પૂર્વ-ગ્રંથ સમીક્ષા –
ભટ્ટ મોક્ષ મૂલર કૃત ધર્મની ઉત્પત્તિ તથા વૃદ્ધિવિશેનાં ભાષણ
અનુવાદ: બેહેરામજી મેરવાનજી મલબારી, નવરોજી મંચેરજી મોબેદજીના
પ્રકાશક: મલબારી, ૧૮૮૧
“આપણે ઇંગરેજીમાં ગદ્ય લખિયે કે પદ્ય, પણ એટલું તો કદી ભુલવું નહિ કે આપણા દેશની ઉત્તમ સેવા કરવી હોય તો તેના સારતમ વિચારો તે દેશની ભાષામાં દર્શાવવાથી જ કરાશે.” (અવતરણોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે. – દી.)



આ શબ્દો લખાયા છે ૧૮૮૧ના અરસામાં. પ્રકાંડ પંડિત મેક્સમુલરે એક પત્રમાં લખ્યા હતા. એ પત્ર જેને લખાયો હતો તે હતા બેહેરામજી મેરવાનજી મલબારી. મલબારીએ પોતાનાં કેટલાંક પુસ્તકો મેક્સમૂલર અને પશ્ચિમના કેટલાક વિદ્વાનોને મોકલ્યાં હતાં. બદલામાં મેક્સમૂલરે તેમને પોતાનાં હિબર્ટ લેકચર્સનું પુસ્તક મોકલ્યું હતું. ઉપરના શબ્દો મેક્સમૂલરે સાથેના પત્રમાં લખ્યા હતા. એ પુસ્તકથી મલબારી એટલા પ્રભાવિત થયા કે તેનો અનુવાદ કરવાની મંજૂરી તેમણે મેક્સમૂલર પાસે મગાવી. જવાબમાં મેક્સમૂલરે લખ્યું “એનું સંસ્કૃતમાં ભાષાંતર થયેલું જોવાને મને બહુ અભિલાષા છે.” પણ મલબારી માટે તેમ કરવું શક્ય નહોતું, એટલે તેમણે લખ્યું: “સંસ્કૃત તો માફ કરશો, પણ હાલ ગુજરાતીમાં હોય તો કેમ?” મેક્સમૂલરની પરવાનગી મળી ગઈ. મલબારીએ ગુજરાતી અનુવાદ કરવાનું તો શરૂ કર્યું જ, પણ સાથે મનમાં ગાંઠ વાળી કે માત્ર સંસ્કૃત જ નહિ, મરાઠી, બંગાળી, હિન્દી અને તમિલમાં પણ તેના અનુવાદ કરાવી પ્રગટ કરવા. એટલું જ નહિ, હિન્દુસ્તાનની ભાષાઓમાંથી અન્ય ભાષાઓમાં અને અન્ય ભાષાઓમાંથી હિન્દુસ્તાનની ભાષાઓમાં પુસ્તકોના અનુવાદ કરાવવા માટે એક અલાયદું ફંડ ઊભું કરવાનું તેમણે છેક એ જમાનામાં વિચાર્યું. આ માટે જાણકાર અનુવાદકોની શોધમાં અને અનુવાદો માટે આર્થિક ટેકો મેળવવા મલબારીએ અડધા-પોણા દેશની મુસાફરી કરી. પણ ધાર્યા જેટલું પરિણામ આવ્યું નહિ. છતાં મેક્સમૂલરના આ ભાષણોનો મરાઠી અનુવાદ કરાવી ૧૮૮૩માં પ્રગટ કર્યો, અને તે પછી બંગાળી, હિન્દી
અને તમિળ અનુવાદો પ્રગટ કર્યા.
વેસ્ટ મિન્સટર એબીના ચેપ્ટર હાઉસમાં ૧૮૭૮ના એપ્રિલ-મે-જૂનમાં મેક્સમૂલરે આ વ્યાખ્યાનો આપ્યાં હતાં. ૧૮૭૮ના ડિસેમ્બરમાં તેની પહેલી આવૃત્તિ પ્રગટ થઇ હતી. બીજી આવૃત્તિ ૧૮૭૯ના નવેમ્બરમાં. અને એ ભાષણોનો ગુજરાતી અનુવાદ પ્રગટ થયો હતો ૧૮૮૧ના ડિસેમ્બરની ૩૧મી તારીખે. આટલી ઝડપથી આજે પણ આપણે અંગ્રેજીમાંથી કેટલા અનુવાદ કરીએ છીએ?
અને આ અનુવાદ કરવાનું કામ સહેલું નહોતું. એક તો મેક્સમૂલર જેવા પ્રકાંડ પંડિતનું પુસ્તક. ધર્મની ઉત્પત્તિ અને વૃદ્ધિ જેવો ગહન વિષય. કેન્દ્રમાં હિંદુ ધર્મની વાતો. અને અનુવાદક હતા એક પારસી! અલબત્ત, હિંદુ ધર્મ, સમાજ, રીતરિવાજ વગેરે વિષે તેઓ સારી એવી જાણકારી ધરાવતા હતા. પણ આવા પુસ્તકનો અનુવાદ કરવો? પ્રસ્તાવનામાં મલબારી લખે છે: “આ સઘળુ મારા સરખાં વિદ્યાર્થીને એક સાહસ જેવું લાગ્યું. પણ નિજમન વિચાર કર્યો કે આ અલ્પ આયુષનો એક ભાગ આવા શુભ કાર્યને અર્પણ કરવા સમાન પુણ્ય, જીવડા, કશું નથી.” પણ કામ શરૂ કર્યું પછી ખ્યાલ આવ્યો કે ખાટલે મોટી ખોડ તો એ વાતની છે કે આવા અનુવાદ માટે ધર્મશાસ્ત્રનું અને ભાષાશાસ્ત્રનું જે જ્ઞાન જોઈએ તે તો છે જ નહિ! બલકે, “અમારે તો બંને જોડે આદિ વેર.” પણ હાર્યા નહિ. મદદ લીધી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીની. એ મદદ કેવી અને કેટલી હશે તેનો ખ્યાલ તો આ વાક્ય પરથી આવે છે: “પુસ્તકના ઘણાખરા ગુણ ભાઈ મનસુખરામને પ્રતાપે સમજવા, દોષ સઘળા અમારા.” આ ઉપરાંત કાશીનાથ ત્ર્યંબક તેલંગ અને મણિલાલ નભુભાઈ દ્વિવેદી જેવા વિદ્વાનોની સલાહ પણ લીધેલી. અને એ બધાથી સંતોષ ન થયો ત્યારે કેટલાક શબ્દોના અર્થો ખુદ મેક્સમૂલરને પણ પૂછાવ્યા હતા. અને છતાં મુશ્કેલી તો ઘણી વેઠવી પડી. “પુસ્તક ગમે એમ કરી વાંચવા યોગ્ય કરતાં આખું વરસ વહિ ગયું; અકેક પાના ઉપર અઠવાડિયાં વીતી ગયા; અકેક શબ્દને માટે વિદ્વાન મિત્રોને વિનવવા પડ્યા. માકસ મઅલરબાવાના કામ પાછળ રક્તનું પાણી કરવું પડ્યું છે.”
હિંદુ ધર્મ અને ફિલસૂફી વિશેના પુસ્તકનો અનુવાદ પારસીને હાથે થાય ત્યારે એની ભાષા કેવી હશે એવો સવાલ થાય. બાવીસ વર્ષની ઉંમરે ૧૮૭૫માં મલબારીનો પહેલો કાવ્ય સંગ્રહ ‘નીતિવિનોદ’ પ્રગટ થયો. તેનાં બધાં જ કાવ્યો પારસી ગુજરાતીમાં નહિ, પણ ‘શુદ્ધ’ ગુજરાતીમાં લખાયેલાં. તે એટલે સુધી કે એક સામયિકે તો એવો આક્ષેપ કર્યો કે કોઈ હિંદુ કવિ પાસે લખાવીને બેહેરામજીએ આ કાવ્યો પોતાને નામે છપાવી દીધાં છે. એટલે ‘શુદ્ધ’ ગુજરાતીમાં લખવાની નવાઈ નહોતી. પણ અહીં તો માત્ર ‘શુદ્ધ’ જ નહિ, સંસ્કૃત પ્રચૂર ભાષાનો અનુવાદમાં ઉપયોગ થયો છે. ભાષણોને આપેલાં મથાળાં જોતાં પણ આ વાત ધ્યાનમાં આવશે. ભાષણોનો અનુવાદ કુલ ૨૨૬ પાનાં રોકે છે. અનુવાદમાંનું પહેલું ભાષણ છે ‘સ્પર્શ્ય, અર્ધસ્પર્શ્ય તથા અસ્પર્શ્ય પદાર્થોની પૂજા.’ બીજા ભાષણનો વિષય છે ‘અનંતતા તથા નિયમના વિચાર.’ ત્રીજા ભાષણમાં ઇષ્ટેશ્વરમત, અનેકેશ્વરમત, એકેશ્વરમત અને નિરીશ્વરમતની ચર્ચા કરી છે. તો ચોથું ભાષણ તત્ત્વજ્ઞાન અને ધર્મના પરસ્પર સંબંધ વિશેનું છે. બધાં ભાષણોના વક્તવ્યને ટૂંકા ટૂંકા ખંડોમાં વહેંચી નાખ્યું છે અને તેવા દરેક ખંડને પણ અલગ મથાળું આપ્યું છે. મૂળ અંગ્રેજી પુસ્તકમાંની પદ્ધતિનું જ અનુવાદમાં અનુસરણ થયું છે.
પણ આ અનુવાદ અંગેની એક ગૂંચ ઉકેલી શકાઈ નથી. મૂળ અંગ્રેજી પુસ્તકમાં (૧૯૦૧ની આવૃત્તિ) કુલ સાત ભાષણો છે, જ્યારે આ અનુવાદમાં માત્ર ચાર ભાષણો જોવા મળે છે. પહેલાં ત્રણ ભાષણોનો અનુવાદ અહીં આપ્યો નથી. પહેલાં ત્રણ ભાષણોના વિષય અનુક્રમે આ પ્રમાણે છે: The Perception of the Infinite, Is Fetishism a Primitive Form of Religion?, The Ancient Literature of India, so Far as it Supplies Materials for the Study of the Origin of Religion. મૂળ અંગ્રેજી પુસ્તકમાં આ ત્રણ ભાષણો ૧૭૨ પાનાં રોકે છે. પણ મલબારીએ આ પહેલાં ત્રણ ભાષણોનો અનુવાદ આપ્યો નથી, એટલું જ નહિ તે અંગે ક્યાં ય કશો ખુલાસો પણ કર્યો નથી. મલબારીનો આ અનુવાદ ૧૮૮૧માં પ્રગટ થયો તે પહેલાં મૂળ અંગ્રેજી પુસ્તકની બે આવૃત્તિ પ્રગટ થઇ હતી. તેમણે કઈ આવૃત્તિનો ઉપયોગ કર્યો હશે એ જાણવું તો મુશ્કેલ છે, પણ તે આવૃત્તિમાં પહેલાં ત્રણ ભાષણો છાપ્યાં જ ન હોય એમ માનવું પણ મુશ્કેલ છે. તો બીજી બાજુ, જે ચીવટ, ધગશ અને મેક્સમૂલર પ્રત્યેના પ્રેમાદર સાથે આ અનુવાદ થયો છે તે જોતાં મલબારી પહેલાં ત્રણ ભાષણ છોડી દે એટલું જ નહિ, તેમ કર્યું હોવાનું પુસ્તકમાં ક્યાં ય જણાવે પણ નહિ એમ માનવું પણ મુશ્કેલ છે. પણ આપણે એ હકીકત તો સ્વીકારવી જ રહી કે પહેલાં ત્રણ ભાષણોનો અનુવાદ અહીં અપાયો નથી.
પણ વિષયને અનુરૂપ ભાષા પ્રયોજવી એ એકમાત્ર મુશ્કેલી નહોતી. બીજી મુશ્કેલી હતી તે આર્થિક. પુસ્તક છપાવવા માટેના પૈસા? અનુવાદ હપ્તાવાર છાપવા માટે એક-બે સામયિકોને પૂછી જોયું, પણ સરવાળે મીંડું. એટલે પછી “હવે તો પ્રજા માત્રને શરણે જવું એમ નિશ્ચય કર્યો.” જો કે મનમાં થોડી દહેશત હતી કારણ “મુંબઈની પ્રજા એવાં કામ પાછળ ઝાઝી ખંતી નથી.” પણ ના. એ દહેશત ખોટી પડી. ”ધન્ય અમારા પારસી અને હિંદુ બંધુઓને કે થોડા જ માસમાં પૈસાની રેલછેલ થઇ ગઈ. છપામણ બંધામણ તો સહજ નિકળી આવ્યું. હવે જીવમાં જીવ આવ્યા, અને ઉમંગથી કામ આરંભ્યું.”
પુસ્તકમાં સૌથી પહેલાં મેક્સમૂલરનો ફોટો અને નીચે તેમની સહી મૂક્યાં છે. એ જમાનાના ચાલ પ્રમાણે પુસ્તકમાં બે ટાઈટલ પેજ છે, પહેલું ગુજરાતીમાં ને બીજું અંગ્રેજીમાં. જો કે આ વ્યાખ્યાનો હબર્ટ લેક્ચર્સ તરીકે અપાયાં હતાં એ હકીકતનો ઉલ્લેખ ફક્ત અંગ્રેજી ટાઈટલ પેજ પર છે. બેમાંથી એકે ટાઈટલ પેજ પર પુસ્તકની કિંમત છાપી નથી. પુસ્તક છપાયું છે મુંબઈના ફોર્ટ પ્રિન્ટિંગ પ્રેસમાં. પુસ્તક ‘મહારાજાધિરાજ મહારાજ જામશ્રી વિભાજી, સંસ્થાન નવાનગરના અધિપતિ’ને અર્પણ કર્યું છે. અર્પણપત્ર પણ બન્ને ભાષામાં છે. અર્પણનાં પાનાં પછી ગુજરાતી પ્રસ્તાવનાનાં છ પાનાં. તે પછી ધર્મ વિશેનો બેહેરામજીનો પોતાનો દસ પાનાંનો લેખ. પશ્ચિમના ઘણા બધા વિદ્વાનોના મતની ચર્ચા કર્યા પછી, છેવટે મલબારી કહે છે: “ખરી વાત એ છે કે ધર્મ એટલે શું એ પ્રશ્ન પૂછવા સરખો નથી, અને એનો એક જ ઉત્તર મળ્યોએ નથી અને મળશે પણ નહિ.” ધર્મ વિશેના લેખ પછી માત્ર બે પાનાંમાં મેક્સમૂલરના મતનો સારાંશ આપ્યો છે. ત્યાર બાદ ચાર પાનાંમાં મેક્સમૂલરના ‘જીવનચરિત્રનો સાર’ આપ્યો છે. એ સાર પૂરો થાય છે તે પછી તે જ પાના પર જે નોંધ છાપી છે તે પરથી જણાય છે કે આ પુસ્તક પ્રગટ કરવા માટે મુંબઈ સરકારના ડાયરેક્ટર ઓફ પબ્લિક ઈન્સ્ટ્રકશન તરફથી ૫૦૦ રૂપિયાની ગ્રાન્ટ મળી હતી. ‘જીવનચરિત્રનો સાર’ પછીનાં સાત પાનાંમાં મૂળ ગુજરાતી પ્રસ્તાવનાનો અંગ્રેજી અનુવાદ આપ્યો છે. ગુજરાતી ટાઈટલ પેજ પર પુસ્તકનું નામ આમ છાપ્યું છે: ‘भट्ट मोक्ष मूलर कृत ધર્મની ઉત્પત્તિ તથા વૃદ્ધિવિષેનાં ભાષણ.’ પુસ્તકની જે નકલ આ લખનારે જોઈ છે તેની મૂળ બાંધણી આજ સુધી સચવાઈ રહી છે. પૂંઠા પર છાપેલું પુસ્તકનું નામ જરા જૂદું છે:‘મોક્ષ મૂલર કૃત ધર્મવિષેનાં ભાષણ.’ (સંસ્કૃતમાં લખતી વખતે મેક્સમૂલર પોતાનું નામ ‘મોક્ષમૂલર ભટ્ટ’ એમ લખતા.) એમ્બોસ કરેલી ડિઝાઈનવાળા ઘેરા ભૂરા રંગના કપડા ઉપર સોનેરી રંગની શાહીથી આ નામ છાપ્યું છે. આજે ૧૩૫ વર્ષ પછી પણ શાહીનો સોનેરી રંગ લગભગ તેવો ને તેવો જળવાઈ રહ્યો છે.
અનુવાદ પૂરો થયા પછી ત્રણ પાનાંનું ‘શુદ્ધિપત્ર’ છાપ્યું છે. છેવટે બીજાં ૧૫ પાનાં ઉમેર્યાં છે જેમાં બેહેરામજીનાં અંગ્રેજી તથા ગુજરાતી પુસ્તકો વિશેના કેટલાક અગ્રણીઓના અભિપ્રાય છાપ્યા છે. તેમાંનાં કેટલાંક નામ: ફ્લોરેન્સ નાઈટીંગેલ, આલ્ફ્રેડ ટેનિસન, મેક્સમૂલર, વિલિયમ વર્ડ્ઝવર્થ, જેમ્સ ગિબ્સ, મોનિયેર વિલિયમ્સ. (બધા અભિપ્રાયો ગુજરાતી અનુવાદ રૂપે આપ્યા છે.) આ ઉપરાંત કલકત્તા સ્ટેટ્સમેન, મદ્રાસ એથીનિયમ, મદ્રાસ મેલ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, જામે જમશેદ, રાસ્ત ગોફતાર, બોમ્બે રિવ્યૂ, બોમ્બે ગેઝેટ, અમૃત બજાર પત્રિકા, પૂના ઓબ્ઝર્વર, ગુજરાતમિત્ર, વિદ્યામિત્ર, વગેરે અખબારો-સામયિકોમાં પ્રગટ થયેલાં અવલોકનોમાંથી પણ ઉતારા આપ્યા છે. કોઈક કારણસર છેવટનાં આ ૧૫ પાનાં ફોર્ટ પ્રિન્ટિંગ પ્રેસમાં ન છાપતાં નાનાભાઈ રૂસ્તમજી રાણીનાના યુનિયન પ્રેસમાં છાપ્યાં છે. છેલ્લાં ત્રણ પાનાં કોરાં છોડ્યાં છે.
પુસ્તકમાં અનુવાદક તરીકે બે નામ છાપ્યાં છે: બેહેરામજી મેરવાનજી મલબારી તથા નવરોજી મંચેરજી મોબેદજીના. પારસીપ્રકાશ(દફતર ૬, પા.૧૨૭)ના જણાવ્યા પ્રમાણે ૧૯૨૩ના નવેમ્બરની ૨૨મી તારીખે ૬૮ વર્ષની વયે નવરોજીનું અવસાન થયું હતું. (એટલે કે આ અનુવાદ પ્રગટ થયો ત્યારે તેમની ઉંમર આશરે ૨૬ વર્ષની હતી.) મેટ્રિક સુધી ભણ્યા પછી અંગ્રેજી અઠવાડિક ‘ઇન્ડિયન સ્પેકટેટર’માં સબ-એડિટર તરીકે ૧૨ વર્ષ કામ કર્યું હતું. ત્યાર બાદ નબળી તબિયતને કારણે છૂટા થયા હતા, અને નસરવાનજી ફરામજી બિલીમોરિયા સાથે મળીને રાહે રોશન નામનું સામયિક ચલાવ્યું હતું. ૧૮૯૦માં તેમણે નિવૃત્તિ સ્વીકારી હતી.
પુસ્તકના મુખ્ય કર્તા બેહેરામજીનો જન્મ ૧૮૫૩ના મે મહીનાની ૧૮મી તારીખે વડોદરામાં. (એટલે કે આ અનુવાદ પ્રગટ થયો ત્યારે તેમની ઉંમર ૨૮ વર્ષની હતી.) મૂળ નામ બેહેરામજી ધનજીભાઈ મહેતા. ગાયકવાડ સરકારમાં પિતા ધનજીભાઈ સામાન્ય ક્લાર્ક તરીકે કામ કરતા. બેહેરામજી માંડ પાંચ વર્ષના થયા ત્યાં પિતા બેહસ્તનશીન થયા. થોડા દિવસ પછી માતા ભીખીબાઈ સાથે વીસ દિવસ ચાલીને વડોદરાથી સુરત પહોંચ્યા. પહોંચ્યા તે જ રાતે સુરતની જાણીતી આગમાં મોસાળનું ઘર અને બધી સંપત્તિ બળીને રાખ. બાળક બેહેરામજીને માથે છાપરું મળે એટલા ખાતર ભીખીબાઈએ મેહેરવાનજી નાનાભાઈ મલબારી સાથે બીજાં લગ્ન કર્યાં અને બેહેરામજી ધનજીભાઈ મહેતા બન્યા બેહેરામજી મેરવાનજી મલબારી. જીવાજી કસાઈ પાસેથી વીસ રૂપિયા ઉધાર લઇ મેટ્રિકની પરીક્ષા આપવા મુંબઈ ગયા. પણ એક વાર નહિ, ત્રણ વાર એ પરીક્ષામાં નાપાસ થયા. છેક ચોથી ટ્રાયલે ૧૮૭૧માં મેટ્રિક થયા. બ્રિટન અને યુરપમાં મલબારીનું નામ જાણીતું થયું તે તેમના અંગ્રેજી કાવ્યસંગ્રહ ‘ધ ઇન્ડિયન મ્યૂઝ ઇન ઇંગ્લિશ ગાર્બ’ને લીધે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ઇન્ડિયન સ્પેકટેટર, અને બીજાં પત્રોમાં અંગ્રેજીમાં લેખો લખતા થયા. મેક્સમૂલરના આ પુસ્તકના અનુવાદે મલબારીના જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. બાળલગ્ન, વિધવાવિવાહ પ્રતિબંધ, સતી વગેરે સામાજિક કુરિવાજોને હિંદુ ધર્મશાસ્ત્રનો લેશમાત્ર આધાર નથી એમ મેક્સમૂલરે પોતાનાં ભાષણોમાં દાખલા દલીલો સાથે જણાવેલું. એ જાણ્યા પછી મલબારીના સુધારા અંગેના વિચારોને વેગ મળ્યો. પણ સમાજ સુધારા અંગેનાં વિચારો અને લખાણોને કારણે રૂઢીચુસ્ત હિન્દુઓનો વિરોધ વહોરી લેવો પડ્યો. બાળલગ્ન પર સરકાર પ્રતિબંધ મૂકે એ માટે ત્રણ વાર ઇન્ગ્લન્ડની મુસાફરી કરી. પણ સફળતા મળી નહિ. પણ મલબારી અને બીજા કેટલાકના પ્રયત્નોને પરિણામે થોડા વખત પછી સરકારે ‘સંમતિવયનો કાયદો’ પસાર કર્યો. ૧૯૧૨ના જુલાઈમાં મલબારી આરામ કરવા શીમલા ગયા. વાઈસરોય લોર્ડ હાર્ડીન્જ, કમાન્ડર ઇન ચીફ સર ઓ’મોર કે., ગ્વાલિયર તથા બીકાનેરના મહારાજાઓ (આ બધા સાથે તેમને અંગત સંબંધો હતા) તેમ જ બીજા કેટલાક મિત્રોને મળ્યા. ૧૧મી જુલાઈની રાતે મિત્ર જોગિન્દરસિંહ સાથે ફોન પર વાત કરતાં એકાએક બેભાન થઇ ગયા, અને થોડી જ વારમાં તેમનું અવસાન થયું. શીમલાની પારસી આરામગાહમાં તેમના નશ્વર દેહને દફનાવવામાં આવ્યો. તેમના કાવ્ય ‘આ દુનિયાના ઉપકાર’ની કેટલીક પંક્તિઓ કબર પર કોતરવામાં આવી:
ફરજ એ અદા મેં કીધી હો, ખુદા!
ગરજ બીજી શી? – એક ફાટી ચાદર –
ન ઉપકાર કોના, ન કોની અદા –
મળે ચાર ગજની જો સાદી કબર.
સંદર્ભ: Behramji Malbari: A biographical sketch. By Dayaram Gidumal, with Introduction by Florence Nightingale. T. Fisher Unwin, London, [2nd Ed.] MDCCCXCII [1892]
(પ્રથમ પ્રકાશિત : “પ્રત્યક્ષ”, અૉક્ટોબર-ડિસેમ્બર 2016; પૃ. 19-22)
e.mail : deepakbmehta@gmail.com
![]()


એટલે કે જ્યાં એક વડો વિદ્યાર્થી શિક્ષકના સહાયક તરીકે કામ કરતો હોય, જ્યાં છોકરાઓ પાટી પર લખતાં શીખતા હોય, અને પોતે લખેલું વડા વિદ્યાર્થીને બતાવતા હોય એવી નિશાળો કૃષ્ણ-સુદામાના જમાનામાં હોય કે ન હોય, પણ પ્રેમાનંદના જમાનાના ગુજરાતમાં તો હતી જ. અલબત્ત, ૧૯મી સદીમાં તેમાં સાંદિપની ઋષિ જેવા ‘અધ્યાપક અનંત’ ભાગ્યે જ ભણાવતા. થોડું ગણી, લખી, વાંચી શકતા હોય તેવા બ્રાહ્મણો તેમાં ઉપલા વર્ણના છોકરાઓને ભણાવતા. ઓગણીસમી સદીની પહેલી બે પચ્ચીસી સુધી આવી નિશાળો બોમ્બે પ્રેસિડેન્સીનાં શહેરોમાં અને કેટલાંક ગામડાઓમાં ફેલાયેલી હતી. અલબત્ત, બીજી પચ્ચીસીની શરૂઆતથી ધીમે ધીમે બ્રિટીશ પદ્ધતિથી શિક્ષણ આપતી સ્કૂલોએ તેમનું સ્થાન લેવા માંડ્યું.
નવાં પુસ્તકો તૈયાર કરાવવાની સોસાયટીના મનની આ મુરાદ મનમાં જ રહી જાત, કારણ તે માટેનાં આર્થિક સાધનો તેની પાસે નહોતાં. પણ ત્યાં જ બોમ્બે પ્રેસિડેન્સીના સારા નસીબે ૧૮૧૯ના નવેમ્બરની પહેલી તારીખે માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર બન્યા. સોસાયટી શરૂ થઈ ત્યારથી ગવર્નર તેના પ્રમુખ બને એવો ચાલ હતો. એટલે ૧૮૧૯માં એલ્ફિન્સ્ટન સોસાયટીના પ્રમુખ બન્યા. ગુજરાતી-મરાઠી પાઠ્ય પુસ્તકોના અભાવ અંગેની મુશ્કેલી તરત તેમના ધ્યાનમાં આવી. તેમણે કહ્યું: પાઠ્ય પુસ્તકો નથી? તો ચાલો, આપણે જ તૈયાર કરી છાપીએ. ૧૮૨૦ના ઓગસ્ટની ૧૦મી તારીખે તેમના પ્રમુખપદે મળેલી સોસાયટીની વાર્ષિક સભામાં ‘ધ નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક કમિટી’ની સ્થાપના કરવામાં આવી. તેનું અલગ ભંડોળ રચવા માટે તાત્કાલિક ઉઘરાણું કરવામાં આવ્યું. તેમાં એલ્ફિન્સ્ટને અંગત રીતે ૬૦૦ રૂપિયા આપ્યા અને દર વર્ષે ૩૦૦ રૂપિયા આપવાનું વચન આપ્યું. થોડા વખતમાં ૪,૨૫૦ રૂપિયાનું ભંડોળ એકઠું થયું અને દર વર્ષે ૧,૮૮૧ રૂપિયાના દાનનાં વચનો મળ્યાં. કુલ ૫૭ વ્યક્તિ પાસેથી દાન મળ્યાં હતાં. તેમાંના ૪ — દેવીદાસ હરજીવનદાસ, નાગરદાસ હિરજી મોદી, રઘુનાથ જોશી, વેન્કોબા સદાશિવ હિંદુ હતા અને ૪ — ફરામજી કાવસજી, હોરમસજી બમનજી, જમશેદજી બમનજી, જમશેદજી જીજીભાઈ પારસી હતા. દાન આપનારા બાકીના બધા અંગ્રેજો હતા. નવી કમિટીના સંચાલક મંડળમાં ૧૨ અંગ્રેજો ઉપરાંત ૧૨ દેશી વ્યક્તિઓને સ્થાન આપવામાં આવ્યું. તેમાંના ચાર પારસી હતા: ફરામજી કાવસજી, હોરમસજી ધનજી, મુલ્લા ફિરોઝ, જમશેદજી જીજીભાઈ, ચાર હિંદુ હતા: દેવીદાસ હરજીવનદાસ, નાગરદાસ હિરજી મોદી, જગન્નાથ શંકરશેઠ, ધાકજી દાદાજી, અને ચાર મુસલમાન હતા: મુંબઈના કાજી, કાજી ગુલામ હુસેન, મોહમ્મદ અલી રોગે, મોહમ્મદ ઈબ્રાહીમ મકાબા. બે મંત્રીઓ પણ નીમવામાં આવ્યા જેમાંનો એક અંગ્રેજ અને એક હિંદુ હતો. આજે આપણને આ કોઈ બહુ મોટી વાત ન લાગે. પણ એ વખતે બીજા કેટલાક અંગ્રેજ અધિકારીઓએ દેશીઓને સંચાલનમાં સહભાગી બનાવવાના એલ્ફિન્સ્ટનના આ પગલાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. કારણ તેમને બીક હતી કે આ રીતે આજે આંગળી આપશું તો વખત જતાં દેશીઓ પોંચો પકડશે. પણ એલ્ફિન્સ્ટનનું દૃઢપણે માનવું હતું કે દેશીઓને સાથે રાખ્યા વગર શિક્ષણનું કામ થઈ શકશે નહિ. ૧૮૨૨ના ઓગસ્ટની ૨૧મી તારીખથી નવી સંસ્થા કમિટીમાંથી સોસાયટી બની અને માતૃસંસ્થાથી અલગ, સ્વતંત્ર રીતે કામ કરતી થઈ. ૧૮૨૩ના સપ્ટેમ્બર સુધીમાં તેણે આટલાં ગુજરાતી પાઠ્ય પુસ્તકો પ્રગટ કર્યાં હતાં: (૧) લિપિધારા, ૭૨૫ નકલ, રૂ. ૩ (૨) એડવાઈઝ ટુ ચિલ્ડ્રન ઇન શોર્ટ સેન્ટન્સીસ, ૭૮૨ નકલ, રૂ. ૩ (૩) ટેબલ્સ ઇન બનિયન ગુજરાતી, ૧૯૫ નકલ, રૂ. ૩ (૪) ટેબલ્સ ઇન પારસી ગુજરાતી, ૧૦૦ નકલ, રૂ. ૩ (૫) અ ટ્રિટાઈઝ ઓન ધ મેનેજમેન્ટ ઓફ સ્કૂલ્સ, ૧૦૦૦ નકલ, રૂ. ૩ (૬) લેફ્ટનન્ટ કર્નલ કેનેડીએ તૈયાર કરેલો શબ્દકોશ, રૂ. ૧૨ (છેલ્લાં બે પુસ્તકો વિદ્યાર્થીઓ માટે નહિ, શિક્ષકો માટે હતાં.) આપણે ત્યાં એક એવો ભ્રમ પ્રચલિત થયો છે કે ૧૮૫૯માં પ્રગટ થયેલાં હોપ વાચન માળાના સાત ભાગ તે ગુજરાતી ભાષાનાં પહેલાં પાઠ્ય પુસ્તકો. પણ હકીકતમાં પહેલાં પાઠ્ય પુસ્તકો તો ૧૮૨૩ સુધીમાં પ્રગટ થયેલાં આ છ પુસ્તકો. તેવી જ રીતે સોસાયટીએ પાંચ મરાઠી પાઠ્ય પુસ્તકો પણ પ્રગટ કર્યાં હતાં તે પણ મરાઠી ભાષાનાં પહેલવહેલાં પાઠ્ય પુસ્તકો.
“હોરમજદની મદદથી આ પુસ્તકનું એક દફતર અતરે ખતમ થયું છે. એ દફતર ૧૦ વર્ષે છપાઈ તથા ૧૭ વર્ષે રચાઈ તૈયાર થયું છે, અને એ પર મેં મારી જિંદગીનો મોટો તથા જવાનીનો બધો વખત રોક્યો છે. એ રોકેલો વખત તથા લીધેલી મહેનત મારી કોમને ઉપ્યોગી થઇ પડી છે એમ જો મારા વાચનારાઓ ધારે તો મારા દીલમાંની મોરાદ અને મહેનતનો બદલો પામી ચુકો છું, એવો હું સંતોષ લઈશ.” ૧૮૮૮ના સપ્ટેમ્બરની ૧૭મી તારીખે આ શબ્દો લખાયા હતા. લખનાર હતા બહમનજી બેહરાંમજી પટેલ.
એ વળી કોણ? તમે પૂછશો. કારણ ગુજરાતી સાહિત્યના ઈતિહાસ, વિવેચન, કે સંદર્ભનું કોઈ પણ પુસ્તક જોઈ જાવ. આ બહમનજીનું નામ નિશાન ક્યાં ય જોવા નહિ મળે. જો એક વાક્યમાં ઓળખ આપવી હોય તો ‘પારસી પ્રકાશ’ નામના દળદાર ગ્રંથના બનાવનાર. જેને અંતે આ શબ્દો છપાયા છે તે પહેલું દફતર (એટલે કે પહેલો ખંડ) ૧૦૬૮ પાનાનું છે, અને તે ય મોટા કદનાં, બે કોલમમાં છાપેલાં પાનાં. એ જમાનાના ચાલ પ્રમાણે (નર્મકોશ અને નર્મ કવિતા જેવાં નર્મદનાં પુસ્તકો પણ આ રીતે પ્રગટ થયેલાં.) પહેલાં ૧૮૭૮થી ૧૮૮૮૮ સુધીમાં પારસી પ્રકાશના ૧૧ ભાગ પ્રગટ થયેલા અને પછી ૧૮૮૮માં એ બધા ભાગ એક પુસ્તકમાં પહેલા દફતર તરીકે પ્રગટ થયેલા. તેવી જ રીતે બીજું દફતર પણ પહેલાં આઠ ભાગમાં છપાયું અને પછી ૧૯૧૦માં એક પુસ્તક રૂપે સુલભ થયું. ૧૮૬૦થી ૧૮૮૦ના વીસ વર્ષના ગાળાને સમાવતા આ બીજા દફતરનું પ્રકાશન બહમનજીનાં બહેન દીનબાઈ બહેરામજી પટેલે કર્યું હતું. કારણ ૧૯૦૮ના સપ્ટેમ્બરની નવમી તારીખે બહમનજી બેહસ્તનશીન થયા હતા.
ત્રીજા દફતરની ઘણી સામગ્રી પણ બહમનજીએ તૈયાર તો કરી રાખી હતી, પણ તેને વ્યવસ્થિત પુસ્તકનું રૂપ આપવાનું તેમનાથી બની શક્યું નહોતું. એ કામ કર્યું બહમનજીના મિત્ર, બોમ્બે હાઈ કોર્ટના વકીલ, રુસ્તમ બરજોરજી પેમાસ્તરે. આ દફ્તર પણ ૧૯૨૦માં ગ્રંથ રૂપે છપાતાં પહેલાં ૧૧ ભાગમાં પ્રગટ થયું હતું. તેમાં ૧૮૮૧થી ૧૯૦૦ સુધીની તવારીખ આપી છે. પ્રસ્તાવનામાં પેમાસ્તર જણાવે છે કે આ દફતર માટેની કેટલીક નોંધો પણ બહમનજી તૈયાર કરી ગયા હતા તેમાં સુધારા વધારા કરીને પોતે અહીં રજૂ કરી છે. અલબત્ત, પોતાને યોગ્ય લાગ્યા તેવા કેટલાક ફેરફાર પણ તેમણે સામગ્રીની પસંદગી અને રજૂઆતમાં કર્યા છે. પારસી પ્રકાશનાં કુલ દસ દફતર પ્રગટ થયાં હોવાની માહિતી આ લખનારને મળી છે. દસમું દફતર ૧૯૬૧-૬૨ના વર્ષ આગળ આવીને અટકે છે. પણ ત્રીજા દફતર પછીના ભાગો એક પછી એક આછા અને ઉપરછલ્લા થતા ગયા. સંદર્ભ માટેનાં સાધનો તો વીસમી સદીમાં વધતાં ચાલ્યાં હતાં, પણ તેનો સૂઝ અને સમજ પૂર્વક ઉપયોગ કરી શકે તેવા, બહમનજી જેવા સંપાદકો પછીથી મળ્યા નહિ.
પારસી પ્રકાશની એક મુશ્કેલી છે તેમાંની ઢગલાબંધ સામગ્રી. છાપાંઓ, ચોપાનિયાં વગેરેમાંથી જે માહિતી મળી તેમાંથી શું લેવું અને શું જતું કરવું તેનો ઝાઝો વિચાર બહમનજીએ અને પેમાસ્તરે કર્યો નથી. પરિણામે જેનું દસ્તાવેજી મૂલ્ય નહીંવત્ હોય તેવું ઘણું અહીં છે, અને તેમાંથી જરૂરી અને ઉપયોગી સામગ્રી તારવવાનું કામ મહેનત માગી લે તેવું છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ આ અંગે ટકોર કરતાં લખ્યું હતું: