જન્મે જર્મન, કર્મે હિન્દુસ્તાની સરકારી અધિકારી
જ્યોર્જ બ્યૂલરનું અણધાર્યું અવસાન : અકસ્માત કે આપઘાત?
“વર્ણશુધ્ધિ (જોડણી) સંબંધી ને લખાણમાં કહીં કહીં ફેરફાર કરવા સંબંધી ડો. બ્યૂલરસાહેબે પ્રૂફ જોઈ જતાં કેટલીક અગત્યની ને સારી સૂચનાઓ કરી છે.” આવું લખનાર કોઈ નવોસવો લેખક નહિ, અર્વાચીનોમાં આદ્ય એવા કવિ નર્મદ છે. ‘સરકારી નર્મગદ્ય’ની ૧૮૭૪માં પ્રગટ થયેલી પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં નર્મદે આ પ્રમાણે લખ્યું છે. એટલે કે, આ વિદેશી સાહેબ નર્મદની જોડણી સુધારી શકે એટલી સારી રીતે ગુજરાતી ભાષા જાણતા હતા. નર્મદના લખાણમાં ફેરફાર સૂચવી શકે એટલા કાબેલ હતા. અને સૌથી વધુ તો સ્વાભિમાનની મૂર્તિ જેવો નર્મદ તેમની સૂચનાઓને ‘અગત્યની ને સારી’ કહીને સ્વીકારે એવા મોભાદાર હતા.
જ્યોર્જ બ્યૂલર
પણ આ બ્યૂલરસાહેબ હતા કોણ? આવા સંદર્ભોનું પગેરું શોધવાની જરૂર આપણા સારા અભ્યાસીઓને પણ ભાગ્યે જ જરૂરી લાગે છે. હશે કોક સરકારી અધિકારી. એને વિષે ઝાઝી પંચાત કરવાની શી જરૂર? હા, કેટલાક વખત માટે આ બ્યૂલર અંગ્રેજ રાજના અધિકારી હતા ખરા. પણ એટલું જ નહોતા. એ હતા ઇન્ડોલોજીના એક પ્રકાંડ પંડિત. હા, કેટલાક અંગ્રેજ અફસરોએ આપણા દેશના લોકોનું બૂરું કરેલું એની ના નહિ. પણ બીજી બાજુ આ દેશનું ભલું ચાહનારા, એનાં ભાષા, સાહિત્ય, સંસ્કૃતિના અભ્યાસ પાછળ આખી જિંદગી ખરચી નાખનારા અધિકારીઓ પણ હતા.
આ જ્યોર્જ બ્યૂલર જન્મે અંગ્રેજ નહોતા, જર્મન હતા. જર્મનીના બોર્સટેલ નામના નાનકડા ગામમાં એક પાદરીને ઘરે ૧૮૩૭ના જુલાઈની ૧૯મી તારીખે તેમનો જન્મ. શરૂઆતનું શિક્ષણ પિતા પાસેથી ઘરે રહીને મેળવ્યું. પછી વધુ અભ્યાસ માટે નજીકના હાનોવર ગયા. ત્યાં ફિલસૂફી, સંસ્કૃત, ઝંદ, ફારસી, આર્મેનિયન અને અરબી જેવી ભાષા શીખ્યા. માત્ર એકવીસ વરસની ઉંમરે પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ૧૮૫૮માં વધુ અભ્યાસ માટે પેરિસ અને લંડન જવાનું ઠરાવ્યું. પેરિસમાં સંસ્કૃત હસ્તપ્રતોનો અભ્યાસ કર્યો. ૧૮૬૯થી ૧૮૬૨ સુધી લંડનમાં સંસ્કૃત અને ઇન્ડોલોજીનો અભ્યાસ કરતા રહ્યા. લંડનમાં વિખ્યાત ઇન્ડોલોજીસ્ટ મેક્સમૂલરના પરિચયમાં આવ્યા. આજીવિકા માટે ગ્રેટ બ્રિટનનાં મહારાણીની વિન્ડસર કાસલની લાઈબ્રેરીના સહાયક લાઈબ્રેરિયન તરીકે કામ કર્યું.
પચીસ વરસની ઉંમરે પાછા સ્વદેશ ગયા. ત્યાંની એક લાઈબ્રેરીમાં કામ શરૂ કર્યું. પણ થોડા વખત પછી મેક્સમૂલર તરફથી સંદેશો મળ્યો : ‘હિન્દુસ્તાનની બનારસ હિંદુ યુનિવર્સiટીમાં ભણાવવા જવું છે? હજી આ દરખાસ્તનો જવાબ આપે એ પહેલાં બીજો સંદેશો : ‘મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં પૌર્વાત્ય ભાષાઓના અધ્યાપક તરીકે કામ કરવા જવું છે?’ આજ સુધી જે હિન્દુસ્તાન વિષે ઘણું બધું વાંચ્યું હતું, જાણ્યું હતું, વિચાર્યું હતું, એ હિન્દુસ્તાન જવાની, જોવાની તક જતી કરાય? તરત મેક્સમૂલરને જવાબ મોકલ્યો : ‘તમે કહો ત્યારે મુંબઈ જવા તૈયાર છું.’
૧૮૬૩ના ફેબ્રુઆરીની દસમી તારીખે પહેલી વાર મુંબઈની ધરતી પર પગ મૂક્યો. એ પછીનાં ૧૭ વરસ બ્યૂલરે બોમ્બે પ્રેસિડન્સીમાં ગાળ્યાં. સૌથી પહેલાં બન્યા ડિરેક્ટર ઓફ પબ્લિક ઇન્સ્ટ્રકશન, એટલે કે શિક્ષણ અધિકારી. આ પદે નીમાનાર તેઓ પહેલા જ હતા. એટલે આખા મુંબઈ ઈલાકાના શિક્ષણના તંત્રને ગોઠવવા માટે ઘણું કામ કરવું પડે તેમ હતું. એ વખતની સરકારમાં એક વ્યક્તિ એક હોદ્દો એવો નિયમ નહોતો. એનાં બે કારણ : એક, આ સરકાર ઇસ્ટ ઇન્ડિયા કંપની નામની વેપારી કંપનીની હતી. એટલે જ્યાં કરકસર થઈ શકે ત્યાં કરવી એ પહેલો નિયમ. બીજું, એ જમાનામાં ગ્રેટ બ્રિટન છોડીને હિન્દુસ્તાન આવવા પ્રમાણમાં ઓછા અંગ્રેજો તૈયાર થતા. કારણ અહીંની અનેક હાડમારીઓ – ગરમ, ભેજવાળી હવા, ગંદકી, રોગચાળો, બ્રિટિશ ધોરણ પ્રમાણેના શિક્ષણની ઓછપ. એટલે એક વ્યક્તિને બે-ત્રણ હોદ્દાની જવાબદારી સોંપાતી. એટલે બ્યૂલરને એલ્ફિન્સ્ટન કોલેજમાં સંસ્કૃત, પ્રાકૃત અને લેટિન ભાષાના તથા તુલનાત્મક ભાષાશાસ્ત્રના વર્ગો લેવાનું કામ પણ સોંપાયું. સંસ્કૃત ભાષા-સાહિત્ય અને ન્યાયશાસ્ત્રના જાણીતા વિદ્વાન કાશીનાથ ત્ર્યંબક તેલંગ એલ્ફિન્સ્ટન કોલેજમાં તેમના વિદ્યાર્થી હતા. અને હા. કોલેજની નવી લાઈબ્રેરી ઊભી કરવાની હતી. મુંબઈ યુનિવર્સiટીની સંસ્કૃત, લેટિન, ગ્રીક અને મરાઠીની પરીક્ષાઓમાં ચીફ એક્ઝામિનર તરીકે કામ કરવાનું હતું.
૧૮૬૪માં બ્યૂલાર યુનિવર્સિટી ઓફ બેમ્બેના ફેલો બન્યા, બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી(હાલની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ)ના સભ્ય બન્યા. એ જ વરસે મુંબઈના ગવર્નરે એક ગંજાવર કામ સોંપ્યું : હિંદુ કાયદાઓનો આકર ગ્રંથ (ડાઈજેસ્ટ) તૈયાર કરવાનું. એટલે મુંબઈના શાસ્ત્રીઓ પાસે ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો. હિંદુ કાયદાઓ વિષે એ વખતે છાપેલાં પુસ્તકો તો લગભગ હતાં જ નહિ. એટલે એ અંગેની હસ્તપ્રતો ભેગી કરીને વાંચવી પડે. એટલે હસ્તપ્રતો મેળવવા પ્રવાસો કર્યા. હસ્તપ્રતો વાંચતા જાય અને તેના સારાંશ અંગ્રેજીમાં તૈયાર કરતા જાય. અને હા. સરકારને જરૂરી હસ્તપ્રતો મેળવવા પ્રવાસ કરે ત્યારે પોતાના રસની હસ્તપ્રત જુએ તો તે પણ ખરીદી લે, પોતાને પૈસે.
બ્યૂલરની માતૃભાષા જર્મન, પણ જેને આદર્શ માનેલા તે મેક્સમૂલરની જેમ જે કાંઈ લખ્યું તે બધું અંગ્રેજીમાં. ૧૮૬૭માં તેમણે ‘ડાયજેસ્ટ ઓફ હિંદુ લો’નો પહેલો ખંડ પ્રગટ કર્યો જેમાં વારસા અંગેના કાયદાઓનો સમાવેશ થતો હતો. પણ પછી મુંબઈની હવા માફક ન આવતાં પૂના ગયા. ત્યાંની ડેક્કન કોલેજમાં સંસ્કૃત વિભાગના વડા તરીકે કામ કર્યું. તબિયત સુધર્યા પછી પાછા મુંબઈ આવી એલ્ફિન્સ્ટન કોલેજમાં કામ કરવા લાગ્યા. સાથોસાથ સંસ્કૃત હસ્તપ્રતો એકઠી કરવાનું કામ મોટે પાયે ઉપાડ્યું. એ કામમાં સગવડ થાય એટલા ખાતર સરકારે તેમને લેફ્ટન્ન્ટ જનરલનો માનદ્દ હોદ્દો આપ્યો. તેમણે એક જ વરસમાં લગભગ ૧૪ હજાર હસ્તપ્રતો ખરીદીને અથવા નકલ કરાવીને એકઠી કરી! તેને આધારે ‘ડાયજેસ્ટ ઓફ હિંદુ લો’નો બીજો ભાગ ૧૮૬૯માં પ્રગટ કર્યો. હસ્તપ્રતોની સાથોસાથ સરકારની મંજૂરી લઈને જૂનાં તામ્રપત્રો, શિલાલેખો વગેરે ઉકેલવાનું કામ પણ શરૂ કર્યું. ગુજરાતના આવા લેખોનો અભ્યાસ કરી તેને વિષે લેખો લખ્યા. ખંભાત, લીમડી, અમદાવાદના જૈન હસ્તપ્રત ભંડારોની સૂચિ તૈયાત કરી. હસ્તપ્રતો મેળવવા છેક કાશ્મીર સુધીના પ્રવાસો કર્યા. પણ પછી ફરી એક વખત નબળી તબિયત આડી આવી. લિવરની ગંભીર બીમારી લાગુ પડી. સ્વેચ્છાએ વહેલી નિવૃત્તિ લઈ ૧૮૮૦ના સપ્ટેમ્બરની ૧૮મી તારીખે બ્યુલરે ન છૂટકે હિન્દુસ્તાન છોડ્યું.
હિન્દુસ્તાન છોડ્યું ખરું, પણ તેની સાથે સતત સંકળાયેલા તો રહ્યા જ. ૧૮૮૧થી તેમણે વિયેના યુનિવર્સિટીમાં ઇન્ડો-આર્યન રિસર્ચ એન્ડ ધ ઇન્ડિયન ફિલોસોફી’ નામનો નવો વિભાગ શરૂ કરી તેમાં ભણાવવાનું શરૂ કર્યું. આ વિભાગમાં તેઓ સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત, પાલી અને ગુજરાતી ભાષા શીખવતા. આ ઉપરાંત હિંદુ ધર્મશાસ્ત્ર, હિન્દુસ્તાનનાં ઇતિહાસ, ધર્મો, પ્રાચીન સાહિત્ય વગેરે વિષે જાહેર વ્યાખ્યાનો આપતા. તે પાછળનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને ઇન્ડોલોજીના અભ્યાસ તરફ આકર્ષવાનો હતો. આ ઉપરાંત ઇન્ડોલોજી અંગેની વિવિધ આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ભાગ લઈ તેમણે સંશોધન લેખો રજૂ કર્યા. આ ઉપરાંત મેક્સમૂલરે શરૂ કરેલા ‘સેક્રેડ બુક્સ ઓફ ધ ઇસ્ટ’ નામના પ્રકલ્પ સાથે પણ તેઓ જોડાયા હતા.
હિન્દુસ્તાનમાં સત્તર વરસ રહીને હિન્દુસ્તાન વિષે કામ કર્યું. બીજાં સત્તર વરસ વિયેનામાં રહી હિન્દુસ્તાન વિષે કામ કર્યું. હજી તો માંડ ૬૧ વરસની ઉંમરે પહોચ્યા હતા. ઘણાં કામ કરવાનાં અરમાનો હતાં, યોજનાઓ હતી. પણ ત્યાં જ તેમના જીવનનો અણધાર્યો અંત આવી ગયો. ઇસ્ટરની રજાઓ માણવા માટે પત્ની અને બાળક સાથે ૧૮૮૯ના એપ્રિલની પાંચમી તારીખે બ્યુલર વિયેનાથી ઝુરિક ગયા. આઠમી એપ્રિલે લેક કોન્સટન્સમાં એકલા બોટિંગ કરવા ગયા. બોટિંગના ખાસ્સ્સા જાણકાર અને અનુભવી હતા. પણ ન તો તેઓ પાછા આવ્યા, કે ન તો ઘણી મહેનત કરવા છતાં તેમનો મૃતદેહ મળ્યો.
૧૯મી સદીમાં લેક કોન્સટન્સ, ઝુરિક
સાધારણ રીતે મનાય છે કે તેઓ અકસ્માતના ભોગ બન્યા હતા. પણ કેટલાક કહે છે કે તેઓ એક કૌભાંડમાં અજાણતાં જ સંડોવાયા હતા એટલે તેમણે આપઘાત કર્યો હતો. હિન્દુસ્તાનમાં સરકારી નોકરી કરતા તેમના એક વિદ્યાર્થીએ તદ્દન બનાવટી શિલાલેખો, હસ્તપ્રતો, વગેરે ઊભાં કરીને જાતજાતની ખોટી માહિતી આપતા લેખો પ્રગટ કર્યા હતા. તેમની આ ‘શોધો’ને કારણે તેમને ઘણી નામના મળી હતી અને સરકારી નોકરીમાં બઢતી મળી હતી. પણ પછી સાચી હકીકતો બહાર આવતાં બદનામી તો થઈ જ પણ સરકારી નોકરીમાંથી પણ તેમને છૂટા કરવામાં આવ્યા. પોતાનો એક વિદ્યાર્થી આવું તરકટ કરે તેનું દુઃખ તો હતું જ, પણ પોતે એ તરકટને પકડી ન શક્યા એનો વસવસો વધુ હતો. તેને કારણે તેઓ હતાશા – ડિપ્રેશન – માં રહેતા હતા. અને એવી અવસ્થામાં જ તેમણે આપઘાત કર્યો એમ કહેવાય છે. અવસાન થયું એ વખતે તેઓ ‘એન્સાકલોપીડિયા ઓફ ઇન્ડિયન ફિલોસોફી’ અને ‘હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા બીફોર મોહમેડન ઇન્વેઝન’ જેવાં બે મોટાં કામ હાથ પર લઈને બેઠા હતા. એ બંને કામ તેમના અકાળ અવસાનને કારણે અધૂરાં રહ્યાં. આમ છતાં તેમનાં ઇન્ડોલોજી વિશેનાં પુસ્તકોની સંખ્યા ૧૮ જેટલી થવા જાય છે.
હિન્દુસ્તાનમાં હતા ત્યારે બ્યૂલરે એક સાથે બે ઘોડાની સવારી કરવાની હતી. એક બાજુથી અંગ્રેજ સરકારની જરૂરિયાતો અને માગણીઓ સંતોષવાની હતી. તો બીજી બાજુ પોતાનાં અંગત અભ્યાસ, સંશોધન અને લેખન દ્વારા જર્મનીના ઇન્ડોલોજીસ્ટોની જમાતમાં પોતાને માટે માનભર્યું સ્થાન મેળવવાનું હતું.
બ્યૂલર હિન્દુસ્તાનમાં હતા ત્યારે સ્વિત્ઝરલેન્ડમાં રહેતા પોતાના સાળાને નિયમિત રીતે પત્રો લખતા હતા. તેમના સાળાનાં વારસોએ એ પત્રો જતનપૂર્વક જાળવી તો રાખ્યા છે. પણ કોઈ કહેતાં કોઈને જ એ જોવા-વાંચવા આપતા નથી. એ પત્રો ભવિષ્યમાં ક્યારેક પ્રકાશ્માં આવે તો બ્યૂલરનાં જીવન અને કાર્ય ઉપર, હિન્દુસ્તાન સાથેના તેમના ગાઢ સંબંધ ઉપર વધુ પ્રકાશ પડી શકે.
આવા બીજા ભારતપ્રેમી પરદેશીઓ વિષે થોડી વધુ વાતો હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 04 માર્ચ 2023