
યશવંત મહેતા
ડિસેમ્બર ૨૦૨૪ની પ્રારંભિક તારીખોના ઘણા ચિંતાજનક સમાચારો વચ્ચે એક વિચારપ્રેરક સમાચાર છે. બ્રિટનની પાર્લામેન્ટે બહુમતીથી ઇચ્છા-મૃત્યુને કાનૂની મંજૂરી આપી છે. માણસ એ હદે બીમાર હોય કે મુંબઈની પેલી કમભાગી નર્સની જેમ દાયકાઓથી કોમામાં હોય કે એ હદે વૃદ્ધ હોય કે એને (અને સ્વજનોને પણ) લાગે કે “આ જીવન હવે લંબાવવું નિરર્થક અને પીડાદાયી છે” ત્યારે એ જીવનની સમાપ્તિ જ ઇચ્છનીય ગણાય.
આ જ દિવસોમાં ‘સદ્ભાવના સાધના’ સામયિકમાં વિસનગરના ડૉક્ટર દ્વારકાદાસ જોશીની જીવનકથામાં વાંચ્યું કે એમણે હવે આ જીવન લંબાવવું નિરર્થક છે એમ સમજીને ૯૪ વર્ષની વયે એક નિશ્ચિત તારીખથી ખાવાનું અને કેટલાક દિવસ પછી પાણી પીવાનું પણ બંધ કર્યું, અને એ રીતે પોતાનું સાર્થક જીવન સમાપ્ત કર્યું.
મારા સસરાજી, વૈદ્ય શાસ્ત્રી અમૃતલાલ કે. રાવળે પણ ૯૫ વર્ષની વયે એક માંદગી આવી એટલે દવા અને ખોરાક પાણી લેવાનું બંધ કર્યું હતું. માત્ર ને માત્ર ગંગાજળ લેતા. એ ખૂબ નિરાંતે અવસાન પામ્યા. સારું થયું કે ડૉ. જોશી અને દાદાજીને કાનૂને સતાવ્યા નહિ. બાકી હજુ હમણાં સુધી (૨૦૧૪ સુધી) આપણા દેશમાં બ્રિટિશ પ્રણાલિકાઓના કાનૂનોની બોલબાલા હતી.
ખ્રિસ્તીધર્મમાં વાસ્તવમાં ગર્ભપાત સહિત કોઈ પણ પ્રકારના જીવ-નિર્વાણને અપરાધ ગણવામાં આવતા. દેશના તત્કાલીન ફોજદારી કાનૂનની ૨૦૯ કે ૩૦૯ કે એવી કોઈ કલમ હેઠળ આપઘાતનો પ્રયાસ કરનારને એક વર્ષ સુધીની કેદની સજા અથવા દંડ અથવા કેદ અને દંડ, એ બંનેની સજા કરવાની જોગવાઈ હતી. આપઘાત આદરનાર અગર મરણ પામે તો તો છૂટી જાય, પરંતુ જીવી જાય તો જે યાતનામાંથી કે નાલેશીથી કે બદનામીથી બચવા માટે એ મરી જવા આતુર હોય તે તો ભોગવે જ, ઉપરાંત જેલ ભોગવે. કદાચ ૨૦૧૪માં ભારતની સંસદે આ કલમ રદ્દ કરી છે. હમણાં નવા બનેલા કાનૂનોમાં શી પરિસ્થિતિ છે એની ખબર નથી. એક જૂની કહેવત છે : માગ્યાં મૉત ન મળે ! અને જો માગ્યાં મૉત મળે તો ? લતા મંગેશકરે ગાયેલી એક ગઝલ જૂની પેઢીના નાગરિકોને તો ખૂબ યાદ હશે. નવી પેઢીમાંયે ઘણાંએ સાંભળી હશે :
“માંગનેસે જો મૌત મિલ જાતી તો
કૌન જીતા ઇસ જમાને મેં….”
જો માંગવાથી મૉત મળી જાય તો, આ જમાનામાં કોણ જીવવા માંગે ? સાસરિયાંના ત્રાસથી છૂટવા કોઈ યુવતી આપઘાત કરવા જાય પણ મરી ન શકે તો પોલીસ, વકીલ, અદાલત અને સમાજનો અમાનુષી ત્રાસ તો ચાલુ રહે.
આપઘાતનું આ એક પાસું છે. કોઈને આપઘાત માટે પ્રેરવા અથવા એની પાસે આપઘાત સિવાય કશો વિકલ્પ જ ન રહે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું એ બીજું પાસું છે. આ સંજોગોમાં તો, આપઘાતની ઘટનામાં વ્યક્તિ સફળ થાય કે નિષ્ફળ જાય એને આ પગલું ભરવા માટે મજબૂર કરનાર અપરાધી જ રહે છે. એટલે કે આપઘાત કરનાર માટે આપઘાત ગુનો ન ગણાય તો ય આપઘાતની પ્રેરણા આપનાર તો અપરાધી ઠરે છે.
આપઘાતની ઘટનાનાં બે અન્ય પાસાં પણ છે. એક : વ્યક્તિ સ્વયમેવ સ્વ-નાશનો માર્ગ શોધી લે તે એક પાસું છે. ઝેર ખાવું કે પીવું, ગળે ફાંસો ખાવો, અગ્નિસ્નાન કરવું, જળ સમાધિ લેવી, ટ્રેઈન જેવા વાહન હેઠળ કચડાઈ મરવું, બંદૂક-પિસ્તોલ હાથવગી હોય તો એની ગોળી પોતાની ખોપરીમાં કે છાતીમાં દાગવી વગેરે … વગેરે. એક રીત છે તેમાં પેટમાં પોતાની તલવાર ભોંકવી એ જાપાનની હારાકીરી નામની આપઘાતની રીત પણ આવી જાય છે. બીજી રીતે પોતાને મારી નાખવા માટે કોઈક અન્યને પ્રેરણા, ઉશ્કેરણી કરવી કે આજ્ઞા કરવી, આ બીજા પ્રકારે પોતાના જીવનનો અંત આણવાના પણ અનેકવિધ રસ્તા છે.
મધ્યયુગીન મૂલ્યોનું જ્યારે પ્રવર્તન હતું ત્યારે અગર પતિ દુ:શ્મનને હાથે હારે અને મરે એવું નિશ્ચિત જણાય ત્યારે પત્ની પોતાના પતિને વિનવતી કે મને મારી નાંખો ! મારી કાયા દુ:શ્મનને હાથ પડે અને એ કાયાને ચૂંથે એ અગાઉ જ મારા પ્રાણ હરી લો ! આ પ્રકારના વ્યક્તિગત કિસ્સા પણ બનતા અને સામૂહિક પણ બનતા, રાજપૂત રાજાને અને એના સાથીઓને સંપૂર્ણ ખાતરી થઈ જાય કે હવે પોતાના નગરનું રક્ષણ થઈ શકે તેમ જ નથી અને રક્ષણની કોશિશ કરતાં કરતાં પોતે સૌ મરી પરવારવાના છે ત્યારે તેઓની પત્નીઓ એમને વિનતી કે અમને અગ્નિને હવાલે કરીને પછી કેસરિયાં કરો. અને સ્ત્રીઓ જ નહિ, પુરુષ લડવૈયાઓને પણ જ્યારે હાર અને બંધન નિશ્ચિત જણાય ત્યારે દુ:શ્મનને હાથ પડવું અને અપમાન સહેવું અને દુ:શ્મનને હાથ મરવું પસંદ નહિ કરતાં વીર યોદ્ધાઓ પોતાના સાથીના હાથે મરવાનું પસંદ કરતા.
મધ્યયુગની એકાદ વાર્તા અમે એવી પણ વાંચી છે કે જે દુ:શ્મન સામે પોતે હારી રહ્યા છે એ દુ:શ્મન એવી પ્રણાલિકા ધરાવે છે કે પોતે જેને મારે તેનું મસ્તક ભાલાની અણી પર ચડાવીને એનું ફૂલેકું ફેરવે છે ! આવા સંજોગોમાં હારનાર લડવૈયો પોતાના વફાદાર અનુચરને આજ્ઞા કરે કે મારું મસ્તક કાપીને તું દૂર દૂર નાસી જા ! ક્યાંક મસ્તકને અગ્નિદાન દઈ શકાય તો તેમ, નહિ તો એને નદીમાં પધરાવજે !
પતિને, સાથીને, અનુચરને આમ પ્રાણ હરવા અનુરોધ કરવા ઉપરાંત આ બીજા પ્રકારમાં તબીબને મારા પ્રાણ હરો એમ વિનવવાનો વિકલ્પ રહે છે. અલબત્ત, તબીબો-ડૉક્ટરો કોઈનો ય પ્રાણ જાય એમ ઇચ્છતા ન હોય, અને કોઈને આપઘાતમાં સહાય કરવાનું તો ન જ વિચારે. એક સર્વ સામાન્ય માન્યતા (અને આગ્રહ પણ) એ જ છે કે ડૉક્ટર તો પ્રાણ આપે, પ્રાણ લે નહિ. (ધંધાદારી દૃષ્ટિકોણથી જોઈએ તો ય, ડૉક્ટરને દર્દી જીવે અને દૂઝણી ગાયની જેમ ફી આપ્યા કરે એમાં રસ હોય. દર્દી મરે અને આવક ટળે એમાં રસ ન હોય).
પરંતુ ક્યારેક સ્થિતિ જ એવી આવે છે કે મૃત્યુ એ મુક્તિ સમાન હોય છે. કેન્સરના અંતિમ તબક્કાની વેદના ભોગવતી વ્યક્તિ કે અલ્ઝાઈમર ડિસીઝની તીવ્રતા જેવી અતિ દુ:ખદાયી સ્થિતિથી પીડાતી વ્યક્તિ માટે મૃત્યુ તો અસહ્ય વેદનામાંથી દયામય મુક્તિ ગણાય. આવી વ્યક્તિને મુક્તિ આપવાની ઘટનાને મર્સીકિલીંગ કે ઇચ્છામૃત્યુ કહે છે. આપઘાતના આ પ્રકારને કાયદેસર ગણવા માટેનો પણ એક ઠરાવ આપણી સંસદમાં છેક ૧૯૭૬માં રજૂ થયેલો, જો કે આ પદ્ધતિ અંગે સમાજમાં ડર પણ છે. કેટલાંક લોકો આ જોગવાઈનો આશરો લઈને અણગમતા પરિવારજનને પતાવી પણ દે !! ખાસ કરીને વૃદ્ધજનો માટે આ ડર સાચો પણ હોય.
મર્સી કિલિંગને બહાને માંદી વ્યક્તિઓ ભણી નિર્દયતાની આ પ્રકારની સંભાવના છતાં અમેરિકામાં અને બ્રિટનમાં પણ મર્સીકિલિંગને માન્યતા આપવાની માંગ વારંવાર ઊઠતી રહી છે અને વર્ષ ૨૦૦૦માં ઉત્તર યૂરોપના નાનકડા દેશ નેધરલેન્ડ–(હોલેન્ડ)ની સંસદે મર્સી કિલિંગનો ઠરાવ મંજૂર કર્યો છે, ઉત્તર યુરોપનો આ દેશ તેમ જ પડોશના નોર્વે અને સ્વીડન જેવા અન્ય દેશો ક્રાંતિકારી (અને જુનવાણીઓને હળાહળ ‘પાપ’ લાગે એવા) કાનૂનો માટે જાણીતા છે. પુરુષ-પુરુષ વચ્ચેના અને સ્ત્રી-સ્ત્રી વચ્ચેના લગ્નને કાયદેસરતા બક્ષનાર આ દેશો છે. ફિલ્મમાં, નાટકમાં જો કથાની આવશ્યકતા હોય તો નગ્નતાની છૂટ આપનાર આ દેશો છે. એવા એક દેશમાં ઇચ્છામૃત્યુને કાનૂની બનાવવામાં આવે એની નવાઈ નહિ.
અલબત્ત, આપઘાત સામેની દલીલો જેવી જ આ પ્રેરિત આપઘાત સામે પણ છે. ઘણાને મન આ જોગવાઈ (આપઘાતને અપરાધ નહિ ગણવાની જોગવાઈ) ધર્મ, માનવતા, તબીબી નૈતિકતા, કૌટુંબિક પ્રેમ, એ બધાની ઉપરવટ જતી જણાય છે. માનવી જેવા માનવીને જાતે મરવાનો અધિકાર આપવો અથવા એ કોમામાં હોય કે બેહોશ હોય તો એનાં સગાંને જો અધિકાર આપવો શું યોગ્ય છે ? માનવી બીમાર હોય એમાંથી પુન: સ્વસ્થ નહિ જ થઈ શકે એમ માની લેવામાં શું ડહાપણ છે ?
ઘણા સમય સુધી કોમામાં રહેનાર માનવી પુન: સભાન બન્યાનાં ઉદાહરણો શું નથી મળ્યાં ? કેટલાક વિચારકો વળી આવી જોગવાઈને મૃત્યુદંડ(કેપિટલ પનિશમેન્ટ)ના સંદર્ભમાં જોવા સૂચવે છે. ઇતિહાસ-પર્યંત એવાં અનેક ઉદાહરણ મળ્યાં છે કે માનવીને મૃત્યુદંડ અપાઈ જાય તે પછી નવા પુરાવા કે નવી માહિતી સૂચવે છે કે મરનારનો કશો દોષ નહોતો ! એ સંજોગોમાં મરનારને પાછાં આણી શકાતાં નથી. એવું જ કોમામાં સરી પડેલી વ્યક્તિને મરણ આપવાથી બની શકે ને ? આ કોમામાંથી ઊગરે એવું એના કેસ-પેપર્સ પરથી સીનીઅર ડૉક્ટર તારવે, પરંતુ ત્યાં સુધીમાં તો એની રાખ પણ ઊડી ચૂકી હોય ને !!
જો કે હોલેન્ડમાં વિચારસરણી જુદી છે. અમારી સામે જૂના આંકડા છે, એ મુજબ ૧૯૯૬થી ૨૦૦૦ સુધીનાં પાંચ વર્ષમાં ત્યાં ૨,૫૬૫ ઇચ્છા-મૃત્યુ (આપઘાત) યા દયામૃત્યુ (મર્સી કિલિંગ) થઈ ચૂક્યાં હતાં. અરે ત્યાંની સંસદે ૧૦૪ વિરુદ્ધ ૪૦ મતથી આપઘાત – દયામૃત્યુની છૂટ આપતો જે કાનૂન પસાર કર્યો છે એમાં ‘મારે મરવું છે’ એવું નક્કી કરવાનો અધિકાર ૧૬ વર્ષ કે તેથી વિશેષ વય ધરાવતી દરેક વ્યક્તિને આપ્યો છે !
હવે આપણે આ લેખનું શીર્ષક ફરી વાંચીએ : “માંગને સે જો મૌત મિલ જાએ ….” તો ગરીબ ભારતમાં કેટલાં લોકો જીવવાનું પસંદ કરે ! થઈને ચિંતા ! જી, હા, માગ્યાં મૉત મળવાની સંભાવના આપણા દેશમાં તો ગંભીર ચિંતા પ્રેરે છે. આપણા દેશમાં ભયાનક બેહાલીમાં જીવતી એટલી બધી વ્યક્તિઓ છે કે ઘણીબધી આપઘાત કોશિશો થશે. જે સફળ થશે તે તો પરવારી જશે. એમના પર કાનૂની કારવાઈ નહિ થાય. અરે બચી જશે એમના પર પણ કાનૂની કારવાઈ નહિ થાય.
પરંતુ લાખ ટકાનો સવાલ ઊભો જ રહેશે : એમની બેહાલીનું શું ? એટલું જ નહિ. અહીં આતવારે ને છાશવારે ત્રણ-પાંચ-સાત-નવ બચ્ચાં જણવાના અનુરોધ થયા કરે છે. બીજી બાજુ લસણ છસો રૂપિયે કિલો જેવી મોંઘવારી પ્રવર્તે છે. આ સંજોગોમાં આપઘાત કરવા કેટલાં પ્રેરાશે ?
વાસ્તવમાં આપઘાત અને દયા મૃત્યુ જેવા વિષયો વધારે ચિંતન માગી લે છે, જનજીવનની સ્થિતિ અંગે. એક એવી પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ અને દેશની આર્થિક-સામાજિક, ધાર્મિક પરિસ્થિતિ એવી બનવી જોઈએ કે કોઈને ય આપઘાતનો વિચાર ન આવે. કોઈની ય સ્થિતિ એ હદે ન બગડે કે એને મરણ આપવું પડે.
ઋત – ૪૭/એ, નારાયણનગર, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭.
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 જાન્યુઆરી 2025; પૃ. 16-17
 



 અને આ જ પરિવારનાં અંબાલાલ સારાભાઈ અને સરલાદેવી સારાભાઈનાં દીકરી મૃદુલા તો વળી ઓર અધિક મહિમામય કારકિર્દી જીવી ગયાં. આઠ ભાઈ-બહેનોના બહોળા પરિવાર અને લખલૂટ સંપત્તિની સુવિધામાં મૃદુલાબહેનનું બાળપણ સ્વપ્નની જેમ પસાર થઈ ગયું. અંબાલાલભાઈ પોતાનાં સંતાનોને બહારની કોઈ શિક્ષણસંસ્થામાં મોકલતા નહિ. તમામ બાળકોના માધ્યમિક કક્ષા સુધીના તમામ શિક્ષણની જોગવાઈ શાહીબાગ ખાતેના એમના વિશાળ રીટ્રીટ બંગલા ખાતે થતી. એમના ભણતર માટે શિક્ષકોનો મોટો કાફલો રોકવામાં આવતો. દરેક સંતાનની રુચિ પારખવામાં આવે અને પછી એ દિશામાં એની વિશેષ તાલીમ થાય એવી જોગવાઈ હતી. મોટી વાત એ હતી કે અતિ માલદાર પરિવાર હોવા છતાં ઘરમાં સાદગીનું વાતાવરણ રહેતું. ભોજન, કપડાં, વડીલો ઉપરાંત નોકરચાકર તરફનું વર્તન, એ બધી બાબતમાં સાદાઈ અને શાલીનતાનો આગ્રહ રહેતો. આમાં પણ, મૃદુલાબહેન સાવ નાનપણથી કાંઈક જુદું જ વલણ ધરાવતાં હતાં. એમને સાદગી ખૂબ પસંદ હતી.
અને આ જ પરિવારનાં અંબાલાલ સારાભાઈ અને સરલાદેવી સારાભાઈનાં દીકરી મૃદુલા તો વળી ઓર અધિક મહિમામય કારકિર્દી જીવી ગયાં. આઠ ભાઈ-બહેનોના બહોળા પરિવાર અને લખલૂટ સંપત્તિની સુવિધામાં મૃદુલાબહેનનું બાળપણ સ્વપ્નની જેમ પસાર થઈ ગયું. અંબાલાલભાઈ પોતાનાં સંતાનોને બહારની કોઈ શિક્ષણસંસ્થામાં મોકલતા નહિ. તમામ બાળકોના માધ્યમિક કક્ષા સુધીના તમામ શિક્ષણની જોગવાઈ શાહીબાગ ખાતેના એમના વિશાળ રીટ્રીટ બંગલા ખાતે થતી. એમના ભણતર માટે શિક્ષકોનો મોટો કાફલો રોકવામાં આવતો. દરેક સંતાનની રુચિ પારખવામાં આવે અને પછી એ દિશામાં એની વિશેષ તાલીમ થાય એવી જોગવાઈ હતી. મોટી વાત એ હતી કે અતિ માલદાર પરિવાર હોવા છતાં ઘરમાં સાદગીનું વાતાવરણ રહેતું. ભોજન, કપડાં, વડીલો ઉપરાંત નોકરચાકર તરફનું વર્તન, એ બધી બાબતમાં સાદાઈ અને શાલીનતાનો આગ્રહ રહેતો. આમાં પણ, મૃદુલાબહેન સાવ નાનપણથી કાંઈક જુદું જ વલણ ધરાવતાં હતાં. એમને સાદગી ખૂબ પસંદ હતી. આ રીતે તેઓ ગાંધીજીના નિકટ સંપર્કમાં આવ્યાં. ગાંધીજીનાં પ્રશંસક બન્યાં. ગાંધીજી માત્ર રાજકીય આઝાદી માટે મથતા નથી પરંતુ સત્યાગ્રહી માનવોને ઘડવા માટે પ્રયત્નશીલ છે, એ મૃદુલાબહેન બરાબર સમજતાં હતાં. અલબત્ત, મૃદુલાબહેન ગાંધીજીનાં પ્રશંસક અને ટેકેદાર રહ્યાં, પરંતુ કદી એમનાં ભક્ત ન બન્યાં. ગાંધીજી પોતાના સંપર્કમાં આવનાર દરેકને કશીક ને કશીક રચનાત્મક કે વિકાસાત્મક પ્રવૃત્તિમાં જોડાઈ જવાનો અનુરોધ કરતા. કોઈને ગામડામાં જવા, કોઈને આદિવાસીઓમાં જવા તો કોઈને શિક્ષણના કામમાં જોડાવા અનુરોધ કરતા. એમણે મૃદુલાબહેનને કોમી એકતા અને સ્ત્રીવિકાસ, એ બે ક્ષેત્રે કામ કરવાની પ્રેરણા આપી. ઉપરાંત અસ્પૃશ્યતાનિવારણ માટે પણ એ મથતાં રહ્યાં.
આ રીતે તેઓ ગાંધીજીના નિકટ સંપર્કમાં આવ્યાં. ગાંધીજીનાં પ્રશંસક બન્યાં. ગાંધીજી માત્ર રાજકીય આઝાદી માટે મથતા નથી પરંતુ સત્યાગ્રહી માનવોને ઘડવા માટે પ્રયત્નશીલ છે, એ મૃદુલાબહેન બરાબર સમજતાં હતાં. અલબત્ત, મૃદુલાબહેન ગાંધીજીનાં પ્રશંસક અને ટેકેદાર રહ્યાં, પરંતુ કદી એમનાં ભક્ત ન બન્યાં. ગાંધીજી પોતાના સંપર્કમાં આવનાર દરેકને કશીક ને કશીક રચનાત્મક કે વિકાસાત્મક પ્રવૃત્તિમાં જોડાઈ જવાનો અનુરોધ કરતા. કોઈને ગામડામાં જવા, કોઈને આદિવાસીઓમાં જવા તો કોઈને શિક્ષણના કામમાં જોડાવા અનુરોધ કરતા. એમણે મૃદુલાબહેનને કોમી એકતા અને સ્ત્રીવિકાસ, એ બે ક્ષેત્રે કામ કરવાની પ્રેરણા આપી. ઉપરાંત અસ્પૃશ્યતાનિવારણ માટે પણ એ મથતાં રહ્યાં. અને ગાંધીબાપુના આદેશને માન આપીને મૃદુલાબહેને એક સંસ્થાની રચનાનો મુસદ્દો તૈયાર કર્યો. નામ રાખ્યું જ્યોતિસંઘ. ૧૯૩૪ના એપ્રિલની ૨૪ તારીખે એનો રીતસર પ્રારંભ કર્યો. શરૂઆતમાં અમદાવાદના રિચી રોડ (આજના ગાંધી રોડ) પર દૂધિયા બિલ્ડીંગમાં સંસ્થાની ઑફિસ હતી. પછી રિલીફ રોડ (હાલના ટિળક માર્ગ) પર સંસ્થાનું આગવું મકાન બન્યું. મુખ્યત્વે મૃદુલાબહેનના પ્રયત્નોથી સ્થપાયેલી અને ચાલેલી આ સંસ્થાએ પોણી સદી ઉપરાંત સમયમાં લાખો સ્ત્રીઓને શિક્ષણ, તાલીમ, આશ્રય, માર્ગદર્શન, કાનૂની સહાય, રોજગાર, તબીબી સેવાઓ, વ્યાવસાયિક સહયોગ વગેરે આપીને એક યુગકાર્ય કર્યું છે. પાયામાં છે મૃદુલાબહેન સારાભાઈ. પાછળથી ગુજરાતી ભાષાના પ્રથમ હરોળના કવિ તરીકે પ્રસિદ્ધ થયેલા સુંદરમ્ કેટલાક સમય જ્યોતિસંઘના કર્મચારી હતા. એ સંઘનું ધ્યેયગીત ‘સંઘ અમારો’ એમણે રચી આપ્યું છે.
અને ગાંધીબાપુના આદેશને માન આપીને મૃદુલાબહેને એક સંસ્થાની રચનાનો મુસદ્દો તૈયાર કર્યો. નામ રાખ્યું જ્યોતિસંઘ. ૧૯૩૪ના એપ્રિલની ૨૪ તારીખે એનો રીતસર પ્રારંભ કર્યો. શરૂઆતમાં અમદાવાદના રિચી રોડ (આજના ગાંધી રોડ) પર દૂધિયા બિલ્ડીંગમાં સંસ્થાની ઑફિસ હતી. પછી રિલીફ રોડ (હાલના ટિળક માર્ગ) પર સંસ્થાનું આગવું મકાન બન્યું. મુખ્યત્વે મૃદુલાબહેનના પ્રયત્નોથી સ્થપાયેલી અને ચાલેલી આ સંસ્થાએ પોણી સદી ઉપરાંત સમયમાં લાખો સ્ત્રીઓને શિક્ષણ, તાલીમ, આશ્રય, માર્ગદર્શન, કાનૂની સહાય, રોજગાર, તબીબી સેવાઓ, વ્યાવસાયિક સહયોગ વગેરે આપીને એક યુગકાર્ય કર્યું છે. પાયામાં છે મૃદુલાબહેન સારાભાઈ. પાછળથી ગુજરાતી ભાષાના પ્રથમ હરોળના કવિ તરીકે પ્રસિદ્ધ થયેલા સુંદરમ્ કેટલાક સમય જ્યોતિસંઘના કર્મચારી હતા. એ સંઘનું ધ્યેયગીત ‘સંઘ અમારો’ એમણે રચી આપ્યું છે.
