ડૉ. સુશ્રુત પટેલ
ગુજરાતી ભાષામાં ઉંડાણપૂર્વક છતાં લોકભોગ્ય ભાષામાં વિજ્ઞાનવિષયક લેખો લખનાર ‘કુમારચંદ્રક’ વિજેતા વાત કરે છે ઉર્વીશ કોઠારી સાથે… જૂઓ વિડીયો
ડૉ. સુશ્રુત પટેલ
ગુજરાતી ભાષામાં ઉંડાણપૂર્વક છતાં લોકભોગ્ય ભાષામાં વિજ્ઞાનવિષયક લેખો લખનાર ‘કુમારચંદ્રક’ વિજેતા વાત કરે છે ઉર્વીશ કોઠારી સાથે… જૂઓ વિડીયો
ફિલ્મના હીરોની જેમ વૈજ્ઞાનિકની પણ આપણા મનમાં એક છબી/ઇમેજ હોય છેઃ ન્યૂટન કે આઇન્સ્ટાઇન જેવાં જટીયાં (વાળ), ડાર્વિન જેવી દાઢી, ભૂલકણા પ્રોફેસરની સુધરેલી (કે બગડેલી) આવૃત્તિની માફક દુનિયાદારી અને દુનિયાના વાસ્તવિક સવાલો વિશેનું અજ્ઞાન અને એમની ભાષા? ગુજરાતી સિવાયની કોઇ પણ!
વૈજ્ઞાનિકો વળી ગુજરાતીમાં વાત કરતા હશે? અને ગુજરાતીમાં વાત કરે એમનો વૈજ્ઞાનિક તરીકે પ્રભાવ પડતો હશે? કંઇક આવું વિચારીને, એક સ્કૂલના સંચાલકોએ પંકજ જોષીને સહેજ ટોક્યા હતા. કહ્યું કે ‘તમે ગુજરાતીમાં બોલો ને અમારા ઈંગ્લીશ મીડિયમનાં છોકરાંને બહુ મઝા ભલે પડતી હોય, પણ ભાઇસા’બ, અમારી અને ભેગી તમારી આબરૂનો તો થોડો ખ્યાલ કરો!’
આયોજકોએ મોટા ઉપાડે, સ્ટીફન હોકિંગ જેવા સેલિબ્રિટી વૈજ્ઞાનિકની પંગતમાં મુકાતી હસ્તી તરીકે ડૉ.પંકજ જોષીને બોલાવ્યા હોય અને પંકજભાઇ શુદ્ધ છતાં માસ્તરીયા નહીં એવા, કાઠિયાવાડી છાંટ ધરાવતા ગુજરાતીમાં ખગોળશાસ્ત્રની વાતો શરૂ કરી દે, તો એમને બીજું શું કહેવાય? જ્ઞાનને બદલે જ્ઞાનના માઘ્યમ (ઈંગ્લીશ મીડિયમ)ના મોહમાં પડેલાં વાલીઓ અને સ્કૂલસંચાલકો એ સ્વીકારી શકતાં નથી કે આત્મીયતાના અમીસ્પર્શવાળું ગુજરાતી બોલનાર કોઇ માણસ વિજ્ઞાનમાં આંતરરાષ્ટ્રિય નામના ધરાવતો હોય. પરંતુ ડૉ. પંકજ જોશીના મનમાં એવી કોઇ અવઢવ નથી. એટલે જ તે બ્લેકહોલ અને ‘નેકેડ સિંગ્યુલારિટી’ જેટલી જ સહજતાથી માતૃભાષાના મહત્ત્વ વિશે વાત કરી શકે છે.
વૈજ્ઞાનિક આલમમાં ભારે પ્રતિષ્ઠા ધરાવતા, દોઢસો વર્ષથી પણ વઘુ જૂના સામયિક ‘સાયન્ટિફિક અમેરિકન’ના ફેબ્રુઆરી, ૨૦૦૯ના અંકમાં ડૉ. પંકજ જોષીનો નેકેડ સિંગ્યુલારિટી વિશેનો લેખ કવરસ્ટોરી તરીકે પ્રગટ થયો. ભારતીય નામ ભાગ્યે જ વાંચવા મળતાં હોય – કદીક હોય તો પણ એ એન.આર.આઇ.નાં- ત્યાં ડૉ.પંકજ જોષી જેવા નખશીખ ગુજરાતીનો અંગ્રેજી લેખ કવરસ્ટોરી બને, એ ઘટના ‘સમાચાર’ ગણાઇ હતી. સમાચારસંસ્થા પીટીઆઇએ તેના સમાચાર જારી કર્યા હતા.
એવું તે શું હતું એ લેખમાં? ‘સ્કોપ’-‘સફારી’ જેવા સામયિકોના વાચક રહી ચૂકેલા લોકો માટે બ્લેકહોલ અજાણ્યો વિષય નહીં હોય. સૂર્યની જેમ તેનાથી અનેક ગણું મોટું કદ ધરાવતા તારા હાઇડ્રોજનના બળતણના જોરે ‘દિવાળી’ (કે હોળી) મનાવતા હોય છે. લાખો વર્ષ પછી એક સમય એવો આવે છે, જ્યારે હાઇડ્રોજનનું બળતણ ખૂટે છે. પોતાના પ્રચંડ ગુરૂત્વાકર્ષણ હેઠળ તારો સંકોચાય છે, ભીંસાય છે અને એ પ્રક્રિયા આગળ વધતાં છેવટે એક તબક્કો એવો આવે છે, જ્યારે તારો મહાપ્રચંડ ગુરૂત્વાકર્ષણ ધરાવતા એક ટપકામાં સમેટાઇ જાય છે. ભીષણ ગુરૂત્વાકર્ષણ ધરાવતું એ ટપકું ‘સિંગ્યુલારિટી’ કહેવાય તરીકે ઓળખાય છે.
અત્યાર સુધી એવી માન્યતા હતી કે દરેક સિંગ્યુલારિટીરૂપી ટપકું ‘ઇવેન્ટ હોરિઝોન’ તરીકે ઓળખાતું ‘આવરણ’ ધરાવે છે. સિંગ્યુલારિટી અને તેની ફરતે આવેલી ઇવેન્ટ હોરિઝોનની ‘વાડ’ મળીને બ્લેકહોલ બને છે.
બ્રહ્માંડના રબરીયા ચાદર જેવા પોતમાં તારા અને ગ્રહોની સાથે ઠેકઠેકાણે બ્લેકહોલ પણ અસ્તિત્ત્વ ધરાવતા હોવાનું મનાય છે. નામ પ્રમાણે કામ અને લક્ષણ ધરાવતા બ્લેકહોલ પોતે, કુખ્યાત ગેંગસ્ટરની માફક, કદી દેખા દેતા નથી. તેમના વિવિધ પ્રકારના પ્રભાવ-દુષ્પ્રભાવ પરથી તેમની હાજરી જણાતી રહે છે.
બ્લેકહોલરૂપી વિલનના અડ્ડાનો દરવાજો છે‘ ઇવેન્ટ હોરિઝોન’. ‘અહીંથી બ્લેકહોલની હદ શરૂ થાય છે’ એવું ચેતવણીસૂચક પાટિયું ત્યાં ખરેખર મારવું જોઇએ. એવી કોઇ ચેતવણીના અભાવે એક વાર કોઇ પણ પદાર્થ ઇવેન્ટ હોરિઝોનમાંથી દાખલ થયો, એટલે ખલાસ! ઇવેન્ટ હોરિઝોનમાં એક વાર ગયેલાં કદી પાછાં આવતાં નથી. એટલું જ નહીં, ઇવેન્ટ હોરિઝોનમાં ધુસ્યા પછી એ પદાર્થનું બહારની દુનિયા માટે અસ્તિત્ત્વ સમાપ્ત થઇ જાય છે. બ્લેકહોલમાં એન્ટ્રી પછી સિંગ્યુલારિટીરૂપી ઠોસ ઠળિયા સુધી પહોંચ્યા પછી ભીષણ ગુરૂત્વાકર્ષણ વચ્ચે પદાર્થની શી વલે થાય છે, તે બહારથી દેખાતું નથી. એક રીતે ઇવેન્ટ હોરિઝોનને લીધે ખગોળશાસ્ત્રીઓને નિરાંત પણ છે. એની પેલી બાજુ શું થાય છે એ દેખાતું જ નથી, એટલે દેખવું નહીં ને દાઝવું પણ નહીં. ત્યાં શું થાય છે એ બાબતે વૈજ્ઞાનિકોનું અજ્ઞાન ઢંકાયેલું રહે છે.
ખગોળશાસ્ત્રીઓને દઝાડે તો નહીં, પણ ચચળાવે એવી બાબત એ છે કે સમગ્ર બ્રહ્માંડમાં લાગુ પાડી શકાતા ભૌતિકશાસ્ત્રના અડીખમ નિયમો બ્લેકહોલમાં- સિંગ્યુલારિટીની આસપાસ લાગુ પાડી શકાતા નથી.
ભૌતિકવિજ્ઞાનમાં બ્રહ્મવાક્ય ગણાતી આઇન્સ્ટાઇનની જનરલ થિયરી ઓફ રિલેટીવીટી કહે છે કે મહાકાય તારાનું બળતણ ખૂટે એટલે તેમાં ભંગાણ પડે અને આખરે તે અનિવાર્યપણે સિંગ્યુલારિટીમાં ફેરવાય. પરંતુ તેની સાથે ‘ઇવેન્ટ હોરિઝોન’ રૂપી વાડ રચાય કે નહીં, એ વિશે આઇન્સ્ટાઇને ફોડ પાડ્યો નથી. તેની કસર પુરી કરવા ત્રણેક દાયકા પહેલાં પેનરોસ અને ત્યાર પછી સ્ટીફન હોકિંગ જેવા વૈજ્ઞાનિકોએ ગણતરી માંડીને જાહેર કરી દીઘું કે મહાકાય તારામાં ભંગાણને કારણે સિંગ્યુલારિટી રચાય, તેની સાથે ઇવેન્ટ હોરીઝોન બને, બને અને બને જ.
પરંતુ ડૉ.પંકજ જોષી જેવા કેટલાક સંશોધકોએ, આઇન્સ્ટાઇનની જનરલ થીયરીનો ભંગ કર્યા વિના, તેની અંદર રહીને જ વિવિધ મોડેલના આધારે ગણતરીઓ માંડી. તેના આધારે તેમણે દર્શાવ્યું કે ભીંસાતા તારાના પ્રચંડ ગુરૂત્વાકર્ષણને લીધે સિંગ્યુલારિટી તો બનવાની જ છે, પણ તેની ફરતે ઇવેન્ટ હોરિઝોનનું ‘આવરણ’ રચાતું નથી. એટલે કે, અનાવૃત્ત- આવરણ વગરની- ‘નેકેડ’ સિંગ્યુલારિટી રચાય છે. ડૉ. જોષી અને આ વિષય પર સંશોધન કરનારા જાપાની, ઇટાલિયન અને બીજા કેટલાક સંશોધકો પણ માને છે કે આવી અનાવૃત્ત/નેકેડ સિંગ્યુલારિટી બ્રહ્માંડમાં અસ્તિત્ત્વ ધરાવતી હોય એવી પૂરી શક્યતાઓ છે.
બ્લેકહોલમાં પદાર્થની સફર હંમેશાં ‘વન વે’ હોય છે. બ્લેકહોલ બઘું હજમ કરી જાય છે, પણ તેમાંથી કંઇ બહાર નીકળતું નથી. તેમની સરખામણીમાં નેકેડ સિંગ્યુલારિટી પ્રચંડ ગુરૂત્વાકર્ષણથી પદાર્થોને અંદર ખેંચે છે, તેમ પદાર્થોને બહાર પણ ફેંકી શકે છે. સૌથી રોમાંચક શક્યતા તો એ છે કે સિંગ્યુલારિટી આવરણ વગરની- નેકેડ હોય તો તેની તરફ ખેંચાતા પદાર્થનું સિંગ્યુલારિટી નજીક પહોંચ્યા પછી શું થાય છે, તેનું અવલોકન કરવા મળી શકે છે. ઇવેન્ટ હોરિઝોનની અભેદ્ય દીવાલ ધરાવતા બ્લેકહોલના કિસ્સામાં એ શક્ય બનતું નથી.
સિંગ્યુલારિટીને સમજાવવા માટે આઇન્સ્ટાઇનનાં સમીકરણો કામ લાગતાં નથી. તેના માટે ક્વોન્ટમ થિયરીની ‘માસ્ટર કી’ વાપરવાની થાય. પણ પાયાનો સવાલ એ છે કે નેકેડ સિંગ્યુલારિટીને સમજવાની શી જરૂર છે? બ્રહ્માંડમાં તેનું મહત્ત્વ શું છે?
તેના ઘણા સંભવિત જવાબમાંનો એક જવાબ છે નેકેડ સિંગ્યુલારિટીની અકળતા અને તેના વિશિષ્ટ ગુણધર્મો બાકીના બ્રહ્માંડને અસર પાડી શકે અને જે બ્રહ્માંડની ઘણી બધી બાબતો વિશે આપણે ‘જ્ઞાની’ અને નિશ્ચિંત થઇને બેઠા છીએ, તેમનો એકડો નવેસરથી ધૂંટવાનો થાય. જેમ કે, નેકેડ સિંગ્યુલારિટીનું અસ્તિત્ત્વ સાબીત થાય તો, સૂર્યની આસપાસ ફરતી પૃથ્વીને આઇન્સ્ટાઇનની જનરલ થિયરી ઓફ રિલેટીવીટી લગાડતી વખતે એક સંભાવના એ પણ વિચારવી પડે કે કોઇ નેકેડ સિંગ્યુલારિટીમાંથી છૂટેલો ગુરૂત્વાકર્ષણનો ધોધ પૃથ્વીને એક ધક્કો મારીને સૂર્યની ભ્રમણકક્ષાથી ક્યાંય દૂર ફેંકી શકે છે ! (ગભરાવાની જરૂર નથી. પૃથ્વીના કિસ્સામાં આવું બનવાની સંભાવના નહીંવત્ હોવાનું ડૉ. જોષી જણાવે છે.)
‘સાયન્ટિફિક અમેરિકન’ની કવરસ્ટોરીમાં તારાના વિકિરણોની થિયરી સંદર્ભે ડૉ. પંકજ જોષીએ ગુજરાતી ગણિતશાસ્ત્રી ડૉ.પ્ર.ચુ.વૈદ્યને પણ યાદ કર્યા છે. તારાનાં વિકિરણો બહાર કેવી રીતે જાય છે એ દર્શાવતી સાઠેક વર્ષ પહેલાંની ડૉ.વૈદ્યની થીયરીને ઉલટાવીને ડૉ.જોષીએ તેને તારાના ભંગાણના મામલે પ્રયોજી છે.
ડૉ.પંકજ જોષીની નેકેડ સિંગ્યુલારિટીની થિયરી દુનિયાભરના ખગોળરસિકો અને ખગોળશાસ્ત્રીઓમાં ચર્ચાઇ રહી છે. દરમિયાન, ડૉ. જોષી શું કરે છે? ગુજરાતીમાં ‘બ્રહ્માંડદર્શન’ જેવું માહિતીપ્રદ પુસ્તક લખી ચૂકેલા ડૉ. જોષી મુંબઇની ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચમાં કાર્યરત છે. તે અંગ્રેજીની ઘેલછા ધરાવતાં માતાપિતા-સ્કૂલસંચાલકો અને ગુજરાતની સરકારને સમજાવવાની કોશિશ કરે છે કે બાળકો અંગ્રેજીમાં પારંગત ભલે બને, પણ ગુજરાતીના ભોગે નહીં. આ હેતુ માટે તેમણે ગુજરાતના દરેક જિલ્લામાં નમૂનારૂપ નિશાળો બનાવવા માટે અને સરકારી શાળાઓનું સ્તર સુધારવા માટે તત્કાળ પગલાં લેવાની અપીલ કરી છે.
થોડા સમય પહેલાં અમદાવાદ આવેલા ડૉ.જોષી ગુજરાતી માઘ્યમની નિશાળો અને ગુજરાતીની ઉપેક્ષાથી એટલા ચિંતિત છે કે તેમની સાથેની અંગત વાતચીતમાં મોટા ભાગનો સમય નેકેડ સિંગ્યુલારિટીને બદલે ગુજરાતીની ‘નેકેડ રીઆલીટી’/નગ્ન વાસ્તવિકતાની ચર્ચામાં જ જાય છે!
![]() |
|
![]() |
![]() |
![]() |
![]() |
(photoline : 1. drishti patel, prakash n.shah, labhshankar thakar, sitanshu maheta, himmat kapasi. 2. chinu modi, harshad trivedi 3. madhu rye 4. with avinash parekh 5. with suvarnaben 6. with suvarnaben and brother arun thakar 7. with mother and suvarnaben)
All photos : Binit Modi
(શનિવાર, તા.21 ફેબ્રુઆરીની સાંજે પરિષદના રા.વિ.પાઠક સભાગૃહમાં મધુ રાયની પંચાયત યોજાઇ હતી. રમેશ તન્ના (‘ગુજરાત ટાઇમ્સ’) અને બીજી કેટલીક સંસ્થાઓના સહયોગથી થયેલા આ કાર્યક્રમ વખતે હું બહારગામ હતો, પણ બિનીત મોદી, પ્રણવ અધ્યારુ અને બીરેન કોઠારી તેમાં પહેલેથી છેલ્લે સુધી રહ્યા. તેમની સાથેની વાતચીત અને બિનીતે લખેલા અહેવાલ પરથી આ નોંધ મુકી છે.)
‘કોઇ પણ એક ફૂલનું નામ બોલો તો’ જેવી કૃતિઓમાં આવતું કેશવ ઠાકરનું પાત્ર જેમનો ઓલ્ટર ઇગો હોવાનો ભાસ થાય, એવા લેખક મધુ રાય ઉર્ફે ગગનવાલા જૂના અનેસંગીન અપરાધી છે. ઓછું લેખન તેમનો મુખ્ય ગુનો છે. (‘ભાસ્કર’ની કોલમમાં આવે છે એવું ડાબા હાથનું લેખન બીજો ગુનોઃ-)
અંગત રીતે નાજુક મિજાજના માણસ તરીકે જાણીતા ગગનવાલા સામે ખુલી-ખેલીને મુકદ્દમો ચલાવવાનું કામ સહેલું નથી. એટલે જ, ચિનુ મોદી જેવા ‘આકંઠ’ મિત્ર ફરિયાદી પક્ષના વકીલ અને સાક્ષીઓમાં લાભશંકર ઠાકર, ઇન્દુ પુવાર, પ્રીતિ સેનગુપ્તા, પન્ના નાયક જેવાં મિત્રો હોવા છતાં, કાર્યક્રમમાં આરોપ-પ્રતિઆરોપોની ફટકાબાજી ન થાય એ સમજાય એવું હતું.
અગાઉ અશ્વિની ભટ્ટને પોતાની નવલકથા ધરાર પાસે બેસાડીને સંભળાવી ચૂકેલા અને ત્યાર પછી પંદરસો પાનાંની નવલકથાઓ લખનારા અશ્વિનીભાઇ ક્યાંક બદલો ન લે એ બીકે તેમનાથી દૂર ભાગતા રહેલા મધુભાઇની પંચાયતમાં સૌથી વધુ મઝા અશ્વિનીભાઇએ કરાવી. તેમણે મધુ રાયનો બચાવ કર્યો હતો.
કોર્ટમાં, ઓ.કે.- પંચાયતમાં, સાક્ષીઓનો ક્રમઃ વિનાયક રાવલ, ચંદ્રકાંત શેઠ, પ્રીતિ સેનગુપ્તા, ઇન્દુ પુવાર, ઠાકોરભાઇ પટેલ, અશ્વિની ભટ્ટ, હર્ષદ ત્રિવેદી અને પન્ના નાયક. ગુજરાતની સાહિત્ય અકાદમીના મહામાત્ર (છતાં) સાહિત્યકાર-સાહિત્યપ્રેમી તરીકે પ્રતિષ્ઠા ધરાવતા કિરીટ દૂધાત, દામિની મહેતા, મૃણાલિની સારાભાઇ અને લલિત લાડ હાજર રહી શક્યાં ન હતાં.
આરોપીના પિંજરા જેવી ગોઠવણમાં ખુરશી પર બેઠેલા મધુ રાય સાક્ષીઓના આરોપોનો એક જ જવાબ આપતા રહ્યાઃ ‘નો કમેન્ટ્સ’. પણ બચાવ પક્ષના વકીલ અને ‘અભિયાન’ના ભૂતપૂર્વ માલિક-બિલ્ડર અવિનાશ પારેખને તે સતત કાનમાં બચાવમંત્રો ફૂંકતા હતા.
મંચ પર બેઠેલા પંચ તરીકે લાભશંકર ઠાકર, હિંમત કપાસી, સિતાંશુ યશશ્ચંદ્ર, પ્રકાશ ન. શાહ અને દૃષ્ટિ પટેલ હતાં. ‘ગુજરાત ટાઇમ્સ’ના ઠાકોરભાઇ પટેલે અખબારનો આરંભકાળ અને મધુ રાયની તેમાં ભૂમિકાને યાદ કરીને કહ્યું કે ‘આ ખટલો ત્રીસ વર્ષ પહેલાં મંડાવો જોઇતો હતો. મધુ રાયને તંત્રી બનાવ્યા પછી મારા ઉજાગરા ઘટવાને બદલે વધી ગયા હતા. કારણ કે એ લીટીએ લીટીએ પ્રૂફની-ભાષાની-વાક્યરચનાની-જોડણીની ભૂલો કાઢતા હતા.’ પ્રીતિ સેનગુપ્તાએ કહ્યું કે ‘મધુ રાયે મિસ્ટર યોગીને પરણાવી દીધો, પણ તેની અમેરિકન ગર્લફ્રેન્ડ હજુ હડસન નદીના કિનારે રાહ જુએ છે, તેનું યોગ્ય ઠેકાણું લેખક શોધી શકતા નથી.’ મધુ રાય ક્યાંય ટકતા નથી એવા એક આરોપના જવાબમાં તેમની સાથે અમેરિકામાં કામ કરી ચૂકેલાં એક ‘પંચ’ દૃષ્ટિ પટેલે કહ્યું કે’છેલ્લા પંદર વર્ષથી તે ન્યૂ જર્સીમાં સ્થાયી છે.’ પંચ ‘થોડું મવાળવાદી અને આરોપીતરફી’ હોવાની કબૂલાત સિતાંશુભાઇએ કરીને વાતાવરણને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો.
છેલ્લે સ્વબચાવમાં મધુ રાયે કહ્યું,’આ બધું ભેટવાને બદલે ધબ્બો મારવા જેવું છે. અહીંથી પરદેશ ગયો, તો દુનિયા બ્લેક એન્ડ વ્હાઇટને બદલે ટેકનિકલરમાં જોવા મળી. ભરત જેવો ભાઇ (અરૂણ ઠાકર) અને હર્ષદ ત્રિવેદી જેવા મિત્ર મળ્યા એટલો હું નસીબદાર છું- અને જેવું છું એવો, મારા વિશે બે કલાક ચર્ચા થઇ શકે એટલો તો સૌભાગ્યશાળી છું ને’.
સજા સંભળાવતાં દૃષ્ટિ પટેલે કહ્યું,’જ્યાંથી આવ્યા ત્યાં જ પાછા જાવ.’ (મધુ રાયઃ જવાનો જ છું.) સિતાંશુભાઇએ ગગનવાલાના ઘણા પ્રેમીઓની લાગણીને વાચા આપતાં કહ્યું,’મધુ, તમે અમેરિકા ગયા અને અમે એક સર્જક ગુમાવ્યો એનોય વાંધો નથી. વાંધો એ છે કે અમારો શાલિગ્રામ ત્યાં ચટણી વાટવા માટે વપરાય છે.’ લાભશંકર ઠાકરે કહ્યું,’મધુ ઉત્તમ અભિનેતા છે. હૃદયપૂર્વક ઇચ્છીએ કે તે પાછો અમદાવાદ-ગુજરાત આવે. જો કે એ જ્યાં પણ રહેશે, ગમે તેટલું લખશે, લખશે તો ગુજરાતીમાં જ.’
પંચાયત પૂરી થતાં રમેશ તન્નાએ મધુ રાયનાં બા સહિત બીજા કુટુંબીજનોનું શાલથી સન્માન કર્યું. સન્માનના પ્રત્યુત્તરમાં મધુ રાયે કહ્યું,’અહીં એક વ્યક્તિ એવી છે જેનું મારા જીવનમાં એક ચોક્કસ સમયગાળા માટે વિશેષ સ્થાન રહ્યું છે. મને મળેલું સન્માન હું તેને અર્પણ કરું છું.’ એમ કહીને તે બીજી હરોળમાં બેઠેલાં સુવર્ણાબહેન (ભૂતપૂર્વ સુવર્ણા રાય) તરફ આગળ વધ્યા. સુવર્ણાબહેન ઊભાં થઇને આગળ આવ્યાં, મધુ રાયને મળ્યાં, બા અને બીજાં કુટુંબીજનોનાં ખબરઅંતર પૂછ્યાં. બન્નેએ સાથે બેસીને હેવમોરનો ‘લોનાવલી’ આઇસક્રીમ ખાધો. વિશિષ્ટ તસવીરો માટે જાણીતા બિનીતે એક ‘કપલ ફોટો’ માટે વિનંતી કરી એટલે મધુભાઇ કહે,’કેમ નહીં. કહો તો એકબીજાને ચમચી-ચમચી આઇસક્રીમ પણ ખવડાવીએ.’ પણ એવું થાય તે પહેલાં હરિયાની ઉર્ફે અર્ચન ત્રિવેદીની ‘કાન’ નાટકનો અંશ ભજવવા સ્ટેજ પર એન્ટ્રી થઇ.
કાર્યક્રમના અંતે ‘અરૂણોદય પ્રકાશન’ દ્વારા મધુ રાયનાં લખેલાં ત્રણ પુસ્તકો ‘યાર અને દિલદાર’, ‘કાન્તા કહે’ અને ‘સુરા, સુરા, સુરા’નું વિમોચન થયું. શરૂઆતમાં તેમની મધુ રાયની જૂની તસવીરો અને તેમની કૃતિઓ પરથી ટેલીફિલ્મ-નાટક-સિરીયલ બનાવનાર કેતન મહેતાનો ટૂંકો ઇન્ટરવ્યુ રજૂ થયાં.
મુકદ્દમાની નોંધ નિમિત્તે એટલું જણાવવાનું કે કોઇ પણ વાચકમિત્રો પાસે મધુ રાયનાં લખેલાં – અને પુસ્તક તરીકે પ્રગટ ન થયેલાં- નાટકોની સ્ક્રીપ્ટ, સંવાદો, ઓડિયો રેકોર્ડિંગ, પ્રચારસામગ્રી કે બીજું કંઇ પણ મટીરિયલ હોય તો જણાવવા વિનંતી. તેના થકી મધુ રાયના લેખનને લગતી ઘણી ખૂટતી દસ્તાવેજી કડીઓ જોડી શકાશે.