બજાજ ઓટોના ચેરમેન રાહુલ બજાજ, જેઓ રાજકારણને જાણે છે અને તેમાં સામેલ છે એવાં ઉદ્યોગપતિ છે. તેમણે બે અઠવાડિયા પૂર્વે પોતાની વાહનો ઉત્પાદન કરતી કંપનીની સામાન્ય સભામાં આક્રોશપૂર્ણ રીતે, દેશમાં ઓટો ઈન્ડસ્ટ્રીની કથળતી સ્થિતિ વિશે જણાવ્યું કે 'ઘરાકી નથી, રોકાણ નથી તો પછી શું વિકાસ આકાશમાંથી ટપકશે ?'
એક ઉદ્યોગપતિની આવી નારાજગી ભરી, કહો કે વ્યથા ભરી વાતને વાંચતા મને આજથી પાંચ દાયકા પહેલાંની બજાજ ઓટોની જાહોજલાલી યાદ આવી ગઈ. ઈટાલિયન વેસ્પા સ્કૂટરનું ઉત્પાદન કરવાનું બજાજે 1960માં શરૂ કર્યું હતું. અને તે વખતે અમદાવાદના મધ્યમવર્ગીય યુવાનોમાં વેસ્પા સ્કૂટર ખરીદવાનું જબરજસ્ત ગાંડપણ હતું.
એ સમયે દેશનાં શહેરોમાં સૌથી વધુ વપરાતું વાહન સાયકલ હતી. મોટર કાર – ગાડી તો બંગલાવાળા – સુખીસંપન્ન પરિવારો પાસે જ હતી પણ મધ્યમવર્ગમાં તો સ્થાનિક પબ્લિક ટ્રાન્સપોર્ટ – બસ નું જ મહત્ત્વ હતું અને બીજી હતી સાયકલ.
રાત્રે સાઈકલસવારે પણ સાઈકલના આગળના ભાગે બત્તી લગાવવી પડતી. એ જમાનામાં દીવેટવાળી કેરોસીનથી ચાલતી બત્તીઓ હતી. મને યાદ છે જાહેર રોડ પર બત્તી વગરના સાઈકલસવારોને પોલીસ પકડે. જેમ અત્યારે સ્કૂટર-બાઈક સવારને હેલ્મેટ વગર ફરવા માટે પકડે છે. સાઈકલસવારની બત્તી ચાલુ ના હોય ને પોલીસ પકડે તો યુવા સાઈકલ સવાર એમ જ કહે કે પવનથી હમણાં જ હોલવાઈ ગઈ !
એ પછી તો ડાઈનેમોથી ચાલતી સાઈકલ બત્તીઓ આવી.
પણ જે ઘરમાં બે નોકરીઓ કે ડોક્ટર-વકીલ જેવાં સ્વતંત્ર વ્યવસાયની કમાણી આવી તેમાં આ વેસ્પા સ્કૂટર ખરીદી એ એક સ્ટેટસ સિમ્બોલ તે સમયમાં બનવા માંડ્યું. વેસ્પા – બજાજ એ મોટરસાયકલ કરતાં ઓછાં ઈંધણથી ચાલનારું અને કિંમતમાં સસ્તું હોવાથી તેની માંગ ખૂબ જ વધવા માંડી.
અમારે ત્યાં સોસાયટીના બાંકડે યુવાનો ભેગા થતા હોય અને એમાં જો કોઈનાં ઘરે આ નોંધાયેલા સ્કૂટરની ડિલીવરી માટેનો કાગળ આવે તો ભારે ખુશાલી થઈ આવતી. સ્કૂટર હાજર સ્ટોકમાં ના મળતું અને આ સ્કૂટરની એટલી માંગ હતી કે તેનાં 'ઓન' બોલાતાં ! એટલે કે ખરીદેલાં સ્કૂટરની કંપની કિંમત કરતાં 10-12 % વધારે ભાવથી વેચી શકાતું. અને બે-ચાર વર્ષ વાપર્યાં પછી પણ તેની 'રીસેલ વેલ્યુ' ઘણી ઊંચી ગણાતી.
શહેરોમાં છેલ્લાં પચીસેક વર્ષ માં આ જ મધ્યમવર્ગીય પરિવારોમાં જેમની પાસે સ્કૂટર-બાઈક હતાં, જેમનાં ઘરે બે નોકરિયાતો છે કે પ્રોફેશનલ જોબ છે ત્યાં કારની ખરીદી થવા માંડી અને મધ્યમવર્ગ માટેની મારુતિ સ્મોલ કારે 30-35 વર્ષ પહેલાં કાર વસાવવાનાં સપનાં જગાડેલાં.
1992માં નવી આર્થિક નીતિ અને વૈશ્વિકીકરણને લઈ જાતભાતની મોટર કાર, બાઈક ને સ્કૂટરની કંપનીઓ દેશભરમાં ઊભી થઈ.
શહેરી વિસ્તારોમાં સ્કૂટર-બાઈક જેવાં દ્વિચક્રી વાહનો નીમ્ન મધ્યમવર્ગ અને ખાસ કરીને 'કુશળ કારીગર' વર્ગમાં અને ગ્રામીણ વિસ્તારોમાં મધ્યમવર્ગીય ખેડૂતોનાં ઘરોમાં અને જ્યાં ખેતી ઉપરાંત પગારદાર નોકરી કરનારા એક બે જણ ઘરમાં બન્યાં ત્યાં મોટરસાયકલની ખરીદી જોવા મળી.
પણ આ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી છેલ્લાં બે-ત્રણ વર્ષમાં કપરી સ્થિતિમાં મૂકાયેલી આપણા દેશમાં જોવા મળી રહી છે જે ચિંતાજનક બાબત ગણવી રહી . અને તે જ ચિંતા આ દેશના ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીના મોભી જેવા ઉદ્યોગપતિએ વ્યક્ત કરી છે.
આપણા દેશમાં 2017-18માં કુલ 18,21,538 કાર વાહનો વેચાયેલાં અને ગયા વર્ષે એટલે કે 2018-19ના માર્ચ સુધીમાં 8%નો ઘટાડો નોંધાયો અને 16,82,625 વાહનો વેચાયા.
ટુવ્હીલર એટલે કે સ્કૂટર-બાઈકનાં વેચાણમાં આ વર્ષ દરમિયાન 17%નો ઘટાડો જોવા મળ્યો. એમાં ય ખાસ કરીને દેશની પ્રતિષ્ઠિત હીરો કંપનીના દ્વીચક્રી વાહનોમાં 15% અને હોન્ડા મોટરસાઇકલમાં 32% વેચાણમાં ઘટાડો નોંધાયેલો જોવા મળ્યો.
વળી ગ્રામીણ ક્ષેત્રોમાં અગાઉનાં વર્ષોમાં ટ્રેક્ટરોનાં વેચાણમાં 20-21%નો વાર્ષિક વધારો નોંધાતો હતો તે ઘટીને આ વર્ષે વાર્ષિક વધારો 10.25% જેટલો જ રહ્યો છે.
સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ્સ મેન્યુફેક્ચર્સના તાજેતરના આંકડા દર્શાવે છે કે આ જૂન મહિનામાં પેસેન્જર કારનું વેચાણ 24.97% ઘટ્યું છે. એટલે કે આ જૂન મહિનામાં 1,39,628 કારોનું વેચાણ થયું જે ગયા વર્ષના જૂનમાં 1,83,885 કારોનું હતું.
અને આ સતત આઠમો મહિનો છે જેમાં દર મહિને વેચાણમાં ઘટાડો નોંધાતો જોવા મળે છે.
આપણા દેશમાં મોટરકારની ઈન્ડસ્ટ્રી ઘણા મોટા પ્રમાણમાં છે. દુનિયામાં આપણા દેશનું કારબજાર ચોથા નંબરે આવે છે.
આપણા દેશમાં આ ઓટો ઈન્ડસ્ટ્રી કુલ મળીને 3.7 કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છે. અને આ મોટરકારોના વેચાણમાં કમી આવવાને કારણે જ દેશમાં 300 જેટલા ડીલર્સની દુકાનો છેલ્લાં છ મહિનામાં બંધ થઈ ગઈ અને કાર વેચાણની મંદીને લઈ આવી દુકાનોમાંથી જ આશરે 3,000ની નોકરીઓ ગઈ.
આપણા ગુજરાતનું રાજકોટ દેશમાં બનતાં ઓટો સ્પેરપાર્ટ્સના ઉત્પાદનમાં અગ્રણી છે અને દેશના 70% જેટલાં ઓટો સ્પેરપાર્ટ્સ માત્ર રાજકોટમાં જ બને છે ને અહીં મોટરકારોના વેચાણમાં કમી આવવાથી 24 કલાક ધમધમતાં કારખાનાઓ હવે અઠવાડિયા માં 3-4 દિવસ ચાલતાં થઈ ગયાં છે અને જેને લઈ 10,000 જેટલા કામદારોની નોકરીઓ છીનવાઈ ગઈ છે.
ઓટો ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોના માનવા મુજબ જો આ જ પ્રકારની મંદી બજારમાં ચાલુ રહેશે તો આપણા દેશમાં લગભગ દસ લાખ લોકો પોતાની રોજગારી ગુમાવશે.
આ બધા મંદીના આંકડા જોતાં સવાલ તો થાય જ કે દેશમાં એકાએક થયું શું ?
એનો એક સૂચક જવાબ ઉદ્યોગપતિ રાહુલ બજાજે જ આપ્યો છે કે "સરકાર બતાવે કે ના બતાવે પરંતુ ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ – આઈ એમ એફ અને વર્લ્ડબેંકના આંકડા કહે છે કે છેલ્લાં ત્રણ ચાર વર્ષોમાં વિકાસદરમાં કમી આવી રહી છે, દર ઘટ્યો છે. બીજી સરકારોની જેમ એ પોતાનો ચહેરો હસતો દેખાડવા માંગે છે પણ સચ્ચાઈ તો આ છે જ."
અને બજાજની વાતને સમર્થન આપતા આંકડા હમણાં ગયા અઠવાડિયે જ બહાર આવ્યા છે. જેમાં આપણા દેશનું અર્થતંત્ર દુનિયામાં પાંચમા સ્થાનેથી ગબડીને સાતમા સ્થાને પહોંચી ચૂક્યું છે.
વિશેષમાં આ મંદી નું કારણ તો આપણા દેશમાં લોકોની ખરીદશક્તિમાં આવેલી ભારે કમી છે અને બેકારી દર છેલ્લાં 45 વર્ષની વિક્રમજનક સપાટીએ અત્યારે પહોંચેલો છે. બેરોજગારી દર અત્યારે 7.2%એ પહોંચેલો છે અને આ વર્ષના ફેબ્રુઆરી મહિનાના આંકડા કહે છે કે 3.12 કરોડ લોકો આપણા દેશમાં રોજગારીની શોધમાં હતા.
બીજી બાજુ પેટ્રોલ – ડીઝલના ભાવ વધતાં જ રહે છે, શાકભાજીથી માંડી જીવન જરૂરિયાતનાં ખાદ્યાન્ન ને ખાદ્યતેલોના ભાવો આસમાન છૂતા રહ્યા છે અને એટલે જ 'વિકાસદર' હવે આસમાનથી ટપકે એ જ માત્ર વિકલ્પ રહ્યો છે.
ગ્રામીણ ક્ષેત્રોમાં ખેડૂતોને ઉત્પાદનના યોગ્ય ભાવ મળતા નથી. વચેટિયા, દલાલો અને બજારમાં ભાવ ઊંચા નીચા કરતા સટોડિયાઓનું જ રાજ જો ખેતી અને ખેતર પર હાવી હોય ત્યારે ખેડૂતોને બે ટંક રોટલા બારે માસ કેમ ખાવાં એ જ મૂંઝવણ સતાવી રહે છે અને તેને લઈ મોટરસાયકલને ટ્રેક્ટર જેવાં વાહનોની ખરીદી મંદ પડી ગયેલી જોવા મળે છે.
શિક્ષિતોની બેકારી યા 'ફીક્સ' પગારની નોકરીઓ એ મધ્યમવર્ગના ઘરમાં બે -ત્રણ જણાં કમાનારા હોય છતાં ય આવક તો સરકારી નોકરીનાં પગાર ધોરણો કરતાં ઘણી ઓછી કહો કે મળતાં એક સરકારી નોકરિયાતના વેતન જેટલો પગાર ત્રણ જણાના ફીક્સ પગાર જેટલો ગણવો રહ્યો ! આને એક ખરીદશક્તિ ઓછી થવાનું કારણ ગણી જ શકાય ને ?
એ ઉપરાંત સરકારી નીતિ પણ જાણે દેશમાં એવી થઈ ગઈ છે કે દેશના આંગળીના વેઢે ગણાતા કોર્પોરેટ હાઉસ- ઈન્ડ્સ્ટ્રિયાલિસ્ટોને ખોબલે ખોબલે, કાયદા કાનૂન ઢીલાં કરીને કે ભંગ કરીને પણ લાભ કરી આપવામાં આવી રહ્યો છે અને તે સિવાયના મધ્યમકક્ષાના ઉદ્યોગપતિઓ, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીના માલિકો; પહેલાં નોટબંધીના ભરડામાં ફસાયા અને પછી અણગઢ રીતે વસુલાતા જી.એસ.ટી.ના ચક્કરમાં ફસાયા !
અને ખાસ તો માત્ર ઓટો ઉધોગ નહીં પણ જેને પાયાનાં ઉદ્યોગો કહેવાય એવાં આઠ ઉદ્યોગોમાં ઉત્પાદન છેલ્લાં ચાર વર્ષથી ઘટતું રહ્યું છે અને આ જૂન મહિનામાં તેનો વૃદ્ધિ દર 0.2 સુધી પહોંચી ગયો જે 2018ના જૂન મહિનામાં 7.8 હતો. દેશનાં આ પાયાગત આઠ ઉદ્યોગોમાં ઈલેક્ટ્રીસિટી, લોખંડ, રિફાઈનરી ઉત્પાદનો, ઓઈલ, કોલસો, સિમેન્ટ, કુદરતી ગેસ અને ફર્ટીલાઈઝરનો સમાવેશ થાય છે.
આ આઠ ઉદ્યોગોમાં ધીમો પડી રહેલો વૃદ્ધિ દર ઘણી ગંભીર બાબત ગણવી રહી. આ ઉદ્યોગો એ દેશના તમામ પ્રકારના ઔદ્યોગિક વિકાસ માટે, તમામ ઉત્પાદનો માટે પહેલી જરૂરિયાત છે. આ ઉત્પાદનો ઘટી જાય એટલે દેશના ઉદ્યોગધંધાનું હ્રદય ધીમું ચાલતું થઈ ગયું કે માંદુ પડી ગયું એમ કહીએ તો પણ ચાલે.
આપણા દેશમાં એકબાજુ રાજકીય નેતાઓ, સત્તાધારીઓ પાંચ લાખ કરોડ રૂપિયાનાં અર્થતંત્રને આંબવાની ગુલબાંગો પોકારી રહ્યા છે અને બધું જ બધું રુડું રૂપાળું છે એમ કહીને આંકડાઓ છૂપાવવાની કાર્યવાહીમાં લાગેલા છે. અને આ છૂપાવવાની માનસિકતા દેશને ક્યાં લઇ જશે એ પણ એક મોટો સવાલ છે.
તાજેતરની નોંધપાત્ર વાત એ પણ છે કે દેશના અર્થતંત્રની તબિયત જાણવા માટેનું જે નાણાં ખાતું છે તેની કચેરીમાં પત્રકારો માટે પ્રવેશની બંધી ઘણા વખતથી મૂકાયેલી તો હતી જ ત્યાં હવે નાણાખાતાના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે જ્યારે નાણાપ્રધાન કે ઉચ્ચ અધિકારી પ્રેસ બ્રીફીન્ગ કરશે ત્યારે પત્રકારોને સવાલો પૂછવાની મનાઈ રહેશે.
સરકારનું નાણાં ખાતું જે કંઈ દેશની તબિયત વિશે કહે તે માની લેવાનું.
દેશની તંદુરસ્તી કે રોગ વિશેનાં બ્લડ ટેસ્ટ કે એક્સરેના રિપોર્ટ માંગવાના નહીં એનાં જેવી આ વાત થઈ.
અને બીજી બાજુ આ આર્થિક બીમારીને છૂપાવવા કે તેનાથી ધ્યાન હટાવવા ફરજિયાત જયશ્રી રામ બોલાવવાના નફરતના ગતકડાં કે અયોધ્યામાં રામમંદિરને કલમ 370 નાબૂદીનાં રમકડાં અને આતંકવાદની ભયાનકતા ઊભી કરી લોકોને સતત મીડિયાની મદદથી ઊંધે રવાડે ચડાવી દેવાની રમત રોજેરોજ આપણાં દેશમાં ચાલી રહી છે.
મેજોરિટી – બહુમતીના જોરે લોકસભા – ધારાસભાઓમાં જાતભાતના કાયદા કાનૂન પાસ કરાવી એક યા બીજા પ્રકારના દમનના દાવ સરકાર ખેલી રહી છે.
આ બધું જ હોવા છતાં શરીરની બીમારીને મેકઅપ, ઘરેણાં કે ચમકતાં વસ્ત્રોથી ઢાંકી નથી શકાતી એમ જ આ અર્થતંત્રની બીમારીનું હોય છે. લાંબા સમયે ય અર્થતંત્રની બીમારીનાં ચિન્હો દેખાયાં વિના રહેતાં નથી. અર્થતંત્રનાં ધબકારા સમાજજીવનમાં ઝીલાતાં હોય છે. ધીમા પડતાં ધબકારા દેશમાં અનુભવાઈ રહ્યા છે.
આપણો પાડોશી દેશ પાકિસ્તાન ઈસ્લામ ધર્મ આધારિત બની ગયો અને સાત દાયકામાં જે ઉગ્ર અને ક્ટ્ટર ધાર્મિક નેતાઓએ સત્તા એક યા બીજી રીતે પોતાની પાસે રાખીને શાસન કર્યું ને જે રીતે દેશના અર્થતંત્રને ખાડે નાંખી દીધું છે તેને હવે બહાર કાઢવું ઘણું મુશ્કેલ બની ચૂક્યું છે.
પાકિસ્તાનની સરકારને અત્યારે ગરીબોની રોટી સમી 'નાન'ની કિંમતને પંદર રૂપિયામાંથી દસ રૂપિયા કરવાની જે મસક્કત કરવી પડે છે ! શું એવું જ આપણે ધાર્મિક કટ્ટરતાવાદને રસ્તે ચાલીને આપણાં દેશમાં કરવું છે ? એ સવાલનો જવાબ હવે લોકો એ જ પોતાની જાતને પૂછવો પડશે.
સૌજન્ય : ‘ચિંતા’ નામે લેખકની સાપ્તાહિકી કટાર, “ગુજરાત ગાર્ડિયન”, 07ઓગસ્ટ 2019