મુમતાઝ બેગમ : જેલમાંથી મહેલમાં, મહેલમાંથી વિલાયત જતી સ્ટીમરમાં
બોમ્બે હાઈ કોર્ટમાં બાવલા ખૂન કેસની સુનાવણીનો વધુ એક દિવસ
એડવોકેટ જનરલ કાંગા : યોર ઓનર! આપની ઇજાજત હોય તો ગઈ કાલે અધૂરી રહેલી મુમતાઝ બેગમની જુબાની આગળ ચલાવીએ.
જસ્ટિસ એલ.સી. ક્રમ્પ : You may proceed, Mr. Kanga.
એડવોકેટ જનરલ કાંગા : Thank you, your honor!
પછી સાક્ષીના પિંજરામાં ઊભેલી મુમતાઝ બેગમ તરફ ફરીને : તમને મા-દીકરીને પેલી જેલમાંથી ક્યારે બહાર કાઢવામાં આવિયાં?
મુમતાઝ : બીજે દિવસે સવારે. મારી માને ચોકીદારો અમારે ઘરે મૂકી આવ્યા અને મને નામદાર મહારાજા સામે ઊભી કરી. એ વખતે હું થર થર કાંપતી હતી. મહારાજાએ મને કહ્યું કે તારે જરા ય બીવાની જરૂર નથી. આજથી તારે મારા રણવાસમાં મારી રખાત તરીકે રહેવાનું છે. તું જો મને ખુશ રાખીશ તો રખાતમાંથી રાણી બનાવીશ. અને હા, આજથી તારું નામ મુમતાઝ નહિ પણ કમલાબાઈ રહેશે. અને હું મહેલમાં રહેતી. મારી આજુબાજુ સતત ચોકીપહેરો રહેતો. મારી મા બી મને મળવા આવી શકતી નહિ. મહારાજા સાથે આ રીતે મેં નવ વરસ ગાળ્યાં. હું તેમને અવારનવાર કહેતી કે મને એક વાર મારી દાદીને મળવા અમૃતસર જવા દો. દર વખતે જવાબમાં ના. પણ એક વખત તેમના દિલમાં રહેમ જાગી હશે કે શું, મને થોડા દિવસ માટે અમૃતસર જવાની પરવાનગી મળી. અને હું મારાં દાદીને મળવા અમૃતસર પહોંચી. અલબત્ત, શંકરરાવ સાથે હતા. ત્યાં હું અમ્મા અને દાદીને મળી.
એડવોકેટ જનરલ કાંગા : તમે ત્રણે ઘણે વખતે મળ્યાં હશો, નહિ?
બચાવ પક્ષના વકીલ બેરિસ્ટર જે.એન. સેનગુપ્તા : My Lordship! મને એ સમજાતું નથી કે એડવોકેટ જનરલ કાંગા કોર્ટમાં કેસ ચલાવી રહ્યા છે, કે એક નોવેલ લખવા માટેનો મસાલો ભેગો કરી રહ્યા છે. આવી કૌટુંબિક વાતોમાં કોર્ટનો સમય બરબાદ કરવાને બદલે તેઓ સીધા મૂળ વાત પર આવે એવો આદેશ આપવા આપ નામદારને અરજ ગુજારું છું.
જસ્ટિસ એલ.સી. ક્રમ્પ : Objection sustained. Mr. Kanga, please come to the point.
એડવોકેટ જનરલ કાંગા : કમલાબાઈ ઉર્ફે મુમતાઝ! બીજી બધી વાતો જવા દઈને એ બતાવો કે તમે મુંબઈ ક્યારે અને કઈ રીતે આવિયાં?

મુમતાઝ બેગમ અને તેની મા જેલમાં: ChatGPT દ્વારા તૈયાર થયેલું ચિત્ર
મુમતાઝ બેગમ : હોલકર કુટુંબ મૂળ મહારાષ્ટ્રનું. એટલે વાર-તહેવારે મુંબઈ, પૂણે, વગેરે જગ્યાએ જવાનું થાય. ૧૯૧૯માં હોળીનો તહેવાર ધામધૂમથી ઇન્દોરમાં ઉજવ્યા પછી આખું હોલકર કુટુંબ મુંબઈ જવા ઊપડ્યું. મને, મારી માને, અને બીજાં કેટલાંક રિશ્તેદારોને પણ મહારાજે સાથે લીધા. અમારા રહેવા માટે નેપિયન્સી રોડ પર ‘હુસેની બંગલો’ ભાડે રાખ્યો. બંગલાની બહાર ચોવીસ કલાક ચોકી પહેરો ગોઠવ્યો હતો. શાહી કુટુંબ તાજ મહાલ હોટેલમાં ઊતર્યું હતું. એક દિવસ મહારાજા તેમની સાથે મને ચોપાટી ફરવા લઈ ગયા. તે દિવસે મહારાજ ખૂબ આનંદમાં હતા. બીજે દિવસે બપોરે અમે આરામ કરતાં હતાં એ વખતે ખુદ મહારાજાસાહેબ અમારે ઉતારે પધાર્યા. થોડી અડીઅવળી વાતો કર્યા પછી તેમણે મારી અમ્માને કહ્યું : ‘મારી ખ્વાહીશ છે કે મુમતાઝ પહેલાં હિંદુ ધર્મ અંગીકાર કરે અને પછી મારી સાથે લગ્ન કરે.’ મેં અને અમ્માજાને આ અંગે ઘસીને ના પાડી દીધી. અમ્માજાને કહ્યું કે અમે ઇન્દોર દરબાર કાયમ માટે છોડવા તૈયાર છીએ પણ અમારો મજહબ છોડવા તૈયાર નથી. મહારાજે અમને સમજાવવાને ઘણી કોશિશ કરી પણ અમે બન્ને અમારી વાત પર અડીખમ રહ્યાં. મહારાજ નિરાશ થઈને ગયા.
બીજે દિવસે મહારાજે સંદેશો મોકલ્યો કે સાંજે સાત વાગે પિક્ચર જોવા મુમતાઝે મારી સાથે આવવાનું છે, પણ પુરુષનાં કપડાં પહેરીને. શંકરરાવ તેડવા-મૂકવા આવશે. અને હા, મુમતાઝે એકલા જ આવવાનું છે, અમ્માજાનને સાથે લાવવાનાં નથી. અમને થયું કે અમે મહારાજને નાખુશ કર્યા છતાં એ વાત ભૂલી જઈને નોતરું મોકલે છે તો પિક્ચર જોવા જવું જોઈએ. બરાબર સાંજે સાત વાગે શંકરરાવ આવ્યા. હું તૈયાર જ હતી. શંકરરાવે અમ્માને કહ્યું કે તમે ફિકર કરતા નહિ. બે કલાક પછી હું મુમતાઝને ઘરે મૂકી જઈશ. હું અને શંકરરાવ મોટરમાં બેઠાં. બીજા બે નોકર પણ ગાડીમાં બેઠા હતા. ઘરઘરાટ કરતી મોટર ઊપડી. થોડે આગળ ગયા પછી થિયેટર તરફ જવાને બદલે ડ્રાઈવરે બોરી બંદર સ્ટેશન જવાનો રસ્તો પકડ્યો. હું ચોંકી. પૂછ્યું તો શંકરરાવ કહે કે ઇન્દોરમાં તારી દાદી માંદી છે એટલે તને ત્યાં લઈ જવાની છે. મેં પૂછ્યું : પણ તો અમ્માજાનને સાથે કેમ નથી લીધાં? જવાબ મળ્યો : તેઓ પછીથી આવશે. પહેલાં તું પહોંચી જા. અમારી વચ્ચે આ વાત ચાલતી હતી ત્યાં જ સિટી વાગી અને અમારી ટ્રેન ઉપડી. ફર્સ્ટ ક્લાસના ડબામાં બધી સગવડ હતી. પણ રાતભર હું જાગતી રહી. હવે શું થશે એ વિચારો આવ્યા કરતા હતા.

અમૃતસર સ્ટેશનેથી ઊપડતી મુંબઈની ટ્રેન
હું ઘરે પાછી ન ફરી એટલે અમ્મા તો રોઈ રોઈને અડધી થઈ ગઈ હશે. તેને મળવા તો છેક બીજે દિવસે સવારે શંકરરાવ ગયા અને મહારાજાના હુકમથી મને ઇન્દોર મોકલી છે એ સમાચાર આપ્યા. અમ્માના ગુસ્સાનો પાર નહોતો. થોડી વાર સાંભળ્યા પછી શંકરરાવ હળવેકથી ત્યાંથી નીકળી ગયા.
એડવોકેટ જનરલ કાંગા : તમને શોધવા માટે અમ્માજાને કશું ન કર્યું?
મુમતાઝ બેગમ : અમ્મા પાસે ફક્ત પચાસેક રૂપિયા હતા. પહોંચ્યાં સીધાં એસ્પ્લનેડ કોર્ટમાં. ત્યાં મિસ્ટર વિજયકર નામના વકીલને બધી વાત માંડીને કરી. તેમણે બોમ્બેના પોલીસ કમિશનરને આપવા માટેની એક અરજી તૈયાર કરી આપી. એ લઈને પહોચ્યાં ક્રાફર્ડ માર્કેટ પાસેની પોલીસ કમિશનરની ઓફિસે. અરજીમાં જણાવ્યું હતું કે શંકરરાવ બાપુજી ગાવડે અને ઇન્દોરના મહારાજાએ કાવતરું ઘડીને મારી સગીર વયની દીકરી મુમતાઝ બેગમનું અપહરણ કર્યું છે. મને જાણ પણ કર્યા વગર એ બંને મારી દીકરીને બ્રિટિશ સલ્તનતની હદ બહાર ઇન્દોરના દેશી રાજયના તાબામાં આવેલા મુલકમાં લઈ ગયા છે. એટલે ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૬૦ અને ૩૬૧ પ્રમાણે ગુનો બને છે. તેથી મારી દીકરીની ભાળ મેળવવા આપને અરજી કરું છું. અરજી આપવા મારાં અમ્મા ખુદ પોલીસ કમિશનરને રૂબરૂ મળ્યાં. તેમણે મદદ કરવાની ખાતરી આપી. અને બોરી બંદર સ્ટેશનના ઇન્સ્પેક્ટર રઘુનાથરાવને અરજી મોકલી આપી. તેમણે અરજી તો લીધી, પણ સાથોસાથ કહ્યું કે તમારી દીકરી સગીર વયની છે એ પુરવાર કરવા માટે તેના બર્થ સર્ટીફિકેટ રજૂ કરવું પડશે. સાહેબ! મારા જેવી છોકરીઓની જનમ તારીખ ખુદ માને પણ યાદ ન હોય, ત્યાં બર્થ સર્ટીફિકેટ તો હોય જ ક્યાંથી? એટલે બોરી બંદર સ્ટેશન પોલીસે તપાસ અટકાવી દીધી.

બેલાર્ડ પિયરથી ઊપડતી સ્ટીમર
એડવોકેટ જનરલ કાંગા : તમે ઇન્દોર પહોંચ્યા પછી સું થિયું?
હું ઇન્દોર પહોંચી કે તરત મને દાદીને ઘરે લઈ ગયાં. બીજે જ દિવસે મહારાજા પણ ઇન્દોર પાછા આવ્યા. થોડા દિવસ પછી મને ખબર પડી કે મારી માએ મુંબઈ પોલીસને ફરિયાદ કરેલી તેને કારણે પોલીસે શંકરરાવની અટક કરી હતી. પણ પછી દસ હજાર રૂપિયાના હાથ મુચરકા પર તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. એટલે શંકરરાવ પણ હવે ઇન્દોર આવી ગયા હતા. બે-ત્રણ દિવસ પછી શંકરરાવ અને તેમની સાથે બીજો એક દરબારી મારે ત્યાં આવ્યા અને મને રાજમહેલ લઈ ગયા. ત્યાં એક અલગ મકાનમાં મને રાખી. અંદર-બહાર બધે સખત જાપ્તો હતો અને કોઈ મને મળવા આવી શકતું નહિ. એક-બે દિવસ પછી અંગ્રેજીમાં લખેલો એક કાગળ મારી સામે ધરવામાં આવ્યો અને તેના પર સહી કરવા કહ્યું. મેં કહ્યું કે કાગળમાં શું લખ્યું છે તે જાણ્યા વગર હું સહી નહિ કરું. પહેલાં તો આનાકાની કરી પણ પછી કહ્યું કે કાગળમાં લખ્યું છે કે શંકરરાવ સાથે હું રાજીખુશીથી મુંબઈથી ઇન્દોર આવી છું અને તેઓ મને ભગાડીને અહીં લાવ્યા નથી. મારી તેમના વિરુદ્ધ કોઈ રાવ-ફરિયાદ નથી. આ કાગળ પર સહી કરી આપ્યા પછી મહારાજ અવારનવાર મને મળવા આવતા અને હું તેમની ત્રીજી રાણી હોઉં એ રીતે મારી સાથે સૂતા હતા.

એસ.એસ. પીલ્સના
થોડા વખત પછી ૧૮ એપ્રિલ ૧૯૨૧ના દિવસે બીજી મહારાણી સાથે મહારાજ વિલાયત ગયા. પહેલી મહારાણી અને હું પહેલી મેના દિવસે એસ.એસ. પીલ્સના નામની સ્ટીમરમાં વિલાયત જવા નીકળ્યાં. શંકરરાવ અને એની વહુ પણ અમારી સાથે હતાં. પાસપોર્ટમાં મારું નામ કમલાબાઈ હતું, અને પાસપોર્ટ મારી પાસેથી લઈ લેવામાં આવેલો. એ વખતે પણ મને ધાકધમકી આપી હતી કે કોઈ પૂછે તો મારે કહેવું કે હું મારી પોતાની મરજીથી વિલાયત જઈ રહી છું.
એક બાજુ વિલાયત જતી આગબોટનું ભૂંગળું વાગ્યું, અને બીજી બાજુ બોમ્બે હાઈકોર્ટની ઘડિયાળમાં સાંજના પાંચના ડંકા વાગ્યા. તે દિવસ પૂરતી મુમતાઝ બેગમ ઉર્ફે કમલાબાઈની જુબાની પૂરી થઈ.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 10 મે 2025
![]()


“આખા ભારતવર્ષનાં સુખ દુઃખ, શુભ અશુભ અને જ્ઞાન અજ્ઞાન મારા હૃદયમાં આવી વસ્યાં છે. આજે હું ખરી સેવાનો અધિકારી થયો છું. હું જે થવા માટે રાત દિવસ મથતો હતો પણ થઈ શકતો નહોતો તે આજે થઈ ગયો છું. આજે હું ભારતવર્ષ છું. ભારતવર્ષની બધી જાતિઓ મારી જાતિઓ છે, બધાનું અન્ન એ મારું અન્ન છે.” આ શબ્દો છે ગૌરમોહન ઉર્ફે ગોરાના. આ ગૌરમોહન તે રવીન્દ્રનાથ ટાગોરની નવલકથા ‘ગોરા’નો નાયક. ‘તમે ગુરુદેવની ગોરા વાંચી છે?’ એવો પ્રશ્ન કોઈએ શરદબાબુને પૂછ્યો ત્યારે તેમણે જવાબ આપેલો: ‘મેં ગોરા વાંચી છે? હા, એક વાર નહીં, બે વાર નહીં, ચોસઠ વાર વાંચી છે!’ એવું તે શું છે આ ‘ગોરા’ નવલકથામાં કે શરદબાબુ જેવા અત્યંત લોકપ્રિય નવલકથાકાર એ ચોસઠ વખત વાંચે? પહેલી વાત તો એ કે ગદ્યમાં અને નવલકથા રૂપે લખાયેલી ગુરુદેવની આ કૃતિ મહાકાવ્યને આંબવા મથતી એક અસાધારણ નવલકથા છે. ઓગણીસમી સદીના સંક્રાંતિ કાળનું, એ કાળનાં મંથનો, વિચારો, પ્રવૃત્તિઓ, વ્યક્તિઓ, સંસ્થાઓ અને ઘટનાઓનું પ્રતિબિંબ આ નવલકથામાં ઝીલાયું છે. કહેવાય છે કે કથાનાયક ગૌરમોહનનું પાત્ર ટાગોરે આયરિશ ભારતપ્રેમી સન્નારી સિસ્ટર નિવેદિતા અને સ્વામી વિવેકાનંદના વ્યક્તિત્વના કેટલાક ઘટકોના મિશ્રણમાંથી નીપજાવ્યું છે અને એ મિશ્રણમાં પોતાના વ્યક્તિત્વના કેટલાક અંશો પણ ભેળવ્યા છે. કહેવાય છે કે સિયાલદા ખાતેની ટાગોરની જાગીરમાં એક સાંજે સિસ્ટર નિવેદિતા અને ટાગોર હાઉસ બોટમાં બેઠાં હતાં ત્યારે સિસ્ટર નિવેદિતાએ કહ્યું કે મને કોઈ વાર્તા કહો. ત્યારે ટાગોરે ગોરાની કથા કહી. પછીથી તેમણે એ વાર્તા નવલકથા રૂપે લખી જે બંગાળી ભાષાના જાણીતાં માસિક ‘પ્રવાસી’માં ૧૯૦૬થી ૧૯૦૯ દરમ્યાન હપ્તાવાર પ્રગટ થઈ. ૧૯૧૦માં તે પહેલી વાર પુસ્તકરૂપે પ્રગટ થઈ. સુરેન્દ્રનાથ ટાગોરે કરેલો તેનો અંગ્રેજી અનુવાદ ૧૯૨૪માં પ્રગટ થયો. ત્યાર બાદ ૧૯૯૭માં સુજિત મુખોપાધ્યાયે કરેલો અનુવાદ પ્રગટ થયો. રાધા ચક્રવર્તીએ કરેલો ત્રીજો અંગ્રેજી અનુવાદ ૨૦૦૯માં પ્રગટ થયો. રમણલાલ સોનીએ કરેલો ગુજરાતી અનુવાદ બે ભાગમાં ૧૯૮૦માં પ્રગટ થયો હતો.


