એક રિપોર્ટ અનુસાર ક્વીનનાં એક બાળપણનાં મિત્ર સોનિયા બેરીએ એક અખબારને કહ્યું હતું કે, “શક્ય હોત તો ક્વીન એલિઝાબેથ બીજાંએ પોતાને માટે બહુ જુદી જિંદગી પસંદ કરી હોત. મોકો મળ્યો હોત તો તે લગ્ન કરી, પોતાનાં કૂતરાં અને અશ્વો સાથે શાંતિથી રહ્યાં હોત

HM The Queen at Buckingham Palace on 26th November 2001. Part of a series of photographs taken to commemorate the Golden Jubilee in 2002. (Photo by Lichfield Archive via Getty Images)
એક હતો રાજા અને એક હતી રાણી. પણ ખરેખર તો રાજ રાણીએ જ કર્યું. પોતાના વંશ-વેલા પરિવાર અને રાજપાટને બરાબર મુઠ્ઠીમાં જકડી રાખવામાં રાણીએ ભારે જહેમત કરી, ક્યારેક કડક નિર્ણયોથી તો ક્યારેક કંઇક જતું કરીને. આખરે જીવનના સાડા નવ દાયકા જીવીને રાણીએ અંતિમ શ્વાસ લીધો. ક્વીન એલિઝાબેથ બીજાં જ્યારે 25 વર્ષનાં હતાં ત્યારે તેમના પિતા જ્યોર્જ છઠ્ઠાનું નિધન થયું અને 1952માં તેમણે બ્રિટિશ રાજની ગાદી સંભાળી તે છેલ્લા શ્વાસ સુધી તેમણે એ જવાબદારી પોતાના હાથમાં જ રાખી. ઇતિહાસમાં કોઇ મહિલાએ આટલું લાબું શાસન કર્યું હોવાનો શ્રેય એલિઝાબેથ બીજાંને જાય છે. બ્રિટનના ૧૫ વડા પ્રધાન સાથે પણ તેમણે કામ કર્યું અને ગયા અઠવાડિયે ઑફિસમાં પ્રવેશેલાં લિઝ ટ્રસના આગમન વખતે તે જ બ્રિટનના સૌથી ઉચ્ચ રાજવી પદે હતાં. અમેરિકાના 14 પ્રમુખોમાંથી 13ને તે મળ્યાં છે અને અનેક રાજવી પ્રસંગોથી માંડીને રાજ્ય સંબંધિત કાર્યક્રમો માટે વિવિધ રાષ્ટ્રો, રાજ્યોની મુલાકાતો લીધી છે. ક્વીન એલિઝાબેથે ઇતિહાસ રચ્યો છે એટલું જ નથી, તે પોતે ઇતિહાસ છે. બ્રિટનની ૧,૦૦૦ વર્ષ જૂની રાજગાદી પર સૌથી લાંબો સમય શાસન કરનાર ક્વીન એલિઝાબેથનું જીવન એટલે કે એવી વાસ્તવિકતા જ્યાં રાજા-રાણીની કથાઓનું વાર્તા તત્ત્વ આજે પણ યથાવત્ છે.
આખી દુનિયામાં પહેલાંની સરખામણીએ રાજવીઓનું શાસન હવે ઘણું ઓછું થયું છે. આજે પણ વિશ્વમાં 44 મોનાર્કીઝ છે જેમાંથી 13 એશિયામાં છે, 12 યુરોપમાં છે, 10 ઉત્તર અમેરિકામાં છે, 6 ઓશિયાનામાં છે અને આફ્રિકામાં છે. દક્ષિણ અમેરિકામાં કોઇ મોનાર્કીઝ નથી. જ્યારે બ્રિટને રાજાશાહીમાંથી લોકશાહી તરફનો બદલાવ સ્વીકાર્યો ત્યારે પણ મોનાર્કી – એટલે કે રાજાશાહી એક બંધારણીય આવશ્યકતા હતી, તેનું સન્માન યથાવત્ અને વડા પ્રધાન એટલે કે સાર્વભૌમના પ્રથમ પ્રધાન. બ્રિટનના મામલે વડા પ્રધાન સરકારના વડા છે, પણ રાષ્ટ્રના વડા નથી. બ્રિટનના રાજવી પરિવારની અને તેના વડાની સૌથી મોટી જવાબદારી એ રહી કે દેખીતી રીતે સામાન્ય લોકશાહી લાગતા રાજ્યમાં એક વારસાગત રાજાશાહી છે, રાજકારણથી પણ ઉપર છે અને રાષ્ટ્રનાં મૂલ્યોનુ પ્રતિનિધિત્વ કરે છે.
ક્વીન એલિઝાબેથ બીજાં ગાદી પર હતાં તે દરમિયાન અધધધ ઘટનાઓ ઘટી છે. તેમણે યુદ્ધો જોયાં, મંદી જોઇ, પડી ભાંગતી અર્થવ્યવસ્થા જોઇ, મહામારીઓ જોઇ, બ્રેક્ઝિટ સુદ્ધાં જોઈ. વાત માંડવા બેસીએ તો પછી ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થઇ શકે. જો કે અમુક બાબતો એવી છે કે ક્વીન એલિઝાબેથના ઉલ્લેખ સાથે તેને કોઇને કોઇ રીતે ટાંકી જ લેવાય છે. માર્ગારેટ થેચર અને પ્રિન્સેસ ડાયના – આ બે મજબૂત સ્ત્રીઓની સાથેની ક્વીન એલિઝાબેથની ત્રિરાશીઓની વાત તો કરવી જ રહી.

બ્રિટનનાં વડા પ્રધાન માર્ગારેટ થેચર અને ક્વીન એલિઝાબેથ વચ્ચેના સંબંધો ખૂબ જટિલ હતા. 11 વર્ષ સુધી બ્રિટનના વડા પ્રધાન રહેલાં માર્ગારેટ થેચર અને બ્રિટનના રાણી વચ્ચે હંમેશાં બહુ ડ્રાય અને ઔપચારિક સંબંધો રહ્યા. આમ તો ક્વીન હંમેશાં રાજકારણથી છેટું રાખતા પણ છતાં ય ક્વીનને લાગતું હતું કે વડા પ્રધાન ‘અનકેરિંગ’ છે. દક્ષિણ આફ્રિકા પર શાસનના મામલે રંગભેદી નીતિ અને તેને લગતા પ્રતિબંધો લાદવાનો માર્ગારેટનો કટ્ટર ઇન્કાર ક્વીનને કઠતો હતો. તેમને લાગતું હતું કે થેચર વગર કારણના સંઘર્ષો ખડા કરે તેવાં છે. વડા પ્રાધન માર્ગારેટ થેચર આવા કોઇ પ્રતિબંધોને તરફેણમાં નહોતા જોતાં જેનાથી શ્વેત અને અશ્વેત વચ્ચેનો અલગાવ ચાલુ રહે, આ મામલે તે બીજા કોમનવેલ્થ દેશોની સાથે સંમત નહોતાં. મીડિયામાં અવારનવાર થેચર અને ક્વીન વચ્ચેના તંગ સંબંધો વિશે લખાયું. જો કે થેચરે પોતાની આત્મકથામાં એમ લખ્યું હતું કે મીડિયાએ ભલે એમ સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે ડાઉનિંગ સ્ટ્રીટ અને પેલેસ વચ્ચે વિખવાદો છે પણ ક્વીને સરકારના કામ પ્રત્યે હંમેશાં યોગ્ય અભિગમ રાખ્યો.
આ તો રાજકારણ અને રાજવી વચ્ચેના સંબંધોની વાત હતી, પણ દીકરા ચાર્લ્સની પત્ની પ્રિન્સેસ ડાયના સાથે ક્વીનના સંબંધો પણ હંમેશાં ચર્ચાનો વિષય રહ્યા. પ્રિન્સ ચાર્લ્સ પહેલેથી જ કેમિલા પાર્કર સાથે સંબંધોમાં હતા છતાં પણ ડાયના સાથે તેમણે લગ્ન કર્યા. ડાયના ડિપ્રેશન અને બુલિમિયાનો શિકાર બની. તેના વહેવાર પ્રત્યે સમયાંતરે ક્વીન એલિઝાબેથનું વલણ બદલાયું, તે તેને અમુક હદે સમજ્યા અને તેમની વચ્ચેનો સંબંધ બહેતર બન્યો. ડાયનાએ રોયલ બાયોગ્રાફર ઇનગ્રિડ સીવૉર્ડને એમ પણ કહ્યુ હતું કે તેનાં સાસુ વિશ્વના શ્રેષ્ઠ સાસુ છે. પણ પ્રિન્સ ચાર્લ્સ સાથે સંબંધ બગડ્યા એટલે સાસુમા સાથે પણ સમસ્યાઓ થઇ, ડાયનાના વધુ પડતા સંવેદનશીલ સ્વભાવ સામે ક્વીન એલિઝાબેથને વાંધો હતો. તે બન્ને આગવી પ્રતિભા ધરાવનારી સ્ત્રીઓ હતી અને ક્યારે ય એકબીજાં સાથે મોકળાશથી વાત ન કરી શકી. ક્વીન વિશે એમ પણ કહેવાયુ કે તે ઘરની સમસ્યાઓ ઉકેલવાની માથાકૂટને બદલે કામમાં વ્યસ્ત રહેવાનું પસંદ કરતાં. ડાયના પ્રિન્સ ચાર્લ્સથી છૂટી પડી અને તેનું મોત થયું તે પછી તેને રોયલ ન ગણવાની રાજવી પરિવારની જડતા પણ લોકોને કઠી ગઇ.

રાજવીપણું જેટલું ક્વીન એલિઝાબેથે જાળવી શક્યાં તેવું તો કદાચ બીજું કોઇ નહીં જાળવી શકે. ક્વીન એલિઝાબેથ આખી દુનિયાનાં રાણી હતાં એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. આકસ્મિક રીતે જ રાજગાદી પર સ્થપાયેલાં લિલિબેટે, ક્વીન એલિઝાબેથ બીજાંનું ટાઇટલ સ્વીકારીને બહુ શાલિનતાથી, નિષ્ઠાથી તો ક્યારેક રાજવી જડતાથી પોતાના નાગરિકો માટે પોતાનું જીવન અર્પી દીધું. એક રિપોર્ટ અનુસાર ક્વીનનાં એક બાળપણનાં મિત્ર સોનિયા બેરીએ એક અખબારને કહ્યું હતું કે, “શક્ય હોત તો ક્વીન એલિઝાબેત બીજાંએ પોતાને માટે બહુ જુદી જિંદગી પસંદ કરી હોત. મોકો મળ્યો હોત તો તે લગ્ન કરી, પોતાનાં કૂતરાં અને અશ્વો સાથે શાંતિથી રહ્યાં હોત. સત્તા પર, ટોચ પર – જિંદગી સતત એકલવાઇ હોય છે, ભલેને તમે રાણી શું કામ ન હો.”
બાય ધી વેઃ
પ્રિન્સ ચાર્લ્સે ગાદીપતિ થવા માટે બહુ લાંબી રાહ જોવી પડી. 73 વર્ષની વયે જ્યારે તેમણે નિવૃત્ત થવાનું હોય ત્યારે તે એવી કામગીરી હાથમાં લઇ રહ્યા છે જેની તેમને તાલીમ તો મળી છે, પણ તે બહુ પૉપ્યુલર નથી. શું બ્રિટનમાં બાર્બાડોસ જેવા હાલ થઇ શકે? બાર્બાડોસમાં 2021માં લોકોએ પોતાના સામ્રાજ્યવાદી ઈતિહાસને નેવે મૂકીને ક્વીનની રાષ્ટ્રના વડા તરીકેની માન્યતા પાછી ખેંચી લીધી. કોમનવેલ્થ દેશોમાં આવું ક્યાંક થઇ પણ શકે છે. વળી ક્વીન એલિઝાબેથે 7 દાયકા સુધી રાજવીપણાની જે આભા ખડી કરી છે તેને કોઇપણ નવી વ્યક્તિ માટે પુનઃસ્થાપિત કરવી આસાન નથી.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 સપ્ટેમ્બર 2022
![]()


એંશીના દાયકામાં જન્મેલાઓ માટે મિખાઇલ ગોર્બાચેવ એક એવા રશિયન નેતા હતા જેમના માથા પર જાણે કોઇ બીજા દેશના નકશાના આકારનું નિશાન હતું. સોવિયેત યુનિયનના આખરી નેતાનું ગયા અઠવાડિયે ૩૧મી ઑગસ્ટના રોજ ૯૧ વર્ષની વયે મોત થયું. ગોર્બાચેવ એવા રશિયન રાજકીય નેતા હતા જેમણે વીસમી સદીમાં સામ્રાજ્યવાદી વલણના સામે પ્રવાહે તરવાનું નક્કી કર્યું. મિખાઇલ ગોર્બાચેવ સત્તા પર આવ્યા તે પહેલાં સોવિયેત યુનિયન એક એવો સુપર પાવર હતો જે યુ.એસ.એ.નો કાયમી શત્રુ હતો. મિખાઇલ ગોર્બાચેવે લીધેલા નિર્ણયોએ ઘણું બધું બદલી નાખ્યું.
મિખાઇલ ગોર્બાચેવે વિશ્વના રાજકીય ઇતિહાસમાં બે સૌથી મોટા કામ કર્યાં – એક તો શિત યુદ્ધનો અંત આણવો અને સોવિયત યુનિયન વિખેરવાનો નિર્ણય લીધો. જો કે ગોર્બાચેવ સોવિયેતના તંત્રને વિખેરવા નહોતા માગતા બલકે તેમાં સુધાર લાવવા માગતા હતા. તેમેણે શરૂઆત કરી આર્થિક સુધારાઓ સાથે અને આ સાથે જ તેમની સાથે આજ સુધી જોડાયેલો શબ્દ અસ્તિત્વમાં આવ્યો – ગ્લાસનોસ્ટ – એટલે કે ઓપનનેસ – નિખાલસતા – વાણી સ્વાતંત્ર્ય. સરકાર અને અર્થતંત્રની કાર્યવાહીમાં પૂરેપૂરી પારદર્શિતાની અપેક્ષા સાથે ગોર્બાચેવને આશા હતી કે લોકો યુ.એસ.એસ.આર.માં પોતાની જિંદગીને ફરી વ્યવસ્થાના પાટે ચઢાવી દેશે. આ પહેલાં તેમણે પેરેસ્ત્રોઇકા – એટલે કે પુનઃ ઘડતરનો મંત્ર આપ્યો કારણ કે યુ.એસ.એસ.આર.નું અર્થશાસ્ત્ર સાવ ખાડે ગયું હતું. ગોર્બાચેવને ખબર હતી કે યુ.એસ.એસ.આરે. પોતાના અર્થતંત્રનું પુનઃ બંધારણ કરવું જરૂરી છે અને માટે જ તેમણે પેરેસ્ત્રોઇકાનો વિચાર મૂક્યો. આ પુનઃ બંધારણ કે પુનઃ ઘડતર માત્ર આર્થિક બાબતો સ્થિર કરવાના હેતુથી નહોતા લૉન્ચ કરાયા. ગોર્બાચેવને ખાતરી હતી કે સામાજિક અને રાજકીય સ્તરે પણ સંજોગો બહેતર બનશે જે માઠા અર્થતંત્રથી વણસ્યા હતા. તે મરણિયા સામ્યવાદને પુનર્જિવિત કરી ૧૫ રિપબ્લિક્સ વચ્ચે સમાન ભાગીદારી લાવવાનો ઇરાદો ધરાવતા હતા. આ ૧૫ રિપબ્લિક્સમાં સૌથી શક્તિશાળી હતા રશિયા અને યુક્રેન પણ તેમના પ્રયાસો બાદ છ વર્ષના ગાળામાં સામ્યવાદ અને સોવિયેત સંઘ બન્ને પડી ભાંગ્યા. એમણે આ ફેરફારો સોવિયેત યુનિયનને વિખેરવાના આશયથી તો શરૂ નહોતા જ કર્યા. આર્થિક સ્થિતિ સુધારવી, યુ.એસ.એ. સાથે શસ્ત્રોની રેસનો અંત આણવો, યુરોપ સાથે સંબંધો બહેતર બનાવવા, અફઘાનિસ્તાનમાથી સૈન્યનું બિન જરૂરી સાહસ પાછું ખેંચી લેવા જેવા હેતુ સાથે ગોર્બાચેવે કામ શરૂ કર્યુ. સોવિયેત યુનિયનનો પુનઃઉદ્ધાર એક રાષ્ટ્રલક્ષી પગલું છે તેમ ગોર્બાચેવ માનતા હતા પણ આમ કરવામાં જે માથાભારે તત્ત્વો પ્રવૃત્ત થયા તે તેમને માટે કલ્પના બહાર હતા. ૧૯૧૭ની રશિયન ક્રાંતિએ જે સામ્યાવાદી તંત્રની ભેટ આપી હતી તે પડી ભાંગી.
ગયું હતું અને ગોર્બાચેવને રાજકીય સ્તરે પ્રવૃત્ત થયા પછી આ તંત્રને સુધારવા તેમણે કવાયત કરી પણ સંઘ વિખેરાયો તેની પાછળ પણ ગોર્બાચેવ જ કારણભૂત બન્યા.
‘આપ કો કૈસ લગ રહા હૈ?’ના સવાલને જો લોકો મજાક ગણતા હોય તો તેનો મોટા ભાગનો વાંક છે ઇલેક્ટ્રોનિક મીડિયાનો. સદ્ભાગ્યે એક એવી ચેનલ છે જેમાં આવા સવાલોના મારા નથી હોતા – એ ચેનલ એટલે એન.ડી.ટી.વી. ગયા અઠવાડિયે સૌથી વધુ ચર્ચાયેલી બાબત એ છે કે અદાણી ગ્રૂપે એન.ડી.ટી.વી.ના ૨૯ ટકા જેટલો હિસ્સો ખરીદી લીધો. આ સમાચાર આવ્યા એટલે આઘાતની લાગણી અને ઉદ્ગાર કાને પડ્યા. દેશના બુદ્ધિજીવીઓને કપાળે કરચલી પડી અને તે સ્વાભાવિક જ છે. એન.ડી.ટી.વી.ની છાપ સત્યને હાથમાં રાખીને ચાલતી ચેનલની છે જેમાં બેરોજગારી, લોકોની આવકની સમસ્યાઓ, આર્થિક મુદ્દાઓ જેવા પ્રશ્નો પર ચર્ચા છેડાય છે અને તે પણ ઘોંઘાટ વિના. બીજી ચેનલ્સની માફક કોમવાદી મુદ્દાઓ કે ધ્રુવીકરણ કરે એવી રજૂઆતોનો મારો એન.ડી.ટી.વી. પર નથી હોતો. મીડિયાનો મૂળ હેતુ હોય છે સત્તા પર બેઠેલાઓને, સરકારને સવાલ કરવો અને એન.ડી.ટી.વી. એવી જૂજ ન્યુઝ ચેનલોમાંની એક ચેનલ છે જે આ કામ અટક્યા વિના કરતી આવી છે. આ સંજોગોમાં એન.ડી.ટી.વી. સામે ચાલીને સરકાર સાથે નિકટતા ધરાવતા એવા અદાણી ગ્રૂપ સાથે દોસ્તી કરે, તેને પોતાનો અમુક હિસ્સો વેચવા તૈયાર થાય એ વાતમાં દમ નથી. વળી એન.ડી.ટી.વી.નો અમુક ટકા હિસ્સો અદાણીએ ખરીદી લીધોના સમાચાર આવ્યા તેના કલાકોમાં જ એન.ડી.ટી.વી. પર ખબર ચલાવાઇ હતી કે તેના સ્થાપકો, માલિકો કે ત્યાંના કર્મચારીઓને આ હિસ્સાની ખરીદી અંગે કોઇ પ્રકારની જાણ નહોતી.
અદાણી ગ્રૂપે VCPLને હસ્તગત કરી, 103 કરોડમાં ખરીદી લીધી. સ્વાભાવિક છે કે એમ પ્રશ્ન થાય કે 400 કરોડની લોન આપનારી કંપની આટલી ઓછી કિંમતે કેવી રીતે વેચાઇ? VCPL કંપનીએ રિલાયન્સ સ્ટ્રેટેજિક વેન્ચર્સ પાસેથી લોન મેળવી હતી. અદાણીએ VCPL કંપની ખરીદી અને તેમની પાસે વિકલ્પ હતો કે વોરન્ટને માલિકીમાં ફેરવી શકે. આમ અદાણીએ VCPLને ખરીદી, VCPLએ RRPRને લોનની શરતોને આધારે હસ્તગત કરી અને આમ RRPRની એન.ડી.ટી.વી.માં જેટલા ટકા ભાગીદારી હતી તે હિસ્સો હવે અદાણી પાસે છે. ભારતીય નિયમો અનુસાર જો કોઇનો એક કંપનીમાં ૨૫ ટકાથી વધુ હિસ્સો હોય તો તે કંપની વધુ ૨૬ ટકા હિસ્સો ખરીદવાની ઓપન ઑફર આપી શકે જેથી બાકીના શૅર હોલ્ડર્સ પોતાનો ભાગ વેચી શકે. અદાણીએ વધુ ૨૬ ટકા શૅર ખરીદવાની ઑફર આપી છે જે રકમ અંદાજે ૪૯૨.૮ કરોડ જેટલી થાય છે. જોવાનું એ છે કે આ ઑફર આપવામાં અદાણીએ કંપનીના મૂળ માલિકોનો મત જાણવાની તસ્દી પણ નથી લીધી અને માટે જ આ ટેકઓવરને હોસ્ટાઇલ ટેકઓવર તરીકે ચર્ચવામાં આવ્યું. જો આ ૨૬ ટકા હિસ્સાનું વેચાણ થયું તો અદાણી પાસે કંપનીનો ૫૫ ટકા હિસ્સો હશે અને આમ કંપનીનું નિયંત્રણ અદાણી પાસે જ જશે. ૨૬ ટકા શૅર જે હજી સુધી નથી વેચાયો તેના આધારે એન.ડી.ટી.વી.નું ભાવિ ટકેલું છે. જો કે એન.ડી.ટી.વી.માં બે મોટા રોકાણકારો છે એલ.ટી.એસ. ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને વિકાસા – એમ સંભળાય છે કે એલ.ટી.એસ. પોતાના શૅર વેચી શકે તેમ છે. જો કે હાલમાં એન.ડી.ટી.વી.ના શૅરના જે ભાવ છે તેના કરતાં તો અદાણી ઓછી રકમ જ ઑફર કરે છે. આ એલ.ટી.એસ. ઇન્વેસ્ટમેન્ટ ફંડના ૯૮ ટકા રોકાણ અદાણી ગ્રૂપમાં જ કરેલું છે અને બીજી ચાર શૅર હોલ્ડર કંપની છે જેના છેડા પણ અદાણીને અડે છે. જો આ છ કંપનીઓ પોતાના શૅર અદાણીને વેચી દે તો અદાણી ગ્રૂપ એન.ડી.ટી.વી.માં ૫૦ ટકાથી વધારેની ભાગીદાર બને.