મુંબઈની સંસ્કૃતિનાં બે પ્રતિક : ભેળ અને વડા–પાઉં
ભેળ અને દરિયા કિનારા વચ્ચે નજીકનો સંબંધ
આ વાત છે જ્યારે આપણા દેશમાં કંપની સરકારનું રાજ હતું ત્યારની. એ વખતે લશ્કરમાં સૈનિકો, અફસરો, બધા ગોરા. વિલાયતથી વહાણમાં બેસીને લશ્કરની ટુકડીઓ મુંબઈ આવે. બે વરસ બરાકોમાં રહેવાનું. હવે આ ગોરા સૈનિકો જેવું ખાવાને ટેવાયેલા એવું રાંધનાર તો અહીં કોઈ મળે નહિ. એટલે ટુકડીની સાથે એક-બે રસોઈયા પણ આવે. આવો એક રસોઈયો, નામે વિલિયમ હેરોલ્ડ મુંબઈ આવ્યો. ગોરા સૈનિકોને માટે ભાવતાં ભોજન તો બનાવે જ, પણ જ્યાં જાય ત્યાંના લોકો જે ખાતાપીતા હોય તે અંગે જુએ, જાણે, કેટલીક વાનગી પોતે પણ શીખીને બનાવે. હવે આ વાતની ખબર પડી એ લશ્કરી ટુકડીના વડાને. એટલે હેરોલ્ડભાઈને બોલાવીને કહ્યું : ‘આ બધું આપણા દેશ જેવું ખાઈ ખાઈને હું તો વાજ આવી ગયો છું. અહીંના લોકો ખાતા હોય એવી કોક વાનગી શીખીને તું મારે માટે બનાવ.’
લશ્કરમાં સાહેબનો હુકમ તો હંમેશ હોય અફર અને અટલ. એટલે વિલિયમભાઈ તો નીકળી પડ્યા મુંબઈ શહેરમાં ‘દેશી’ વાનગીની શોધમાં. ફરતાં ફરતાં આવ્યા ગિરગામ ચોપાટી. ત્યાં જોયો એક ફેરિયાને. એની પાસે લોકોનું નાનું ટોળું ઊભું હતું, અને એ બધા લોકો કશુંક ખાતા હતા, પેલા ફેરિયા પાસેથી લઇને. પાસે જઈને જોયું. કશુંક તમતમતું ખાતા હતા લોકો. ખાતા જાય ને સિસકારા બોલાવતા જાય. ગોરાને જોઇને ટોળું આઘુંપાછું થઈ ગયું. વિલિયમભાઈએ પેલા ફેરિયાને પૂછ્યું : ‘યે ટુમ ક્યા બેચટા હઈ?’ ફેરિયાએ કહ્યું : ‘સાહેબ, મૈ ભેલ બેચતા હું.’ થોડી ચાખી વિલિયમભાઈએ. સિસકારા બોલાવતા જાય, ખાતા જાય, અને આ વાનગી બને કઈ રીતે એ જાણતા જાય.
ભેળ માટેની બધી જરૂરી વાનગીઓ ખરીદીને આવ્યા બરાક પર. થોડી ઓછી તીખી ભેળ બનાવી સાહેબ માટે. સાહેબ તો ખાઈને ખુશ ખુશ. ‘વાહ! ક્યા ચીઝ હઈ! ક્યા ટેસ્ટ હૈ!’ સાહેબ ભેળ ખાતા જાય ને સિસકારા બોલાવતા જાય. સિસકારા બોલાવતા જાય ને આંગળા – સોરી, ચમચી ચાટતા જાય. ચમચી ચાટતા જાય ને વખાણ કરતા જાય, વિલિયમભાઈના અને તેમણે બનાવેલી ભેળના. વિલિયમભાઈ તો ફુલાઈને ફાળકો. પણ કહ્યું છે ને કે રાજા, વાજા, ને વાંદરાનો ભરોસો કરવો નહિ. હવે સાહેબે ફરમાન કર્યું. આવી જ સરસ બીજી કોઈ વાનગી મને બનાવી આપ. વસંતવિજય કાવ્યમાં કવિ કાન્તે કહ્યું છે તેમ: ‘નહિ રાજાજીનો હુકમ પણ પાછો કદી ફરે.’ બ્રિટિશ લશ્કરના વડાનો હુકમ તો રાજાના હુકમથી ય વડેરો. એટલે વિલિયમભાઈ તો પાછા નીકળી પડ્યા મુંબઈ શહેરમાં ફરવા. ચોરે ને ચૌટે ફર્યા. દરિયા કિનારે લટારો મારી, મંદિરોની બહાર આંટાફેરા કર્યા. શા માટે? ભેળ કરતાં વધુ સોજ્જી વાનગી શોધવા માટે. ત્રણ દિવસ ને ત્રણ રાત રખડ્યા-રઝળ્યા. પણ આખા મુંબઈ શહેરમાંથી બીજી એકે વાનગી ન મળી તે ન જ મળી, જે ભેળની તોલે આવે.
વીલે મોઢે પાછા હાજર થયા લશ્કરના વડાની રાવટીમાં. રડમસ અવાજે બોલ્યા : ‘સાહેબ, ત્રણ દિવસ ને ત્રણ રાત મહેનત કરી. શહેરનો ખૂણેખૂણો ફરી વળ્યો. પણ આ ભેળ કરતાં વધુ સ્વાદિષ્ટ વાનગી ન મળી.’ સાહેબ ઉવાચ : ‘ન મળી? કેમ ન મળી? તો આજે મારે ખાવું શું?’ જવાબ મળ્યો : ‘ફ્રેંચ ફ્રાઈઝ.’ સાહેબ તાડૂક્યા : ‘આવા આળસુ રસોઈયાનું બ્રિટિશ લશ્કરમાં સ્થાન ન હોય.’ સાહેબે પોતાની બંદૂક ઉપાડી અને એક ભડાકે વિલિયમભાઈનું ઢીમ ઢાળી દીધું. આ વાત સાચી છે? હોય પણ ખરી, નયે હોય. પણ આ વાત સાચી હોય કે ન હોય, એક વાત તો સાચી છે જ : ભેળ કરતાં વધુ સ્વાદિષ્ટ, વધુ લલચાવનાર, વધુ લોભાવનાર વાનગી બીજી કોઈ નથી.
પણ આ ‘ભેળ’ શબ્દ આવ્યો ક્યાંથી? આપણી ભાષાના જોડણીકોશ, શબ્દકોશ જીવાતા જીવનથી સો ગાઉનું છેટું રાખીને ચાલે છે. એ લોકો માટે નથી, પંડિતો માટે છે. સાર્થ ગુજરાતી જોડણીકોશમાં ‘ભેળ’ શબ્દનો ખાવાની વાનગી તરીકેનો અર્થ નોંધાયો જ નથી! (આ કોશ બનાવનારાઓએ જિંદગીમાં ક્યારે ય ભેળ ખાધી (કે ખાધો?) નહિ હોય? તેમણે ‘ભેળ શબ્દનો અર્થ આટલો જ આપ્યો છે : ‘ભેગ, મિશ્રણ, ભેલાડ, બગાડ, ભંગાણ, તૂટ.’ જેનાં ગુણગાન ગાતાં કેટલાક લોકો થાકતા નથી એ ભગવદ્ગોમંડળ કોશ કહે છે કે ભેળ એટલે ‘એક જાતનું ચવાણું, ભેળવેલું ચવાણું.’ તે હેં ગોંડળના મહારાજા! તમારા રાજમાં ચેવડો, ગાંઠિયા, સેવ-મમરા, અને ભેળ, બધાંયને ‘ચવાણું’ નામની એક જ લાકડીએ હાંકતા? અને ‘ગુજરાતી લેક્સિકન’ તો નવો નક્કોર કોશ. એ પણ કહે છે કે ભેળ એટલે ‘મમરા, સેવ, ગાંઠિયા વગેરે વાનીઓનું મિશ્રણ.’ ભાઈ! આખી જિંદગીમાં અમે મુંબઈની ભેળમાં ગાંઠિયા જોયા નથી. આવું આવું વાંચીને મુંબઈગરાને તો ભક્ત કવિ દયારામભાઈની પેલી પંક્તિ યાદ આવે : ‘કાળજ કોર્યું તે કોને કહીએ જી રે?’
જૂહુ ચોપાટીની એક સાંજ
આપણા શબ્દકોશોને ભેળ સાથે ભલે લેવાદેવા ન હોય, પણ મુંબઈના દરિયા કિનારાને તો ભેળ સાથે જૂનો સંબંધ છે. મુંબઈમાં ભેળનાં બે મુખ્ય થાણાં : ગિરગામ ચોપાટી અને સાંતાક્રુઝ જૂહુ ચોપાટી. આ બંને જગ્યાએ ભેળ ક્યારથી વેચાવા લાગી એના કોઈ સગડ મળતા નથી. ગો.ના. માડગાંવકરનું મરાઠી પુસ્તક ‘મુંબઈચે વર્ણન’ ૧૮૬૩માં પ્રગટ થયેલું. તેમાં તેમણે ગિરગામ ચોપાટી વિષે લખ્યું છે, પણ ભેળનો ઉલ્લેખ સુધ્ધાં કર્યો નથી. માત્ર એટલું જ લખે છે કે એ વખતે ચોપાટી પર પારસીઓના અને બીજા શેઠિયાઓના બંગલા બાંધવાનું શરૂ થઈ ગયું હતું. વળી ત્યારે ચોપાટી પર લાકડાની પાંચ-સાત મોટી વખારો પણ હતી. અને આ જગ્યા ચોપાટી તરીકે ઓળખાતી થઈ તે પહેલાં તે ‘લકડી બંદર’ તરીકે ઓળખાતી હતી.
ગિરગામ ચોપાટી પરના ભેળના સ્ટોલ
આપણા દેશમાં એક મુશ્કેલી એ છે કે જ્યાં શિસ્ત, વ્યવસ્થા, વગેરેની જરૂર ઓછી હોય ત્યાં આપણે એ ઠોકી બેસાડીએ છીએ. અને જ્યાં જરૂર હોય ત્યાં ઝાઝી દરકાર કરતા નથી. અગાઉ બંને ચોપાટી પર ભેળવાળાઓ અને બીજા સ્ટોલ્સ માટે મોકળું મેદાન હતું. આટલા લાંબા-પહોળા દરિયા કિનારા પર થોડી દુકાનો આડીઅવળી હોય તો એમાં કાંઈ બહુ ખાટુંમોળું થઈ ન જાય. પણ ના. બંને જગ્યાએ દુકાનો પર શિસ્ત લાદવામાં આવી. સીધી લાઈન, એક સરખા સાઇન બોર્ડ, ઘરાકોને બેસવા માટે એક સરખાં પાથરણાં. અને ભેળપૂરી, આઈસ્ક્રીમ-કુલ્ફી, પાનબીડી, જ્યૂસ, વગેરેની દુકાનો અલગ અલગ, લાઈનબદ્ધ! લશ્કરી શિસ્ત! જ્યારે યુરોપ-અમેરિકામાં તો સત્તાવાળાઓ street food વાળાઓને અછોવાનાં કરે છે. કારણ કોઈ પણ દેશનો અસલી મિજાજ તો આવી વાતો અને વસ્તુઓ જ આપી શકે એટલી સીધી વાત તેઓ સમજે છે.
જુહૂ ચોપાટી પરના સ્ટોલ્સ
*
હવે જઈએ સીધા ૧૯૫૦-૧૯૬૦ના દાયકામાં. લાંબી લડતને અંતે મહારાષ્ટ્રનું અલગ રાજ્ય સ્થપાયું હતું. એ વખતે સરકાર ભલે ગમે તેની હોય, મુંબઈમાં અને મહારાષ્ટ્રમાં આણ પ્રવર્તતી બાળાસાહેબ ઠાકરેની. અને એમણે મરાઠી માણૂસને હાકલ કરી, પોતાના પગ પર ઊભા રહેવાની. કહ્યું કે નોકરીના ઓશિયાળા ન બનો. પોતાનો નાનો મોટો ધંધો શરૂ કરો. કારણ વ્યાપારે વસતે લક્ષ્મી. અશોક વૈદ્ય નામના એક મરાઠી માણૂસના મનમાં ઊતરી ગઈ બાળાસાહેબની વાત. પાસે ઝાઝી મૂડી તો હતી નહિ કે કારખાનું ખોલે કે દુકાન માંડે. એ વખતે હજી મુંબઈના કોટન મિલ ઉદ્યોગને મરણતોલ ફટકો વાગ્યો નહોતો. સવાર-સાંજ હજારો મિલ મજૂરો દાદર સ્ટેશનેથી આવનજાવન કરે. એમને ખાવા માટે કશીક સગવડ કરવી જોઈએ એમ લાગ્યું અશોકભાઈને. એટલે દાદર સ્ટેશનની બહાર શરૂ કર્યો એક નાનકડો સ્ટોલ. રોજ બટાટા વડા અને કાંદે પોહે વેચે. બાજુમાં એક બીજો સ્ટોલ, આમલેટ-પાઉં વેચે. ગરમાગરમ આમલેટ. પાઉંને ચીરીને વચમાં આમલેટ મૂકે. ચટણી સાથે આપે. આ જોઈને એક દિવસ તુક્કો આવ્યો અશોકભાઈના મનમાં : બટાટા વડાને પણ આ રીતે પાઉંની વચ્ચે ગોઠવીને કેમ ન વેચાય? લીલી તીખી ચટણી ઉમેરી, લસણની ચટણી ઉમેરી, વચ્ચેથી ચીરેલા પાઉંની વચ્ચે ગરમાગરમ વડું. બે ખાવ તો પેટ ભરાઈ જાય, અને આમ આદમીને પોસાય એવો ભાવ. અને જન્મ થયો મુંબઈની બીજી આઇકોનિક વાનગીનો, વડા પાઉંનો. પછી તો દાવાનળની જેમ એ ફેલાઈ ગયા આખા મહારાષ્ટ્રમાં, અને બહાર પણ ખરા.
અશોક વૈદ્ય અને તેમનું સર્જન વડા–પાઉં
વખત જતાં બંને વાનગીઓ જુદે જુદે અવતારે વેચાવા લાગી. ભેળ, તો કે જૈન ભેળ, ચીઝ ભેળ, ચાઈનીઝ ભેળ, સૂકી ભેળ, ઝવેરી બજાર-કાલબાદેવીમાં વેચાતી સમોસા ભેળ, વગેરે. વડા-પાઉંનો જૈન અવતાર તો મુશ્કેલ. પણ બટેટા વડાને બદલે સમોસા, કાંદા ભજિયાં વગેરે પાઉંમાં મૂકીને વેચાય છે. તો વળી કેટલીક ફૂડ ચેન દેશી પાઉંને બદલે મોટું બર્ગર બ્રેડ વાપરીને તેને બે-ચાર જુદી જુદી ચટણી સાથે આપે છે.
ભેળ અને વડા પાઉં એ બે માત્ર ખાવાની વાનગીઓ નથી. બંને મુંબઈના આત્માના, મુંબઈના સ્પિરિટનાં પ્રતિક છે. મુંબઈની કરોડરજ્જુ જેવો મધ્યમ વર્ગ બંનેનાં મૂળમાં. પણ જાતમહેનત જિન્દાબાદ કરીને જેમ મુંબઈના મધ્યમ વર્ગનો માણસ સીડીનું એક એક પગથિયું ઉપર ચડતો જાય તેમ આ બંને વાનગી સ્ટ્રીટ ફૂડમાંથી પહેલાં ગઈ હોટેલોમાં ને પછી તો પહોંચી ગઈ છેક ફાઈવ સ્ટાર હોટેલોમાં પણ. અમેરિકાને ‘સલાડ બોલ’ તરીકે ઓળખાવવાનો ચાલ છે. તો આપણા દેશનું સલાડ બોલ છે મુંબઈ. જાતભાતના લોકો અહીં આવે છે, અહીંના થઈને રહે છે. જુદાં જુદાં ભાષા, પોશાક, ધર્મ, બધું ભેગું મળીને, પણ પોતાપણું ગુમાવ્યા વગર એક અનોખું મિશ્રણ બનાવે છે. એને તમે ભેળ પણ કહી શકો. તો જે બે વસ્તુ વચ્ચે આસમાન જમીનનો ફેર લાગતો હોય તેને જોડાજોડ મૂકીને તેમાંથી કશુંક નવું નિપજાવવાની મુંબઈગરાની આવડતનું પ્રતિક છે વડા-પાઉં.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 08 ઓક્ટોબર 2022