આજે ભારતરત્ન પંડિત અટલબિહારી નેહરુની 100મી જન્મજયંતી છે. એવું નથી કે કશીક ટાંકચૂકથી અહીં વાજપેયીને બદલે નેહરુનું નામ લીધું છે. માત્ર, સન બયાલીસના ‘હિંદ છોડો’ વારાથી એ (ભલે ત્યારે ખાસ કોઈ નોંધપાત્ર કામગીરી વગર પણ) જાહેર જીવન ભણી ખેંચાયા ત્યારે હિંદુત્વ સ્કૂલના કંઈક સંપર્કપૂર્વકનાં અને એસ.એફ.આઈ. – સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા સાથે પણ સંપર્કપૂર્વકનાં એમ મીલીજૂલી તાસીરનાં એ પ્રારંભિક વર્ષો હતાં.

પ્રકાશ ન. શાહ
જો કે, એ અઢળક ઢળિયા તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભણી. પણ જેમ આ છેડાનો તેમ પેલી મેરનોયે રાષ્ટ્રીય સંસ્કાર એમને આજીવન પ્રસંગોપાત ખેંચતો, પજવતો, મૂંઝવતો ને સંસ્કારતો રહ્યો. એટલે સ્તો પેલાં રામજન્મભૂમિ આંદોલનનાં એક વીરનાયિકા શાં સાધ્વી ઋતંભરાને વાજપેયી માટે હોઠે ચડેલી ઓળખ જરી તુચ્છકારની રાહે ‘આધા કાઁગ્રેસી’ એવી રહી હતી.
આ લખું છું ત્યારે મને કુલદીપ નાયર સાથેની વાજપેયીની એક મર્મોક્તિ સાંભરે છે. 1990-92ના ગાળામાં સંઘ પરિવારી એક બડું રાવણું અયોધ્યામાં મળ્યું ત્યારે વાજપેયી બીજે ક્યાંક હતા. કુલદીપ નાયરે એમને પૂછ્યું : ‘તમે અહીં ?’ વાજપેયીએ કહ્યું, ‘રામભક્તો ત્યાં છે, અને દેશભક્તો અહીં!’ લાલકૃષ્ણ અડવાણીએ ‘માય કન્ટ્રી, માય લાઈફ’ એ આત્મકથામાં સંભાર્યું છે કે અયોધ્યા આંદોલન વખતે મારી ને વાજપેયી વચ્ચે મતભેદ હતો, પણ એ ઉદારમતિ ઉર્ફે લિબરલ અને હું ઉગ્રમતિ ઉર્ફે હાર્ડલાઈનર એવા કોઈ જાથુકી મતભેદ ઘણીખરી બાબતોમાં નહોતા. અલબત્ત, અમારે અંગેની આ જાહેર છાપના બેઉ છેડા ઝોકફેરે મળીને ભા.જ.પ.ની અપીલને સર્વવર્ગી બનાવવા સારુ ઉપયોગિતાની રીતે ઠીકઠાક છે. વિનય સીતાપતિએ ભારતીય રાજકારણની આ દમદાર જોડી વિશે ‘જુગલબંદી’ પુસ્તકમાં અચ્છી નુક્તેચીની કીધી છે.
અહીં વાજપેયીની કહેવાતી (કેમ કે એના સ્રોત અંગે હું ચોક્કસ નથી) એક મજબૂત ઉક્તિ સહજભાવે સંભારી લઉં કે કારસેવકો યાદ રાખે કે તેઓ અયોધ્યા જઈ રહ્યા છે, નહીં કે લંકા! આ આંદોલન સંદર્ભે સર્વોદયી સાથીઓએ શાંતિમય ધરણાનું આયોજન કર્યું ત્યારે એમના પર હુમલો કરી એમને ખદેડી મૂકવામાં આવ્યા હતા. ગાંધીજીનાં પુત્રવધૂ નિર્મળા ગાંધીએ ત્યારે વાજપેયી વગેરેને પત્ર લખીને કહ્યું હતું કે ભિન્નમતને ધોરણે આવી હિંસક પ્રતિક્રિયા બરાબર નથી. નારાયણ દેસાઈ પાસે આ લખનારે સાંભળ્યું છે કે વાજપેયીએ નિર્મળાબહેનને લખ્યું હતું કે એમ કરનારા અમારા જ મિત્રો હશે એમાં શંકા નથી, લેકિન સબ મેં આપકે સ્વર્ગીય શ્વસુર કી તરહ ઈતના નૈતિક સાહસ કહાં કિ આંદોલન કો વિડ્રો કર સકે : (દેખીતી રીતે જ તેઓ ચૌરીચોરાની ઘટના વખતે ગાંધીજીએ આંદોલન પાછું ખેંચેલું એ બીનાનો કદરભેર ઉલ્લેખ કરવા માગતા હતા.)

બે કવિનું મિલન
ગમે તેમ પણ, કોઈ મોટા કવિ નહીં તો પણ સહૃદય હોઈ શકતા કહો કે કવિહૃદયના આસામી વાજપેયી ખસૂસ હતા. એમના નેતૃત્વમાં, પ્રસંગે ઋજુતા જરૂર પ્રગટ થતી રહી. પાકિસ્તાન ગયા ત્યારે ઘરઆંગણાની પ્રતિક્રિયા તેમ યજમાન મુલકના પ્રોટોકોલની પરવા વિના એ ક્રાંતિકારી કવિ ફૈઝને મળવા દોડી ગયા હતા. 1999માં એમણે યોજેલી દિલ્હી-લાહોર બસયાત્રા એક રીતે આઉટ ઓફ બોક્સ ડિપ્લોમસીનો શાયરાના અંદાજ હતો. લાહોરનું એમનું ઉર્દૂ-હિંદુસ્તાની ઝાંયનું ભાષણ, ભાગલા પછી નેહરુની પહેલી લાહોર મુલાકાતના બરનું હતું.
વડા પ્રધાન નવાઝ શરીફ અનુકૂળ હોઈ શકતા હતા, પણ લશ્કરી વડા મુશર્રફે ખેલ બગાડ્યો એ ઇતિહાસવસ્તુ છે. એમનું નિર્ણાયક કદમ તો ‘મિનારે પાકિસ્તાન’ની સત્તાવાર મુલાકાતનું હતું. જે સ્થળે 1940માં પાકિસ્તાનની માગણીનો અધિકૃત ઉદ્દઘોષ થયો હતો ત્યાં જવું સારા પાડોશી તરીકે માનવતાની સહૃદય અપીલ અને કવિહૃદયનો ધક્કો એમને એ માટે ખેંચી ગયો હશે જે અંગે દિલ્હીનાં રાજદ્વારી વર્તુળો દ્વિધાવિભક્ત હશે, અને નાગપુરના આકાઓ આકરા ટીકાકાર. મુદ્દે, 1999માં 1977-78ની મોરારજી સરકારના વિદેશ મંત્રી તરીકે એમની ભૂમિકાનું આ અનુસંધાન હતું. ‘અખંડ ભારત’વાદી જનસંઘ ગોત્રના તમને અહીં આવવું કેવું લાગે છે એવા પ્રશ્નના ઉત્તરમાં પાકિસ્તાની પત્રકારોને એમણે કહ્યું હતું કે હું એ ઇતિહાસબોજ ભૂલી જવાની કોશિશમાં છું. તમે પણ એવી કોશિશ કરો.
બોજ અને બોધ વચ્ચેની આ કશ્મકશ એક કવિહૃદય ને ધીટ રાજકારણી વચ્ચેની હતી. બાકી, એ જ અરસામાં નવી દિલ્હીના ગાંધી પીસ ફાઉન્ડેશનના સમારોહમાં એકરારના અંદાજમાં એ કહી ચૂક્યા હતા કે જુવાનીના તોરમાં ને ગુસ્સામાં વિભાજન ને ગાંધીહત્યાના કાળખંડમાં અમે જે બોલતા ને લખતા તે હવે પ્યારેલાલાલ કૃત ‘લાસ્ટ ફેઝ’ના વાચન પછી હું કહેવા ન ઇચ્છું.
ગુજરાત 2002 વખતે રાજધર્મના પાલનની સાફ વાત કર્યા પછી એ રાજીનામું લઈ શક્યા નહીં. બોજ અને બોધ વચ્ચેની કશ્મકશને શાસનના અંતિમ ચરણમાં ઇતિહાસની મૂઠ વાગી ગઈ તે વાગી ગઈ. એમના અનુગામી ગણ ને ચાહકોની ખિદમતમાં – આત્મનિરીક્ષણ સાથે આગળ જવા વાસ્તે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 25 ડિસેમ્બર 2024