માથે મેલુંના મુદ્દે બેશરમ તંત્ર-સમાજ સુધરશે?
સંસદના ચોમાસુ સત્રમાં માથે મેલું ઉપાડવાની અમાનવીય પ્રવૃત્તિને નાબૂદ કરવા અને સફાઈ કર્મચારીઓને સુરક્ષા પૂરી પાડવા અંગેનું વિધેયક પસાર કરાયું, પણ કમનસીબે આ વિધેયકમાં ઠેર ઠેર 'કન્ડિશન એપ્લાય'વાળી ફુદરડી જોવા મળે છે ત્યારે સફાઈકર્મીઓનું કલ્યાણ હજુ પણ દિવાસ્વપ્નસમું ભાસે છે
સંસદનું ચોમાસુ સત્ર પૂરું થયું પછી કેન્દ્ર સરકારે હાશકારો અનુભવ્યો હશે, કારણ કે તે પોતાના માટે મતના ડુંગરા ખડા કરે એવાં બે વિધેયકો – ખાદ્ય સુરક્ષા વિધેયક અને જમીન સંપાદન વિધેયક પસાર કરાવવામાં આખરે સફળ થઈ હતી. આ મહત્ત્વાકાંક્ષી વિધેયકોની ચર્ચામાં અન્ય એક મહત્ત્વપૂર્ણ વિધેયકની ચર્ચા કોરાણે રહી ગઈ, ન સત્તાધારી પક્ષ કે ન તો વિપક્ષોમાંથી કોઈને એ વિધેયક માટે કોઈ ખાસ પરવા હતી, કારણ કે તેનાથી નહોતો ફાયદો કોઈ ચૂંટણી ભંડોળ છલકાવતી મલ્ટિનેશનલ કંપનીઓનો કે નહોતો કોઈ મોટી મતબેન્કનો. એટલે આખરે આ વિધેયકની નિયતિ પણ એ જે લોકો માટે ઘડાયું છે એમના જેવી થઈ!
આ વિધેયક માથે મેલું ઉપાડવા જેવી અમાનવીય અને સામાજિક શરમસમી પ્રવૃત્તિની નાબૂદી માટેનું અને આ પ્રવૃત્તિમાં જોડાયેલા લોકોના પુનર્વસનનું છે. આ વિધેયકનું પૂરું નામ છે – ધ પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહેબિલિટેશન બિલ, ૨૦૧૨. ૬ સપ્ટેમ્બર, ૨૦૧૩ ને શુક્રવારના રોજ આ વિધેયક લોકસભામાં પસાર કરાયું અને બીજા દિવસે એટલે કે શનિવારે તેને રાજ્યસભામાંથી પણ પસાર કરી દેવાયું. ધ એમ્પ્લોયમેન્ટ ઓફ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ ડ્રાઇ લેટ્રીન્સ (પ્રોહિબિશન) એક્ટ, ૧૯૯૩ને બદલે હવે આ નવી-સુધારેલી જોગવાઈઓ સાથેનો કાયદો અમલમાં આવશે. જૂના કાયદાની જગ્યાએ આવેલો નવો કાયદો ચોક્કસ કેટલીક આવકાર્ય જોગવાઈઓ ધરાવે છે, છતાં કાયદાકીય જાણકારો અને દલિત અધિકારો માટે વર્ષોથી કાર્યરત સામાજિક કાર્યકરોના મતે આ વિધેયકમાં ઠેર ઠેર 'કન્ડિશન એપ્લાય'વાળી ફુદરડીઓ નજરે પડે છે, જેના કારણે માથે મેલું ઉપાડનારા અને સફાઈ કામદારોનાં જીવનમાં રાતોરાત કંઈ પરિવર્તનનો પ્રકાશ વ્યાપી જશે, એવું માનીને રાજી થવા જેવું નથી.
૧૯૯૩ના કાયદા કરતાં આ નવા કાયદામાં સજાની જોગવાઈ કડક કરવામાં આવી છે. માથે મેલું ઉપાડવાની પ્રવૃત્તિ કરાવનાર સામે હવે ક્રિમિનલ કેસ થશે અને એ બિનજામીનપાત્ર ગુનો ગણાશે. વળી, સજાની જોગવાઈ પણ વધારવામાં આવી છે. બે વર્ષની કેદ કે વધુમાં વધુ ૫૦,૦૦૦નો દંડ અથવા તો બન્નેની સજા ફટકારી શકાશે. કોઈ વ્યક્તિએ મેન્યુઅલી સાફ કરવાં પડે એવાં સૂકાં શૌચાલયોના બાંધકામ પર જ પ્રતિબંધ છે અને એવાં હયાત શૌચાલયોને તોડી પાડવાની વાત પણ કરવામાં આવી છે. મેન હોલમાં ઊતરીને સફાઈ કરવાની થતી હોય ત્યાં જરૂરી સુરક્ષાનાં સાધનો અને માસ્ક વગેરે પૂરાં પાડવાની પણ ફરજ પાડવામાં આવી છે. વળી, અત્યારે જે લોકો આ વ્યવસાયમાં છે, તેમના માટે વૈકલ્પિક રોજગારીનું નિર્માણ કરીને તેમનું પુનર્વસન કરવાની પણ આવકારદાયક બાબતોનો સમાવેશ કરાયો છે, છતાં ખાટલે મોટી ખોટ એ છે કે તેમાં રેલવે સહિતનાં સરકારી તંત્રો અને નિગમોને પહેલેથી જ કેટલીક છૂટછાટ આપી દેવામાં આવી છે, જે આ કાયદાની હવા કાઢી નાખવા માટે પૂરતી છે.
જો સરકારી તંત્રોમાં જ આનો અમલ કરવામાં ઢીલાશ રાખવામાં આવશે તો પછી ખાનગી સંસ્થાઓ અને વ્યક્તિગત ધોરણે તો તમે કઈ રીતે ચુસ્ત અમલ કરાવી શકવાના? બીજો મોટો મુદ્દો એ છે કે આ કાયદાના અમલીકરણ અને તેની દેખરેખની જવાબદારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પર જ છોડી દેવામાં આવી છે. સ્થાનિક તંત્ર પોતે જ આ અંગે સર્વે કરશે, એનો અહેવાલ બનાવશે અને તેના પર કાર્યવાહી કરશે, એવી વ્યવસ્થા છે. હવે કયું તંત્ર સામેથી ગુનો કબૂલશે, એને સુધારવાની તસ્દી લેશે કે સજા ભોગવશે? ગુજરાતમાં હાઈકોર્ટના ચુકાદા છતાં પણ આજે ય સફાઈ કર્મચારીઓ મેઇન હોલમાં ડૂબી કે ગૂંગળાઈને કમોતે મરી રહ્યા છે. એ કર્મચારીના પરિવારને વળતરની વાત તો દૂર રહી પણ આ મામલે ખાનગી કોન્ટ્રાક્ટો પર નિર્ભર બનેલું સરકારી તંત્ર પાછું શાણું થઈને પોતાનો બચાવ કરતું હોય છે અને આવી કોઈ સ્થિતિ હોવાનો ઇનકાર કરતું હોય છે. ગરીબી ઘટયાનું સાબિત કરવા માટે બીપીએલ કાર્ડ ઇશ્યૂ ન કરતાં રીઢા તંત્ર પાસે આ કાયદાના અમલ માટે કેટલી આશા રાખી શકાય, એ યક્ષપ્રશ્ન છે.
વર્ષ ૨૦૧૧ની વસતી ગણતરી અનુસાર દેશમાં ૭,૫૦,૦૦૦ એવા પરિવારો છે, જે મેલું ઉપાડવાના અમાનવીય વ્યવસાયમાં સંકળાયેલા છે. વળી, માથે મેલું ઉપાડનારામાં ૯૮ ટકા તો મહિલા જ હોય છે, જે દલિતોમાં પણ પછાત કે અસ્પૃશ્ય ગણાતી જ્ઞાતિમાંથી આવતી હોય છે. આ ઉપરાંત આપણાં મોટા ભાગની ગટર વ્યવસ્થા અને તેની સાફ-સફાઈની પદ્ધતિ આજે પણ જરીપુરાણી છે અને એટલે ગંધાતી ગટરને સાફ કરવા માટે સફાઈકર્મીઓએ મેઇન હોલમાં ઊતરવું પડે છે, જે માથે મેલું ઉપાડવા કરતાં ક્યાંક વધારે જોખમી અને દુષ્કર હોય છે. ઈ-ગવર્નન્સની શેખીઓ મારતી સરકારોને ગટર સાફ કરવાનાં આધુનિક સાધનો વસાવવાનું કેમ સૂઝતું નહીં હોય? આપણે આધુનિક સમાજ હોવાનો ગર્વ અનુભવીએ છીએ, પણ આપણી વર્ણવ્યવસ્થાથી પેદા થયેલી અસ્પૃશ્યતાએ અમુક વર્ગ માટે સર્જેલી અમાનવીય સ્થિતિ બાબતે લાપરવા છીએ. કાયદાની જરૂર ત્યારે પડે જ્યારે સમાજને તે અંગે સભાનતા ન હોય અને આવી સ્થિતિમાં કાયદો જરૂરી હોય ત્યારે એ કાયદો કલ્યાણકારી, સ્પષ્ટ અને છટકબારી વિનાનો હોવો જોઈએ.
દશેરાના દિવસે દસથી પણ વધારે માથાંવાળા અસ્પૃશ્યતા-અમાનવીયતાના રાવણને હણવાની જરૂર છે. તમે તૈયાર છો?
divyeshvyas.amd@gmail.com
(સૌજન્યઃ ‘સમય સંકેત’, સંસ્કાર પૂર્તિ, “સંદેશ”, 6 ઓક્ટોબર, 2013)
 


 એન્જેલા મર્કેલના પક્ષને ૪૨.૨ ટકા મતો મળ્યા છે અને ૧૯૯૦ પછીનું સૌથી સારું પરફોર્મન્સ છે, પણ તેમના સાથી પક્ષ ફ્રી ડેમોક્રેટ્સને માત્ર ૪.૮ ટકા જ મત મળતાં પૂર્ણ બહુમતીથી તેમને માત્ર પાંચ બેઠકોનું છેટું રહી ગયું છે. હવે આ પાંચ બેઠકનો ખાડો પૂરવા તેમણે અન્ય પક્ષનો સાથ મેળવવો પડશે, જે આસાનીથી મળી પણ જશે. જર્મનીમાં ૧૯૫૭ પછી એકેય પક્ષને પૂર્ણ બહુમતી મળી નથી અને ત્યારથી આજ સુધી આપણી જેમ જ ત્યાં પણ ગઠબંધન સરકારનો જ દોર ચાલુ છે. અલબત્ત, આ વખતે આશા હતી કે એન્જેલા પૂર્ણ બહુમતી હાંસલ કરવામાં સફળ રહેશે, પણ માત્ર પાંચ બેઠકનું છેટું રહી ગયું!
એન્જેલા મર્કેલના પક્ષને ૪૨.૨ ટકા મતો મળ્યા છે અને ૧૯૯૦ પછીનું સૌથી સારું પરફોર્મન્સ છે, પણ તેમના સાથી પક્ષ ફ્રી ડેમોક્રેટ્સને માત્ર ૪.૮ ટકા જ મત મળતાં પૂર્ણ બહુમતીથી તેમને માત્ર પાંચ બેઠકોનું છેટું રહી ગયું છે. હવે આ પાંચ બેઠકનો ખાડો પૂરવા તેમણે અન્ય પક્ષનો સાથ મેળવવો પડશે, જે આસાનીથી મળી પણ જશે. જર્મનીમાં ૧૯૫૭ પછી એકેય પક્ષને પૂર્ણ બહુમતી મળી નથી અને ત્યારથી આજ સુધી આપણી જેમ જ ત્યાં પણ ગઠબંધન સરકારનો જ દોર ચાલુ છે. અલબત્ત, આ વખતે આશા હતી કે એન્જેલા પૂર્ણ બહુમતી હાંસલ કરવામાં સફળ રહેશે, પણ માત્ર પાંચ બેઠકનું છેટું રહી ગયું! સુરેન્દ્રનગર કહો કે ઝાલાવાડ કહો, ગુજરાતના પછાત જિલ્લા-વિસ્તારમાં જેની ગણતરી થાય છે, એવા આ પ્રદેશે ગુજરાતને અનેક ગૌરવવંતા વ્યક્તિત્વો આપ્યા છે. દલપતરામ, પંડિત સુખલાલજી, મનુભાઈ પંચોળી 'દર્શક', પ્રજારામ રાવળ, મીન પિયાસી, જયભિખ્ખુ, દલસુખ માલવણિયા (પદ્મશ્રી ભાષાશાસ્ત્રી) જેવા કવિ-સાહિત્યકારો-ચિંતકો તો મોતીલાલ દરજી, ગોપાળભાઈ દેસાઈ, ભક્તિબા, ફૂલચંદભાઈ શાહ, ચમનભાઈ વૈષ્ણવ અને સ્વામી શિવાનંદ જેવા ગાંધીવાદી સ્વાતંત્ર્ય સેનાનીઓની સાથે સાથે જુગતરામ દવે અને બબલભાઈ મહેતા જેવા મોટા ગજાના રચનાત્મક કાર્યકર્તાઓ ઉપરાંત રસિકલાલ પરીખ, ઘનશ્યામ ઓઝા અને તાજેતરમાં દેહાંત પામેલા અરવિંદ આચાર્ય જેવા ખરા અર્થમાં લોકસેવકો તેમ જ ભાનુભાઈ શુકલ જેવા પ્રજાકીય પત્રકારોથી માંડીને સી.યુ. શાહ જેવા દાનવીરો, જે ધરતીએ પેદા કર્યા છે, એ જ ધરતીએ 'જૂની મૂડી' સાચવી રાખનારા, જીવન-સાધનાની 'અનંતકળા' જાણનારા, 'ધરતીની આરતી ' ઉતારનાર અને એક પણ પૈસો કે સહેજ પણ પ્રતિષ્ઠાની ખેવના રાખ્યા વિના 'ધરતીનું લૂણ' ચૂકવનાર સ્વામી આનંદને પણ પેદા કરેલા છે.
સુરેન્દ્રનગર કહો કે ઝાલાવાડ કહો, ગુજરાતના પછાત જિલ્લા-વિસ્તારમાં જેની ગણતરી થાય છે, એવા આ પ્રદેશે ગુજરાતને અનેક ગૌરવવંતા વ્યક્તિત્વો આપ્યા છે. દલપતરામ, પંડિત સુખલાલજી, મનુભાઈ પંચોળી 'દર્શક', પ્રજારામ રાવળ, મીન પિયાસી, જયભિખ્ખુ, દલસુખ માલવણિયા (પદ્મશ્રી ભાષાશાસ્ત્રી) જેવા કવિ-સાહિત્યકારો-ચિંતકો તો મોતીલાલ દરજી, ગોપાળભાઈ દેસાઈ, ભક્તિબા, ફૂલચંદભાઈ શાહ, ચમનભાઈ વૈષ્ણવ અને સ્વામી શિવાનંદ જેવા ગાંધીવાદી સ્વાતંત્ર્ય સેનાનીઓની સાથે સાથે જુગતરામ દવે અને બબલભાઈ મહેતા જેવા મોટા ગજાના રચનાત્મક કાર્યકર્તાઓ ઉપરાંત રસિકલાલ પરીખ, ઘનશ્યામ ઓઝા અને તાજેતરમાં દેહાંત પામેલા અરવિંદ આચાર્ય જેવા ખરા અર્થમાં લોકસેવકો તેમ જ ભાનુભાઈ શુકલ જેવા પ્રજાકીય પત્રકારોથી માંડીને સી.યુ. શાહ જેવા દાનવીરો, જે ધરતીએ પેદા કર્યા છે, એ જ ધરતીએ 'જૂની મૂડી' સાચવી રાખનારા, જીવન-સાધનાની 'અનંતકળા' જાણનારા, 'ધરતીની આરતી ' ઉતારનાર અને એક પણ પૈસો કે સહેજ પણ પ્રતિષ્ઠાની ખેવના રાખ્યા વિના 'ધરતીનું લૂણ' ચૂકવનાર સ્વામી આનંદને પણ પેદા કરેલા છે.