જો નરેન્દ્ર મોદીની સરકારે જાણીબૂજીને બંધારણના આમુખમાંથી સેક્યુલર શબ્દ હટાવવાની રમત કરી હોય તો એ આધુનિક રાજ્યમાં શ્રદ્ધા ધરાવનારાઓએ સાવધાન રહેવું પડે એવી ગંભીર ઘટના છે
૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિને ભારત સરકારના માહિતી અને પ્રસારણ ખાતાએ એક ઍડ્વર્ટાઇઝમેન્ટ અખબારોમાં રિલીઝ કરી હતી, જેમાં ભારતના બંધારણનું આમુખ આપવામાં આવ્યું હતું. આમુખમાં બે શબ્દો આપવામાં આવ્યા નહોતા. આ બે શબ્દો હતા – સેક્યુલર અને સોશ્યલિસ્ટ. જાહેરખબરમાંથી આ બે શબ્દો જાણીબૂજીને હટાવવામાં આવ્યા હતા કે પછી ભૂલ હતી એ વિશે વિવાદ ચાલી રહ્યો છે. સરકારની મથરાવટી જમણેરી હિન્દુ રાષ્ટ્રવાદીની છે એટલે શંકા જવી સ્વાભાવિક છે. વર્તમાન કેન્દ્ર સરકારને સમાજવાદ અને સેક્યુલરિઝમ માટે સૂગ છે એટલે સર્વસાધારણ ધારણા એવી છે કે સરકારે જાણીબૂજીને આમ કર્યું હોવું જોઈએ.
આ વિવાદ પછીની સરકારની પ્રતિક્રિયા વિવાદને શમાવવાની જગ્યાએ વિવાદને વકરાવનારી છે અને શંકાને વધારે મજબૂત કરનારી છે. શંકાને પુષ્ટિ આપનારું નિવેદન માહિતી અને પ્રસારણ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન જયવર્દનસિંહ રાઠોડે કર્યું હતું. તેમણે બચાવ કર્યો હતો કે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે જે બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું એમાં આ બે શબ્દો નહોતા. તેમણે શંકાનું નિરાકરણ કરતાં પાછો એવો પણ બચાવ કર્યો હતો કે આગળની UPA સરકારે જે જાહેરખબર આપી હતી એમાં પણ એ બે શબ્દો નહોતા અને વર્તમાન સરકારે એ જાહેરખબર આખેઆખી ઉઠાવી હતી. બીજું આવું જ શંકા પેદા કરનારું નિવેદન કેન્દ્રના કમ્યુિનકેશન અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે કર્યું હતું. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. મૂળ આમુખમાં આ બે શબ્દોને સમાવવામાં આવ્યા નહોતા અને એની પાછળ કારણ હતું. જવાહરલાલ નેહરુએ અને ડૉ. આંબેડકરે આ બે શબ્દો માટે આગ્રહ નહોતો રાખ્યો, તો શું તેઓ પણ ઓછા સેક્યુલર હતા? એ પછી સરકાર પર જ્યારે પસ્તાળ પડવા માંડી ત્યારે કેન્દ્રના શહેરી વિકાસ ખાતાના પ્રધાન વેન્કૈયા નાયડુએ ખુલાસો કર્યો હતો કે કેન્દ્ર સરકાર બંધારણના આમુખમાં કોઈ પરિવર્તન કરવા માગતી નથી અને સેક્યુલરિઝમ ભારતની પ્રજાના લોહીમાં છે એટલે કોઈએ ડરવાની જરૂર નથી. વડા પ્રધાન હંમેશ મુજબ ચૂપ છે.
એ વાત ખરી છે કે બંધારણના મૂળ આમુખમાં આ બે શબ્દો નહોતા. આ બે શબ્દો ઇમર્જન્સીમાં ઇન્દિરા ગાંધીની સરકારે બંધારણમાં ૪૨મો સુધારો કરીને ઉર્મેયા હતા. મૂળ આમુખમાં આ બે શબ્દો નહોતા એની પાછળ કારણ હતું. આમુખમાં બંધારણનો આખો સાર આવી જાય છે અને ગણતરીના શબ્દોમાં જ્યારે આખા બંધારણનો સાર અને આત્માને અભિવ્યક્ત કરવા હોય ત્યારે શબ્દોની ચોકસાઈ જરૂરી છે. આમુખમાં એવા જ શબ્દો વાપરવામાં આવ્યા છે જેની વ્યાખ્યા કરવાની જરૂર ન હોય. મૂળ આમુખમાં સોવરેન, ડેમોક્રૅટિક, રિપબ્લિક, જસ્ટિસ, લિબર્ટી, ઇક્વલિટી અને ફ્રેટરનિટી જેવા શબ્દો વ્યાખ્યા કર્યા વિના વાપરવામાં આવ્યા છે, કારણ કે આઝાદીના આંદોલન દરમ્યાન આ શબ્દો પાછળની ભાવના સ્પષ્ટ થઈ ગઈ હતી અને સર્વસંમતિ બની ગઈ હતી. સેક્યુલર શબ્દ એટલા માટે મૂકવામાં નહોતો આવ્યો કે એના અનેક અર્થો થાય છે. નાસ્તિક, ધર્મવિરોધી, ધર્મની બાબતમાં સંપૂર્ણપણે તટસ્થ અને ધર્મનિરપેક્ષ એવા અનેક અર્થો થાય છે. ભારતનું સેક્યુલરિઝમ તો પાછું જરૂર પડે તો ધર્મની બાબતમાં હસ્તક્ષેપ કરનારું પણ છે. મૂળભૂત માનવીય મૂલ્યો અને ધાર્મિક મૂલ્યો જ્યારે અથડાય ત્યારે સરકાર ધાર્મિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર ધરાવે છે. જેમ કે ધાર્મિક શ્રદ્ધાના નામે કોઈની સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર ન કરી શકાય. માનવીય ગૌરવ દલિતનો મૂળભૂત અધિકાર છે અને ઉવેખી ન શકાય એવું માનવીય મૂલ્ય પણ છે.
૬૫ વર્ષ પછી હજી આજે પણ જેનો અર્થ અને ભાવના રૂઢ નથી થયા એ સેક્યુલર શબ્દ આમુખમાં વાપરવામાં નહોતો આવ્યો એનું બીજું પણ એક કારણ હતું. બંધારણના મૂળભૂત અધિકારોના પ્રકરણમાં અને ખાસ કરીને આર્ટિકલ ૨૫ અને ૨૬માં તેમ જ રાઇટ ટુ ફ્રીડમ અને રાઇટ ટુ ઇક્વલિટીને લગતા આર્ટિકલ્સમાં સેક્યુલરિઝમના ભારતીય સ્વરૂપની વિગતે અને ઝીણવટપૂર્વક વ્યાખ્યા કરવામાં આવી છે. ભારતનું સેક્યુલરિઝમ એકંદરે ધર્મનિરપેક્ષ અને જરૂર પડ્યે હસ્તક્ષેપ કરવાના સરકારના અધિકારવાળું છે. આમ જ્યારે અનેક અર્થોવાળા શબ્દની યોગ્ય સ્થળે વિગતે અને ચોકસાઈપૂર્વક સ્પક્ટતા કરવામાં આવી હતી એટલે આમુખમાં સેક્યુલર શબ્દ મૂકવાની બંધારણ ઘડનારાઓને જરૂર નહોતી લાગી. ઇન્દિરા ગાંધીની સરકારે સોશ્યલિસ્ટ અને સેક્યુલર શબ્દ ઉર્મેયા હતા, જેની ખરું પૂછો તો કોઈ જરૂર નહોતી. આમાં સોશ્યલિઝમ શબ્દ તો સાવ નિરર્થક હતો. અર્થનીતિ રાજ્યની શ્રદ્ધા અને આત્મા ન હોઈ શકે. એ પ્રસંગોપાત્ત જરૂર પડ્યે બદલાતી રહેતી હોય છે. ૧૯૯૧ પછી કૉન્ગ્રેસ સરકારે જ સમાજવાદને તિલાંજલિ આપવાનું શરૂ કર્યું હતું.
ઇમર્જન્સીમાં ઇન્દિરા ગાંધીની સરકારે બંધારણમાં બીજા પણ સુધારા કર્યા હતા જેમાં સૌથી ઘાતક સુધારો બંધારણના મૂળભૂત માળખામાં પરિવર્તન કરવાનો સંસદ અધિકાર ધરાવે છે એ હતો. ૧૯૭૭માં ઇન્દિરા ગાંધીનો પરાજય થયો અને કેન્દ્રમાં જનતા પાર્ટીની સરકાર આવી હતી. જનતા પાર્ટીમાં ભારતીય જનસંઘ એક ઘટક પક્ષ હતો અને અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણી સરકારમાં સિનિયર પ્રધાનો હતા. જનતા પાર્ટીની સરકારે બંધારણના મૂળભૂત માળખામાં સુધારો કરવાનો લોકપ્રતિનિધિઓ અધિકાર ધરાવે છે એવો સુધારો રદ કર્યો હતો એટલું જ નહીં, બંધારણના મૂળભૂત માળખામાં સંસદ કોઈ પણ સંજોગોમાં સુધારો ન કરી શકે એવું ઉમેરવામાં આવ્યું હતું. અહીં યાદ રાખવું જોઈએ કે એ જ જનતા પાર્ટીની સરકારે આમુખમાં ઉમેરવામાં આવેલો સેક્યુલર શબ્દ હટાવ્યો નહોતો, જેમાં વાજપેયી-અડવાણી ભાગીદાર હતા. આનું કારણ એ હતું કે ત્રણ દાયકા દરમ્યાન સેક્યુલરિઝમ ભારતીય રાજ્યનો આત્મા છે જેની વ્યાખ્યા બંધારણમાં યોગ્ય સ્થળે કરવામાં આવી છે.
નરેન્દ્ર મોદીની સરકારે હજી એક ઇતિહાસ યાદ રાખવાની જરૂર છે જે તાજો છે અને એનો પોતાનો NDA સરકારનો છે. વાજપેયી સરકારે નિવૃત્ત ન્યાયમૂર્તિ એમ.એન. વેન્કટચેલૈયાની અધ્યક્ષતામાં નૅશનલ કમિશન ફૉર રિવ્યુ ઑફ વર્કિંગ કૉન્સ્ટિટ્યુશન નામના એક પંચની રચના કરી હતી જેને બંધારણના પુનમૂર્લ્યાંકનનું કામ સોંપ્યું હતું. કમિશને અહેવાલ આપ્યો હતો કે ભારતના બંધારણના મૂળભૂત માળખામાં પરિવર્તન કરવાની જરૂર નથી, કરવું પણ ન જોઈએ અને સંસદને એવો અધિકાર પણ નથી.
જો નરેન્દ્ર મોદીની સરકારે જાણીબૂજીને આવી રમત કરી હોય તો એ આધુનિક રાજ્યમાં શ્રદ્ધા ધરાવનારાઓએ સાવધાન રહેવું પડે એવી ગંભીર ઘટના છે. દેશમાં વ્યાપક ઊહાપોહ થઈ રહ્યો છે એનું કારણ આ છે.
સૌજન્ય : ‘મંતવ્ય સ્થાન’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 02 ફેબ્રુઆરી 2015
http://www.gujaratimidday.com/features/columns/2015-02-02-06-48-46-2
![]()


કાશી વિશ્વનાથના મંદિરમાં, સહન ન કરી શકીએ એટલી હદે ગંદકીને વહેતી ગંગામાં, ઘાટ પર કર્મકાંડનો ધંધો કરનારા ઘાટિયા બ્રાહ્મણોના છળકપટમાં, મણિકર્ણિકા ઘાટ પર મૃતદેહોને અગ્નિ આપીને મુક્તિ અપાવનારા ડોમ રાજાના દરબારમાં કાશી શોધશો તો મળે એમ નથી; પણ કાશીમાં જો બનારસ શોધશો તો તમને અદ્દભુત શહેર હાથ લાગશે
આ લખનારને આમાંથી પહેલી સંભાવનાની ખાસ ચિંતા નથી, કારણ કે ઇન્દિરા ગાંધીએ બંધારણ અને ન્યાયતંત્ર સાથે ચેડાં કર્યા હતાં જેમાં છેવટે બંધારણ અને ન્યાયતંત્ર વિજયી થયાં છે. અત્યારે ભારતીય લોકતંત્રના મૂળભૂત માળખાને તોડી પાડવું શક્ય નથી. આત્મમુગ્ધતા એક બીમારી છે અને એવો માણસ જો સાથે સત્તાવાસના ધરાવતો હોય તો એ વધારે જોખમી છે. આ ચિંતાનો વિષય જરૂર છે, પણ એનું વિવેચન જરૂરી નથી; કારણ કે માનવીનું વર્તન સંયોગો પર આધારિત હોય છે અને ક્યારે કેવા સંજોગો પેદા થશે એની કલ્પના કરવાનો અર્થ નથી. ત્રીજો ભય નક્કર છે અને આ લખનારને ત્રીજો ભય આજે સૌથી વધુ સતાવી રહ્યો છે.