ઉલેચો અંધારા ઉલેચો
ઉલેચો ભાઇ, હવે તો અંધારા ઉલેચો
પ્રકાશના પગરવ સાથે સૂર્યોદયના સથવારે
પંખીના કલરવ સાથે
જાતને, તમારી બસ ઢંઢોલી ફંફોળીને
હવે, તો ઉલેચો અંધારા ઉલેચો
ને, માણસાઇના દીવાઓ પ્રગટાવો
નફરતના આખેઆખા વૃક્ષને પૂરેપૂરું બાળો
કટ્ટરવાદ કોમવાદને વર્ણ વ્યવસ્થા મહારોગને
બસ, હવે તો દફનાવો
હા, ગાંધી મૂલ્યનાં પરિપ્રેક્ષમાં
સંપૂર્ણ કક્ષાના પેલા, માણસને ઊગાડો
ભાઇ, ઉલેચો હવે તો અંધારા ઉલેચો
ધર્મના અંચળા વચ્ચે
અહમ્ અને અહંકારના ઓછાયા વચ્ચે
માણસને માણસમાંથી લોપાતો, બચાવો
ઉલેચો અંધારા ઉલેચો
હું શું છું, જગમાં, દોસ્તો
એક તણખલાનું નાનું તરણું
અસંખ્ય માનવ મહેરામણમાં મારું શું ગજું છે, દોસ્તો,
હું પણ માણસ તું પણ માણસ
છે, આ કુદરતની મોટી ભેટ, દોસ્તો
આ ભેટને સાર્થક કરી
માણસાઇના દીવા પ્રગટાવો
ભાઇચારાનો મિસાલ સ્થાપો
અને નવા ભારતના નિર્માણ માટે કટિબદ્ધ બનો
ઉલેચો દોસ્તો અંધારા ઉલેચો
પ્રકાશના પગરવ સાથે
ભાઇચારાના મિસાલ સાથે
માણસાઇના માહોલ સાથે
દોસ્તો, ચાલો, આપણે સૌ
ઉલેચી અંધારા હવે તો
નવા ભારતનાં નિર્માણ તરફ પ્રયાણ કરીએ
ઉલેચો અંધારા ઉલેચો
ભાઇ, હવે તો અંધારા ઉલેચો
e.mail : koza7024@gmail.com
તારીખ : ૧૨-૭-૨૦૧૯