ગુલ પનાગના તેમ સરિતા દાસના કિસ્સાઓમાં ૨૦૦૨ બાબતે મોદીની જવાબદારી-બેજવાબદારીનો મુદ્દો જરૂર છે અલબત્ત, છે તો એ એક જોગાનુજોગ જ. પણ શુક્રવારી છાપાં ચારીમાં સહજ ક્રમે બે મહિલાઓનાં નામ સામે આવ્યાં: એક તો, નાગરિક નિસબત વાસ્તે લબરમૂછ ટ્વિટરાટીઓમાં જાણીતી અને કંઈક માનીતી ગુલ પનાગનું. અને બીજું જે નામ સામે આવ્યું તે સરિતા દાસનું. સરિતા એક નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી છે, અને પૂર્વે રાષ્ટ્રીય લઘુમતી કમિશનને એમણે સચિવસ્તરે સેવાઓ આપેલી છે. ગુલ અને સરિતા બેઉના ઉદ્દગારોમાં કોઈ એક સમાન મુદ્દો હોય તો તે નરેન્દ્ર મોદી વિશે છે. સરિતા છેલ્લા કેટલાક મહિનાઓથી એ વાતે અસ્વસ્થ જ અસ્વસ્થ છે કે નરેન્દ્ર મોદીને કથિત 'કલીન ચીટ’ અપાયેલી છે.
પોતે ૨૦૦૨માં સત્તાવાર કામગીરીની રૂએ અમદાવાદની મુલાકાત લીધી ત્યારે આપત્તિગ્રસ્ત લોકોની અને વિસ્તારોની રૂબરૂ મુલાકાતે ન જઈ શકે એવી ભરસક કોશિશ મોદી તંત્રે કરી હતી. સરિતા દાસે સ્થળહેવાલમાં આ બધી વિગતો લઘુમતી કમિશન જોગ દર્જ પણ કરી હતી. આ પ્રકારના હેવાલોના ઉજાસમાં 'કલીન ચીટ’નું સ્વાભાવિક જ કોઈ લોજિક નહોતું ને નથી. પણ જ્યારે સરિતા દાસે આ સંદર્ભમાં કમિશનના દફતરમાં તપાસ કરી ત્યારે એમના હેવાલનો કોઈ અતોતપો જ નહોતો, ગુલ પનાગનો કિસ્સો જરી જુદી તરેહનો છે. યુવા પેઢીને સહજ મોદીની મોહની ક્યારેક એને સ્પર્શી ગઈ હશે, અને ત્યારે 'કલીન ચીટ’ હેવાલોના ઊંડાણમાં ગયા વગર એણે 'મોદી ફોર પીએમ’ એવી ટ્વિટરાટી ધડબડાટી પણ બોલાવી દીધી હતી.
બેશક, આ કિસ્સો કોઈ ભાડૂતી પ્રચારમારાની કડીનો નહોતો – પણ ભલી સમજ અને સરળ ઉત્સાહભેર દડી પડયાનો હતો. ‘આપ’ તરફથી ગુલને ચંડીગઢની ઉમેદવાર જાહેર કરાઈ ત્યારે એણે આ વિશે દિલખુલાસ વાત પણ કરી હતી : 'ભાઈ, ત્યારે ‘આપ’ હતું જ કયાં? (કોંગ્રેસ રાજથી નારાજ) મેં અંધો મેં કાના રાજા એ ન્યાયે નમો માટે ટ્વિટ કર્યું હતું. ત્યારે મામલો પસંદગીનો નહીં પણ વખાના માર્યા જખ મારવાનો હતો.’ દેખીતી રીતે જ, ગુલ પનાગની આ ઉક્તિમાં કોંગ્રેસ-ભાજપ જેવા એકબીજાની બદલી ભરતા પક્ષો કરતાં ‘આપ’ પ્રકારની વિકલ્પ ચેષ્ટાની કદર ઝળકે છે. ઉપરાંત, 'કલીન ચીટ’ના લોજિકને પડકારતી જે બધી સિલસિલાબંધ વિગતો વચગાળામાં બહાર આવતી રહી છે એનો ય એમાં કંઈક ફાળો જણાય છે.
ગુલની ઉમેદવારી જાહેર થવી અને એ જ દિવસે પૂર્વ પોલિસવડા શ્રીકૃમારનું 'આપ’માં જોડાવું, કદાચ એક જ ફ્રિકવન્સી પરની આ બે બીનાઓ છે એમ પણ તમે કહી શકો. ગુલ પનાગના તેમ સરિતા દાસના કિસ્સાઓમાં ૨૦૦૨ બાબતે મોદીની જવાબદારી અને બેજવાબદારીનો મુદ્દો જરૂર છે. પણ આ ક્ષણે જાહેર જીવનના કોમી પરિમાણની ચર્ચામાં ધારો કે ન જઈએ તો પણ આ પ્રશ્ન શાસનનો, સુશાસનનો અગર તો કાયદાના શાસન વિષયક તમારું ધોરણ અને તમારો અભિગમ શું છે એનો તો રહે જ છે. મોદીએ વિકાસનો મુદ્દો ઉછાળ્યો અને ૨૦૦૨ની જવાબદારી બાબતે પડદો નાખવાની કોશિશ કરી એ સાચું; પણ વિકાસ બાબતે તો એમણે ચર્ચા કરવી જ રહી.
લાંબા એકતરફી પ્રચારમારા પછી કેજરીવાલની ગુજરાતની મુલાકાતને પગલે વિકાસના મોદી મોડેલની વાસ્તવિકતા કદાચ પહેલી જ વાર રાષ્ટ્રીય સ્તરે બહાર આવી છે. તે સાથે, ચાલુ અઠવાડિયે બિહારમાં મોદીના ગુજરાતદાવા સામે નીતીશે એક એક મુદ્દો લઈ જે રીતે બિહારદાવો ઉપસાવ્યો તે પણ આ ચર્ચાને એક વિશેષ આયામ આપતી બીના હોઈ શકે છે. નીતીશની માંડણી વિકાસ અને સામાજિક સમાવેશકતા (સોશ્યલ ઈન્કલુઝન) આસપાસની હોય તેમ જણાય છે. ૨૦૧૨ના ગુજરાત વિધાનસભાના પરિણામ સાથે મોદીએ 'એસ્પિરેશનલ મિડલ કલાસ’ને અપીલ કરવાનો રસ્તો લીધો છે. રાહુલ ગાંધીનો ઝોક માહિતી અધિકારથી માંડી મનરેગા સહિત સશક્તીકરણ મથામણની યાદ આપવાનો રહે છે.
પણ હમણે હમણે એમણે 'એન.આર.એમ.બી.’ -નોટ રિચ, નોટ મિડલ કલાસ, નોટ બીલો પોવર્ટી લાઈન- એવા વર્ગને વિશેષરૂપે તાકવાનું પસંદ કર્યું છે. તો, અહીં મુદ્દાની વાત કદાચ એ બને છે કે ચર્ચા નાતજાતમાં સીમિત નહીં રહેતાં કંઈક વર્ગીય અને નાગરિકી વલણ દાખવે છે. આ એસ્પિરેશનલ મિડલ કલાસથી માંડીને એન.આર.એમ.બી. જેવાં વાનાં આપણને કદાચ એ બાબતે વિચારવાની ફરજ પાડે છે કે પરંપરાગત ગ્રામભારતને બદલે શહેરી ભારત (ઈન્ડિયા) વિસ્તરી રહ્યું છે. આ શહેરીકરણ (પાંચસાત વરસ પછી અડધું ગુજરાત શહેરોમાં હશે) નાતજાતના ઓળખ-રાજકારણ ઉપરાંતના અભિગમની અપેક્ષા રાખે છે એમ કહેવામાં હરકત નથી.
છેલ્લા સેન્સસમાં અગાઉના ૧,૩૬૨ સેન્સસ ટાઉનને બદલે ૩,૮૮૪ સેન્સસ ટાઉન ઉભર્યાં હોય તો એનો અર્થ એ થયો કે શહેરી વલણોવાળું ગ્રામકેન્દ્રીકરણ આગળ વધી રહ્યું છે. સવાલ, આ એસ્પિરેશન મિડલ કલાસથી માંડી એન.આર.એમ.બી. તેમ જ નવ્ય ગ્રામનગરી (રુર્બન) સમુદાયને એકબીજાની તેમ બાકી સૌની સારસંભાળપૂર્વક વિકાસમાં સંયોજવાનો છે. આ વિકાસ સહભાગી હોય એટલો જ સંપોષિત હોય તે પણ જોવાનું છે. ચાલુ પક્ષો થકી ઓળખની સાંકડી રાજરમત એ સંદર્ભમાં છેક જ બેમતલબ અને બેજવાબદાર લેખાશે …
પ્રકાશ ન. શાહ લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર 'નિરીક્ષક’ના તંત્રી છે.
http://www.divyabhaskar.co.in/article/ABH-narrow-identity-vs-inclusive-development-4550835-NOR.html
![]()


અલવિદા, ઇલા પાઠક; આવાં કેટકેટલાં પાયામાં પુરાયાં અને પુરાશે ત્યારે નાગરિક સમો બંધાશે, ન જાણે
તાજેતરનાં અઠવાડિયાઓમાં ચાલુ બનાવોની ભરમાર વચ્ચે કોઈ એક વાનું કમબખ્ત ચિત્તનો કેડો જ ન મેલતું હોય તો તે 'આપ’ ઘટના છે. સ્વરાજ સંગ્રામ જો દેવહુમા પક્ષીની પેઠે જયપ્રકાશના આંદોલનમાં પુનર્જીવિત અનુભવાયો હોય તો એનું એક સાતત્ય અને સંધાન જંતરમંતર વાયા તહરીર દિવસોને પગલે આજકાલ 'આપ’ રૂપે અવનવાં સ્પંદનો જગવે છે. એટલે સામાન્યપણે સીધા એ વિષય પર જ ગયો હોત, પણ શુક્રવારની સવારે કર્મશીલ ઇલા પાઠકને પંચ મહાભૂતને હવાલે સોંપવાનું બન્યું તે ક્ષણથી ચિત્ત 'આપ’ પરથી હટીને ઇલા પાઠક નામે માનવ ઘટના પર ઠરવા કરે છે.
બિલકુલ, બિલકુલ, લિવિંગ પ્રેઝન્સ. મહાત્મા ગાંધી વિશે મદીબાનું એક ચોંટડૂક, બેલાશક ભરીબંદૂક વિધાન છે કે, તમે (હિંદે) અમારે ત્યાં એક બેરિસ્ટરને મોકલી આપ્યા હતા, પણ અમે (દક્ષિણ આફ્રિકાએ) તમને મોકલી આપ્યા તે 'મહાત્મા’ હતા આ ક્ષણ – ગાંધીઘડતરની લાંબી દાસ્તાંમાં જવાની અલબત્ત નથી. પણ વિશ્વઇતિહાસમાં ગાંધીઘટનાએ જે પરિવર્તનનાં પરિબળોને ચાલના અને દિશા આપી તેના એક આગવા, પોતીકી તરેહના નવોન્મેષરૂપ મંડેલાને સમજવાની, સરાવવાની, સંભારવાની છે.