હૈયાને દરબાર
બીજી ઓક્ટોબર આવે એટલે ગાંધી જયંતીની ઉજવણીઓ શરૂ થઈ જાય. બાપુને એક દિવસ યાદ કરીને પાછાં બધાં ઊંઘી જાય. આ સિલસિલો વર્ષોથી આમ જ ચાલ્યો આવે છે.
પરંતુ, ગાંધી વિચારને સમૂહ સુધી પહોંચાડવાનું ભગીરથ કામ કર્યું ગાંધી ચિંતક નારાયણ દેસાઈએ. અમારે ઘરે પિતાજીને મળવા એ ક્યારેક આવે ત્યારે એમની વાતોમાં સમાજસેવાનું ધ્યેય જ મુખ્ય મુદ્દો હોય. અમારો પરિવાર ટિપિકલ ગાંધીવાદી નહીં પરંતુ, ગાંધી ચિંતનની અસર ચોક્કસ ખરી. માતા-પિતા બન્ને આઝાદીના જંગ સાથે જોડાયેલાં હતાં. પપ્પાએ આજીવન ખાદી અપનાવી હતી પણ અમારા ઉપર ક્યારે ય ખાદી પહેરવાનું દબાણ નહીં. ઘરમાં ચાલતી અને અમલમાં મુકાતી વાતો દ્વારા જ ગાંધીજીના સિદ્ધાંતો, વિચારો અમારા સુધી પહોંચે અને આત્મસાત્ થતાં જાય. એની કોઈ વિશેષ તાલીમ નહોતી અપાતી. સમજણાં થયાં પછી અમારો પહેલો પ્રવાસ ગાંધી આશ્રમની મુલાકાત. પપ્પાનું એ પ્રિય સ્થળ એટલે ઘરનાં બાળકોને તો એ ખાસ ત્યાં લઈ જાય. એ સિલસિલો પૌત્ર-પૌત્રી-દૌહિત્રી સુધી ચાલ્યો હતો.
હું થોડીક મોટી થઈ પછી એમણે મને આશ્રમ ભજનાવલિ ભેટ આપી હતી. એનું મૂલ્ય એ વખતે નહોતું સમજાયું જે હવે સમજાય છે. અલબત્ત, અમારી શાળામાં સર્વધર્મ પ્રાર્થના થતી હતી ત્યારે આશ્રમ ભજનાવલિની કેટલીક રચનાઓ ગવાતી હતી એટલે એ વિશે સામાન્ય સમજ હતી. ગાંધીજી કહેતા કે દરેક ધર્મની પ્રાર્થના એક જ પરમાત્માની ઉપાસના શિખવાડે છે. ભજનાવલિમાં એવા કોઈ ભજન નથી જે મૃત્યુનો ડર બતાવે, સાંપ્રદાયિક હોય કે સ્ત્રીઓની નિંદા કરનારા હોય. જે ભજનમાં ભક્તિભાવ ન હોય અથવા કૃત્રિમ હોય એવા ભજનો એમાં સમાવિષ્ટ નથી. વેદવાણીનું મહત્ત્વ સમજીને ઈશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્ ગાંધીજીનો પ્રિય મંત્ર હોવાથી સવાર-સાંજની પ્રાર્થનામાં એનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દરેક અગ્રેસર ભાષાનાં ભજન આશ્રમ ભજનાવલિમાં જોવા મળે છે. ખૂબ ગવાતાં ગુજરાતી ભજનોમાં હરિને ભજતાં હજી કોઈની લાજ, મારાં નયણાંની આળસ, પ્રેમળ જ્યોતિ, એક જ દે ચિનગારી, મંગલ મંદિર ખોલો તો પ્રખ્યાત છે જ પરંતુ આજે મૂળ બંગાળીમાં લખાયેલા સર્વોત્કૃષ્ટ ભજન વિશે વાત કરવી છે. એ ભક્તિ રચના છે : અંતર મમ વિકસિત કરો …!
રવીન્દ્રનાથની પ્રાર્થનાનો આ અનુવાદ લગભગ દરેકે અનેકવાર સાંભળ્યો હશે. કવિ સુરેશ દલાલ આ કવિતાને ભગવદ્દ ગીતા સમકક્ષ મૂકે છે. તેઓ લખે છે કે, "પ્રસ્તુત કવિતામાં એક પણ શબ્દ ધ્યાન બહાર રાખી શકાય એવો નથી. એકે-એક શબ્દ પર પૂરતું ધ્યાન આપીને વિચારીએ તો જ આ કવિતા કમળ બનીને ભીતર ખૂલે. મને જે પંક્તિ સવિશેષ સ્પર્શી ગઈ એ છે, યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ. ‘મને બધાની સાથે જોડો અને મારા બધાં બંધનો તોડો અહીં બધાં’ શબ્દ ખૂબ અગત્યનો છે કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે મને સગપણ-લાગણી-સંબંધ અને પૈસા-દરજ્જાની ગણતરી કર્યા વિના સર્વની સાથે સમ્યકભાવે જોડો, હું હું ન રહું, બધામાં ભળી જાઉં. મારા અને તારા વચ્ચે કોઈ અંતર ન રહે પણ કવિતાનો ઉત્તમ ભાગ તો બધા બંધનોથી મુક્ત કરોની પ્રાર્થનામાં છે. બધાની સાથે જોડાઈને પણ બધાથી મુક્ત કરો. આ વિચાર કલાકો સુધી આપણને અટકાવી દે એવો ગહન છે.
આવી તો કેટલી ય સુંદર રચનાઓ આશ્રમ ભજનાવલિમાં વાંચવા મળે છે. પરંતુ, ગાંધીજીના સામાજિક કાર્યને કથા અને કથાગીતો સ્વરૂપે આગળ ધપાવવાનું કામ નારાયણ દેસાઈએ કર્યું. મુદ્દલ કરતાં વ્યાજ વહાલું હોય એ ન્યાયે ગાંધીજીના અંતેવાસી મહાદેવભાઈના પુત્ર નારાયણભાઈ ગાંધીજીને ખૂબ વહાલા હતા. નારાયણભાઈ ગાંધીજીનો બાબલો હતા એટલે ગાંધીજીના ખોળામાં બેસવાનો તેમને અધિકાર હતો. બાબલો સ્વતંત્ર મિજાજનો તરુણ હતો એટલે કોઈ પૂછવાની હિંમત ન કરે એવા સવાલો પૂછવાનો તેમને અધિકાર હતો.
સર્વોદય પરિવાર માટે નારાયણભાઈ ‘બાબુભાઈ’ તરીકે ઓળખાતા હતા. ગાંધીજીના યુવા સાથી હતા અને તેમનું ઘડતર જ ગાંધીજીના હાથે થયું હતું. ગાંધીજીને સમજવાની અને સમજાવવાની એક તડપ નારાયણભાઈમાં હતી.
ગાંધીજીએ જેટલી તીવ્રતા સાથે ‘હિન્દ સ્વરાજ’ લખ્યું હતું એટલી જ તીવ્રતા સાથે તેમણે ચાર ભાગમાં સંપૂર્ણ સંશોધિત ગાંધીચરિત્ર ‘મારું જીવન એ જ મારી વાણી’ લખ્યું હતું. ગોધરા પછીનું ગુજરાત નારાયણભાઈ માટે આંચકા સમાન હતું. આ જોઈને એમનું હ્રદય દ્રવી ઊઠ્યું અને એમણે ગામેગામ જઈને ગાંધીકથા કરવાનો સંકલ્પ કર્યો હતો. સામાજિક બદીઓ, કટ્ટરતા નાબૂદ કરવા ઉપરાંત ગાંધીકથા પાછળ બીજો મહત્ત્વનો ઉદ્દેશ ગાંધીવિચારને યુવાનો સુધી પહોંચાડવાનો હતો. નારાયણભાઈએ ગાંધીજીનું ૧,૯૦૦ પાનાનું દળદાર જીવનચરિત્ર લખ્યું, પણ વાંચનાર વર્ગ કેટલો? એના કરતાં કથા એ બહુ સબળ માધ્યમ હોવાથી નારાયણ દેસાઈએ ૨૨-૪-૨૦૦૪થી ગાંધી કથા શરૂ કરી.
ગાંધી કથા સાથે ૨૦૦૪થી જ જોડાયેલા ડો. નરેન્દ્ર શાસ્ત્રી કથાની લોકપ્રિયતા વિશે કહે છે કે, "ગૂજરાત વિદ્યાપીઠના સહયોગથી સૌપ્રથમ ગાંધી કથા દેથલી ગામમાં થઈ એ પછી સતત ત્રણ દિવસ ગૂજરાત વિદ્યાપીઠમાં જ એનું આયોજન થયું હતું. કથાની સફળતાથી પ્રેરાઈને નારાયણ દેસાઈએ દસ વર્ષ ગાંધી કથા કરી અનેક યુવાનોને પ્રેરણા આપી હતી. એ હંમેશાં કહેતા કે આપણા યુવાનોમાં હું ગાંધીજીને જોવા ઈચ્છું છું. નારાયણભાઈએ પ્રસંગો પ્રમાણે ગાંધી કથા માટે જ ૭૦ ગીતો લખી સ્વરબદ્ધ કર્યાં હતાં. અમુક ગીતો બંગાળી ઢાળ મુજબ, અમુક મરાઠી તથા આપણા ગુજરાતી ઢાળ તો ખરા જ. સરળ શબ્દોના ગીતોની ધારી અસર થઈ હતી. ગામડાં અને શહેરોના કેટલાય યુવાનોએ જાતજાતના સંકલ્પ લીધાં હતાં. નારાયણ દેસાઈએ ગાંધી કથા ગીતોની પુસ્તિકા પ્રગટ કરી હતી જે આજે ય ગુજરાતભરમાં ગવાય છે.
૨૦૧૪માં છેલ્લે નેપાળમાં થયેલી કથા પહેલાં નારાયણભાઈ બાથરૂમમાં પડી ગયા. માથામાંથી લોહી નીકળતું હતું છતાં જાતે ફર્સ્ટ એઈડ બોક્સમાંથી દવા લઈ ડ્રેસિંગ કર્યું અને કથા કહેવા મંચ પર પહોંચી ગયા એવી એમની નિષ્ઠા હતી. કથા કહેતાં મારા પ્રાણ નીકળી જાય એથી મોટું સુખ કયું? એમ તેઓ હંમેશાં કહેતા. જો કે, પછીથી એમની તબિયત નાજુક થતી ગઈ અને ૨૦૧૫માં એમનું અવસાન થયું. પરંતુ, છેવટ સુધી એ કથા સાથે સંકળાયેલા રહ્યા. આ પરંપરા હવે ડો. યોગેન્દ્ર પારેખે ચાલુ રાખી છે. તેઓએ કેટલીક ગાંધી કથા કરી છે. ઉત્તર પ્રદેશમાં સત્યવ્રત સિંહ પણ આ કામ કરે છે. આજના સમયમાં આ પ્રવૃત્તિ ચાલુ રહે એ ઈચ્છનીય છે.
ગુજરાતમાં કથા-ર્કીતનની ઓરલ ટ્રેડિશન વધારે પ્રભાવી નીવડે છે એટલે જ આ પ્રયોગ નારાયણ દેસાઈએ કરી જોયો હતો. ૧૦ વર્ષમાં એમણે ૧૫૦ જેટલી કથાઓ કરી હતી. જેમાં પાંચ દિવસ પાંચ-પાંચ કલાક તેઓ ગાંધીજીવન અને ગાંધી દર્શનનો શ્રોતાઓને સરળ ભાષામાં પરિચય કરાવતા હતા. નારાયણભાઈ પોતે સારું ગાતા. તેમણે પોતે કેટલીક રચનાઓ સ્વરાંકિત પણ કરી છે. તેઓ ગુજરાતી-હિન્દી-અંગ્રેજી ઉપરાંત ઉડિયા અને બંગાળી ભાષા પર પણ પ્રભુત્વ ધરાવતા હતા. તેમણે ગુજરાતીમાં રેખાચિત્રો, જીવનચરિત્રો અને સંસ્મરણો લખ્યાં છે જે ભાષાલાલિત્યમાં કોઈ પણ મૌલિક સાહિત્યકૃતિની બરાબરી કરે એવાં છે. ગાંધી વિચારને સમર્પિત આ ગાંધી ગીતો બાળકોને શિખવાડાય તો એમનામાં એ સંસ્કાર બાળપણથી જ આવે.
મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની પૂર્ણાહુતિ નિમિત્તે બાપુને અંજલિ આપવા બીજી ઓક્ટોબરે દેશભરના સંગીતકારો એકત્ર થવાના છે. જાણીતા તબલાંવાદક અને સંગીતકાર પ્રોદ્યુત મુખર્જી દ્વારા સંકલિત કરવામાં આવેલા આ વીડિયો પ્રસ્તુતિમાં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના અપ્રતિમ ગીત એકલા ચલો રે ..ની રજૂઆત પં. વિશ્વમોહન ભટ્ટ, ભજન સમ્રાટ અનુપ જલોટા, સુરેશ વાડકર, શાન, પં. જયતીર્થ મેવંડી, લીના બોઝ, સાહેબ ચેટરજી, ગીત સહિત કેટલાક વાદ્યકારો કરશે. આ ગીત ગાંધીજીનાં પ્રિય ગીતોમાંનું એક છે. આ ગીત ખૂબ જ પ્રેરણારૂપ છે. જીવનના અવરોધો સામે તાકાત આપનારું છે. આવો સકારાત્મક સંદેશ પહોંચાડવા માટે જ બધા સંગીતકારો પ્રોદ્યુત મુખર્જીની યુટ્યુબ ચેનલ પર એકત્ર થવાના છે. આ સિવાય ડો. પ્રભા અત્રેના શિષ્યગણ દ્વારા વૈષ્ણવ જનની પ્રસ્તુતિ થવાની છે. આવાં તો અનેક કાર્યક્રમો યોજાશે પરંતુ, જરૂર છે ગાંધી વિચારને જીવવાની અને આત્મસાત્ કરવાની.
****
અંતર મમ વિકસિત કરો, અંતરતર હે,
નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે.
જાગૃત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે,
મંગલ કરો, નિરલસ નિ:સંશય કરો હે.
સંગે સહુની એક કરો બંધન કરી મુક્ત,
કર્મ સકલ હો સદ્ય તુજ શાંતિછંદ યુક્ત,
ચરણ કમલે મુજ ચિત નિ:સ્પંદિત કરો હે,
નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે.
• કવિ : રવીન્દ્રનાથ ટાગોર • અનુ. પિનાકીન ત્રિવેદી
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=656775
પ્રગટ : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 01 ઑક્ટોબર 2020