ગયે વર્ષે લિયો ટોલ્સટોય લિખિત ‘War and Peace’ વાંચતાં મહિનાઓ થયા. તેમાંની કૌટુંબિક આંટીઘૂંટીઓ સમજતાં, રાજકીય કાવાદાવાઓના સ્તર ઉકેલતાં અને પાંચસોથી અધિક નાયક-નાયિકાઓના પરસ્પરના સંબંધોની ગૂંચ ઉકેલતાં કદાચ શેષ જીવન પણ ટૂંકું પડે તેવું છે. પાંચ પુસ્તકોમાં વહેંચાયેલ આ મહાનવલ લગભગ 1,650 પાનાંનો દળદાર ગ્રંથ છે જે દિલચસ્પ કહાણીઓથી ભરપૂર છે. જો કે તેનો મુખ્ય હેતુ ઈ.સ.1812ની આસપાસ નેપોલિયન બોનાપાર્ટની રશિયા સાથેની લડાઈનું આલેખન કરવાનો હતો.
‘War and Peace’ના વાચનની અતિ દીર્ઘ યાત્રા દરમ્યાન કેટલાક વિચારમૌક્તિકો લાધ્યાં, જે આજના યુગમાં પણ આપણને ઇતિહાસ કેવી રીતે રચાય છે અને તેમાં શાસકો અને શાસિતોનો શો હિસ્સો હોય છે તે વિષે વિચારતા કરે તેવાં છે.
બબ્બે વિશ્વયુદ્ધો થયાં તે પહેલાં અને ત્યાર બાદ પણ અનેક યુદ્ધો ખેલાયાં. મુલકો જીતાયા અને હારી બેસાયા. લાખોના જાન લેવાયા અને અપાયા. હજુ જાણે તેનો અંત ક્ષિતિજમાં નથી ભળાતો; ઊલટાનું સારાયે વિશ્વમાં જાતિગત અને ધર્મગત સંકુચિતતા ફૂંફાડો મારતી ડંખ ભરીને માનવતાને ઝેરીલી બનાવી રહી છે. યુ.એન.ની સ્થાપના 1945માં થઇ. હેતુ હતો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શાંતિ અને સલામતી જાળવવાનો, અલગ અલગ દેશો વચ્ચે મૈત્રીભર્યા સબંધો વિકસાવવાનો, તથા રાષ્ટ્રો વચ્ચેના સંઘર્ષોને સહકાર અને સુલેહથી નિપટાવવાનો. સાથે સાથે માનવ અધિકારોનું રક્ષણ થાય, આંતરરાષ્ટ્રીય કાનૂનોની જાળવણી થાય અને ટકાઉ વિકાસની તરાહ અપનાવાય તે જોવાની નેમ પણ હતી. યુ.એન. દ્વારા ઘણાં વિધાયક કાર્યો થયાં છે જેને પરિણામે વિશ્વના ઘણા દેશોને લાભ થયો જ છે. છતાં એ પણ હકીકત છે કે યુ.એન.ની સ્થાપનાનો મતલબ એ થવો જોઈતો હતો કે ઈ.સ.1945 પછી કોઈ પણ બે દેશો વચ્ચે રાજકીય મુદ્દા પર સશસ્ત્ર સંઘર્ષ ગેરકાયદેસર ગણાવો જોઈએ. પરંતુ હકીકતે બે કે તેથી વધુ દેશો વચ્ચે અને ઘણા દેશોમાં આંતરિક હિંસક સંઘર્ષોની સંખ્યા વધી છે. એ જોઈએ ત્યારે લિયો ટોલ્સટોયનાં કેટલાંક વિધાનો અને સમજૂતી પર નજર નાખવી ઉપયુક્ત થશે.
2019માં બ્રિટન બાકીના યુરોપ સાથેના ગઠનથી મુક્ત થઇ જશે. કેટલાક વાચકોને જાણ હશે કે યુરોપને એકસૂત્રે બાંધવાની મુરાદ નેપોલિયનની પણ હતી. ઈ.સ.1812માં રશિયા સાથેના યુદ્ધ સમયે નેપોલિયન બોનાપાર્ટ કહેલું, “રશિયા સામેની લડાઈ આધિનુક યુગની સહુથી વધુ લોકપ્રિય લડાઈ સિદ્ધ થવી જોઈએ, કેમ કે એ સારા હેતુ સાથે ખેલાયેલો સર્વના ભલા અને સલામતી માટેનો જંગ છે. એ યુદ્ધ ખરેખર શાંતિ સ્થાપવા અને તત્કાલીન યુગની અનિશ્ચિતતા દૂર કરી સુરક્ષા લાવવા માટે લડાયેલું.” હવે તેનો એ હેતુ સિદ્ધ ન થયો કેમ કે શાંતિ સ્થાપવા માટેનું સાધન હિંસક હતું એ અલગ બાબત છે. આગળ જતાં નેપોલિયને એમ પણ કહેલું કે યુરોપની એકતા માટેનો નકશો તો દોરાઈ ગયેલો હતો જ, જરૂર હતી માત્ર બધા રાજ્યોએ એક કુટુંબની માફક સાથે મળીને એકબીજાના હિતોનો વિચાર કરવાની. તેમને મન યુરોપ થોડા સમયમાં ગંઠિત થઇ જવાનું હતું કે જેથી એ તમામ દેશના નાગરિકો ગમે ત્યાં સફર કરે તો પોતે એક જ પિતૃભૂમિનું સંતાન છે એવું અનુભવી શકે. યુરોપિયન યુનિયન એ નેમ પર જ રચાયેલું એ સમજી શકાય. નેપોલિયનને એવી મહેચ્છા હતી કે બધી નદીઓનાં નીર સર્વને પોષે, દરિયાઓ સહિયારી માલિકીના હોય અને મજિયારું લશ્કર માત્ર યુરોપના સીમાડાઓની રક્ષા ખાતર જ કામ કરતું હોય. આથી જ તો કદાચ તેઓ જ્યારે પોતાના મહાન, સુંદર, શાંતિપૂર્ણ છતાં શક્તિશાળી એવા ફ્રાન્સ પરત થાય ત્યારે તેના પોતાના સીમાડાઓ પર કાયમી સીમારેખાઓ ખેંચી લે, યુરોપના બધા દેશોને ભવિષ્યમાં માત્ર આત્મ સુરક્ષા માટે જ લડત કરવાનું ફરમાન કરે, અને વધુ શક્તિશાળી બનવાની તમામ મહેચ્છાઓને દેશના હિત વિરોધી જાહેર કરે એવી તેમની ધારણા હતી. નેપોલિયનને તો પોતાના પુત્રને સામ્રાજ્યની ધુરા સંભાળવા તૈયાર કરવાના, પોતાની આપખુદ સત્તાનો અંત લાવીને બંધારણીય શાસન લાવવાના સોણલાં પણ આવેલાં. તેમની આ મહેચ્છા યુરોપિયન યુનિયન રચાયા છતાં પૂર્ણ ન થઇ. કદાચ સંભવ છે કે બબ્બે વિષયુદ્ધો બાદ વેપાર અને ના-યુદ્ધના કરારો થયેલા, જેને પરિણામે પ્રમાણમાં શાંતિ જળવાઈ રહી જે હવે જોખમમાં મુકાઈ રહી છે.
યુરોપને એકસૂત્રે બાંધવાનું સ્વપ્ન જે ઓગણીસમી સદીની શરૂઆતમાં સેવાયેલું તે સાકાર છેક 1972માં બન્યું અને તે પણ બે મહાવિનાશક વિશ્વયુદ્ધો અને તેની આગળ-પાછળની નાની મોટી લડાઈઓ બાદ. હવે જ્યારે ચાર દાયકાઓ બાદ ગઠનની નાવમાં કાણું પડી રહ્યું છે ત્યારે ઘણા શાણા માણસોને ભવિષ્યમાં યુદ્ધો થવાની સંભાવનાઓ દેખાઈ રહે તે વ્યાજબી છે. એકતા=સ્થિરતા=શાંતિ એ સૂત્રો માનવ જાત હજારો વર્ષના અનુભવો પરથી સમજી શકી છે, જરૂર છે તેનો અમલ કરવાની.
આજે હવે રાજાશાહી નામશેષ થઇ છે, ઝાર કે સમ્રાટો નથી રહ્યા જો કે તેમનો મુખવટો બદલાયો છે, નામ બદલ્યાં પણ કામ એ જ રહ્યાં તેમ લાગે છે. હજુ પણ આંતરિક ઘર્ષણો અને આતંરરાષ્ટ્રીય લડાઈઓ ચાલ્યા કરે છે. બધા ઇતિહાસવિદો એ હકીકત સાથે સહમત થાય છે કે બે દેશો વચ્ચેના સંઘર્ષ લડાઈમાં પરિણમે છે. સરવાળે એ દેશોની રાજકીય ક્ષમતા વધે કે ઘટે. અહીં ટૉલ્સ્ટૉયની વિમાસણ આપણા મનની વાત કરે છે એ જોઈએ. તેમનું કહેવું એમ હતું કે કોઈ એક સમ્રાટને બીજા રાજા સાથે ઝઘડો થાય, તો એ એક લશ્કર ઊભું કરે, દુ:શ્મનના સૈન્ય સામે લડે, તેના પાંચ-દસ હજાર સૈનિકોની હત્યા કરે જેને વિજય ગણાવે અને બદલામાં દુ:શ્મનના લાખો લોકો પર પોતાનો કબજો જમાવે એ ક્યાંનો ન્યાય? કોઈ દેશની કુલ વસતીના દસમા ભાગની સંખ્યાના સૈનિકો લશ્કરમાં હોય છે. હવે એટલી નાની સંખ્યા લડાઈ જીતે અને હારે તે દેશના લાખો-કરોડો લોકો પોતાની સ્વાયત્તતા ગુમાવી બેસે એ માની ન શકાય તેવી કઠિન વાસ્તવિકતા છે. આજે રાજા-મહારાજાઓ અને ઝારનું સ્થાન વડાપ્રધાનોએ અને પ્રેસિડેન્ટે લીધું છે એ સ્પષ્ટ જોઈ શકાય. નહીં તો યુ.એસ.એ.ના એકમાત્ર પ્રેસિડેન્ટની મનોકામના પૂર્ણ કરવા અસંખ્ય કારીગરો થોડા મેક્સિકોની સરહદે દીવાલ બાંધવા હાથ દેવરાવે?
હવે જો સત્તાના પિરામિડની ટોચ પર બેઠેલ એક વ્યક્તિના હુકમથી સમગ્ર સૈન્ય બળ અન્ય દેશ સામે શસ્ત્ર સંગ્રામ કરવા ઉદ્દીપ્ત થાય તો સહેજે સવાલ થાય કે એમ કરવા પાછળ એ સૈનિકોનો શો ઉદ્દેશ હોઈ શકે? એક મત પ્રમાણે તેઓ માટે તો સૈન્યમાં ભરતી થવું એ પણ વ્યવસાયનો એક પ્રકાર છે અને તે સમયે લીધેલ પ્રતિજ્ઞા મુજબ તેઓ તો માત્ર ઉપરી અધિકારીઓની આજ્ઞાનું પાલન કરે છે. આવી ધારણા સેવતા લોકો ‘યુદ્ધ અને શાંતિ’ વાંચે તો ખ્યાલ આવશે કે રશિયાના લશ્કરે બે ચાર ઠેકાણે શિકસ્ત ભોગવેલી ત્યારનું ટૉલ્સ્ટૉયનું સૈનિકોના વિચારોનું વર્ણન દિલને કંપાવી જાય તેવું છે. તેઓ લખે છે, “વરસાદનાં ટીપાં મૃત અને ઘવાયેલા સૈનિકોના શરીર પર, ડરી ગયેલા અને થાકેલા-હારેલા વીર જવાનો પર પડવાં લાગ્યાં. જાણે એ ટીપાં કહેતાં ન હોય; ‘બસ કરો હવે જવાનો! હદ થઇ! ઊભા રહો, પોતાની જાતનો વિચાર કરો! શું કરો છો તમે?’. બંને છાવણીના સૈનિકો એક સરખા ભૂખ અને તરસથી પીડાતા જાણે કે શંકા કરવા લાગ્યા કે શું તેમણે એક બીજાની હત્યા કરવાનું ચાલુ રાખવું જોઈએ? તેમના ચહેરાઓ પર પ્રશ્નાર્થનો ભાવ વંચાતો હતો, “કયા કારણસર અને કોને માટે અમે આટલા સૈનિકોને હણીએ છીએ અને પોતાની જાતનું બલિદાન આપીએ છીએ?” એ લોકો જાણે એકબીજાને કહેવા ચાહતા હતા, “તારે જેને મારવો હોય તેને માર, પણ હવે હું આ કૃત્ય કરવા લગીરે તૈયાર નથી.” જો દેશભક્તિ દર્શાવવાનો માર્ગ સૈન્યમાં ભરતી થવાનો છે એવો પ્રચાર કરવાનું બંધ કરીએ અને શહાદતને ઉજમાળી બનાવવાનું રોકીએ તો આજે અનેક યુવક-યુવતીઓ યુદ્ધ છેડવાના આદેશો આપનાર આગેવાનોને સવાલ કરી શકે કે તેઓ એટલા મોટા પાયા પર હિંસા કરવા-કરાવવાનાં કૃત્યને કઈ રીતે વ્યાજબી ઠરાવી શકે?
એક જમાનામાં રાજ્યવિસ્તાર માટે અથવા તો નાના રાજ્યો પર પોતાની સત્તા જમાવવા માટે યુદ્ધો થતાં. ધર્મને નામે તેના ફેલાવા માટે ચડાઈઓ થતી. હવે લોકશાહીના યુગમાં એ બંને કારણો લડાઈ માટે ન્યાયી નથી ગણાતા એટલે કોઈ અમુક દેશનો વડો ક્રૂર છે કે ત્યાં લોકશાહી શાસન તંત્ર ન હોવાને કારણે આતંકવાદ ફેલાય છે તેવા પ્રચારના ઓઠા હેઠળ બીજા દેશોમાં ઘૂસણખોરી વધી છે. આ બાબતમાં પણ ટૉલ્સ્ટૉયના વિચારો સમજવા યોગ્ય છે. તેમણે લખ્યું છે : જો 19મી સદીની શરૂઆતમાં થયેલ યુરોપિયન લડાઈઓનો હેતુ રશિયાને વધુ શક્તિશાળી બનાવવાનો હતો તો એ મકસદ તો બાકીની અનુગામી લડાઈઓ ખેલાયા વિના અને બીજા દેશોમાં ઘુસણખોરી કર્યા વિના પણ પૂરો કરી શકાયો હોત. જો એ યુદ્ધ પાછળનો ઈરાદો ફ્રાન્સને વધુ પ્રભાવશાળી બનાવવાનો હતો તો એ પણ ક્રાંતિ કર્યા વિના કે સામ્રાજ્ય ઊભું કર્યા વિના સિદ્ધ કરી શકાયો હોત. નવા વિચારોનો પ્રસાર કરવાનો હેતુ છાપખાનાંઓએ લડાઈ કરતાં વધુ સારી રીતે પાર પાડ્યો હોત. સંસ્કૃિતને પ્રગતિશીલ બનાવવાનું કાર્ય માનવ સંપત્તિ અને જાન-માલના નુકસાન કરવાને બદલે બે પ્રજાઓની જીવન રીતિઓનાં આદાન-પ્રદાનથી વધુ અસરકારક અને ઝડપથી સફળ રીતે કરી શકાય છે. આ બધી હકીકતો જાણતા હોવા છતાં હજુ પણ હિંસક સંઘર્ષોનો અંત નથી આવતો. નાની મોટી લડાઈઓ, પછી ભલે તે દસ-વીસ વર્ષ ચાલે કે એંસી-સો વર્ષ સુધી લંબાય, તે દરમ્યાન મોટી સંખ્યાનાં ખેતરો ખેડાયા વિના પડ્યાં રહે, આવાસો ભસ્મીભૂત થાય, વેપારની દિશા બદલી જાય (પ્રથમ અને ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન બ્રિટન સહિત યુરોપના દેશોનો મુખ્ય ઉત્પાદક અને ખરીદ-વેચાણનો ધંધો શસ્ત્રાસ્ત્રોને લગતો જ હતો), લાખો લોકો સ્થળાંતર કરે, કેટલાક ધનવાન બની જાય અને મોટા ભાગના નિર્ધન બને અને જે લાખો-કરોડો લોકો એકબીજા સાથે પ્રેમથી જીવન નિર્વાહ કરતા હોય તે એક બીજાના ગળાં રહેંસી નાખવા તત્પર બને. શા માટે? આ બધાનો અર્થ શો? શા માટે આવી ક્રૂરતા આચરવામાં આવે છે? પોતાના જ દેશબંધુઓના ઘર બાળવા અને હત્યા કરવા તેમને કોણ પ્રેરે છે? આવી ઘટનાઓ પાછળ કયા કારણો હોય છે? કઈ શક્તિ માણસને આવા જઘન્ય કૃત્યો તરફ હડસેલે છે? કઈ શક્તિ આટલી મોટી સંખ્યાના લોકોને ગતિમાન બનાવે છે? અઢાર -ઓગણીસમી સદીની વાત કરીએ તો શું કોઈ એક રાજા કે સમ્રાટનો હુકમ પૂરતો થઇ પડે છે કે વીસમી અને એકવીસમી સદીની વાત કરીએ તો શું કોઈ એક વડાપ્રધાન કે પ્રેસિડેન્ટનો નિર્ણય માન્ય ગણાય છે કે પછી કોઈ લેખકોના લખાણ ઉશ્કેરણી આવા યુદ્ધોનું કારણ બનતા હોય છે?
કરુણતા એ છે કે કોઈ રાજા કે સમ્રાટ અથવા વડાપ્રધાન કે પ્રેસિડન્ટ એક શબ્દ ઉચ્ચારે અને હજારો સૈનિકો શસ્ત્રો લઈને લડવા નીકળી પડે એ પરિસ્થિતિથી આપણે એટલા ટેવાઈ ગયા છીએ કે એમ શા માટે બને છે એવો પ્રશ્ન પૂછવો તે પણ અર્થહીન લાગે છે. જેને સત્તા સોંપવામાં આવે છે એ હુકમ કરે તેમ થાય. બહુ બહુ તો કેટલાક કર્મશીલોની આગેવાની હેઠળ દેખાવો યોજાય. સરકાર પ્રજાને કાલ્પનિક ભયથી ભડકાવે અને જંગ ખેલાયા વિના ન રહે. જો આપણે એમ માનીએ કે દેશના વડાને ભગવાને એ સત્તા ભોગવવાનું વરદાન આપ્યું છે તો આ જવાબથી સંતોષ થાય. પણ જે ક્ષણે સત્તારૂઢ વ્યક્તિ કે સમૂહને આવો અબાધિત અધિકાર નથી એમ સ્વીકારીએ તો પછી બીજા પર સત્તા જમાવવી કે બળ-શક્તિનો ઉપયોગ કરવાનો અધિકાર તેમનો નથી જ એવી પ્રતીતિ થાય. શું આમપ્રજાની ઈચ્છા અન્ય પ્રજાજનોની કતલ કરવાની કે લૂંટવાની હોય છે? કોઈ દેશનો ઇતિહાસ થોડા માણસોના જીવનમાં સમાપ્ત નથી થઇ જતો હોતો, કેમ કે એ ચપટીભર સૈનિકો કે દેશના વડા વચ્ચે કોઈ સમાન સેતુ નથી હોતો. આપણી પાસે રાજાઓ અને લેખકોના ઇતિહાસ છે, પણ સામાન્ય જનના જીવનનો ઇતિહાસ નથી હોતો અને તેથી જ તો જંગ સેનાઓ વચ્ચે રાજ્યના વડાઓના હુકમથી ખેલાય છે, દેશની પ્રજાઓ વચ્ચે નહીં.
લડાઈઓ લડવાની બંધ થાય તે માટે આપણે-પ્રજાજનો મોં વકાસીને જે તે દેશના પદાધિકારીઓ સામે જોતા રહીએ છીએ. ખરું જોવા જઈએ તો લશ્કરમાં સહુથી નીચી પાયરીએ જે સૈનિકો હોય છે તે હજારોની સંખ્યામાં હોય છે, કોર્પોરલ અને ઓફિસર્સ તેનાથી ઓછી સંખ્યામાં હોય છે. જેમ જેમ પદ ઊંચું તેમ તેમ અધિકારીઓની સંખ્યા નાની. છેવટ સહુથી ઉચ્ચ પદાધિકારી તો એક જ હોય. હવે મેદાન પર લડે છે કોણ? સૈનિકો. તેના ઉપરી અધિકારીઓ ક્યારેક મોરચા પર આવીને ફરજ બજાવે, પણ કમાન્ડર કે મેજર અને રાજા કે પ્રેસિડન્ટ તો ક્યારે ય યુદ્ધ ભૂમિ જોતા નથી હોતા. ઇરાક સામેની લડાઈમાં અમેરિકાના પ્રેસિડેન્ટના સુપુત્ર કે યુ.કે.ના વડપ્રધાનના કબીલામાંથી કયો નરબંકો રણમેદાનમાં જાન ફના કરવા ગયેલો? જો સત્તાધારીઓ કે તેમના સંતાનોના જીવ જોખમમાં મુકતા હોત તો તેઓ યુદ્ધનું રણશિંગું ફૂંકતા હોત ખરા? આવું જ જીવનનાં બીજાં ક્ષેત્રો જેવાં કે ખેતી, વહીવટ અને વેપારમાં જોવા મળે છે. જેને સત્તા સોંપવામાં આવી હોય છે તે ઓછામાં ઓછું કામ કરે અને પાયાનું કામ કરનારને કોઈ નિર્ણય લેવાની કે પોતાને સલામત રાખવાની સ્વતંત્રતા નથી હોતી. આમાં ન્યાય ક્યાં આવ્યો? ખરેખર જે હુકમો આપે તે લડાઈ કે બીજા હિંસક બનાવો કરવા માટે જવાબદાર ગણાય, પણ ખરું જોતાં જે લોકો એ સત્તાધારી હુકમને તાબે થાય છે તેઓ વિનાશક યુદ્ધ માટે જવાબદાર હોય છે. હકીકતે કમાન્ડર અને સૈનિકો કે જમીનદાર અને ખેતમજૂરો એમ હુકમ આપનાર અને ઉઠાવનાર બંનેના પરસ્પરના સાથ વિના કોઈ કાર્ય સંભવ નથી હોતું. આથી જ તો હવે જનતાએ યુદ્ધ અને શાંતિ વચ્ચે ચયન કરીને પોતાનો સહકાર સરકારી નિર્ણયને આપવો કે નહીં તે નક્કી કરવાનો સમય આવી ગયો છે.
જરા યાદ કરીએ, પહેલા વિશ્વયુદ્ધનાં મંડાણ કેવી રીતે થયાં? Garvilo Princip નામના બોસ્નિયામાં વસતા એક સર્બ દેશભકતે સારાયેવોમાં ઓસ્ટ્રિયાના આર્ચ ડ્યુક Franz Ferdinandની તા. 28 જૂન 2014ને દિવસે હત્યા કરી. આની પાછળ સર્બિયાના આતંકવાદી જૂથ Black Handનો હાથ હતો. ઓસ્ટ્રિયા-હંગેરીએ સર્બિયાને પડકાર્યા. આગળ જતાં એક તરફ ફ્રાન્સ, રશિયા અને બ્રિટનનું જૂથ અને બીજી તરફ જર્મની, ઓસ્ટ્રિયા-હંગેરી અને ઈટાલીના જૂથ મેદાને પડ્યાં, જેમાં પછીથી જપાન અને અમેરિકાએ સાથ આપ્યો. 27 જુલાઈ 1914થી 11 નવેમ્બર 1918 સુધી ચાલેલી આ લડાઈઓમાં આશરે 70 મિલિયન સૈનિકો સામેલ થયા, 9 મિલિયન સૈનિકો અને 7 મિલિયન નાગરિકો અંદાજે માર્યા ગયા. ત્યાર બાદ થયેલ જેનોસાઇડ, દુનિયા આખીમાં ફેલાયેલ ઇન્ફ્લ્યુએન્ઝા રોગોથી 50થી 100 મિલિયન જેટલા લોકો માર્યા એ જુદા. આ લડાઈનો શો ફાયદો થયો?
માત્ર 21 વર્ષમાં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું, જાણે કેમ પહેલાં લડી ચૂકેલા દેશોને થયું હોય, ‘અરે, પહેલા યુદ્ધમાં ખૂબ મજા આવી, ફાયદો થયો, ચાલો આપણે બીજું યુદ્ધ કરીએ’! જર્મનીએ કોઈ રાજકીય ઉશ્કેરણી વિના પોલેન્ડ પર 1 સપ્ટેમ્બરના આક્રમણ કર્યું. બ્રિટનના તત્કાલીન વડાપ્રધાન નેવિલ ચેમ્બરલેઈને જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું. બધી લડાઈઓનો અંત લાવવા શરૂ થયેલ આ યુદ્ધમાં કુલ 30 દેશોમાંથી લગભગ 100 મિલિયન સૈનિકો જોડાયા. બધા દેશોએ પોતાની આર્થિક, ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક શક્તિઓ યુદ્ધને વધુ અસરકારક બનાવવા પાછળ જોડી. 50થી 85 મિલિયન સૈનિકો અને નાગરિકો મરાયા હોવાના આંકડા મળી આવે છે. સહુથી વધુ જાનહાનિ રશિયા અને ચીનમાં થઇ. યુદ્ધ દરમ્યાન અને ત્યાર બાદ થયેલ સામૂહિક હત્યાઓ, હોલોકોસ્ટ, જેનોસાઇડ, યોજના પૂર્વકના બોમ્બાર્ડમેન્ટ, ભૂખમરા અને રોગચાળામાં જાન ગુમાવેલાના સાચા આંકડા મળવા મુશ્કેલ. દુનિયાના એકમાત્ર અણુબૉમ્બનો ઉપયોગ ત્યારે થયો. યુરોપના મોટા ભાગના દેશો પાસે એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો હતાં તેથી જે દેશોને આ ઘટના સાથે સીધી લેવા દેવા નહોતી તેવા ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ભારત જેવા દેશોએ ખૂબ ભોગ આપ્યો. પરિણામ? શાંતિ અને સલામતી સ્થપાયાં ખરાં? ન્યાયી રાજ્યતંત્ર અમલમાં આવ્યાં કે?
જે લોકો શિક્ષણ મેળવવા સદ્ભાગી બન્યા છે, જેમને વિજ્ઞાન અને ટેક્નોલોજીના ફાયદાઓ મળતા થયા છે તેવા લોકોએ નિર્ણય લેવાનો છે, આપણે કયો માર્ગ અપનાવવો છે શસ્ત્રોના ઉત્પાદન અને વેંચાણ દ્વારા યુદ્ધનો કે નિ:શસ્ત્ર થઈને તે દ્વારા શાંતિનો. ટોલ્સટોય કહે છે તેમ નિર્ણય લેતા પહેલાં પરિસ્થિતિને તટસ્થ રીતે સમજવી પડે. કોઈ પણ પરિસ્થિતિને સમજવા, નિરીક્ષણ કરવા અને તેના પરથી તારણ કાઢવા માણસે સહુથી પ્રથમ પોતે એક સજીવ પ્રાણી છે એ વિષે જાગૃત રહેવું જોઈએ. અને એ તો તો જ શક્ય બને જો તે પોતાની ઈચ્છા મુજબ વર્તી શકે. એ ઇચ્છાશક્તિ જ તેના જીવનનો અર્ક છે જેનાથી તે એક સ્વતંત્ર વ્યક્તિ છે એમ અનુભવી શકે. આજના યુગમાં જાણે યુવાનો અને અનુભવીઓ પોતાની ઇચ્છાશક્તિ ગીરવે મૂકીને ટોળાંશાહીના સભ્ય બની બધા નિર્ણયો સ્વાર્થપટુ રાજકારણીઓ પર છોડી દેવા લાગ્યા છે.
માનવ માત્ર પોતે અને પોતાના લોકોને સુખી કરવા મથતો હોય છે અને નાના મોટા સંઘર્ષો અને યુદ્ધો પણ તેનો જ એક હિસ્સો હોઈ શકે એમ ઘડીભર માની લઈએ. તો પણ સુખ કોને કહેવું એ વિચાર માંગી લે તેવો વિષય છે. ‘યુદ્ધ ને શાંતિ’ નવલકથાનું એક પાત્ર Pierre – પિએર યુદ્ધકેદી હતો, ત્યારે અન્ય કેદીઓ સાથે જીવતાં તેને ભાન થયું કે માનવ મૂળે તો સુખી થવા સર્જાયો છે. સુખ પોતાના અંતરમાં અનુભવાય છે અને તે પણ સાવ સાધારણ મૂળભૂત જરૂરિયાતોના સંતોષાવાથી. અને દુઃખનાં મૂળ એ જરૂરિયાતોના આભવાથી નહીં પણ તેની અત્યાધિકતાથી પેદા થતું હોય છે. તેને એ પણ શીખવા મળ્યું કે આ દુનિયામાં એવું કશું સંપૂર્ણપણે સારું નથી, એવી કોઈ સ્થિતિ નથી જેમાં માનવી સંપૂર્ણપણે ખુશ અને તદ્દન સ્વતંત્ર હોય અને એથી જ તો એવી એક પણ ભયંકર પરિસ્થિતિ ન હોઈ શકે જ્યારે એ દુઃખી હોય અને મુક્ત ન હોય. જો ટૉલ્સ્ટૉયના આ પાત્રને થયેલ આત્મજ્ઞાનને સ્વીકરીએ તો દરેક વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રએ પોતાની સીમામાં રહીને પ્રાપ્ત સંસાધનોનો બહુજન હિતાય સદુપયોગ કરી મૂળભૂત અને થોડી મોજશોખની જરૂરિયાતો પૂરી થાય આવી જીવન પદ્ધતિ અપનાવવી રહી. દેશના, રાજકીય પક્ષના કે ધર્મના વડાઓના દોરવ્યા દોરવાઈને આક્રમક કે હિંસક માર્ગે કોઈ પ્રકારનું સુખ મેળવવાની લાલસા ત્યાજ્ય ગણાય એવું ભાન થશે ત્યારે ખરી વિશ્વશાંતિ સ્થપાશે.
(મુખ્ય સ્ત્રોત : War and Peace by Leo Tolstoy)
e.mail : 71abuch@gmail.com