વડા પ્રધાને તેમના રાષ્ટ્રજોગા ભાષણમાં બે વાત કરવી જોઈતી હતી. એક તો લાખો મજૂરોને સરકારની ઉતાવળને કારણે જે હાલાકી ભોગવવી પડી અને હજુ પણ ભોગવે છે એ માટે ખેદ વ્યક્ત કરવો જોઈતો હતો, માફી તો બહુ દૂરની વાત છે. અને બીજું, કેરળે જે રીતે કોરોનાની સામે લડવામાં સફળતાનું દૃષ્ટાન્ત પૂરું પાડ્યું છે તેની કદર કરવી જોઈતી હતી. આખું જગત કદર કરે છે તો કેરળ તો આપણું પોતાનું રાજ્ય છે અને વડા પ્રધાન કેરળના લોકોના પણ વડા પ્રધાન છે. જો કે આવી કોઈની અપેક્ષા નહોતી એટલે મોહભંગ થવા માટે કોઈ કારણ નથી. આ તો એમ કે આવું થયું હોત તો રૂડું લાગત!
વડા પ્રધાને બીજી મહત્ત્વની વાત કરી છે આત્મનિર્ભરતાની. તેમણે જે શબ્દપ્રયોગ કર્યો છે એ ખોટો નથી પણ જોઈએ એટલો ઉપયુક્ત નથી. તેઓ કહેવા એમ માગતા હતા કે કોરોના પછીનું જગત અલગ હશે. ચીનથી જગત નારાજ છે એટલે ભારત માટે એમાં તક છે. ભારતે એ તકનો લાભ લેવો જોઈએ. લોકોએ બને એટલી ચીજો સ્વદેશી (લોકલ શબ્દ તેમણે વાપર્યો હતો) વાપરવી જોઈએ. સલાહ સ્વદેશીની હતી અને શબ્દપ્રયોગ આત્મનિર્ભરતાનો કર્યો હતો. ચોખ્ખી ભાષામાં ચીનનું નામ લઈને કહેવાનું ટાળવું હતું એટલે સ્વદેશીની જગ્યાએ આત્મનિર્ભરતાનો શબ્દ પ્રયોગ કર્યો હતો.
હવે પહેલો સવાલ એ ઉપસ્થિત થાય છે કે કોરોના પછીનું જગત કેવું હશે? આખા જગતમાં આ વિશે ખૂબ ચર્ચા ચાલી રહી છે. વિજ્ઞાનીઓ, સમાજશાસ્ત્રીઓ અને અર્થશાસ્ત્રીઓ ભાતભાતની વાત કરી રહ્યા છે. દરેકના અભિપ્રાયમાં એક વાત એક સરખી જોવા મળે છે કે કોરોના પછીનું જગત અલગ હશે, પણ કેવું હશે એનો કોઈ સૂર મળતો નથી. કોઈ લોકતંત્ર વિશે ચિંતા કરી રહ્યા છે, કોઈ નૈતિકતાના ધોરણો વિશે ચિંતા કરી રહ્યા છે, કોઈ રોજગારી વિશે ચિંતા કરી રહ્યા છે, તો કોઈ સતત અદ્ધરજીવે જીવવાને કારણે પેદા થનારા સામાજિક-માનસિક પરિણામોની ચિંતા કરી રહ્યા છે. આમાં પણ એકવાક્યતા નથી.
જગત આખામાં ચાલી રહેલી ચર્ચાનો બીજો મુદ્દો ચીન છે. કેટલાક લોકો એમ માને છે કે કોરોના વાઈરસ ચીને લેબોરેટરીમાં પેદા કર્યો હતો અને એ સરસાઈ મેળવવા માટેનું ચીનનું કાવતરું છે. બીજા કેટલાક લોકો એમ માને છે કે ચીને કોરોનાના ઉપદ્રવને છૂપાવીને માનવસભ્યતા સામે અપરાધ કર્યો છે. પહેલાં વિશે અત્યારે કહેવું મુશ્કેલ છે, પણ બીજી વાત ગળે ઊતરે એવી છે. જો કે આ વાતે પણ ઘણા લોકો ચીનનો બચાવ કરે છે.
સવાલ એ છે કે શું જગત ચીનને દંડશે? કહેવું મુશ્કેલ છે. માનવ સભ્યતા સામે નૈતિક અપરાધ કરનારું ચીન એકલું નથી. ચીનનો અપરાધ તો હજુ સાબિત થવાનો બાકી છે, પણ જેના અપરાધ ઉઘાડાં હતાં તેને ક્યાં દંડવામાં આવ્યા છે? ઊલટું સશક્ત દેશોએ નઠારા દેશોનો લાભ લીધો છે અને તેને છાવર્યા છે. ઇઝરાયેલ આનું સૌથી મોટું ઉદાહરણ છે. આવા બીજા સોએક દાખલા વીસમી સદીમાં જડી આવી શકે એમ છે. બીજું સ્વાર્થથી પ્રેરાઈને અનૈતિક ભૂમિકા લેવામાં અમેરિકા અગ્રેસર છે. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાએ મુખ્યત્વે નઠારા દેશો સાથે જ દોસ્તી રાખી છે એ ઇતિહાસ છે. આમ જગતમાં નૈતિક ધોરણો સાથે સૌથી વધુ સમાધાન અમેરિકાએ કર્યા છે.
જો અમેરિકાનાં અનૈતિક ધોરણો અને તેના સ્વાર્થને જગતે ખમી લીધાં હતાં તો હવે અમેરિકાની જગ્યા લેનાર ચીનનાં પણ ખમી લેશે. આપણા વડા પ્રધાનનું ભાષણ જ આનું ઉદાહરણ છે. ચીન નામના સમ પર પહોંચવા માટે તેમણે કેટલો લાંબો ઘેરાવો લીધો અને એ પછી પણ સમ પર તો પહોંચ્યા જ નહોતા. અત્યારે એક માત્ર અમેરિકાને છોડીને (અને એ પણ ટ્રમ્પ એકલા) કોઈ ચીનનું નામ પાડીને બોલતું નથી. દરેક ઈચ્છે છે કે ચીનને દંડવામાં આવે પણ બિલાડીની ડોકે ઘંટ કોણ બાંધે? આઠ દાયકામાં કોઈએ અમેરિકાની ડોકે ઘંટ બાંધ્યો નહોતો. અમેરિકા અત્યારે એટલા માટે બોલે છે કે તે તેનું સ્થાન ગુમાવી રહ્યું છે.
તો ચીન દંડાશે અને ભારતને તેનો લાભ મળશે એ અનુમાન થોડું ઉતાવળિયું છે. ૯/૧૧ પછી અમેરિકાએ પાકિસ્તાનને ધમકાવ્યું ત્યારે એ સમયના ગૃહ પ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ હરખાઈને પાકિસ્તાનને પડકાર ફેંક્યો હતો કે, આવી જાવ તમે કહો ત્યારે અને કહો ત્યાં લડવા અમે તૈયાર છીએ. તેમને એમ હતું કે હવે અમેરિકા પાકિસ્તાનને તેની જગ્યા બતાવી દેશે અને ભારતને સાથ આપશે. બીજા અઠવાડિયે અમેરિકાના સંરક્ષણ પ્રધાન કૉલીન પોવૅલ પહેલા ઇસ્લામાબાદ ગયા અને પાકિસ્તાનને ત્રાસવાદ સામેની લડતમાં પહેલી હરોળનું મિત્ર બનાવ્યું અને જતા જતા ભારત આવીને કહેતા ગયા કે જરૂર પડ્યે મદદ આપતા રહેજો.
બીજું, જગત ચીનનો વિકલ્પ નહીં શોધે પણ, ચીનના આર્થિક/ઔદ્યોગિક મોડેલનો વિકલ્પ શોધશે. ભારતે હવે પછી કયો માર્ગ અપનાવવો એ નક્કી કરતાં પહેલાં આ હકીકત પણ સમજી લેવી જોઈએ. આ વાત હવે પછી અવસર મળ્યે સમજવાનો પ્રયત્ન કરીશું.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 મે 2020
 ![]()


અહીં કહેવામાં આવ્યું છે કે ૧૮૫૭ના વિદ્રોહમાં મુસલમાનોનો સહભાગ તેની વસ્તીના પ્રમાણમાં વધુ હતો. આનું કારણ એ હતું કે તેઓ હિંદુઓની તુલનામાં અંગ્રેજી રાજને વધારે તીવ્રતાથી નકારતા હતા. એ નકારનું કારણ મુખ્યત્વે ધાર્મિક હતું. સ્વાભાવિકપણે અંગ્રેજો પણ મુસલમાન ઉપર વધારે નજર રાખતા હતા. આ બાજુ અંગ્રેજોએ અંગ્રેજી માધ્યમમાં પાશ્ચાત્ય શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું જેનો લાભ દેખીતી રીતે હિંદુઓ લેતા હતા. આધુનિક શિક્ષણ પામેલી હિંદુઓની એક પેઢી અસ્તિત્વમાં આવી ગઈ હતી અને તેણે અંગ્રેજીશાસન પાસેથી મળતા લાભ લવાનું શરૂ કરી દીધું હતું.
ગુજરાત સાથે ઘનિષ્ટ સંશોધકીય સંબંધ ધરાવનારા ખ્યાતનામ સમાજશાસ્ત્રી ડૉ. સુધીર ચન્દ્રએ એક વક્તવ્યમાં કહ્યું હતું કે જગત કોરોના સામેની જદ્દોજહદને યોગ્ય રીતે જ યુદ્ધ તરીકે ઓળખાવે છે અને યુદ્ધ ક્યારે ય એકપક્ષીય હોતું નથી. સામે કુદરત પણ યુદ્ધે ચડી છે. તેમનું આ કથન સાંભળીને વિચાર આવ્યો કે વાસ્તવમાં યુદ્ધે કોણ ચડ્યું છે, માનવી કે કુદરત? કોણ આક્રમણકર્તા છે અને કોણ બચાવકર્તા છે? કુદરત યુદ્ધે ચડી છે અને તેની પાસે યુદ્ધે ચડવાનાં કારણો છે. આધુનિક યુગમાં માણસ એમ માનીને ચાલે છે કે તે સૃષ્ટિનું એક અંગ નથી, પણ તે સૃષ્ટિના કેન્દ્રમાં છે અને આખી સૃષ્ટિ એના લાભાર્થે છે. માનવીય ભૌતિક સુખને માનવીય પુરુષાર્થ માની લેવામાં આવ્યો છે.