
કાવ્યસંગ્રહનું મુખપૃષ્ઠ ચિત્ર ગુલામમોહમ્મદ શેખ
‘સાચી કવિતા એ મૌનની ધાર પર શબ્દની અવતારણા છે …’૧ એમ કહીને જર્મન ફિલોસોફર માર્ટિન હાઇડેગરે કવિતાના અસ્તિત્વને વ્યાખ્યાયિત કર્યું હતું. આ વિચારને ગુજરાતી સાહિત્યના સંદર્ભમાં જીવંત કરતો એક યુવા અવાજ એટલે બ્રિજેશ પંચાલ, જે ‘મધુર’ અને ‘મધુરલલિત’ જેવા ઉપનામે સાહિત્ય સર્જન કરે છે. યુગ કવિ ઉમાશંકર જોશી કવિતાને જીવનની ઊંડાણભરી સમજણ આપતું સર્જનાત્મક માધ્યમ માનતા હતા.૨ આ વિચાર ઊંડાણથી સમજવા યુવા કવિ, નાટ્યકાર, ફિલ્મ લેખક અને અનુવાદક બ્રિજેશ પંચાલનો ૨૦૨૫માં પ્રકાશિત થયેલ કાવ્યસંગ્રહ “મૌનથી શબ્દમાં કાણું પડશે”૩ તપાસીએ. આ કાવ્યસંગ્રહમાં કવિએ આશરે ૩૨ ગીત, ૨૪ ગઝલ અને ૪૬ અછાંદસ જેવા કવિતા પ્રકારને રજૂ કર્યા છે. આ કાવ્યસંગ્રહમાં યુવા સર્જક જીવનને માત્ર વર્ણવતા નથી, પરંતુ તેને અનુભૂતિના સ્તરે ફરીથી ગાઢ બનાવે છે. મૌન અને શબ્દ વચ્ચેનો તણાવ, જે સામાન્ય રીતે અભિવ્યક્તિના વિરોધી ધ્રુવો તરીકે જોવામાં આવે છે, એ અહીં સર્જનાત્મક સહઅસ્તિત્વમાં રૂપાંતરિત થાય છે. કવિ મૌનને ગૂંગળામણ નહીં, પરંતુ સંભાવનાનો ગર્ભ માને છે, જેથી શબ્દ જન્મે છે. બ્રિજેશ પંચાલનું આ સર્જન માત્ર કવિતાઓનો સમૂહ નથી, પરંતુ માનવ જીવનના મૌન, સંવાદ, સંઘર્ષ અને સંવેદનાના જટિલ પરિમાણોને સ્પર્શતો એક ગહન સાહિત્યિક પ્રયોગ છે.
પહેલા વાત કરીએ આ કાવ્યસંગ્રહના મુખપૃષ્ઠની. જે જાણીતા ચિત્રકાર અને કવિ-લેખક ગુલામમોહમ્મદ શેખ સાહેબ દ્વારા રચાયેલ છે. અહીં કાવ્યસંગ્રહમાં કવિએ પોતે હાથે ઘૂંટીને “મૌનથી શબ્દમાં કાણું પડશે” (પૃ. ૧૫) મૂક્યું છે. જે એક રીતે ચિત્રમાં શબ્દપ્રયોગ છે.
‘કવિતા, તને લખ્યાનો મને રંજ છે!’ જેવી કવિતા લખીને સાહિત્ય સર્જન માટે પોતાનો અનોખો સૂર પૂરાવનાર યુવા સર્જક વિશે ઑનલાઈન ‘રેખ્તા ગુજરાતી’૪ જણાવે છે કે બ્રિજેશ પંચાલનો જન્મ ૨ મે, ૧૯૯૫ના રોજ પિતા યોગેશભાઈ અને માતા ગીતાબહેનના ત્યાં વડોદરામાં થયો. તેમણે કમ્પ્યૂટર એન્જિનિયરિંગમાં સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવી સાથે ગુજરાતી ભાષા અને ગાંધીાઅન ફિલસૂફીમાં પણ અભ્યાસ કર્યો છે. તેઓ સાહિત્ય (ગદ્ય-પદ્ય), નાટક અને ફિલ્મ માટે લેખન કરે છે તથા તેમના એકાધિક પુસ્તકો પ્રકાશિત થયાં છે. હાલમાં તેઓ કમ્પ્યૂટર એન્જિનિયરિંગના અધ્યાપન સાથે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ ક્ષેત્રે, ખાસ કરીને ભારતીય ભાષાઓ માટે સંશોધન કરી રહ્યા છે. તેમણે પીએચ.ડી. સંશોધનમાં ગુજરાતી ભાષાનું ડીપ લર્નિંગ આધારિત સ્પેલ ચેકર વિકસાવ્યું છે. કવિસંમેલન, સાહિત્ય, ફિલ્મ અને નાટ્યક્ષેત્રે તેમની સક્રિય હાજરી રહી છે. જે માટે તેમને અનેક પુરસ્કારો મળ્યા છે, જેમાં મુખત્વે નેશનલ બુક ટ્રસ્ટ, મિનિસ્ટ્રી ઑફ એજ્યુકેશન, ભારત સરકાર તરફથી મળેલ PM Yuva 2.0 ફેલોશિપનો સમાવેશ થાય છે.
કવિએ કાવ્યસંગ્રહના શીર્ષકમાં પ્રયોજેલ “કાણું” શબ્દ અત્યંત મહત્ત્વનો છે. સામાન્ય રીતે કાણું એટલે ખામી, પરંતુ અહીં તે જ સર્જનનો પ્રારંભબિંદુ છે. જેમ રશિયન વિવેચક રોમન જેકોબ્સન કહે છે કે “Poetry Is Organized Violence Committed on Ordinary Speech … (કવિતા સામાન્ય વાણી પર કરવામાં આવતી સંગઠિત હિંસા છે …)”૫ તે જ રીતે આ કવિ સામાન્ય ભાષામાં ‘કાણું’ પાડી તેને કાવ્યમાં ફેરવે છે. કવિ પોતાના નિવેદનમાં “સાહિત્ય સર્જન એક રીતે પોતાની પાસે રહેલ શબ્દમાં પોતાની તાકાત મુજબ કાણું પાડવાની ઘટના છે”૩ કહીને આ વિચારને સ્પષ્ટપણે સાકાર કરે છે.
આ કાવ્યસંગ્રહની સૌથી મોટી વિશેષતા તેની વિષયવૈવિધ્યતા અને પ્રયોગશીલતા છે. રઘુવીર ચૌધરીએ યોગ્ય રીતે નોંધ્યું છે કે ‘બ્રિજેશનું સર્જન વિચાર પ્રયોજનની દૃષ્ટિએ નોખું છે.’૩ યજ્ઞેશ દવે પણ આ બાબતને સ્પષ્ટ કરે છે કે ‘અહીં યુવાનનો ઉદ્વેગ, અજંપો અને વિદ્રોહ છે તો હતાશા, દૈહિક કામના અને સામાજિક પ્રતિબદ્ધતા પણ છે’૩. જ્યારે કવિ હિતેન આનંદપરા લખે છે ‘બ્રિજેશ પંચાલ અને નાટ્યલેખક બ્રિજેશ પંચાલને અલગ પાડવા દુષ્કર છે. કવિ બારીક સંવેદનોને નિરૂપવાનો પ્રયત્ન કરે છે.’૩ આ કાવ્યસંગ્રહમાં જીવનના વિવિધ રંગો પ્રેમ, પીડા, વિમર્શ, વિદ્રોહ અને આધ્યાત્મિકતા એકસાથે જોવા મળે છે. અહીં ‘વર્જિનિટી’, ‘સ્ખલન’, ‘કિન્નરનું ગીત’, ‘નિરોધનું ગીત’, ‘લી… મોના લિસા’, ‘સોક્રેટિસ માટે પ્રાયશ્ચિત ગીત’, ‘અલ્ઝાઇમર્સનું ગીત’ જેવા વિષયો માત્ર ચોંકાવવા માટે નથી, પરંતુ સમાજના ઉપેક્ષિત અને અવગણાયેલા સત્યને અવાજ આપવા માટે છે. આ દૃષ્ટિએ કવિનો અભિગમ પ્રગતિશીલ છે અને સત્વર છે.
વિશ્વ સાહિત્યના વિવેચક મેથ્યુ આર્નોલ્ડે કવિતાને ‘Criticism of Life’૬ ગણાવી છે. આ કૃતિની કવિતાઓ આ વ્યાખ્યાને જીવંત કરે છે. ઉદાહરણ તરીકે ‘ગાંધીટોપી’ કવિતામાં કવિ જે રીતે મૂલ્યોના બજારીકરણ પર કટાક્ષ કરે છે, “જે વસ્તુ બજારમાં ન ચાલે, એને તમારા નામ સાથે જોડું છું. / જેમ કે …
ગાંધીની ટોપી!
ગાંધીનાં ચશ્માં!
ગાંધીની લાકડી!
ગાંધીનું ઘડિયાળ!
ગાંધીની ખાદી!
અને … ગાંધીનું સત્ય!” (પૃ. ૨૮)
આ માત્ર વ્યંગ્ય નથી, પરંતુ આધુનિક સમાજ પર કરાયેલું તીવ્ર વિવેચન છે. અહીં કવિતા એક નૈતિક દર્પણ બનીને ઊભી રહે છે. સમગ્ર કાવ્યસંગ્રહમાં કવિની કવિતામાં માનવીય સંવેદનાનો ઊંડો પ્રવાહ પણ સતત વહે છે. ‘પેટ નથી ભરાતું!’ જેવી કવિતા આપણને યાદ અપાવે છે કે જીવનમાં ભૌતિકતા પૂરતી નથી.
“તમે પેટ ભરાઈ ગયું, કોને કહો છો?
ખાવાથી ભરાય કે પીવાથી ભરાય એને? કે પછી …
બાજુના ઘરમાં કોઈ ભૂખ્યું હોય અને
તમારા ગળેથી કોળિયો નીચે ન ઊતરે – એને?” (પૃ. ૨૯)
આ વિચારને ગુજરાતી સાહિત્યના મહાન કવિ ઝવેરચંદ મેઘાણીના માનવતાવાદી દૃષ્ટિકોણ સાથે જોડીને જોઈ શકાય. કવિ અહીં સૂચવે છે કે સાચી ભૂખ શરીરની નહીં, પરંતુ સંવેદનાની છે. અહી કવિતામાં નાટ્યાત્મકતા એક વિશેષ તત્ત્વ તરીકે જોવા મળે છે, જે કદાચ તેમના નાટ્યલેખનના અનુભવનું પરિણામ છે. ‘નાટકનું એક પાત્ર’ જેવી કવિતામાં મૃત્યુને પાત્ર તરીકે રજૂ કરવું, એ માત્ર કલ્પનાનો ખેલ નથી, પરંતુ અસ્તિત્વવાદી પ્રશ્નોને સ્પર્શવાનો પ્રયાસ છે. આ દૃષ્ટિએ તેમની કવિતા સાહિત્ય અને રંગમંચ વચ્ચેનો સેતુ બની જાય છે.
આ કાવ્યસંગ્રહમાં ગહનતા અને વિવેચન સાથે હળવી, રમૂજી અને વિટસભર કવિતાઓ પણ વિશેષ આકર્ષણ ઊભું કરે છે. આ કવિતાઓ માત્ર હાસ્ય માટે નથી, પરંતુ તે હાસ્યના આવરણમાં જીવનના સત્યને સરળ રીતે રજૂ કરે છે. ગુજરાતી સાહિત્યમાં જ્યોતીન્દ્ર દવે કહે છે કે ‘હાસ્ય એ વિચારને સહેલાઈથી પહોંચાડવાનું સૌથી અસરકારક સાધન છે.’ આ દૃષ્ટિએ જોવામાં આવે તો બ્રિજેશ પંચાલની હળવી કવિતાઓ વાચકને હસાવતાં-હસાવતાં વિચારવા પ્રેરિત કરે છે. ઉદાહરણ તરીકે ‘છેલ્લો પિરિયડ…’ કવિતા અત્યંત રસપ્રદ અને પ્રતીકાત્મક છે. અહીં કવિ શાળાના હાજરી પત્રક દ્વારા માનવીય ભાવનાઓને જીવંત બનાવે છે :
“આ રોલ નંબર દસ – “જિંદગી”
કેમ આજે ય નથી આવી?
કોઈને ખબર છે?
“જિંદગી કેમ રહે છે ગેરહાજર ઘણા દિવસથી?”
તો એકદમ રોલ નંબર અગિયાર … “અનુભવ” ઊભો થઈને બોલ્યો :
“સર, જિંદગી જ્યારથી એની દોસ્ત હકીકતને મળી છે, ત્યારથી એ બીમાર પડી છે!
છતાં એણે મને ખાતરી આપી છે કે –
એ મારી મદદ લઈને, જલદી સાજી થઈને,
આપના સુખના દરેક પિરિયડ રેગ્યુલર ભરશે!” (પૃ. ૨0)
આ પંક્તિઓમાં રહેલું હળવું હાસ્ય વાચકને તરત જ આકર્ષે છે, પરંતુ અંતે “જિંદગી”ની ગેરહાજરી એક ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. હાસ્ય અહીં માત્ર મનોરંજન નથી, પરંતુ જીવનની અસંગતતાનું પ્રતિબિંબ છે. કવિની “અણુબૉમ્બ અને કવિતા” તેની સર્જનપ્રક્રિયાનો તત્ત્વ જ્ઞાન રજૂ કરે છે :
“સાચી કવિતા લખવી
અણુબૉમ્બ બનાવવા જેવી જ
એક ઘટના છે.” (પૃ. ૨૧)
આ પંક્તિઓમાં કવિ કવિતાની શક્તિને વ્યાખ્યાયિત કરે છે. જ્યાં અણુબૉમ્બ વિનાશ કરે છે, ત્યાં કવિતા માણસને “બનાવે” છે. આ વિરુદ્ધતા કવિતાની સકારાત્મક શક્તિને ઉજાગર કરે છે. અહીં કવિની દૃષ્ટિ સ્પષ્ટપણે માનવતાવાદી છે.
ટી.એસ. એલિયટનો એક મહત્ત્વનો વિચાર છે કે “Genuine Poetry Can Communicate before It Is Understood. (સાચી કવિતા સમજાય તે પહેલાં જ વાતચીત કરી શકે છે.)”૭ અહીં ઘણી કવિતાઓ આ વાતને સાબિત કરે છે. “ઍનેસ્થેસિયા” (પૃ. ૧૮) અથવા “મારી ભીતર…” (પૃ. ૧૯)જેવી કવિતાઓમાં ભાષા કરતાં અનુભવ વધુ પ્રબળ બને છે. વાચક પહેલા તેને અનુભવે છે અને પછી સમજવાનો પ્રયત્ન કરશે. આ સંગ્રહમાં આશા અને સકારાત્મકતા પણ એક મહત્વપૂર્ણ ધારા તરીકે વહે છે. “પ્રકાશ” કવિતામાં કવિ લખે છે, ‘અમે પ્રકાશ માટે લડીશું’ (પૃ. ૨૨) જે માત્ર કાવ્યપંક્તિ નથી, પરંતુ એક માનસિક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. અંધકાર વચ્ચે પ્રકાશની શોધ, આજના સમયમાં અત્યંત પ્રાસંગિક છે. આ સંદર્ભમાં ટીએસ એલિયટનું બીજું એક પ્રખ્યાત નિવેદન યાદ આવે છે: “Poetry is not a turning loose of emotion, but an escape from emotion. (કવિતા એટલે લાગણીઓથી મુક્ત થવાનું નથી, પણ લાગણીઓથી છટકી જવાનું છે.)”૮ કવિ બ્રિજેશ પંચાલની કવિતામાં ભાવનાઓનો વિસ્ફોટ છે, પરંતુ તે અનિયંત્રિત નથી; તે એક ચેતનાત્મક રચનાત્મક પ્રક્રિયાનો ભાગ છે. તેથી તેમની કવિતા વ્યક્તિગત અનુભવોમાંથી ઉપજી હોવા છતાં સામૂહિક અનુભૂતિમાં રૂપાંતરિત થાય છે. “કવિતા એટલે …” કવિતામાં કવિ કવિતાની વ્યાખ્યા આપતા કહે છે :
“કવિતા એટલે … તું
કવિતા એટલે … હું
ના … ના … આપણે બંને એટલે કવિતા” (પૃ. ૨૫)
આ પંક્તિઓમાં કવિતાને એક સંબંધ તરીકે રજૂ કરવામાં આવી છે. અહીં કવિતા કોઈ એકલદોકલ સર્જન નથી, પરંતુ સંવાદનું માધ્યમ છે. આ વિચાર રવીન્દ્રનાથ ટાગોરના કાવ્ય દૃષ્ટિકોણ સાથે ગુંજાયમાન થાય છે, જ્યાં કવિતા માનવ અને વિશ્વ વચ્ચેના સંબંધનું માધ્યમ બને છે. આ કાવ્યસંગ્રહની એક વિશેષતા એ પણ છે કે તેમાં આધુનિક જીવનના વિવિધ પરિમાણો ટેકનોલોજી, શહેરજીવન, અને માનસિક સંઘર્ષને પણ સ્થાન મળ્યું છે. “??? – ઇમોજીસ” (પૃ. ૯૭) દ્વારા લખાયેલી કવિતા કવિની નવીનતાને દર્શાવે છે. આ પ્રયોગ બતાવે છે કે કવિ પરંપરા અને આધુનિકતાના સંગમ પર ઊભો છે.
આ સંગ્રહમાં ગીત અને ગઝલનો વારસો પણ સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે. ચાલો માણીએ થોડી પંક્તિઓ,
હું તો રટ્યા કરીશ ખાલી તારું નામ,
કાનજી ભૂલીને સઘળું સંસારનું કામ.
ભક્તિ અઢળક, એનો ક્યા અંત રે …” (પૃ. ૧૧૨)
અહીં કાનની અંધતાની વ્યથા અને ભક્તિની ગહનતા લોકગીતની છટામાં વણાઈ ગઈ છે. ‘ગોપીઓની ઇચ્છા’ ગીતમાં કવિ ગોપીઓની મનોદશાને આધુનિક સંવેદનાથી નિરૂપે છે :
“મારી અંદર ઊગેલી એક તાજી ગોપીને તમે સમજો, જો શ્યામ,
તો સમજાશે, ગોપીઓની ઇચ્છા છે,
રાધાની જેમ તારી આગળ જોડાય, એનુંયે નામ!” (પૃ. ૧૧૫)
આ પંક્તિઓ પ્રેમમાં સમાનતાની ઇચ્છાને નવી ઊંચાઈ આપે છે. ‘આપણે બે ને છત્રી એક’ એક લોકભોગ્ય ગીત છે. આ ગીત પ્રેમની નાજુકતા, નિકટતા અને અનકહ્યા સંવાદનો મોહક આલેખ છે. ‘રંગ અડશે અંગને’ ગીત હોળીના રંગ અને પ્રેમના ઉત્સાહને સમાન કરે છે: s
“રંગ અડશે અંગને તારા ગોરી, દલડું થાશે, મારું ત્યારે ચોરી.
ખોઈને બેઠો ધબકારા મારા, જઈને બેઠા જે દિલમાં તારા.
સંગે બાંધી લે, જીવનની ડોરી.” (પૃ. ૧૨૬)
આ ગીતમાં ધબકારા ખોઈને પ્રિયતમાના દિલમાં બેસી જવાની કલ્પના રોમેન્ટિક કાવ્યશાસ્ત્રને નવી જમીન આપે છે. ‘તને નીંદર આવે તો’ હાલરડાના પરંપરાગત સ્વરમાં નવી કોમળતા ઉમેરે છે :
“તને નીંદર આવે તો એક સપનું હું આપું તને ભેટમાં …
આંખની અટારીઓને ધીરે ધીરે બસ વાસવાની હોય,
ભેટમાં જાતે જ્યારે સપનાની વહેંચણી કરવાની હોય.” (પૃ. ૧૧૫)
ગઝલની વાત કરીએ તો ‘સિતારો કીધો’ એક ઉત્તમ ગઝલ છે જ્યાં દરેક શેરમાં એક અલગ વિષયને બાંધવાની કૌવત બતાવવામાં આવી છે : ‘તપાવ્યો છે મને’ ગઝલમાં કવિએ પોતાના જીવનના અનુભવોને કેન્દ્રમાં રાખ્યા છે :
“જિંદગીભર કેમ આ રીતે વખાણ્યો છે મને,
તેં કદી સારો કદી નરસો ગણાવ્યો છે મને.” (પૃ. ૧૦૯)
‘છૂટી ગયો છું હું’ ગઝલમાં કવિ પોતાની આત્મસંલગ્નતાની વાત કરે છે :
“એટલું બોલીને બસ છૂટી ગયો છું હું,
વાપરો ના બહુ મને, ખૂટી ગયો છું હું. (પૃ. ૮૫)
‘ચચરતું કશું બોલી’ ગઝલમાં વિદ્રોહનો સૂર છે :
પાડનારા ઘણા મુજને રસ્તે મળ્યા હતા પણ,
એમની યોજના પાડી નાખી, ઊભો થયો છું.” (પૃ. ૯૩)
‘દોસ્ત’ ગઝલ મિત્રતાની ગહનતાને અભિવ્યક્ત કરે છે:
“હું તને ‘ને તું મને સમજી શકે છે, દોસ્ત!
એની આ દુનિયાને ચિંતા બહુ રહે છે, દોસ્ત!” (પૃ. ૮૬)
આમ આ સંગ્રહમાં સમાવિષ્ટ ગીતો લોકભોગ્યતા, ભક્તિ, રોમાન્સ અને હાલરડાના સ્વરે વાચકને ઝૂમવા મજબૂર કરે છે, જ્યારે ગઝલો વ્યક્તિગત અનુભવો, સામાજિક વિસંગતિઓ, વિદ્રોહ અને પ્રેમની ગૂંચોને કલાત્મક મક્તા અને મત્લા સાથે રજૂ કરે છે. આ સંગ્રહનું અછાંદસ કાવ્યત્વ ગદ્યની સરળતા અને પદ્યની ગાઢ સંવેદનાનો અદ્દભુત સમન્વય સાધે છે અને ઘણા બિંબવિધાન અછાંદસની અપાર શક્યતાઓને ઉજાગર કરે છે. આ સંગ્રહના અછાંદસ સાબિત કરે છે કે મુક્ત ગદ્ય પણ ઊંડી અસર કરી શકે છે.
કવિતાની ભાષા સરળ હોવા છતાં અર્થઘટન સભર છે. તે જટિલ વિચારને સરળ શબ્દોમાં રજૂ કરે છે, જે વાચકને સહજ રીતે સ્પર્શે છે. આ એક એવો કાવ્યસંગ્રહ છે, જે વાચકને માત્ર વાંચવા માટે નહીં, પરંતુ અનુભવવા અને વિચારવા માટે આમંત્રિત કરે છે. આ કાવ્યસંગ્રહ સાબિત કરે છે કે કવિતા આજે પણ માનવ જીવનમાં પરિવર્તન લાવી શકે છે. જેમ કવિ પોતે કહે છે ‘કવિતા માણસને બનાવે છે.’૩ એ જ આ કાવ્યસંગ્રહનો મૂળ સંદેશ છે. અંતમાં આ કાવ્યસંગ્રહને એક જ શબ્દમાં વ્યાખ્યાયિત કરવો હોય તો તે “સંવાદ” છે, મનુષ્ય અને મનુષ્ય વચ્ચેનો, મનુષ્ય અને સમાજ વચ્ચેનો તથા સૌથી મહત્ત્વનો, મનુષ્ય અને પોતાનાં અંતરાત્મા વચ્ચેનો. આ કવિની કવિતાઓ આ સંવાદને જીવંત બનાવે છે. તેથી, “મૌનથી શબ્દમાં કાણું પડશે” આ કાવ્યસંગ્રહ આધુનિક ગુજરાતી કવિતામાં એક નોંધપાત્ર ઉમેરો કહી શકાય. જેનો પુરાવો આપે છે, -કવિની આ કાવ્યપંક્તિ – “કવિતા એટલે … કવિએ વિનમ્રતાથી બતાવેલી પોતાની તાકાત.”
સંદર્ભઃ
૧. હાઇડેગર, એમ. (૧૯૭૧). પોએટ્રી, લેંગ્વિજ, થોટ (એ. હોફસ્ટેડટર, ટ્રાન્સ.). હાર્પર એન્ડ રો.
૨. જોશી, ઉમાશંકર. (૧૯૮૧). કવિતા શું છે? અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ.
૩. પંચાલ, બ્રિજેશ. “મૌનથી શબ્દમાં કાણું પડશે” (૨૦૨૫), ડિવાઇન પબ્લિકેશન્સ, અમદાવાદ
૪. https://rekhtagujarati.org/poets/brijesh-panchal/profile
૫. જેકોબસન, આર. (૧૯૬૦). ક્લોઝિંગ સ્ટેટમેન્ટ: લિંગ્વિસ્ટિક્સ એન્ડ પોએટિક્સ. ઇન ટી. એ. સેબેઓક (એડ.), સ્ટાઇલ ઇન લેંગ્વિજ (પૃ. ૩૫૦–૩૭૭). કેમ્બ્રિજ, એમએ: એમઆઇટી પ્રેસ.
૬. આર્નોલ્ડ, એમ. (૨૦૦૬). ધ સ્ટડી ઓફ પોએટ્રી. ઇન એસેઝ ઇન ક્રિટિસિઝમ. (મૂળ કૃતિ ૧૮૮૦માં પ્રકાશિત).
૭. એલિયટ, ટી. એસ. (૧૯૬૪). ધ યુઝ ઓફ પોએટ્રી એન્ડ ધ યુઝ ઓફ ક્રિટિસિઝમ. હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસ. (મૂળ વ્યાખ્યાનો ૧૯૩૩માં આપવામાં આવ્યા હતા).
૮. એલિયટ, ટી. એસ. (૧૯૭૫). ટ્રેડિશન એન્ડ ધ ઇન્ડિવિજ્યુઅલ ટેલન્ટ. ઇન સિલેક્ટેડ પ્રોઝ ઓફ ટી. એસ. એલિયટ. હાર્કોર્ટ બ્રેસ. (મૂળ નિબંધ ૧૯૧૯માં પ્રકાશિત.)
*
(પ્રગટ : “શબ્દસૃષ્ટિ” – મે 2026 અંક: 5, સળંગ અંક: 510. પૃષ્ઠ: 92-97)
e-mail : mansijayswal27@gmail.com
![]()

