વિનોદ ભટ્ટ
લોકલાડીલા હાસ્યકાર, કટારલેખક અને ગુજરાતી સાહિત્ય પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ, વર્તમાન ટ્રસ્ટી વાત કરે છે ઉર્વીશ કોઠારી સાથે.,,
જૂઓ વિડીયો ભાગ ૧
જૂઓ વિડીયો ભાગ ૨
જૂઓ વિડીયો ભાગ ૩
વિનોદ ભટ્ટ
લોકલાડીલા હાસ્યકાર, કટારલેખક અને ગુજરાતી સાહિત્ય પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ, વર્તમાન ટ્રસ્ટી વાત કરે છે ઉર્વીશ કોઠારી સાથે.,,
જૂઓ વિડીયો ભાગ ૧
જૂઓ વિડીયો ભાગ ૨
જૂઓ વિડીયો ભાગ ૩
ખિસ્સાકાતરૂઓની ગેંગ મેદાને પડે ત્યારે તેમની જૂની અને જાણીતી ટેકનિક હતીઃ બે જણા અંદરોઅંદર ઝગડાનો દેખાવ કરે, લોકો તમાશો જોવા ટોળે વળે અને ગેંગના બાકીના સભ્યો ટોળામાંથી લોકોનાં ખિસ્સાં સાફ કરતા જાય.
ચૂંટણીમાં નેતાઓની પરસ્પર આક્ષેપબાજી સાંભળીને ગેંગનો સીન યાદ આવ્યો. અભૂતપૂર્વ મંદી અને આંતરિક અસલામતીથી માંડીને ગરીબોની પાયમાલી જેવા અનેક મુદ્દે રાષ્ટ્ર ભીંસમાં છે, ત્યારે નેતાઓ ક્ષુલ્લક પ્રકારની આક્ષેપબાજી અને શેરીકક્ષાના વાક્યુદ્ધમાં મશગૂલ છે. આશય એ જ પ્રજા મૂળ મુદ્દા યાદ કરવાને બદલે તમાશો જોવામાં પડી જાય અને માની લે કે ‘આ ચૂંટણીમાં કોઇ મુદ્દો જ નથી.’
ચૂંટણીમુદ્દાઃ ફ્લેશબેક
હકીકત એ પણ છે કે આઝાદ ભારતમાં બહુ ઓછી ચૂંટણીઓ વાસ્તવિક અથવા નક્કર મુદ્દા પર લડાઇ છે. શરૂઆતની ત્રણ-ચાર ચૂંટણીઓમાં ‘આઝાદી અપાવનાર પક્ષ’ તરીકે કોંગ્રેસની છાપ એટલી પ્રબળ હતી કે પ્રજા માટે ચૂંટણીઓ ‘ઋણ ચૂકવવાનો અવસર’ બની. ગાંધી-પટેલની વિદાય અને રાજગોપાલાચારી-કૃપાલાણી જેવા નેતાઓની કોંગ્રેસમાંથી વિદાય પછી ‘નેહરૂ કોંગ્રેસ’ બની ગયેલા પક્ષને તેમણે બધી સમસ્યાઓ ભૂલીને ખોબલે ને ખોબલે મત આપ્યા. છેક ૧૯૬૭માં શાસનવિરોધી લાગણી (એન્ટીઇન્કમ્બન્સી ફેક્ટર)નું પરિણામ ફક્ત એટલું આવ્યું કે કોંગ્રેસની બે તૃતિયાંશ બહુમતિ તો જળવાઇ રહી. ફક્ત બેઠકોની સંખ્યામાં ઘટાડો થયો.
ઈંદિરા ગાંધીએ કોંગ્રેસના ભાગલા પાડીને, દેશની સમસ્યાઓ માટે પોતાના રાજકીય શત્રુ એવા જૂની પેઢીના કોંગ્રેસી નેતાઓને જવાબદાર ઠેરવ્યા. એ રીતે સમસ્યાઓથી ત્રસ્ત લોકોનું ઘ્યાન બીજી તરફ વાળવામાં અને તેમને ‘ગરીબી હટાવો’ની ચૂસણી (લોલીપોપ) ઝલાવવામાં સફળ ઈંદિરા ૧૯૭૧ની ચૂંટણી જીતી ગયાં. ૧૯૭૫માં તેમણે લાદેલી કટોકટી બે વર્ષ પછી યોજાયેલી ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો બની. લોકશાહીની હત્યા અને કટોકટીના બહાને સરમુખત્યારીના વિરોધમાં પ્રજાએ ૧૯૭૭ની ચૂંટણીમાં કોંગ્રેસને ધોબીપછાડ આપી. પણ જનતા પક્ષની સરકાર સ્થિરતાના મૂળભૂત મુદ્દે નાપાસ થઇ. એટલે ‘ગરીબી હટાવો’ની સાથોસાથ સ્થિરતાના મુદ્દે ૧૯૮૦માં ઈંદિરા ગાંધી ફરી ચૂંટાઇ ગયાં. ૧૯૮૪માં ઈંદિરા ગાંધીની હત્યાના પગલે ઊભી થયેલી સહાનુભૂતિ સૌથી મોટો ચૂંટણીમુદ્દો બની, જેને ખરેખર દેશની અનેક ગંભીર સમસ્યાઓ સાથે કશી લેવાદેવા ન હતી.
આઝાદ ભારતમાં પહેલી (અને કદાચ છેલ્લી) વાર ૧૯૮૯ની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર ચૂંટણીમુદ્દો બન્યો. નાણાં મંત્રીપદેથી રાજીનામું આપનાર વી.પી.સિંઘ બોફર્સ કૌભાંડથી ખરડાયેલા ‘મિસ્ટર ક્લીન’ રાજીવ ગાંધીની સામે પડ્યા. પણ ભારતના રાજકારણમાં ભ્રષ્ટાચારવિરોધી લડત કેવી હોઇ શકે? ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસને હરાવીને બનેલી વી.પી.સિંઘની મોરચા સરકારમાં ગુજરાતના ચીમનભાઇ પટેલ ચાવીરૂપ નેતા બન્યા!
ત્યાર પછીની ૧૯૯૧ ચૂંટણી કદાચ સૌથી વિભાજનકારી અને અનિષ્ટ ચૂંટણીમુદ્દા પર લડાઇ મંડલ વિરૂદ્ધ કમંડલ. જ્ઞાતિવાદ અને આક્રમક રાજકીય હિંદુત્વનું વરવું પ્રદર્શન થયું. ચૂંટણીના અંતે સાદી કોંગ્રેસને સાદી બહુમતિ મળતાં નરસિંહરાવ સરકાર અસ્તિત્ત્વમાં આવી, અને જેમતેમ કરીને પાંચ વર્ષ ટકી ગઇ. આર્થિક ઉદારીકરણ જેવું મહત્ત્વનું પગલું અને દેશના રાજકારણ પર લાંબા સમય સુધી ઓછાયા પાડનાર બાબરીઘ્વંસની ઘટનાઓ આ સરકારના શાસનકાળમાં બની.
૧૯૯૬થી લોકસભાની ચૂંટણી સંપૂર્ણપણે સમાજશાસ્ત્રના પેપરમાંથી અંકગણિતનું પેપર બની ગઇ. એક પક્ષના વર્ચસ્વનો અંત અને મોરચા સરકારોની અસ્થિરતાને લીધે રાષ્ટ્રિય મુદ્દા બાજુ પર રહેવા લાગ્યા. પક્ષોનાં વલણ, વિચારસરણી અને આયોજન લાંબા ગાળાને બદલે ટૂંકા ગાળાનાં- આ ચૂંટણી જીતી લેવા પૂરતાં મર્યાદિત- બન્યાં. ૧૯૯૬ પછી ૧૯૯૮ અને ૧૯૯૯માં ઉપરાછાપરી લોકસભાની ચૂંટણીઓ થઇ અને મોરચા સરકારો બની. ૧૯૯૯માં ભાજપની આગેવાની હેઠળના મોરચાને પણ સરકાર બનાવવાની અને પાંચ વર્ષ ચલાવવાની તક મળી.
સંયુક્ત મોરચાના યુગમાં યુગમાં ભાજપ અને કોંગ્રેસ બન્નેની આગેવાની હેઠળના મોરચા કેન્દ્રમાં શાસન હાંસલ કરી ચૂક્યા છે. ઘણા વખત પછી ૧૯૯૯ની ચૂંટણીમાં ભાજપે ‘ઇન્ડિયા શાઇનિંગ’ અને ‘ફીલગુડ ફેક્ટર’ને ચૂંટણીમુદ્દો બનાવીને પ્રચારનો જબરો ગુબ્બારો ચલાવ્યો, પણ પરિણામ જાહેર થયું ત્યારે એ જ ચૂંટણીમુદ્દા બૂમરેન્ગ થઇને અતિવિશ્વાસી ભાજપી નેતાગીરીના લમણે અફળાયા. તેમાંથી બોધપાઠ લઇને ભાજપે અને કોંગ્રેસે આ વખતે મોટા દાવા કરવાનું કે ગુલાબી ચિત્રો બતાવવાનું ટાળીને, કેવળ મનોરંજક વાક્યુદ્ધો પૂરતો ચૂંટણીપ્રચાર સીમીત રાખ્યો છે.
વિસારે પડેલા વાસ્તવિક મુદ્દા
ચૂંટણીના ગરમાગરમ માહોલમાં આમજનતાના પ્રાણપ્રશ્નો અને તેમને સ્પર્શતા મુદ્દા લાવવા એકેય પક્ષને પોસાય એમ નથી. કેમ કે, હવે બન્ને મુખ્ય પક્ષોની સરકારો કેન્દ્રમાં રહી ચૂકી છે અને પ્રજાએ જોઇ લીઘું છે કે મૂળભૂત સમસ્યાઓની બાબતમાં કેટલીક વ્યક્તિગત પ્રતિભાઓને બાદ કરતાં સંસ્થાકીય કામગીરી અને પ્રશ્નોની સમજણની રીતે બન્ને પક્ષો સરખા નિષ્ફળ સાબીત થયા છે.
સમસ્યાઓનો ઉકેલ આણવાની વાત તો બાજુ પર રહી, સમસ્યાઓના સ્વીકાર અને તેની ગંભીરતાનો ક્યાસ કાઢવામાં પણ રાજકીય પક્ષોની વૃત્તિ ‘રાજકીય’ જ રહી છે. નક્સલવાદનો જ દાખલો લઇએ. એક અભ્યાસ પ્રમાણે ભારતની ભૂમિના ૪૦ ટકા હિસ્સા પર- કર્ણાટકથી નેપાળ સુધીના પટ્ટામાં- નક્સલવાદીઓનો ખૌફ ફેલાયેલો છે. છત્તીસગઢનાં જંગલોમાં સરકારી અર્ધલશ્કરી દળો પર છાપા મારવાથી માંડીને બિહારના શહેરોમાં ધોળા દિવસે હુમલા કરનારા- જેલો તોડનારા નક્સલવાદીઓનો મુકાબલો કેમ કરવો, તેની સ્પષ્ટ વ્યૂહરચના એકેય પક્ષ પાસે નથી- અને તેના અભાવની ખોટ પણ તેમને સાલતી નથી. એવું જ ત્રાસવાદી હુમલાનું છે. ભારતમાં ત્રાસવાદી હુમલાનો ભોગ બનેલાં રાજ્યોનો નકશો બનાવવામાં આવે, તો આખો નકશો લાલ ટપકાંથી છવાઇ જાય. પરંતુ દરેક ત્રાસવાદી હુમલા પછી ગુપ્તચર સંસ્થાઓની નિષ્ફળતા અને રાજકીય પક્ષોની આક્ષેપબાજી સિવાય બીજું કંઇ સાંભળવા મળતું નથી.
ભાજપને ત્રાસવાદનાં તમામ દુઃખની દવા ત્રાસવાદવિરોધી કાયદામાં દેખાય છે. મુસ્લિમવિરોધી માનસિકતા ધરાવતા પક્ષ તરીકે (સાચી રીતે) કુખ્યાત ભાજપને આ કાયદાના દુરૂપયોગમાં કેટલો રસ પડે, એ ગુજરાત જેવાં ઉદાહરણ પરથી સમજી શકાય એવું છે. બીજી તરફ, આ જ પ્રકારના કાયદા અગાઉ મંજૂર કરી ચૂકેલી કોંગ્રેસ સરકાર પાસે આ કાયદાના પ્રસ્તાવનો વિરોધ કરવા સિવાય નક્કર વિકલ્પ નથી. આતંકવાદી હુમલાનું સુખ એટલું છે કે એક જગ્યાએ હુમલો થયા પછી ત્યાં ફરી તરત હુમલો થતો નથી. એટલે સ્થાનિક નેતાગીરીને ખોટેખોટો જશ લેવાની તક મળે છે અને પ્રજા ત્રાસવાદની તીવ્રતા ભૂલીને પોતપોતાની જિંદગીમાં પરોવાઇ જાય છે.
પાકિસ્તાન, બાંગલાદેશ, નેપાળ અને શ્રીલંકા જેવા પાડોશી દેશોમાં ચાલી રહેલી ગતિવિધિ ભારતને સીઘું નુકસાન પહોંચાડે એવી છે. એક સમય હતો જ્યારે સરદાર પટેલ અને રામમનોહર લોહિયા જેવા નેતાઓ સરહદપારના ખતરા સૂંઘીને ચીનના ઇરાદા વિશે દેશને ચેતવતા હતા. હવેના વાણીશૂરા નેતાઓના મોઢેથી સભારંજની ભાષણબાજી અને ડાયલોગબાજી સિવાયની કશી ગંભીર-નક્કર અને રાજકારણની ભેળસેળ વગરની વાત સાંભળવા મળે છે? પાકિસ્તાન ધીમે ધીમે તાલિબાનોના હાથમાં સરી રહ્યું છે, બાંગલાદેશ ઝનૂની ઇસ્લામી ત્રાસવાદીઓનો નવો અડ્ડો બન્યું છે, શ્રીલંકામાં તમિલો સામેની ઉગ્ર કાર્યવાહીથી રોષનું વાતાવરણ છે, નેપાળના સશસ્ત્ર માઓવાદીઓને ભારતમાં આતંક મચાવતા નક્સલવાદીઓ સાથે સીધી સાંઠગાંઠ હોવાનું મનાય છે અને આ બધા ઉપરાંત ચીન તો ખરૂં જ. આર્થિક-વૈજ્ઞાનિક અને લશ્કરી એમ દરેક ક્ષેત્રમાં ચીને ફક્ત ભારતને જ નહીં, અમેરિકાને હંફાવવાના ઘ્યેય સાથે આગળ વધી રહ્યું છે.
એ ખરૂં કે વિદેશનીતિ જેવી મુત્સદ્દીગીરી સાથે સંકળાયેલી બાબત આમજનતા વચ્ચે પ્રચારનો ચૂંટણીમુદ્દો ન બની શકે, પણ ઉપરના ગંભીર મુદ્દા વિશે દીર્ઘદૃષ્ટિથી વિચારીને નીતિ ઘડી શકે એટલી ગંભીરતા કોઇ પક્ષ પાસે લાગે છે? રાષ્ટ્રવાદની માળા જપવાથી આ પડકારો ઓગળી જવાના નથી.
વિદેશી પડકારો ઓછા હોય તેમ, ઇશાન ભારતનાં ‘સેવન સીસ્ટર્સ’ તરીકે ઓળખાતાં સાત રાજ્યો અને કાશ્મીરમાં ઘણા સમયથી પરિસ્થિતિ સામાન્ય નથી. છતાં, અમરનાથ જમીનના મુદ્દે બન્ને મુખ્ય રાજકીય પક્ષોએ જે અપરિપકવતા દાખવીને જમ્મુ અને કાશ્મીરને આમનેસામને લાવી દીધાં તે ભયંકર ઘટનાક્રમ હતો. પોતાના નેતાઓ કે મુખ્ય મંત્રીઓ દ્વારા થતા માનવ અધિકાર ભંગની વાત આવે ત્યારે તરત કાશ્મીરના પંડિતોનો મુદ્દો લઇ આવતા ભાજપે પોતે અત્યાર સુધી શું કર્યું અને ભવિષ્યમાં શું કરવા માગે છે, તેનો વીરરસપૂર્ણ ભાષણબાજી સિવાયનો કોઇ નીતિવિષયક અને વ્યવહારૂ જવાબ છે?
ભારતમાં સમસ્યાઓની યાદી બનાવવા બેસીએ તો ક્યાં પાર આવશે? ખેડૂતોની આત્મહત્યા, ગરીબોને વઘુ ગરીબ બનાવી રહેલી અને ગરીબોની સંખ્યામાં વધારો કરી રહેલી સરકારી નીતિ, સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન અને વિકાસનું નવું મોડેલ, જ્ઞાતિવાદ, પ્રાંતવાદ (યાદ કરોઃ ઠાકરે એન્ડ કંપની), ન્યાયના શાસનની પૂરેપૂરી ઉપેક્ષા, ગણ્યાગાંઠ્યા સમૃદ્ધ લોકોની સંપત્તિમાં ભારતઉદયનો દર્શન કરવાની નવી ફેશન, ફક્ત અમીરો માટે અનામત બની રહેલું શિક્ષણ, હિંદુત્વનું રાજકારણ, ધર્મના નામે ધિક્કાર ફેલાવતા ઇસ્લામી પ્રવાહો… અને આ બધા ઉપરાંત મોંઘવારી, બેરોજગારી, ગરીબી…
અને આપણા રાજકીય પક્ષોને આમાંથી એક પણ મુદ્દો ચૂંટણીમુદ્દો બનાવવાને લાયક લાગતો નથી. તેમનું સ્થાન જેને કોઇ વાંચતું નથી એવા ચૂંટણીઢંઢેરામાં હોય તો હોય. બાકી મત માગતી વખતે તો બુઢિયા-ગુડિયાની કે ‘પીગળેલા લોહપુરૂષ’ની નાટકબાજી જ ચાલે!
છેલ્લા કેટલાક સમયથી અખબારોમાં આવતા હિંસાના સમાચારનું સરનામું બદલાયું હતું. પશ્ચિમ બંગાળનું લાલગઢ નવો મોરચો બન્યું. ત્યાં સત્તાધારી પક્ષ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સિસ્ટ)- સીપીઆઇ (એમ), સ્થાનિક આદિવાસી લોકો, માઓવાદી/નક્સલવાદી અને કેન્દ્ર સરકારે મોકલેલાં અર્ધલશ્કરી દળો વચ્ચે વારાફરતી લોહીયાળ જંગ થયો.
સૌ પહેલાં દાયકાઓથી મોરચો જમાવીને બેઠેલા સ્થાનિક સામ્યવાદી નેતાઓને માઓવાદી/નક્સલવાદીઓએ નિર્દયતાથી મારી હઠાવ્યા અને તેમના શબ્દોમાં, લાલગઢને ‘આઝાદ’ કર્યું. ત્રણ દાયકાથી સત્તામાં રહેલા અને બંદૂકના જોરે સત્તા ટકાવી રાખનારા સામ્યવાદીઓનો ત્રાસ એવો ભારે હતો કે સ્થાનિક રહીશોએ માઓવાદીઓને સાથ આપ્યો. આખો વિસ્તાર રાજ્ય સરકારના હાથમાંથી સરકી ગયો. છતાં પશ્ચિમ બંગાળનું સામ્યવાદી શાસન લશ્કરી પગલાં લેવા અંગે અવઢવમાં હતું. અંતે કેન્દ્ર સરકારે અર્ધલશ્કરી દળો મોકલીને માઓવાદીઓને હઠાવ્યા અને લાલગઢ પાછું મેળવ્યું.
લાલગઢની ઘટના માત્ર માઓવાદી/નક્સલવાદી હિંસાનો એક બનાવ નથી. તે વિચારસરણીઓની આડમાં ખેલાતો સત્તાનો જંગ છે. આમજનતાના અસંતોષ એ હોળીમાં પેટ્રોલનું કામ કરે છે, પણ એ વિરાટ હોળીના ભડકા સૌને દઝાડે છે. એક લાલગઢ જીતાઇ જવાથી આ સંઘર્ષ સમાપ્ત થવાનો નથી. આમજનતાની દાયકાઓની ઉપેક્ષાનો ફાયદો ઉઠાવવા તત્પર માઓવાદીઓ/નક્સલવાદીઓ ભારતનાં દસેક રાજ્યોમાં પથરાયેલા છે. ભારતને સૌથી મોટો ખતરો નક્સલવાદથી હોવાનું ખુદ વડાપ્રધાને જાહેર સંબોધનમાં કબૂલ્યું હતું. એ રીતે પણ લાલગઢ ઘટનાક્રમનાં જુદાં જુદાં પાત્રો અને પાસાં વિશે જાણવું જરૂરી છે.
લાલગઢઃ ડાબેરીઓનું પાણીપત
સામ્યવાદીઓનું વર્ચસ્વ ધરાવતા કોઇ પણ વિસ્તારને ‘લાલ ગઢ’ કહી શકાય, પણ આ વખતે જગ્યાનું ખરેખરૂં નામ જ લાલગઢ છે. વિધાનસભાની ૩૫ બેઠકો અને લોકસભાની પ બેઠકો ધરાવતા દેશના સૌથી મોટા જિલ્લા મિદનાપોરમાં લાલગઢ સંખ્યાત્મક રીતે જરાય મહત્ત્વનું ન લાગે. સરકારી પરિભાષામાં લાલગઢ ગામ ‘કમ્યુનિટી ડેવલપમેન્ટ બ્લોક બિનપુર-૧’ નું વડું મથક છે. તેનાં ૪૪ ગામમાં માંડ બારેક હજારની વસ્તી અને ૪ પોલીસ સ્ટેશન છે. આશરે૧,૧૦૦ ચો.કિ.મી. વિસ્તાર ધરાવતા આ ટુકડામાં ડાબેરી સરકારનું રાજ તો કહેવા પૂરતું. અસલી રાજ ગરીબી અને પછાતપણાનું છે.
લાલગઢની આદિવાસી પ્રજા પ્રાથમિક સુવિધાઓ વિના, અભાવની અને હાડમારીની જિંદગી વીતાવે અને એ જ વિસ્તારમાં સત્તાધારી સીપીઆઇ (એમ)ના નેતાઓ બબ્બે માળની પાર્ટી ઓફિસ સાથે સુંવાળું જીવન જીવતા હોય! ડાબેરીઓના ત્રણ દાયકાના શાસનથી ચાલતી આવી વિષમતાને કારણે બારૂદ જમા થઇ રહ્યો હતો. હિંસામાં માનતા માઓવાદી/નક્સલવાદી લોકો સ્થાનિક લોકોના અસંતોષનો લાભ લઇને પોતાનાં થાણાં જમાવી રહ્યા હતા. તેમાં ગયા વર્ષના નવેમ્બરમાં બનેલી એક ઘટનાએ સ્થાનિક લોકોની સહનશક્તિનો છેડો આણી દીધો.
પોલીસ અત્યાચારઃ છેલ્લું તણખલું
બન્યું એવું કે એક સ્ટીલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા જઇ રહેલા મુખ્ય મંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય અને કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાનનો કાફલો સલ્બોની ગામ પાસેથી પસાર થઇ રહ્યો હતો, ત્યારે જમીની સુરંગ ફાટી. એ વિસ્ફોટમાં નેતાઓ બચી ગયા, પણ સ્થાનિક પ્રજાનું આવી બન્યું. સુરંગહુમલાની જવાબદારી માઓવાદીઓએ સ્વીકારી. છતાં તપાસના અને ધાક બેસાડી દેવાના ઉત્સાહમાં લાલગઢ પોલીસ હાઇસ્કૂલમાં ભણતા ચાર છોકરાઓને વિસ્ફોટના શકમંદ ગણીને ઉપાડી લાવી. બીજા દિવસે પોલીસે નજીકના એક ગામે છાપો મારીને શંકાના આધારે સ્થાનિક લોકોની બેફામ મારઝૂડ કરી.
પોલીસના અત્યાચારનો વિરોધ કરવા માટે ‘પીપલ્સ કમિટી અગેઇન્સ્ટ પોલીસ એટ્રોસીટીઝ’ નામનું સંગઠન સ્થાનિક લોકોએ રચ્યું. માઓવાદીઓ તો તત્પર હતા જ. સ્થાનિક આદિવાસીઓએ પરંપરાગત હથિયારો સાથે અને તેમની સાથે જોડાયેલા માઓવાદીઓએ બંદૂકો સાથે ચારે પોલીસ સ્ટેશન પર હુમલા કરીને ૭૫ પોલીસને આખા વિસ્તારમાંથી હાંકી કાઢ્યા અને પોતાનું ‘રાજ’ સ્થાપી દીઘું. તેમનો મુખ્ય રોષ પશ્ચિમ બંગાળ સરકાર કરતાં પણ વધારે સત્તાધારી સીપીઆઇ (એમ)ના ગુંડાઓ અને નેતાઓ સામે હતો. પરિણામ લાલગઢમાં રહેતા સત્તાધારી પક્ષના સભ્યોને ભારે ખુવારી વેઠવાની આવી. એક ડાબેરી નેતાએ આપેલા આંકડા પ્રમાણે, છેલ્લા આઠ મહિનામાં આખા રાજ્યમાં સીપીઆઇ (એમ)ના ૫૩ નેતાઓ અને કાર્યકરોની હત્યા થઇ.
આખા દેશમાં આદર્શ અને મૂલ્યોની ડાહીડમરી વાતો કરતા જ્યોતિ બાસુ- પ્રકાશ કરાત અને બુદ્ધદેવ ભટ્ટાચાર્યના પક્ષને કેમ આટલો માર ખાવો પડ્યો, તેના કેટલાક જવાબ તેમના ૩૩ વર્ષના શાસનમાં મળી આવે છે.
સીપીઆઇ (એમ): મુખમેં માર્ક્સ, બગલમેં બંદૂક
અત્યાર સુધી ડાબેરીઓએ દબાવી-છુપાવી રાખેલાં ઘણાં રહસ્યો છેલ્લાં થોડાં વર્ષોમાં બહાર પડવા લાગ્યાં છે. તેમાંનું એક રહસ્ય એટલે ડાબેરીઓની દમનનીતિ. સંસદમાં અને ટીવી ચેનલો સામે ગરીબોની અને બિનસાંપ્રદાયિકતાની બડી બડી વાતો કરનારા ડાબેરીઓએ પશ્ચિમ બંગાળને કેવી રીતે પોતાનો ગઢ બનાવ્યું અને ત્રણ દાયકા સુધી પોતાના ખિસ્સામાં (કે એડી તળે) રાખ્યું, તે મહદ્ અંશે બહારની દુનિયાથી અજાણ્યું હતું. પહેલી વાર નંદીગ્રામને જે રીતે સત્તાધારી પક્ષના ગુંડાઓએ મુખ્ય મંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યના આશીર્વાદથી કબજે કર્યું, ત્યારે ‘સુધરેલા’ હોવાનો ડાબેરીઓનો નકાબ ચીરાઇ ગયો હતો.
‘તહલકા’ (૨૭ જૂન,૨૦૦૯)માં અપૂર્વાનંદે લખ્યું છે કે, પશ્ચિમ બંગાળ પર પોતાની પકડ જડબેસલાક રાખવા માટે ડાબેરીઓએ તમામ પ્રકારનાં સ્થાનિક સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો પર પોતાનો કબજો જમાવી દીધો. બંગાળના જાહેર જીવનની દરેકેદરેક બાબત પર પોતાનો જ સિક્કો! જે પોતાનો વિરોધ કરે તે ‘બુર્ઝવા’! ધીમે ધીમે બંગાળમાં અસહિષ્ણુતાની સંસ્કૃતિ એટલી હદે વ્યાપી ગઇ કે મારામારી અને ખૂનામરકી વિના, અહિંસક વિરોધ થઇ શકે એવો ખ્યાલ જાહેરજીવનમાંથી નીકળી ગયો.
સ્થાનિક રાજકારણમાં સીપીઆઇ (એમ)ની ગુંડાગીરીના તેમણે ટાંકેલા આંકડા ડાબેરીઓની રાજકીય સંસ્કૃતિનો ખ્યાલ આપે છે. ૧૯૭૭માં ડાબેરીઓએ પશ્ચિમ બંગાળ હસ્તગત કર્યું. ત્યાર પછી ૧૯૭૭ અને ૧૯૮૩ની પંચાયતી ચૂંટણીમાં અનુક્રમે ૩૩૮ અને ૩૩૨ ડાબેરી ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. પણ ત્યાર પછી (મુખ્યત્વે ધાકધમકીથી અને હિંસાના જોરે) બિનહરીફ ચૂંટનારા ડાબેરીઓની સંખ્યામાં ભારે વધઘટ થતી રહી. ૧૯૮૮માં સીપીઆઇ (એમ)ના ૪,૨૦૦ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઇ ગયા. ૧૯૯૩માં ૧,૭૧૬ અને ૧૯૯૮માં ૬૦૦ ઉમેદવારો આ રીતે ચૂંટાયા પછી ૨૦૦૩માં મતદાન વિના ચૂંટાઇ આવેલા ઉમેદવારોનો આંકડે ૬,૮૦૦ સુધી પહોંચ્યો છે. (ગુજરાતની પરિભાષામાં આવી પંચાયતોને ‘સમરસ’ કહી શકાય!) એ બતાવે છે કે ડાબેરીઓને તંદુરસ્ત અને લોકશાહી પદ્ધતિ પ્રત્યે કેટલો (અ)ભાવ છે. તૃણમૂલ કોંગ્રેસ ડાબેરીઓનો વિરોધ કરતાં તક મળ્યે તેમની પદ્ધતિઓ અજમાવતો થઇ ગયો છે. નંદીગ્રામ, ખેજુરી અને સિંગુર જેવી જગ્યાઓએ સીપીઆઇ(એમ)નો મુકાબલો કરવા માટે તૃણમૂલ કોંગ્રેસે હિંસક માઓવાદીઓની મદદ લેવામાં છોછ રાખ્યો નથી.
માઓવાદી/નક્સલવાદી હિંસાઃ જૂનાં મૂળ, નવી વડવાઇઓ
૧૯૬૭માં બંગાળના નક્સલબારી (નક્સલવાડી?) ગામે શરૂ થયેલી ચળવળ નક્સલવાદના નામે ઓળખાઇ. બીજી લડતોની જેમ આ લડતનો આશય ગરીબો-વંચિતોના શોષણ સામે લડવાનો જ હતો, પણ તેના નેતાઓ ચારૂ મઝુમદાર અને કનુ સન્યાલ ચીની નેતા માઓ ઝેદોંગની હિંસાની વિચારસરણીથી પ્રભાવિત હતા. ૧૯૬૯માં નક્સલવાદની વિચારસરણીને સંગઠીત સ્વરૂપ આપવા માટે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ-લેનીનીસ્ટ)- ટૂંકમાં સીપાઆઇ (એમ-એલ)ની સ્થાપના થઇ. આ સંસ્થા દેશભરનાં નક્સલવાદી સંગઠનોની માતૃસંસ્થા બની રહી. નક્સલવાદ તરીકે ઓળખાયેલી અન્યાયનો મુકાબલો હિંસાથી કરવાની વિચારસરણી ત્યાર પછી ઓછાવત્તા અંશે બદલાતી, વિભાજન પામતી અને ફેલાતી રહી, પણ તેના હાડમાં હિંસાનું તત્ત્વ અકબંધ રહ્યું.
૧૯૭૭માં માર્ક્સવાદી સામ્યવાદી પક્ષે બંગાળમાં સત્તા હાંસલ કરી, ત્યારે નક્સલવાદી ચળવળ અનેક ટુકડાઓમાં વહેંચાયેલી હતી. ૧૯૭૨માં પોલીસ કસ્ટડીમાં ચારૂ મઝુમદારના મૃત્યુ પછી નક્સલવાદી વિચારસરણી ધરાવતા સભ્યો પશ્ચિમ બંગાળમાં ઠેકઠેકાણે પોતપોતાની રીતે જાહેર જીવનમાં સક્રિય હતા. આ માઓવાદી સામ્યવાદીઓ ને સત્તામાં આવનારા માર્ક્સવાદી સામ્યવાદીઓ. પણ સત્તાધારી માર્ક્સવાદીઓ પોતાના સિવાય બીજા કોઇનું અસ્તિત્ત્વ સાંખી શકતા ન હતા. તેમણે નક્સલવાદી પ્રવૃત્તિને કચડી નાખી. માર્ક્સવાદી સામ્યવાદીઓ પોતે મૂડીવાદી અને શોષણખોર બની બેઠા. બંગાળમાં સમયનો કાંટો જાણે ઉંધો ફરવા લાગ્યો. એક સમયે લોકોના સાથીદાર (કોમરેડ) ગણાતા લોકો સત્તા હાથમાં આવ્યા પછી લોકશત્રુ બની બેઠા. તેમની શત્રુવટ ઉપસાવવામાં નક્સલવાદીઓએ પણ યથાશક્તિ ફાળો આપ્યો હોવાનું સીપીઆઇ(એમ-એલ)ના એક ભૂતપૂર્વ નેતા કે. વેણુએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ (તા.૨-૭-૦૯)માં લખ્યું હતું.
એક તરફ બંદૂકના જોરે પોતાની ‘લોકશાહી’ સત્તા કાયમ માટે ટકાવી રાખવા ઇચ્છતા માર્ક્સવાદી સામ્યવાદીઓ અને બીજી તરફ તેમના અન્યાયનો મુકાબલો બંદૂકના જોરે કરવા ઇચ્છતા માઓવાદી સામ્યવાદીઓ. તેમની વચ્ચે બંગાળની પ્રજા પીસાઇ મરી. તૃણમૂલ કોંગ્રેસ જેવા રાજકીય પક્ષે દુશ્મનના દુશ્મન જેવા માઓવાદીઓ સાથે સલામત અંતરથી દોસ્તી રાખીને, પોતાના ફાયદા માટે તેમનો ઉપયોગ કર્યો. આ રીતે હિંસાનું વિષચક્ર ચાલતું રહ્યું. પહેલાં લોકસભાની અને પછી બંગાળની પંચાયતોની ચૂંટણીમાં ડાબેરીઓનાં વળતાં પાણી થતાં, હવે પલ્લું સામે તરફ ઝૂક્યું છે. પણ એટલું પૂરતું નથી.
બંદૂકનો મુકાબલો બંદૂકથી કરવા ઇચ્છતા માઓવાદીઓ સમાનતા અને ગરીબોના ઉદ્ધારના આદર્શ સેવનારા નથી. તેમને પોતાના આધિપત્યની ફિકર છે. આ સંજોગોમાં જરૂર છે બંદૂકના રાજને ખતમ કરવાની- એ ચાહે માર્ક્સવાદીઓનં હોય કે માઓવાદીઓનું. પ્રજાને કોઇ બંદૂકબાજનું શરણું લીધા વિના, પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યા વિના, આ દેશના વિકાસના હકદાર તરીકેનું જીવન મળે એ ફક્ત આદર્શ નથી. આખી સ્થિતિના ઉકેલનો અગત્યનો મુદ્દો છે.
ચાર મહિના સુધી માઓવાદીઓના આધિપત્યમાં રહેલા અને કેન્દ્રિય અર્ધલશ્કરી દળોના આશરે ૧,૫૦૦ જવાનોની કાર્યવાહી પછી સરકારને પાછા મળેલા લાલગઢનો એ બોધપાઠ પણ છે.