સુરતમાં પરપ્રાંતીય લોકો ઘણાં જ છે. હમણાં એ બધાંની હાલત વિશે ચિંતિત છું. એ નિમિત્તે આ કાવ્ય અવતરિત થયું છે. આશા છે આપને ગમશે.
જેના માટે અહીં આવ્યાં,
એ દાણા તો હવે વેરાઈ જ ગયા, 
હવે વીતે છે એક એક દા'ડૉ ભૂખથી,
પણ 
એથીયે ભયંકર છે આ ભીખ 
વતન જવા માટેની, 
ના, પેટ તો ભરાતું નથી કોઈનું યે,
અરે,
ટોળું થવું તો કોઈને ન ગમે,
પણ આપૉઆપ જ થઈ જાય સમદુખિયાઓનું, 
પછી શરૂ થાય 
ડરામણી ધાકધમકી, દંડામાર, અશ્રુવાયુ વગેરે …
પછી તો,
દોડાદોડી, ભાગાભાગી, ધક્કામુક્કી.
અને
નેતાઓ, અભિનેતાઓ,
શાસકો, પ્રશાસકો, જમાદારો, વહીવટદારો ને અમલદારો દ્વારા સતત અપીલ
"ઘરમાં જ રહો."
હા,
એમને ય ઘરે જ જવું છે,
સ્વસ્થ અને સુરક્ષિત રહેવા,
ને એના માટે જ આ વલખાં … 
પણ
વિશુદ્ધ થયેલા વાતાવરણમાં 
દૂરથી યે દીવો બળતો દેખાતો નથી
ફક્ત દેખાય છે
રાહ જોતી આંખના કુંડાળાઓમાં ચિંતાગ્રસ્ત ચહેરાઓથી
ઘેરાયેલું ઘર.
ને 
લાચાર આંખના છેડેથી 
નિકળી ગયેલો એક ધગધગતો રેલો
ઉચાળા ભરતો
ઠેઠ 
પહોંચી ગયો ધરતીના છેડે …
(સુરત) 05/05/2020
 

