૧૯૫૦ના મે મહિનામાં કનૈયાલાલ મુનશી અમેરિકાના પ્રવાસે હતા, ત્યારે એક દિવસ તેમને અમેરિકા ખાતેના ભારતીય દુતાવાસમાંથી ફોન આવ્યો કે દિલ્હીથી તેમના માટે તાકીદનો સંદેશ આવ્યો છે માટે તેઓ તેમનો કાર્યક્રમ ટૂંકાવીને ભારતીય એલચી શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિતને બને એટલી ત્વરાએ મળે. મુનશી વોશિંગ્ટન ખાતે વિજયાલક્ષ્મી પંડિતને મળ્યા ત્યારે તેમને સંદેશો આપવામાં આવ્યો કે વડા પ્રધાન જવાહરલાલ નેહરુ તેમને કૃષિ અને અન્ન પુરવઠા ખાતાના પ્રધાનની જવાબદારી સોંપવા માગે છે, એટલે તમારે તાત્કાલિક દિલ્હી જવાનું છે. મુનશીએ હરખને કારણે નહીં, પણ થોડા અપજશના અંદેશાથી ડરીને મલકાતા અવાજે કહ્યું કે, ‘મેડમ, આ એવી ખુરશી છે જેમાં બેસનારે પોતાની કબર પોતે જ ખોદવાની છે.’ વિજયાલક્ષ્મી પંડિતે જવાબમાં કહ્યું કે આ નિર્ણય નેહરુ, સરદાર પટેલ અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો સહિયારો છે અને ત્રણેયને તમારી ક્ષમતા ઉપર ભરોસો છે, અને મને પણ છે.
શા માટે મુનશીએ દેશના કૃષિ અને અન્ન પુરવઠા ખાતાની જવાબદારીને પોતાની કબર પોતે ખોદવા જેવી ગણાવી હતી? એનું પહેલું કારણ એ કે હજુ સાત વરસ પહેલાં બંગાળમાં ભૂખમરા(ગ્રેટ બેંગાલ ફેમીન)ની કારમી ઘટના બની હતી, જેમાં ૨૦થી ૨૫ લાખ માણસોનાં મોત થયાં હતાં. એ છતાં ય ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે ભારત સરકારે પોતાની સાથે અને રાષ્ટ્રની સાથે સંકલ્પ કર્યો હતો કે હવે પછી ભૂખથી લોકોનાં સાગમટાં મોતની ઘટના ભારતમાં નહીં બને. વળી બંગાળનો ભૂખમરો એ ભૂખમરાની કોઈ પહેલી ઘટના નહોતી. ભારતનો ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કબજો લીધો એ પછીથી આઝાદી મળી ત્યાં સુધીનાં ૧૯૦ વરસમાં ભારતમાં કમકમાં આવે એવી સાગમટે ભૂખમરાની ૧૨ મોટી ઘટનાઓ બની હતી, જેમાં પાંચેક કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. આ સિવાય ભૂખમરાની સ્થાનિક નાનીમોટી ઘટનાઓ અલગ.
અંગ્રેજી ભાષામાં બે શબ્દ વપરાય છે; એક શબ્દ છે drought અને બીજો શબ્દ છે Famine. આ બન્નેના અર્થ અને અર્થ કરતાં ય એની ગંભીરતા અલગ અલગ છે. આપણી ભાષામાં આ બન્ને સ્થિતિ વર્ણવવા માટે દુષ્કાળ કે દુકાળ અને હિન્દીમાં સુખા કે અકાલ શબ્દ વપરાય છે જેમાં ફેમીનની ભયાનકતાનો અંદાજ આવતો નથી. જે વાચકો સરકારનું દરેક વાતે સમર્થન કરે છે અને સ્વતંત્ર બુદ્ધિ વાપરવાનું કષ્ટ ઉઠાવતા નથી, તેમને માટે ડ્રાઉટ અને ફેમીન વચ્ચેનો ફરક સમજાવવો પડે એમ છે. પ્રારંભમાં જ જણાવી દઉં કે સરકારે કરેલો કૃષિ કાયદો ભવિષ્યમાં ભારતમાં ફેમીનની સ્થિતિ પેદા કરી શકે એમ છે. તો પહેલાં ડ્રાઉટ અને ફેમીન વચ્ચેનો ફરક સમજી લઈએ.
ક્યારેક કુદરત વિફરે અને વરસાદ ન પડે તો એવી સ્થિતિને ડ્રાઉટ (દુકાળ) તરીકે ઓળખાવવામાં આવે છે. ઉપરાઉપર બે ચોમાસાં નિષ્ફળ જાય તો તેને કારમાં દુકાળ તરીકે ઓળખાવવામાં આવે છે. કારમા દુકાળમાં લોકોને મુશ્કેલી પડે છે, માલ-ઢોરનાં મૃત્યુ થાય છે અને ક્વચિત થોડાં લોકોનાં મૃત્યુ પણ થતાં હોય છે. છેલ્લાં પચાસ વરસમાં ભારતમાં દુકાળમાં લોકોનાં મૃત્યુ થયાં હોય એવું બનતું નથી. દુકાળમાં મોટા ભાગે સંબંધીત પ્રદેશ અને લોકો તેને પાર કરી જાય છે. ફેમીનમાં પાર ઉતરવું મુશ્કેલ પડે છે. બે ચોમાસાં નિષ્ફળ જાય એટલે લાખોની સંખ્યામાં લોકોનાં મૃત્યુ થાય. આવું શા માટે બનતું હશે? એવું શું છે ફેમીનમાં કે પ્રજા બે નિષ્ફળ ચોમાસાંનો માર પણ સહન ન કરી શકે? સુજ્ઞ વાચકને વિનંતી છે કે આ ફરક સમજવાનો પ્રયાસ કરે.
જ્યારે કોઈ સરકાર કે શાસકો વર્ષો જૂના ખેતીવાડીના ઢાંચાને અચાનક એક ઝાટકે તોડી નાખે ત્યારે ગ્રામીણ પ્રજાનો ખેતી સાથેનો તાલમેળ સમૂળગો તૂટી જાય છે અને ફેમીન માટેની સ્થિતિ સર્જાય છે. પ્રજાને સમજાતું નથી કે કરવું શું અને જવું ક્યાં? જમીન સાથેનો એનો પ્રેમ ઉદાસીનતામાં ફેરવાઈ જાય છે, કારણ કે ઢસરડો કરીને પણ પેટ ભરાતું નથી. આને પરિણામે ગ્રામીણ સમાજનો, કૃષિતંત્રનો અને કૃષિ વ્યવસાયનો ઢાંચો અંદરથી ખોખલો થવા લાગે છે. તેને પોતાને પોતાનું સ્વ-પોષણ મળતું બંધ થઈ જાય છે અને બહારથી થતાં શોષણનો શિકાર બનવા લાગે છે. દાયકા-બે દાયકામાં આ ઢાંચો એટલી હદે કમજોર થઈ જાય છે કે બે નિષ્ફળ ચોમાસાં પણ સહન થતાં નથી, અને લોકો ભૂખમરાને કારણે મૃત્યુ પામે છે. આનો અર્થ એ થયો કે ડ્રાઉટ શુદ્ધ કુદરતી આફત છે જ્યારે ફેમીન માનવે પેદા કરેલી ભયાનક આફત છે જે કુદરતની આફતને સહન કરી શકતી નથી.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીની નજર નફા ઉપર હતી. ભારતની પ્રજા જીવે કે મરે તેનાથી તેને કોઈ ફરક પડતો નહોતો. વધુ કમાણી કરવા કંપનીએ વિઘોટી દાખલ કરી, પોતાને જે કાચા માલની જરૂરિયાત હતી એનું ફરજિયાત વાવેતર કરાવવાનું શરૂ કર્યું, ભાવ પાછો કંપની નક્કી કરે અને એ ઉપરાંત કારીગરો પાસેથી રોજગાર છીનવી લીધા કે જેથી ઇંગ્લેંડમાં બનેલો માલ ભારતની બજારમાં વેચી શકે. ટૂંકમાં ખેતી અને રોજગારી બન્ને પર કુઠારાઘાત કરીને ગ્રામીણ અર્થતંત્રનો તેમ જ સમાજજીવનનો ઢાંચો તોડી નાખ્યો. સમગ્ર ભારતની પ્રજા અને તેની ભૂમિ તેનાં સંસાધનો સહિત કંપની સરકારની ગુલામ હતાં, તેનાં તાબામાં હતાં. એ આઘાત ભારતીય ગ્રામીણ પ્રજા માટે મૂળસોતાં ઊખેડી નાખનારો હતો જેનું પરિણામ દાયકે દાયકે ફેમીન હતું.
૧૯૫૮થી ૧૯૬૨નાં વર્ષોમાં આવો અનુભવ ચીનની પ્રજાને થયો જ્યારે ચીની શાસકોએ ગ્રેટ લીફ ફોરવર્ડના નામે સેંકડો વર્ષ જૂના ચીની કૃષિ તેમ જ ગ્રામીણ ઢાંચાને તોડી નાખ્યો. એ ચાર વરસમાં ચીની શાસકોએ જંગલીની જેમ એવાં કદમ ઉઠાવ્યાં કે ગ્રામીણ ચીની સમાજ અને તેના અર્થતંત્રનું આખું પોત ઉતરડાઈ ગયું. ચીનના કોઈને કોઈ પ્રદેશ ફેમીનની ઘટનાઓ બનવા લાગી જેમાં એમ માનવામાં આવે છે કે દોઢથી પાંચ કરોડની સંખ્યામાં ચીની પ્રજાનાં મોત થયાં હતાં. ચીનમાં જ્યારે જુલ્મી શાસનનો અંત આવશે ત્યારે દુનિયાને જાણ થશે કે શાસકોની રાક્ષસીવૃત્તિ કેવી હોય છે.
આશ્ચર્યની વાત છે કે જે ચીનને હજુ ગઈ કાલ સુધી ગાળો આપવામાં આવતી હતી તેને અનુસરવામાં આવી રહ્યું છે. લોકોને વળી કહેવાનું શું હોય અને કહે તો સાંભળવાનું શું હોય! બહોળી સંખ્યાથી અને તેના આક્રોશથી ડરી જઈએ તો કઠોર નિર્ણય ન લઈ શકાય અને જો નિર્ણય લેવામાં પાછા પડીએ તો વિકાસની દોડમાં પાછળ રહી જઈએ. જુઓ ચીન કેટલું આગળ નીકળી ગયું છે. આ યુગમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની પ્રણિત શોષણનાં મૂડીવાદી મોડેલ અને ચીનનાં શાસનના મોડેલ વચ્ચે યુગ્મ રચાતું જોવા મળી રહ્યું છે. પણ એને કારણે ભારત સહિત જગત આખું ફેમીનનું શિકાર બનશે તો? તો શું થયું, એને વિકાસની કિંમત તરીકે ઓળખાવવામાં આવશે. આમ પણ આ ધરતીના ગોળા પરથી એક-બે અબજ પ્રજાનો ભાર ઘટાડવો જરૂરી છે. એમાં હું તમે અને આપણાં સંતાનો પણ હોઈ શકે છે.
પણ ૧૯૪૭માં ભારતને આઝાદી મળી ત્યારે ભારતના નેતાઓએ જાત સાથે વાયદો કર્યો હતો કે ભૂખથી કોઈને મરવા નહીં દેવાય. જો આટલું પણ ન કરી શકીએ તો લાંછન છે. તેમણે જ્યારે આવો પવિત્ર વાયદો કર્યો ત્યારે તેમને ખબર હતી કે હજુ ચાર વરસ પહેલાં બંગાળમાં વીસથી પચીસ લાખ લોકો ભૂખથી મરી ગયા હતાં. જ્યારે કનૈયાલાલ મુનશીને ૧૯૫૦માં કૃષિ અને અન્ન પુરવઠા ખાતાના પ્રધાન બનાવાયા ત્યારે તેમને જાણ હતી કે ભારત સરકારે અને ભારત દેશે જાત સાથે વાયદો કર્યો છે કે કોઈને ય ભૂખથી મરવા નહીં દેવાય. જે કોઈ કૃષિ અને અન્ન પુરવઠા ખાતાના પ્રધાન બને તેને આ વાયદો પાળવાનો હતો. માટે કનૈયાલાલ મુનશીના મોઢામાંથી શબ્દો સરી પડ્યા હતા કે, ‘આ તો પોતાની કબર પોતે ખોદવા સમાન છે.’ મુનશીને અપજશનો નિષ્ફળતાનો ડર હતો.
પણ મુનશી નિષ્ફળ નહોતા નીવડ્યા. મુનશીના અનુગામી રફી અહમદ કીડવાઈ, પંજાબરાવ દેશમુખ, અજીત પ્રસાદ જૈનથી લઈને સી. સુબ્રમણ્યમ્ સુધીના કોઈ કૃષિ પ્રધાન નિષ્ફળ નહોતા નીવડ્યા. તેઓ બધા રાષ્ટ્ર સાથેના અને પોતાની જાત સાથેના સંકલ્પને પાળી શક્યા એનો શ્રેય તેમને બહુ ઓછો જાય છે, દેશના ખેડૂતોને વધુ જાય છે. ભારતના ખેડૂતોએ તેમને નિષ્ફળ નહોતા થવા દીધા. ભારત અન્ન સ્વાવલંબી થયું એનો લગભગ ૮૦ ટકા શ્રેય ભારતના ખેડૂતોને જાય છે. આ અભિપ્રાય મારો નથી, મુનશીથી લઈને સી. સુબ્રમણ્યમ્ સુધીના દરેક કૃષિ પ્રધાનોનો છે. અપવાદ વિના દરેકે ભારતના ખેડૂતોનો આભાર માન્યો છે.
આની વધુ ચર્ચા હવે પછી મારી રવિવારની કોલમ ‘નો નોનસેન્સ’માં.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 04 ફેબ્રુઆરી 2021
 ![]()


પાકિસ્તાન નામના પ્રયોગમાંથી આપણા માટે કોઈ ધડો હોય તો એ ત્રણ છે. એક તો એ કે ધર્મ જોડનારું પરિબળ નથી, બલકે એ તોડનારું પરિબળ છે. પાકિસ્તાનની સ્થાપના ઇસ્લામ ધર્મની અને ઇસ્લામ ધર્મીઓની રક્ષા માટે કરવામાં આવી હતી અને એ પછી માત્ર ૨૫ વરસમાં પાકિસ્તાનનું વિભાજન થયું હતું. ખરું પૂછો તો ધર્મ પોતે જ વિભાજન ધર્મી છે. જો એમ ન હોત તો ધર્મસંસ્થામાં આટલાં વિભાજન ન થયાં હોત. દુનિયામાં એવો કયો ધર્મ છે જે સંપ્રદાય, પેટા-સંપ્રદાય કે ફિરકાઓથી મુક્ત છે? એક પણ નહીં. સ્વામિનારાયણ સંપ્રદાય હિંદુ વૈષ્ણવ ધર્મનો પેટા સંપ્રદાય છે અને એમાં પાછા ચાર પેટા-સંપ્રદાય છે. આમ ધર્મ પોતે જ વિભાજન ધર્મી છે. ધર્મ જ્યારે સ્વભાવત: વિભાજન ધર્મી હોય ત્યારે એ ક્યારે ય કોઈ પ્રજાને કાયમ માટે જોડી રાખી શકે ખરો?
આવા પ્રમાણિક અને બહાદૂર ક્રાંતિકારી ભગતસિંહે તેને ફાંસી આપવામાં આવી તેની પૂર્વ સંધ્યાએ જેલમાંથી યુવાનોને સંબોધીને એક પત્ર લખ્યો હતો જે સશસ્ત્ર ક્રાંતિના વિકલ્પને વ્યવહારુ સમજનારાઓએ વાંચવાની જરૂર છે. તેણે એ પત્રમાં લખ્યું હતું કે ભારતને આઝાદી માત્ર અને માત્ર શાંતિમય લોકઆંદોલન દ્વારા મળી શકે જેવાં આંદોલનો ગાંધીજી કરી રહ્યા છે, અહીં તહીં ગોળીઓ ચલાવવાથી અને છૂટક હિંસા કરવાથી ન મળી શકે. તેમણે યુવાનોને શાંતિમય લોક આંદોલનનો માર્ગ અપનાવવાની સલાહ આપી હતી.