સર્જકોની લીલા સમયે પણ હશે તો નર્યો અંધકાર
અને માની કૂખે પાંગર્યું હશે બીજ
ત્યારે પણ
હશે તો નર્યો અંધકાર જ !
નવ નવ મહિનાનો વિકાસ પણ તો
થયો અંધકારમાં જ
ટેવ તો હતી ગર્ભાશયની
ગહન શ્યામલતાને જીરવવાની
તો પણ જન્મીને
દુનિયા તો માની આંખે જ જોઈ
સમજણ આવી ત્યારે
કર્ણમૂળે વહી આવ્યો શબ્દ ‘પ્રજ્ઞાચક્ષુ’
ત્યારે સમજાયું કે
આ દેહ પર ક્યાંક ચર્મચક્ષુઓ પણ છે !
પછી પરિચય થયો શૂન્યોથી
એમણે કહ્યું કે એટલે ડોટ્સ …
ગહન અંધકારની માયાજાળ ઉકેલતી
લઈ જાય ઉજાસ ભણી
એવી આનંદયાત્રા.
આજે ચાર જાન્યુઆરીએ
યાદ આવે સૌને અંધારા ઉલેચતી
બ્રેઈલલિપિ … થેન્ક્યૂ બ્રેઈલ !
![]()


પદ્મા દેસાઈને વધારે સમજવાં હોય તો તારે અનુરાધાનું આત્મકથન ‘Unbecoming : A Memoir of Disobedience’ : ખાસ વાંચવું જોઈએ. મારા નિકટના સ્વજને મને ભારપૂર્વક કહ્યું. આમ પણ મેં હાલમાં જ પદ્મા દેસાઈનું આત્મકથન ‘Breaking Out : મુક્તિયાત્રા’ વાંચ્યું હતું. પદ્માબહેનને તો પદ્મભૂષણની નવાજેશ પણ થઈ છે તેનો ઉલ્લેખ એમની આત્મકથામાં નથી, કારણ કે તે આત્મકથા પ્રકાશિત થયા પછીની વાત છે. લલિતાબહેન અને કાલિદાસ દેસાઈથી અનુરાધા ભગવતીની ત્રણ પેઢીને સમજવાની સાથે મૂળસોતાં ક્ષેત્રથી આંતરરાષ્ટ્રીય સ્તરની વિદ્વત્તાને સમજવાનો અમૂલ્ય મોકો અહીં મળે છે. પદ્મા દેસાઈની મુક્તિયાત્રા સાથે અનુરાધાની આંતર ખોજનું અનુસંધાન થતું હોય એવું મને વાંચતી વખતે લાગતું રહ્યું હતું. અનુરાધાની સમગ્ર યાત્રામાંથી પસાર થતાં એની પેઢીનાં સંતાનો માટે ખાસ્સી સમજણ વિકસી એમ કહેવું મને વધારે ગમે છે.
અને અન્યના અનુભવોને વાચા આપી મિલિટરીમાં સ્ત્રી કેન્દ્રિત વલણ-અભિગમ બદલવા અને કાયદા / ધારાધોરણ સુધારવા માટે હિમાયતી તરીકેની સક્રિય ભૂમિકા ભજવનાર અનુરાધાની આકંઠ નિસબત, પ્રતિબદ્ધતા અને અંત સુધી ધ્યેયને સમર્પિત રહેવાની અડગ નિષ્ઠાનો આલેખ એટલે એનું આત્મકથનાત્મક આલેખન ‘અસહ્ય સ્થિતિ : આજ્ઞાભંગનાં સ્મૃતિચિત્રો’ જે મારી દૃષ્ટિએ તો ‘હૈયે તે હોઠે’ તરીકે ઝિલ્યું છે. જ્યારે એણે નક્કી કર્યું કે હું મરીન શાખામાં કારકિર્દી બનાવીશ ત્યારે તો કોઈ ખ્યાલ ન હતો કે ભાવિ શું હશે પરંતુ અહીં તો ડગલું ભર્યું કે ના હઠવું એટલે કડક તાલીમ તો પછી આવી તે પહેલાં સ્નાતક હોવાથી સીધી ભરતી ઓફિસર તરીકે જ થઈ. અત્યંત મહેનતથી ભરચક તાલીમ લઈ લેફ્ટનન્ટ તરીકેના કાર્યકાળ દરમિયાન રંગભેદ અને લિંગભેદના જે કાંઈ અનુભવો થયા છે તેનો સઘળો ચિતાર પુસ્તકમાંથી પસાર થતા મળે છે. અમેરિકન નાગરિક તરીકે જન્મ, ઉછેર અને વ્યક્તિત્વનો વિકાસ છતાં કેવા અનુભવો થયા છે તે તો એમાંથી પસાર થઈએ ત્યારે જ સમજાય. પ્રેમની વિભાવના, શારીરિક અને ભાવનાત્મક જરૂરિયાતો સંદર્ભે અવારનવાર બંધાતા સંબંધો, ઓફિસરોની ક્રમિક સત્તાકીય ભાંજણી અને મિલિટરી દબદબા સાથે જન્મજાત મૌન રહેવાના સંસ્કારનો સીલસીલો છતાં એવી સરહદને અતિક્રમી જઈ નીડરતાપૂર્વક પોતે જે છે તે રીતે વ્યક્ત થવું એ બે વાક્યમાં લખાય કે સમજાય તેવી ગાથા તો ન જ હોય ને ! કારકિર્દીમાં પોતે જે ફરજો અદા કરવાની છે તે અને જાત સાથે સંઘર્ષ દ્વારા આંતર ખોજ થકી પોતે શારીરિક-માનસિક રીતે જે અનુભૂતિ કરે છે તેનું નગ્નસત્ય ઉજાગર કરવાનું અનુને સહેજ પણ કઠિન લાગ્યું નથી. મેલ બેકલેશ અને ધવલવર્ણીય અધિકારીઓ કે સહકર્મીઓનો પ્રતિઘાત કે પ્રતિક્રિયાનો સામનો કરવાનો બેવડો બોજો કેવી રીતે વેંઢાર્યો તેનું યથાવત્ વર્ણન કરવામાં અનુનાં ટેરવાંને જરાપણ હિચકિચાટ થયો નથી.
ડો. મફતભાઈ પટેલની ઓળખ આ રીતે મળી. હિંદી સાથે સુવર્ણચંદ્રક વિજેતા સ્નાતક, હિંદી, સંસ્કૃત અને માનસશાસ્ત્ર સાથે અનુસ્નાતક ઉપરાંત ડોક્ટરેટ. હિંદીમાં રાષ્ટ્રભાષા રત્ન, રત્નાકર, સંસ્કૃતમાં વિશારદ અને સાહિત્યશાસ્ત્રી. અમદાવાદ શિક્ષણ સમિતિના ચેરપર્સન, શિક્ષણવિદ્, અચલા-ધરતી-હિંસા વિરોધ નામનાં સામયિકો સાથે સંલગ્ન તંત્રી-લેખક-સંપાદક, હિંદી ભાષા પ્રસારક, સમાજ સુધારક, સેવાદળથી રાષ્ટ્રીય સેવક સંઘ – જનસંઘ – ભારતીય જનતા પક્ષના મૂળસોતા કાર્યકર્તા, દુનિયાને સમજવા મથતા આકંઠ પ્રવાસી, હરિપુરા ગામના હામી અને નવસર્જક. તે પહેલાં તો પિતૃવત્સલ, મુઠ્ઠી ઊંચેરા, ઋજુ હૃદયી, ઉમદા માનવી.