વચ્ચે જરી ઝોલો પડતો લાગે ત્યારે કશુંક છાકો પાડતું કરીને છવાયેલા રહેવું તે વર્તમાન નેતૃત્વનો શૈલીવિશેષ છે
ગાલિબને પોતાના ‘અંદાજે બયાં ઑર’ પર ખાસ્સો નાઝ હતો. પણ આપણે તો અરુણ જેટલીના અંદાજપત્રની ચર્ચા કરવી રહે છે. જો કે આ કિસ્સામાં પણ અંદાજપત્ર બાબતે ઘાટ તો ‘બયાં ઑર’ જ છે. ચાલુ વિધાનસભા ચૂંટણીઓએ સરકારે બજેટ જાહેરાતો બાબતે ચોક્કસ જ સંયમ જાળવવો જોઈએ, પણ જે રીતે નોટબંધી કે નોટબદલી અંગે વડાપ્રધાને અગાઉ સામેથી માંગી લીધેલા દિવસો બાદ દિલખુલાસ પેશ આવવાને બદલે આંબાઆંબલીની તરજ પર ‘બયાં ઑર’નો રાહ લીધો હતો તેમ જ એમના મનની વાત અને આપણા મનની અમૂઝણ વચ્ચે વ્યાખ્યાગત ધોરણે જુવારાને વળગી રહેતા માલૂમ પડે છે એ જ રીતે ન તો રાષ્ટ્રપતિ(એટલે કે વડાપ્રધાન)ના બંને ગૃહો જોગ સંબોધનમાં અને નાણાં પ્રધાનના બજેટ વક્તવ્યમાં નોટબંધી-કાળાં નાણાં મામલે આગલાં ગર્જનતર્જનના ઉજાસમાં ‘બયાં ઑર’વાળી ન હોય ત્યારે પણ ભળતોસળતો સ્પિન આપીને બાજુએથી નીકળી જવાનો અંદાજ તો અનુભવાય જ છે.
પહેલાં નેવું/સો દિવસને અંતે ન તો નમોએ પોતે નોટબંધીથી પડેલ હાલાકી વિશે – અને નોટબંધીગત મૃત્યુદોર વિશે – દિલગીરી દાખવી, ન તો રાષ્ટ્રપતિ વાટે દિલગીરીના બે બોલનો સલામત વિવેક પણ દાખવ્યો. બીજું, કાળાં નાણાં સામેના બ્રહ્માસ્ત્ર પેઠે નોટબંધીને ઉછાળાતી હોય તો પણ હજુ સુધી ન તો આપણી પાસે એની વાસ્તવિક પ્રાપ્તિનો કોઈ ધોરણસરનો આંકડો છે, ન તો શરૂ થયા જેવી છતાં લગભગ-નહીં-શરૂ-થયેલી પ્રક્રિયા બાબતે કોઈ રોડમેપ સરકારે આપણી સામે મૂક્યો છે. જે પણ આગળની વાતું ચીતરી છે તે પેલા સામે (પણ છેટે ને છેટે) લટકતાં ગાજર જેવી કે પછી આવતી પેઢીના આંબાઆંબલીના ચિતરામણ જેવી પણ વાસ્તવમાં એમની મૃગયાની અસલિયતને છતી કરતાં મૃગજળ જેવી જ બહુધા તો છે.
આ બધાં પરથી હવે જે અનુમાન અને અવલોકન નકરો આરંભિક અંદાજ મટીને દુર્દૈવ વાસ્તવ રૂપે પ્રત્યક્ષપણે આવે છે તે એ છે કે વિમુદ્રીકરણ/વિ-ચલન (ડિમોનેટાઇઝેશન) એક આર્થિક આયોજનપૂર્વકના પગલા કરતાં વધુ તો રાજકીય દાવ હતો. આર્થિક નીતિ અને એના કાર્યાન્વયન માટે રાજકીય-શાસકીય સંકલ્પશક્તિ (પોલિટિકલ વિલ) જોઈએ છે એ બુનિયાદી અર્થમાં નહીં પણ રાજકારણી પેચપવિત્રાના અર્થમાં તે એક રાજકીય દાવ હતો અને છે. બડી બડી બાતોને ધોરણે હંકારતા રાજકારણમાં વચ્ચે જરી ઝોલો પડતો લાગે ન લાગે ત્યાં કશુંક નાટ્યાત્મક, એકદમ છાકો પાડી દેતું કરી પાડવું અને એમ છવાયેલા રહેવું તે વર્તમાન નેતૃત્વનો શૈલીવિશેષ છે.
એ રાહે આઠમી નવેમ્બરે જે વિ-ચલન જાહેરાત આવી પડી તે વસ્તુત: પોતે પ્ર-ચલનમાં રહેવા માટેનો આનર્તખેલ હતી. આ પક્રિયામાં ઊર્જિત પટેલ ગવર્નર નહીં પણ કલાર્ક બની રહે કે નીતિ આયોગના અને અન્ય અર્થશાસ્ત્રીઓ, પછી તે અરવિંદ પાનગરિયા અને અરવિંદ સુબ્રમણ્યમ હોય કે બીજા, અપ્રસ્તુત જેવા અગર તો ઉત્સર્ગોત્તર સફાઈ સિપાહી બની રહે અથવા તો ધંધાદારી ધોરણે બ્રીફબારિસ્ટરું કૂટનારા બની રહે.
અરુણ જેટલીનું તો જાણે સમજ્યા. એમને ગુજરાતમાંથી રાજ્યસભામાં બેસવાનું છે, અને ‘નોકરી’નો સવાલ છે. એટલે એમની સાથે કોઈ પૂર્વચર્ચા થઈ હતી કે નહીં એવા અપ્રસ્તુત સવાલમાં એ પડે શાના. બચાડા જીવ, અરુણ શૌરિને હતાશ (ફ્રસ્ટ્રેટેડ) કહે છે એ અર્થમાં ફ્રસ્ટેટ થવાની એમની કોઈ ગણતરી હાલ સ્વાભાવિક જ નથી. પણ જેમની પાસે વ્યાવસાયિક સજ્જતા અને સન્માન છે એ ઉચ્ચસ્તરીય લોક રઘુરામ રાજન જેવો સ્પિરિટ કેમ દાખવી નહીં શકતા હોય, એ એક ચિંતાનો મુદ્દો છે – કેમ કે પ્રશ્ન એમની અંગત નોકરીનો માત્ર નથી, જાહેર જવાબદારીનો છે.
હશે ભાઈ, એમના જેવી કોઈ વ્યાવસાયિક સજ્જતા ભલે નહીં પણ નાગરિક છેડેથી એકબે કાલાઘેલા સમજમુદ્દા તો આ ક્ષણે પાડવા જ રહે છે. એક કાળે ભા.જ.પ. છાવણીએ જેની ટીકા સૂંડલા મોંઢે કરી હતી અને પોતે આવતાંની વારમાં જેને કચરાટોપલીમાં ફેંકી દેવાના હતા તે મનરેગા માટેની રકમ અંદાજપત્રમાં અગાઉ કરતાં ખાસી વધારી દીધી છે, એ હકીકતને કેવી રીતે ઘટાવશું?
આ દેશમાં સામાન્ય માણસને છેવટે સો દિવસ વાસ્તે પણ રોજીટેકો મળી રહે તે કેટલું જરૂરી છે એ મોડે મોડે ય સમજાયું હોય તો આપણે ભા.જ.પ.ને એટલા માટે ટોણો મારવાથી પરહેજ કરીએ. બલકે, રાજીપો પણ વ્યક્ત કરીએ. પણ મનરેગા માટેની જોગવાઈ ખાસી વધારી દેવાઈ એ ઘટાનાનું રહસ્ય નોટબંધી પછીના દિવસોમાં સવિશેષ ઉકેલવા જોગ છે. જે બધી છૂટક રોજમદારીઓ છૂટી ગઈ અને ઠીક ઠીક લોક વતન પાછું ફર્યું અેને સારુ આવી જોગવાઈ દુર્નિવાર હતી અને છે.
નોટબંધીથી આવતી કાલે જે લાભ થવાનો હશે તે થશે – જો કે કેઇન્સ તો કહેશે કે લાંબે ગાળે સૌ મરે છે – પણ હમણાં તો મનરેગાના વિસ્તરણમાં ઉગાર શોધવો પડે એ નોટબંધીની ભેટ છે. જેને નેનો અને નાના ઉદ્યોગ કહેવાય છે (માઇક્રો-સ્મૉલ-મિડિયમ કહેતાં એમ.એસ.એમ.ઈ.) એમાં પાંચ ટકા જેટલી કરરાહતમાં પણ એ હકીકતનો છૂપો એકરાર પડેલો છે કે નોટબંધી આ સૌને કેવી ગ્રસી ગઈ છે.
અને કાળાં નાણાંને નાથવા વિશે તો શું કહેવું. અરુણ શૌરિ કહે છે કે તમારે જે પ્રશ્ન દેશ બહાર ઉકેલવાનો છે એને વાસ્તે તમે ઘરમાં સર્જિકલ સ્ટ્રાઈકનો ખેલ પાડી રહ્યા છો. ખેર, એ તો જે હોય તે પણ નાણાંવહેવાર કરતાં વધુ તો વકીલાતની વાતુંમાં રમેલાભમેલા અરુણ જેટલીએ આ નકો નકો જેવા અંદાજપત્રમાં એક પેરાને મથાળે ‘રાજકીય ફંડફાળામાં પારદર્શિતા’ એવો જે વરખ ચોંટાડ્યો છે તે જરી ઝીણવટથી જોવાતપાસવા જોગ છે. દેશના સર્વ રાજકીય પક્ષોનાં સિત્તેર ટકા નાણાં બેનામી ઉર્ફે અનામ સ્રોતને આભારી છે. રાજકીય પક્ષ રૂપિયા વીસ હજારના ફાળા લગી નામરૂપની ચિંતા ન કરે તે બિલકુલ કાનૂની જોગવાઈ છે. હવે એ ઘટાડીને બે હજારની કરાઈ છે. જો આ રકમ પણ અનામ રહી શકતી હોય તો એને વિશે શું કહીશું, સિવાય કે ‘ગુપ્તદાન’ ઉર્ફે કાળા ધનનું વિકેન્દ્રીકરણ!
પહેલાં તમે બેનામી લાખ રૂપિયા પાંચ પહોંચે લેતા હશો, હવે પચાસ પહોંચે લેશો, એટલું જ કે બીજું કૈં? એક વાર તમે કથિત ‘દાતા’ને અનામ રાખવાની સોઈ ઊભી કરો તો પછી રિટર્ન ભરો તો પણ શું. ન ભરો તો પણ શું. આમાં કશું નવું નથી. 1979ની એટલે જનસંઘ સહિતની જનતા જોગવાઈની રૂએ તેમ 2003ની જોગવાઈની રૂએ – આ બધું થયેલું છે. અને કાળું નાણું જેમનું તેમ કુંડળી માંડી દિવસરાત વિસ્તરતું ચપ્પટ જામતું રહેલ છે.
આ સમગ્ર પ્રક્રિયામાં ભા.જ.પ. આરંભથી અંગભૂત છે. એ ‘પાર્ટી વિથ અ ડિફરન્સ’ નથી તે નથી. એ જો પક્ષના ફંડફાળા સહિતની વિગતોને આર.ટી.આઈ.ના દાયરામાં લાવવાની પહેલચેષ્ટા કરે તો વાત બને. એ અલબત્ત અઘરું છે, કેમ કે જેઓ ચૂંટણીના મેદાનમાં અને સત્તાસંઘર્ષમાં સામસામા છે તે સૌ આવે પ્રસંગે એક જ વર્ગના બની રહે છે. તેઓ ભલે વિકલ્પના વેશમાં આવે, પણ નાગરિકની વિકલ્પશોધ એથી મંજિલ પર પહોંચે એવું ન પણ બને … ‘અંદાજે બયાં ઑર’!
સૌજન્ય : ‘વિ-ચલન, પ્ર-ચલન’, “દિવ્ય ભાસ્કર”, 04 ફેબ્રુઆરી 2017
![]()


અડસઠમા પ્રજાસત્તાક દિવસની વળતી ઉષાએ (શુક્રવારે) બે અક્ષર પાડી રહ્યો છું ત્યારે ચિત્ત ચાર દાયકા પાછળ જવા કરે છે: 1977નો એ જાન્યુઆરી સ્તો હતો જ્યારે અમેરિકામાં કાર્ટરની પ્રમુખપોશી થઈ હતી, અને એના એકબે દિવસ આગમચ આપણે ત્યાં કટોકટી હળવી કરવા સાથે ચૂંટણી જાહેરાત થઈ હતી. વસ્તુત: 1976 ઊતરતે જ્યારે કાર્ટરની ફતેહ સાફ જણાઇ એ વખતે જ રાજકીય નિરીક્ષકો એક એવી સમજ પર ઠરવા લાગ્યા હતા કે આપણે ત્યાં કટોકટીરાજ સંકેલવાની દિશામાં દબાણ વધશે. તે વખતનાં આંતરરાષ્ટ્રીય બલાબલ અને કાર્ટરના ભાવવિશ્વની વિશેષ ચર્ચામાં નહીં જતાં આ ક્ષણે એટલું જ કહેવું બસ થશે કે ઇંદિરા ગાંધીની ખુદમુખત્યારીના વિલય અને કાર્ટરના ઉદયનો ચાળીસ વરસ પરનો જોગસંજોગ આજના નમો-ટ્રમ્પ માહોલમાં એક અજબ જેવી સહોપસ્થિતિ સરજે છે.