પોતાના ધર્મને સર્વોપરી બનાવવા મથતા આતંકવાદીઓ રોમમાંથી ચર્ચને ફગાવી દેવા માગે છે.
શ્રીલંકાનો અત્યાર સુધીનો પરિચય એટલે સરસ મજાનો દરિયો, જ્યાં મંદિરમાં રાવણ જોવા મળે એવો દેશ, જેનો સિલોન રેડિયો આપણે ત્યાં હિટ હતો એ દેશ અને દક્ષિણ એશિયાનો એવો ભાગ જે બહુ વિશાળ ન હોવા છતાં ય જાત જાતની સંસ્કૃતિઓનું ઘર છે.
કમનસીબે શ્રીલંકાની આ ઓળખ ઇસ્ટરના દિવસે થયેલા લોહિયાળ આતંકી હુમલાને કારણે જાણે સ્તબ્ધ બની ગઇ છે. શ્રીલંકાએ આ પહેલાં પણ યુદ્ધ જોયું છે જે ૧૯૮૩માં શરૂ થયું. શ્રીલંકાનાં સિવિલ વૉરમાં લઘુમતી અને બહુમતી વચ્ચે યુદ્ધ થયું. તામીલ ભાષા બોલનારા લઘુમતી અને સિંહાલી ભાષા બોલનારા બહુમતીના લોકો વચ્ચે થયેલા સિવિલ વૉરમાં ધાર્મિક તાણાવાણા વણાયેલા હતા. શ્રીલંકાની સિત્તેર ટકા વસ્તી બૌદ્ધ ધર્મ પાળનારા સિંહાલીઓની છે. અમુક સિંહાલીઓ ખ્રિસ્તી છે, એમ કેટલાક તામીલ પણ ખ્રિસ્તી ધર્મ પાળનારા છે, જો કે મોટા ભાગનાં તામીલભાષીઓ હિંદુ છે. કુલ વસ્તીના દસ ટકા જેટલા લોકો મુસલમાન છે પણ તેઓ સિવિલ વૉરનો હિસ્સો ન હતા અને તામીલ ટાઇગર્સ દ્વારા તેમને પણ ટાર્ગેટ કરાતા. શ્રીલંકામાં હિંસા નથી થઇ એમ નથી પણ આ દેશને આંતરરાષ્ટ્રીય આતંકી જૂથોની ચિંતા કરવી પડે એવી સ્થિતિ હજી સુધી ખડી નહોતી થઇ, જે ઇસ્ટરના હુમલાઓએ બદલી નાખી છે. શ્રીલંકામાં થયેલા હુમલાને પગલે ગયા મહિને ન્યુઝીલેન્ડનાં મસ્જિદમાં ૫૦ જણનાં જીવ લેનારું શૂટિંગ, ઑક્ટોબર ૨૦૧૮માં પિટ્સબર્ગ પેન્સિલવેનિયાના ટ્રી ઑફ લાઇફ સિનેગૉગમાં થયેલી ૧૧ જણાની હત્યા તથા ૨૦૧૭નાં એપ્રિલમાં ઇજિપ્તમાં ૪૫ જેટલાં જીવ લેનાર પામ સન્ડે બોમ્બિંગની ઘટનાઓ મગજમાં ચમકી જાય.
શ્રીલંકામાં થયેલા હુમલાનો મૃત્યુ આંક અને ધાયલોની યાદીનો આંકડાથી વધારે જાનહાનિ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલામાં જ થઇ હતી. ઓક્લાહોમા શહેરનાં બોમ્બિંગ્ઝ, કેન્યા અને તાન્ઝાનિયાની યુ.એસ. એમ્બેસીઝ પર થયેલા હુમલા અને સ્કોટલેન્ડ પર થયેલા પાન એમ બોમ્બિંગમાં માર્યા ગયેલાઓનો આંકડો પણ શ્રીલંકામાં થયેલી જાનહાનિ કરતાં ઓછો હતો. ભારત, યુરોપ કે એશિયામાં થયેલા આતંકી હુમલાઓનો મૃત્યુ આંક પણ શ્રીલંકામાંના આ હુમલાઓ કરતાં વધુ હતો એમ ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે. આફ્રિકા અને મિડલ ઇસ્ટમાં થયેલી કેટલી દુર્ઘટનાઓ આ આંકડા કરતાં વધારે મૃત્યુ આંક ધરાવતી હોય એમ બને.
આ સરખામણી કરવાનું સીધું કારણ એ છે કે આધુનિક ઇતિહાસમાં જેનો સમાવેશ થઇ શકે તેવો આ સૌથી મોટો (ન્યુ યોર્કનાં ટ્વીન ટાવર અટેક્સને બાદ કરતાં) અને હચમચાવી નાખે તેવો આતંકી હુમલો છે. આ હુમલાને પગલે શ્રીલંકા પણ હવે ન્યુ યોર્ક, વોશિંગ્ટન ડી.સી., લંડન, પેરિસ, મેડ્રીડ, મુંબઇ, ન્યુઝીલેન્ડ અને અન્ય ઘણાં શહેરો કે દેશોની યાદીમાં જોડાઇ ગયો છે, જ્યાં આતંકીઓએ સ્વતંત્ર સમાજમાં ડરનો પેગપેસારો કરાવવામાં અને અરાજકતા ફેલાવવામાં સફળતા મેળવી છે. શ્રીલંકામાં થયેલો હુમલો એ જેહાદીઓની બદલાયેલી હિંસાનું નિશાન છે.
વૈશ્વિક દ્રષ્ટિએ જોઇએ તો નેવુંના દાયકામાં અલ-કાયદાને જ્યુઝ અને ક્રુસેડર્સની સામે વિરોધ હતો અને બિનસાંપ્રદાયિક મથકો અને સ્થળો જ તેમનાં ટાર્ગેટ પર હતા. ઇરાકમાં જ્યારે આઇ.એસ.-ઇસ્લામિક સ્ટેટનું જોર વધ્યું ત્યારે તેમણે ત્યાં રહેતા એવા મુસલમાનોની હત્યા કરી, જેઓ આઇ.એસ.ના કુરાનનાં લોહિયાળ તારણ સાથે સંમત નહોતા. આઇ.એસ.ની હિંસા તો અલ-કાયદાનાં આતંકીઓને પણ વધારે હિંસક લાગતી એટલી વરવી હતી. ૨૦૧૭ની સાલમાં અલ-કાયદાની દક્ષિણ એશિયન શાખાએ નિયમ બહાર પાડ્યો કે હિંદુ, મુસ્લિમ, બૌદ્ધ ધર્મનાં સિવિલિયન અને ધાર્મિક સ્થળો પર હુમલો ન કરવો. એનાથી તદ્દન વિરુદ્ધ આઇ.એસ.એ બહુ ગર્વથી ઇજીપ્ત, ફિલિપીન્સ, પાકિસ્તાન અને હવે શ્રીલંકા એમ આ દેશોમાં ધાર્મિક સ્થળોએ હુમલાની જવાબદારીઓ સ્વીકારી.
વૈશ્વિક સ્તરે આનું સીધું વિશ્લેષણ એ છે કે આઇ.એસ.નું ધ્યેય છે જુદી જુદી સંસ્કૃતિઓ વચ્ચે ટકરાવ કરાવવો. આ સેક્ટેરિયન ટેરરિઝમ – સાંપ્રદાયિક આતંકવાદ છે – જેહાદીઓનાં આ ધ્યેયની સાથે વ્હાઇટ નેશનાલિસ્ટ ટેરરિસ્ટની માનસિકતા પણ મળતી આવે છે. પશ્ચિમીઓ ખાસ કરીને શ્વેત વર્ણીઓ જ્યારે પણ આવા ગુના આચરે ત્યારે તેમને આતંકવાદનું લેબલ જોડાય એ ગમતું નથી, પણ ગયા મહિને ન્યુઝીલેન્ડનાં મસ્જિદમાં થયેલો હુમલો વ્હાઇટ નેશનલિસ્ટ ટેરરીઝમનો જ દાખલો છે. આતંકવાદી જૂથનું મૂળ લક્ષ્ય હોય છે આમ નાગરિકને કોઇ પણ એક બાજુની પસંદગી કરવા બળજબરી કરવી. વિસંવાદિતા પ્રસરાવવી અને અન્ય ધર્મ પ્રત્યે અણગમાનાં મૂળિયાં ઊંડા ઊતારવા એ જ આ આંતકી જૂથો ઇચ્છતા હોય છે. જેહાદીઓને મુસલમાનો સામે નકારાત્મકતા વધે એમાં જ રસ છે જેથી વધુને વધુ મુસલમાનો જેહાદીઓની વિચારધારાનો સ્વિકાર કરે. કોઇ પણ સરકારો કે નાગરિકોએ જેહાદીઓનાં આ ફાસલામાં ઝડપાવું ન જોઇએ.
આઇ.એસ. સાથે જોડાઇ રહેલી નવી પેઢીનાં અંતિમવાદીઓનું નિશાન ધાર્મિક સ્થળો છે. યુનિવર્સિટી ઑફ મેરીલેન્ડ દ્વારા વૈશ્વિક આતંકવાદ પર કરાયેલા એક અભ્યાસ અનુસાર ૨૦૦૦થી માંડીને ૨૦૦૪ દરમિયાન ધાર્મિક સ્થળો પર ૨૪૦ જેટલા હુમલા થયા થયા જેમાં ૬૨૦ લોકોએ જાન ગુમાવ્યા. ત્યાર બાદ ૨૦૧૩ અને ૨૦૧૭નાં ગાળામાં ધાર્મિક સ્થળોએ થતા હુમલાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો. આ સમય દરમિયાન ધાર્મિક સ્થળો પર લગભગ ૧૪૦૦ હુમલા થયા જેમાં ૪૦૦૦ લોકોએ જાન ગુમાવ્યા. છેલ્લા બે વર્ષનો ચોક્કસ ડેટા હજી આ અભ્યાસમાં ઉમેરાયો નથી પણ આપણે છેલ્લા બે વર્ષમાં ચર્ચ અને મસ્જિદ જેવા ધાર્મિક સ્થળો પર કરાયેલા આતંકી હુમલાઓથી માહિતગાર છીએ. અહીં જે સમયગાળાની વાત કરાઇ છે તેમાંથી બે – તૃતિયાંશ હુમલાઓ પાકિસ્તાન, નાઇજીરિયા, અફધાનિસ્તાન અને ઇજીપ્તમાં થયા છે. વળી ઇરાક અને સિરિયામાં થતા આતંકી હુમલાઓના આંકડાનો આમાં સમાવેશ નથી કારણ કે ત્યાંના સિવિલ વૉર્સ તો વૈશ્વિક આંકડાઓને ક્યાં ય પાછળ છોડી દે તેવા છે.
આઇ.એસ.એ પોતાનાં શરૂઆતી વર્ષોમાં ઇરાકમાં ‘અલ-કાયદા ઇન ઇરાક’ જૂથ તરીકે શિયા મુસલમાનોને ટાર્ગેટ કર્યા કારણ કે તેઓ ત્યાં પ્રજામાં ધ્રુવીકરણ ઇચ્છતા હતા. આઇ.એસ.ની આ માનસિકતાએ અલ-કાયદાનાં મૂળ નેતૃત્વને પણ ચોંકાવી દીધા હતા. ૨૦૧૪માં અલ-કાયદા ઇન ઇરાકે પોતાની નવી ઓળખ બનાવી અને આઇ.એસ.-ઇસ્લામિક સ્ટેટ નામ અપનાવ્યું. ઇરાક અને સિરિયાનાં પ્રદેશોમાં અણધારી હિંસા, અન્ય સંપ્રદાયોની સતામણી સહિત આખા વિશ્વમાં ઠેરઠેર છૂટા છવાયા હુમલા કરવા માટે તેમણે પોતાના સાથીદારો અને મદદનીશોને પ્રોત્સાહન આપ્યું, જે અલ-કાયદાએ ક્યારે ય નહોતું કર્યું. આઇ.એસ.ને થિએટ્રિકલ અસૉલ્ટ્સ કરવામાં વધારે રસ છે વળી આઇ.એસ.ના યુરોપિયન અનુયાયીઓએ ટ્રાન્સપોર્ટ હબ્સ, કોન્સર્ટ્સ વગેરે ટાર્ગેટ બનાવવાનું પણ ચાલુ રાખ્યું. આઇ.એસ.નું એક માત્ર ધ્યેય છે ખ્રિસ્તી ધર્મને ફગાવી દઇને રોમને તાબામાં લેવું.
આઇ.એસ.ની ઇજીપ્તની શાખાએ દેશનાં કોપ્ટિક ખ્રિસ્તીઓ અને સૂફી મુસલમાનોને પણ નથી છોડ્યા તો ગલ્ફનાં આઇ.એસ. અનુયાયીઓએ શિયા મસ્જિદો પર મારો ચલાવ્યો છે. આ પહેલાં ઇન્ડોનેશિયામાં થયેલા ચર્ચ બોમ્બિંગ્ઝ અને ફિલપાઇન્સનાં બોમ્બિંગ્ઝમાં પણ આઇ.એસ.નો હાથ છે એમ બહાર આવ્યું હતું. અલ-કાયદાએ ધાર્મિક સ્થળો પર હુમલા નથી કર્યા એમ નથી પણ તેમનું મુખ્ય લક્ષ્ય અમેરિકા અને પશ્ચિમનાં દેશો જ છે, તેમને આઇ.એસ.ની કટ્ટર સાંપ્રદાયિકતા બહુ માફક નથી આવતી. આમ જોવા જઇએ તો આઇ.એસ. અને અલ-કાયદા બંન્નેનું ધ્યેય એક જ છે પણ તેને મેળવવાની પદ્ધતિ અંગે બંન્ને જૂથોની માનસિકતા જૂદી પડે છે.
અમેરિકાને ટાર્ગેટ કરવું અલ-કાયદા માટે અઘરું બન્યું છે અને તેની સાથે જોડાનારા આતંકીઓને પણ અલ-કાયદાને સમજવામાં – ખાસ કરીને ‘ફાર એનિમી’વાળા વાતને સમજવામાં, મુશ્કેલી પડે છે. આ તરફ આઇ.એસ.ની કોઇ.પણ ભેદ-ભાવ વગરની, બેફામ અને સારાસાર વગરની માનસિકતા ‘રિક્રુટ્સ’ને સમજવામાં સહેલી પડે છે. આઇ.એસ.ને માટે ઘાતકી હિંસા, ખૂના-મરકી, મોત, જીત મેળવી તથા સાંપ્રદાયિક અરાજકતા બધું જ તેમના લક્ષ્ય સુધી પહોંચવા માટે ચલાવાય છે. આઇ.એસ.ની આ અંતિમવાદી માનસિકતાને પગલે તેનો ડર વૈશ્વ સ્તરે પ્રસરી ચુક્યો છે અને જે હજી સુધી આતંકી બન્યાં નથી પણ અંતિમવાદી વિચારધારા ધરાવે છે તેમને આ ગોઠી ગયું છે. ૨૦૧૪માં જે રીતે ખલિફતની રચના થઇ અને જે રીતે ૪૦ હજારથી પણ વધુ વિદેશી ‘લડવૈયા’ઓ વિશ્વનાં અલગ અલગ ૮૦ દેશોમાંથી ઇરાક અને સીરિયા ધસી ગયા હતા તે ખલિફત પડી ભાંગ્યા બાદ આતંકી જૂથોનાં સંપર્કો, ટ્રેઇનિંગ અને સાંપ્રદાયની સહાય વગેરે સાથે પોતાના રાષ્ટ્રોમાં પાછા ફર્યા છે. શ્રીલંકા પરનાં હુમલા સાબિત કરે છે કે જ્યાં ખ્રિસ્તી વિરોધી હુમલાઓનો જરા અમસ્તો ઇતિહાસ પણ નથી ત્યાં પણ ધાર્મિક સ્થળોએ ફરી વળવું એ જેહાદીઓને માટે પોતાના ધ્યેય સુધી પહોંચવાનો રસ્તો હોઇ શકે છે.
આપણે સમજી લેવું પડશે કે આતંકવાદ અંતે તો વિશ્વનાં બે સૌથી મોટા ધર્મોમાં ચડસાચડસીનું પરિણામ છે. મુસ્લિમ અંતિમવાદીઓને પોતાના ધર્મને સર્વોપરી સાબિત કરવો છે અને માટે તેઓ આતંકવાદનો રસ્તો અપનાવે છે. પરંતુ આપણે એ પણ સમજવું પડશે કે દરેક મુસલમાન આતંકવાદી નથી હોતો. આતંકવાદીઓ જે ધર્મનાં નામે ઠેકડા મારે છે એ ધર્મ તેમને માટે વૈમનસ્ય પ્રસરાવવાનું હથિયાર છે. આતંકવાદીઓને ધર્મ સાથે ખરેખર કોઇ ‘પવિત્ર’ સંબંધ નથી.
બાય ધી વેઃ
યુ.એસ.એ.માં ચર્ચ અને મસ્જિદોમાં સલામતી વ્યવસ્થા હવે અગત્યનો હિસ્સો બની છે. વળી ખ્રિસ્તી અને મુસલમાન ધર્મનાં ઉચ્ચ વડાઓ પરસ્પર આપ-લે વધે એ માટે મોટા પાયે પ્રયાસ કરી રહ્યા છે. બરાક ઓબામાના કાળ દરમિયાન અમેરિકામાં તથા અન્ય રાષ્ટ્રોમાં ધાર્મિક સ્વતંત્રતાનાં પ્રતિનિધિઓને પણ નિમવામાં આવ્યા હતા. દેખીતી રીતે બે ધર્મો વચ્ચેનાં યુદ્ધ કરતાં આ તમામ ઘટનાઓને બે ધર્મો પર તોળાતા જોખમ તરીકે જોવા જોઇએ. ધાર્મિક લધુમતીનું દમન એ વૈશ્વિક વાસ્તવિકતા છે, પછી એ કોઇ પણ ધર્મ કેમ ન હોય. પરંતુ તેમાં સત્તા અને બળનું જોર બતાડવાની મહેચ્છા જેટલી પ્રબળ છે એટલી પ્રબળ કોઇ ધર્મની માન્યતા નથી જ. આ બધાંની વચ્ચે પાકિસ્તાનનો ‘સ્ટેટ સ્પોન્સર્ડ’ આતંકવાદ પણ એક બહુ મોટી સમસ્યા છે જે વૈશ્વિક સ્તરે રાજકારણને અસર કરનારી બાબત છે કારણ કે તેમાં ચીનના અંગત રસ છે પણ ચીનના હાથ દઝાવા માંડે એ સમય બહુ દૂર નથી. નોસ્ત્રાદેમસે કરેલી ભવિષ્યવાણીને માનીએ તો ખ્રિસ્તી અને મુસલમાન રાષ્ટ્રો વચ્ચેનો સંઘર્ષ ટાળી શકાય તેમ નથી. એ મુજબ આ બે ધર્મો વચ્ચેનો સંઘર્ષ ત્રીજા વિશ્વ યુદ્ધનું કારણ બની શકે છે જે જમીન, હવાઇ તથા જળ માર્ગે ખેલાશે.
સૌજન્ય : ‘બહુશ્રુત’ નામે લેખિકાની સાપ્તાહિક કટાર, રવિવારીય પૂર્તિ, “ગુજરાતમિત્ર”, 28 ઍપ્રિલ 2019