“જબ કુછ નહીં થા તો ‘હમ’ થે. અબ ‘મૈં’ હૈ! જો ફ્રી માર્કેટ હૈ, ઉસકા એક કોસ્ટ યહ હૈ કી ‘હમ’ કમજોર હો જાતા હૈ ઓર ‘મૈં’ મજબૂત હો જાતા હૈ. લોગ એમ્બિશિયસ હો જાતે હૈ, યહ અચ્છી બાત હૈ. લોગ જાનતે હૈ કી સ્કાય ઇઝ ધ લિમિટ. એનિબડી કેન બિકમ એનિથિંગ. યે બહુત અચ્છી બાત હૈ. ઐસા નહીં ‘સ્ટેટ્સ કો’ હૈ કિ જો જહાં પૈદા હુઆ હૈ વહાં હૈ. મુન્શી કા બેટા મુન્શી રહેગા, જમીનદાર કા બેટા જમીનદાર રહેગા.”
જાણીતા ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે કાબેલ વકીલ કપિલ સિબ્બલ સાથેના સંવાદમાં આ બયાન કર્યું છે. છેલ્લાં ઘણા વખતથી જાવેદ અખ્તરને વિવિધ જાહેર પ્લેટફોર્મ પર સાંભળીએ છે અને તેઓ ફિલ્મો, ભાષા, અને સમાજજીવનની અનેક એવી વાતો રજૂ કરે છે કે જેમાં ખરાં અર્થમાં આપણાં દેશનું ચિત્ર જોઈ શકીએ. કપિલ સિબ્બલ સાથેના આ સંવાદમાં જાવેદ અખ્તરે આવી અનેક વાતો કહી છે જે જાહેર પ્લેટફોર્મ પર વારેવારે કહેવાવી જોઈએ. આપણા સમાજજીવનનું પ્રતિબિંબ તેમાં મળે છે અને કેટલાંક કિસ્સામાં તેમાંથી સમાજના પ્રશ્નોનું સમાધાન પણ તેઓ મૂકી આપે છે. સંવાદમાં આગળ તેઓ એક ફિલ્મકાર પોતાની વ્યવહારુતા કેવી રીતે ફિલ્મ નિર્માણમાં રેડે છે તેની વાત કરતા કહે છે : ‘હિંદુસ્તાનની ફિલ્મો છે તે હિંદુસ્તાનની કિસ્મત નથી બનાવતી. હિંદુસ્તાન ફિલ્મોની કિસ્મત બનાવે છે. કંઈ ફિલ્મ લોકો જુએ છે? તેઓ શું જોવા માંગે છે? એક પ્રોડ્યુસર તો એવું જ ઇચ્છે છે કે મારી ફિલ્મ ચાલવી જોઈએ. તેની આંખો સીધી જમીન પર હોય છે. ફિલ્મનિર્માણ કરનારો સમાજશાસ્ત્રી નથી, ન તો તે રાજકીય વિજ્ઞાની છે. પરંતુ તેની પાસે કોમનસેન્સ છે. આ તેનો ધંધો છે. તેને તે ખબર છે કે હવે આ નહીં ચાલે. સોસાયટી છે જે આ બાબતનો નકાર કરશે અને આ બાબતનો સ્વીકાર કરશે.’
આગળ ચર્ચાના આ દોરમાં કપિલ સિબ્બલ જાવેદ અખ્તરને પૂછે છે કે ‘આજના હિંદુસ્તાનમાં સામાન્ય લોકોમાં એક આક્રોશ છે. અમારી પ્રગતિ થઈ રહી નથી. બેરોજગારી વધી છે. તેનું રિફ્લેક્શન હિંદી ફિલ્મોમાં હોવું જોઈએ, પંરતુ તેનું રિફ્લેક્શન હિંદી ફિલ્મોમાં કેમ જોવા મળતું નથી?’ જાવેદનો જવાબ : ‘કારણ કે ફિલ્મની ટિકિટ સાતસો કે આઠસો રૂપિયાની છે. જુઓ એક યુગ હતો જ્યારે શ્રીમંતોની હોસ્પિટલ હતી, તે રીતે ગરીબોની પણ હોસ્પિટલ હતી. શ્રીમંતોના હોટલ હતી, ગરીબોની પણ હોટલ હતી. હવે મલ્ટિપ્લેક્સના સમયમાં સિનેમા છે તે શ્રીમંતોનો થઈ ગયો. ગરીબો માટેનું સિનેમા રહ્યું જ નથી. તમે ભારતમાં કેટલાં થિયેટર્સ છે તે જુઓ. અંદાજે 14,000 છે. જેમાંથી આઠસોની આસપાસ દક્ષિણના રાજ્યોમાં છે. તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં. હવે બચ્યા કેટલા? છસ્સો. બચ્યાં છે તેમાં મોટા ભાગના પશ્ચિમી ભાગ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છે. હવે તેના પછી જે કંઈ બચે છે તે હિંદી બેલ્ટમાં આવે છે. સમજો કે અગિયાર-બાર લાખ લોકોએ સરેરાશે એક થિયેટર. હવે તમે અમેરિકાની વાત કરો તો ત્યાં એક એક લાખ થિયેટર છે; જ્યાં વસતી 35-36 કરોડની આસપાસ છે. ચીનમાં પણ 50 હજાર થિયેટર્સ છે. હિંદી બેલ્ટમાં માત્ર ચારથી પાંચ હજાર થિયેટર આવે છે. તેનું આઉટલેટ જ નથી. બીજી તરફ મલ્ટિપ્લેક્સ છે. મલ્ટિપ્લેક્સમાં તો સમોસા પણ બસ્સો રૂપિયાના હોય છે. ટિકિટ પાંચસો-સાતસોની હોય છે. સમજો કે ચાર વ્યક્તિઓનું એક ન્યૂક્લિઅર પરિવાર પણ ફિલ્મ જોવા જાય તો ત્રણ-સાડા ત્રણ હજારનો ખર્ચ છે. પ્રિવિલેજ ક્લાસ જ આ ફિલ્મો જોઈ શકે છે. જો ફિલ્મ પ્રિવિલેજ ક્લાસ જુએ છે તો તેમાં ગરીબોના પ્રશ્નો ક્યાંથી આવે? ફાઈવ સ્ટાર હોટલ છે – તો તેનો તમને [લોકોને] વાંધો નહોતો. ફાઈવ સ્ટાર હોટલ છે તો તેનો પણ તમને વાંધો નહોતો. તો હવે ફાઈવ સ્ટાર સિનેમાથી કેમ પ્રોબ્લેમ છે?’
પછીનો જ પ્રશ્ન કપિલ સિબ્બલ જે પૂછે છે તે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના લોકો કોઈ મુદ્દા પર કશું ય બોલતા કેમ નથી. કપિલ સિબ્બલ અમેરિકાનો દાખલો ટાંકે છે જ્યાં સરકાર વિરુદ્ધ ફિલ્મ ક્ષેત્રના લોકો ટિપ્પણી કરે છે. અહીંયા સૌ કોઈ ચૂપ કેમ છે; પહેલાં તો અહીંયા પણ આવું થતું હતું? જાવેદ અખ્તરનો જવાબ : ‘આ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ છે તેઓ ખરેખર મોટાં વ્યક્તિઓ છે, જેમની પાસે પૈસો છે. તેમાંથી કોણ બોલે છે? કોઈ જે વિરોધ કરતા હોય? કોણ છે? કોઈ નથી. આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નો નથી, તેના બહારના છે.’ આ પછી ઇ.ડી. – સી.બી.આઈ.થી વ્યાપેલા ભયથી પણ સેલિબ્રિટીઓ પોતાનો મત વ્યક્ત કરતા નથી એવું પર્સેપ્શન છે તેવું જાવેદ અખ્તર કહે છે. આગળનો એક પ્રશ્ન ઉર્દૂ ભાષાને લગતો છે. જેમાં કપિલ સિબ્બલ કહે છે કે ઉર્દૂ આપણી સંસ્કૃતિનો હિસ્સો છે, તેને પણ મિટાવી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ અંગે પહેલાં તો એક વાક્યમાં જાવેદ જવાબ આપે છે કે, ‘લેંગ્વેજ ન સરકારે બનાતી હૈ, ન મિટાતી હૈ.’ આગળ તેઓ આ વાતને વિસ્તારથી સમજાવે છે : ‘ભાષા રસ્તા પર જન્મે છે અને રસ્તા પર લુપ્ત થાય છે. સરકાર એ જરૂર કરી શકે છે કે તેનું ઇકોનોમિક એડવાન્ટેજ છે તેને કાપી નાંખે. એ રીતે ભાષા અનાથ થશે, પરંતુ અનાથ પણ દુનિયામાં જ વસે છે ને! એવું થોડી છે કે અનાથ બધા જ મરી ગયા છે.’ ભાષા અંગે તે પછીથી જાવેદ અખ્તર તેમની તર્કબદ્ધ શૈલીમાં પૂરું બંધારણ સમજાવે છે અને આખરે કહે છે કે ‘ઉર્દૂ અને હિંદી એક માં કી બેટીયાં હૈ.’
આગળ જાવેદ અખ્તર થોડી શાસકોની વાત કરે છે. તેમાં તેઓ પાકિસ્તાનનો ઉલ્લેખ કરતાં કહે છે : ‘કોઈ પણ દેશમાં તમામ લોકો એક જેવા ન હોઈ શકે. અને જો દેશની શાસન સરકાર ખરાબ છે; તો સૌથી વધુ ખરાબ એમના માટે હશે જેમના પર તેઓ રાજ કરે છે. દેશનું સૈન્ય ખરાબ છે. તો તેની સૌથી ખરાબ અસર તેમના લોકો પર જ થશે. જે લોકો પાકિસ્તાનમાં પીડાઈ રહ્યા છે, તો આપણે તેમનાથી કેમ દુશ્મની કરીએ? આપણે તેમને કેમ ગાળો ભાંડીએ? સૈન્ય, સરકાર અને મુલ્લાં – એમનો વાંક છે. આપણી પૂરી સહાનુભૂતિ છે પાકિસ્તાનની પ્રજાથી. જે આમનો જુલ્મ સહન કરી રહી છે. એક બીજી વાત એ છે કે કશ્મીરીઓએ પોતાની પસંદગીથી હિંદુસ્તાનમાં રહેવાનું પસંદ કર્યું છે. કશ્મીર પર તો પાકિસ્તાને હૂમલો કરી દીધો હતો. પાકિસ્તાનની બીજી એક આશ્ચર્યભરી વાત એ છે કે જેનો સામનો પાકિસ્તાનીઓએ કરવો જોઈએ. જ્યારે આપણો કોઈ સિપાહી શહીદ થાય છે; ત્યારે આપણે તેને સેલ્યૂટ કરીએ છીએ. આપણે જ્યારે તેનો અંતિમસંસ્કાર કરીએ છીએ ત્યારે દેશનો તિરંગો તેની સાથે લઈને ચાલીએ છીએ. તે શહીદનું શરીર તિરંગમાં લપેટાયેલું હોય છે. જે પાકિસ્તાનના સૈનિક કારગીલમાં માર્યા ગયા તેમના મૃતદેહ લેવા માટે પાકિસ્તાન સૈન્ય તૈયાર નહોતું. આવું થયું ત્યારે ભારતીય સૈન્યએ તેમનો અંતિમ સંસ્કાર બકાયદા મૌલવીઓને બોલાવીને કર્યો.’ એટલું જ નહીં એના પછી કોઈ સૈન્ય મીટિંગ થઈ અને તેમાં ભારતીય સૈન્યએ જે પાકિસ્તાની સૈનિકોનો અંતિમસંસ્કાર કર્યો હતો તેનું આલ્બમ પાકિસ્તાનના અધિકારીને આપ્યું. આ આલ્બમ પાકિસ્તાની સૈન્યના અધિકારીએ મીટિંગમાં લેવાની ના કહી. આલ્બમ લે તો ખ્યાલ આવી જાય કે તેઓ પાકિસ્તાનની સૈન્યનો હિસ્સો હતા. મીટિંગ પૂરી થઈ તે પછી તે સૈન્ય અધિકારીએ ભારતીય સૈન્ય અધિકારી પાસે બિનઅધિકૃત રીતે આલ્બમ માંગ્યું હતું. હવે તેઓ તેમના જ સૈનિકોનું સન્માન નથી કરતાં તો આપણું કેવી રીતે કરશે!
આ પૂરી મુલાકાત કપિલ સિબ્બલની યૂટ્યુબ ચેનલ ‘દિલ સે કપિલ સિબ્બલ’ પર ઉપલબ્ધ છે અને તેમાં અનેક એવી વાતો કરી છે, જે અહીં સમાવી શકાઈ નથી. પરંતુ દેશ, ભાષા અને આપણી સંસ્કૃતિના ખરાં ખ્યાલ માટે આ ઇન્ટરવ્યૂ જરૂરથી જોવો જોઈએ.
e.mail : kirankapure@gmail.com
પ્રગટ : ‘ઈન સાઈડ આઉટ સાઈડ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 મે 2025