પાકિસ્તાનું અર્થતંત્ર ખાડે ગયું છે, દેવાનાં બોજને કારણે બેવડ વળી ગઇ છે, કોરોનાનું જોખમ તો ખડું જ છે પણ છતાં ય તેણે પોષેલી આતંકવાદીઓની હરકતો આ સંજોગોમાં પણ યથાવત્ છે.
એક તરફ એવી હાલત છે કે આખી દુનિયા એક એવા યુદ્ધને જીતવા જોતરાઇ ગઇ છે જેમાં શત્રુ ન તો દેખાય છે કે વર્તાય છે પણ તેની સામે સતત લડતા રહેવું પડે છે. જો કે કોઇ પણ યુદ્ધની માફક કોરોના વાઇરસની સામે ચાલતું આ યુદ્ધ પણ ક્યારેક તો થંભી જશે અને અત્યારે આખી દુનિયા અત્યારે એ જ દિશામાં કામ કરી રહી છે. આ સંજોગોમાં મોટા ભાગના દેશો પોતાનું દેખીતું શક્તિ-પ્રદર્શન એટલે કે યુદ્ધને લગતી કોઇ બાબતોમાં રસ નથી લઇ રહ્યા, એ બધું ‘પૉઝ’ કરાયું છે ત્યારે આપણે છેલ્લા દસ દિવસમાં સૈન્યના પાંચ લડવૈયાઓની શહીદીના સમાચાર સાંભળ્યા, વળી બે આતંકીઓ પણ ઠાર થયા.
કાશ્મીરના કુપવારા ડિસ્ટ્રીક્ટના હંદવારામાં પાંચ જણ માર્યા ગયા અને તે પહેલાં કેરન ઓપરેશનમાં પણ જે થયું તે સાબિત કરે છે કે પાકિસ્તાનની ટેરર ફેક્ટરીઝને Covid-19 હોય કે ન હોય તેનાથી કોઇ જ ફેર પડતો નથી. આપણા આર્મીના વડા એમ.એમ. નારવણેએ એ વાતની પુષ્ટિ પણ કરી કે પાકિસ્તાન હજી પણ આતંકીઓને સરહદ પાર કરવાની સતત આ બાજુ ધકેલવાની પેરવીમાં જ છે. તેમને તો એમ સુધ્ધા લાગે છે કે પાકિસ્તાન કોરોના વાઇરસના રોગચાળાનો લાભ લઇને ભારત પર આતંકી હુમલો કરાવતાં ખચકાશે પણ નહીં કારણ કે ભારત અત્યારે કોરોનાથી બચવાની માથકૂટમાં છે. કાશ્મીરમાં ઑગસ્ટ મહિનાથી 370ની કલમ દૂર કરાઇ છે પણ ત્યાં પણ સંજોગોમાં કંઇ આમૂલ પરિવર્તન નથી આવી ગયું.
સરહદ પર જે આતંકી હુમલા ચાલુ છે તેને કારણે એમ બને કે ભારત ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સમાં (એફ.એ.ટી.એફ.) વધુ મજબૂત કેસ રજૂ કરે અને પાકિસ્તાનને આતંકી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે કોઇ પ્રકારની નાણાકીય સહાય ન મળે અને તે બ્લેકલિસ્ટ થાય તેવો પ્રયાસ કરે. જો કે એફ.એ.ટી.એફ.એ પાકિસ્તાનને ૨૭ મુદ્દાનો એક્શન પ્લાન ફેબ્રુઆરીમાં જ આપ્યો હતો અને તેને જો તેઓ નહીં અનુસરે તો તે બ્લેકલિસ્ટમાં મુકાઇ જશે, હાલમાં તેઓ ગ્રે લિસ્ટમાં છે, અને જૂન સુધીમાં નક્કી થવાનું હતું કે પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં રહેશે કે બહાર આવશે પણ કોરોનાને કારણે પાકિસ્તાનને ચાર મહિનાની રાહત મળી છે.
જમ્મુ કાશ્મીરમાં જે હાલત છે તે જોતાં પાકિસ્તાન માટે સંજોગો વધુ કપરાં બન્યાં છે. ભારત જમ્મુ કાશ્મીરમાં ખડા થયેલા નવા આતંકી આઉટફિટ્સની સાબિતી આપી શકે એમ છે જેમ કે ધી રેઝિસ્ટન્સ ફ્રન્ટ – સરકારનું માનવું છે કે આ પણ પાકિસ્તાનના લશ્કર-એ-તોઇબા સાથે જોડાયેલી કડી જ છે. વળી કાશ્મીરમાં તેહરીક-ઇ-મિલાત-ઇ-ઇસ્લામી નામનું આતંકવાદી જૂથ સક્રિય થયું છે તેને વિષે પણ ભારત એફ.ટી.એફ.એ.ને જાણ કરે તેમ છે. કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ઘટવાને બદલે વધી છે અને ભારતીય સુરક્ષા વિશેષજ્ઞોને મતે આ બધાં પાકિસ્તાનનાં કારસ્તાન જ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનું કહેવું છે કે ભારત આત્યારના સંજોગોનો ઉપયોગ કરીને પાકિસ્તાનને ટાર્ગેટ બનાવી રહ્યો છે.
પાકિસ્તાને લાઇન ઑફ કન્ટ્રોલની પાર સિઝફાયરનો ભંગ એક કરતા વધારે વાર કર્યો છે. કોરોના વાઇરસનો ભરડો વધારે સખત બની રહ્યો છે ત્યારે ભારતીય સુરક્ષા એજન્સીઝનું કામ બમણું થયું છે. સતત પડોશી દેશની ગતિવિધિઓ પર નજર રાખવી પડે છે. સુરક્ષા દળમાં નુકસાન થાય છે તો ટેક્નોલોજીકલી પણ પાકિસ્તાન ભારતને પજવવાનું છોડતું નથી. આરોગ્ય સેતુ એપની નકલ કરીને પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સીઝ ભારતીય ડિફેન્સ પર્સોનલ્સ પાસેથી માહિતી કઢાવવાનો પ્રયાસ પણ કર્યો. ફેક ટ્વિટર હેન્ડલ પણ પાકિસ્તાનની ભારત વિરોધી વ્યૂહરચનાનો એક ભાગ હતા.
એક તરફ કરુણાનાં કિસ્સા, વેક્સીન બનાવવા માટે મથતા સંશોધકો, કુટુંબ પાસે પહોંચવા આકળા થઇ રહેલા મજૂરોની જિંદગીઓ રોજ આપણી નજર સામે જીવાય છે તો બીજી તરફ પાકિસ્તાન અને તેણે પોષેલા આતંકીઓ છે જે એ જ કરી રહ્યા છે જે હંમેશાં કરતા આવ્યા છે.
બાય ધી વેઃ
રોગચાળો એક એવી સ્થિતિ છે જેમાં ભલભલી મહાસત્તા પોતાની માનસિક સ્વસ્થતા ખોઇ બેસે, જાહેરમાં એવું ય બોલી દે કે જંતુનાશક ઇન્જેક્ટ કરવા જોઇએ તો કોઇ તેલનાં ભાવ તળિયે બેઠા હોવાથી માથે હાથ દઇને બેસે તો કોઇ રાજ્યોમાં સત્તા બદલાવે કારણ કે ત્યાં વહીવટ બરાબર ન થતો હોય પણ પાકિસ્તાન કોણ જાણે શા માટે કોરોના વાઇરસની ગંભીરતા નથી સમજી રહ્યો. એક તરફ બેવડ વાળી દે તેવું દેવું છે, પૈસા પૂરા પાડી શકે તેવી એફ.એ.ટી.એફ.નાં ગ્રે લિસ્ટમાંથી બહાર આવવા પાકિસ્તાન તરફડિયા મારી રહ્યો છે, પણ છતાં ય આતંકી હુમલા, ભારતીય સૈન્યને નુકસાન પહોંચાડવાનાં બધા જ પ્રયાસો ચાલુ રાખે છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 મે 2020