હતી અને પોતાનો રસ્તો કંડાર્યો હતો.
મહાભારતના કથાવસ્તુથી પરિચિત દરેક વ્યક્તિને ભગવદ્ ગીતા વાંચતી વખતે એક પ્રશ્ન અચૂક થતો હશે કે મહાભારતમાં ગીતા જેવી છે એવી શા માટે? મહાભારતમાં જે કથા અને ઉપકથાઓ છે એમાં ચિક્કાર રાજકારણ છે. ઉર્દૂ શાયર નિદા ફાઝલી કહે છે એમ મહાભારતના એક એક પાત્રની અંદર હજાર માણસ વસતા હોય છે. માણસના દિમાગની સંકુલતા તાગ ન મળે એવી છે. મહાભારતની મુખ્ય કથા ઉપ-કથાઓના સહારે ચાલે છે અને ઉપ-કથાના મુખ્ય કથા સાથે છેડા મળતા રહે છે. કમાલની ગૂંથણી છે અને એટલે તો મહાભારત નામનું મહાકાવ્ય વિશ્વસાહિત્યમાં સર્વોચ્ચ સ્થાને છે.
ના, ભગવદ્ ગીતા મહાભારતમાં પ્રક્ષેપણ એટલે કે પાછળથી કોઈએ ઉમેરણ કર્યું હોય એમ નથી લાગતું. ભગવદ્ ગીતા કૃષ્ણના મોઢે મહાભારતના રચયિતા વ્યાસે સંભળાવી છે અને તેની પાછળ હેતુ છે. ગીતા વ્યાસની જરૂરિયાત છે. મહાભારતમાં વ્યાસ ધર્મ અને અધર્મ (સ્વભાવ અથવા ફરજના અર્થમાં) સાથે કામ પાડે છે અને સોનીના ત્રાજવાની જેમ નાનકડો એક ગ્રામ જેટલો પણ અધર્મ કઈ રીતે ફળ આપ્યા વિના રહેતો નથી એ બતાવવાનું વ્યાસ ચુકતા નથી. કથા અને ઉપ-કથાઓમાં ધર્મ-અધર્મનું આટલું ઝીણું વણાટકામ કર્યા પછી પણ વ્યાસને શંકા થઈ હોવી જોઈએ કે વાચક આખું મહાભારત વાંચી લીધા પછી પણ ધર્મ-અધર્મ વચ્ચે વિવેક કરી શકશે ખરો? વાસનાઓ અને પૂર્વગ્રહોથી મુક્ત થવું બહુ અઘરું છે. તેમણે પોતે જ માણસની વિવેક કરવાની અ-ક્ષમતા વિષે કહ્યું છે: ऊर्ध्वबाहु र्विरौम्यैष न च कश्चित् शृणोति मे । અર્થાત્ હાથ ઊંચા કરી કરીને કહું છું, પણ મારું કોઈ સાંભળતું નથી. ગાંધીજી પણ તેમની જિંદગીનાં છેલ્લાં બે વરસમાં આમ જ કહેતા હતા : ‘મારું કોઈ સાંભળતું નથી.’ વ્યાસ અને ગાંધીજીની એક સરખી નિસબત હતી; વિવેક. જ્યારે આસક્તિ અને દ્વેષના પડળો આંખ પર ચડી જાય છે ત્યારે વિવેકનો ખો નીકળે છે. એટલે તો ગાંધીજીએ તેમના ગીતા પરના ભાષ્યને ‘અનાસક્તિ યોગ’ કહ્યું છે.