“૨૯મી મેનો સૂર્ય ઊગ્યો ને ગાંધીજીએ ઉપવાસ છોડ્યા,
આખું જગત હસ્યું કે ગાંધીજીએ ઉપવાસ છોડ્યા.”
૧૯૩૩ના મે મહિનાની ૨૯મીનો દિવસ એટલે શબ્દની સૃષ્ટિમાં ધીરુબહેનના વિધિવત્ પ્રવેશનો દિવસ. તે દિવસે તેમને સાત વર્ષ પૂરાં થયાં. ડાયરી લખવાની શરૂઆત તો તે પહેલાંથી કરેલી. તેમાં જન્મ દિવસ વિષે લખવાને બદલે તેઓ ગાંધીજીએ ઉપવાસ છોડ્યા એ વિષે લખે છે. આ લખાણમાં કૈંક એવું ગદ્ય દેખાય છે કે ભવિષ્યને માટે આશા જન્માવે. એટલે કે ધીરુબહેન છેલ્લાં ૮૫ વર્ષથી પોતાની શબ્દસૃષ્ટિનું સર્જન કરી રહ્યાં છે.
આટલા લાંબા સમયગાળા દરમ્યાન સર્જાયેલી અને હજી આજે પણ સર્જાતી રહેલી શબ્દસૃષ્ટિની વાત પંદર મિનિટમાં કરવી એ ધીરજબાળા જેવા પાંચ અક્ષરના નામને બે અક્ષરમાં સમાવી લેવા જેટલું સહેલું કામ નથી. હા, ધીરુબહેને શું નથી લખ્યું એની વાત સહેલાઈથી, બે મિનિટમાં થઇ શકે. અભ્યાસી સાહિત્યનાં. અધ્યાપક સાહિત્યનાં. એટલે વિવેચન લખવા તરફ કલમ વળે એ સ્વાભાવિક. એવું થોડું લખ્યું પણ ખરું. પણ પછી એક દિવસ ટાગોર રોડ અને સરસ્વતી રોડ (રોડનાં નામો પણ કેટલાં અર્થસમર્પક છે!) એ બે રોડને નાકે ગુરુવર્ય રામભાઈ બક્ષીએ ધીરુબહેનને ઊભાં રાખ્યાં અને લાલ બત્તી ધરી દીધી: “ધીરુબહેન! હવે બસ. લખવા માંડો. આ દિશામાં આગળ વધી જશો તો અમારી માફક પંડિત ને વિવેચક થઇ જશો.” ‘ગુરવે નમઃ’માં માનતાં ધીરુબહેને તે પછી પાંડિત્યદર્શી વિવેચનો નથી લખ્યાં. માતા ગંગાબહેને એમના જમાનામાં આત્મકથા લખેલી, ‘સ્મૃિતસાગરને તીરે’. પણ હજી સુધી ધીરુબહેન આ બાબતમાં માતાને પગલે ચાલ્યાં નથી. જો કે ધીરુબહેન આત્મકથા નહિ, તો સંસ્મરણોનું પુસ્તક લખશે એવી આશા છોડી દેવાની જરૂર નથી.
કારણ? કારણ સર્જક તરીકે, પોતાની અને પોતીકી શબ્દસૃષ્ટિના વિધાયક તરીકે ધીરુબહેન અનપ્રેડિકટેબલ રહ્યાં છે, હંમેશ. મુનશી પાસેથી કાવ્યસંગ્રહની આશા ન રાખી શકાય. ઉમાશંકર ગઝલ સંગ્રહ પ્રગટ ન કરે. તારક મહેતા વિવેચન લેખો ન લખે. આવાં વિધાન સહેલાઈથી કરી શકાય. પણ ધીરુબહેન અમુક લખશે, કે નહિ લખે એવું વિધાન કરવામાં પૂરેપૂરું જોખમ. કારણ એ બીજાને પૂછીને નહિ, પણ પોતાની જાતને પૂછીને લખનારા લેખક છે. ૨૦૦૫માં અંગ્રેજી કાવ્યોનો સંગ્રહ ‘કિચન પોએમ્સ’ પ્રગટ થયો તે પહેલાં કોઈએ ધાર્યું નહિ હોય કે આવાં, અલાયદાં, આગવાં કાવ્યોનો સંગ્રહ ધીરુબહેન આપશે, અને તે પણ અંગ્રેજીમાં. બીજી કેટલીક ભાષાઓમાં તેના અનુવાદ થયા પછી, તેનું નાટ્ય રૂપાંતર સફળતાથી ભજવાયા પછી, આ કાવ્યોનો ગુજરાતી અનુવાદ હવે ધીરુબહેને પોતે કર્યો છે.
ધીરુબહેન અનપ્રેડિકટેબલ છે કારણ કોઈ વ્યક્તિ, વાદ, વાડા, કે વિચારધારામાં તેઓ ક્યારે ય બંધાતાં નથી. શું લખવું કે શું ન લખવું એ બીજું કોઈ તો ધીરુબહેનને ન જ કહી શકે, પણ ખુદ ધીરુબહેન પોતે પણ પોતાને કહેતાં નથી. ધીરુબહેનનો પહેલો વાર્તાસંગ્રહ ‘અધૂરો કોલ’ ૧૯૫૫માં પ્રગટ થયો. પહેલી નવલકથા ‘વડવાનલ’ ૧૯૬૩માં. જરા યાદ કરો. એ દિવસો એટલે પ્રયોગ પરાયણતા, ઘટનાલોપ, ભાષાકર્મ, આકૃતિપરસ્તીના પૂરના દિવસો. વિશ્વામિત્રીનાં પૂરનાં પાણી ગુજરાતી સાહિત્યના ઘણા મોટા પ્રદેશ પર ફરી વળેલાં. ધીરુબહેન એ પ્રવાહ સાથે તર્યાં હોત તો ઝડપથી ઉપર આવી ગયાં હોત. પણ પછી આગળ વધી શક્યાં હોત ખરાં? પૂરનાં પાણી ઓસર્યા પછી તેમનો શબ્દ તરતો ન રહ્યો હોત. વિશ્વામિત્રીના કાંઠે ખડકાયેલા તૂટેલા તરાપાઓમાં એકનો વધારો થયો હોત.
ધીરુબહેન અનપ્રેડિકટેબલ છે કારણ એ બીજા કોઇથી તો નથી જ બંધાતાં, પણ પોતે અગાઉ જે લખ્યું તેનાથી પણ બંધાઈને રહેતાં નથી. પોતાની સફળ કૃતિનું પણ ક્યારે ય અનુકરણ કરતાં નથી. આથી તેમનો શબ્દ સદાબહાર રહ્યો છે. જન્મ વડોદરામાં, વતન ધર્મજ, પણ જીવનનો મોટો ભાગ મુંબઈમાં. છેલ્લાં થોડાં વર્ષોથી અમદાવાદવાસી બન્યાં છે, પણ અમદાવાદી બન્યાં નથી. બની શકે જ નહીં, કારણ મુંબઈ એમના લોહીના લયમાં ભળેલું છે. ગામડાંને જાણે છે, ગુજરાતને ચાહે છે, પણ તેમનો શબ્દ નાગરિક, બલકે મહાનાગરિક છે. મુંબઈ જેવા મહાનગરના જીવનનું આભિજાત્ય તેમની શબ્દસૃષ્ટિમાં છલકે-મલકે છે. ક્યારેક ગ્રામીણ પાત્રો, વાતાવરણ, ભાષા-લહેકો તેમની કૃતિઓમાં જોવા મળે, પણ ગામડિયાપણું ક્યાં ય, ક્યારે ય, જોવા ન મળે. શહેરી સોફિસ્ટીકેશન એ ધીરુબહેનનાં લખાણોનું ધ્યાન ખેંચે તેવું લક્ષણ છે.
‘આગંતુક’ માટે દિલ્હીની સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર મળ્યો ત્યારે લીધેલી એક મુલાકાતમાં પૂછ્યું હતું: “તમારો ઉછેર એક ગાંધીવાદી કુટુંબમાં થયો. આજે પણ તમે ખાદી જ પહેરો છો. પણ લેખક તરીકે તમને ‘ગાંધીવાદી’નું લેબલ લગાડી શકાય એમ નથી. આનું કારણ શું?” ત્યારે જવાબમાં તેમણે કહેલું: “હું ગાંધીજીને ચાહું છું કારણ ગાંધીજી ‘ગાંધીવાદી’ નહોતા.” પછી કહે: “હું ગાંધીવાદી ન બની તેનું કારણ મારા પિતાજી. મારાં બા ચુસ્ત ગાંધીવાદી ખરાં. હું તો જન્મી ત્યારથી ખાદીમાં. પણ મારા પિતાજી તો વ્યક્તિસ્વાતંત્ર્યમાં એટલું બધું માને. મારા કાન વિંધ્યા વગરના છે. પિતા કહે કે એ હજી બોલતી થઇ નથી ને આપણાથી કેવી રીતે એના કાન વિંધાય? અમારા ઘરમાં એક ખુશનુમા વાતાવરણ હતું. સોગિયું ગાંધીવાદી વાતાવરણ નહોતું.”
ધીરુબહેનને જેમ ‘ગાંધીવાદી’નું લેબલ ન લગાડી શકાય, તેમ ‘નારીવાદી’નું લેબલ પણ ન લગાડી શકાય. તેમની કેટલીક કૃતિઓ નારીકેન્દ્રી છે, નારી માટેની સાચકલી કન્સર્ન તો લગભગ દરેક કૃતિમાં જોવા મળે. અંગ્રેજી નારીવાદી સાહિત્યનો સારો અભ્યાસ. આ અંગે ધીરુબહેને કહ્યું છે: “હું નારીવાદી ન બની શકું. કારણ કે મને પુરુષો ગમે છે. હું ખરેખર એવું નથી માનતી કે દરેક પુરુષ રાક્ષસ છે, ને દરેક સ્ત્રી દેવી જ છે. હું નારીવાદી નથી જ કારણ આ તદ્દન બ્લેક, આ તદ્દન વ્હાઈટ એવું નથી. આખા સમાજમાં જુઓ તો સ્ત્રીઓને ભાગે વધુ અન્યાય અને દુ:ખ છે, પણ મેં અંગત રીતે આ બધું વેઠયું નથી એટલે મને એ અંદરથી નથી થતું.”
હકીકતમાં ધીરુબહેને પોતાની જાત પર કોઈ પ્રકારનાં લેબલ લાગવા દીધાં નથી. એટલે જીવન અને સાહિત્ય, બન્નેની બાબતમાં તેઓ ઓપન રહે છે. એમને કશાનો છોછ નથી. એ ઉમાશંકરના ‘સંસ્કૃિત’ માટે લખે તો વ્યવસાયી ફિલ્મ કે રંગભૂમી માટે પણ લખે. રેડિયો, ટેલિવિઝન, અને વેબસાઈટ માટે પણ લખે. અને એ માધ્યમોની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને લખે. અંદરની લાગણીથી લખે તો બીજાની માગણીથી પણ હાજરાહજૂર લખી આપે. ગુલાબદાસ બ્રોકર ગાંધીવાદી ટૂંકી વાર્તાઓનું સંપાદન કરતા હતા ત્યારે તેમણે ધીરુબહેન પાસે એવી એક વાર્તા માગી. ધીરુબહેન કહે કે એવી વાર્તા મારી પાસે છે તો નહિ, પણ તમે બે કલાક થોભો તો લખી આપું. ‘મહાત્મા અને માણસ’ વાર્તા લખી. બ્રોકરને તો એ ગમી જ, પણ પછીથી આપણાં પાઠ્ય પુસ્તકોમાં પણ એ વાર્તા લેવાઈ. લખવા માટેનું નિમિત્ત ભલે ગમે તે હોય, ધીરુબહેન બહુ સહજતાથી પ્રોફેશનલ રાઈટિંગ અને કમર્શિયલ રાઈટિંગ વચ્ચેની ભેદરેખા સભાનતાથી જાળવે.
ધીરુબહેન ઓપન રહી શક્યાં છે કારણ બીજાને શું લાગશે, બીજા શું કહેશે એની પરવા ધીરુબહેને કરી નથી. એ માટેનો ઈશારો માતા ગંગાબહેન તરફથી પ્રમાણમાં વહેલો મળી ગયો હતો. ‘વડવાનલ’ નવલકથાનું એક એક પ્રકરણ દર અઠવાડિયે લખાતું અને છપાતું. ત્રીજા પ્રકરણ વખતે ધીરુબહેનને વિચારમાં ડૂબેલાં જોઇને બાએ પૂછ્યું: “શું થયું છે?” ધીરુબહેન કહે: “બા, લોકો મને એવું પૂછે છે કે આ તમારો અનુભવ છે? તમારાં બા તરફથી તમારી અવગણના થયેલી? મને ચિંતા થાય છે કે હવે હું શું કરું? કારણ કે હજી તો કાંઈ નથી, આગળ ઉપર તો ઘણું ઘણું થવાનું છે. પછી લોકો શું કહેશે?” બાએ ફક્ત એટલું જ કહ્યું: “લોકોની દરકાર કરે તેનાથી લેખક થવાય?” બાએ જે ‘લોકો’ની વાત કરી હતી, તેમાં વિવેચકોનો સમાવેશ પણ થઇ જાય. લોકપ્રિયતાની સૂગ નહિ, પણ તેને શરણે જવાનું નહિ. વિવેચન અને વિવેચકો માટે અનાદર નહિ, પણ બાબા વાક્યમ્ પ્રમાણમ્ એમ માનવાનું નહિ.
પહેલાં બે પુસ્તક, વાર્તાસંગ્રહ ‘અધૂરો કોલ’ અને નાટ્યસંગ્રહ ‘પહેલું ઇનામ’ ૧૯૫૫માં પ્રગટ થયાં. ત્યારે ધીરુબહેનની ઉંમર ૨૯ વર્ષની. આજે ઉંમરના આંકડા અરસપરસ બદલાઈ ગયા છે. પણ ધીરુબહેનની કલમ હજી સતત ચાલતી રહી છે, તાજગી અને નજાકત ગુમાવ્યા વગર. બાળપણમાં પુસ્તકો વાંચવા માટે ધીરુબહેન પાસે એક નહિ, બે નહિ, ત્રણ ત્રણ મહેલ હતા. હંસરાજ વાડીમાંનું મોટું વડનું ઝાડ તે પહેલા નંબરનો મહેલ. દક્ષિણ દિશાએ આવેલી ઘટાદાર આમલી તે બીજા નંબરનો મહેલ. અને ઘરને અડીને આવેલી નાની ચિકૂડી તે ત્રીજા નંબરનો મહેલ. નિશાળેથી આવીને, એકાદ પુસ્તક લઈને ત્રણમાંથી એક મહેલમાં જતા રહેવાનું. લેખક ધીરુબહેને તેમના વાચકો માટે પણ ત્રણ મહેલનું સર્જન કર્યું છે. દરેક મહેલ ત્રણ-ત્રણ માળનો. પહેલો મહેલ તે ફિક્શનનો મહેલ. તેના ત્રણ માળ તે નવલકથા, લઘુનવલ, અને વાર્તા. બીજો મહેલ તે ડ્રામેટિકનો મહેલ. તેના ત્રણ માળ તે ત્રિઅંકી નાટક, એકાંકી, અને રેડિયો-ટેલિવિઝન-ફિલ્મ માટે લખેલી સંહિતા કહેતાં સ્ક્રીપ્ટનો. બાળપણમાં ‘નાની ધીરુ’ ‘મોટી ધીરુ’ને નિયમિત રીતે પત્રો લખતી. એક પત્રમાં લખેલું: “વચન આપ કે તું ભૂલી નહિ જાય કે વાંચવાની સારી ચોપડી ન મળે ત્યારે કેવું દુ:ખ પડે છે. નાનાં છોકરાંઓ માટે તો જરૂર જરૂર લખજે.” ‘મોટી ધીરુ’ આ વાત ક્યારે ય ભૂલી નથી. એટલે તેણે રચ્યો બાળકો માટેનાં પુસ્તકોનો ત્રીજો મહેલ. તેના ત્રણ માળ તે બાળકો માટેનાં કાવ્યો, કથાઓ, અને નાટકો.
જેને નિમિત્તે દિલ્હીની સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર મળ્યો તે ‘આગંતુક’નું પહેલું પ્રકરણ શરૂ થાય તે પહેલાં ધીરુબહેને એક વાક્ય મૂક્યું છે: “રોશનીથી ઝળહળતા ખંડમાં જામેલી મહેફિલમાં બહારના અંધકારમાંથી ઊડીને આવેલું પક્ષી એક બારીમાંથી પ્રવેશી બીજી બારીએથી નીકળી જાય એટલા સમયની આ વાત.” ધીરુબહેનનો શબ્દ જ નહિ, તેમનું વ્યક્તિત્ત્વ પણ આ પંખી જેવું છે. આ જીવન અને જગતની મહેફિલને તેઓ એક પલકારામાં આંખમાં ભરી લે છે, પણ તેમાં અટવાતાં નથી. પોતાની સર્જકતાની પાંખો ફેલાવી આગળ નીકળી જાય છે, બહારના જ નહીં, વાચકની અંદરના પણ અંધકારને થોડો ઉજાળવા માટે. કોઈ પણ સર્જકનો શબ્દ આટલું કરી શકે તો તેનાથી વધુ રૂડું બીજું શું હોઈ શકે?*
___________________________________________________________
*૪ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ મુંબઈમાં ‘લેખિની’ સંસ્થા અને ‘ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી’ તરફથી યોજાયેલ “એક સવાર ધીરુબહેન પટેલ સાથે” કાર્યક્રમમાં રજૂ કરેલું વક્તવ્ય.
e.mail : deepakbmehta@gmail.com
[પ્રગટ: ‘બુદ્ધિપ્રકાશ’ માર્ચ ૨૦૧૮]
![]()


ઇન્ડિયન પંચ પછી લખનૌથી ઉર્દૂમાં ‘અવધ પંચ’ શરૂ થયું. ૧૮૫૬માં જન્મેલા મુનશી મહમ્મદ સજ્જાર હુસેને એ શરૂ કરેલું. તેનો પહેલો અંક ૧૮૭૭ના જાન્યુઆરીની ૧૬મીએ પ્રગટ થયો. ‘શૌક’ અને ‘વઝીરઅલી’ નામના બે ચિત્રકારો તેને માટે કાર્ટૂન તૈયાર કરતા. ‘શૌક’ના ઉપનામથી કાર્ટૂન તૈયાર કરનાર હકીકતમાં ગંગાસહાય નામનો એક હિંદુ ચિત્રકાર હતો. છેક ૧૯૩૬ સુધી તે ચાલુ રહ્યું હતું. ‘અવધપંચ’ના અનુકરણમાં લાહોરથી ‘દિલ્હી પંચ’ અને ‘પંજાબ પંચ’ નામનાં બે મેગેઝીન શરૂ થયાં.
પછી ‘પંચ’ આવ્યું ઉત્તર હિન્દુસ્તાનથી પશ્ચિમ હિન્દુસ્તાન. અંગ્રેજોનાં ભાષા, શિક્ષણ, રીતરિવાજ, રહેણીકરણી, વગેરે અપનાવવામાં પારસીઓ અગ્રેસર હતા. દાદાભાઈ અરદેશર શોહરી નામના એક પારસી સજ્જને ૧૮૫૪ના જાન્યુઆરીની પહેલી તારીખથી ‘પારસી પંચ’ નામનું અઠવાડિક શરૂ કર્યું. બરજોરજી નવરોજી તેના તંત્રી હતા. પહેલા અંકમાં ‘આ ચોપાનિયું કાઢવાની મતલબ’ નામના તંત્રીલેખમાં જણાવ્યું હતું: “જેઓ પોતાની જાહેર ફરજો બરાબર અદા નાહી કરશે તેઓના શોંગ કાઢી ચીતારેઆમાં આવશે કે તેઓની હશી થાએઆથી બીજાઓ કશુર ભરેલાં તથા નાલાએક કામો કરવાને આચકો ખાએ.” (ભાષા-જોડણી મૂળ પ્રમાણે.) શરૂઆતમાં ડેમી ક્વોર્ટો સાઈઝનાં આઠ પાનાંનો અંક આવતો. વાર્ષિક લવાજમ ૬ રૂપિયા. દરેક કાર્ટૂનની નીચે (અને ઘણાં કાર્ટૂનની અંદર પણ) અંગ્રેજી અને ગુજરાતી, એમ બે ભાષામાં લખાણ મૂકાતું. પણ તેની એક ખાસિયત એ હતી કે એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરીને તે લખાણ મૂકાતું નહિ, પણ બંને ભાષાનું લખાણ સ્વતંત્ર રીતે તૈયાર થતું. એકંદરે ગુજરાતી લખાણ વધુ સચોટ લાગે તેવું રહેતું. માત્ર દસ મહિના ચાલ્યા પછી આ અઠવાડિક બંધ પડ્યું. પણ પછી ૧૮૫૭ની શરૂઆતથી નાનાભાઈ પેશતનજી રાણાએ અસલ નામ કાયમ રાખી તે ફરી શરૂ કર્યું. તે વખતે દાદાભાઈ એદલજી પોચખાનાવાલા અને નાનાભાઈ તેના જોડિયા અધિપતિ (તંત્રી) બન્યા. પણ તેમણે પણ માંડ એક વર્ષ સુધી તે ચલાવ્યું. ૧૮૫૮થી યુનિયન પ્રેસના સ્થાપક-માલિક નાનાભાઈ રૂસ્તમજી રાણીના અને તેમના ખાસ મિત્ર અરદેશર ફરામજી મૂસે તે ખરીદી લીધું. પણ એ જ વર્ષના જુલાઈની છઠ્ઠી તારીખે તે બંનેએ એ ચોપાનિયું મનચેરશા બેજનજી મેહરહોમજીના અને ખરશેદજી શોરાબજી ચાનદારૂને વેચી નાખ્યું. અને તેમણે એ જ વર્ષના નવેમ્બરની પહેલી તારીખે પચીસ વર્ષના એક યુવાન, નામે નશરવાનજી દોરાબજી આપઅખત્યારને વેચી દીધું.
પાંચેક વર્ષના ગાળામાં આટલી ઝડપથી માલિકો બદલાયા તે ઉપરથી એવું અનુમાન થઇ શકે કે ખરીદનારાઓમાંથી કોઈ ‘પારસી પંચ’ને સફળતાપૂર્વક ચલાવી શક્યું નહિ હોય. કારણ કમાઉ ચોપાનિયાને કોઈ વેચે નહિ. પણ આ બધા જે ન કરી શક્યા તે નશરવાનજી દોરાબજી આપઅખત્યાર કરી શક્યા. ૧૮૭૮ના જૂનની ૨૦મી તારીખે ૪૫ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું ત્યાં સુધી તેમણે ‘પારસી પંચ’ સફળતાથી ચલાવ્યું, એટલું જ નહિ તેને એક ગણનાપાત્ર સામયિક બનાવ્યું. આ નશરવાનજીની મૂળ અટક તો હતી ‘દાવર.’ પણ માત્ર ૨૧ વર્ષની ઉંમરે ૧૮૫૪ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખથી તેમણે ‘આપઅખત્યાર’ નામનું દર બુધવારે પ્રગટ થતું ચોપાનિયું શરૂ કર્યું, અને થોડા વખત પછી તેમણે ‘આપઅખત્યાર’ને પોતાની અટક બનાવી દીધી. તેમણે ૧૮૬૫ સુધી ‘આપઅખત્યાર’ ચલાવ્યું, અને પછી ૧૮૬૬ના પહેલા દિવસથી તેને ‘પારસી પંચ’ સાથે જોડી દીધું. નશરવાનજીના અવસાન પછી ૧૮૮૮માં નામ બદલાઈને ‘હિંદી પંચ’ થયું. નશરવાનજીના અવસાન પછી તેમના દીકરા બરજોરજી આપઅખત્યારે તે હાથમાં લીધુ ત્યારે તેમની ઉંમર પણ ૨૧ વર્ષની હતી. ૧૯૩૧ના ઓગસ્ટની છઠ્ઠી તારીખે ૭૪ વર્ષની ઉંમરે બરજોરજીનું અવસાન થયું ત્યાં સુધી તેઓ ‘હિન્દી પંચ’ના માલિક અને અધિપતિ રહ્યા. બરજોરજી વિષે ‘પારસી પ્રકાશ’ લખે છે: “જાહેર સવાલો ઉપરની એમની રમૂજ, એમનામાં સમાયેલી ઊંચી કુદરતી બક્ષેસ અને ઓરીજીનાલીટીનો ખ્યાલ આપતી હતે.” (ભાષા-જોડણી મૂળ પ્રમાણે.) શરૂઆતમાં ઘણાં વરસ રૂખ અંગ્રેજ-તરફી વધુ રહી હતી. પણ વખત જતાં તે ‘દેશી’ઓ પ્રત્યે કૂણું વલણ ધરાવતું થયું. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ચલાવેલી રંગભેદ વિરોધી ચળવળને વ્યંગ ચિત્રો દ્વારા તેણે સબળ ટેકો આપેલો. તેમાં દર અઠવાડિયે કોઈને કોઈ રાજકીય નેતાનું કાર્ટૂન પ્રગટ થતું. દાદાભાઈ નવરોજી, મહાદેવ ગોવિન્દ રાનડે, બદરુદ્દીન તૈયબજી, ફિરોજશાહ મહેતા, નારાયણ ગણેશ ચંદાવરકર વગેરે નેતાઓનાં કાર્ટૂન તેમાં પ્રગટ થયેલાં. તેમાંનાં કાર્ટૂનો તરફ બ્રિટન અને યુરોપના લોકોનું પણ ધ્યાન ગયેલું. વિલ્યમ ટી. સ્ટીડે તેમના ‘રિવ્યુ ઓફ રિવ્યૂઝ’ માસિકના અંકોમાં ‘હિંદી પંચ’માંનાં ઘણાં કાર્ટૂન પુનર્મુદ્રિત કરેલાં. બીજી એક નોંધપાત્ર વાત એ છે કે ‘હિંદી પંચ’નો મુખ્ય ચિત્રકાર ગુજરાતીભાષી પારસી કે હિંદુ નહોતો, પણ મરાઠીભાષી હતો. બાજીરાવ રાઘોબા ઝાઝું ભણ્યો નહોતો કે નહોતી તેણે ચિત્રકલાની તાલીમ લીધી. પહેલાં તે હસ્તપ્રતોમાં ચિત્રો દોરતો. પછી કાર્ટૂન દોરતો થયો. અસલ લંડનના પંચના કાર્ટૂનિસ્ટ ટેનિયલે તેનાં કાર્ટૂન જોયા પછી કહ્યું હતું કે ‘આ માણસ તો મુંબઈનો ટેનિયલ છે.’ બાજીરાવ પછી તેના જ એક કુટુંબીજન કૃષ્ણાજી બળવંત યાદવ ‘હિન્દી પંચ’માં કાર્ટૂનિસ્ટ તરીકે જોડાયા, અને ૧૯૩૧માં તે બંધ પડ્યું ત્યાં સુધી તેમાં કામ કરતા રહ્યા.
‘ફૂલછાબ’ના પંદરમી ઓગસ્ટ ૧૯૪૧ના અંકમાં ગુરુદેવ ટાગોરને અંજલિ આપતાં ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતું: “તમે કવિ હતા. ‘કવિ’ શબ્દ હવેથી અમે સાચવીને વાપરશું.” પણ આપણે ગુજરાતીઓ સાચવીને વાપરીએ પૈસા, શબ્દો નહિ.