સત્તરમી લોકસભાની સાત ચરણોમાં યોજાઈ રહેલી સામાન્ય ચૂંટણી તેના અંતિમ ચરણમાં છે. રાજકીય નિરીક્ષકોના મતે સત્તાવિરોધી કે તરફી લહેરની ગેરહાજરીમાં પણ એકંદર સંતોષજનક અને શાંત મતદાન થયું છે. બી.જે.પી.એ આ ચૂંટણીને રાષ્ટ્રની સુરક્ષા, આતંકવાદ અને રાષ્ટ્રવાદમાં ઢાળવાની ભરપૂર કોશિશ કરી છે. પુલવામા આતંકી હુમલા પછી ચૂંટણીની દિશા બદલાઈ ગઈ અને પાકિસ્તાન તથા આતંકવાદના મુદ્દા હાવી થઈ ગયા લાગે છે.
ભલે રાષ્ટ્રીય સુરક્ષાની દુહાઈ દેવાતી હોય પણ આતંકગ્રસ્ત કશ્મીરની અનંતનાગ લોકસભા બેઠક પરનું માંડ ૧૦% મતદાન બહુ ગંભીર બાબત છે. યાદ રહે કે અનંતનાગમાં કશ્મીરના બે સૌથી આતંકી જિલ્લા પુલવામા અને શોપિયાનો સમાવેશ થાય છે. વળી આઝાદ ભારતના ઇતિહાસમાં શાયદ એવું પ્રથમવાર બન્યું છે કે અનંતનાગ બેઠકનું મતદાન ત્રણ તબક્કે કરાવવું પડ્યું છે. કશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી અને પી.ડી.પી.નાં નેતા મહેબૂબા મુફ્તી આ બેઠકના ઉમેદવાર છે. સામાન્ય રીતે વિધાનગૃહની ખાલી બેઠકની પેટા ચૂંટણી છ માસમાં કરવાની હોય છે. પરંતુ મહેબૂબા મુફતીનાં રાજીનામાથી અનંતનાગ લોકસભા બેઠક એપ્રિલ ૨૦૧૬થી ખાલી હોવા છતાં અને કેન્દ્રમાં મજબૂત સરકારની રાજવટ હોવા છતાં ત્યાં ચૂંટણી કરાવી શકાઈ નથી. લોકસભાની ચૂંટણીઓ સાથે આંધ્ર, ઓડિશા, અરુણાચલ અને સિક્કિમ વિધાનસભાની ચૂંટણીઓ થઈ રહી છે, પણ કશ્મીરની વિધાનસભા વિસર્જિત હોવાછતાં કશ્મીરમાં માત્ર ૬ લોકસભા બેઠકોની જ ચૂંટણી થઈ રહી છે, અને વિધાનસભાની ચૂંટણી થઈ રહી નથી. ૨૦૧૪માં ગઠબંધન સરકારના શાસનમાં અનંતનાગ લોકસભા બેઠક પર ૨૫.૮૪ % મતદાન થયું હતું જે આજે ૨૦૧૯માં તે ઘટીને ૧૦% થી ઓછું થઈ ગયું છે.
સુપ્રીમ કોર્ટના આદેશ છતાં, કેરળના સબરીમાલા મંદિરમાં પરંપરાની આળ લઈને સ્ત્રીઓને પ્રવેશ અપાતો નથી. આ મુદ્દે કૉન્ગ્રેસ અને ભા.જ.પ.નું વલણ એકસરખું છે. જો કે ભા.જ.પ. આ મુદ્દાને વધુ આક્રમકતાથી ઉઠાવી કેરળમાં પોતાની રાજકીય ભોંય ઊભી કરી રહ્યો છે. સબરીમાલા મંદિરને સમાવતી કેરળની પથાનામથિટ્ટા લોકસભા બેઠક પર પુરુષો કરતાં મહિલા મતદારો વધુ છે. આ બેઠક માનવ વિકાસ સુચકાંકમાં ટોચ પર છે. શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને મહિલા વિકાસની દ્રષ્ટિએ વિકસિત એવી આ બેઠકમાં ૯૦% ગ્રામીણ વસ્તી છે. ૨૦૦૯ અને ૨૦૧૪માં આ બેઠક પરથી કૉન્ગ્રેસી ઉમેદવાર વિજેતા બન્યા હતા. પરંતુ આ વખતે સબરીમાલા મંદિર આંદોલનથી ખ્યાત લાલકૃષ્ણ સુરેન્દ્રન્ બી.જે.પી.ના ઉમેદવાર છે. વડાપ્રધાને તેમની કેરળની ૨૦ લોકસભા બેઠકોના ચૂંટણી પ્રચારનો આરંભ અહીંથી કર્યો હતો. સર્વોચ્ચ અદાલતના ચુકાદા મુજબ હવે ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે તેમના ગુનાઓ સ્થાનિક અખબાર અને ટીવી ચેનલ પર જાહેરાતરૂપે ત્રણ વખત દર્શાવવાના ફરજિયાત છે. પથાનામથિટ્ટા બેઠકના બી.જે.પી. ઉમેદવાર સામે ૨૨૨ ગુના નોંધાયા હોઈ તેમણે ચાર પાનાંની જાહેરાત અને ટીવી એડ આપવી પડી છે. આ માટે તેમને કુલ ૬૦ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે !
કે.સી.આર.નો ગઢ ગણાતા તેલંગણાના નિઝામાબાદ લોકસભા સીટના ઉમેદવાર તેમના પુત્રી કે. કવિતા છે. આ બેઠક પર દેશમાં સૌથી વધુ ૧૮૫ ઉમેદવારો છે. મુખ્યમંત્રી ખેડૂતોને હળદર અને લાલ જુવારના ટેકાના યોગ્ય ભાવો નથી આપતા એના વિરોધમાં રાજ્યના ૧૭૦ ખેડૂતોએ આ બેઠક પરથી ઉમેદવારી કરી છે. તેને કારણે ચૂંટણી પંચની જફા વધી ગઈ છે. આટલા બધા ઉમેદવારો હોઈ આ બેઠક પરના પ્રત્યેક બૂથ પર ૧૨ ઈ.વી.એમ. લગાવવા પડ્યા છે. કુલ ૨૬,૦૦૦ ઈ.વી.એમ. વપરાયા છે અને ખર્ચો વધીને ૩૦ કરોડ થયો છે. વળી આટલા બધા ઈ.વી.એમ. લાવવા લઈ જવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવો પડ્યો છે અને ઈજનેરોની મોટી ફોજ કામે લગાડવી પડી છે.
મતદારોને ચૂંટણી વચનોની લ્હાણી કરાવવામાં અને આર્થિક ખેરાતમાં દક્ષિણ ભારતના રાજ્યો આગળ છે. તેમાં ય તમિલનાડુનો તો જોટો જડવો મુશ્કેલ છે. ૨૦૧૯ની આ ચૂંટણીમાં પંચે કરોડો રૂપિયાનું રોકડ નાણું, દારુ-ડ્રગ્સ અને સોનું પકડ્યા છે. ૨૦૧૪ની તુલનામાં તે અનેકગણું છે. તેના પરથી આ લોકસભા ચૂંટણીમાં નાણાંની કેવી રેલમછેલ ચાલે છે તે જણાઈ આવે છે. તમિલનાડુની વેલ્લોર લોકસભા બેઠક પરથી ડી.એમ.કે.ના કોષાધ્યક્ષ દુરઈમુરુગનના પુત્ર કે. આનંદ ઉમેદવાર છે. ડી.એમ.કે. રાજ્યમાં કૉન્ગ્રેસનો સમર્થક અને બી.જે.પી.નો વિરોધી પક્ષ છે. વેલ્લોર બેઠકના ડી.એમ.કે.ના ઉમેદવારના ઘર અને તેમના સંબંધીના ગોદામ પરથી ૧૫ કરોડ રૂપિયાની રોકડ પકડાઈ છે. સ્વાભાવિક રીતે તેનો ઉપયોગ મતદારોને આપવા માટે થવાનો હતો. કેશ ફોર વોટના આ ગુના બદલ ચૂંટણી પંચે વેલ્લોર બેઠકની ચૂંટણી રદ્દ કરી છે. મોટાપાયે રોકડ પકડાવાને કારણે ચૂંટણી રદ્દ કરવાનું આ પગલું અસાધારણ જરૂર લાગે પણ આવું પહેલીવાર નથી બન્યું. તમિલનાડુમાં આ અગાઉ આર.કે. નગર અને અન્ય વિધાનસભા બેઠકોની ચૂંટણી નાણાની વહેંચણીના મુદ્દે જ સ્થગિત કરવામાં આવી હતી.
અત્યાર સુધીનું અંદાજિત ૬૦% જેટલું મતદાન આશ્વસ્ત કરે છે. હવે રજિસ્ટર્ડ બિનનિવાસી ભારતીયોને મતદાનનો અધિકાર મળ્યો છે. તેમાં ૯૨% ખાડી દેશોમાં વૈતરું કરનારા કેરળના લોકોનું હોવું નોંધપાત્ર છે. લોકસભાના સભ્યો કેટલા સજ્જ હોવા જોઈએ તે તેમની શૈક્ષણિક લાયકાત પરથી જણાઈ આવે છે. ગુજરાતમાં લોકસભાના ૨૬ બેઠકોના બે મુખ્ય પક્ષોના ઉમેદવારોમાં જેમ ડોકટર, એંજિનિયર, વકીલ જેવા ઉચ્ચ ડિગ્રીધારીઓ છે તેમ ૧૦ ઉમેદવારો બારમા ધોરણથી પણ ઓછું ભણેલા છે. એક તો માત્ર પાંચ ચોપડી પાસ છે. આ બાબતમાં બંને પક્ષો સરખા છે.
આપણા મહાન લોકશાહી દેશની સર્વોચ્ચ લોકશાહી સંસ્થા લોકસભાના સભ્ય થવા માટે કેવા નાણા અને બાહુબળના ખેલ ખેલાય છે તેના આ તો કેટલાક નમૂના માત્ર છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્યો જુઓ કે તેલંગણાના ટી.આર.એસ.ના પાંચ ધનપતિ ઉમેદવારો જુઓ તો ચિત્ર દીવા જેવું સાફ થઈ જાય છે. લોકસભાના સભ્યે કોઈ સામાન્ય દીવાબત્તી, ગટર પાણી કે રસ્તાના સવાલો તો ઉકેલવાના હોતા નથી. તેણે કાયદા ઘડવાના અને સુધારવાના હોય છે પણ તે માટેની સજ્જતા કેટલામાં હોય છે તે લાખેણો સવાલ નિરુત્તર છે. જાહેરજીવનના કશા જ અનુભવ વિનાના, માત્ર જ્ઞાતિ, ધર્મ કે પૈસાના જોરે ચૂંટાઈ જતા લોકો લોકશાહી માટે ખતરનાક નીવડવાના છે. આવા ઉમેદવારોને પ્રતાપે કદાચ મજબૂત સરકાર તો બની જાય છે પણ લોકશાહી પોતે નબળી પડે છે.
e.mail : maheriyachandu@gmail.com
(પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 15 મે 2019)