નવા વિક્રમ સંવતમાં શ્રીગણેશ તો સી.બી.આઈ. પ્રકરણથી કરવાનો ખયાલ હતો, પણ આશ્વસ્ત મુદ્દલ નહીં અને અસ્વસ્થ જ અસ્વસ્થ – એકદમ એકદમ અજંપજીવ સરકાર અને સત્તાપક્ષ જે રીતે આમ કે તેમ પણ ઇતરીકરણ પ્રકલ્પ (અધરાઈઝેશન પ્રોજેક્ટ) વાસ્તે ઘાંઘાં માલૂમ પડે છે એ વાનું વચમાં લગરીક વહેલું આવી પડ્યું.
સરસંઘચાલકનું વિજ્યાદશમી વક્તવ્ય અને ભા.જ.પ. પ્રમુખ અમિત શાહની સબરીમાલા ટિપ્પણી બે સાથે મૂકીને જોવા જેવાં છે : સબરીમાલા પ્રકરણમાં ભા.જ.પ. પ્રમુખ ટાઢે કોઠે કહે છે કે તમે પળાવી ન શકો એવા ચુકાદા આપો છો શા માટે. અને ચુકાદો કેમ નથી પળાતો, તો કહે – બહુમતી લોકોની આસ્થાનો સવાલ છે. વસ્તુત : પાળવાપળાવવાની જવાબદારી કારોબારી સત્તાની છે. અમિત શાહ જે પક્ષના પ્રમુખ છે એ પક્ષની સરકારની છે. સર્વોચ્ચ અદાલતે જાણે કોઈ ગુનો કીધો હોય એમ લોકમાનસમાં એને આરોપીના પિંજરામાં ખડી કરવાનો અભિગમ આ તો થયો.
કાયદાનું પાલન તે શું એ ચુકાદો ચીંધી બતાવે, અને તે મુજબ કાયદાનું શાસન તે શું એ સરકાર કરી બતાવે, એ સ્તો સાદો હિસાબ છે. પણ, (કમબખ્ત) અદાલત આડે આવે છે, આડોડાઈ કરે છે એવી છાપ ઊભી કરવી તે પણ એક શત્રુખોજ છે. આ જ ઇતરીકરણ પ્રકલ્પ હવે અયોધ્યા બાબતે કામ ચલાવવામાં સર્વોચ્ચ અદાલતે પોતાની અગ્રતા નક્કી કરવા અંગે વળી ઢેકો કાઢે છે. ઝટ ચલાવો, તત્કાળ ચુકાદો આપો.
વિકાસ બચાડો ‘મા મને કોઠીમાંથી કાઢ’ એમ શોધ્યો જડતો નથી અને કોમી ધ્રુવીકરણનું ગોપુચ્છ ચૂંટણીની વૈતરણી પાર કરવા સારુ અનિવાર્ય લાગે છે એ સંજોગોમાં આ કે તે બહાને અદાલતને અવરોધરૂપ ચીતરવી, એ જાણે કે હાલના સત્તા-પ્રતિષ્ઠાનને વાસ્તે અનિવાર્ય બની ગયું છે.
વિશ્વ હિંદુ પરિષદ અને બીજા વિંગમાં હાજરાહજૂર છે તેમને પણ ચૂંટણી ટાંકણે કોમી દૃઢીકરણની કર્તવ્યબુદ્ધિથી, પછી તો, એ જ સૂઝે ને કે ઑર્ડિનન્સ લાવો. ઝટ જાઓ, ચંદનહાર લાવો, એવો વિનય અનુનયપૂર્વકનો પ્રણય કરતી માનુની અલબત્ત આ નથી. એણે સંઘ છેડેથી સરકારથી ઉફરાટે પોતાનું વજૂદ પુરવાર કરવાનું છે. માટે વર્ષાકાળે દેડકાના ડ્રાઉં ડ્રાઉં પેઠે દક્ષિણાકાળે મંત્રોચ્ચારનો આ ઉપાડો.
સંવૈધાનિક સંસ્થાઓ પરત્વે ઇતરીકરણથી માંડીને તે કેમ જાણે કોઈ કિલ્લો ફતેહ કરવાનો હોય એ રીતે પેશ આવવાના સત્તાવલણનો જ એક નમૂનો હમણેનું સી.બી.આઈ. પ્રકરણ છે જે ૧૨મી નવેમ્બરે, ઊઘડતી અદાલતે, વધુ સ્પષ્ટ થશે. આકાશ વર્મા, રાકેશ અસ્થાના (નંબર ૧-૨) અને નાગેશ્વર રાવ (કામચલાઉ વડા) આસપાસ ખાસી ચર્ચાને અવકાશ હોઈ શકે છે. માત્ર, એક જ સાદો પણ સહેજે ઓછા મહત્ત્વનો નહીં એવો મુદ્દો છે તે સાફ છે. આ મુદ્દો એ છે કે સત્તાપક્ષ પાસે જથ્થાબંધને ધોરણે હાડપિંજરો એકત્ર થતાં આવે છે, અને એમને ધોરણસર ધરબી દેવા વાસ્તે કબાટો ઓછાં પડે છે. એકંદરે અચ્છો આરંભિક રેકોર્ડ ધરાવતા અસ્થાનાએ ગોધરાની તપાસના તબક્કાથી સત્યને બદલે શાસનમુખી થવામાં સાર જોયો એમ પ્રાપ્ત વિગતો પરથી સમજાય છે. આકાશ વર્માને અસ્થાનાના ભ્રષ્ટાચારોનો અંદાજ આવતાં એમણે કાનૂની સક્રિયતાની કોશિશ કરી – વધુમાં રાફેલની વિગતોની સરકાર પાસે વિધિવત માગણી કરી એટલે કેન્દ્ર સરકારે સી.બી.આઈ.ના નંબર ૧-૨ બંનેને ‘મધરાતે આઝાદી’નો બોધ કીધો. નહીં કે આકાશ વર્મા સામે ખરાખોટા મુદ્દા નહીં હોય પણ મુદ્દાનો મુદ્દો તો પરંપરાગત પિંજરબધ્ધ પોપટને સવિશેષ પિંજરબધ્ધ કરી હાડપિંજરો વાસ્તે કબાટ અભિયાનનો હતો અને છે તે છે. જેમની ટેમ્પરવારી જોગવાઈ કરી છે તે નાગેશ્વર રાવ નાનીમોટી સેવાઓ સબબ સંઘના ચહેતા રહેલા છે એ વિગત લક્ષમાં આવે તે પછી કદાચ કશું ઉમેરવાનું રહેતું નથી.
આ બધી વિગતોની ગલીકૂંચીમાં સામસામી વિગતો નહીં સમાયેલી હોય એમ કહેવાનો આશય નથી. પણ ઝીણી ઝીણી વાતોથી હટીને રાજમાર્ગ પકડીએ ત્યારે નક્કી કરવું રહે કે નાગરિકને નાતે તમે હાડપિંજરોને કબાટબદ્ધ કરવા સાથે છો કે હાડપિંજરોને કબાટમુક્ત કરવા સાથે છે.
ઝીણી ઝીણી વિગતો, ગોબેલ્સિયન કારવાઈઓ અને ઓરવેલિયન ડબલસ્પીક તટસ્થ બૌદ્ધિકમાત્રને અસમંજસમાં મૂકી શકે છે. પણ હાડપિંજર અને કબાટનો વિવેક કેળવી શકાય તો અસમંજસના અંધાર વચ્ચે દિવાળીનું કોડિયું જરૂર મળી રહે.
ઑક્ટોબર ૨૯, ૨૦૧૮
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2018; પૃ. 03 તેમ જ 18
 ![]()


સરદારને જરી વધુ તીવ્રતાથી, કહો કે કંઈક કચકચાવીને સંભારવાનો તાવ એ હમણેનાં વરસોની એક લાક્ષણિકતા રહી છે.


અંશતઃ જનપથ અને ઠીક ઠીક પ્રમાણમાં રાજપથને ધોરણે લુટિયનના ટીંબે (નવી દિલ્હીમાં) સુપ્રતિષ્ઠ વિજ્ઞાન ભવનમાં, સ્વામી વિવેકાનંદના સુકીર્તિત શિકાગો સંબોધનની એકસો પચીસમી જયંતીના માહોલમાં, સરસંઘચાલક મોહન ભાગવતના ત્રિદિવસીય વ્યાખ્યાન સત્રને કેવી રીતે જોશું, વારુ? સંઘ પરિવારનાં વડેરાં મુખપત્રો – અંગ્રેજીમાં ‘ઑર્ગેનાઇઝર’, હિંદીમાં ‘પાંચજન્ય’ – એને વર્તમાન રાજકીય સંદર્ભમાં શબ્દફેરે વિવેકાનંદની ધારામાં સમોવડ લેખે છે, અને સંઘના સિદ્ધાંતકોવિદ લેખે ચેનલ-સિક્કો ધરાવતા રાકેશ સિંહા (હવે રાજ્યસભામાં નિયુક્તિથી સમુત્ક્રાન્ત) કહે છે કે આ તો એક નવા વિમર્શનાં મંડાણ છે. ગમે તેમ પણ, પૂર્વરાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નાગપુર સંબોધન તેમ જ તે સમયના ભાગવતનાં પ્રાસ્તાવિક સાથે એક મૃગયાનો પ્રયાસ જરૂર હાથ ધરાયો છે. આ મૃગયા, સંઘપરિવારની સ્વીકૃતિના ઉત્તરોત્તર વિસ્તારની દૃષ્ટિએ છે. એક રીતે, લુટિયનનો ટીંબો ફતેહ કર્યા પછી સુદૃઢીકરણની તેમ આગામી ચૂંટણીમાં સંભવિત ઘટના અવેજની જરૂરત જોતાં આ વ્યાયામ વિપળવાર પણ વહેલો નથી : જોવાનું જો કે એ રહે છે કે ભાગવતવચનો તે કોઈ પી.આર. એક્સરસાઈઝ માત્ર છે કે એથી આગળ વધીને તે ખુલ્લાપણા સમેતનાં નવઉઘાડ (સોવિયેત સંદર્ભમાં વપરાતા પ્રયોગો સંભારીએ તો ‘થૉ’ અને ‘ગ્લોસનોસ્ત’) છે કે કેમ. હર ગ્લાસનોસ્તને પેરેસ્ત્રોઇકા કહેતાં નવરચનાની (નવ્ય સંરચનાની) અવિનાભાવ જેવી આવશ્યકતા હોય છે, એવું કાંઈ અહીં આયોજનમાં છે કે કેમ.