સમાજમાં બધા વર્ગોમાં કામચોરી અને નિષ્ઠાહીનતા પ્રસરી હોય ત્યારે શિક્ષક પાસે નિષ્ઠા અને સારપની અપેક્ષા રાખી શકાય ખરી ? કેટલાક કહે છે કે બધાં બગડે તો શિક્ષક પણ બગડે. પરંતુ બીજાં બધાંનાં કામ કરતાં શિક્ષકનું કાર્ય વિશિષ્ટ જવાબદારીવાળું છે તે ભૂલી જવાય છે. બાકીના રચના કે વ્યવસ્થા સાથે કામ પાડે છે. શિક્ષક અપાર શક્યતાવાળા ચૈતન્ય સાથે કામ કરે છે એ મોટો ફરક છે. વળી વિદ્યાર્થીઓના માનસમાં, માન્યતાઓમાં અને શ્રદ્ધાઓમાં શિક્ષક વિધેયાત્મકતા(Positivity)નાં બી રોપી શકે છે. એ એની મુખ્ય અને મૂળભૂત કામગીરી છે. એ અર્થમાં શિક્ષક ભાવિ પેઢીનું ઘડતર કરે છે. એટલે રાષ્ટ્રની મહત્તાનો ખરો આધાર તેના શિક્ષકો છે. માટે શિક્ષકો પાસે નિષ્ઠાની અપેક્ષા રાખવામાં આવે છે. વિખ્યાત ચિંતક દર્શકે પ્લેટોનો આધાર લઈ કહ્યું છે કે, ‘જે રાષ્ટ્રમાં ઉત્તમ શિક્ષકો વધારે હશે તેમાં જેલો ઓછી હશે.’
એટલે શિક્ષક શીલવાન હોય એ અનિવાર્ય છે. શિક્ષકનું શીલવાન હોય એ અનિવાર્ય છે. શિક્ષકનું શીલ ઘટ્યું કે ખૂટ્યું છે તેમાં કેટલાંક કારણો પણ છે. તેને આમ ગણાવી શકાય : (1) શિક્ષકનું શીલ જાળવવું હોય તો તેને સ્વાયત્ત રીતે કાર્ય કરવાની તક આપવી જોઈએ. આજે બધા નિર્ણયો રાજધાનીમાંથી થાય છે. સરકાર નિર્ણાયક છે, શિક્ષક માત્ર આજ્ઞાંકિત છે. એટલે શિક્ષકોની પહેલ કરવાની, પ્રયોગ કરવાની શકયતા કચડાઈ ગઈ છે. સરકારે પણ પુનર્વિચાર કરવો જરૂરી છે. (2) આજે વાલીઓ(મા-બાપ)ને ડિગ્રી અને માર્કસમાં જ રસ છે, સંતાનોના ચારિત્ર્ય અંગે આગ્રહ નથી. વાલીઓએ નવી જાગૃતિ બતાવવી જરૂરી છે. (3) શિક્ષકો તૈયાર કરનાર પી.ટી.સી. અને બી.એડ. કૉલેજોને મોટી રકમ લઈને મંજૂરી આપવામાં આવી. એવી કૉલેજો, વિદ્યાર્થીઓ નામમાત્રની હાજરી આપે કે એક દિવસ પણ હાજરી ન આપે, પણ મોટી રકમ આપી શકે તો ઊંચી ટકાવારીની માર્કશીટ મળી જાય તેવી ગોઠવણ કરી આપે છે. (4) નિર્ણાયકો ભ્રષ્ટ કાર્યકલાપમાં ડૂબતા જાય છે એથી શિક્ષકો નિરાશ કે ઉદાસીન થતા જાય છે. આને પરિણામે શિક્ષણનું સ્તર કથળતું જાય છે. એની ખોટ આખા રાષ્ટ્રને છે. વ્યાપમ કૌભાંડ એનું આંખ ઉઘાડે એવું દૃષ્ટાંત છે.
શિક્ષકોની નિષ્ઠા અને ગુણવત્તા વધે એ માટે જરૂરી પગલાં સમયસર અને પૂરતા પ્રમાણમાં ભરાય એ અનિવાર્ય છે. તો શિક્ષકો જવાબદાર અને ખુદવફાઈવાળા બનશે. એટલે શિક્ષકોમાં નીચે મુજબનાં પાંચ શીલનો વિકાસ થાય એ માટે દરેક શિક્ષકે પણ જાગ્રત પ્રયત્નો કરવા પડશે. રાષ્ટ્રની નવી શિક્ષણ નીતિમાં એને પૂરતું મહત્ત્વ આપવું અનિવાર્ય બનશે.
(1) વિદ્યાતપ અખંડ રહે :
ગીતાએ દરેક મનુષ્યે વિદ્યાતપ અખંડ રીતે કરવું જોઈએ તેમ કહ્યું છે. શિક્ષકો માટે તો આ પાયાની ગુણવત્તા છે. મરણ સુધી માણસ વિદ્યાર્થી રહેવો જોઈએ – આ ભાવના તેમાં છે. દર્શક નવ ધોરણ સુધી જ ભણ્યા હતા. સ્વરાજની લડતમાં જોડાવાને કારણે, પરંતુ આજીવન વિદ્યાતપ કરીને ગુજરાતના મનીષી બની શક્યા હતા. શિક્ષકની જ્ઞાનની ક્ષિતિજો કાયમ વિસ્તરતી રહેવી જોઈએ. દર્શકે ‘દીપ નિર્વાણ’ નવલકથામાં ઐલના મુખે કહેવડાવ્યું છે કે સરસ્વતી વાસી અન્ન ઉપર નભતી નથી. એને દરરોજ સ્વાધ્યાયનું નવું અન્ન ધરવું પડે છે. જે શિક્ષક દરરોજ સ્વાધ્યાયતપ કરતો નથી એ જીવંત-વિકાસશીલ શિક્ષક રહી જ ન શકે. જેમ સંગીતકાર, નૃત્યકાર દરરોજ રિયાઝ કરે એ જરૂરી હોય છે તેમ શિક્ષકે જ્ઞાનની ઉપાસના કરવી જરૂરી છે. તેણે પોતાના વિષયની સજ્જતા તો વધારતાં રહેવી જોઈએ જ, ઉપરાંત વિદ્યાર્થીને સાચી રીતે સમજવા શિક્ષણશાસ્ત્ર અને માનસશાસ્ત્રનો તથા રાષ્ટ્રના પ્રશ્નો અને એની જરૂરિયાતોનો અભ્યાસ કરવો જરૂરી છે. એટલે શિક્ષક બહુશ્રુત હોવો જોઈએ. એમાંથી એનું શીલ ઘડાય છે.
(2) ચારિત્ર્ય વિકાસ :
શિક્ષકના શીલની એક ઓળખ એ હશે કે એ વિશ્વાસપાત્ર હશે. એટલે કે એની કહેણી-કરણી વચ્ચે ઓછામાં ઓછું અંતર હશે. તે પોતાની મર્યાદાને ઓળંગવા પ્રયત્નશીલ હશે. આ માટે આત્મનિરીક્ષણ કરવા ઉત્સુક હશે. તે લોકપ્રિય થવા નહીં મથે પરંતુ પારદર્શક અને પ્રામાણિક થવા મથતો હશે. પોતાની શિક્ષક તરીકેની સજ્જતા અને નિષ્ઠા વધારવી અને સ્પષ્ટ કરવી, એ સાચા શિક્ષકનો ચારિત્ર્ય વિકાસ છે. પોતાનું શિક્ષણનું કાર્ય જ પોતાના માંહ્યલાને ઘાટ આપવાનું માધ્યમ બની રહે એ ઉત્તમ સ્થિતિ છે. યુરોપ-અમેરિકાના વિકાસમાં એના શિક્ષકોનો બહુ મોટો ફાળો છે. એ શિક્ષકોએ-અધ્યાપકોએ ‘શિક્ષકનું ચારિત્ર્ય’ જાળવ્યું એથી એમનાં વિદ્યાર્થીઓ ભાવનાશાળી અને સ્વાધ્યાયતપ કરનારા થયા. પ્રાચીનકાળનાં મહાન વિદ્યાલયો એના શિક્ષકોના ચારિત્ર્યને કારણે ઉજ્જવળ હતાં. વિદ્યાર્થીના ચારિત્ર્યના વિકાસમાં યોગદાન આપનાર શિક્ષકનું ચારિત્ર્ય ઉચ્ચતર અને દૃઢ હોય એ સહજ અપેક્ષા હોય છે.
(3) વિદ્યાર્થી માટેનો પ્રેમ :
શિક્ષકના શીલની આ ખરી કસોટી છે. શિક્ષક ગમે તેટલો મેઘાવી, વિદ્વાન, બહુશ્રુત હોય પણ શિક્ષણક્ષેત્રની તેની મુખ્ય લાયકાત વિદ્યાર્થીઓ માટેનો પ્રેમ છે. પ્રેમથી જ ઉપરના ગુણો સાર્થક થશે, નહિ તો એ વ્યક્તિગત રાગ-દ્વેષમાં યોજાશે. પ્રાચીનકાળનાં બે દૃષ્ટાંતો કદી ન ભુલાય તેવાં છે. પરશુરામે કર્ણને શાપ આપ્યો કારણ કે તે બ્રાહ્મણ ન હતો. કર્ણે ગુરુને છેતર્યા એ જેમ ખોટું છે એમ જ પરશુરામનો સંકલ્પ પણ ખોટો છે. વિદ્યા-વિતરણમાં ભેદ ન હોઈ શકે.
એવું જ પાપ ગુરુ દ્રોણે કર્યું. એકલવ્યને વિદ્યા આપવાની ગુરુ દ્રોણે એટલા માટે ના પાડી કે તે રાજકુમાર ન હતો. કારણ કે દ્રોણ ગુરુ મટીને પુરોહિત બન્યા હતા. વિદ્યાને વેચી હતી. રાજ્યગુરુ બન્યા હતા. એથી પણ મોટું પાપ એ છે કે અર્જુન જ સર્વશ્રેષ્ઠ ધનુર્ધર ગણાય એ માટે જેને તેમણે ભણાવ્યો જ નહોતો એવા એકલવ્ય પાસે ગુરુદક્ષિણા માગી અને એકલવ્યનો અંગૂઠો માગીને તેને કાયમ માટે પંગુ બનાવ્યો.
જ્ઞાતિ-જાતિ-ધર્મના કે કોઈ પણ ભેદ વિદ્યાપ્રાપ્તિમાં ન હોઈ શકે એવું ગુરુને તો જ સમજાય જો વિદ્યાર્થીઓ માટેનો સાચો પ્રેમ એના હૃદયમાં હોય. ઉપરાંત જેમ બાળકને જોઈને માતાની છાતીમાં દૂધ ઊભરાય છે એમ વિદ્યાર્થી માટે પ્રેમ હશે તો શિક્ષક પ્રયોગશીલ રહેશે. જૂની મૂડી ઉપર નભી નહિ ખાય. શીખવવું એ કળા છે. એ માટે નવીનવી પદ્ધતિઓ, ટેકનિક, સંદર્ભો શોધશે. ટેક્નોલોજીનો લાભ લેશે. તે માહિતી પાસે અટકી નહિ જાય. માહિતી જ્ઞાનમાં પરિણમે અને જ્ઞાન સમજણમાં પરિણમે એ એની ઝંખના હશે. તેમાં પ્રેરકબળ પ્રેમ હશે. પ્રેમના રસાયણથી જ એ વિદ્યાર્થીને અને તેની મર્યાદાને અલગ કરીને ઓળખી શકશે.
(4) અનુબંધનું જીવનતત્ત્વ :
જે વિદ્યા એના લેનાર અને સમાજને ખપમાં આવતી નથી એ વાંઝણી ગાય જેવી છે એમ મહાન કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે કહ્યું છે, તે સર્વથા સાચું છે. જે શિક્ષક એના પાઠ્યક્રમને જિવાતા જીવન સાથે અને પ્રકૃતિ સાથે નથી જોડતો તે ગમે તેટલાં સાધનો, પ્રયુક્તિઓ અને પદ્ધતિઓનો ઉપયોગ કરતો હોય તો પણ મૂળભૂત કામને ભૂલીને ઉપરછલ્લું કાર્ય જ કરે છે. કોઈ પણ ક્ષેત્રના પ્રશ્નોનો અભ્યાસ એટલા માટે કરવાનો છે કે એ માનવતાનો વિકાસ કરે. એટલે પ્રશ્નોનો સંદર્ભ કેવળ આંકડા કે માહિતી નહિ, મનુષ્ય, સમાજ અને પ્રકૃતિનો સંવાદી સંબંધ હોવો જોઈએ. આ ત્રણેનો વિકાસ થવો જોઈએ, એને પોષણ મળવું જોઈએ. શિક્ષકે આ દૃષ્ટિએ અધ્યાપનકાર્ય કરવાનું છે.
વળી જો શીલવાન શિક્ષક હશે તો સમજી શકશે કે આપણે કેવળ આજ નથી, ગઈકાલ હતા અને આવતીકાલ હશું. તો ભૂત અને ભવિષ્યનો અનુબંધ કરવો જોઈએ. પર્યાવરણના પ્રશ્નો એનું હલાવી મૂકનારું દૃષ્ટાંત છે. તેમ જ પરોક્ષપણે જે વ્યાપકજીવન છે, વૈશ્વિક એકતા છે તેની સાથેના સંબંધને પણ શિક્ષકે ઉદ્દઘાટિત કરવો જોઈએ. આ અર્થમાં શિક્ષકનું કાર્ય સમાજ, રાષ્ટ્ર અને સમગ્ર માનવતાને પોષક થાય છે. પોતાનું કાર્ય કેટલું ગંભીર અને મહાન છે તેની જાગૃતિમાંથી શિક્ષકમાં જવાબદારીનું ભાન જન્મે છે. તો પોતાનાથી શું થાય અને શું ન થાય તેનો વિવેક જન્મે છે. આવા વિવેકનો વિકાસ એ શિક્ષકનું શીલ છે.
(5) મનુષ્યના શુભતત્ત્વ ઉપરની શ્રદ્ધા :
દરેક કાળે પ્રશ્નો હોય જ છે. ફેર એના પ્રમાણ અને પ્રકારનો હોય છે. કારણ કે પ્રશ્નોનું જન્મસ્થાન માણસની મર્યાદાઓ છે, અવિદ્યા છે. પરંતુ સાચો શિક્ષક અધૂરું જોતો નથી. તે માણસની મર્યાદાને પારખે છે અને તેના ઉપાયો શોધે છે તેમ જ મનુષ્યમાત્રમાં શુભતત્ત્વ રહેલું છે એવી શ્રદ્ધા રાખે છે. આવી શ્રદ્ધા તેને એકાંગી, નિરાશાવાદી કે પ્રત્યાઘાતી બનતો અટકાવે છે. વેદ-ઉપનિષદ-ગીતા-બાઇબલ કે કોઈ પણ ચિંતનગ્રંથ એની સાહેદી આપે છે. સાચું તો એ છે કે અન્નમય અને પ્રાણમય કોષ આગળ અટકી ગયેલો વિદ્યાર્થી વિજ્ઞાનમય અને આનંદમય કોષ સુધી પહોંચી શકે છે, એ શ્રદ્ધા જ ગમે તેટલી વિકટ અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટકી રહેવાનું શિક્ષકને આંતરિક બળ આપે છે.
શુભતત્ત્વને કોઈ તત્ત્વ કે ઈશ્વર ઉપરની શ્રદ્ધા પણ ગણી શકે. મૂળ બાબત એ કે મનુષ્યની સારપ, એના સદ્દગુણો દબાઈ ગયેલા છે એને પ્રગટ થવામાં પોતે મદદરૂપ થઈ રહ્યો છે, એ પ્રતીતિ એ શિક્ષકનું શીલ છે, શિક્ષકની નોળવેલ છે. આવી શ્રદ્ધા શિક્ષકને પોતાની જાતને આવરણમુક્ત કરાવવામાં અને પોતાના વિદ્યાર્થીના મનુષ્યત્વને વિકસાવવામાં સાચું બળ આપશે. શિક્ષકનાં પંચશીલનો જેટલો વધુ વિકાસ થશે એટલા આપણા રાષ્ટ્રના પ્રશ્નો હળવા થશે કે ઉકેલાશે. આ પંચશીલથી ઓછું કાંઈ આપણને ખપતું નથી એવો વિશ્વાસ પ્રજાના દરેક એકમમાં જન્મશે તો શિક્ષકનું સાચું ગૌરવ પુન:સ્થાપિત થશે.
સ્વરાજ પહેલાં આ દેશમાં શિક્ષણના અનેકવિધ પ્રયોગો અને નવ-પ્રયાણ આપણા ઉત્તમ શિક્ષકોએ કર્યાં હતાં. કારણ કે તેઓ શિક્ષકના પંચશીલથી ધન્ય હતા. શિક્ષકને વગોવવા કે અન્યથા સમજવાને બદલે એના પંચશીલને વિકસાવવાનું આયોજન આ દેશમાં થશે તો રાષ્ટ્રનો, કેળવણીનો, શિક્ષણનો ઉજ્જવળ ચહેરો પ્રગટ થશે. ભારત સાચા અર્થમાં ગુરુત્વ પામશે.
સૌજન્ય : “ભૂમિપુત્ર” 01 અૉક્ટોબર 2015; પૃ. 18-19