નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયા [એન.એ.આઈ.] પર જોખમ ઊભું થયું છે. દેશના ઐતિહાસિક દસ્તાવેજને સુરક્ષિત રાખતું ‘એન.એ.આઈ.’ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગરૂપે જોખમમાં મૂકાયું છે. જો આમ થાય તો દેશના પ્રમાણિત દસ્તાવેજને નુકસાન પહોંચે અને ઇતિહાસની અનેક કડીઓ નામોનિશાન નહીં રહે. આ કારણે દેશ-વિશ્વની નામી 3,800 જેટલી હસ્તીઓએ તેનો વિરોધ દર્શાવતી ઓનલાઈન પિટીશન દાખલ કરી છે. આ પિટીશનમાં ‘એન.એ.આઈ.’ની ઇમારતને તોડી પાડવા અને તેની દેખરેખના હસ્તાંતરણ અર્થે ચિંતા જતાવવામાં આવી છે. 17 મેના રોજ થયેલી પિટીશનમાં ‘એન.એ.આઈ.’ સંદર્ભે સરકાર વતી આવેલાં જુદા જુદા નિવેદનોથી અસ્પષ્ટતા નિર્માઈ છે તેને દૂર કરવા અંગે માંગણી કરવામાં આવી છે.
નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયાને બચાવવા કેમ દુનિયાભરથી લોકો આગળ આવી રહ્યાં છે? શું છે તેનું મૂલ્ય? ‘એન.એ.આઈ.’ને જો નુકસાન થશે તો તેની ભરપાઈ કેમ નહીં થઈ શકે? આ સંસ્થાના સુરક્ષા પર કેમ એકાએક જોખમ આવી ગયું? ‘એન.એ.આઈ.’ના નવનિર્માણથી શું દેશનો ઇતિહાસ અલગ દૃષ્ટિથી બતાવી શકાય? … આવી અનેક શક્યતાઓ દર્શાવીને ‘એન.એ.આઈ.’નું મહત્ત્વ લોકોને સમજાય તે અર્થે પ્રયાસ થઈ રહ્યા છે. આ પ્રયાસની પૃષ્ઠભૂમિકામાં જે તથ્ય છે તે હવે સમજીએ. એક અંદાજ મુજબ દેશની અનેક સદીઓનો ઇતિહાસ અહીં સચવાયેલો છે. આમાં 45 લાખ જેટલી ફાઈલો સંગ્રહિત છે; 25,000 અલભ્ય હસ્તલિખિત દસ્તાવેજ છે; એક લાખ નકશાઓ છે; કરારો છે; ત્રણેક લાખ અનુઆધુનિક દસ્તાવેજ છે અને હજારોની સંખ્યામાં ખાનગી દસ્તાવેજો અહીં છે. અહીં સુરક્ષિત દસ્તાવેજો વર્ષોથી, દાયકાઓથી અને સદીઓ જૂનાં છે. આવાં દસ્તાવેજોને લાંબા સમય સુધી સાચવવા અર્થે નિષ્ણાંતોની દેખરેખ જરૂરી છે. આ બધામાં એક કાગળની પણ હેરફેર થાય તો તે નુકસાન ભરપાઈ થઈ શકે એમ નથી.

નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયામાં દસ્તાવેજોની સંખ્યાથી સંભવત્ તેના મહત્ત્વને સ્થાપિત ન કરી શકાય; પણ આ સંસ્થાનો ઇતિહાસ જાણીએ-સમજીએ તો ખ્યાલ આવી શકે કે આ સંસ્થા દ્વારા દેશ માટે કેટલી અગત્યતા ધરાવે છે. જેમ કે, અહીં ઇ.સ. 1748થી વર્ષવાર રેકોર્ડ સચવાયેલા છે. અંગ્રેજી, અરેબિક, હિન્દી, પર્સીયન, સંસ્કૃત અને ઉર્દૂ જેવી વિવિધ ભાષાના અહીં દસ્તાવેજો છે. આ રેકોર્ડના ચાર વિભાગ પાડવામાં આવ્યા છે. આ વિભાગમાં પબ્લિક રેકોર્ડ્સ, ઓરિએન્ટ રેકોર્ડ્સ, મેનુસ્ક્રિપ્ટ્સ અને પ્રાઇવેટ પેપર્સ છે. 1998માં રાષ્ટ્રપતિ કે.આર. નારાયણ દ્વારા ‘એન.એ.આઈ.’ના મ્યુઝિયમ વિભાગને લોકો માટે ખુલ્લુ મૂક્યું અને તે પછી જ લોકો તેની મુલાકાત લઈ શક્યા. આ સંસ્થા નિર્માણ પામી તેમાં અંગ્રેજોનું જ યોગદાન રહ્યું છે. અંગ્રેજો કોઈ પણ બાબતનું દસ્તાવેજીકરણ કરવામાં પાવરધા રહ્યા છે. બધું જ પદ્ધતિસર લખવું, સાચવવું તેમના લોહીમાં છે અને એટલે જ આજે પણ અંગ્રેજો દ્વારા તૈયાર થયેલાં અલભ્ય દસ્તાવેજ ઉપલબ્ધ છે, પરંતુ તે પછીના અનેક મહત્ત્વના દસ્તાવેજ આપણે સાચવી શક્યા નથી. અંગ્રેજો માનતા કે દરેક બાબત લખવી જોઈએ. તેમના માટે દરેક હૂકમ, યોજના, નીતિગત નિર્ણયો, સહમતિ, તપાસને સ્પષ્ટ શબ્દોમાં લખવાનું ખૂબ જરૂરી ગણાતું. આમ કરવાથી જ કોઈ પણ મુદ્દાનો અભ્યાસ થઈ શકે અને તે પછી તેના વિશે તર્ક-વિતર્ક પણ થઈ શકે. આ જ કારણે સમજદારીપૂર્વક માહિતી એકઠી કરવાની, તે સંદર્ભે ટિકા-ટિપ્પણી કરવાની એક સંસ્કૃતિ જન્મી. તેઓના શાસનમાં આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયાનો જન્મ થયો. પહેલાં આ સંસ્થાનું ઠેકાણું કલકત્તા હતું અને 1891માં તેની સ્થાપના થઈ. પછીથી વીસ વર્ષે નેશનલ આર્કાઇવ્ઝને દિલ્હી લાવવામાં આવી અને 1926માં તેને નવી ઇમારત મળી. અંગ્રેજોના પ્રતાપે ભારતનો પણ અગાઉનો ગુમનામીભર્યો ઇતિહાસ તેમાં સચવાતો ચાલ્યો ગયો અને જ્યારે અંગ્રેજો અહીંથી વિદાય થયા ત્યારે તો નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયા વિશ્વની સૌથી સમૃદ્ધ દસ્તાવેજીત સાચવતી સંસ્થા તરીકે ખ્યાતિ પામી ચૂકી હતી.
દેશના દસ્તાવેજોને સાચવતી આ પ્રકારની આર્કાઇવ્ઝ એ રાજ્ય અને નાગરિકોનો સંબંધ પણ દર્શાવે છે. નાગરિકોની માહિતી નોંધવી, તેને સાચવવી અને સમય આવે તેનો ઉપયોગ કરવો તે વહિવટીકાર્ય માટે અત્યંત ઉપયોગી પ્રેક્ટિસ છે. અને જ્યારે નેશનલ આર્કાઇવ્ઝમાં કશુંક બદલાવ લાવવાની વાત આવે ત્યારે તે ચર્ચાનો વિષય બને છે. અમેરિકામાં જ હાલમાં જ્યારે ત્યાંની નેશનલ આર્કાઇવ્ઝ અન્ય શહેરમાં ખસેડવાની વાત આવી ત્યારે તે અંગે પૂરતો સંવાદ થાય તે માટે લોકોએ સરકાર પાસેથી ખાતરી માંગી હતી. સરકારે લોકોની આ માંગણીનો સ્વીકાર પણ કર્યો હતો.
નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા કેવી રીતે ઇતિહાસને આપણી સમક્ષ મૂકી આપે છે તે હાલમાં આવેલા એક ન્યૂઝ પરથી સમજી શકાય. કોરોનાની મહામારીમાં ગંગા અને અન્ય ઉત્તર ભારતની નદીમાં મૃતદેહ વહાવી દેવાની ઘટના બની હતી. હવે આ ઘટનાનો એક સંદર્ભ 1918ના ઇન્ફ્લુએન્ઝાની મહામારી દરમિયાન પણ મળે છે. તે વખતે અંગ્રેજ અધિકારીઓ વચ્ચે થયેલાં એક પત્રવ્યવહારમાં નર્મદા નદીમાં આ જ રીતે લોકો પોતાના સ્વજનોને વહાવી દેતાં તેવો ઉલ્લેખ છે. જો નેશનલ આર્કાઇવ્ઝ જેવી કોઈ વ્યવસ્થા ન હોય તો ભૂતકાળમાં આપણાં જ દેશમાં આવી ઘટના બની હતી તે આપણે જાણી ન શકીએ. નર્મદામાં મૃતદેહ વહાવાની વાત તત્કાલિન અંગ્રેજ અધિકારીઓએ ખૂબ જ વિસ્તૃત રીતે લખી છે અને તેમાં ક્યાં ક્યાં મુશ્કેલી આવી રહી છે તે પણ તેમણે રિપોર્ટમાં દર્શાવી છે.

નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયાના સુરક્ષિતતાને લઈને હાલમાં જ પ્રશ્ન ખડા થયા છે તેવું પણ નથી. અગાઉ પણ ‘એન.એ.આઈ.’ને દેખરેખને લઈને નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે. જેમ કે ‘વ્હાઇટ મુઘલ’ પુસ્તક લખનારા વિલિયમ ડાર્લીમ્પલ જ્યારે ‘એન.એ.આઈ.’ની મુલાકાત લીધી ત્યારે તેમણે જોયું કે હૈદરાબાદ રેસિડન્સી રેકોર્ડના છસ્સો જેટલાં ગ્રંથો અસ્તવ્યસ્ત પડ્યા હતા. વરસાદની સિઝનમાં પુસ્તકોની આ સ્થિતિ જોઈ વિલિયમે તેની સાચવણી થાય તે માટે અરજ કરી. યોગ્ય રીતે સાચવણી થાય તે માટે આ ગ્રંથો મોકલી આપવામાં આવ્યાં. જો કે વિલિયમનું કહેવું છે કે પછી તેમણે આ ગ્રંથોને ક્યારે ય જોયા નથી. આ ઉપરાંત પણ ‘એન.એ.આઈ.’માં ઉપલબ્ધ દસ્તાવેજના ટ્રેકિંગના પ્રશ્ન છે. ‘એન.એ.આઈ.’ની અરાજક વ્યવસ્થા વિશે ‘ધિ વાયર’ ન્યૂઝ પોર્ટલમાં વિસ્તૃત અહેવાલ આપ્યો છે.
નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયાનાં દસ્તાવેજોને હવે ઓનલાઈન કરવાનો એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ‘અભિલેખ પાતાલ’ નામની વેબસાઇટ પર ‘એન.એ.આઈ.’ના ઓનલાઈન ડોક્યુમેન્ટશનની વિગત મેળવી શકાય છે. આ પહેલ થઈ છતાં તેનું કામ ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત રાજ્યવાર પણ આ રીતે ડોક્યુમેન્ટેશન સુરક્ષિત રહે તે માટે પ્રયાસ થઈ રહ્યા છે. અત્યાર સુધી જે માત્ર દિલ્હીના નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયામાં જ સચવાય છે તે અન્ય રાજ્યોમાં પણ સુરક્ષિત રહી શકે તેવી વિકેન્દ્રીત વ્યવસ્થા ઊભી થાય તે માટે પ્રયાસ થઈ રહ્યા છે. જો કે ડોક્યુમેન્ટશનની બાબતમાં આપણા દેશની માનસિકતા નબળી રહી છે. વિશેષ પ્રયાસ કરીને આ પ્રકારના દસ્તાવેજોને સુરક્ષિત રાખવાની આપણી પ્રેક્ટિસ દેખાતી નથી. અંગ્રેજોના કારણે ડોક્યુમેન્ટેશન સાચવવાની પ્રથા આપણે ત્યાં આરંભાઈ.
ઇતિહાસ વિતેલા સમયને જોઈ શકવાનું દર્પણ છે જે આગળનો માર્ગ દર્શાવે છે. ભારતની સંસ્કૃતિનાં મૂળિયાં ઊંડાં છે અને વિશ્વની આરંભિક સંસ્કૃતિઓમાં ભારતનો સમાવેશ થાય છે. ભારતીય ઐતિહાસિક વારસો એટલો સમૃદ્ધ છે કે નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા જેવી અનેક સંસ્થાઓની આપણે ત્યાં આવશ્યકતા નિર્માય. અને આમ થવું એટલાં માટે જોઈએ કારણ કે ઇતિહાસનું મહત્ત્વ જે સમજ્યા છે તેઓ જ કાળક્રમ પૂર્વે થયેલી ભૂલોનું પ્રમાણ ઘટાડતા થયા છે. નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા ભારતીય વારસાનું પૂરું ચિત્ર ભલે ન આપી શકે પણ પાછલી ચાર સદીનું અલભ્ય કહી શકાય તેવી અનેક બાબતો તેમાં સંઘરાયેલી પડી છે. આ સંગ્રહ સચવાય તેની જવાબદારી માત્ર સ્કોલરોની નથી, બલકે સામાન્ય જને પણ તેના અસ્તિત્વ ટકાવવા અવાજ બુલંદ કરવો જોઈએ. તેમ ન થાય તો આપણી આસપાસના જ કેટલાંક સત્યો ક્યારે ય આપણી સમક્ષ આવી નહીં શકે.
e.mail : kirankapure@gmail.com
![]()


જેમ કે ટૉલ્સટૉય લિખિત એક સુંદર પુસ્તક છે : ‘ત્યારે કરીશું શું?’ ગુજરાતીમાં આ પુસ્તકનો અનુવાદ નરહરિ પરીખ અને પાંડુરંગ વળામેએ કર્યો છે. નવલકથા હોવા છતાં તેની પ્રસ્તાવનામાં કાકાસાહેબ લખે છે તેમ, “ટૉલ્સટૉયે વર્ણવેલા પ્રસંગો કાલ્પનિક નથી, એણે કરેલી મીમાંસા ‘તાત્ત્વિક’નથી. પુસ્તકની શરૂઆત તો રસ્તા પર ભટકતા ભિખારીઓનાં સુખદુઃખથી થાય છે પણ એનો મુખ્ય વિષય તો આખા મનુષ્યસમાના કલ્યાણનો છે.” આ પુસ્તકમાં એક ઠેકાણે ટૉલ્સટૉય લખે છે તે આજની સ્થિતિનો ચિતાર આપતા હોય તેમ જોઈ શકાય છે. તેઓ લખે છે : “દાક્તરની સ્થિતિ તો એથીયે ખરાબ છે. તે આખી વિદ્યા જ એવી પાખંડ છે કે જે કશું કામ કરતાં ન હોય અ પોતાનું બધું કામ બીજા પાસે કરાવતા હોય તેવાને જ તે સાજા કરી શકે છે. તે શાસ્ત્રીય રીતે કામ કરી શકે તે માટે તેને પાર વિનાનાં ખર્ચાળ સાધનો જોઈએ, ખર્ચાળ દવાઓ જોઈએ, શાસ્ત્રીય અને સ્વચ્છ એવા મોટા ઓરડા જોઈએ, ખર્ચાળ ખોરાક જોઈએ અને ખર્ચાળ સંડાસ જોઈએ. તેની ફી ઉપરાંત આ બધું ખર્ચ ઊઠાવવું જોઈએ. એટલે એક દરદીને તે સાજો કરે તેટલામાં જેમને માથે આ બધા ખર્ચનો બોજો પડે છે તેવા સૌને તો તે ભૂખે મારે. મોટાં મોટાં શહેરોમાં નિષ્ણાતો પાસે અભ્યાસ કરીને તેણે બહુ નામના મેળવેલી હોય છે. ઇસ્પિતાલમાં ખાટલામાં પડી રહેવું જેમને પોસાય એવા જ દરદીઓની તે દવા કરી શકે છે. અથવા સાજા થયા પછી, સાજા રહેવા માટે જરૂરી સાધનો ખરીદ કરી શકે એવા અને છેક ઉત્તરમાંથી દક્ષિણમાં અને દક્ષિણમાંથી ઉત્તરમાં હવાફેર માટે જઈ શકે એવા હોય તથા અમુક પાણીવાળાં સ્થળોએ રહેવા જઈ શકે એવાં હોય, તેવાઓની જ તે દવા કરી શકે છે.”
માણસાઈને ગૂંગળાવી મારનારાં આપણા આગેવાનો છે અને અત્યારે આવેલી સ્થિતિ તેમની બેદરકારીને આભારી છે. ટૉલ્સટૉયે જેમ બજાર દ્વારા ઊભી થયેલી આપણી સ્થિતિને આલેખી છે, તેવી જ રીતે એરિક ફ્રોમે ‘શાણો સમાજ’ પુસ્તકમાં સત્તાવાદી મૂર્તિપૂજા નામના પ્રકરણમાં આગેવાનો વિશે લખ્યું છે. એરિક ફ્રોમનું આ પુસ્તક કાંતિ શાહ દ્વારા અનુવાદિત થયું છે. અહીં એરિક લખે છે : “ફાસીવાદ, નાઝીવાદ અને સ્ટાલિનવાદમાં સામ્ય એ છે કે તેઓએ વામણા ને વિચ્છિન્ન થઈ ગયેલ માણને એક નવો આશરો ને સહીસલામતી બક્ષ્યાં. આ સમાજવ્યવસ્થાઓમાં માનવીનું પરાયાપણું પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. વ્યક્તિને એવો અનુભવ કરાવાઈ રહ્યો છે કે તે શક્તિહીન અને તુચ્છ છે, પણ સાથે તેને એવું શીખવવામાં છે કે તેની બધી જ માનવીય શક્તિઓનું નેતામાં, રાજ્યમાં, પિતૃભૂમિતામાં આરોપણ કરવાનું. અ પોતે તેમને શરણે જવાનું છે તેમ જ તેમની પૂજા કરવાની છે. તે પોતાની સ્વતંત્રતાથી ભાગી છૂટે છે, અને એક નવી મૂર્તિપૂજાનું શરણું સ્વીકારે છે. … આ નવી વ્યવસ્થાઓનું ચણતર એમના કાર્યક્રમો તેમ જ એમના નેતાઓ વિશેના અત્યંત ખુલ્લંખુલ્લાં જુઠ્ઠાણાઓ પર થયું છે. એમના કાર્યક્રમોમાં તેઓએ કો’ક પ્રકારનો સમાજવાદ સિદ્ધ કરવાનો દાવો કર્યો છે, જ્યારે વ્યવહારમાં તેમણે જે કાંઈ કર્યુ તે આ શબ્દના અર્થથી વિરુદ્ધનું હતું. એમના નેતાઓનાં વ્યક્તિત્વો પણ અત્યંત છેતરામણાં હતાં.”
આ પુસ્તકમાં જ આગળ ‘રાષ્ટ્રવાદ : દુનિયાનું દોજખ’ નામના પ્રકરણમાં મનુભાઈ પંચોળી લખે છે : “આ દુનિયામાં કોઈ પણ નિમિત્તે કે જરૂરિયાતોના સંદર્ભમાં લોકપ્રિય નેતાઓ-સરમુખત્યારોનાં પ્રજાએ અંધઅનુયાયી થવું અને તેમને સર્વસત્તા સમર્પિત કરવી તે આત્મઘાતક છે. સત્તા હંમેશાં નશો ચડાવે છે અને લૉર્ડ ઍક્ટને ધ્યાન દોર્યું છે તેમ નિરંકુશ સત્તા નિરકુંશ નશો ચડાવે છે અને પછી મનુષ્ય સર્વ ભાન ભૂલી જાય છે. જર્મનો પણ માણસ જ હતા. તેમને સંતાનો-પરિવાર હતાં છતે તેમની અંધ દેશભક્તિના ખ્યાલે નેતાઓના પ્રભાવ સાવ જડ પશુથી પણ હીણાં બનાવ્યાં. એટલે માનવજાતે કોઈ પણ અંધભક્તિ કરવી ન જોઈએ અને હંમેશાં વિવેકનો દીવો પ્રજ્વલિત રાખવો ઘટે.”
આપણી કમનસીબી છે કે બદહાલીને કાયમ માટે ભૂલાવી દેવાનું બનતું નથી; એક નહીં તો બીજી રીતે તે સામે આવે છે. ગત્ વર્ષે લોકડાઉનમાં લાખોની સંખ્યામાં પગપાળા નીકળેલાં મજૂરવર્ગની બદહાલી કાયમ માટે આપણા માનસપટલ પર અંકિત થઈ ચૂકી છે. મહિનાઓ સુધી મજૂરવર્ગ માર્ગો પર રઝળતાં પોતાના વતન જવા મજબૂર થયાં અને હવે જાણે ફરી તે થવા જઈ રહ્યું છે. અનુભવ છતાં ય તે રઝળપાટ આજે અટકાવી શકાતી નથી. આમ આદમીની બદહાલીનું વિષચક્ર આમ ફરતું જ રહે છે. લોકડાઉન દરમિયાન થયેલાં સ્થળાંતર વિષચક્રનું ડોક્યુમેન્ટરી ફિલ્મના માધ્યમથી પૂર્ણ ચિત્ર બતાવવાનું કાર્ય હાલમાં થયું છે. ફિલ્મનું નામ છે : “1232 કિલોમીટર.” સ્થળાંતરીત મજૂરોની વ્યથા-કથા અખબારો અને ન્યૂઝ ચેનલના ફૂટેજમાં તો દર્જ થઈ હતી, પરંતુ ફિલ્મકાર વિનોદ કાપડીએ દિલ્હીથી બિહારના સહરસા જતાં સાત મજૂરોની કથા કહીને સ્થળાંતરની પીડા રજૂ કરી છે.
લોકડાઉન દરમિયાન વતન પહોંચવાની હાલાકી બયાન કરવા અંગેનો વિનોદનો વિચાર અહીં અમલમાં મૂકાયો, પરંતુ જ્યારથી લોકડાઉન લાગ્યું અને તેની જે સતત ખબરો આવી રહી હતી, તેને લઈને વિનોદ સતત ફોલો-અપ લેતા હતા. આપણી સૌની જેમ તેમણે પણ એવી અનેક કહાનીઓ સાંભળી; જેમાં મજૂરો પાંચસો, સાતસો અને હજાર-હજાર કિલોમીટરની સફર કાપી રહ્યાં હતાં. તેમાંથી અનેક પગપાળા જઈ રહ્યાં છે. ત્યારે તેમને પ્રશ્નો થવા લાગ્યા; આ લોકો જઈ તો રહ્યાં છે પરંતુ શું તેઓ ઘરે પહોંચે છે? ઘરે પહોંચે છે તો કેવી રીતે? તેમને રસ્તામાં શું મુશ્કેલીઓ આવી રહી છે? તેમને ક્યાં ય ખાવાનું મળે છે? સૂવા મળે છે? તેમની સાઇકલ જો ખરાબ થઈ જાય તો તેઓ શું કરે છે? કોઈ બીમાર પડે તો તેઓ શું કરે છે? … આવાં અનેક પ્રશ્નો વિનોદને થયા. અને તેનો જવાબ ખોળવા માટે તેઓએ પ્રયાસ કર્યા. તેના ભાગરૂપે એક માતા તેનાં ત્રણ બાળકો સાથે પાંચસો કિલોમીટર દૂર કાનપુર જતાં હતાં ત્યારે વિનોદ તેમની સાથે અઢીસો કિલોમીટર સુધી ગયા પણ ખરાં. પરંતુ અડધે રસ્તે આવ્યા બાદ તેમની સાથે સંપર્ક ન રહ્યો. આ પછી પણ તેમણે સ્થળાંતરીતો સાથે સફર કરવાનો બે પ્રયાસ કર્યા. જો કે આ ત્રણેય વખત ફિલ્મનો ઉદ્દેશ પૂર્ણ ન થયો, જે ગાઝિયાબાદથી સહરસાના કિસ્સામાં થયો.