મારાં માતા સરોજબહેન અંજારિયાના પુસ્તકાલયમાં ખાંખાંખોળાં કરતાં એક લખાણ હાથમાં આવ્યું. મારા નાના સ્વ. પ્રભુલાલ ધોળકિયાએ ગાંધી શતાબ્દી વર્ષમાં, વિદ્યાર્થીઓને સંબોધીને, રેડિયો પર શ્રેણીબધ્ધ વાર્તાલાપ આપેલો જેની લેખિત પ્રત મળી આવી.
સમગ્ર લખાણ વાંચતા પ્રતીત થાય કે વિદ્યાર્થીઓને લક્ષ્યમાં રાખીને અપાયેલું વક્તવ્ય હતું માટે ભાષા ઘણી સરળ છે. વાક્યો ટૂંકા, અર્થ સભર. દરેક યાત્રાધામ વિષે વિગતે માહિતી આપાઈ છે. કેટલીક અલભ્ય વિગતો અને આંકડાઓ ઉપરથી ખ્યાલ આવે કે લેખકે એ વિષે ઊંડા ઊતરીને માહિતી મેળવી હશે.
આ લેખમાં ગાંધીજી પ્રત્યે પૂજ્યભાવ પ્રગટે છે. કેટલાક પ્રસંગો અને સ્થળનું આબેહૂબ વર્ણન છે. તેમાં ય ગાંધીજીની અંતિમ યાત્રા અને પંડિત નહેરુના શોકાતુર વિલાપના ચિત્રણથી વાચકના નજર સમક્ષ પોતે એ સ્થળ અને સમયે હાજર હોય તેવી પ્રતીતિ થયા વિના ન રહે.
— આશા બૂચ
********
- જન્મસ્થાન – પોરબંદર :
કૃષ્ણ સુદામાની વાર્તા તો તમે વાંચી હશે. સુદામાજી કૃષ્ણના પરમ ભક્ત અને દોસ્ત પણ ખરા. સુદામા રહેતા એ નગર સુદામાપુરી કહેવાયું. પુરાણની સુદામાપુરી તે આજનું આપણું પોરબંદર. સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે આવેલ પ્રસિદ્ધ બંદર.
પોરબંદરમાં રાણા રાજવીનું રાજ. રાણાએ રાજનું કારભારું ગાંધી કુટુંબને સોંપેલું. ચાર પેઢીથી પોરબંદર રાજ્યનું ગૃહ મંત્રી પદ આ ગાંધી કુટુંબ સાંભળતું આવ્યું. ગાંધી કુટુંબમાં નેકી અને ઈમાનદારી એવાં કે પોરબંદરના રાણા પેઢી દર પેઢી રાજનો કારભાર આ કુટુંબને જ સોંપતા. ગાંધી કારભારીઓની જેવી ઊંચી શાખ રાજ્યમાં હતી તેવી જ ઈજ્જત પ્રજામાં હતી. પ્રજાની સેવા પણ એવી જ ભક્તિથી ગાંધી કુટુંબ કરે. સાચ અને ન્યાય ગાંધી કુટુંબની ટેક. આવી નેકીથી રાજકાજ ચલાવે તેથી રાજા તથા પ્રજા બેઉ તેમના પર રાજી. આ ગાંધી કુટુંબના કારભારીઓ રાજા-પ્રજા વચ્ચે પ્રેમ જળવાઈ રહે તેમ ચાલે.
ગાંધી કુટુંબનું મૂળ વતન તો પોરબંદર અને જૂનાગઢ વચ્ચેનું કુતિયાણા ગામ. આ કુટુંબના વડા રામજી ગાંધીને રાણાએ દફતરી નીમીને કુટુંબને પોરબંદરમાં વસાવ્યું. ગાંધી પેઢીમાં સૌથી જબરા નીવડ્યા ઓતમચંદ. ચાર પેઢીના દફતરી પદેથી દિવાન પદે પહોંચનારા ઓતમચંદ આપણા મહાત્મા ગાંધીના દાદા થાય. લોકો લાડથી તેમને ઓતા ગાંધી કહીને બોલાવે. ઓતા ગાંધી શરીરે પડછંદ અને પ્રભાવશાળી ચહેરા મહોરા વાળા. તેજ ભરી આંખો અને વિશાળ ભુજાઓ વાળા ઓતા ગાંધી સૌને આંજી દેતા.
ઓતા ગાંધી કાકા પાસે રહીને દફતરીનું કામકાજ શીખે. રાણાને જરૂરી કામ પડ્યું. દફતરી કાકાને બોલાવવા માણસને મોકલ્યો. કાકા તો બહારગામ ગયેલા. હજી મૂછનો દોરો ય ફૂટ્યો નહોતો એવા ઊગતા જુવાન ઓતા ગાંધી રાણા પાસે કાકાને બદલે જઈ ઊભા. હિંમતથી નમ્રપણે રાણાને તેણે કહ્યું, “નામદાર, કાકા તો બહારગામ ગયા છે. હું પણ આપનો સેવક જ છું ને? કંઈ કામકાજ હોય તો ફરમાવો. આપનું કામ પાર પાડવા મારાથી બનતું બધું કરીશ.” ઓતાની હિંમત અને વાત કરવાની છટા જોઈ રાણા સાહેબ તો ઓતાની સામે જોઈ જ રહ્યા. રાણાના દિલમાં જુવાન જચી ગયો. ભારે ગણાતું કામ તેને સોંપ્યું. તે ઓતાએ દૃઢતાથી પાર પાડ્યું. રાણા સાહેબ ખુશ ખુશ થઈ ગયા.
આ પછી ઓતા ગાંધીની પરીક્ષાનો બીજો પ્રસંગ આવ્યો. પોરબંદર-જૂનાગઢ વચ્ચે માધવપુર કરીને એક ગામ. આ ગામનો જકાતી હક પોરબંદર રાજ્યનો. પણ માધવપુરનો જકાતી ઇજારદાર માથાભારે. રાજનો હક દબાવી નાણાં ભરવામાં આનાકાની કરે. આ ઇજારદારને જૂનાગઢની નવાબીની હૂંફ. પોરબંદર નાનું રાજ્ય. જૂનાગઢ સાથે અથડામણમાં આવવાનું તો પોસાય નહીં. એટલે રાણા મૂંઝવણ અનુભવે. આ મુશ્કેલ કોયડો ઉકેલવાની ચિંતા કરે. રાણા સાહેબે આ કામ ઓતા ગાંધીને સોંપવાનું વિચાર્યું. ઓતાને બોલાવીને કહે, “જો ઓતા, તેં એક મોટું કામ તો પાર ઉતાર્યું, પણ આજે વધારે કપરું કામ પડ્યું છે. મારી નજર તારામાં છે. જો તારી હિંમત હોય તો સોંપું.” ઓતાએ જવાબ દીધો, “એવું તો શું છે સાહેબ, કે જે આપના પ્રતાપે ન થાય? આપ ફરમાવો.” રાણાએ ઇજારદારની આડોડાઇની વાત કરી. ઓતો કહે, “એમાં તે શી મોટી વાત છે? આપ આશીર્વાદ આપો કે બેડો પાર!”
ઓતા ગાંધી માધવપુર, પહોંચ્યા. મામલો તપાસી લીધો. ઇજારદારને મળવા કરતાં જૂનાગઢ જઈને રાજ સાથે મસલત શરૂ કરી. કુનેહથી માધવપુરનો જકાતી હકનો કરાર જૂનાગઢ રાજ્ય પાસેથી મેળવ્યો. પછી માધવપુર જઈ કરારનો હુકમ આપી ઇજારદારને વગર બોલ્યે સીધા કર્યા. રાણા સાહેબ આ કામથી ઓતા પર આફરીન થઈ ગયા, ને એ જ ઘડીએ દીવાનગીરીનો પોશાક ભેટ ધર્યો.
રાણાની હયાતીમાં ઓતા ગાંધીએ દીવાનગીરીનો કારભાર કુશળતાથી ચલાવ્યો. પણ રાણા વિક્માતજી લાંબુ ન જીવ્યા. કુંવર સગીર વયના એટલે રાજતંત્ર રાણીના હાથમાં આવ્યું. ઓતા ગાંધી પ્રામાણિક, સત્યાચરણી અને ટેકીલા. રાણી આપખુદ અને સત્તા લોભી. પ્રજાના કામ બગડે એ ઓતા ગાંધીથી ન ખમાય. રાજ્યનું હીણું થાય એ પણ એમનાથી ન સહેવાય. રાણી સાથે ઓતા ગાંધીનો મેળ ન બેઠો. રાજ્યનો ખજાનચી રાણીની ઉડાઉગીરીથી ત્રાસેલા, રાણીની ખફા નજર આ ખજાનચી ઉપર પડી. રાણીએ ખજાનચીને પકડવા હુકમ કર્યો. અન્યાયી હુકમ સામે પડી ઓતા ગાંધીએ ખજાનચીને પોતાને ત્યાં રક્ષણ આપ્યું. રાણીની રીસ ઓતા ગાંધી પર ઊતરી. ખજાનચીને સોંપી દેવા ઓતાને હુકમ કર્યો. અન્યાયને તાબે થાય એ ઓતા નહીં. ઓતા ગાંધીએ સવિનય હુકમનો ભંગ કર્યો. રાણીએ લશ્કર અને તોપબળ ઓતા ગાંધીની હવેલી સામે ગોઠવ્યું. હવેલીને તોપે દેવાનો હુકમ કર્યો. ઓતા ગાંધી કુટુંબના સૌ બાળ બચ્ચાં સાથે રાખી ઈશ્વરનું ભજન કરતા તોપગોળે મરવા રાહ જોતા બેઠા. સત્ય માટે મરવા માટે ટેકનાં મૂળ આપણા ગાંધીબાપુમાં આ દાદાના જીવનમાંથી ઉતર્યા આપણે જોઈ શકીએ છીએ. તોપ ગોળા વછૂટયા, હવેલીને દીવાલોમાં ગાબડાં પડ્યા. પણ સત્યની કસોટીમાંથી ઈશ્વરે ગાંધી કુટુંબને પાર ઉતાર્યું. રાણીની આ ઘેલછાના ખબર એજન્સી અમલદારને રાજકોટ પહોંચી. તેઓ વચ્ચે પડ્યા. અને વાદળાં વિખેરાઈ ગયા.
આ પ્રસંગ પછી આવા ટેકીલા ઓતા ગાંધી દિવાનગીરી છોડી કુતિયાણા રહેવા ગયા. આવા બાહોશ મુત્સદીની કદર જૂનાગઢના નવાબે કરી. તેમને માન સાથે જૂનાગઢ બોલાવ્યા. પણ ઓતા ગાંધી કોનું નામ? નવાબ સાહેબને ડાબા હાથે સલામ કરી ઊભા રહ્યા. સમજુ નવાબે અપમાન ગળી જઈ મોં મલકાવી કારણ પૂછ્યું. “કેમ ગાંધી, ડાબે હાથે સલામ ભરવાનું સૂઝ્યું?” ઓતાએ વિવેકથી કહ્યું, “બાપુ, જમણો હાથ તો પોરબંદરના રાણાને દેવાઈ ચુક્યો છે!” રાજ્યથી રિસાઈ ચાલ્યા જનાર દિવાનની ઈમાનદારી દેખી નવાબ રાજી થયા. ભર કચેરીમાં ઓતા ગાંધીની તારીફ કરી અને કુતિયાણામાં વગર જકાતે વેપાર કરવાની છૂટ આપી.
આવા ટેકીલા અને સત્યનિષ્ઠ ઓતા ગાંધીને છ દીકરા. તેમાં પાંચમા કરમચંદ ગાંધી. તેને હેતપ્રીતથી કબા ગાંધી કહે. આ કબા ગાંધી આપણા ગાંધીજીના પિતા. સગીર રાણા ઉંમરલાયક થતાં ઓતા ગાંધીને દિવાનપદું સંભાળવા બોલાવ્યા. પાછલી અવસ્થા પ્રભુ ભજન ગાવાની ઓતા ગાંધીની ઈચ્છા, એટલે કહેણ આભાર સાથે પાછું ઠેલ્યું. કબા ગાંધી પણ બાપ જેવા સત્યપ્રિય, પ્રામાણિક અને કુનેહબાજ હતા. રાણાએ તેમને દિવાનગીરી સોંપી.
કબા ગાંધીનાં પત્ની પૂતળીબા પણ ધર્મપરાયણ અને જાજરમાન. તેમની કુખે સંવત 1925ના ભાદરવા વદ બારસે ગાંધી બાપુનો જન્મ થયો. તે દિવસે અંગ્રેજી તારીખ બીજી ઓક્ટોબર અને 1869ની સાલ. તેમનું નામ મોહનદાસ પડ્યું. પ્રતાપી બાપ દાદાનો મોહન જગતનો મહાપુરુષ પાક્યો. એ સૌથી નાનું સંતાન એટલે લાડકોડમાં ઉછર્યો. ઘરનું વાતાવરણ ધર્મનીતિનું એટલે બાળપણથી ઊંચા સંસ્કાર જીવનમાં સિંચાયા. બાળપણથી જ ઠાવકો, ઓછાબોલો અને શાંત સ્વભાવનો એથી સૌને વહાલો. છઠ્ઠે વર્ષે મોહનને પંડ્યાની નિશાળે ભણવા બેસાડ્યો. દિવાનના દીકરાને નિશાળે બેસવાનો પ્રસંગ એટલે પૂછવું શું? પંડ્યાની નિશાળના બધા વિદ્યાર્થીઓનું સામૈયું લઇ દિવાનને ઘેર પહોંચ્યા. પંડ્યાજીને પાકું સીધું, નાળિયેર અને રૂપિયા સોની દક્ષિણા હવેલીએથી મળી. શણગારીને મોહન મા-બાપને પાય લાગ્યો. માતાએ ચાંદલો કરી આશિષ આપ્યા. મોહન ભણવા ચાલ્યો. આગળ પંડ્યાજી, ને આંગળીએ મોહન, એમ બધા હારબંધ ચાલ્યા. પંડ્યાજીએ સરસ્વતી સ્તુતિ ઉપાડી :
સરસ્વતી ઓ સરસ્વતી! તું મોરી માં
પહેર પટોળાં ઘેબર ખા
બાળ તને સૌ હેતે વંદે
સૂતાં ઊઠી વિદ્યા દે …
છોકરાંઓ ગીત ઝીલતા આવે.
પંડ્યાજીની નિશાળે કેવી? ખંડિયેરજેવું જૂનું પુરાણું ઘર. બાર પંદર છોકરાઓને પંડ્યાજી ભણાવે. દિવાનનો દીકરો સૌ સાથે ભણવા લાગ્યો. પંડ્યાજી મોહનને પોતા પાસે હેતથી બેસાડે. આંક અક્ષર શીખવે. પણ આ મોહન એ ધૂળી નિશાળમાં માંડ વરસેક ‘દિ ગયો હશે ત્યાં કબા ગાંધીને રાજકોટ જવાનું થયું.
કબા ગાંધીના મોહને તો જગતને મોહિની લગાડી. પોરબંદરના પાદરે આ મહાન માનવના જીવનનું ઘડતર શરૂ થયું. આપણા સહુના પ્યારા અને જગ આખાના વંદનીય બાપુનું જન્મસ્થાન તે પોરબંદર. ભારત એટલે ગાંધીનો દેશ એમ જગતના બાળકો ભૂગોળમાં ભાવથી જાણે, અને એવું જ પોરબંદરનું છે. જગતનો સૌથી મહાન પુરુષ ક્યાં જન્મ્યો? તો કહેશે પોરબંદરમાં. ભારત આવતા દેશ વિદેશના લોકો ગાંધી જ્યાં જન્મ્યો એ સ્થાન જોવાનું ન ચુકે. ગાંધી જીવનના યાત્રાધામોમાં પોરબંદરનું સ્થાન મોખરે રહે. જે ભૂમિમાં ગાંધી પ્રગટ્યો તે ભૂમિનો પ્રતાપ કઇં જેવો તેવો ગણાય?
ગાંધી કુટુંબની હવેલીમાં બાપુનું બાળપણ પાંગર્યું. એ હવેલીની યાત્રાએ સહુ આવે જ ને? એ હવેલીની જોડાજોડ પોરબંદરના એક ગાંધીજીવનના પ્રેમીએ કીર્તિ મંદિર બંધાવ્યું છે. કીર્તિમંદિર ખરેખર એક અદ્દભુત ઇમારત છે. પણ તેની શોભા તો એમાં ગાંધી જીવનને કંડાર્યું છે તેમાં ભરી છે. છેક બાપુના બાળપણથી તે બાપુના દેહાંત સુધીના પ્રસંગો તેમાં અંકિત કરેલા છે. એ જોતા બાપુના જીવનના તપસ્યાના પ્રસંગો આંખ સામે આવીને ઊભા રહે. બાપુના આદેશો અને બોધવચનો હૃદયમાં કોતરાઈ જાય તેમ ત્યાં મુક્યા છે. બાપુના આશ્રમ જીવનની ઝાંખી થાય તેવી ગોઠવણ પણ કીર્તિમંદિરમાં છે. ત્યાંની સવાર-સાંજની આશ્રમની પ્રાર્થના કાયમનું આકર્ષણ બની છે. બાપુનો રઢિયાળો રેંટિયો કીર્તિમંદિરમાં સતત ફરતો રહે છે. બાપુના જીવનનો અભ્યાસ કરવા ત્યાં સરસ પુસ્તકાલય છે. તમારાં જેવા કિશોરો માટે પુસ્તકાલયમાં ખાસ વિભાગ છે.
બાપુના જન્મદિન અને નિર્વાણ દિને મોટો પ્રાર્થના સમારંભ કીર્તિમંદિરમાં યોજાય છે. આ પ્રાર્થના તો આકાશવાણી મારફતે દુનિયા આખી સાંભળી શકે તેવી ગોઠવણ પણ કરવામાં આવે છે.
કીર્તિમંદિરના યાત્રીને આકર્ષે એવા બે સ્થળો પોરબંદરમાં છે. કીર્તિમંદિરની પ્રેરણાથી જ આ બે સ્થળો બંધાયા છે. આ સ્થાનો, તે ભારત દર્શન. દેશના સર્વધર્મો અને ધર્મના સંત મહંતોના જીવન આલેખાયાં છે. તેમની પ્રતિમાઓ પણ ધ્યાન ખેંચે તેવી કલાત્મક છે. ભારત દર્શન જોતાં સાર રૂપ વિશ્વધર્મનો બોધ થાય તેવી પ્રેરણા મળે છે. આકાશદર્શનના રસિયા તો તારામંડળ જોતાં રાજી થઇ જાય તેવું છે. અફાટ આકાશ આંખ સામે આવી ઊભો રહે છે. તારા અને ગ્રહોનું ભ્રમણ જોતાં ભૂગોળ ઝટ સમજાઈ જાય તેવું છે.
તમે દેશના યાત્રાધામો જોવા નીકળો ત્યારે આ મહાન યાત્રાધામ જોવાનું રખે ચૂકતા.
*
- રાષ્ટ્રીયશાળા – રાજકોટ :
અમસ્તુ ય રાજકોટ ઘણી વાતે જાણીતું. સૌરાષ્ટ્ર રાજ્યનું પાટનગર હતું એથી પણ જાણીતું હતું. સૌરાષ્ટ્રની ઘણી પ્રવૃત્તિઓનું ધામ ગણાય. આપણા ગાંધી બાપુનું બાળપણ રાજકોટમાં ઘડાયું એથી તો એની મહત્તા વિશેષ.
બાપુના પિતા ક.બા. ગાંધી રાજકોટના દિવાન પદે નિમાયા એટલે ગાંધી કુટુંબ પોરબંદરથી રાજકોટ આવ્યું. વાંકાનેરના રાજ સાહેબને પણ કાબેલ દિવાનની જરૂર પડી એથી વચ્ચે વાંકાનેરનું દિવાન પદ ક.બા. ગાંધીએ સંભાળ્યું. પણ રાજ સાહેબ તરંગી અને મનસ્વી એટલે ત્યાં ન ફાવ્યું. ફરી રાજકોટની દિવાનગીરી સંભાળી લીધી.
પોરબંદરની ધૂળી નિશાળમાં આપણા મોહનનું ભણતર શરૂ થયું ખરું પણ એમાં કઇં ઝાઝું આગળ વધ્યું નહીં. રાજકોટ આવીને સાતમે વર્ષે રીતસર ભણવાનું શરૂ થયું. રાજકોટની તાલુકા સ્કૂલમાં દાખલ થયો. એ સ્કૂલ કિશોરસિંહજી તાલુકા સ્કૂલ તરીકે જાણીતી. આ સ્કૂલની બીજી એક શાખા બ્રાન્ચ સ્કૂલ તરીકે ઓળખાય. એ ઘરની નજદીક આવેલી એટલે નાના મોહને બે વર્ષ એ બ્રાન્ચમાં અભ્યાસ કર્યો. ત્રીજા ધોરણથી કિશોરસિંહજી તાલુકા સ્કૂલમાં દાખલ થયો. આ તારીખ કિશોરસિંહજી સ્કૂલમાં મહિમાવંતો દિન ગણાય છે. ગાંધી બાપુએ પ્રાથમિક શિક્ષણ આ શાળામાં લીધું તેથી આ શાળાનું નામ ઇતિહાસના પાને ચડ્યું. આ સ્કૂલમાં બાપુ ભણતા ત્યારે પાંચ ધોરણો હતા અને 186 વિદ્યાર્થીઓ ભણતા. તે વખતે શિક્ષકોને પગાર ત્રણ રૂપિયા અને મુખ્ય શિક્ષકને પંદર રૂપિયા હતો. આજે કિશોરસિંહજી સ્કૂલમાં સાત ધોરણ છે. 59 જેટલા વર્ગો અને 2,400 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે. શાળામાં વધારે ઓરડા બંધાયા હોવા છતાં સંકડાશને કારણે બે પાળીમાં શાળા ચાલે છે. શિક્ષકને પોણા બસો જેટલો અને મુખ્ય શિક્ષકને ત્રણ સો ઉપર પગાર મળે છે. નવ દાયકા જેટલા સમયમાં આ ફેરફાર થયેલા આપણે જોઈ શકીએ છીએ.
હજારો વર્ષ પછી ગાંધી જેવો મહા પુરુષ જગતે જોયો. આ મહા પુરુષ જ્યાં ભણ્યો એ નિશાળો તો ગૌરવ લે જ ને? એ નિશાળોમાં આજે ભણતો વિદ્યાર્થી પણ હું ગાંધીવાળી નિશાળમાં ભણું છું એમ છાતી કાઢીને જરૂર કહી શકે. કિશોરસિંહજી સ્કૂલમાં ચોથું ધોરણ પૂરું કરીને બાપુ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં દાખલ થયા. 1લી ડિસેમ્બર 1880નો નોંધપાત્ર દિવસ હાઇસ્કૂલના દફતરે અંકિત થયો. સાત સાત વર્ષ જેટલો કાળ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ગાંધીજી ભણ્યા એ શાળા માટે ગૌરવની વાત ગણાય. હાઇ સ્કૂલના ઇતિહાસમાં એ સમયનું ભારે મહત્ત્વ ગણાય છે.
બાપુની વિદ્યાર્થી અવસ્થાની કેટલીક પ્રેરક વાતો છે. હાઈસ્કૂલનું પહેલું ધોરણ તે વખતે પહેલી અંગ્રેજી કહેવાતું. તેના નિરીક્ષણ પ્રસંગની એક વાત તમને કહું. ઈન્સ્પેક્ટરે મોહનના વર્ગના વિદ્યાર્થીઓને પાંચ શબ્દોનું શ્રુતલેખન લખાવ્યું. તેમાં એક શબ્દની જોડણી મોહને ખોટી કરેલી. માસ્તરની નજર મોહનની પાટી પર પડી. પગની અણી મોહનના પગને અડકાડી પાસેના વિદ્યાર્થીની પાટીમાં જોઈ જોડણી સુધારી લેવા માસ્તરે ઈશારો કર્યો. પણ સત્યવાદી જેનું નામ, એ મોહન આમ કોપી કરે કે? આપણા મોહનને દાદા અને માતા પિતાનો સાચનો વારસો મળેલો. માસ્તર આમ જૂઠાણું શીખવે એમ તેનું મન માને જ નહીં ને? મોહનની જોડણી ખોટી પડી. ‘આ તો સાવ બાઘો જ છે ને?’ એમ કહી માસ્તરે ટોણો માર્યો. પણ ખોટું કરવાની પોતાને લાલચ ન થઈ એનો મોહનને તો સંતોષ હતો. જગતને સત્યના પાઠ ભણાવનાર આપણા બાપુ સાચા વિદ્યા-અર્થી હતા.
સાથે ભણતા વિદ્યાર્થીઓમાં પણ મોહનની છાપ સારપણાની. ન કોઈ સાથે લડે કે ઝઘડે. નિશાળના નિયમો બરાબર પાળે. ભણે પણ ચિત્ત દઈને. વર્તનમાં સારપ અને દિલની સચ્ચાઈથી શિક્ષકોના મન પણ જીતી લીધેલાં. સ્વભાવની અમીરાતથી કુટુંબમાં સૌનું પણ તેમના પર અપાર હેત. તેની પિતૃભક્તિ પણ અનુકરણીય. ક.બા. ગાંધી લાંબી માંદગીથી પથારીવશ હતા. તેમની સારસંભાળ અને માવજત રાતો જાગીને મોહન જ કરે. નિશાળના પાઠ પડે તો પણ પાડવા દઈને પણ પિતાની સેવામાં મોહન ચૂક ન કરે. ખંત અને ચીવટથી કેટલાક વિષયમાં શિષ્યવૃત્તિ પણ મેળવેલ.
રાજકોટમાં બાપુનાં વિદ્યા સ્થાનોનો મહિમા મોટો. વિદ્યાર્થી જગતની એ તરફ નજર. બાપુના આદર્શો વિદ્યાર્થીની દૃષ્ટિ સામે રહે એવી વ્યવસ્થા આ સંસ્થાઓએ કરી છે. ‘ગાંધી સ્મૃતિ ખંડ’ આ બંને શાળાઓમાં છે. બાપુના જીવનકાર્યનું દર્શન થાય તેવી તસવીરો અને આલેખો ત્યાં મુક્યા છે. પ્રાર્થના, કાંતણ જેવા બાપુના પ્રિય એવા કાર્યક્રમો આ ખંડમાં થાય છે. વિદ્યાર્થી સામે બાપુનું જીવન પ્રત્યક્ષ થાય એવા કાર્યક્રમો યોજાય છે. બાપુની શાળામાં ભણતો વિદ્યાર્થી જૂઠું ન બોલે. આ વિદ્યાર્થી ગંદી ટેવ ન રાખે. આ વિદ્યાર્થી સૌમાં ભાત પાડે એવો હોય. આવી વાતો શાળાના આચાર્યો પ્રાર્થનામાં કહે છે.
પરદેશી રાજતંત્રનો 1921માં બાપુએ અસહકાર પોકાર્યો. આખા દેશમાં નવચેતન આવ્યું. કાર્યકરોએ ધારાસભા છોડી. વકીલોએ વકીલાત તજી. વિદ્યાર્થીઓએ શાળા કોલેજો મૂકી. વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય શાળાઓ સ્થપાઈ, રાજકોટમાં પણ રાષ્ટ્રીય શાળા સ્થપાઈ.
રાજકોટની આ રાષ્ટ્રીય શાળા બાપુની તપોભૂમિ બની છે. બાપુની રચનાત્મક પ્રવૃત્તિઓનું સૌરાષ્ટ્રનું એ પ્રેરણા સ્થાન છે. રાજકોટના પ્રજાપ્રિય રાજવી લાખાજીરાજના કુંવર નબળા નીવડયા. રાજતંત્ર ઉપર પકડ જમાવી બેઠા દિવાન વીરાવાળા. વીરાવાળા અભિમાની અને આપખુદ. લાખાજીરાજે પ્રજાને આપેલા અધિકારોમાં તેણે અંતરાય મુક્યો. આથી આગેવાનોએ લોક લડત ઉપાડી. ઢેબરભાઈ જેવા જાણીતા આગેવાનોને જેલ ભેગા કર્યા. વીરાવાળાએ લડત દાબી દેવા દમન અને ત્રાસ ચલાવ્યા. બહેન દીકરીઓના શાંત સરઘસ ઉપર લાઠીઓ વીંઝી, લડતે ગંભીર રૂપ પકડ્યું. સરદાર વચ્ચે પડયા પણ તેમની કારી પણ ન ફાવી. વાત બાપુ પાસે પહોંચી. નબળી તબિયત, પણ બાપુ સેવાગ્રામથી રાજકોટ આવ્યા. તેમના આવ્યા પછી સમાધાન તો થયું, પણ વીરાવાળાએ તેને ફોક કર્યું. આથી બાપુએ રાજવીના હૃદય પરિવર્તન માટે ઉપવાસ શરૂ કર્યા. દેશ આખામાં આથી હાહાકાર વ્યાપ્યો, વાઇસરોય સુધી વાત પહોંચી. પ્રજાની માગણીઓની વાત વડી અદાલતના ન્યાયાધીશને વાઇસરૉયે સોંપી. તેમનો ચુકાદો લોકોની તરફેણમાં આવ્યો. બાપુના ઉપવાસ છુટ્યા. છતાં ઠાકોરનું હૃદય કુણું ન પડ્યું અને લોકોની માંગણી પૂરી ન સ્વીકારાઈ. આમ બાપુની તપશ્ચર્યા ભારે આકરી થઇ અને પ્રજાના દિલને અકારી લાગી. બાપુનું દિલ ભારે દુભાયું. બાપુની આ આકરી તપશ્ચર્યાની ઘેરી અસર દુનિયાભરની સંસ્કારી પ્રજા ઉપર થઇ.
રાજકોટ તો બાપુનું ક્રીડા સ્થાન. બાપુ ભણ્યા અને પરણ્યા પણ અહીં જ. જગત વંદનીય બન્યા તેના મૂળ પણ રાજકોટમાં નખાયા. બાપુના તેજ અને તપસ્યાના સ્થાનોને લીધે દુનિયાને સારુ રાજકોટ મોટું તીર્થસ્થાન ગણાય. બાપુનું ઘડતર કરનારી શાળાઓ અને તપોભૂમિ રાષ્ટ્રીય શાળા તર્પણનાં સ્થાનો છે. તપસ્યાનું સ્થાન એવી રાષ્ટ્રીય શાળા તો બાપુએ ચિંધ્યા એવા રચનાત્મક કાર્યોથી ધમધમી રહી છે. સારાયે સૌરાષ્ટ્રને રાષ્ટ્ર ઘડતરનો રાહ બતાવી રહી છે. ખાદી અને ગ્રામોદ્યોગની પ્રવૃત્તિઓ આખા સૌરાષ્ટ્રમાં રાષ્ટ્રીય શાળાએ ચાલતી કરી છે. દરિદ્રનારાયણની સેવાનો યજ્ઞ અહીં સતત ચાલી રહ્યો છે. આ યજ્ઞના પ્રેરક એવા નારાયણદાસકાકાની સાધના ચેપી છે. એમની પ્રેરણાથી જન્મેલી સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિએ ખાદી ક્ષેત્રની વિજય પતાકા લહેરાવી છે. રાજકોટના યાત્રીઓને બાપુના કાર્યોનું દર્શન અહીં થાય છે. ક.બા. ગાંધીના ડેલામાં બાપુનું બાળપણ ઘડાયું પણ આ સ્થાનમાં બાપુના જીવન કાર્યોનું પ્રદર્શન રચાતાં યાત્રીઓને બાપુના જીવનની ઝાંખી થશે અને યાત્રાનો સંતોષ આપશે.
**
- સત્યાગ્રહ આશ્રમ :
બાપુ દક્ષિણ આફ્રિકા ગયેલા તો એક વકીલ તરીકે. ત્યાં વસતા હિંદીઓને થતા અન્યાયથી તેમનું દિલ કકળી ઉઠ્યું, ને ધંધાધારી વકીલાત કોરે મૂકીને જનતાના વકીલ બન્યા. અન્યાયી રાજતંત્ર સામે અહિંસક લડતનો મોરચો માંડ્યો. કાનૂનભંગ અને સત્યાગ્રહ કરી સેંકડો સાથીઓ સાથે જેલ ભોગવી, અપમાનો ગળ્યાં અને અનેક સંકટો વેઠ્યાં, પણ ન્યાયની ઝંડી અણનમ રાખી. સત્ય અને અહિંસામાં ઈતબાર રાખતા અનેક પરદેશી સાથીઓ તેમની સાથે રહેતા. એ બધા સાથે રહી આશ્રમ જીવન ગાળતા અને લોક લડત ચલાવતા.
આખરે સત્યનો વિજય થયો અને વિજય માળા પહેરી બધું સમેટી આફ્રિકાથી ભારત આવ્યા. પચીસ વર્ષ જેટલો સમય ત્યાંના લોકોની સેવા કરી. તેમનાં સેવા કાર્યોની છાપ ભારતના તે વખતના આગેવાનો પર પણ પડી. એ બધા ખૂબ પ્રભાવિત થયેલા. હવે તેઓ ભારતમાં રહે અને દેશનું સુકાન સંભાળે એવો સૌનો આગ્રહ હતો. લાંબો સમય વિદેશમાં વસતા ભાઈ બહેનોની સેવા કરી. હવે દેશના હાલ હવાલ જોવા કાશ્મીરથી કન્યાકુમારી સુધી તેઓ ઘૂમી વળ્યા. દેશની દશા જોઈ તેમના દિલને ભારે ચોટ લાગી. ગરીબી અને અજ્ઞાન, આળસ અને ગંદકી, ભય અને ભીરુતા બધે જોયાં. તેમના જીવને ભારે અસુખ રહ્યા કરે. આ દેશને બેઠો કેમ કરવો? એનું હૃદયમાં મંથન ચાલ્યા કરે. આફ્રિકાના તેમના આશ્રમના સાથીઓમાંના પણ ઘણા તેમની સાથે ભારત આવ્યા. દેશની જુદી જુદી સંસ્થાઓમાં રહીને તેઓ કામ કરવા લાગ્યા. આ બધાની સાથે રહીને આશ્રમ સ્થાપવાનો તેમણે વિચાર કર્યો. આશ્રમ મારફતે દેશની સેવા કરવાનો સૌએ સંકલ્પ કર્યો.
અમદાવાદ આપણા રાજ્યનું પાટનગર. ઉદ્યોગો અને પ્રવૃત્તિઓથી ધમધમતું. આ નગરનો પ્રભાવ અને પ્રતાપ તો વધ્યો એ બાપુએ ત્યાં આશ્રમ સ્થાપ્યો તેના થકી. 1915ના મેની 25મીએ આશ્રમની સ્થાપના થઇ. કોચરબમાં એક સ્નેહીનું મકાન ભાડે રાખી ત્યાં શરૂઆત કરી. સત્ય અને અહિંસા, જાત મહેનત અને શરીર શ્રમ, સર્વધર્મ પર ભાવ અને અસ્પૃશ્યતા નિવારણ એવાં કઠોર વ્રત પાળે તે આશ્રમ વાસી થઈ શકે.
આશ્રમવાસીઓના વ્રતની કસોટીનો પ્રસંગ આવ્યો. એક હરિજન કુટુંબ આશ્રમમાં રહેવા આવ્યું, તેને બાપુએ આવકાર્યા. આથી કુટુંબીઓ પણ આશ્રમ છોડી ગયાં. હરિજન પ્રવેશથી આશ્રમને ધનની મદદ કરનારે પણ તે બંધ કરી, પણ બાપુ વ્રતપાલનથી કઇં ચળે? હરિજનવાસમાં મજૂરી કરી ત્યાં રહી આશ્રમ ચલાવવાનો બાપુનો અડગ નિર્ધાર. સાચના સંકલ્પને ઈશ્વર કઇં ભૂલે છે? બાપુની તપસ્યા અને સેવાથી આશ્રમને મદદ દેવા અજાણ્યા અને અણધાર્યા અનેક આવી ચડતા. આશ્રમના કામ અને વિસ્તાર વધતાં ગયાં. પછી સાબરમતીના તીરે વિશાળ જમીન મેળવી આશ્રમ ત્યાં ગયું. આશ્રમ પરિવાર પણ વધ્યો. સેવાની લાગણીથી અનેક ભડ એવાં ભાઈ બહેનો જોડાયાં. આશ્રમ મારફતે દેશ આખાના કામ ગોઠવાતા ગયા. સવારના ચારથી રાતના 10 સુધી ઘડિયાળના કાંટે આશ્રમની પ્રવૃત્તિઓ ચાલે. દોઢસો બસો પરિવારો એક જીવ જેમ રહે. બાળકો અને બહેનો, પ્રાંતના અને પર પ્રાંતના, દેશી અને પરદેશી એવાં સેવાધારી આશ્રમમાં મહેનત કરીને રહે. વિદ્યાલય અને ઉદ્યોગમંદિર, ગૌશાળા અને ખેતીકામ, રસોડું અને કોઠાર એ બધું સૌ સાથે મળીને ચલાવે. જાજરૂ સફાઈથી માંડીને આશ્રમ સમાજના તમામ કામો ભેળાં મળીને કરે. આશ્રમ જાણે જીવન ઘડતરની મહાશાળા! બાપુની જીવન સાધના અને તપનું તેજ ઝીલતાં આશ્રમવાસીઓ જીવન ઘડે.
સત્યાગ્રહ આશ્રમ બાપુની મહાન તપોભૂમિ છે. બાપુનાં જીવન કાર્યોનો પ્રકાશ દુનિયા ભરમાં અહીંથી ફેલાયો છે. જગતને નવો રાહ અને જીવનમાં નવી દૃષ્ટિ સત્યાગ્રહ આશ્રમથી સાંપડ્યાં છે. બાપુનો સત્યાગ્રહ આશ્રમ દુનિયા આખીમાં જાણીતો થયો છે. બાપુનું જીવન જ જગતને સારુ સંદેશ છે. આ સંદેશો જગતને સાબરમતીના તીરેથી સાંપડ્યો છે. બાપુના તેજ કિરણો સાબરમતીથી પ્રગટ્યા છે.
ભારતની સ્વાધીનતાની લડતો તો જાણીતી છે. એ લડતોમાં 1930ની માર્ચની દાંડીકૂચનું આગવું મહત્ત્વ છે. આઝાદી માટેની બ્રિટિશરો સામેની એ મહાન લડત. બાપુએ એને આખરી ફેંસલાની લડત કહી હતી. એનું ઐતિહાસિક મહત્ત્વ બહુ મોટું છે. બાપુ માટે એ પવિત્ર તીર્થની યાત્રા હતી. સમાજના સૌથી ગરીબ એવાની હાલત તરફ સરકારનું ધ્યાન ખેંચવા માટે આ લડત હતી. બાપુએ કહ્યું, “આઝાદીની લડત ગરીબો માટે જ લડાય છે. તેથી જ નિમક પકવવાથી એનો આરંભ થાય છે.” આ લડતમાં લાખો લોકો જોડાશે એવી એમને શ્રદ્ધા હતી. અને બન્યું પણ એમ જ. સત્ય અને અહિંસામાં શ્રદ્ધા વાળા 79 કસાયેલા સાથીઓ સાથે એમણે કૂચ કરી. સરકારને થયું, “ભલેને ગાંધી ઉપડ્યો, ચપટી મીઠું પકવશે એમાં તે શું થઇ જવાનું?” 241 માઈલની આ કૂચ. રસ્તે આવતા ગામોમાં હજારોની મેદની બાપુનો સંદેશો ઝીલવા ભેગી થાય. 24 દિવસની આ પદયાત્રાએ તો દેશ આખામાં ચેતનાની આગ ફેલાવી. 4થી મેની અર્ધી રાતે બીતાં બીતાં સરકારે બાપુની ધરપકડ કરી.
આવી પવિત્ર લડતોમાં હજારો શહીદોએ બાપુની આગેવાની હેઠળ બલિદાનો આપ્યા છે. એ ત્યાગ અને બલિદાન વડે બાપુએ આઝાદી આણી આપી.
આ તપોભૂમિ સત્યાગ્રહ આશ્રમને બાપુએ હરિજન સેવાનું ધામ બનાવ્યું. આજે તે હરિજન આશ્રમ કહેવાય છે. બાપુના જીવનનું પુનિત દર્શન અહીં આપણે કરી શકીએ છીએ. બાપુના કાર્યોની ઝાંખી ગાંધી સંગ્રહાલયથી થાય છે. પાટનગરમાં બીજે પણ અનેક બાપુની પવિત્ર યાદ અપાવે તેવી સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ છે. ભારત આવતો દુનિયાનો દરેક પ્રવાસી ભક્તિભાવથી આશ્રમમાં આવી બાપુના સ્મારકો નિહાળી ધન્યતા અનુભવે છે.
***
- સ્વરાજ આશ્રમ બારડોલી :
સુરત જિલ્લાનું એ જાણીતું ગામ બારડોલી. ઇતિહાસની આરસીમાં આ નામ મોટા અક્ષરે આપણે જોઈશું. 1928ની સાલે બારડોલીની પ્રજાએ પરદેશી સરકારને હંફાવી. એ વખતે આપણા દેશમાં અંગ્રેજોનું રાજ ચાલતું. મુંબઈ ઈલાકાની સરકાર અને બારડોલી સુરતના કલેકટરની હકુમતમાં. ખેડૂતો પાસેથી લેવાતા મહેસૂલમાં મુંબઈ સરકારે મન ફાવતો વધારો કર્યો. ખેડૂતોને આ વધારો અન્યાયકર્તા લાગ્યો. આ ભાગના ખેડૂતો જાગૃત. આ અન્યાય સાંખી ન લેવો એવો એમણે નિર્ધાર કર્યો. સરદાર વલ્લભભાઈની તેમણે સલાહ લીધી. સરદારે તેમની હિંમત માપી લીધી. લડી લેવાના તેમના સંકલ્પને સરદારે વધાવ્યો. લડતની આગેવાની લેવાની ખેડૂતોએ સરદારને વિનંતી કરી. સરદારે તે સ્વીકારી.
સરદારે આ મહેસૂલ વધારો પાછો ખેંચવા માટે ગવર્નરને પત્ર લખ્યો. સરદારની શીખ અને વિનવણી પરદેશી ગવર્નર ઘોળીને પી ગયા. અંગ્રેજ ગવર્નર પોતાની સત્તા પર મુસ્તાક. એને લોક લાગણી આમ ક્યાંથી સમજાય? પછી તો ગાંધીએ ઘડેલા અને પ્રજાએ પ્રીછેલા એવા સરદારનો પરચો ગવર્નરને જોવા મળ્યો.
લોકોને સરદારે સાબદા કર્યા. પ્રજાને નાણી જોવા સરદારે તીખી વાતો કહી. લોકોમાં સરદારે ઘુમવા માંડ્યું. સરદારની વીર હાકે લોકો જાગી ગયા. તેઓ કહે, “આ કઇં કાચા પોચાનું કામ નથી, સત્તાધારી સરકાર સામે લડવાનું છે. જાન-માલ, ધન-દોલત બધું સરકાર આંચકી લેશે. ઘર ખોરડાં અને ઘર વખરી જપ્ત કરશે, ગાય બળદ અને ભેંશ જેવી ઘર સંપતનું લીલામ કરશે. આ બધું જેને મંજૂર હોય એ આ લડાઈમાં જોડાય. સરકાર પાસે મોટી સત્તા છે. બંદૂક-તોપ સામે મંડાશે. જેલમાં પૂરીને ગોળીએ દેશે. છો તૈયાર? ખરાખરીનો ખેલ છે. ભીરુ થઈને ભાગશો તો નામોશી વહોરશો. સરકાર લૂંટી લેશે તેથી પસ્તાશો તો પત ખોશો. ત્યાગ અને ભોગ આપવાની હામ હોય તો લડત આપીએ.” સરદારના વેણ લોકોના દિલ સોંસરાં ઊતરી ગયાં. આખા બારડોલી તાલુકાની પ્રજા અન્યાય સામે લડવા થનગની રહી. લોકોની હિંમત દેખીને સરદારની છાતી પણ ઉછળવા લાગી.
સરકારે મહેસૂલ વધારી અન્યાયી પગલું ભરેલું. ખેડૂતો નીમેલા દરથી મહેસૂલ ભરતા જ હતા. માત્ર વધારા સામે વાંધો હતો. વધારાનું કોઈ વાજબી કારણ નહોતું. વધારાનું વાજબીપણું તપાસીને ફેર વિચાર કરવા સમિતિ નીમવાની માત્ર માંગણી હતી. ઘમંડી ગવર્નરે તે પણ નકારી. એટલે હવે સત્યાગ્રહની લડત સિવાય બીજો કોઈ માર્ગ નહોતો. વલ્લભભાઈ જેવા ભડ સરદારી સંભાળે પછી પૂછવું જ શું? ગુજરાત ભરમાંથી કાર્યકર્તાઓ લડતમાં જોડાવા આવ્યા. આફ્રિકા જેટલે દૂર વસતા સુરત જિલ્લાના પાટીદારો સત્યાગ્રહ કરવા આવી પહોંચ્યા. લડતનું તંત્ર ગોઠવાયું. છાવણીઓ ઊભી થઈ. રવિશંકરદાદા, ડૉ. સુમંત મહેતા, દરબાર સાહેબ, કલ્યાણજી કાકા જેવા લોકોના માનીતા આગેવાનોએ છાવણીઓ સંભાળી.
સત્યાગ્રહની લડતના મંડાણ થયાં. સરકારે ધરપકડ શરૂ કરી. પહેલાં જ રવિશંકર મહારાજ જેવા સંતને પકડ્યા. બાપુને જાણ થતા તેમણે લખ્યું, “આવા પવિત્ર બ્રાહ્મણનું બલિદાન સત્યાગ્રહમાં સૌ પહેલા અપાયું છે તેથી વિજય ચોક્કસ છે.” વલ્લભભાઈ દેશનેતા તો હતા જ. પણ સરદારનું બિરુદ તો બારડોલી સત્યાગ્રહે તેમને આપ્યું. તેમનાં તાતા તીર જેવાં ભાષણોથી લોકો જોશ-જોમથી ઉભરાવા લાગ્યા. જનતાને તેમની જબાને નિર્ભય બનાવી. ઘર-બાર, ઢોર-ઢાંખર, રાચરચીલું ને માલ મિલકત લોકોએ હસતે મુખે જપ્ત થવા દીધાં. બહેનોની જાગૃતિ તો ભાઈઓ કરતાં ય વધી જાય તેવી હતી. મીઠુબહેન પિટીટ, મણિબહેન પટેલ, ભક્તિબા દેસાઈ જેવી વીરાંગનાઓ રાત દિવસ બહેનો વચ્ચે ઘુમવા લાગી.
સત્યાગ્રહનો રંગ ખરેખર જામ્યો. ન ઉશ્કેરાટ, ન કોઈ તોફાન. સંપૂર્ણ અહિંસક અને શિસ્તબદ્ધ લડત ચાલી. લોકોની તાકાત જોઈ સરકાર હતાશ થઇ. તોપ-બંદૂકો અને લશ્કર લાવવાની ધમકી આપી. લોકોને કોઈની ય બીક ન હતી. લોકો મરી ફીટવા તૈયાર હતા. સમગ્ર દેશમાં બારડોલી સત્યાગ્રહનો ડંકો વાગ્યો. દેશનો લોકમત બારડોલીને પડખે ઊભો. સત્યાગ્રહનું વડું મથક બારડોલીમાં. સરદાર અને આગેવાનો આ છાવણીમાં બેસીને દોરવણી આપતા. સત્યાગ્રહની લડત સ્વરાજ માટે હતી એટલે છાવણીનું નામ સ્વરાજ આશ્રમ પડ્યું.
પૂ. બાપુ સત્યાગ્રહ આશ્રમમાં બેઠા બેઠા પણ સત્યાગ્રહની લડતને પ્રેરણા આપી રહ્યા હતા. સરદારને તેમણે લખ્યું, “હું તમારા ગજવામાં છું. જરૂર પડે ત્યારે બોલાવજો.” સરદારને લોકોની તાકાત અને અડગ નિશ્ચયમાં વિશ્વાસ હતો. બાપુની પ્રેરણા બસ હતી. બાપુને સંગ્રામમાં ઉતારવાની જરૂર તેમને ન લાગી. અને થયું પણ એમ જ. સરકારના બધા પાસા અવળા પડ્યા. દમનનો દોર ન ફાવ્યો. આખરે સરકારને નમતું આપવું પડ્યું. સરદાર સાથે સમાધાન કરવું પડ્યું. મહેસૂલ વધારવાની બાબત તપસવા પાંચ નીમવું પડ્યું.
સત્યાગ્રહથી લોકોની તાકાત અનેક ગણી વધી. દક્ષિણ ગુજરાતમાં લોકજાગૃતિના પૂર આવ્યાં. આથી અહિંસામાં લોકોની શ્રદ્ધા વધી. બારડોલી સત્યાગ્રહથી સ્વરાજ માટેનાં થાણાં ઠેર ઠેર સ્થપાયાં. બારડોલી સ્વરાજ આશ્રમ લોક સેવાની પ્રવૃત્તિઓથી ગાજવા લાગ્યું. દેશની ગરીબાઈ અને આળસ, અજ્ઞાન અને પ્રમાદ, ભય અને ભીરુતા આશ્રમે ટાળવા માંડ્યાં. સરદારની પ્રેરણાથી આખા જિલ્લામાં સેવાના કેન્દ્રો સ્થપાયાં. આમ ગુજરાતને સત્યાગ્રહના પાઠ ભણાવનાર બારડોલીની ભૂમિ તીર્થ સમી ગણાય. બાપુના તપ અને તેજધારાનું સિંચન બારડોલીની ભૂમિમાં સત્યાગ્રહે કર્યું. એને પ્રતાપે બારડોલી દેશનું એક તીર્થધામ બન્યું છે. ખેતીમાં અને ઉદ્યોગમાં, કેળવણીમાં અને સંસ્કારમાં ગ્રામ પ્રજા આગળ વધે તેવાં કામો સ્વરાજ આશ્રમમાં ચાલે છે. ગુજરાતનાં ગાંધી યાત્રાધામોમાં બારડોલી સ્વરાજ આશ્રમનું સ્થાન ગણના પાત્ર છે.
****
- તીર્થભૂમિ દાંડી :
1930નો એ યાદગાર દિન : 26મી જાન્યુઆરી. દેશની રાષ્ટ્રીય કાઁગ્રેસે પૂર્ણ સ્વરાજનો સંકલ્પ કર્યો. લાહોરમાં રાવી નદીના તટે પ્રજાએ પૂર્ણ સ્વરાજ હાંસલ કરવું એવી પ્રતિજ્ઞા લીધી.
આ સંકલ્પ પાર પાડવા માટે સવિનય કાનૂનભંગ એ જ એક માર્ગ દેશના મનમાં વસ્યો. આવો જોખમી રાહ લેવો એ કોઈ મામૂલી બાબત નહોતી. આવી મહાન લડતનો અધિકાર તે કોને સોંપાય? અહિંસાને જે ધર્મ રૂપ માને અને જેના આચારમાં એનું બળ હોય તેવા હાથોમાં જ આ પવિત્ર કાર્ય મુકાય. આવા અધિકારી તો માત્ર બાપુ જ હતા ને? સાચને રસ્તે કાનૂનભંગ કેવી રીતે કરવો એ એકલા બાપુ જ બતાવી શકે તેમ હતું. દેશની રાષ્ટ્રીય સંસ્થાએ ઠરાવ કરી માર્ગ બતાવવાનું બાપુને સોંપ્યું.
બાપુ દેશની નાડ બરાબર જાણતા હતા. દેશની ગરીબી બાપુએ દેશ ભરમાં ઘૂમીને જોયેલી હતી. લડત વિષે બાપુએ ખૂબ ઊંડાણથી વિચાર્યું. દેશમાં ગરીબમાં ગરીબની આ લડત બને એવી તેમની ખેવના હતી. પરદેશી સરકારે આકરા વેરા પ્રજા પર લાદેલા. તેમાં ય મીઠા પરનો કર તો ભારે જુલમ જેવો. ભારતનો વિશાળ એવો દરિયા કાંઠો. ત્યાં ઢગલા મોઢે મીઠું પાકે. લોકો દસ પાઈના ખર્ચે મણ મીઠું પકવી લે. સરકારે તે પર 20 આના કર નાખેલા. 24 ગણો કર નાખી મીઠાના ઉદ્યોગને કચડી નાખ્યો. વિલાયતના લીવરપૂલ બંદરેથી વહાણો મીઠું ભરી ભારતમાં લાવે. પોતાના દેશનું મીઠું ભારતના ગરીબોને મોંઘી કિંમતે વેંચે. પરદેશી સરકારની આ ચાલ બાપુ જાણે. ગરીબ પ્રજા મરી મસાલા ક્યાંથી કાઢે? રાબ રોટલામાં ચપટી મીઠું નાખી પેટ ભરે. આ રાબ રોટલાને ય આમ કરીને મોંઘાં કર્યા. હવા પાણી પછી મીઠું એ સૌની જીવન જરૂરિયાત ગણાય. ઘર આંગણે પાકતું મીઠું પ્રજા ન મેળવી શકે એવી આ સરકારની તરકીબ. એટલે મીઠાનો આ કાયદો તોડવાનો બાપુએ આદેશ આપ્યો. દેશનેતાઓને પણ આ વાત ગળે ઉતરી.
1930ની બીજી માર્ચે બાપુએ વાઇસરોયને પત્ર લખ્યો. તેમાં લખ્યું, “દેશ ચુસાયા કરે છે. રાંકડી પ્રજા ભિખારી બની છે. રાજકીય રીતે ગુલામી વેઠે છે. હથિયારો આંચકી લઈને પ્રજાને કાયર બનાવી છે. સંસ્કૃતિના પાયા હચમચાવી મુક્યા છે. કરવેરા અને દબાણથી દેશ આખો એક કેદખાનું બની ગયો છે. આ દેશની પ્રજા માટે આ રાજ્ય એક બલા છે. આ દેશની ગરીબ પ્રજા પરનો મીઠા વેરો કાઢ્યે જ છૂટકો છે. રદ્દ ન થાય તો તેનો ભંગ કરવો જ રહ્યો.” આ પત્રના જવાબની 6ઠ્ઠી સુધી રાહ જોઈ જાહેર વર્તમાન પત્રોને છાપવા આપ્યો. દેશના ખૂણે ખૂણે બાપુનો આદેશ પહોંચી ગયો.
11મી માર્ચની સાંજે આશ્રમમાં મોટી પ્રાર્થના સભા ભરાઈ. દસ હજાર જેટલાં ભાઈ-બહેનો પ્રાર્થનામાં ભાગ લેવા આવ્યાં. હૈયું હાથ ન રહે એવાં વેણ બાપુએ પ્રાર્થનામાં કહ્યા, “આ મારી અંતિમ પરીક્ષા છે. આખરી ફેંસલો છે. સ્વરાજ વિના હું આશ્રમનું દર્શન કરવાનો નથી. કૂતરાને મોતે મરીશ, સ્વરાજની ઝંખના કરતા રઝળી રખડી મરીશ પણ પાછો ફરવાનો નથી.” બાપુના આ આખરી વચનો સાંભળવા હજારો આવેલાં. માલિકો આવ્યા, મજૂરો પણ આવ્યા. ત્રણ મિલમાલિક કુટુંબે તો આખી રાત આશ્રમમાં ગાળી જાગરણ કર્યું.
12મીનું પ્રભાત થયું. પ્રાર્થનામાં હજારો જોડાયાં. બાપુએ સત્યાગ્રહ આશ્રમમાંથી સવારે સાડા છના ટકોરે કૂચ આરંભી. અહિંસામાં પૂરી શ્રદ્ધાવાળા 79 આશ્રમવાસીઓ બાપુની આ દાંડી યાત્રામાં જોડાયા. આ પવિત્ર યાત્રાને વિદાય આપવા હજારોની સંખ્યામાં લોકો આશ્રમમાં આવેલા. યાત્રાના માર્ગે તો જાણે માનવ મહેરામણ ઉમટ્યો. વાતાવરણમાં જોમ અને જુસ્સો, શ્રદ્ધા અને શૌર્ય ભર્યાં હતાં.
*****
6. પ્રેરણા ભૂમિ સેવાગ્રામ :
દાંડીકૂચ વેળા સાબરમતી આશ્રમથી નીકળતાં બાપુએ સંકલ્પ જાહેર કર્યો, સ્વરાજ વિના હું આશ્રમનું દર્શન કરવાનો નથી. કૂતરાને મોતે મરીશ, સ્વરાજની ઝંખના કરતા રઝળી રખડી મરીશ પણ પાછો ફરવાનો નથી.” આ નીમ બાપુએ 1930માં લીધેલું. 1933 સુધીના વચગાળામાં કેટલા ય બનાવો દેશમાં બની ગયેલા. બાપુ પકડાયા અને છૂટ્યા. ફરી જેલમાં સિધાવ્યા અને મુક્ત થયા. સ્વરાજની લડત તો દેશ આખામાં ચાલ્યા કરતી હતી. ગાંધી-ઇરવિન કરાર થતા લડત મોકૂફ રહેલી. સરકારે વિલાયતમાં ગોળમેજી પરિષદ ભરી. સ્વરાજની માંગણી વિચારવા એ મળેલી. દેશના એકના એક પ્રતિનિધિ લેખે બાપુએ તેમાં હાજરી આપી. વિલાયતના ગોરાઓને સાફ સાફ વાતો બાપુએ સંભળાવી. વિલાયતના સમજુ અને શાણા લોકોએ બાપુને ખૂબ સન્માન્યા. ભારતની ગરીબી અને ગુલામીની વાતો બાપુએ કહી. બાપુના વિવેક અને શાણપણે સૌના દિલ જીતી લીધાં. તેમ છતાં એ પરિષદમાંથી આપણું કઇં ન પાક્યું. બાપુ ખાલી હાથે પાછા ફર્યા.
મોકૂફ રાખેલો સત્યાગ્રહ ફરી શરૂ થયો. બાપુને વળી જેલ ભેગા કર્યા. બાપુના ‘નવજીવન’, ‘યંગ ઇન્ડિયા’ અને અખબારો બંધ કરાયાં. કોમી ચુકાદાના વિરોધમાં બાપુએ જેલમાં આમરણ ઉપવાસ શરૂ કર્યા. બાપુના તપના પ્રતાપે સરકારને સાન આવી. અઠવાડિયામાં તો સરકારે બાપુ સાથે કરાર કરી ચુકાદો રદ્દ કર્યો. આમ ભારે કસોટીમાંથી દેશ પાર ઉતર્યો. બાપુનો જેલવાસ અને તપશ્ચર્યા, સત્યાગ્રહ સામે સરકારની નાદાનિયત; આ પ્રમાણે સાડા ત્રણ વર્ષનું ચક્કર ચાલ્યા કર્યું. સ્વરાજ મળે ત્યાં સુધી કોઈ સ્થાને બેસીને કામ તો ચાલુ રાખવાં જ પડે. એ કામમાં બાપુ સાથે સાથીઓ પણ રહે અને દુનિયા જોડેના બાપુના કામોમાં મદદ કરે. સ્વરાજ લીધા વગર સાબરમતી આશ્રમમાં પાછા ન જવાય એવી તો પ્રતિજ્ઞા. એટલે 1933ની 1લી ઓગસ્ટે સાબરમતી આશ્રમનું વિસર્જન કર્યું.
મધ્ય પ્રદેશમાં વર્ધા નામે એક જાણીતું ગામ. જમનાલાલ બજાજ નામે એક દેશપ્રેમી સજ્જનની વર્ધામાં મોટી પેઢી. બાપુ પ્રત્યે તેમને ભારે ભક્તિ અને બાપુના કામમાં ભારે રસ. ગ્રામોદ્યોગ અને ગૌસેવા, ખાદી અને શિક્ષણ એવાં બાપુનાં કાર્યો માટે તેમણે પોતાની ઘણી મિલકત દેશને ચરણે ધરી. જમનાલાલજીની આ ભાવનાથી બાપુએ વર્ધામાં રહેવાનું રાખ્યું.
દોઢેક વર્ષ બાપુનું થાણું વર્ધામાં રહ્યું. અહીં નિવાસ ખરો પણ બાપુ તો દેશભરમાં ભ્રમણ કરતા રહે. તેમની પ્રેરણાથી વર્ધામાં ગ્રામોદ્યોગનું વડું મથક સ્થપાયું. જમનાલાલજીએ પોતાનો મોટો બાગ અને બંગલો આ સંસ્થાને ભેટ આપ્યા. મગનલાલ ગાંધી બાપુના આશ્રમના એક મોટા સેવક. સેવા કરતાં તેઓ સાબરમતી આશ્રમમાં ગુજરી ગયેલા. ખાદી ગ્રામોદ્યોગમાં તેમની મોટી સેવા. એટલે તેમના સ્મારકમાં સંઘના સ્થળનું નામ મગનવાડી રાખ્યું.
સૈકાઓ પહેલા આપણો દેશ કળા કારીગરી અને ઉદ્યોગ ધંધામાં દુનિયામાં સૌથી આગળ હતો. દુનિયાના અનેક દેશોને કાપડ પૂરું પાડતો. અંગ્રેજી રાજ્યે બધા ઉદ્યોગ ધંધા ભાંગી નાખ્યા. ધંધા ભાંગતાં દેશ બેકાર બન્યો. બેકારી અને ગરીબી તો સાથે સાથે રહે. બેકારી અને ગરીબી ટાળવાનો મોટો સવાલ દેશ સામે રહ્યો. દેશમાં પાંચ લાખ કરતાં ય વધારે ગામડાં. ગામડે ગામડે હુન્નર ઉદ્યોગ ચાલતા. ઉદ્યોગો ચાલતા થાય તો દેશ આબાદ થાય. પરદેશી સરકારને આપણા દેશની શું પડી હોય? આપણા દેશને લૂંટાય તેટલો લૂંટ્યો. એટલા માટે તો બાપુએ સ્વરાજની લડત ઉપાડેલી. દેશનું રાજ થાય તો જ લૂંટ અટકે. દેશના ધંધા ભાંગ્યા તેથી જ પરદેશી રાજ ટક્યું. આપણા ઉદ્યોગ ભાંગતા વિલાયતના ફાલ્યા ફુલ્યા. આપણે પરદેશી માલ વાપરીએ તો જ વિલાયતી ધંધા ચાલે. આપણી આ ભૂલ બાપુએ બતાવી. આપણે સ્વદેશી માલ વાપરીએ તો જ બેકારી અને ગરીબી ટળે.
આથી ચરખા સંઘ અને ગ્રામોદ્યોગ સંઘ બાપુએ સ્થાપ્યા. કુમારપ્પા નામના એક મોટા અર્થશાસ્ત્રી. દેશની બેહાલી અને ગરીબી દેખી તેમનું હૃદય રડી ઊઠ્યું. તેઓ બાપુ પાસે વર્ધા આવી બેઠા. તેમણે દેશ આખાને ખાદી ગ્રામોદ્યોગની લગની લગાડી.
વર્ધા તો મોટું ગામ. પ્રમાણમાં સુખી. બાપુની આંખ સામે તો હંમેશાં ગામડાં અને ગામડાંના ગરીબો જ રહેતા. બાપુ વર્ધાની આસપાસના ગામોએ વખતોવખત જતા. ગરીબના સુખ દુઃખ જોઈ માર્ગ બતાવતા. વિલાયતના એક અમીર બહેન સાબરમતી આશ્રમમાં રહેવા આવેલાં. મહેલના સુખ ચેન છોડી બાપુની પાસે ગરીબોની સેવા કરવા આવેલાં. મીરાંબહેન તેમનું નામ. સાબરમતી આશ્રમનું વિસર્જન થતા વર્ધા આવીને રહેલાં. વર્ધાથી પાંચ માઈલ દૂર શેગાંવ નામે નાનકડું ગામડું. સાવ ગરીબ અને રંક એવા લોકો ત્યાં રહે. મીરાંબહેન આ ગામે ઝૂંપડી બાંધી લોકો વચ્ચે રહે. રાત દિવસ લોકોની સેવા કરે. બાપુ અવારનવાર ત્યાં જાય અને લોકોને મળે. શેગાંવની ગંદકી અને ગરીબાઈ, અછત અને અજ્ઞાન, આળસ અને અણઘડપણું દેખી બાપુને પણ ખૂબ દુઃખ રહેતું. વર્ધા જેવા સાધન સગવડ વાળા સ્થાને રહેવું તેમને ડંખવા લાગ્યું. ગામલોકો ભેળાં બેસવાથી જ તેમની સેવા થઈ શકે એમ બાપુ કહેતા. એટલે 1936ની 30મી એપ્રિલે બાપુ શેગાંવ જઈને રહ્યા.
બાપુનું થાણું વર્ધામાં રહ્યું તેથી દેશની પ્રવૃત્તિઓનું કેન્દ્ર તે થયું. શેગાંવ વસ્યા એટલે હવે બધાની નજર ત્યાં મંડાઈ. બાપુ વસ્યા એટલે સેવાગ્રામ કહેવાયું. બાપુના તમામ કામ સેવાગ્રામથી ચાલવા લાગ્યાં. એટલે સાથીઓ પણ ત્યાં રહ્યા. ગાર માટીની ભીંતો, વાંસની થાંભલીઓ અને તાડનાં પાનનું છાપરું, એવાં સેવાગ્રામના મકાનો ઊભા થયા. બાપુના નિવાસ માટે એવી જ ઝૂંપડી બંધાઈ. બાપુની હાજરીમાં દેશની મોટી મોટી સંસ્થાઓની બેઠકો સેવાગ્રામમાં મળે. દેશના અમીરો અને આગેવાનો બાપુની મુલાકાતે આવે. યુરોપ અમેરિકાના પત્રકારો પણ આવે. એ બધા સાદડીએ સૂવે અને ઝૂંપડીઓમાં આનંદ ઊતારા કરે. બાપુના ત્યાગ અને તપમાં અમીરોની અમીરાત ઓગળી જાય. મહેમાનોની મહેમાનગતમાં ઊણપ ન રહે તેની કાળજી બાપુ જાતે રાખે. બાપુના હેત અને મમતાથી અમીરો ગરીબાઈને ગૌરવ ગણે.
સ્વરાજનું સારું ય ત્તંત્ર સેવાગ્રામથી ચાલતું. વાઇસરોય અને ગવર્નર સેવાગ્રામના સંતની હલચલ જાણીને પગલું ભરતા. સ્વરાજના તંત્ર સાથે દેશના ઘડતરના કામો પણ સેવાગ્રામમાં વિચારાતાં. વર્ધા, સેવાગ્રામ અને પવનાર એ ત્રણે ધામ તીર્થ ગણાવા લાગ્યાં. પવનાર સંત વિનોબાજીની તપોભૂમિ, બ્રહ્મવિદ્યા મંદિર અને વિનોબા નિવાસ, બાપુ સ્મૃતિ મંદિર અને ઋષિ ખેતી, એનું દર્શન પણ પ્રેરણા આપે. વર્ધાની ભૂમિ બાપુની પ્રેરણાથી પોષાઈ છે. ત્યાં મહિલા આશ્રમ અને ગોપુરી, મગનવાડી અને નાળવાડી , કાકાવાડી અને બજાજવાડ઼ી જેવી સંસ્થાઓમાંથી જીવન ભાથું મળે. સેવાગ્રામ તો જગતના મહા તીર્થોમાંનું એક ગણાય. પૂ. બાપુના તપની આ પરમ પવિત્ર ભૂમિ. ગરીબી અને અજ્ઞાન, આળસ અને અવિદ્યા મિટાવવાની પ્રેરણા આપણને આ ભૂમિમાંથી મળી છે. સેવાગ્રામની બાપુ કુટિરનું દર્શન ભારે પ્રેરણા આપનારું છે. બાપુના જીવન અને કાર્યને સમજવા જગતભરમાંથી યાત્રીઓ અહીં આવે છે. બાપુની કુટિર અને સેવાગ્રામના બાપુના સંભારણા આપણને જીવનના પાઠ ભણાવે છે. સેવાગ્રામની યાત્રા આપણા દિલમાં અને દિમાગમાં પ્રકાશ અને પ્રાણ આપે છે. આ યાત્રાથી જીવન ધન્યતા અનુભવે છે.
******
7. સ્મરણ તીર્થ આગાખાન મહેલ :
1942ની 8મી ઓગસ્ટ : રાષ્ટ્રના મહાન સંકલ્પનો દિવસ. અંગ્રેજી સલ્તનતને ભારતની પ્રજાએ આદેશ આપ્યો, “ભારત છોડી જાઓ” મુંબઈ નગરીના આંગણે મળેલી દેશની રાષ્ટ્રીય સંસ્થાનો એ આદેશ હતો. જાગેલી જનતાનો એ અવાજ હતો. ભારતને માથે ચડી બેઠેલી પરદેશી સત્તાને ફગાવી દેવાનો એ સંકલ્પ હતો. ભારતને આઝાદ કરવાની એમાં તમન્ના હતી.
આ આખરી જંગની આગેવાની પૂ. બાપુને સોંપાઈ. બાપુએ પ્રજાની આ ગંભીર પ્રતિજ્ઞાને બિરદાવી. સત્ય અને અહિંસા, સંપ અને સંગઠન, ત્યાગ અને ફનાગીરીથી આ લડત જીતવાની બાપુએ હાકલ કરી. બાપુના સૌમ્ય, પણ વીજ ચમકારા જેવાં વેણ સાંભળી પ્રજામાં ભારે જુસ્સો પ્રગટ્યો. દેશભરમાં આ સંકલ્પ બળની હવા પ્રસરી ગઈ. કાઁગ્રેસ મહાસમિતિની બેઠકમાંથી રાતે 1 વાગે બાપુ ઉતારે આવ્યા. ઘડીક સૂતા. પરોઢે ચાર વાગે તો પ્રાર્થના કરવા ઊઠ્યા. નિત્યકર્મ પતાવ્યાં. ત્યાં તો નવમીની પ્રભાતે મુંબઈના પોલીસ કમિશનર બાપુની ધરપકડ કરવા આવી પહોંચ્યા. દેશના તમામ મોટા આગેવાનોની એકસાથે ધરપકડ કરવાની સરકારની ગોઠવણ. બોરીબંદર સ્ટેશને બધાને લઇ જવા ખાસ ટ્રેઇન તૈયાર રાખેલી. નેતાઓને લઈને ટ્રેન પૂનાને માર્ગે ઉપડી. પૂના નજીક ટ્રેન ઊભી રાખી બાપુને ઉતાર્યા અને મોટરમાં બેસાડી આગાખાન મહેલ ભણી હંકારી. બાપુને આગાખાન મહેલમાં અટકમાં રાખવા હતા, તે માટે મહેલમાં બાપુ જેવા કેદી સારુ ખાસ ગોઠવણો કરેલી. વિશાળ મહેલના ભોંયતળિયે બાપુનો નિવાસ રાખ્યો. મહાદેવ ભાઈ, સરોજિની દેવી, મીરાં બહેન, ડૉ. સુશીલાબહેન અને કસ્તૂરબાને બાપુ સાથે રહેવાની સગવડ કરેલી. આગાખાન મહેલે મહાપુરુષની જેલ બન્યાનું ગૌરવ માન્યું. બાપુએ આટલા થોડા સાથીઓ સાથે પણ આવીને આશ્રમ જીવન ગોઠવી લીધું.
બાપુને આગાખાન મહેલમાં આવ્યે હજુ અઠવાડિયું પૂરું ન થયું ત્યાં તો ભારે દુઃખદ બનાવ બન્યો. મહાદેવભાઈ દેસાઈનું 15મી ઓગસ્ટ એકાએક અવસાન થયું. મહાદેવભાઈ બાપુના મંત્રી. ભારે કુશળ, વિદ્વાન અને અભ્યાસી. મહાદેવભાઈ તો બાપુને દીકરા કરતાં ય વહાલા. બાપુના નાનાં મોટાં બધાં કામ મહાદેવભાઈ સંભાળતા. મહાદેવભાઈના ઓચિંતા મૃત્યુથી બાપુને કરી ઘા લાગ્યો. માત્ર બાપુને નહીં, પણ દેશને ય મહાદેવભાઈ જતાં મોટી ખોટ પડી.
બા કલ્પાંત કરવા લાગ્યાં. બાપુ કહે, “મહાદેવ, તું જો એક જ વખત આંખ ઉઘાડી મારી સામે જુએ તો આમ ચાલ્યો નહીં જાય.” મહાદેવભાઈમાં બાપુને અચલ શ્રદ્ધા હતી પણ તે તો અનંત પંથે સિધાવી ચુક્યા હતા. તે આંખ ઉઘાડી બાપુ સામે ક્યાંથી જુએ? વળી બાપુએ તેમની અંતિમ ક્રિયા કરતાં કહ્યું, “મને એમ હતું મહાદેવ, કે તારે હાથે મારી આ ક્રિયા થશે. પણ મારે તારે માટે આ વિધિ કરવી પડે છે!” આમ કહેતા બાપુની આંખ પણ ભીની થઈ ગઈ. બાપુના વહાલસોયા હાથે મહાદેવભાઈની અંતિમ ક્રિયા થઇ. મહાદેવભાઈએ બાપુ જેવા દૈવી પુરુષના પચ્ચીસ વર્ષ પગ સેવ્યા અને એ બાપુના હાથે મૃત્યુ શૈયાએ પોઢ્યા. મહાદેવભાઈ અમર થઈ ગયા! “એના પવિત્ર બલિદાનથી જ સ્વરાજ નજીક આવશે.” એમ બાપુએ અંજલિ આપતાં કહ્યું. આગાખાન મહેલમાં જ તેમનો અગ્નિસંસ્કાર થયો. માટી, પથ્થરની સમાધિ ત્યાં રચવામાં આવી.
‘ભારત છોડો’ના આખરી જંગે દેશભરમાં જ્વાળા ફેલાવી. ‘કરેંગે યા મરેંગે’નો નાદ ઘેર ઘેર ગાજતો થયો. નવલોહિયા જવાનો માથું હાથમાં લઇ આઝાદી જંગમાં નીકળી પડ્યા. આગેવાનો તો બધા જેલમાં જઇ બેઠેલા. દોરવણી કોણ કોને આપે? અહિંસા-હિંસા વચ્ચેનો ભેદ પણ આઝાદીની ઝંખનામાં ક્યાંક ક્યાંક વિસરાયો. તેની સાથે સરકારે દમનનો કોરડો વીંઝ્યો. ઠામ ઠામ લાઠીમાર અને ગોળીબાર ચાલે. પોલીસ અને લશ્કર અત્યાચાર ગુજારે. સરકારની આ કારવાઈ વાયુ વેગે દેશમાં ફેલાઈ. એથી લોક ઉશ્કેરાય અને હિંસા પણ આચરી બેસે. આ વાત બાપુની પાસે પણ પહોંચે. એ સાંભળી બાપુનું હૈયું કળીએ કળીએ કપાય. અત્યાચારો સાંભળી બાપુનું હૈયું હાથ ન રહ્યું. એના વિરોધમાં 1943ની 10મી ફેબ્રુઆરીથી 21 દિવસના ઉપવાસ કરવાનું બાપુએ જાહેર કર્યું. બાપુની આ અગ્નિ પરીક્ષાથી સરકાર મૂંઝવણમાં પડી. પણ ભાન ભૂલેલી સરકારના હાથે સારા કામની આશા શી હોય? ઉપવાસ પહેલા પણ બાપુની તબિયત મોળી હતી. ઉપવાસના શરૂઆતના દિવસોથી જ બાપુને ખૂબ નબળાઈ જણાવા લાગી. પાણી પીએ ને ઉબકા આવે. એથી નબળાઈ વધે. દિવસો જતા એ સ્થિતિ ભારે ચિંતા કરાવે એવી બની. જાપ્તો છતાં બાપુની તપશ્ચર્યાની વાત દેશના ખૂણે ખૂણે પહોંચી. દેશ આખો ચિંતા કરે. અને સરકાર સામે જીવ સટોસટની ટક્કર લે. આગાખાન મહેલની આ બાપુની ઐતિહાસિક તપસ્યા 1943ની ત્રીજી માર્ચે હેમખેમ પૂરી થઈ.
મહાદેવભાઇના મૃત્યુનો ભારે આઘાત બાપુ જેવા સંત જીરવી શકે. પણ બાના મન અને શરીર પર તેની ભારે અસર થઇ. બાના જીવને ચેન ન પડે. હૃદયની બીમારીથી પથારી વશ થયાં. દિવસો વીતતા બીમારીએ ગંભીર રૂપ પકડ્યું. સરકાર બાને છોડવા વિચારે, પણ બા બાપુ વગર એકલા ન જાય. અને બાપુને છોડવાની તો સરકારને હિંમત ન ચાલે. એટલે વાત આગળ ન વધી.
બાની ચાકરીનો બધો ભાર બાપુએ ઉપાડ્યો. કુટુંબ પરિવારને આગાખાન મહેલમાં રહેવાની સરકારે રજા આપી. કોઈ સારવારથી બાને કરાર ન વળ્યો. બાપુને ખોળે માથું મૂકી 1944ની રરમી ફેબ્રુઆરીએ બાએ દેહ છોડ્યો. મહાશિવરાત્રીના એ પવિત્ર દિવસે જગદંબા કસ્તૂરબા બાપુ જેવા જીવન સાથીને છોડીને ચાલી નીકળ્યાં. બાપુના જીવનમાં બા સમાઈ ગયાં. બાપુનાં જીવન કાર્યોમાં બાનો પણ ભારે મોટો ફાળો. બાએ પણ તપ અને ત્યાગમાં જીવન ગાળ્યું.
આગાખાન મહેલમાં મહાદેવભાઈની સમાધિ નજીક બાના દેહને અગ્નિસંસ્કાર કર્યા, ત્યાં સમાધિ બાંધવામાં આવી.
બાપુનાં બે પ્યારાં સ્વજનોનો દેહાંત આગાખાન મહેલમાં થયો. આ બે પવિત્ર આત્માઓની સમાધિ ધરાવનાર મહેલ રાષ્ટ્રીય તીર્થ બન્યો. આ મહેલ સિત્તેર વર્ષ પહેલા નામદાર આગાખાને બંધાવેલો. એ વર્ષે મુંબઈ રાજ્યમાં મોટો દુષ્કાળ હતો. લોકને કામ આપી રાહત આપવાનો ખ્યાલ મહેલ બાંધવા પાછળ હતો. એટલે ઉદાર દિલે બાર લાખ મહેલ બાંધવામાં ખર્ચાયા. આજના નામદાર આગાખાનના દાદાએ તે બંધાવેલો. “આવા અટુલા વેરાનમાં આવો મહેલ શા માટે બાંધો છો?” એમ કોઈએ તેમને પૂછેલું, તો જવાબમાં કહ્યું, “એક દિવસ એ મહેલ મહાન સ્થાન બનશે.” કેવી એ આગાહી ?
1969ની 22મી ફેબ્રુઆરીના પવિત્ર દિવસે નામદાર કરીમ આગાખાને આ મહેલ રાષ્ટ્રને અર્પણ કર્યો. રાષ્ટ્રને આ સ્મરણ-તીર્થની ભેટ ધરી. ના. આગાખાને ભારતવાસીઓનો પ્રેમ મેળવ્યો હતો. તેમણે આરસની સમાધિઓ બંધાવી સુંદર તકતીઓ મુકાવી છે. આ સ્મૃતિ તીર્થનો વહીવટ ગાંધી સ્મારક નિધિ કરશે. ગાંધી સ્મારક નિધિ અને કસ્તૂરબા સ્મારક નિધિ ત્યાં સ્મારકો સ્થાપશે. કસ્તૂરબા ગાંધી અને મહાદેવ દેસાઈ સ્મૃતિ મંદિર નામે તે ઓળખાશે. સંગ્રહાલય, ગ્રંથાલય અને ફૂલવાડી ત્યાં રચાશે. ભારતવાસી માટે તો આ તીર્થનું મોટું માતમ છે. ગાંધી વિચાર અને આચરણ પ્રેમી પરદેશીઓ પણ આ મહેલની યાત્રા કરી પોતાને ભાગ્યશાળી માને છે.
*******
8. ભંગી લોકોની – વાલ્મિકી મંદિર :
‘અમારી માતૃભૂમિ મહાન’ એમ ગૌરવભેર આપણે ગાઈએ છીએ. આ અભિમાન નથી, હકીકતે સાચું છે. સંસ્કારમાં ભારત સૌથી આગળ એમ કહેવામાં અતિશયોક્તિ નથી. એ ત્યાગ અને તપની ભૂમિ. સત્ય અને પ્રેમના પાઠ જગતને ભણાવનાર દેશ. ધર્મ અને નીતિ આચરનાર એની પ્રજા. દુનિયામાં આવી તેની શાખ. છતાં એ કીર્તિ અને નામના ધરાવનાર ભારતવાસી ભીંત ભૂલ્યા. માણસાઈનું જાણે તેણે દેવાળું કાઢ્યું. માણસ માણસને અડે તો અભડાય એવી બેહૂદી વાત જાણે ક્યાંથી આવી મહાન પ્રજાના મનમાં આવી ભરાઈ! પરદેશી આક્રમણ અને ગુલામીને લીધે કદાચ આમ થયું હશે.
આઝાદીને આરે ઊભેલી પ્રજાનો આ ભ્રમ તો બાપુએ ક્યારનો ય ભાંગ્યો હતો. બાપુના આ ઉપદેશો અને આદેશો. સમજુ ભારતવાસીને તો આ વાતો સમજાઈ ગઈ. માણસને અડકતાં માણસ અભડાઈ જાય એવી વેવલી અને બેહૂદી વાત સમજદાર તો હસી જ કાઢે ને? આ વાતને વળી ધર્મ સાથે શો સંબંધ? બાપુ પોતે જે વાત આચરે તે જ કહે. ખાલી ઉપદેશની વાત નહીં. ગીતા કે વેદ, બાઇબલ કે કુરાન જેવા જગતના મહાન ધર્મના વચનોનો માત્ર પાઠ કરવાનો ન હોય. એ વચનો પ્રમાણે વર્તવાનું હોય. બાપુ જાતે એમ વર્તે અને વર્તવા કહે. બાપુનો આવો ધર્મ પ્રેમ.
આપણા પાટનગર દિલ્હીમાં બાપુને મોટા મોટા રાજપુરુષો મુલાકાતે નોતરતા. બાપુ એ કાળે સેવાગ્રામ આશ્રમમાં ગ્રામવાસીઓ વચ્ચે રહેતા. ગામડાંના ગરીબો સાથે વસીને બાપુ દેશ-દુનિયાનું કામ કરે. 1942ની ‘ભારત છોડો’ની દેશ વ્યાપી લડત પછી વિલાયતના માંધાતાઓને મોડી મોડી પણ સાન આવી. હવે તો ભારત છોડ્યે જ છૂટકો છે એવું પરદેશી ગોરાઓને ભાન થયું. આ બાબતની વાટાઘાટો કરવા વિલાયતની પાર્લામેન્ટના મોવડીઓ દિલ્હી આવે. બાપુ સેવાગ્રામથી આ લોકોને મળવા દિલ્હી આવે.
બાપુના યજમાન બનવા માટે તો પડાપડી થાય. પાટનગરના અમીર ઉમરાવો બાપુને પોતાને ત્યાં રહેવાને નોતરાં મોકલે. બાપુને ઉતારા માટે રાજભવનનું પણ કહેણ આવે. પણ બાપુ એવા વૈભવ માણવા શે જાય? બાપુનો પાટનગરનો ઉતારો બનવાનું માન ખાટી જાય ગરીબોનો એક વાસ. ભવ્ય એવા બિરલા મંદિરની નજીક પાટનગરને સ્વચ્છ અને સુઘડ રાખનારાં ભંગી ભાઈ બહેનોનાં ઝૂંપડાં. એ વચ્ચે એક મંદિર. અઠંગ ધાડપાડુમાંથી ઋષિ બનેલા વાલ્મીકિ ઋષિ. રામાયણના રચનારા આ વાલ્મીકિ ઋષિને ઉત્તર ભારતના ભંગી ભાઈઓ પોતાના ઇષ્ટદેવ ગણે. આ ઋષિનું મંદિર ભંગી ભાઈઓએ બંધાવેલું. આ મંદિરની આસપાસ ભંગી ભાઈઓનાં ઘોલકાં આવેલાં. તેની વચ્ચે આવેલા આ વાલ્મીકિ મંદિરમાં બાપુ ઉતરવાનું પસંદ કરે. ધર્મને નામે જમાનાઓ સુધી હિન્દુઓએ અધર્મ આચર્યો. સમાજની સૌથી વધારે સેવા કરનાર સેવક એવી ભંગી કોમને ગરીબીમાં હડસેલી દીધેલી. બાપુ આ લોકો વચ્ચે રહીને જાણે પ્રાયશ્ચિતના પાઠ ભાણવતા ન હોય? આ વાસ દિલ્હીમાં ભંગી કોલોની તરીકે ઓળખાય.
1945થી ‘47 સુધીની દેશની તવારીખમાં આ ભંગી કોલોની જગમશહૂર બની. દેશ દેશાવરના રાજપુરુષોની અવરજવરથી ભંગી કોલોની ધમધમી રહેલી. સ્વરાજ સરકારની રચનાનો વિચાર આ કંગાલોની કોલીનીમાં પાંગર્યો. સ્વરાજના મંગલાચરણ પણ ભંગી ભાઈઓના ઇષ્ટદેવ વાલ્મીકિ ઋષિની સાક્ષીમાં જાણે ન થયાં! બ્રિટિશ અમલના અંતનો આખરી કાળ આ કોલોનીમાં ગણાતો. વિલાયતની પાર્લામેન્ટના પ્રતિનિધિઓ બાપુ પાસે આ વાલ્મીકિ મંદિરમાં આવી વાટાઘાટો કરે. વાલ્મીકિ મંદિર અને ભંગી કોલોની જાણે વાઇસરોય ગૃહના હરીફ બન્યાં હોય એવું વાતાવરણ ત્યાં ખડું થયું.
ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન વિલાયતના રાજકુટુંબના નબીરા. તેમને ભારે ગંભીર અને જવાબદારી વાળી કામગીરી સોંપીને પાર્લામેન્ટે મોકલ્યા. સ્વરાજની વધાઈ લઈને આવ્યા એટલે તેઓ પૂરા રંગમાં હતા. તેઓ સજ્જન અને સંસ્કારી આદમી. બાપુ પ્રત્યે ભક્તિથી અને ભારત તરફ ભાવથી જુએ. તેમનાં પત્ની પણ સુશીલ અને શાણાં. બાપુના દર્શને ભંગી કોલોનીમાં પોતાની દીકરીને લઈને વખતોવખત આવતા. બાપુને મળવા આવનારાં પરદેશીઓને માટે બાપુના ઓરડામાં ખુરશીઓ પણ રાખેલી, પણ આ વાઇસરોયનાં પત્ની તો બાપુ આગળ જમીન પર ચટાઈ ઉપર જ બેસવાનું પસંદ કરે. બાપુની દિનચર્યા પરોઢના ત્રણથી રાતના અગિયાર સુધીની ગોઠવાયેલી. આ ઉંમરે બાપુને આમ ઘડિયાળના કાંટે કામ કરતા ભાળી એ તો દંગ જ થઈ ગયાં. દુનિયામાં આવો કામઢો મહાપુરુષ જોયો-જાણ્યો નથી.
બાપુ તો હરિજનોના બેલી એ આપણે સહુ જાણીએ છીએ. હરિજન સેવા બાપુને મન શ્વાસ અને પ્રાણ. હરિજનો માટે તો એમણે આમરણ ઉપવાસ કરેલા. હરિજન સેવા કરતાં અપમાનો વેઠેલાં. અસ્પૃશ્યતાનું કલંક ટાળવા જીવના જોખમે દેશ આખાના પ્રવાસ ખેડેલા. એટલે સ્વરાજનું સર્જન કરતી વેળા હરિજનો વચ્ચે રહેતા બાપુને સુખ થતું. મહેલ કે રાજભવનના રંગરાગ બાપુને અકારા લગતા. હરિજન કોલોનીની મઢુલી અને વાલ્મીકિ મંદિરની ઓરડી તેમને પ્યારી લગતી.
બાપુ મહામાનવ હતા. માનવતાના પૂજારી હતા. બાપુની નજરે ભારતનું દર્શન કોઈ અનોખું છે. બાપુના ભારતમાં ગરીબ તવંગરનો કોઈ ભેદ ન રહે, ઊંચ નીચનો કોઈ ભેદ જ ન હોય. એમણે તો કહ્યું જ છે કે રાષ્ટ્રપતિના સ્થાને ભંગી બાળા બિરાજશે તો જ એ સાચું સ્વરાજ હશે. એનો અર્થ એ થયો કે દેશમાં ઊંચ નીચનો ભેદ ન રહે. સ્ત્રી-પુરુષનું સમાન સ્થાન સમાજમાં રહે. આટલી અમથી વાતોમાં બાપુએ જીવતરની કેવી મહાન વાત કરી દીધી?
આપણા દેશની આ ભંગી કોલોનીમાં ઇતિહાસ રચાયો. બાપુએ આપણને જીવનનો આદર્શ ત્યાં રહીને ચીંધ્યો. ત્યાંથી દેશ-દુનિયા સાથેના સંબંધો દૃઢ કર્યા. આમ આ ભંગી કોલોની આપણા દેશની એક પ્રેરક યાત્રા સ્થાન બની છે. બાપુ નિવાસનું આ વાલ્મીક મંદિર શક્તિનું સ્થાન બન્યું છે. ભંગી કોલોનીનાં ઝૂંપડાનાં હવે તો પાકાં મકાનો બન્યા છે. મંદિરને સ્થાને પ્રાર્થના મંચ રચાયો છે. બાપુની પવિત્ર સ્મૃતિઓમાંની એક તરીકે તેની પણ રાષ્ટ્રીય જાળવણી થશે. પાટનગરના મુલાકાતીઓને આ સ્થાને જઈને બાપુના પુણ્ય કાર્યનું સ્મરણ થયા વગર નહીં રહે.
********
9. બિરલા હાઉસ – બલિદાન ભૂમિ :
1947ની 15મી ઓગસ્ટ આપણા દેશે આઝાદી મેળવી. દોઢ સૈકાનું અંગ્રેજી રાજ આપણા માથેથી હઠયું. આપણે સ્વતંત્ર થયા એ ખરું પણ દેશના ભાગલા પડાવી આઝાદી લાવ્યા. ભાઈઓ ભેળા ન રહી શકે એવી બેહૂદી વાત સ્વીકારીને ચાલ્યા. એક દેશ એક પ્રજા એવી ઝંખના બાપુએ જીવનભર કરેલી. અખંડ ભારત એમનું સ્વપ્ન હતું. દેશની એકતા માટે બાપુએ આકરી તપશ્ચર્યા કરેલી. જીવનભર બાપુનો બોલ ઝીલનારા નેતાઓ પણ સ્વરાજ ટાણે મૂંઝાઈ બેઠા. અંગ્રેજ સાથે સ્વરાજનો સોદો કરવામાં વિવેક ચુક્યા.
વિરાટ ભારતના ભાગલા થયા. એ સુંદર દેહના ટુકડાઓને સ્વરાજ માની નેતાઓએ સંતોષ માન્યો. અંગ્રેજો જતા જતા દેશના ભાગ પાડીને ઘા કરતા ગયા. બાપુને ભાગલાથી કારી ઘા લાગ્યો. ત્રીસ વર્ષની તપશ્ચર્યાનો કરુણ અંજામ આવ્યો એ બાપુને અસહ્ય હતું.
બાપુ 9મી ઓગસ્ટ નોઆખલી જવા કલકત્તા પહોંચ્યા. નોઆખલીનાં કોમી રમખાણના સમાચારે બાપુનું દિલ રડી ઉઠ્યું. પણ કલકત્તામાં નોઆખલી કરતાં ય વધુ ક્રૂરતા કોમી ભાવના વાળા માણસો આચરી રહ્યા હતા. કલકત્તાની કોમી આગ હોલવવા બાપુને રોકાવું પડ્યું. 15મી ઓગસ્ટના દિને દેશભરમાં આઝાદી દિન મનાયો. પાટનગર દિલ્હીમાં આવી ઉત્સવમાં ભાગ લેવા પંડિતજીએ બાપુને ખૂબ આગ્રહ કર્યો, પણ બાપુના દિલમાં દુઃખ અને દરદ ભર્યું હતું. રમખાણો અને અત્યાચારો, પશુતા અને અનાચાર દેશમાં ચાલે. કયા સુખે આઝાદી ઉત્સવ માણવો? દેશ સ્વરાજ મળ્યાનો આનંદ માણી રહ્યો હતો ત્યારે બાપુનું હૃદય વેદનાથી બળતું હતું. ઉપવાસ, મૌન, આત્મચિંતન અને ભગવત ભજનમાં બાપુએ આ દિન ગાળ્યો. કોમી કડવાશ વધતી જોઈને બાપુના દુઃખનો પાર ન રહ્યો. આ ઝેરનું મારણ કરવા બાપુએ ઉપવાસ શરૂ કર્યા. દેશની આવી અવદશાથી બાપુના શરીર અને મનને ભારે જખમ પહોંચ્યો હતો. તેમાં આવી આકરી તપશ્ચર્યા બાપુએ માંડી. લોકોના મન હાલી ઉઠ્યાં. તમામ પક્ષો અને કોમના નેતા બાપુ પાસે ભેળા મળ્યા. ઠેર ઠેર અને ઘરે ઘરે ઘૂમી કોમી શાંતિ સ્થાપી. એ પ્રયાસોથી શહેરનો રોજિંદો વ્યવહાર સુલેહ સંપથી ચાલતો થયો. 73 કલાકના આ તપના પ્રતાપે કલકત્તામાં શાંતિ સ્થપાઈ.
ધીમે ધીમે કલકત્તામાં બધું થાળે પડતું ગયું. બિહાર, નોઆખલી અને કલકત્તામાં બાપુની તપસ્યાના પ્રતાપે વેરઝેર શમ્યા. કોમી અશાન્તિએ દેશ નેતાઓના મન ઊંચા કર્યા હતા. સ્વરાજનું સુખ એમાં કોણ માણી શકે? એને સ્વરાજ કેમ કહેવાય? બાપુના તપના પ્રતાપે પૂર્વમાં તો શાંતિ સ્થપાઈ. બાપુનો જીવ હવે ઉત્તર તરફ હતો. પંજાબ અને ઉત્તર ભારતમાં કોમી રમખાણો ચાલતા હતાં. પંજાબમાં જરા વધારે તંગદિલી હતી. એટલે કલકત્તાથી પંજાબ જવા બાપુ નીકળ્યા; ત્યાં તો દિલ્હીમાં તોફાનોએ કેર વર્તાવ્યાના ખબર મળ્યા. દિલ્હી હિજરતીઓથી ઉભરાતું હતું. ગલીએ ગલીએ રમખાણો ચાલે. દિલ્હી જાણે રણક્ષેત્ર બન્યું. ઇસ્પિતાલો ઘાયલ માણસોથી ઉભરાઈ ગઈ હતી. એ ખબરથી બાપુ 9મી સપ્ટેમ્બરે દિલ્હી ઉતર્યા.
બાપુ દિલ્હી ઉતરશે એ ખબરથી મૂંઝાયેલા નેતાઓને હૈયા ધારણ મળી. પંડિતજી અને સરદાર ‘દિ આખો નિરાશ્રિતોની છાવણીઓમાં ઘૂમતા હતા. શાંતિ જળવાય તેવા બધા પ્રયાસો કરતા હતા. બાપુ આવે છે જાણી તેમને બળ મળ્યું. બાપુ દિલ્હી ઉતર્યા. બાપુનો દિલ્હીનો ઉતારો તો વાલ્મીકિ મંદિર. પણ તે તો હિજરતીઓથી ભરાઈ ગયેલ. બાપુને બિરલા ભવનમાં ઉતારવાની ગોઠવણ કરવી પડી. વાલ્મીકિ મંદિરની જેમ બિરલા ભવન સૌનું ધ્યાન કેન્દ્ર બન્યું.
દિલ્હી પહોંચતા જ બાપુ લોકો વચ્ચે પહોંચ્યા. હિજરતી છાવણીઓના દુઃખી લોકો પાસે ગયા. તેમની વાતો હમદર્દીથી સંભાળી. છાવણીઓની ગંદકી અને ગેરવ્યવસ્થા દૂર કરાવી. આ છાવણીઓ અને હિજરતીઓની વણઝાર બેકાબૂ બન્યા હતા. કાયદો અને વ્યવસ્થાનું તંત્ર જાણે ખોરવાઈ ગયું હતું. કોઈ કોઈનું સાંભળે નહીં. સાંભળે તો માને નહીં. પણ આ દિવ્ય શક્તિની જાદુઈ અસર થઈ. દુઃખી દુઃખ ભૂલવા લાગ્યા. તોફાની તત્ત્વો ટાઢા પડ્યાં. રોષે ભરાયાં એ શાંત થયાં. કરુણામૂર્તિ બાપુની હૂંફથી સૌને આશ્વાસન સાંપડ્યું. માનવતા અને દૈવી ભાવનો પરચો બાપુની હાજરીએ બતાવ્યો. દિલ્હીમાં આશાના કિરણો પ્રગટ્યાં.
રાત ‘દિ બાપુ ઘૂમતા રહ્યા. દુખિયાનાં આંસુ લૂછ્યાં. ત્રાસ ગુજારનારાઓનો ભય ટાળ્યો. ઇન્સાનિયતના પાઠ પઢાવ્યા. એમને મન માનવી કોઈ ધર્મનો બનેલો ન હતો. ઇન્સાન એક હતો. માણસ માણસ વચ્ચે એમને મન કોઈ ભેદ નહોતો. ન એમણે શરીરની દરકાર કરી, ન થાકની પરવા કરી. રોષે ભરાયેલા અને સાંકડા મનનાં માણસો વચ્ચે બાપુ રાત ‘દિ ફરતા રહે. સરકારને બાપુના જાનની ચિંતા રહેતી. રક્ષણ માટે પોલીસ મુકવાની વાત કરી. બાપુ કઇં એ વાત માને? ‘ઈશ્વર સિવાય કોઈ રક્ષણહાર નથી.’ એમ એમણે સાફ કહી દીધું.
બાપુની પ્રાર્થના સભા બિરલા ભવનના ચોકમાં થતી. હજારોની મેદની જામતી. એ સભાને બાપુ સંબોધતા. ભાન ભૂલ્યા કોમવાદીઓના દિલને બાપુ ઢંઢોળતા. પ્રાર્થના પ્રવચનો હૃદય હલાવે તેવા હતા. તેઓ કહેતા, “દુનિયાની આંખ ભારત પર ઠરી છે. એશિયા અને આફ્રિકાની અસહાય પ્રજાનો સહારો ભારત છે. દુનિયાની આશા ભારત પૂરી પાડશે એવી મારી આશા છે. મારો હિન્દુ ધર્મ સર્વ ધર્મ પ્રત્યે આદર રાખવાનું સૂચવે છે. આ ભૂમિમાં રામરાજ્ય થાય એટલા ખાતર હું ઈશ્વરને પ્રાર્થના કરતો કે મને સવાસો વર્ષની આવરદા આપે. પણ મને એવું ભાવિ નજરે નથી પડતું. મારા લોકોને તેમની ભૂલ બતાવી શકું તેવી શક્તિ મને આપ અથવા મને અહીંથી બોલાવી લે, એવી ઈશ્વર પાસે પ્રાર્થના છે.” રોજની તેમની પ્રાર્થનામાં દિલ સોંસરા ઉતરી જાય એવાં વેણ સાંભળવા મળતા. તેમણે કહ્યું, “એક જમાનામાં મારા લોકો મારા પર પ્રેમ રાખી મારો પડ્યો બોલ ઝીલી વાતનો બરાબર અમલ કરતા. શું મારા લોકો ગુલામ હતા ત્યારે તેમને મારો ખપ હતો, અને આજે હવે મુક્ત થયા એટલે આઝાદ હિંદમાં મારો કોઈ ખપ ન રહ્યો? શું માનવતા અને સંસ્કૃતિ ફગાવી દેવાં એ સ્વાતંત્ર્યનો અર્થ છે?” દેશના હાલ દેખી હતાશા અને નિરાશાની છાપ તેમના દિલ પર પડતી હતી. એનું દુઃખ પ્રાર્થના પ્રવચનોમાં કહેતા. “હું ઈશ્વરના હાથમાં છું. ઈશ્વરને મારી પાસેથી વધારે કામ લેવું હશે તો લેશે, પરંતુ મને લાગે છે કે મારા એ બોલવાનું હવે વજન પડતું નથી. મારાથી વધારે સેવા થવાની ન હોય તો મને ભગવાન બોલાવી લે એ જ બહેતર છે. દેશની હવામાં ચારેકોર દ્વેષની ભાવના રહેલી છે ત્યારે મારુ જીવવું નિરર્થક છે. હિંદની સ્વતંત્રતાને કાજે મારી જિંદગી હોડમાં મુકનારો હું ખુદ તેના જ વિનાશનો સાક્ષી થવા જીવવા માંગતો નથી. ઈશ્વરને પ્રાર્થના કરું છું : હે નાથ! કાં તો આ આગ ઠારવાની મને શક્તિ આપ અથવા પૃથ્વી પરથી મને બોલાવી લે.”
આમ દિલનું દરદ લોકો પાસે મુકતા રહ્યા. છતાં દેશની સ્થિતિ સુધારવા શ્રદ્ધાથી પ્રયત્ન કરતા રહ્યા. નિરાશા વચ્ચે પણ તેમના પ્રયાસો સારી રીતે સફળ થયા. આવા વાતાવરણમાં પણ તેઓ શ્રદ્ધાથી બધું સંભાળતા. તેઓ શતાવધાની પુરુષ હતા. દેશના અનેક સળગતા પ્રશ્નો, છતાં રાજકીય, આર્થિક અને તંત્રના પ્રશ્નોમાં પ્રધાનોને દોરવણી આપતા. ભાષાનો પ્રશ્ન, અન્ન સ્વાવલંબન, નદીઓની જળસંપત્તિ, પશુ સંપત્તિ જેવા અનેક સવાલોમાં દેશને માર્ગદર્શન આપતા રહ્યા.
બાપુ પોતાના દિલનું દરદ જેમ પ્રાર્થનાથી હળવું કરતા, તેમ એ દુઃખની ફરિયાદ ઉપવાસ કરીને ભગવાનને પેશ કરતા. આમ તપસ્યા કરીને આશા અને શ્રદ્ધા મેળવતા. બાપુનું આત્મબળ અજોડ હતું. પાટનગરના હણાતા તેજનું તેમને ભારે દુઃખ હતું. નેતાઓની કમજોરીથી તેમનો જીવ બળતો. આથી એમણે જાન્યુઆરી 13થી ઉપવાસ શરૂ કર્યા. આગેવાનો ચોંક્યા. કમજોરી ખંખેરી સાબદા થયા. બાપુના ઉપવાસના છઠ્ઠા દિવસે રાજેન્દ્રબાબુને ત્યાં બધા વર્ગો અને સમૂહના આગેવાનો ભેળા થયા. પાટનગરમાં પ્રસરેલું ઝેરીલું વાતાવરણ સુધારવાનો સંકલ્પ કરી સૌ ઉઠ્યા. બાપુએ તેમની પાસે મુકેલી શરતોનો પૂરેપૂરો અમલ કરવાનું વચન આપ્યું. એ સૌના વચને બાપુએ પારણાં કાર્ય. બાપુના આ છેલ્લા ઉપવાસ હતા.
જાન્યુઆરી 20મીએ બાપુ પ્રાર્થના સભાને સંબોધન કરી રહ્યા હતા. ત્યાં જબરો ધડાકો થયો. બિરલા ભવનની આખી ઇમારત ધ્રુજી ઊઠી. બાપુએ તો સ્વસ્થપણે પ્રવચન પૂરું કર્યું. આ ધડાકો બોમ્બનો હતો. મદનલાલ નામના જુવાને એ બૉમ્બ ફેંકેલો. (મદનલાલ પંજાબથી આવેલ એક જવાન હિજરતી હતો. કોમી એકતાની બાપુની વાત તેને પસંદ નહોતી.) બાપુનો જાન લેવાની તેની ગણતરી હશે. પોલીસે મદનલાલની ધરપકડ કરી. બાપુએ તો કોઈ પગલાં તેના સામે ન લેવાય તેવું જાહેર કર્યું.
બાપુના હૈયે શ્રદ્ધા અને સબૂરી હતા. આત્મબળ વડે બાપુ દેશની હવા સુધારવા મથ્યા. છતાં ય જે જોતા અને અનુભવતા તેનાથી તેમનું હૃદય વલોવાતું. હૈયું ભારે રહેતું. મુખ પર ગંભીરતા છાયી રહેતી.
1948ની 30મી જાન્યુઆરી એ ગોઝારો દિવસ. છેલ્લા ઉપવાસ પછી શરીરે બાપુને પૂરી શક્તિ આવી ન હતી. છતાં તેઓ આખો દિવસ કામ, કામ ને કામ કરે. છેલ્લા કેટલા ય દિવસથી મૃત્યુના ઓળા બાપુ જાણી ગયા હોય તેવાં વેણ વાત વાતમાં તમને મોઢેથી નીકળતા. એમના રુદિયામાં રહેલો રામ બોલાવતો હશે. આપણે પામર એ ક્યાંથી સમજીએ?
આજની સાંજ કેવી હશે એની તો કલ્પના દુનિયામાં કોઈએ નહીં કરી હોય. સરદાર સાથે અગત્યની વાત લાંબી ચાલી. પ્રાર્થનાનો વખત થઈ ગયેલો. બાપુ ઝટ ઝટ ઊઠી ચાલ્યા તો ય દસ મિનિટ મોડું થયું. પ્રાર્થના સ્થાનમાં પગથિયાં ચડતા ચડતા મેદનીએ નમસ્કાર કરવા હાથ જોડ્યા. સાથે આભાબહેન અને મનુબહેન હતાં. મનુબહેનને હડસેલી એક જુવાન આગળ આવ્યો. નમ્યો. બાપુને પગે લાગતો હોય એવું લાગ્યું. “અરે, પ્રાર્થનામાં મોડું થાય છે છતાં ય તમે આમ વખત લો એ કેવું?” કોચવાઇને મનુબહેને મર્માળો ઠપકો આપીને તેને બાપુની નજીક જતાં રોકવા પ્રયાસ કર્યો. પેલો મનુબહેનને ધકેલી બાપુની સાવ પાસે આવી ઊભો. પગે નમતો હોય તેમ લળીને પિસ્તોલમાંથી ધાડ ધાડ કરતી ગોળીઓ છોડી. પહેલી પેટમાં, ને બીજી છાતીમાં લાગી. આરપાર નીકળી ગઈ. ત્રીજી શરીરમાં ભરાઈ રહી. ગોળી વાગતા પગ જરા ઠરડાયા, પણ બીજી ગોળી સુધી તેઓ ઊભા હતા. પણ પછી નમસ્કાર કરવા ઊંચા કરેલા હાથ નીચે ઢળ્યા અને ‘હે રામ!’ કહેતાંકને ભૂમિ પર ઢળી પડ્યા.
મેદની અવાક બની ગઈ. દેહ કાંપતો હતો. આંખો અડધી બિડાયેલી હતી. ચહેરો સ્વસ્થ હતો. સાથીઓ દેહને ઉપાડી અંદર લઇ ગયા. દાક્તરો ટોળે વળ્યા. બાપુને તપાસ્યા અને બનતી બધી સારવાર આપી. પણ એ મહાન જ્યોત બુઝાઈ ગઈ હતી. કૃષ્ણ અને ઈસુ જેવી એ વિભૂતિ એવી જ શહીદીને વરી.
બલિદાન ભૂમિ બિરલા ભવન માનવતાનો પાઠ આપણ સૌને આપે છે.
*********
10. શ્રાદ્ધ તીર્થ રાજઘાટ :
બાપુને ગોળીએ વીંધ્યાના ખબર સાંભળીને પંડિત જવાહરલાલ નહેરુ શ્વાસભેર દોડી આવ્યા. બાપુની અચેતન છાતી ઉપર માથું રાખી બાળક પેઠે હૈયાફાટ રડવા લાગ્યા. સરદાર છાતી કઠણ રાખી સૌને આશ્વાસન આપતા હતા. પંડિતજી હૈયું હાથ રાખી ન શક્યા. ડૂસકાં ભરતા કહે, “હમારે બાપુ…..” “બાપુ અબ હમારે પાસ નહીં રહે.” બાળક જેવા ભાવે મનુબહેનને કહે, “મનુ, આઓ, અબ બાપુ કો પૂછો, અબ કૈસે કરના?” વળી નિર્દોષ બાળક પેઠે કહે, “જરા જોરસે ગીતા પાઠ કરો, શાયદ બાપુ જગ જાય!” આવો હતો બાપુ પ્રત્યેનો પંડિતજીનો પુત્રવત પ્રેમ. એ પ્રેમનું આ આક્રન્દ હતું.
બાપુના અંતિમ દર્શન સારુ બિરલા હાઉસના ચોકમાં લાખોની મેદની ભરાઈ. સૌ બાપુના દર્શન કરી શકે તે માટે તેમના દેહને ઉપલા માળના ઝરૂખામાં રાખ્યો. આખી રાત લોકો આવતા રહ્યા. સર્વધર્મની પ્રાર્થના આખી રાત ચાલી. દર્શનાર્થીઓ ‘મહાત્મા ગાંધીકી જય’ના ગગનભેદી નાદ કરતા રહ્યા. દસ દિવસ પહેલા જ આ પ્રાર્થના વખતે બૉમ્બ ફેંકાયેલો. બાપુએ અડગ અને શાંત ચિત્તે પ્રાર્થના અને પ્રવચન કર્યા. આ માટે તેમને અભિનંદનના તારો મળેલા. બાપુએ એ પરથી પ્રવચનમાં કહેલું, “મને આમાં અભિનંદન કે શાબાશી શાનાં ઘટે? ધડાકાને મેં તો લશ્કરી તાલીમ લેનારાઓના ધડાકા તરીકે જ માન્યો હતો. એમાં બહાદુરીની વાત જ ક્યાં આવી? હા, મારી બહાદુરી તો ત્યારે જ માનજો ને અભિનંદન પણ ત્યારે જ આપજો કે જ્યારે મારી સામે જ ગોળી છૂટે ને હું મારી છાતીએ ઝીલું અને મુખે રામનું નામ લેતાં મૃત્યુને ભેટુ.” એમની આ વાણી કેવી સાચી ઠરી? ઈશ્વરે એમની આ ઈચ્છા પૂરી કરી. રામ નામ લેતાં બાપુ હસતે મુખે મૃત્યુને ભેટ્યા.
પ્રભાત થતાં તેમના દેહને સ્નાન કરાવવામાં આવ્યું. ફૂલોની સેજ સફેદ ખાદીથી સજાવીને તેના પર દેહ મુકવામાં આવ્યો. દેશ વિદેશના એલચીઓ આવ્યા, અને બાપુને અંતિમ અંજલિનાં પુષ્પો ચડાવ્યાં. લોકોની એવડી મોટી સંખ્યા દર્શને જમા થઇ કે દેહને બિરલા ભવન ……. પર રાખવો પડ્યો જેથી દૂરથી પણ દર્શન કરી શકાય.
આગલી સાંજથી દિલ્હીમાં કોઈને ય જંપ નહોતો. લાખો લોકો દર્શન કરી જય બોલાવી ગયા. ‘દિ ચડતો ગયો. સવારના અગિયારનો સમય થયો. તેમના દેહને અગ્નિસંસ્કાર માટે લઇ જવા લશ્કરી રથ સજાવવામાં આવ્યો. દેહને રાષ્ટ્રધ્વજથી ઢાંકવામાં આવ્યો. મુખ ખુલ્લું રાખ્યું. સાથીઓએ દેહને ખભ્ભે ઉપાડી ફૂલોની સેજ પર મુક્યો. લશ્કરી માન આપી રાજ્યે અંજલિ અર્પી. સ્મશાન યાત્રા ધીમે ધીમે ચાલી. ‘રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ, ઈશ્વર અલ્લાહ તેરે નામ સબકો સંમતિ દે ભગવાન’ એ ધૂન અને ભજનો ગાતી યાત્રા આગળ વધી. દિલ્હી અને દિલ્હીના આસપાસથી આવી પહોંચેલી શોકાતુર જનતાએ બાપુને ભાવભરી અંજલિ આપી.
રાજઘાટ પહોંચતા યાત્રાને છ કલાક લાગ્યા. 31મી જાન્યુઆરીની સાંજે ભક્તિ નીતરતા હાથે એ પવિત્ર દેહને ચંદનની ચિતા પર મુક્યો. પવિત્ર એવી યમુના એ મહા માનવના દેહને પોતાનામાં શમાવી વધુ પવિત્ર બની. લાખો કંઠોમાંથી જય ધ્વનિ થયા. કરુણ રુદનના સૂરો દિલને દર્દ કરાવે તેવા સંભળાયા. અંતિમ પ્રાર્થનાના પ્રેરક સ્વરોથી આ અમર વિભૂતિને ભાવાંજલિ આપી. પુષ્પોથી પણ કોમળ એવા એ પ્યારા દેહને લાકડાંથી ઢાંકી દીધો. અગ્નિ પ્રગટાવ્યો, ને એ તેજસ્વી સ્વરૂપ સદાને માટે અદૃશ્ય થઇ ગયું. ચાલીસ કોટિના દિલમાં બિરાજતી એ દિવ્ય મૂર્તિને અગ્નિએ પોતાનામાં સમાવી લીધી. બાપુ ગયા? સાચે જ બાપુ ચાલ્યા ગયા? મન માનતું નથી. તેઓ શરીરી હતા. હવે અશરીરી થઇ આપણી વચ્ચે રહ્યા છે. ભારતનો અણુએ અણુ એમણે સિંચેલ તેજથી ભર્યો છે. પહેલાં તેમનું જુદું અસ્તિત્વ હતું, હવે તેઓ આપણામાં સમાઈ ગયા. પહેલાં એક શરીર વડે આપણી સેવા અને રખવાળું કરતા હતા, હવે અનેક શરીર વડે આપણું રખવાળું અને સેવા કરી રહ્યા છે. બાપુની જ્યોત આપણને સાચો માર્ગ બતાવતી રહેશે.
બાપુ ગયા. દેશ ઉપર જાણે મોટી આફત ઊતરી. આભ જાણે તૂટી પડ્યું. દેશના ખૂણે ખૂણે સૌને આઘાત આપનાર સમાચાર ફેલાઈ ગયા. ભારતનો હરેક માનવી રડી રહ્યો હતો. કોમી આગના ગાંડપણમાં ફેસાયેલું દિલ્હી શાંતિના દૂતની શહીદીથી પોસ પોસ આંસુ સારી રહ્યું હતું. બાપુની શહાદતે તેમના મન અને બુદ્ધિમાં ભારે પલટો લાવી મુક્યો.
બાપુ તો અમર થઇ ગયા. કવિએ ગાયું છે ને કે ‘મૃત્યુ મરી ગયું રે લોલ’? આવી વિભૂતિ મરતી નથી. તેનું મૃત્યુ મરીને જીવનના પાઠો ભણાવે છે. બાપુએ હસતે મુખે મરતાં હૃદયમાં રામને પધરાવ્યા. જગતને માનવતાનો પાઠ આપ્યો. જીવનનું કાર્ય પૂરું થયું અને વિદાય લીધી. શાંત અને સંતોષી મન સાથે પરમધામ પહોંચ્યા. બાપુ જતાં જગત કંગાળ બન્યું. ગરીબોના બાંધવ અને દુખિયાંનો વિસામો, સત્યનો ઉપાસક અને પ્રેમની મૂર્તિ, ઉદારતાનો સાગર અને કરુણાનો નિધિ એવા એવા ગુણોના ભંડાર ગાંધી જતાં દુનિયાને ન પુરાય તેવી ખોટ પડી. ગાંધી તો માણસ જાતને સદીઓ પછી સાંપડેલું અણમોલ માનવરત્ન હતું. દૈવે એ રત્ન ઝૂંટવી લીધું.
બાપુના દેહાંતે પાકિસ્તાનમાં પણ હાહાકાર વ્યાપ્યો. માનવીની એકતાની …. ચાલી નીકળતાં પાકિસ્તાને આંચકો અનુભવ્યો. બાપુના નિર્વાણના સમાચાર આલમ આખીમાં ફરી વળ્યા. જેના તપ અને તેજ, સત અને શાણપણ સામે જગતની રાંકડી જનતા મીટ માંડી રહી હતી, તે જતાં દુનિયા જાણે નિરાધાર થઈ. દુનિયાભરની પ્રજાએ હતાશા અનુભવી.
પંડિત નહેરુએ વડા પ્રધાન લેખે બાપુને અંજલિ અર્પણ કરતા કહ્યું, “આપણા જીવનમાંથી જ્યોત બુઝાઈ ગઈ. સર્વત્ર અંધકાર થઇ ગયો છે. શું કહું? શી રીતે કહું? સૂઝ નથી પડતી. આપણા પ્યારા બાપુ હવે આ દુનિયામાં નથી. હવે અમે શિખામણ કે દોરવણી માટે કોની પાસે દોડી જઈશું? આ આઘાત આપણા સૌને સહન ન થાય તેવો છે. એમને માટે હું શું કહું? એમના વચનનું યોગ્ય રીતે પાલન ન કર્યું. હવે આપણે કયે મોઢે તેમની પ્રશંસા કરીએ? આજે આપણો દેશ જે કઇં છે તે એમને લીધે છે. એમણે જગતમાં અભૂતપૂર્વ એવી બલિદાનની પરંપરા સર્જી છે. આપણે બધા નમાયા થઇ ગયા છીએ. એ મહામાનવના સંપર્કનો આપણને લાભ મળ્યો તેથી ધન્યતા અનુભવીએ છીએ.”
ભારતના છેલ્લા વાઇસરોય માઉન્ટબેટન બાપુના તેજથી ભારે અંજાયેલા. બાપુના ભક્ત બની ગયા હતા. તેમણે બાપુ વિષે કહ્યું તે આપણા દિલમાં ઉતારવા જેવું છે, “લોકોએ બાપુને પૂજ્યા, પણ તેમની વાતો સમજ્યા નહીં. તેમની ચરણરજ માથે ચડાવી, પણ તેમના વ્યક્તિત્વને માન ન આપ્યું. તેમના શરીરને વંદનીય ગણ્યું પણ તેમના આત્માને અવગણ્યો. આપણે ગાંધીને માન્યા પણ તેમના સિદ્ધાંતોને ન માન્યા.”
ભારતના પાટનગરમાં યમુનાના પવિત્ર તટે બાપુના દેહનો અગ્નિસંસ્કાર થયો. આ સ્થાન તે રાજઘાટ. દુનિયાનો હરકોઈ પ્રવાસી કે રાજપુરુષ પાટનગર પહોંચતાં પહેલાં રાજઘાટની યાત્રા કરે છે. બાપુનું સ્મરણ કરી ફૂલહાર વડે અંજલિ અર્પણ કરે છે. સારી આલમનું રાજઘાટ મહાતીર્થ બન્યું છે.
**********
e.mail : 71abuch@gmail.com