સેંકડો વર્ષોથી પંચતંત્રની કાચબા અને સસલાની દોડની વારતા આપણે સાંભળતા-વાંચતા આવ્યા છીએ.
પણ આજના બજારવાદી સમાજમાં ધીમી ગતિએ પણ મક્કમ રીતે ચાલતો કાચબો છેવટે જીતી જાય એવું સંભવ છે ખરું ?
આજના આ જાહેરખબરિયા ને વ્યક્તિવાદી પ્રચારિયા-પ્રમોશનિયા જગતમાં તો દોડની હરીફાઈ શરૂ થાય એ પહેલાં જ તેજ ગતિએ દોડતા સસલાએ પોતાની જીત નિશ્ચિત છે, એવાં કેટલાં ય ચિત્રો-ફોટા- વીડિયો-ગ્રાફિક્સ સોશ્યલ મીડિયામાં વહેતાં – રમતાં મૂકી દીધાં હોય !
અને કાચબા ને સસલાની દોડની સીટી વાગે ત્યાં સુધીમાં તો રૂપિયાકેન્દ્રી મીડિયામાં તો સસલાની જીતના સમાચાર છપાઈ ગયા હોય, છવાઈ ગયા હોય !
આજના આ સમાજમાં સામેવાળાને હરાવવા શું શું કરવું એ હરીફાઈની પહેલાં વિચારાય છે. કેવા અને કેટલા અવરોધો નાખવા, હરીફાઈના આયોજકો ને નિર્ણાયકોમાંથી કોને કેટલામાં ખરીદવા એ મહત્ત્વનું હોય છે.
સમાજમાં કાચબો અને સસલું એ ધીમી ચાલ અને તીવ્ર ચાલનાં પ્રતીકો છે. આવી હરીફાઈ સાંપ્રત સમાજનાં તમામ ક્ષેત્રોમાં આપણે જોઈએ છીએ.
હમણાં થોડા દિવસો પૂર્વે હિન્દી દિવસની ઉજવણીના ભાગ તરીકે આ દેશના ગૃહપ્રધાને; ઘણાં વિરોધ આંદોલનોને લઈ જે મુદ્દો વર્ષોથી દબાઈ ચૂક્યો હતો એ હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે દેશમાં અપનાવવા ને લઈ 'એક ભાષા – એક દેશ’ જેવા સૂત્ર સાથે ઉછાર્યો.
થોડા મહિના પહેલાં નવી શિક્ષણ નીતિના મુસદ્દામાં આ વાત મૂકાઇ હતી, પણ ભારે ઊહાપોહને લઈ એ મુદ્દો શિક્ષણખાતાએ પાછો ખેંચી લીધેલો.
પણ ગયા અઠવાડિયે ફરીથી ગૃહપ્રધાને ઉપાડેલો આ મુદ્દો ચિંતાજનક તો જરૂર ગણવો જ રહ્યો.

આપણો દેશ વિવિધ લોકો, વિવિધ ખોરાકો, પોશાકો અને માતૃભાષાઓથી સમૃદ્ધ અને જીવંત છે.
પરંતુ કાચબા અને સસલાની હરીફાઈની જેમ આપણે ઓછા ભાષકો અને ધીમે ગતિએ વિસ્તાર પામતી યા વિસરાતી વિવિધ ભાષાઓ અને જે તે દેશની મુખ્યભાષા, સૌને જોડતી ભાષા બનાવવાનાં વિચારમાં, વિશેષ ભાષકો ધરાવતી 'મોટી' ભાષાને સરકાર ટેકો આપતી હોય તો છેવટે કાચબો હારી જ જાય એવી સ્થિતિ આવીને ઊભી રહે એમ છે.
એક બાજુ વેપારની દુકાનો બની ગયેલી શાળાકોલેજોમાં જે શક્તિશાળી છે અને જેની બજારમાં કિંમત છે એવી અંગ્રેજી અને હિન્દી ભાષાને વધારે મહત્ત્વ અપાઈ રહ્યું છે, ત્યારે ટેકનોલોજી અને બજારમાં વેચાતી વસ્તુઓનાં પેકિંગથી માંડી કોમ્યુનિકેશનમાં અંગ્રેજી ભાષા વપરાય અને મલ્ટિનેશનલ કંપનીઓની પ્રોડક્ટ્સનું બજારમાં વર્ચસ્વ વધે તેમ સ્થાનિક નાની ભાષાઓના ભાષકો ઓછા થતા જાય અને તે રીતે ઘણી બધી ભાષાઓનાં મોતની પ્રક્રિયા આપણી આંખ સામે અત્યારે ચાલી જ રહી છે.
છેલ્લાં પચાસ વર્ષ માં આપણા દેશમાં 1,650 જેટલી ભાષાઓમાંથી 250 જેટલી ભાષાઓ વિલુપ્ત થઈ ગઈ, એવું ભાષાશાસ્ત્રીઓનું માનવું છે અને પચાસ વર્ષ પૂર્વે હિન્દી બોલનારા 26 કરોડ હતાં અને અંગ્રેજી બોલનારા 33 કરોડ હતાં, તે વધીને અત્યારે હિન્દી બોલનારા 42 કરોડ થઈ ગયાં અને અંગ્રેજી બોલનારા વધીને49 કરોડ થઈ ગયાં !
સૌથી છેવાડાના લોકોની ભાષા, સ્થળાંતર થવાથી અને શિક્ષણને લીધે મોતની તરફ ઝડપથી આગળ વધે છે.
જેમ જેમ બોલાતી માતૃભાષાઓનું મહત્ત્વ ઘટતું જાય તેમ તેમ જે તે માતૃભાષા બોલનારા મૌન થતાં જાય, અને જે ભાષાનું બજારમાં ચલણ હોય તે ભાષા બોલનારાઓનો અવાજ વધુ બુલંદ થતો જાય યા એ અવાજ પેલા મૌન થઈ જતાં લોકો પર પોતાનું વર્ચસ્વ સ્થાપી દે છે.
માતૃભાષા જ વ્યક્તિની અભિવ્યક્તિ અને તેની સાથે સંકળાયેલાં વાચન, લેખન અને જગતને જાણવા માટેની શક્તિઓને વિસ્તારનારી બની રહે છે.
આપણે ત્યાં ગુજરાતમાં હમણાં કેટલાંક વર્ષોથી દર વર્ષે એકાદવાર છાપાં-ટીવીમાં એવા સમાચાર ચમકતા હોય છે કે 'ફલાણા અભ્યાસમાં જાણવા મળ્યું કે આઠમા ધોરણમાં ભણતાં 30 % બાળકો પાઠ્યપુસ્તકનો પાઠ કે કવિતા વાંચી શકતા નથી કે તેમને સાદા સરવાળા બાદબાકી આવડતા નથી.'
આ સમાચાર એવી રીતે ચમકાવવામાં આવે છે કે શિક્ષણનું સ્તર ઘટતું જાય છે અને તેના માટે શિક્ષકો જવાબદાર છે. શિક્ષકો પ્રાથમિક શાળાનાં બાળકોને બરાબર ભણાવતા નથી !
અને એટલે હવે શિક્ષકોની હાજરી માટે ડિજીટલ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરાયેલો છે, એ માટે અંગૂઠો પાડીને હાજરી રેકોર્ડ કરવાનાં મશીનો પણ શાળા દીઠ ખરીદાઈ ગયાં છે.
અને બાળકોની વાચનશક્તિ સુધરે તે માટે આ વર્ષથી વાચન અભિયાનનો એક નવો કાર્યક્રમ હમણાં શરૂ થયો છે, અને દિવાળી પછી તે અભિયાન ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં અમલમાં મૂકાશે એવું શિક્ષણખાતા દ્વારા જાહેર કરવામાં આવેલું છે.
પહેલી દૃષ્ટિએ જોઈએ તો વાચન અભિયાન સરકારનાં શિક્ષણ ખાતાનું બહુ ઉત્તમ કામ છે અને તે ચાલવું જ જોઈએ એવું આપણને સૌને લાગે જ.
પરંતુ બાળકો કેમ નથી વાંચી શકતાં તે અંગેનો ઊંડો અભ્યાસ પણ અત્યારે જરૂરી બની રહે છે તે વધુ અગત્યની બાબત છે.
અને સૌથી પહેલાં તો આવાં આઠમા ધોરણનાં બાળકોને ત્રીજા ધોરણનું પાઠ્યપુસ્તક વાંચતાં નથી આવડતું એવાં અભ્યાસ-સંશોધન- સર્વેનું મૂલ્ય કેટલું તે તપાસવું પડે.
બાળકોને વાંચતા નથી આવડતું એવું કહીએ એટલે બાળકો અને શિક્ષકોની નિષ્ફળતા કથળતાં શિક્ષણ માટે જવાબદાર છે એવી માન્યતા-ખ્યાલોને મહત્ત્વ મળે.
ખરેખર તો શાળાઓમાં પૂરતા ઓરડાઓ અને યોગ્ય મહેનતાણા-પગાર સાથેનાં પૂરતાં શિક્ષકો છે કે નહીં ? તે મહત્ત્વનો સવાલ છે. બીજો સવાલ એ પણ બને છે કે જે પાઠ્યપુસ્તકો સરકાર તૈયાર કરાવે છે તે ગુજરાતનાં શહેર-ગ્રામિણ અને સાવ છેવાડાના સમુદાયો, ખાસ કરીને આદિવાસી, માલધારીઓ, વિચરતી જાતિઓના બાળકોને રસ પડે એવાં છે કે નહીં ?
ત્રીજો મુદ્દો એ છે કે બાર ગાઉએ બોલી બદલાય એમ એ બોલી-ભાષા-માતૃભાષા બોલતાં બાળકોને તેમની પોતાની માતૃભાષામાં ભણવાનું મળે છે ખરું ? યા તો સ્થાનિક ભાષા સમજી શકતાં સ્થાનિક શિક્ષકોને પોતાના વિસ્તારમાં જ શિક્ષક તરીકે નોકરી કરવાનું મળે છે ખરું ?
આ બધા પ્રશ્નોને ટાળવા માટે જ યા તો તેની ઉપેક્ષા કરવા માટે જ આવાં વાચનના સર્વે-સંશોધનો અભ્યાસ થતાં હોય એવું ઘણીવાર લાગે છે.
હવે બાળક વાંચતા કેવી રીતે શીખે છે તે સૌથી મહત્ત્વના મુદ્દાને પણ સમજવાની જરૂર છે.
માનવજીવનના વિકાસનો એક અગત્યનો મુદ્દો એ છે કે જેને કાન છે તેને જ મોઢું છે. એટલે કે બાળકના ભાષાના વિકાસમાં સૌ પ્રથમ કાન આવે છે. કાન સાંભળે તો જ બાળકની જીભ ખૂલે છે. તેનું શબ્દભંડોળ ઉમ્મરની સાથે વધતું રહે છે. અર્થાત્ બાળકના ભાષાના વિકાસમાં પ્રથમ શ્રવણ આવે ત્યાર બાદ કથન યાને કે બોલતાં શીખે અને ત્યાર બાદ ભાષાના વિવિધ સંકેતો – અક્ષરોની ઓળખ થાય – શીખે અને તેના આધારે જ તે અક્ષરો-શબ્દો ઓળખાતો થાય ને શ્રવણ અને કથનની શક્તિના વિકાસની સાથે જ પછી તે વંચાતા સાંકેતિક અક્ષરોનું અર્થઘટન કરી બાળકનું મગજ તે વાચનને સમજે અને તેનો અર્થ સમજે અને તે પછી જ યોગ્ય વાંચન થયેલું ગણાય.
હવે ભાષા વિકાસના આ ક્રમમાં જોઈએ તો કોઈ આદિવાસી બાળક પોતાની માતૃભાષામાં જ સાંભળતો હોય અને પછી તે જ બોલતાં શીખે અને પછી એકાએક પાંચ વર્ષની ઉંમર થતાં શાળામાં પ્રવેશ મેળવી ગુજરાતી અક્ષરો ઓળખતો થાય અને સાથે સાથે સ્વિકૃત – સ્ટાન્ડર્ડ એટલે કે 'શહેરી ગુજરાતી' ભાષાના શબ્દો વાંચતા શીખવાની મથામણ શરૂ થાય. અક્ષરો તો વાંચતા શીખી જાય પણ તે શબ્દોનો અર્થ જ ખબર ન પડતો હોય તો શું સાંકેતિક અક્ષરોની ઓળખથી વધુ વાત આગળ વધી શકે ખરી ?
જ્યારે શબ્દોના અર્થ જ ખબર ના પડતાં હોય તો એ અક્ષરો વાંચવાની ઝડપ યા સમજ ક્યાંથી વિકસી શકે ?
દાખલા તરીકે આપણને અંગ્રેજી ભાષા આવડતી હોય, રોમન લિપિમાં લખાતી અંગ્રેજી આપણે વાંચી શકીએ પણ આ જ રોમન લિપિમાં લખાતી ફ્રેન્ચ ભાષા આપણે વાંચી શકીશું ? નહીં જ વાંચી શકીએ.
કંઈક આવી જ વાત આપણાં ગુજરાતનાં લાખો બાળકોને લાગું પડે છે જેમનાં માટે ગુજરાતી એ જાણે કે એક જાતની પરદેશી ભાષા જ છે એ આપણે સ્વીકારવું રહ્યું.
આપણા ગુજરાતની કુલ વસ્તીના 15 % આદિવાસી સમુદાયો છે. એ જ રીતે સીંધી, કચ્છી જેવી માતૃભાષા ધરાવનારા બાળકો પણ અનેક છે.
વળી ઠેઠ અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં વિચરતી જાતિઓ, માલધારીઓ; એ બધાં માટે પણ 'સ્ટાન્ડર્ડ ગુજરાતી' ભાષા ના શબ્દો અપરિચિત યા તેના અર્થ જ ખબર ન પડે એવા છે.
આવા સમયે આ બાળકો ગુજરાતીમાં લખાયેલાં લખાણ કેવી રીતે વાંચી શકવાના ?
ખરેખર તો આદર્શ વાત એ જ છે કે તમામ બાળકોને પાંચ ધોરણ સુધીનું ભણતર તેમની માતૃભાષામાં જ મળે તો જ તેમની અભિવ્યક્તિ મજબૂત બનવાની છે, તેમનું ભણતર અર્થપૂર્ણ બનવાનું છે.
અને મજબૂત અભિવ્યક્તિ જ સારા, ખૂદ નિર્ણય કરનારાં વ્યક્તિઓ-નાગરિકો તૈયાર કરી શકે.
અને આવાં અનેકાનેક ભાષાનાં વૈવિધ્યનો સ્વીકાર થાય, તેને આદર, સન્માન મળે તો જ દેશ પણ સશક્ત – તંદુરસ્ત બની રહે એવું શું તમને નથી લાગતું ?
સૌજન્ય : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”, 25 સપ્ટેમ્બર 2019
 


 વરસાદની મોસમ આવે એટલે આપણા માટે ગરમાગરમ ભજિયાં-દાળવડાં ખાવાની વાત મહત્ત્વની બને, પરંતુ જેમનાં ઘર જીર્ણશીર્ણ છે યા જે ઘરો સરકારી તંત્રો દ્વારા તકલાદી બનાવ્યાં હોય એ મકાનો એકાએક ધોધમાર વરસાદની વચ્ચે તૂટી પડે યા ચોગરદમ પાણીથી દિવસો લગી ઘેરાઈ જાય યા સતત ઘરમાં પાણી ટપક્યાં કરતું હોય; એવાં ઘરનાં પરિવારોનાં બદતર બની રહેલાં જીવન વિશેના સમાચાર જાણવા મળે, ત્યારે એ ગરમાગરમ ભજિયાં-દાળવડાંની મહેંક મહત્ત્વની રહે ખરી કે ?
વરસાદની મોસમ આવે એટલે આપણા માટે ગરમાગરમ ભજિયાં-દાળવડાં ખાવાની વાત મહત્ત્વની બને, પરંતુ જેમનાં ઘર જીર્ણશીર્ણ છે યા જે ઘરો સરકારી તંત્રો દ્વારા તકલાદી બનાવ્યાં હોય એ મકાનો એકાએક ધોધમાર વરસાદની વચ્ચે તૂટી પડે યા ચોગરદમ પાણીથી દિવસો લગી ઘેરાઈ જાય યા સતત ઘરમાં પાણી ટપક્યાં કરતું હોય; એવાં ઘરનાં પરિવારોનાં બદતર બની રહેલાં જીવન વિશેના સમાચાર જાણવા મળે, ત્યારે એ ગરમાગરમ ભજિયાં-દાળવડાંની મહેંક મહત્ત્વની રહે ખરી કે ?