વરસ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં મહિલાઓ સંબંધી યોજનાઓ જાહેર કરતાં નાણાં મંત્રીએ મહિલાઓની લગ્નવય વધારવા ટાસ્કફોર્સની રચનાનું વચન આપ્યું હતું. જૂન મહિનામાં સામાજિક –રાજકીય આગેવાન જયા જેટલીના અધ્યક્ષસ્થાને કેન્દ્રના મહિલા અને બાળવિકાસ મંત્રાલયે આ અંગે સમિતિની રચના કરી હતી. આ સમિતિ માતા-મૃત્યુ દર ઘટાડવા, માતા અને બાળકનાં પોષણસ્તર સુધારવા તેમ જ મહિલાઓની લગ્નવય વધારવા જેવી બાબતો ચકાસીને અહેવાલ આપશે. આ વરસની પંદરમી ઓગસ્ટે ચુંમોતેરમા સ્વાતંત્ર્ય દિને દિલ્હીના લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રજોગ સંબોધનમાં અને હવે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનની પંચોતેરમી જયંતીના ઉજવણી સંબોધનમાં વડા પ્રધાને મહિલાઓની લગ્નવય વધારવાની બાબતે સરકાર જલદીથી નિર્ણય લેનાર હોવાની ઘોષણા કરી છે.
સ્ત્રી-પુરુષની લગ્ન વય કાયદા દ્વારા નિર્ધારિત કરવામાં આવી છે. બ્રિટિશ શાસનકાળના ૧૮૭૨ અને ૧૮૯૧ના કાયદામાં છોકરીઓની લગ્નની ઉંમર ૧૨ અને ૧૪ વરસની હતી. ૧૯૩૦ના શારદા એકટમાં તે વધારીને ૧૬ વરસની કરવામાં આવી હતી. ૧૯૭૮માં કાયદામાં સુધારા મારફત હાલમાં છોકરાઓની લગ્નવય ૨૧ વરસ અને છોકરીઓની ૧૮ વરસ છે. એક સદીમાં છોકરા-છોકરીઓની લગ્ન વયમાં માંડ છ-આઠ વરસનો જ વધારો કરી શકાયો છે ૧૯૭૮થી મહિલાઓની લગ્ન વય ૧૮ વરસની છે તેમાં સરકાર ત્રણેક વરસનો વધારો કરવા માંગે છે.
બાળલગ્નોને કારણે મહિલાઓ નાની ઉંમરે માતા બનતાં માતા અને બાળકના મૃત્યુ અને નબળાં સ્વાસ્થ્ય જેવાં કારણોનાં નિવારણ માટે મહિલાઓની લગ્નવયમાં વધારો કરવો જોઈએ એવી દલીલો થાય છે. પહેલી નજરે ઝટ ગળે ઉતરી જાય એવી આ દલીલને હકીકતોની સરાણે ચકાસવી જોઈએ. ફોર્થ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડા જણાવે છે કે ૨૦૦૫-૦૬ના વરસમાં ૨૦થી ૨૪ વરસની ઉંમરની ૪૭ ટકા મહિલાઓનાં લગ્નો ૧૮ વરસ પહેલાં થઈ ગયાં હતાં. પરંતુ ૨૦૧૫-૧૬માં તે ટકાવારી ઘટીને ૨૬.૮ ટકા થઈ હતી. ભારતની વસ્તી ગણતરીના અહેવાલો પરથી પણ જણાય છે કે ૨૦૦૧ની તુલનાએ ૨૦૧૧માં ૧૫ વરસની વય પૂર્વે લગ્ન થયાં હોય તેવી સ્ત્રીઓ ૬.૬ ટકા જ છે. અર્થાત્ બાળ લગ્નોનું પ્રમાણ ઘટી રહ્યું છે. જો કે તે સંપૂર્ણ નાબૂદ થયાં નથી. હવે બાળવયના બદલે કિશોરવયે થતાં લગ્નો વધ્યાં છે. એટલે છોકરીઓની લગ્નવય વધારવાથી બાળલગ્નો બંધ થઈ જશે તે દલીલ યોગ્ય નથી.
બાળલગ્નોમાં થયેલો મોટો ઘટાડો માતા-મૃત્યુ દરના મોટા ઘટાડારૂપે જોવા મળતો નથી. ૨૦૧૭ના વિશ્વ બેન્કના એક અભ્યાસમાં નોંધાયું હતું કે ૧૮૬ દેશોમાં માતા-મૃત્યુ દરમાં ભારત ૧૩૦મા નંબરે હતું. નીતિ આયોગના જણાવ્યા મુજબ ૨૦૧૪-૧૬માં દર એક લાખ જન્મદીઠ માતા-મૃત્યુ દર ૧૩૦ હતો. જે હવે ઘટીને ૧૨૨ થયો છે. માતા અને બાળકનાં મૃત્યુ કે નબળું આરોગ્ય અને ઓછા વજનનું કારણ નાની વયે લગ્ન જ માત્ર નથી. ગરીબી અને કુપોષણ પણ છે. જો ગરીબી નહીં હઠે, પેટ પૂરતું ખાવાનું જ નહીં મળે તો મોટી ઉંમરે થતાં લગ્નથી પણ આ સમસ્યા હલ થવાની નથી. એટલે મહિલાઓની લગ્નવય વધારવા સાથે તેમનું પોષણસ્તર સુધારવાનાં પગલાં પણ લેવાં જરૂરી છે.
સ્ત્રીઓનાં વહેલાં લગ્નનું કારણ પણ ગરીબી અને શિક્ષણનો અભાવ છે. ૨૦ થી ૨૪ વરસની ૨૧ વરસ પહેલાં લગ્ન કર્યા હોય તેવી તમામ આર્થિકસ્તરની સ્ત્રીઓ ૫૬ ટકા છે. પણ એ જ આયુની સૌથી ગરીબ વર્ગની મહિલાઓમાં તેની ટકાવારી ૭૫ ટકા જેટલી ઊંચી છે. માબાપ માટે દીકરી બોજ ગણાતી હોય અને તેની સુરક્ષા, શિક્ષણ, રોજગારની ચિંતા હોય તે કારણથી તેના વહેલાં લગ્નો કરી દેવામાં આવે છે. ગામમાં જ શિક્ષણની વ્યવસ્થા ન હોવાથી ૧૫થી ૧૭ વરસની ઉંમરની છોકરીઓ મોટા પ્રમાણમાં ભણવાનું છોડે છે. એટલે પણ લગ્ન વયનો વધારો ગરીબી, બેરોજગારી, સ્ત્રી સુરક્ષા અને મહિલા શિક્ષણની પર્યાપ્ત વ્યવસ્થા વિના બેમતલબ બની શકે છે.
સ્ત્રી-પુરુષની લગ્ન વયમાં હાલમાં જે તફાવત જોવા મળે છે તે મહિલાઓની લગ્નવય વધારવાથી યથાવત રહેશે કે દૂર થશે તે પણ સવાલ છે. આખી દુનિયાએ મહિલાઓની ૧૮ વરસની ઉંમરને લગ્ન યોગ્ય માની છે. એ ઉંમરે સ્ત્રીનું શરીર પૂર્ણપણે વિકસી ગયાનું, પ્રસવ માટે સક્ષમ હોવાનું અને બાળકની દેખભાળ રાખી શકે તેવા મનો-શારીરિક વિકાસ થયાનું કહેવાય છે. પરંતુ હાલમાં સ્ત્રી-પુરુષની લગ્ન વયમાં જે ત્રણ વરસનો તફાવત છે તેનો તર્ક સમજાતો નથી. પત્ની પતિ કરતાં ઉંમરમાં નાની હોવી જોઈએ તેવી રૂઢિજડ પરંપરાનું તે દ્યોતક છે. સ્ત્રીના સમાનતા અને ગરિમામય જીવનના બંધારણદીધા વચનનો પણ તેમાં ભંગ થાય છે. તેથી સ્ત્રી-પુરુષની લગ્ન વય સમાન રાખવા વિચારવું રહ્યું.
અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ, કાશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ની નાબૂદી, તીન તલાક પર પ્રતિબંધ, નાગરિકતા કાનૂન અને કોમન સિવિલ કોડની જેમ વસ્તી વૃદ્ધિ પર નિયંત્રણ એ ભારતીય જનતા પક્ષનો રાજકીય એજેન્ડા અને ખરી રાજકીય ઓળખ મનાય છે. તમામ ધર્મની મહિલાઓની લગ્નવયમાં વધારો કરવાનો વર્તમાન પ્રયાસ સરકારનું મહિલા સમાનતાની દિશાનું પગલું છે કે તેનો વસ્તી નિયંત્રણનો એજેન્ડા છે, તેવો સવાલ પણ ઊઠવો સ્વાભાવિક છે. મહિલાઓની લગ્નવય વધતાં તેની પહેલી પ્રસૂતિની ઉંમર વધશે તેને કારણે વસ્તી નિયંત્રણ થઈ શકશે. આ ફાયદો લગ્નવયના વધારાનો છે. જો કે ભારતમાં મહિલાઓનો પ્રજનન દર ઝડપથી ઘટી રહ્યો છે તે જોતાં સરકારનો ઈરાદો વસ્તી નિયંત્રણનો હોવાની આશંકા સાચી ઠરતી નથી.
જે કામ સમાજસુધારણા થકી કરવાનું હોય તે કાયદાના દંડૂકાથી કરવાનું કેટલું યોગ્ય મનાય ? સ્ત્રી-પુરુષ સમાનતા, બાળ લગ્ન નિષેધ, સ્ત્રી શિક્ષણ અને સુરક્ષા આ બધી બાબતો સરકારના જેટલી જ સમાજને લાગુ પડે છે. આપણાં દેશમાં સમાજ સુધારણાનું સ્થાન જાણે કે કાયદાએ લઈ લીધું છે. શિક્ષણનું પ્રમાણ વધતાં અને ગરીબી ઘટતાં બાળ લગ્નો જેમ ઘટી રહ્યાં છે તેમ વસ્તી વૃદ્ધિ પણ અટકી છે. રોજગાર, આરોગ્ય, શિક્ષણ, સલામતી, સામાજિક – આર્થિક અસમાનતાની નાબૂદી અને સંસાધનોની સમાન, ન્યાયી તથા યોગ્ય વહેંચણી માટે સરકારે પ્રયત્નશીલ બનવાનું છે. સાથે જ સમાજ સુધારણા અને જાગ્રતિ માટે સમાજે પ્રયાસો વધારવાના છે. તો જ સમાજનો સાચો વિકાસ થઈ શકે.
(તા.૨૮-૧૦-૨૦૨૦)
e.mail : maheriyachandu@gmail.com
![]()


બારમી સપ્ટેમ્બર ૧૯૪૦ના રોજ જન્મેલા પ્રકાશભાઈનું પ્રાથમિક શિક્ષણ વડોદરામાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદની સરસ્વતી મંદિર હાઈસ્કૂલ મણિનગરમાં થયું હતું. એ આઠમા-નવમા ધોરણમાં ભણતા હતા ત્યારે, ૧૯૫૧-૫૨માં, એમના શિક્ષક હરિશ્ચંદ્ર પટેલ (જે પછી બી.જે.પી.ના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ થયા હતા) એમને આર.એસ.એસ.ની શાખામાં લઈ જતાં. ‘ઝીણાના હિંદુ અડધિયા’ઓ સાથેનો વણિક પરિવારના કિશોર પ્રકાશનો સંગ પાંચેક વરસનો રહ્યો. ઘરના વાચન–સંસ્કાર, ખુદમાં રહેલું દૈવત-કૌવત અને કોલેજકાળમાં પુરુષોત્તમ માવળંકરના લેસ્કી ઈન્સ્ટિટ્યૂટના કારણે તેમના જીવનમાં નવો ઉઘાડ થયો. રાધાકૃષ્ણન્નું ‘હિંદુ વે ઓફ લાઈફ’ વાંચતા યુવાન પ્રકાશને જ્યારે આર.એસ.એસ.ના અગ્રણી વકીલસાહેબ (લક્ષ્મણરાવ ઈનામદાર, ‘આમાં બધું છે પણ હિંદુ રાષ્ટ્ર નથી’ એમ જે કહે છે તે ઝબકાર ક્ષણ ઝીલાય છે અને પછી ? આજે તો પ્રકાશભાઈ ગુજરાતમાં સેક્યુલારિઝમનું કાયમી સરનામું બની ગયા છે. તે એટલે સુધી કે બીજા ભલે પ્રકાશભાઈના અમદાવાદના ઘરના સરનામામાં દેરાસર પાસે લખે પ્રકાશભાઈ તો ડાકઘર (અને હવે પોસ્ટ ઓફિસ) પાછળ જ લખે છે !
કોલેજના વિદ્યાર્થી તરીકે ભારતના આર્થિક ઇતિહાસના આર.સી. દત્તના પુસ્તકના વાચને ગાંધી રસ્તે નહીં, પણ આર્થિક રસ્તે તેઓ આજીવન ખાદી તરફ વળ્યા. ગાંધીજી રાજાને મળવા જનસામાન્યના પહેરવેશમાં ગયા તે ગાંધીજી પ્રત્યેનું પ્રકાશભાઈનું પહેલું આકર્ષણ પણ લોક સાથેની ગાંધીની એકરૂપતા તેમને વધુ આકર્ષી ગઈ.
ઈમરજન્સી પછી પ્રકાશભાઈના જીવનનો એક બીજો દૌર, પત્રકારત્વનો, શરૂ થયો. ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ જૂથના ‘જનસત્તા’ પત્રો સાથે તેઓ આસિસ્ટન્ટ એડિટર તરીકે જોડાયા અને ૧૯૭૮થી ૧૯૯૦ના પૂરા બાર વરસ કામ કર્યું. તે દરમિયાન અખબારી કોલમ લેખન, તંત્રીલેખ લેખન અને તંત્રી પાનું સંભાળ્યું. એ સમયના તેમના તંત્રી લેખો, એડિટ પેજ પરની સમયના ડંકાની નોંધો, દિશાન્તર કોલમ ગુજરાતી પત્રકારત્વમાં નોખી ભાત પાડનાર હતા. ‘જનસત્તા’, અમદાવાદ અને ‘લોકસત્તા’ વડોદરામાં રેસિડેન્ટ એડિટરની જવાબદારી પણ નિભાવી. થોડો સમય ટાઈમ્સ ગ્રુપના ગુજરાતી અખબારના તંત્રી હતા. ૨૦૦૩થી એકાદ દાયકો નવા ગુજરાતી દૈનિક ‘દિવ્ય ભાસ્કર’ના એડિટ પેજ એડવાઈઝર અને તંત્રીલેખની કામગીરી બજાવી હતી. ‘દિવ્ય ભાસ્કર’માં કોલમ લેખન લગભગ ૨૦૧૯ના મધ્ય સુધી ચાલ્યું. ‘સમકાલીન’ (૧૯૮૪થી ૨૦૦૩), ‘ગુજરાતમિત્ર’(૧૯૯૨થી ૨૦૦૩)માં પણ કોલમ લેખન કર્યુ હતું. પૂર્વે અને આજે ‘ગુજરાત ટુડે’ દૈનિકમાં સાપ્તાહિક કટાર લેખન કરે છે. 'વિશ્વ માનવ’ અને ‘અખંડ આનંદ’માં સંપાદન – લેખન કરી ચૂકેલા પ્રકાશભાઈ એપ્રિલ ૧૯૯૩થી વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.
પોણી સદી વટાવી રહેલી વિશ્વ સંસ્થા ‘સંયુક્ત રાષ્ટ્ર સંઘ’ની હયાતી પર જ ખતરો ઊભો થયાના સંકેતો મળી રહ્યા છે. તાજેતરમાં મળેલી યુ.નો.ની જનરલ એસેમ્બલીમાં સભ્ય દેશોએ ‘યુનો’ની પ્રાસંગિકતા પર સવાલો ઉઠાવી, તેણે નવા પડકારોને અનુરૂપ પરિવર્તનો કરવા પડશે, તેમ જે જણાવ્યું તેને કારણે આ વિશ્વ સંસ્થાની કામગીરી ચર્ચામાં આવી છે.