હૈયાને દરબાર
ઉનાળાને વગોવવાની આપણને બૂરી આદત છે. આમ તો દરેક ઋતુ સામે આપણને કંઈક ને કંઈક વાંધો હોય છે. ચોમાસામાં અનરાધાર વરસાદ વરસે તો આપણે એને ગાળો આપવા માંડીએ કે મૂઓ બંધ જ નથી થતો. શિયાળામાં કડકડતી ઠંડી પડે તો એમાં ય પ્રોબ્લેમ કે ટાઢિયો તાવ ચડી ગયો છે ને બહુ ગ્લુમી ફીલ થાય છે. ઉનાળામાં તો લોકો ત્રાહિમામ્ પોકારવાનું બાકી જ ન મૂકે. દરેક ઋતુ, ઋતુ પ્રમાણેનું કામ તો કરે જને! અમને તો ઉનાળો ઘણો જ ગમે છે. આંબો તો ઉનાળાનો સરતાજ. રસઝરતી ખુશ્બોદાર કેરીઓ સામે ઉનાળાના બધા ગુના માફ! રવિવારની બપોરે સાઉથ મુંબઈની લટાર મારી છે કોઈ દિવસ? લાખો લોકોથી ધમધમતી ફોર્ટ વિસ્તારની ગલીઓમાં રવિવારે ચકલું ય ના ફરકતું હોય અને હારબંધ ગોઠવાયેલા, સોનેરી ઝાંયવાળા, માદક ખુશ્બોદાર ગરમાળો ફૂલનાં વૃક્ષો ઝૂકી ઝૂકીને તમારું સ્વાગત કરે.
પરંતુ, ગામડાંનો ઉનાળો કેવો હોય? ચૈતરના વાયરાથી બચવા માથે છેડો ઢાંકીને પાણી ભરવા જતી પનિહારીઓ (આજની પેઢીને આ કોઈ પરભાષાનો શબ્દ જ લાગતો હશે), મસાલા ખાંડતી ઘરની વહુવારુઓ અને મેળામાં મહાલતી, જોબનિયું નિતરતી ગામડાંની ગોરીઓ. ઉનાળામાં ગામડાંની સવાર પણ બહુ રમણીય હોય છે. કેસૂડો, ગુલમહોર અને ગરમાળાનાં ફૂલોની સુગંધ લઈને ઉષારાણી પ્રવેશે છે. કોયલ પંચમ સૂરે ટહુકા કરી લોકોને જગાડે તેમ જ મોર પણ જાણે પગમાં પાયલ પહેરીને આંગણામાં થનગનવા આતુર હોય છે. બપોર તો આળસ મરડીને શીળી છાયામાં પોઢી જાય પરંતુ, સાંજ રૂમઝૂમ કરતી આવે. ગામડાં ગામમાં ચૈતર-વૈશાખમાં મેળાનો માહોલ બરાબર જામે. બચ્ચાંઓને વેકેશન અને જોબનવંતી કન્યાઓ માટે જાણે પ્રેમમાં પડવાની મોસમ. આજ તો હવે વડલા ડાળે ઝૂલશું રે લોલ, કાલ તો હવે મોરલા સાથે કૂદશું રે લોલ, ઝૂલતાં ઝોકો લાગશે મને, કૂદતાં કાંટો વાગશે મને, વાગશે રે બોલ વ્હાલમના, ઊંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના …! મેળે જતી કન્યાઓની મનોસ્થિતિ કંઈક આવી જ હોય છે. મેળો એ લોકસંસ્કૃતિનો ધબકાર છે એટલે જ ગુજરાતી લોકસંગીતમાં મેળાને લગતાં અઢળક ગીતો મળી આવે.
હું તો ગઈ તી મેળે, મન મળી ગયું એની મેળે મેળામાં, હૈયું વણાઈ ને ગયું તણાઇ, જોબનના રેલામાં, મેળામાં …!
હરીન્દ્ર દવેના અન્ય એક ગીતમાં વિરહિણી, પ્રિયજનથી રિસાયેલી નાયિકા કહે છે,
ના ના નહિ આવું મેળાનો મને થાક લાગે …!
મારે વહેતે ગળે ન હવે ગાવું, મેળાનો મને થાક લાગે.
ક્યાં છે વાયરાની પ્રાણભરી લ્હેરી ?
ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેરી ?
ક્યાં એ નજરું કે જેણે મને હેરી ?
સખી, અમથું અમથું ક્યાં અટવાવું,
મેળાનો મને થાક લાગે;
નિનુ મઝુમદાર લખે છે કે મેળો જામ્યો રંગીલા રાજા રંગનો રે … તો બીજી બાજુ, કવિવર્ય ઉમાશંકર જોશી અલકાતી-મલકાતી-છલકાતી મેળાની મસ્તીને એવા જ મજેદાર શબ્દોમાં આ રીતે મૂકે છે :
અલ્લક મલ્લક ભેળો થાય અમે મેળે ગ્યાં’તા …
ગામ ગામ આખું ઠલવાય અમે મેળે ગ્યાં’તા …
પરંતુ, લયના કામાતુર રાજવી કવિ રમેશ પારેખની તો વાત જુદી અને ભાત પણ જુદી. કવિએ એમના આ ગીત મનપાંચમના મેળામાં … છોગાળા છબીલા કે રંગીલી નારને મોહી લેતાં મેળાની વાત નથી કરી પરંતુ, મનપાંચમના જીવનમેળાની અદ્ભુત કથા માંડી છે. આપણાં શાસ્ત્રોમાં પંચમી વિવિધ રીતે ઊજવાય છે પરંતુ ‘મનપાંચમ’ની વાત તો કવિ રમેશ પારેખ જ કરી શકે! માનવ સ્વભાવ અને માનવજીવનના વિરોધાભાસની જબરદસ્ત વાત કવિએ આ ગીતનુમા ગઝલમાં કરી છે. મેળાના રંગોને જીવનના રંગ સાથે મેળવ્યાં છે. જીવનની ઊજળી- કાળી બાજુના લેખાંજોખાં જાણે કવિ ન કરતા હોય એવો ભાવ આ ગીતમાં નિષ્પન્ન થાય છે. ફુગ્ગાનું ફૂટવું ને દોરાનું તૂટવું એ જિંદગીની ક્ષણભંગુરતા પ્રગટ કરે છે. એ ક્યારેક ફુગ્ગાના અવાજ જેવી ધમાકેદાર હોય અથવા તો દોરા તૂટવાના અવાજ જેવી સાવ શાંત હોય. સપનાં અને રાતની વાત આશા-નિરાશાનો સંકેત છે. અને આ શેર તો સાંભળો,
અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે … !
ખુદાના પયગંબરો કે ઈશ્વરના ફરિશ્તાઓ તરીકે આ પૃથ્વી પર કેટલા ય આવ્યા અને ગયા પણ પણ એમના કરતાં એમના નામે ચરી ખાનારાઓની સંખ્યાનું બે કોડીનું માપ આંકીને કવિએ બે કોડીના લોકો પર જબરો કટાક્ષ કર્યો છે. એક એક શબ્દ, એક એક શેર એક આખું પ્રકરણ બની શકે એટલી તાકાત એ ધરાવે છે.
સ્વરાંકન પણ કેવું લાજવાબ! સરસ કાવ્ય મળે ત્યારે સંગીતકાર તરત એને ઊંચકી લે. એ રીતે સશક્ત કવિતાઓનાં ગીતોનાં અનેક સ્વરાંકનો થયાં હોય એવું સામાન્ય રીતે જોવા મળે છે. પરંતુ, ઉદય મઝુમદારનું આ સ્વરાંકન મારા ખ્યાલ મુજબ એકમેવ છે. દરેક ગાયક આ જ સ્વરાંકન ગાય છે. રમેશ પારેખના વનપ્રવેશ નિમિત્તે રાજકોટમાં યોજાયેલા ભપકાદાર કાર્યક્રમમાં ૧૯૯૦ની આસપાસ પહેલીવાર આ ગીત રજૂ થયું અને તરત જ કવિની સ્વીકૃતિ પામ્યું. એ પછી તો ગુજરાત અને ગુજરાત બહારના તમામ શ્રોતાઓએ ખોબલે-ખોબલે વધાવ્યું છે. રાજકોટમાં યોજાયેલા એ ભવ્ય કાર્યક્રમમાં ર.પા. ના કાવ્યસંગ્રહ ‘છ અક્ષરનું નામ’ની પ્રથમ આવૃત્તિના લોકાર્પણ પ્રસંગે સૌપ્રથમ વાર આ ગીત ઉદય મઝુમદાર, રેખા ત્રિવેદી અને સુરેશ જોશીએ રજૂ કર્યું હતું. ત્યારબાદ ‘હસ્તાક્ષર’ નામના શ્યામલ-સૌમિલ મુનશીના આલ્બમમાં એ પહેલી વખત ઉદય-રેખાના અવાજમાં રેકોર્ડ થયું હતું.
‘કલબલતાં નેવાંને અજવાળે’ નામે યોજાયેલા ર.પા. વનપ્રવેશ કાર્યક્રમ પહેલાં કવિના હસ્તે એકાવન વૃક્ષો રોપવામાં આવ્યાં હતાં જે સ્થળનું નામાભિધાન ‘રમેશ વન’ તરીકે કરવામાં આવ્યું હતું. ‘વન’માં પ્રવેશેલા કવિનું આ ગીત પ્રથમ પ્રસ્તુતિમાં જ વન્સમોર મેળવી ગયું હતું. આ ગીત વિશે ગાયક-સંગીતકાર ઉદય મઝુમદાર કહે છે, "આ ગીત લોકપ્રિય થવાનું મુખ્ય કારણ છે એની સરળતા. હું માનું છું કે કાવ્યસંગીતમાં પાંડિત્ય માટે બહુ જગ્યા નથી. લોકોના હૃદયને સ્પર્શે એ જ સાચું સંગીત છે. વધુમાં વધુ લોકોની ચેતનાને સ્પર્શી શકે એ સંગીત લોકપ્રિય બને. મારા પિતા નિનુભાઈ મઝુમદારે એક વાત મને ખાસ શીખવી હતી કે સ્વરાંકનમાં ગીતનો ભાવ આવવો જોઈએ, ‘સ્વ’ભાવ નહીં. તો જ સ્વરાંકન નીપજે, નહીં તો ઊપજે! આ ખૂબ મહત્ત્વની વાત છે. કવિ રમેશ પારેખ તથા અનિલ જોશીનાં કાવ્યોનો પરિચય મારી બહેનો સોનલ શુક્લ તથા રાજુલ મહેતાએ કરાવ્યો હતો તેથી મારી કારકિર્દીની શરૂઆતમાં આ બંને કવિઓની ઘણી રચનાઓ મેં સંગીતબદ્ધ કરી છે. ર.પા.ના ઉક્ત કાર્યક્રમમાં હું અને સુરેશ જોશી ત્રીસ ગીતો લઈને ગયા હતા એ પણ નોંધપાત્ર ઘટના હતી. એ સમયે ર.પા. નાં આટલાં બધાં ગીતો કદાચ કોઈએ કર્યાં નહીં હોય!
ઉલ્લેખનીય છે કે બનારસમાં જન્મેલા ઉદય મઝુમદારે બુનિયાદ, હમરાહી, ખોજ, અપને આપ, મૃત્યુંજય, પરંપરા, એક ઔર મહાભારત સહિત અનેક સિરિયલોમાં સંગીત પીરસ્યું છે. ગુજરાતી ફિલ્મ તેમ જ કેટલીક સિરિયલોમાં તેમણે મધુર સંગીત આપ્યું છે ઉદયભાઈ પોતે જ આમ તો મેળાના માણસ છે. એટલે જ મનપાંચમના મેળા … ઉપરાંત અલ્લક મલ્લક ભેળો થાય, અમે મેળે ગ્યા’તા ગીત પણ એમનું લોકપ્રિય થઈ રહ્યું છે.
ઉદય મઝુમદારે જેમની સાથે અનેક ગીતો ગાયાં છે એ રેખા ત્રિવેદી આ ગીતને એમનાં મનગમતાં ગીતોમાંનું એક માને છે. એ કહે છે, "ગુજરાતી સુગમ સંગીતના શ્રેષ્ઠ ડ્યુએટ્સમાંનું આ ગીત છે. રમેશ પારેખની કૃતિ હોય પછી તો પૂછવું જ શું? માનવજીવનના પચરંગીપણાને કવિએ શબ્દો દ્વારા આબાદ ઝીલ્યાં છે.
સૌને મનગમતું નવ શેરનું આ દીર્ઘ ગીત ધ્યાનપૂર્વક સાંભળજો. જિંદગીના મેળાની વાસ્તવિકતા બરાબર સમજાઈ જશે.
—————————–
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.
અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.
કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.
કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.
કોઈ લા.ઠા., ચિનુ, આદિલજી બુલેટિન જેવું બોલે છે:
અહીંયા સૌ માણસો હોવાનો આઘાત લઈને આવ્યા છે.
કોઈ ચશ્માં જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં,
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે.
કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં,
કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.
કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,
કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે.
આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવું લાવ્યો તું ય, રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે
• કવિ : રમેશ પારેખ • સંગીત : ઉદય મઝુમદાર • ગાયક કલાકાર : ઉદય મઝુમદાર-રેખા ત્રિવેદી
https://www.youtube.com/watch?v=-760xQ_sUlk
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=493439
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 04 ઍપ્રિલ 2019