૨૯મી નવેમ્બર, ૨૦૧૮ના રોજ ઉર્દૂનાં પ્રગતિશીલ કવયિત્રી ફહમીદા રિયાઝનું મૃત્યુ થયું. જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં નીચે ટાંકેલી કવિતા વાંચેલી, ત્યારે એક લશ્કરી જવાન બંદૂક તાકી બેઠેલો. ધાર્મિક કટ્ટરતા અને પુરાતનપંથી પણ પાકિસ્તાન જે રીતે ગરકાવ થઈ ગયું છે એ જ રીતે ભારત પણ થઈ રહ્યું છે, એની એમાં વ્યંગપૂર્ણ ટીકા હતી. આજે પણ આ કવિતા મારી પ્રિય કવિતા છે. એમના ચાલ્યા જતાં આવા અવાજો ક્ષીણ થતા માલૂમ પડે છે. પ્રતિરોધની આ કવિતાના મૂળ ફૈઝ અહેમદ ફૈઝે પાબ્લો નેરુદા સાથે પણ સામયિક કાઢેલું.
એવું નથી કે ફહમીદા પ્રથમ પંક્તિનાં ઉર્દૂ કવયિત્રી છે. પરંતુ પાકિસ્તાનના સાંપ્રદાયિક માહોલમાં એમણે જે રીતે પ્રતિરોધની કવિતા કરી, માનવ-અધિકારોની લડત ચલાવી અને સડી ગયેલી પરંપરાઓ સામે અવાજ ઉઠાવ્યો, ‘એનું મારે મન મોટું મૂલ્ય છે. એમના એક કવિતાસંગ્રહનું શીર્ષક છે ‘પથ્થર કી જુબાન’. એમની કવિતા મહેકતાં ફૂલોની નથી, બોલતા પથ્થરોની છે.
૨૮મી જુલાઈ, ૧૯૪૬ ફહમીદનો જન્મ ઉત્તરપ્રદેશના મેરઠમાં થયો હતો. જ્યારે હિંદુસ્તાનમાં સાંપ્રદાયિકતા એની ચરમ કક્ષાએ હતી, ત્યારે કુટુંબ પાકિસ્તાન ચાલી ગયું. મા કવિતા કરતાં હતાં એનો પ્રભાવ એમના પર પડ્યો. પિતા રિયાજુદ્દીન સિંધમાં શિક્ષણક્ષેત્રે કાર્યરત હતા. ફહમીદા રિયાઝે સિંધ યુનિવર્સિટી, હૈદરાબાદથી અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રમાં ગ્રૅજ્યુએશન કર્યું. આઝાદી પછી તરત જ પાકિસ્તાનમાં ધર્મકેન્દ્રી રાજનીતિના કારણે લોકતંત્રનું સ્વપ્ન છીનવાઈ ગયું હતું. અબ્દુલ ગફારખાન, સરહદના ગાંધીને વીસ વીસ વરસ જેલમાં સબડવું પડેલું. ફૈઝ અહેમદ ફૈઝ અને એમના સાથીઓને જેલ મળી હતી. જનરલ ઐયુબખાને વિદ્યાર્થીઓને રાજનીતિમાં ભાગ લેવા પર બાન મૂક્યો હતો. ત્યારે નૅશનલ સ્ટુડન્ટ ફૅડરેશન એનો વિરોધ કરી રહ્યું હતું અને જેમાં એક સક્રિય કાર્યકર ફહમીદા રિયાઝ હતાં. સમાજવાદી ચિંતકોથી ફહમીદા પ્રભાવિત હતાં અને વિશેષ કરીને ફૈઝની કવિતાથી પણ. અભ્યાસ પછી ૧૯૬૬માં પાકિસ્તાન રેડિયોમાં નોકરી કરી, ત્યાર બાદ સાત વર્ષ લંડનમાં રહ્યાં. લંડન સ્કૂલ ઑફ ફિલ્મમેકિંગમાંથી ફિલ્મનિર્માણ શીખ્યાં પણ સાથોસાથ એ વખતે ચાલતા નારીવાદ-આંદોલનને પણ સમજ્યું, જાણ્યું અને એ પરિપ્રેક્ષ્ય એમની કવિતામાં આવતો થયો.
‘એક ઔરત કી હંસી’, ‘જાને નાપાક’ જેવી કવિતામાં એમણે સ્ત્રીઓની ભયગ્રંથિને લલકારી હતી. જમણેરીઓએ એમની કવિતાને ‘અશ્લીલ’ ગણાવી હતી. ફહમીદા શરૂઆતથી સિંધી ભાષા અને સિંધીઓના અધિકારો માટેની પણ લડાઈ ચલાવતાં હતાં. એ પણ સત્તાધીશોને રુચતું ન હતું. ઈ.સ. ૧૯૭૨માં એમણે તલાક લીધા. એમનાં બીજાં લગ્ન સમાજવાદી ફિલ્મનિર્માતા અને કર્મશીલ જફર અલી ઉજાન સાથે થયાં અને તેઓ બે બાળકોની મા પણ બન્યાં.
એ એમના માટે કપરો ગાળો હતો જ્યારે ઈ.સ. ૧૯૭૭માં ભુટ્ટોની ફાંસી પછી જિયા-ઉલ-હકે પાકિસ્તાનની રહીસહી લોકશાહીનો ખાતમો બોલાવી લશ્કરી શાસન લાદી દીધેલું. વળી, આ લશ્કર ધાર્મિક પ્રતિબંધને સખ્તાઈથી અમલમાં મુકાવતું હતું, જે આપણે ‘ખામોશ પાની’ જેવી ફિલ્મમાં જોયું છે. આ જિયા-ઉલ-હકે ફૈઝ અહેમદ ફૈઝ, અહમદ ફરાઝ, હબીબ જાલિબ અને ફહમીદા રિયાઝને જાતભાતની રીતે પરેશાન કર્યાં. ઇસ્લામીકરણના વિરોધ કરનાર તરીકે ફહમીદા અને એમના પતિ જકર પર ચૌદ કેસ ઠોકી દેવામાં આવ્યા હતા! જફરને જેલમાં નાંખી દેવામાં આવ્યા અને ફહમીદા જામીન પર બહાર હતાં. યેનકેન પ્રકારે બે બાળકો સાથે ફહમીદા પાકિસ્તાનથી ભારત આવી ગયાં કારણ કે ત્યાં જાનનું જોખમ હતું. અમૃતા પ્રીતમ એમનાં મિત્ર હતાં જેમની મદદથી ઇન્દિરા ગાંધીના હસ્તક્ષેપથી ફહમીદાને રાજનૈતિક શરણ મળ્યું. ત્યાર પછી એમના પતિ પણ ભારત આવ્યા. સાત વર્ષ એમણે અહીં ગાળ્યાં. ઝિયા-ઉલ-હકના અવસાન પછી દંપતી પાકિસ્તાન જઈ શકેલાં. ભારતનિવાસનાં સાત વર્ષો દરમ્યાન અસંખ્ય ઉર્દૂ-હિંદી સાહિત્યકારો સાથે એમનો સંબંધ પ્રગાઢ બનેલો.
પાકિસ્તાન હદીદ અધ્યાદેશ, શરિયતના કાયદાઓએ સ્ત્રીઓની સ્વતંત્રતા છીનવી હતી. એની સામે એમણે WADA દ્વારા અવાજ ઉઠાવ્યો. આસિયા બી જેવી ગરીબ સ્ત્રીને આવા કાયદાના કારણે વર્ષો સુધી જેલ મળી હતી!
કોટવાલ બેઠા હૈ’ અને ‘ચાચા ઔર ચાર દિવારી’ એમની અનુભવની કવિતા છે. ‘પૂર્વાંચલ જેવી કવિતા ભારતનાં સાંપ્રદાયિક તોફાનો પર લખી છે.’ એમની સમગ્ર કવિતા ઈ.સ. ૨૦૧૧થી ઉપલબ્ધ થઈ છે.
પ્રતિરોધની પરંપરાના એક પ્રતિનિધિને સલામ સાથે એમની કવિતા
“તુમ બિલકુલ હમ જૈસે નિકલે, અબ તક કહાઁ થે ભાઈ,
વો મૂર્ખતા વો ઘામડપન, જિસમેં હમને સદી ગવાઈ,
આખિર પહુંચી દ્વાર તુમ્હારે, અરે બધાઈ બહુત બધાઈ,
પ્રેત ધરમ કા નાચ રહા હૈ, કાયમ હિન્દુરાજ કરોગે ?
સારે ઊલટે કાજ કરોગે, અપના ચમન દરાજ કરોગે,
તુમ ભી બૈઠે કરોગે, સોચા પૂરી હૈ વૈસી તૈયારી,
કૌન હૈ હિન્દુ કૌન નહીં હૈ, તુમ ભી કરોગે ફતવે જારી,
હોગા કઠિન યહાઁ ભી જીના, રાતો આ જાયેગા પસીના,
જૈસીતેસી કટા કરેગી, યહાઁ ભી સબકી સાઁસ ઘૂટેંગી,
કલ દુઃખ સે સોંચા કરતી થી, સોંચો બહુત હંસી આજ આઈ
તુમ બિલકુલ હમ જૈસે નિકલે, હમ દો કૌમ નહીં થે ભાઈ!
ભાડ મેં જાએ શિક્ષા-વિક્ષા, અબ જાહિલપન કે ગુણ ગાના,
આગે ગઢ્ઢા હૈ યે મત દેખો, વાપસ લાઓ ગયા જમાના,
વશ્ટ કરો તુમ આ જાગેયા, ઊલટે પાઁવ ચલતે જાના
ધ્યાન ન મન મેં દૂજા આયે, બસ પીછી હી નજર જમાના,
એક જાપસા કરતે જાઓ. બારમ-બાર યહી દોહરાઓ,
કિતના વીર મહાન થા ભારત, કૈસા આલિશાન થા ભારત
ફિર તુમ-લોગ પહુઁચ જાઓગે, બસ પરલોક પહુઁચ જાઓગે,
હમ તો હૈં પહલે સે યહાઁ પર, તુમ ભી સમય નિકાલતે રહના
અબ જિસ નરક મેં જાઓ વહાઁ સે, ચિઠ્ઠી-વિઠ્ઠી ડાલતે રહના”
E-mail :bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 12
 
 આદરણીય વિવેકવાદી શ્રી રમણભાઈ પાઠકની સ્મૃિતમાં યોજાતી વ્યાખ્યાનમાળામાં આપે મને વક્તા તરીકે પસંદ કર્યો હતો, એનું હું ગૌરવ અનુભવું છું. આપ સહુ મળીને બાળકોથી માંડી વયસ્ક નાગરિકોમાં વૈજ્ઞાનિક ચેતના બરકરાર રહે એવી વર્ષોથી પ્રવૃત્તિઓ કરો છો, એ બદલ ધન્યવાદને પાત્ર છો. એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્રમાં આવી પ્રવૃત્તિઓ રાજ્યપ્રેરિત, કલ્યાણરાજ્યપ્રેરિત હોવી જોઈએ તેના બદલે આવી સંસ્થાઓએ આવી પ્રવૃત્તિ નાગરિક ધર્મ સમજીને કરવી પડે છે, એ કરુણતા છેે. આઝાદી વખતે જવાહલાલ નેહરુએ લખેલ ગ્રંથ ‘ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’માં પહેલી વાર ‘વૈજ્ઞાનિક દષ્ટિકોણ’ (Scientific Temper) શબ્દ વપરાયો હતો. એ શબ્દને એ પ્રતિબદ્ધતાથી અમલમાં પણ મૂકતા રહ્યા હતા. વળી, આ શબ્દ ‘ધાર્મિક રૂઢિવાદ’ની ટીકાના સંદર્ભે તેઓ વાપરતા હતા. આઝાદી પછી ચચ્ચાર આઈ.આઈ.ટી, પી.આર.એલ. જેવી સંસ્થાઓ એની સાહેદી છે. વિજ્ઞાન સાથે ન સંકળાયેલા પણ વિજ્ઞાનમાં રસ લેતા થાય એ માટે એસોસિયેશન ઑફ સાયન્સ વર્કર્સ ઑફ ઇન્ડિયા(A.S.W.I.)ની સ્થાપના કરી, સોસાયટી ફૉર ધ પ્રમોશન ઑફ સાયન્ટિફિક ટેમ્પરની પ્રવૃત્તિને વેગ આપ્યો, પરિણામે ભારતભરમાં આવાં સંગઠનોનો ઉત્સાહ વધ્યો. આજે અવળી ગંગા ચાલે છે. તે વિવિધ પ્રસંગોએ સ્પષ્ટ થયું છે. એ વખતે જનવિજ્ઞાન વેદિકા, બૅંગાલુરુ સાયન્સ ફોરમ, મરાઠી વિજ્ઞાનપરિષદ, કેરળ શાસ્ત્ર સાહિત્ય પરિષદ અસ્તિત્વમાં આવી. મદ્રાસની સંસ્થા રામાનુજન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેથેમેટિકસ્ ફંડના અભાવે નહોતી ચાલતી, તો જવાહરલાલે વિશેષ મદદ કરી સંસ્થાને પગભર કરી. મૂળ વાત તો એ છે કે ભારતના કરોડો અભણ લોકોમાં વૈજ્ઞાનિક દષ્ટિકોણ ન હોય એ સ્વાભાવિક છે, પણ સમાજના બુદ્ધિસંપન્ન લોકો પણ એમાં વ્યાપ્ત હોય એ કરુણ ઘટના છે. રાજ્ય પણ લોકોમાં વૈજ્ઞાનિક દષ્ટિકોણ ખીલે એ સંદર્ભે ઉદાસીન છે. શિક્ષણનો આખો ઢાંચો જ વિજ્ઞાનમૂલક હોવો જોઈએ. એમાં પણ ગાબડાં છે. તેથી ત્યાર બાદ પ્રો. નુરુલ હસને ભારતના બંધારણમાં ૪૨મુ સંશોધન કરતી વેળાએ ઉમેરણ સૂચવ્યું કે ભારતના પ્રત્યેક નાગરિકનું એ કર્તવ્ય હશે કે તે પોતાની અંદર વૈજ્ઞાનિક દષ્ટિકોણનો ભાવવિકસિત કરે. આવા સંજોગોમાં માધ્યમોની ભૂમિકા કેવી રહી છે તે તપાસવા મેં ‘તાર્કિકતાના ત્રાજવે મીડિયા, સરકાર અને શિક્ષણ’ એવો વિષય પસંદ કર્યો છે અને યથાશક્તિ હું એને ન્યાય આપવા પ્રયાસ કરીશ.