માર્ચ 2020થી કોરોનાનો કેર વર્તાયો. લોકડાઉન શરૂ, વ્યવસાયો અને પ્રવૃત્તિઓ બંધ. વીડિયો કોલ અને ઝૂમ દ્વારા વાર્તાલાપ શરૂ, પ્રત્યક્ષ પરિવાર મિલન બંધ. આવી સ્થિતિમાં વાંચવાનું વધુ બન્યું. સ્વાભાવિક છે કે માંદગી, રોગ અને મૃત્યુના સમાચારોથી વાતાવરણ ઉદાસીથી છવાયેલું રહ્યું. તેવામાં જીવનનો હેતુ શો, કેટલું જીવવું હિતાવહ છે, મૃત્યુ કેવા સંયોગોમાં આવે તે ઇચ્છનીય છે, જો પથારીવશ થઈએ તો શું થાય, વગેરે જેવા વિચારોએ મન પર કાબૂ જમાવ્યો. તેમાં ય ઓન્કોલોજીસ્ટ અને બાયોએથિલિસ્ટ ડૉ. એઝેકીલ જે. ઇમન્યુએલનો Why I hope to die at 75 એ લેખ વાંચવામાં આવ્યો, અને મન ચકરાવે ચડ્યું.
‘હું 75 વર્ષની વયે મૃત્યુ પામવા ઈચ્છું છું.’ એવું જો આપણામાંથી કોઈ કહે, તો વડીલો કહેશે અમારા ‘શતમ્ જીવ શરદઃ’ના આશિષનું શું થશે? ભાઈઓ-બહેનો કહેશે, એવી ઉતાવળ શાને માટે? તબિયત તો સારી રહે છે. સંતાનો કહેશે, મા, પાપા, હજુ તમારે દુનિયામાં ઘણું જોવાનું બાકી છે, અમારાં સંતાનોને તમારા જીવનની વાર્તાઓ કહેવાની બાકી છે, આવો વિચાર જ કેમ આવે છે તમને? આમ કહી તેઓ શાકભાજીનો ભાવતાલ કરે તેમ આપણને 75ને બદલે 85 કે 95 વર્ષના આયુ સુધી જિજીવિષા લંબાવવાની આજીજી પણ કરે કદાચ!
મૃત્યુ જે વ્યક્તિને આપણી વચ્ચેથી છીનવીને લઇ જાય છે તેમની ખોટ બાકીના પરિવારજનોને જરૂર પડે છે. જનારને કેટલીક મધુર અનુભૂતિઓ, કેટલાક માઇલ્સ સ્ટોન્સ અને પ્રિયજનો સાથે ગાળવાની ગમતી ક્ષણો અધૂરી રહી જાય છે એ ખરું. જેઓ એવા સ્વજનો સાથે પ્રયાણ નથી કરતા તેમના જીવનમાં એક ન પુરાય તેવો અવકાશ સર્જાય છે એ વધુ સાચું છે. પરંતુ આપણામાંથી કેટલા એવું વિચારશે કે કુદરતની ઈચ્છાથી વધુ લાંબા સમય સુધી જીવન લંબાવાથી પણ ખોટ જાય છે?
કોઈ કહી શકશે કે આ તે કેવી બેહૂદી વાત છે? આ હકીકત આપણે જાણીએ છીએ કે અમુક ઉંમરની સીમા પાર કરીએ ત્યારે જો શરીર અપંગ અવસ્થા ન ભોગવવા લાગે તો પણ જરૂર તેની ક્ષમતાઓ ઓછી થવા લાગે એ પૂરેપૂરું સંભવ છે. એ અવસ્થા મૃત્યુ જેવી દુઃખદ નથી, પણ તેમ એ આપણને ઘણી પ્રવૃત્તિઓથી વંચિત પણ કરનારી હોય છે. આપણે પરિવાર કે સમાજમાં કોઈ અર્થપૂર્ણ ફાળો આપી નથી શકતા. લોકોની આપણા તરફ જોવાની દ્રષ્ટિ બદલાય, એ લોકોનો આપણી સાથેનો વ્યવહાર બદલાય એ તો આપણા કરતાં વધુ વયસ્ક લોકો સાથેના અન્યોના વ્યવહાર ઉપરથી ઘણાએ નોંધ્યું જ હશે. જો જીવનને આધુનિક દવાઓ, ઓપરેશન્સ અને કૃત્રિમ સાધનોથી જીવિત રાખવાની ઘડી આવે તો આપણા સ્વજનો આપણને તન અને મનથી સ્વસ્થ, તેજસ્વી, અને હસતા બોલતા હોય તેવા પ્રિય જનની બદલે અશક્ત અને દુઃખી વ્યક્તિ તરીકે જ યાદ રાખી શકે. તે શું કોઈને પણ ગમે ખરું?
હિન્દુ ધર્મના સિદ્ધાંતો મુજબ માનવ જીવન ચાર આશ્રમોમાં વહેંચાયેલું છે. એ હિસાબે 75 વર્ષે મોટા ભાગનાં સ્ત્રી અને પુરુષોએ પોતાનાં સંતાનોને આર્થિક અને વ્યવસાયિક રીતે સ્થિર થયેલ જોઈ લીધાં હોય છે અને તેમના પછીની પેઢીને પણ ઉછરતી જોઈ લીધી હોય છે; જેને આપણે લીલી વાડી જોઈ તેમ કહીએ છીએ. તેમણે મન ભરીને પ્રેમ વહેંચ્યો હોય છે, તો સામે પક્ષે સહુના આદર-માનને પાત્ર પણ બન્યાં હોય છે. ઘણા ભાગના લોકોએ પોતે નિર્ધારેલ કાર્યો કરીને સમાજ પ્રત્યે પોતાનું ઋણ અદા કરીને પોતાનો ફાળો આપ્યો હોય છે. સામાન્ય રીતે આ ઉંમરે પહોંચેલ વ્યક્તિને મોતનો ડર નથી હોતો, તેમને શારીરિક કે માનસિક ઉપાધિઓનો ભય સતાવતો હોય છે કેમ કે તેનાથી તેઓ પરાવલંબી બની જાય અને દયનીય સ્થિતિ તેમની ગરિમા છીનવી લે તેની ચિંતા સતાવતી હોય છે. આ ઉંમરે જો કમભાગ્યે કોઈને જીવલેણ રોગ કે માંદગીનો ભોગ બનવું પડે તો મૃત્યુ એ યાતનામાંથી છુટકારો અપાવનાર બની રહે કેટલાકના સદ્ભાગ્યે શરીર અને મન સાબૂત હોય અને કિરતારનું તેડું આવે તો નિકટના પરિવારજનોને ઘણો આઘાત લાગે, પરંતુ વિદાય લેનાર માટે તેનાથી રૂડું શું? દરેક કમાનાર વ્યક્તિ દિવસના છ-આઠ કલાક કામ કરે ત્યાર બાદ ઘેર જાય છે ને? તો બ્રહ્મચર્ય, ગૃહસ્થ અને વાનપ્રસ્થાશ્રમની તમામ ફરજો બજાવીને તેમને સ્વધામ જવાનો હક્ક હોય જ ને?
જન્મ અને મૃત્યુ કુદરતના હાથમાં છે એ સુપેરે જાણીએ છીએ. જ્યારે આ દુનિયા છોડવાનો સમય આવશે ત્યારે એક પળ પણ વધુ માંગી ન શકીએ એ નક્કી છે અને તેને ટૂંકાવવા માટે પણ કોઈ પ્રયાસ ન કરવો જોઈએ. સવાલ એ છે કે આધુનિક મેડિકલ સગવડોનો ઉપયોગ કરીને જીવન વધુ પડતું લંબાવવું ઉચિત છે? જેને કોઈ હઠીલું દર્દ કે અપંગ કરી દેનારી અન્ય કોઈ તકલીફો ન હોય તેમણે આ વિચારો કરવાનો શો અર્થ? આ કોઈ હતાશ, નિરાશ કે પોતાની જાત પરનો કાબૂ ગુમાવીને પરવશ થઇ ગયેલ વ્યક્તિનો છટપટાટ નથી. તો આ વિચારોને પ્રગટ કરવા પાછળનો આશય કંઈક હોય.
ખરેખર તો આ લેખનું મથાળું ‘હું કેટલું લાંબુ આયુષ્ય ઇચ્છું છું’ એ હોવું જોઈતું હતું. જિંદગીના અમુક તબક્કે પહોંચ્યા બાદ જીવનને ટકાવવા અને સાજું રાખવા માટે કેટલાં ઉપકરણોનો આધાર લેવો, કેટલી દવાઓ લેવી, કેટલાં ઓપરેશનો કરાવવાં એ ઊંડો વિચાર માંગી લેતો વિષય છે. એ તમામ સારવાર અને ઉપચારોને અંતે જો જીવન પૂર્વવત્ થવાની સંભાવના હોય તો પણ મારા અસ્તિત્વને ટકાવવા પાછળ આટલાં બધાં સંસાધનોનો ઉપયોગ; કહોને કે ખર્ચ કરવાનો મને શો અધિકાર છે? કદાચ આપણે એ સગવડો કોઈ વધુ યુવાન અને જરૂરિયાતમંદ વ્યક્તિને મળતી અટકાવતા તો નથી, જેને હજુ પૂરી જિંદગી જીવવાની બાકી છે, જેમણે પોતાના પરિવારનું ભરણપોષણ કરવાની જવાબદારી છે અને સમાજને ઉપયોગી થવાનો તેનો કોલ હજુ પૂરો નથી થયો? જીવનને કોઈ પણ ભોગે લંબાવવાનું પાગલપન કેટલે અંશે યોગ્ય ગણાય?
આપણામાંના ઘણાએ નોંધ લીધી હશે કે આગલી પેઢીના વડીલો કહેતા હોય છે, ‘તમારા જેવડા અમે હતા ત્યારે આટલું આટલું કામ કરતા, પણ થાકી ન જતા અથવા અમને એવી કોઈ માંદગી નહોતી આવતી.’ ચેપી રોગોથી થતા મૃત્યુ નિવારી શકાય છે તેથી આયુષ્ય મર્યાદા વધી, પણ તેથી કરીને શું બધાની તંદુરસ્તી સારી થઇ કે વધુ ને વધુ દવાઓ ઉપર અવલંબિત થયાં ? ઘણાં વર્ષો જીવવું ઇચ્છવા યોગ્ય છે, પરંતુ એ છેલ્લાં વર્ષોમાં જીવનની ગુણવત્તા એટલી જ ઉચ્ચ રહેવા પામશે?
મારા-તમારા વડદાદાના જમાનામાં બાળ મરણનું પ્રમાણ ઘણું ઊંચું હતું. ચેપી રોગો થતા અટકાવવા માટેની રસી, એન્ટિબાયોટિક દવાઓ અને સારવાર પદ્ધતિમાં આવેલ સુધારાઓને કારણે બાળમરણનું પ્રમાણ ઘટ્યું, આયુષ્ય મર્યાદા વધી એ ખરું. પરંતુ 1960નો દાયકો વટાવ્યા બાદ નાની ઉંમરના લોકોની જિંદગી બચાવવાની હાલતમાં ઝાઝો ફેર નથી પડ્યો, પણ 60થી વધુ ઉંમરના લોકોની જિંદગાની લંબાઈ છે.
એક એવી માન્યતા છે કે આપણું આયુષ્ય જો 80 કે 90 વર્ષ સુધી લંબાય તો અપંગ પરિસ્થિતિનો સામનો પણ એટલી મોડી વયે કરવો પડે અને આપણે વધુ વર્ષો તંદુરસ્ત રહી શકીએ. તો શું ખરેખર આપણે પૂરી જિંદગી સાવ સજા નરવા રહી શકીએ અને અચાનક એક દિવસ આ ફાની દુનિયા છોડીને ચાલ્યા જઈ શકીશું? કોઈ જાતના દુખાવા, પીડા કે અસહાયતાનો અનુભવ નહીં થાય શું? માનવી અમરત્વ મેળવવા ઝંખે છે એનું આ એક સ્વપ્ન માત્ર છે, જેને સાચું પાડવા અનેક પ્રકારની સારવાર અને શરીરના કથળી ગયેલાં અંગોપાંગને બદલીને નવા બેસાડવાની પદ્ધતિઓ વિકસી છે.
આયુષ્ય મર્યાદા 50થી વધીને 70 વર્ષની થઇ છે, તો શું લોકો વધુ સ્વાસ્થ્યપ્રદ રહે છે? એવું જોવા મળે છે કે 65 વર્ષીય પિતા બગીચામાં કામ કરીને પૌત્રની સાથે ફૂટબોલ રમી શકે, અને 40 વર્ષનો પુત્ર બ્લડ પ્રેશર વધી ન જાય તે માટે દવાઓ લેતો હોય. તો એ પુત્ર જરૂર 90 વર્ષ સુધી જીવી જશે, પણ એ જરૂરી નથી કે તેને કોઈ શારીરિક ઉપાધિઓ નહીં નડે, ફર્ક માત્ર એટલો કે એ ઉપાધીઓને ટાળવા કે ભૂલવા દર્દ શામક, કહોને કે દર્દ મારક દવાઓ અને કૃત્રિમ હૃદય, કિડની, ફેફસાં વગેરે અંગોને શરીરમાં સ્થાપિત કરીને તેને આધારે જીવતો હશે. આજના યુગના નિવૃત્ત થયેલા લોકો તેમના પૂર્વસૂરિઓ કરતાં વધુ હલન ચલન કરી શકે છે, ઓછા અપંગ અવસ્થામાં જોવા મળે છે એ કદાચ ખરું, પણ એ તો આજથી પચાસેક વર્ષ પહેલાં જીવાદોરી ટૂંકી હતી એ પણ કારણ ન હોઈ શકે? આજે દિવ્યાંગ અને ડિસેબલ્ડ લોકોની સંખ્યામાં જરૂર વધારો થયેલો જોવા મળે છે. લંબાયેલ આયુષ્ય અને વૃદ્ધોના સ્વાસ્થ્ય અને જાતની સંભાળ રાખવાની શક્તિ વિષે અનેક અભ્યાસો થયા, જેનું તારણ એ નીકળ્યું કે આયુષ્ય મર્યાદા વધી, પણ તે કોઈને કોઈ પ્રકારના રોગ સાથે અને નિરોગી આયુષ્યની મર્યાદા ઘટી.
આ તો થઇ માત્ર શારીરિક મર્યાદાઓ અને માંદગી કે રોગગ્રસ્ત થવાની વાત. માનસિક રોગ જેવા કે હતાશા, ડિમેન્શિયા અને આલઝહાઇમર વગેરેથી પીડાતા વરિષ્ઠ નાગરિકો સમાજ માટે મોટી જવાબદારી રૂપ બની ગયા છે એનો પણ વિચાર કરવી ઘટે. જીવનનાં વર્ષો લંબાય, પણ તેની ગુણવત્તા પૂર્વવત્ ન રહી શકે એ અનુભવાય છે.
આજે જો કોઈને હાર્ટ એટેક આવે તો (જો તેની પાસે નાણાં પૂરતા પ્રમાણમાં હોય તો) તમને કાર્ડિયાક કેથેટરાઇઝેશન અને છેવટ બાયપાસ કરીને જીવિત રાખી શકાય. એવા દરદીઓ કેટલીક પ્રવૃત્તિઓ પૂર્વવત્ કરી શકે, પોતાના ઘરમાં સ્વતંત્ર રીતે જીવી શકે અને તેથી તેઓ ખુશ પણ હોય, પરંતુ તેમની ગતિ ઓછી થઇ જાય, મનની પ્રસન્નતા જતી રહે અને પરાવલંબન વધતું જાય એ સંભવ છે. એનો અર્થ એ કે આધુનિક સારવાર પદ્ધતિએ મૃત્યુની પ્રક્રિયા ધીમી કરી, પણ ઉંમરની વૃદ્ધિની પ્રક્રિયા ઓછી નથી કરી શકી. સામાન્ય રીતે હૃદય રોગ, કેન્સર, લકવાનો હુમલો, ડાયાબિટીસ કે આલઝઈમર જેવા રોગ કે બીમારીથી મૃત્યુ નીપજે તેને બદલે આપણે મોતને પાછું ઠેલીએ છીએ. લકવાનો દાખલો લઈએ. આપણે એટલી પ્રગતિ કરી છે કે લકવાને લીધે થતાં મૃત્યુમાં ઘણો ઘટાડો થયો છે. પણ તેનું બીજું પાસું એ છે કે જે લોકો મોતના મુખમાંથી બચી જવા પામે તેમાંના મોટા ભાગના કોઈ ન કોઈ અપંગ અવસ્થાના પિંજરમાં પુરાઈ જવા પામે છે. વાચા, દ્રષ્ટિ કે શારીરિક હલનચલન અથવા એ બધું જ ગુમાવીને પથારીવશ થઇ જતા હોય છે. આધુનિક રહેણીકરણી એવી છે કે જેમ જેમ નિદાન અને સારવાર પદ્ધતિમાં સંશોધનો વધ્યા અને સાધનો ઉપલબ્ધ થયાં તેમ તેમ લકવા અને અન્ય બીમારીઓને કારણે વધતી અપંગ અવસ્થામાં પણ વધારો થતો રહેશે તેવી આગાહી છે. આપણે આપણી આગલી પેઢી કરતાં વધુ વર્ષો જીવી શકીએ, પણ શરીર અને કદાચ મગજ પણ વધુ પરાધીન બને, તો એવું ઇચ્છવા યોગ્ય ખરું? સદનસીબે જો વ્યક્તિને ડિમેન્શિયા કે આલઝહાઇમર જેવી માનસિક બીમારી ન આવી પડે, તો પણ ઉંમર વધવાની સાથે મગજની વિચારવાની, નિર્ણય લેવાની અને પરિસ્થિતિને માપવાની શક્તિ ધીમી અને ઓછી થાય. યાદશક્તિ ઘટે. કોઈ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા મદદની જરૂર પડે. આપણી કોઈ કામ પર ધ્યાન આપવાની શક્તિ ઘટે, તો સામે પક્ષે કોઈ બાબતમાં જલદીથી ધ્યાન જતું પણ રહે. આ બધું જ સાબિત થઇ ચૂક્યું છે.
એક બીજો મુદ્દો ધ્યાનમાં લેવા યોગ્ય છે. વય વધતાની સાથે આપણી માત્ર શારીરિક અને માનસિક કાર્યોમાં ગતિ ધીમી પડવા લાગે છે એવું નથી, આપણી ક્રિયાશીલતા, નવું શીખવાની કે બનાવવાની શક્તિઓ પણ ક્ષીણ થવા માંડે છે. જો કે એમાં રવીન્દ્રનાથ ટાગોર અને વિનોબાજી જેવા અપવાદો જરૂર હોવાના. આલ્બર્ટ આઇન્સ્ટાઇને કહેલું કે જો કોઈ વ્યક્તિએ વિજ્ઞાનના ક્ષેત્રમાં તેની 30 વર્ષની ઉંમર સુધીમાં કોઈ મહત્ત્વનું પ્રદાન ન કર્યું હોય તો સમજી લેવું કે એ કદી નહીં કરી શકે. જો કે તેમની આ માન્યતા તદ્દન ખરી નથી ઊતરી. Dean Keith Simontonના સંશોધનના તારણ મુજબ સામાન્ય રીતે વ્યક્તિની કારકિર્દીની શરૂઆત થતાં જ વીસેક વર્ષ સુધી તેની ક્રિયાશીલતા ઝડપથી વિકસવા લાગે છે. તેની 40-45 વર્ષની ઉંમર થતાં એ વિકાસની ગતિ ધીમી પડવા લાગે. નોબેલ પુરસ્કાર માટે શોધખોળ કરનારાઓની (પુરસ્કાર મેળવનાર નહીં) ઉંમર સામાન્ય રીતે 48ની આસપાસ હોવાનું નોંધાયું છે. જો કે વિજ્ઞાન, સાહિત્ય અને કલાના ક્ષેત્રોમાં જુદી જુદી ઉંમરે આવી સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે. કેટલાક નસીબવંતા લોકો 75ની આયુ વટાવ્યા બાદ લખતા રહે, પુસ્તકો પ્રગટ કરે, ચિત્ર અને શિલ્પ કલામાં પારંગત થાય કે સંગીતમાં અદ્વિતીય સર્જન કરે એવા ય ઉદાહરણો છે, પરંતુ ઉંમર વધવાની સાથે ક્રિયાશીલતાનું ક્ષીણ થવું એ દરેક સમાજમાં પરાપૂર્વથી બનતી આવેલ કુદરતી પ્રક્રિયા છે.
સરેરાશ માનવીની દિમાગની શક્તિનો ⅔ ભાગ વણ વપરાયેલો રહે છે. મગજની જે શક્તિઓનો ઉપયોગ થાય તે તાજી રહે અને તેમાં વધારો થતો રહે અને બાકીની શક્તિઓ સમયાંતરે ક્ષીણ થઈને નાશ પામે. વય વધવાની સાથે આપણે ભૂતકાળના અનુભવો, વિચારો, લાગણીઓ અને ઘટનાઓ સાથે વધુ અનુસંધાન કરવા લાગીએ છીએ. નવા કાર્યો કે પ્રવૃત્તિઓ ન કરતા હોવાને લીધે કોઈ નવી સ્મૃતિ ઉદ્દભવતી નથી હોતી. અને તેથી જ તો હળવે હળવે નવા જોડાણો થવાની સીમા આવતી જાય.
પરંતુ જો દિમાગની એ શક્તિઓ ઓછી થાય તો આપણા પછીની પેઢીને બીજી રીતે માર્ગદર્શન આપીને ઉપયોગી થઇ શકાય, હંમેશ પોતે જ સક્રિય રહીને કોઈ ચોક્કસ પદ ઉપર કામ કરતા રહેવું જ શું જરૂરી છે?
આપણને ખ્યાલ પણ ન આવે એ રીતે સમય જતાં આપણે પોતાની શક્તિની મર્યાદામાં હોય તેવી જ પ્રવૃત્તિઓ હાથ ધરીએ અને જેમાં સફળતા નહીં મળે તેમ લાગે તે ઓછી કરતા જઈએ એવું બને છે. અને એમાં જ આપણે સંતોષ લઈએ તેમ બને. આપણે સ્વતંત્ર રીતે જીવન જીવતાં હોઈએ, પણ આપણું ફલક નાનું ને નાનું થતું જતું હોય છે. એક સમયે પોતાના વ્યવસાયમાં સફળ બનેલ વ્યક્તિ નિવૃત્તિ બાદ તરવા જવું, સાઇકલ ચલાવવી, પ્રવચનો આપવાં, પાર્ટીઓમાં જવું, નવા શોખ કેળવવા વગેરે જેવી નવી પ્રવૃત્તિઓમાં ખૂબ આનંદ લૂંટતા જોવા મળે. એ જ વ્યક્તિને થોડા સમય બાદ શારીરિક અને કદાચ માનસિક મર્યાદાઓ વધતાં પોતાના બગીચામાં બેસીને પુસ્તક વાંચતા, સંગીત સંભાળતા નથી જોયા? સદા યુવાન દેખાવું કે સતત ક્રિયાશીલ રહેવું એ જ એક માત્ર જીવનનો મકસદ નથી. પોતાના સંતાનો, અને તેમના પરિવારને શીળી છાયા આપવી એ પણ એક સતકર્મ છે.
વધુ પડતું લાંબુ આયુષ્ય ભોગવવાની લાલસા પાછળ આર્થિક પાસાનો પણ વિચાર કરવો રહ્યો. સાત કે આઠ દાયકાની જિંદગીનો આનંદ માણી લીધેલ હોય છતાં તેમની શતાયુ થવાની ઈચ્છા પૂરી કરવા તેમના પછીની પેઢીને તેના પોતાના સંતાનોનો ઉછેર તથા પ્રગતિ અને પોતાના વડીલોના સ્વાસ્થ્યની જાળવણી એ બે ફરજો વચ્ચે પસંદગી કરવાની આવે, જેમાં સમતુલા રાખવી કાયમ આસાન નથી હોતું. જો પોતાના માતા-પિતા તરફથી ત્રાસ ભોગવવો ન પડ્યો હોય તો કોઈ સંતાન તેમનું મૃત્યુ થાય એમ ન જ ઈચ્છે. તેમની વિદાયથી કદી પૂરી ન શકાય તેવી મોટી ખોટ પડે, આ બધું સાચું, પણ માતા-પિતાની હયાતી સંતાનો પર મોટો ઓછાયો બની રહેતી હોય છે એ પણ એટલું જ સાચું છે. મોટા ભાગના માતા-પિતા ઘણાં પ્રેમાળ હોવા છતાં સંતાનો પાસે કેટલીક અપેક્ષાઓ રાખે, પોતાના નિર્ણયોનું વ્યાજબીપણું દર્શાવે, પોતાનો મત ઠોકી બેસાડે કે તેમના જીવનમાં દખલગીરી કરે અને પુખ્ત વયના સંતાનોના જીવનમાં સત્તાવાહી વાદળ પેઠે મંડરાયા કરતા હોય તેવું પણ બનતું હોય છે. એ સ્થિતિ આનંદદાયક હોઈ શકે, મૂંઝવણ પેદા કરનારી પણ હોઈ શકે કે કૌટુંબિક સંબંધોમાં તણાવ પેદા કરનારી પણ બની શકે. જ્યાં સુધી માતા-પિતા હયાત હોય ત્યાં સુધી આમાંની જે પરિસ્થિતિ તમારે ભાગે સહેવાની આવી હોય તેનાથી છુટકારો મળવો સંભવ નથી. જો કે મોટા ભાગના સંતાનો મા-બાપ તેમને બોજા રૂપ લાગે છે એમ તેઓની હયાતી દરમ્યાન કે તેમના અવસાન બાદ પણ સ્વીકારવા તૈયાર નથી હોતા, પણ માતા-પિતાની વિદાય બાદ તેમની અપેક્ષાઓ અને માંગણીઓ પૂરી કરવાનું ભારણ ઓછું જરૂર થતું અનુભવાય છે.
પોતાનું જીવન પોણી સદી પછી પૂરું થાય તેવું ઇચ્છનારા શું આત્મહત્યા કરવા માંગે છે કે કોઈની સહાયથી જીવનનો અંત લાવવા વિચારે છે? એ લોકો શું હિંમત હારી ગયેલા હોય છે? ના, હરગિજ નહીં. એ લોકો વ્યક્તિગત અને નૈતિક એવા બે પાસાઓનો વિચાર કરતા હોય છે. 75 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા બાદ એ લોકોનો સ્વાસ્થ્યની જાળવણી વિશેનો અભિગમ બદલાયેલો જોવા મળે. અહીં જાણી જોઈને જીવનનો અંત લાવવાની વાત નથી, તેમ પ્રયત્નપૂર્વક તેને ટકાવી રાખવાના વલખાં મારવાની પણ જરૂર જણાતી નથી. આજે તો ડૉક્ટર જીવાદોરી લંબાવવા કોઈ પણ પ્રકારની સારવાર કે દવા લેવાનું સૂચવે તો ઘડીનો પણ વિચાર કર્યા વિના મોટા ભાગના લોકો સ્વીકારી લેતા હોય છે.
એક વલણ તેનાથી તદ્દન વિપરીત દિશાનું પણ જોવા મળે છે. કેટલાક લોકો એ ઉંમરે ડોક્ટર પાસે જવાની કે કોઈ જાતના રૂટિન ટેસ્ટ કરાવવા કે પીડારહિત હોય તેવી પણ સારવાર લેવાના વિરોધમાં હોય છે. તેમના મતે વૃદ્ધાવસ્થામાં ન્યુમોનિયા થાય એ તો જાણે તેના મિત્રનું તેડું આવ્યા બરાબર લાગે જેથી તેઓ બીમારીથી પીડાતા બિછાનામાં આત્મસન્માન ગુમાવીને પડ્યા રહે તે સ્વાનુભવ અને સ્વજનો માટે ચિંતા કરાવવાની હાલતમાંથી બચી જવા પામે. એવા સમયે રોગ અટકાવવા માટે કોઈ પરીક્ષણો કે જીવન લંબાવવા માટે સઘન અને ખર્ચાળ સારવાર અને મોટાં ઓપરેશનો કરાવવાનો અસ્વીકાર કરીને માત્ર પાલીએટિવ સંભાળ સ્વીકારવું વધુ લાભદાયી હોય છે તેમ મને લાગે છે.
સાત દાયકાની મજલ કાપ્યા પછી કેન્સર, હૃદયની બીમારી કે અન્ય પ્રાણઘાતક રોગની સારવાર લેવાનો મકસદ શો હોઈ શકે? પેઇસમેકર મુકાવવું, બાયપાસ સર્જરી કરાવવી, ઇમ્પ્લાન્ટ કરાવવાં વગેરે સારવાર તો તો જ સાર્થક થાય જો તેને પરિણામે દરદીનું જીવન બે-ચાર દાયકા સુધી પૂર્વવત્ સ્વસ્થ બનીને પરિવાર અને સમાજને ઉપયોગી જીવન જીવી શકે. હા, શ્વાસ લેવામાં પડતી તકલીફ નિવારવા જરૂરી સારવાર લેવી હિતાવહ છે, પણ નિર્મિત પળોને વધુને વધુ પાછી ઠેલવામાં કોઈ લાભ કે ડહાપણ નથી.
પશ્ચિમી જગતમાં મોટાભાગના વિકસિત દેશોમાં વયસ્ક નર-નારીઓને ફ્લ્યુની રસી અપાય છે. હાલમાં કોરોનાની રસી પણ વરિષ્ઠ વયના સમુદાયને પહેલાં અપાઈ. કેમ? કારણ કે એ રોગ મોટી ઉંમરના લોકોને ગળે વહેલો પડે અને તેમની એ દુષ્મન સામે લડવાની શક્તિ ઓછી હોવાને કારણે રામ શરણ થવાની સંભાવના વધુ હોય. એન્ટિબાયોટિક્સ હવે પ્રમાણમાં ઓછી કિંમતે અને પૂરતા પ્રમાણમાં મળતી હોવાને લીધે તેનો ઉપયોગ છૂટથી કરવામાં આવે છે. ખરું જોતાં આવા વાયરસની રસી યુવા વર્ગ અને ઉછરતી પેઢીને પહેલાં આપીને તેમને સુરક્ષિત કરવામાં ડાહપણ સમાયેલું છે કેમ કે આવતા દસકાઓ, સૈકાઓ સુધી આ દુનિયા તેમની મહેનત અને કાર્યો પર ટકી રહેવાની છે, નહીં કે પથારીમાં સુતેલા 80/90 વર્ષના વડ નાના કે વડ દાદીના શ્વાસોચ્છ્વાસ ધબકતા રહેવાથી. ખરું જુઓ તો ચેપી રોગથી વ્યક્તિ પ્રમાણમાં ઓછો પીડાય અને યાતનામાંથી તરત છુટકારો મેળવતો હોય છે. ક્રોનિક પરિસ્થિતિથી પીડાતા દરદીઓની યાતના અસહ્ય બનતી હોય છે. એવી સ્થિતિમાં સૌ પહેલાં જે રોગ થાય કે માંદગી આવે એ પોતાને ઈશ્વરના ધામમાં લઇ જાય તેવી ઘણાની પ્રાર્થના હોય છે.
આયુષ્ય મર્યાદા અને સ્વાસ્થ્યની ગુણવત્તાને સાંકળવામાં આવે છે. જપાન આયુષ્ય મર્યાદાની બાબતમાં મોનેકો અને મકાઉ બાદ ત્રીજા નંબરે આવે છે (84.4 વર્ષનું સરેરાશ આયુ) અને અમેરિકા 42માં નંબરે (79.5 વર્ષનું સરેરાશ આયુ). 75 વર્ષથી વધુ આયુષ્ય મર્યાદા હાંસલ કરી લીધી હોય તેવા દેશોને જપાન સાથે સ્પર્ધામાં ઉતરવાની જરૂર નથી, હા, જો રંગ, લિંગ કે જાતિભેદને કારણે જીવન ઓછું-વધતું લંબાતું હોય તો તેઓ ઉપાય જરૂર થવો ઘટે. શતાયુ થવાના પ્રયાસોની એક બીજી બાજુ પણ છે. ડિમેન્શિયા અને આલઝહાઈમર જેવા વ્યક્તિને અશક્ત અને પરવશ બનાવી દેતા રોગો પર વિશેષ સંશોધનો થવાં જરૂરી છે, નહીં કે મૃત્યુને આઘેરું ઠેલવાની પ્રક્રિયામાં મચ્યા રહેવાની જરૂર છે. જો કે આવું કહેનારને લોકો વૃદ્ધ લોકોના વિરોધી માને અને વૃદ્ધાવસ્થાને અપમાન ભરી નજરે જોનાર પણ માને.
જે લોકો બની શકે તેટલું લાંબુ જીવવા માંગે છે તેઓના પ્રયાસો અનૈતિક નથી. શારીરિક કે માનસિક મર્યાદાઓ છતાં જે લોકો એ સ્થિતિમાં જીવન ટકાવી રાખવા માંગે છે તેમના વિષે અવમાનના સેવવાનું કોઈ કારણ નથી. ખરેખર તો ઉપલબ્ધ હોય તેવી ઉત્તમોત્તમ સ્વાસ્થ્યની સેવા લેવામાં કોઈ હરકત નથી, એ વ્યક્તિનો અધિકાર છે અને સ્વસ્થ રહીને સ્વજનોને ભાર રૂપ ન બનવાની તેમની ફરજ પણ છે.
ભાવિ પેઢી માટે સ્વાસ્થ્યના સંસાધનો બચાવવા માટે વૃદ્ધો માટે તેનું રેશનિંગ કરવું કે સરકારી નીતિઓમાં ફેરફાર કરવા માટે વયસ્ક લોકોએ અમુક વર્ષથી વધુ જીવાદોરી ન લંબાવવી જોઈએ એ તેનો સાચો માર્ગ નથી. વિચારવાનું એ રહે છે કે કૃત્રિમ સાધનોના સહારે શરીરના અંગોને પરાણે ચાલતા રાખીને અને તદ્દન પરાવલંબી બનીને પોતાના ઘર કે નર્સીંગ હોમના એક કમરાની છતને તાકતા રહીને દર વર્ષે જન્મદિવસે એક વધુ કેઈક કાપવાની મનોકામના સેવવી કેટલી વ્યાજબી છે?
ઉત્ક્રાંતિના આદિ કાળમાં માનવી અને અન્ય જીવો ખૂબ અલ્પ આયુ ભોગવતા. હવે આરોગ્ય વિજ્ઞાન અને ટેક્નોલોજીના પ્રતાપે તેમાં ઘણો સુધારો થાઓ, તો જેમ બને તેમ વધુ વર્ષો જીવવાની ઈચ્છા કુદરતી જ ગણાય ને? આપણે જીવન, મૃત્યુ કે મૃત્યુ બાદ શું મૂકી જઈશું તેનો સતત વિચાર નથી કરતા હોતાં. જ્યારે વૃદ્ધાવસ્થાને આરે આવીને ઊભા રહીએ ત્યારે અચાનક જીવનનો હેતુ શો છે એ વિચારવા લાગીએ. જ્યારે માંદગી કે રોગ બારણે ટકોરા મારે ત્યારે જિજીવિષા બળવત્તર બને.
ડૉ. ઇમેન્યુઅલ 75 વર્ષની આયુ બાદ વિદાય લેવા ઈચ્છે છે, જેથી કરીને પોતાના અંતિમ સમય વિષે વિચારી શકે, પોતાના સંતાનો, સમાજ અને દેશ માટે શું મૂકી જવા માંગે છે તેની તૈયારી કરી શકે અને આપણે જે કઇં સુવિધાઓ ખુદને ખાતર વાપરીએ છીએ તે આપણા પ્રદાનની બરોબરી કરતી હોય છે તે જોવાની પણ તક આપે છે. આ નક્કી કરેલ મુકામ પર પહોંચ્યા બાદ કોઈ નાની મોટી સારવાર કરાવીને કે પીડાઓમાંથી પસાર થઈને મૃત્યુની રાહ જોવાની સ્થિતિમાં રહેવાનું તેમને પસંદ નથી.
પોતે શારીરિક અને માનસિક રીતે સક્ષમ હોય, પરિવાર અને મિત્રોની હાજરીનો આનંદ માણી શકે તેટલું જ આયુષ્ય ભોગવવાની ઈચ્છા મોટા ભાગના લોકોને હોય છે. જો સાડા સાત દાયકા વટાવ્યા પછી પણ ક્રિયાશીલ રહી શકાય એવી શક્યતા હોય તો એ ઉંમરે પહોંચેલ દરેક વ્યક્તિને હજુ થોડાં વધુ વર્ષો આસપાસના લોકોને કઈંક આપી જવાનો કે તેમની પાસેથી વધુ ખુશી મેળવવાનો વાંધો નથી હોતો. એવા લોકો લોકભારતી સણોસરાના અધ્યાપક અને ગુજરાતીના હાસ્ય લેખક સ્વ. નટવરલાલ બૂચ કહેતા તેમ ‘જવા માટે તૈયાર છું અને રહેવામાં વાંધો નથી.’ એવી મનોદશામાં આપણી વચ્ચે અસ્તિત્વ ધરાવતા જોવા મળશે.
e.mail : 71abuch@gmail.com
![]()




ક્વાઝુલુ નાતાલના વડા પ્રધાન સિલિ ઝીકલાલાએ [Sihle Zikalala] ફિનિક્સ સેટલમેન્ટને રાષ્ટ્રીય ધરોહર સ્મારકનું પદ એનાયત થયાની જાહેરાતના મહત્ત્વ વિષે વાત કરી. ગાંધીની 151મી જન્મતિથિ ઉજવાય છે, તે ટાણે તેમણે ભારતીય મઝદૂરો 160 વર્ષ પહેલાં (ઈ.સ. 1860માં) દક્ષિણ આફ્રિકાને કિનારે ઊતરેલા તેની યાદ અપાવી. ત્યારથી માંડીને નેલ્સન મંડેલાની મુક્તિ સુધીનાં વર્ષો દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં અતિ મહત્ત્વના રહ્યાં છે. આ જાહેરાત દેશના લોકો અને સરકાર માટે અતિ મહત્ત્વની છે, એવું તેમણે પ્રતિપાદિત કર્યું. દેશમાં પર્યાવરણની જાળવણી હેતુ સુરક્ષિત જાહેર કરાયેલા અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતાં સ્થળોને પર્યટકોને આકર્ષવા માટે રાષ્ટ્રીય ધરોહર તરીકે જાહેર કરવામાં આવે છે, તે સર્વસાધારણ બીના છે. ફિનિક્સ સેટલમેન્ટને રાષ્ટ્રીય ધરોહર સ્મારકનું પદ મળ્યાનું મહત્ત્વ દક્ષિણ આફ્રિકાની મુક્તિ અને શાંતિ માટેની લડતના પ્રતીક તરીકે છે. એ ક્રાંતિનું પ્રતીક છે ખરું, પણ સાથે સાથે શાંતિનું પણ પ્રતીક છે. જે પ્રદેશમાં હિંસા વ્યાપકપણે ફેલાયેલી હતી, ત્યાં આજે રંગભેદના અભાવવાળી લોકશાહી પ્રવર્તે છે, જ્યાં અલગ અલગ કોમના લોકો સહજીવન જીવી શકે છે. પ્રવાસન, કે જે દેશની જી.ડી.પી.ના 10% જેટલો હિસ્સો છે, તેને પણ આ હેરિટેજ સાઈટથી બઢાવો મળશે. સ્થાનિક પ્રજા અને વિદેશી મુલાકાતીઓ માટે આ સ્થળ સમાધાન દ્વારા શાંતિ સ્થાપવા અને ટકાવવા માટેના પ્રયાસો માટે દીવાદાંડી બની રહેશે. ફિનિકસ સેટલમેન્ટને યુ.એન.ની માન્યતા મળવાના ઘણા ફાયદા પ્રજાને થશે, જેમાંનો એક છે, સમાધાન વૃત્તિથી બધા એકસૂત્રે જોડાઈને અમનથી જીવી શકશે.
આવાં લોકોનાં નિસ્વાર્થ પ્રદાનને માન આપવું જોઈએ. વધુમાં ઝ્વેલી મ્ખીજેએ કહ્યું કે ભારત અને દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ સહિયારો છે. બંને દેશ રંગભેદ નાબૂદી અને સંસ્થાનના દમનકારી શાસનથી મુક્તિ મેળવવા માટે લડ્યા. એ લડત રંગભેદ નાબૂદી, ન્યાય મેળવવાની, કોમી એકતા લાવવાની અને શાંતિ સ્થાપવાની એક લાંબી મજલ હતી. એ હજુ પણ એક ય બીજી રીતે ચાલુ રહી છે. રંગ, ધર્મ અને જાતિને ન ઓળખનાર આ કોરોના મહામારીમાં આપણે બધાએ એક બીજાનો હાથ પકડીને સાથે મળી, સહકાર આપીને ઝઝૂમવાનું છે.
ભારતના ઉચ્ચ આયુક્ત જયદીપ સરકારે મનનીય પ્રવચન આપતાં કહ્યું, ફિનિક્સ સેટલમેન્ટને રાષ્ટ્રીય ધરોહર તરીકે મળેલ માન્યતા એ ગાંધીના જન્મની 150મી વર્ષગાંઠ માટે તદ્દન બંધબેસતી ચેષ્ટા છે. આથી વીસમી સદીના સહુથી વધુ પ્રભાવક નેતાના કામનું ગૌરવ તો થયું જ છે, પરંતુ તેની ઐતિહાસિક દેણગીનું પણ બહુમાન થયું છે. એ માટે દક્ષિણ આફ્રિકાની સરકારનો આભાર. આ સ્થળ ગાંધીના રાજકીય અને સામાજિક પરિવર્તનની ભૂમિ. પણ આ જગ્યા માત્રની જાળવણી ભલે ઘણી મહત્ત્વની છે છતાં પૂરતી નથી. ગાંધીજી અહીં શું શીખ્યા એ જાણીને, સમજીને તેને હાલના સંયોગોમાં અમલમાં મૂકવું રહ્યું. એમણે ફિનિક્સ નામ સહેતુક પસંદ કરેલું. એમના સાદું જીવન અને ઊંચી વિચારધારાના મૂલ્યોને આપણે જાળવવા રહ્યા. શ્રમ પ્રતિષ્ઠા, કોમી એખલાસ, સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણીના વિચારો આજે પણ અપનાવવા જરૂરી છે. એમ કરવા માટે બહોળા સમાજનો ટેકો અને સક્રિય ભાગીદારી અંકે કરવી જોઈશે. ગાંધીજી અને ‘આફ્રિકન નેશનલ કાઁગ્રેસ’ [ANC]ના પહેલા પ્રેસિડન્ટ જ્હોન ડૂબે ઈનાન્ડા[Inanda]માં પાડોશી હતા. ગાંધીજી ફિનિક્સમાં પોતાના કાર્યક્ષેત્રમાં વ્યસ્ત હતા, તો ડૂબે એષલેન્ડામાં પાયાનું કામ કરતા હતા. આમ એકબીજા સાથેના સંપર્કથી આઝાદીની ચળવળ કેવી રીતે ચલાવવી તેનો ખ્યાલ આવ્યો. બંને કર્મશીલોને માત્ર પોતાની કોમ માટે નહીં, બહોળા સમુદાયની સ્થિતિ અને સમસ્યાઓ અને તેના હિતનો ખ્યાલ આવ્યો.
નેશનલ એસોસિએશન ઓફ આફ્રિકન અમેરિકન સ્ટડીઝના ડાયરેક્ટરે દ’ લેમ્યુઅલ બેરી[De Lemuel Berry]એ ફિનિક્સ સેટલમેન્ટને આ માનભર્યું પદ કઈ રીતે મળ્યું તેનો ઇતિહાસ કહેતા કહ્યું, 2017માં યોજાનારી ઇન્ટરનેશનલ કોલેજ કોન્ફેરેન્સ માટે સ્થળની પસંદગી કરવા 2016માં ડર્બન જવાનું થયું. તે વખતે ફિનિક્સ જવાનું આમંત્રણ મળ્યું. ઇલા ગાંધીએ સેટલમેન્ટની સ્થાપનાનો ઇતિહાસ, તે સમયે થયેલા પ્રયોગો, તે વખતનું જીવન અને પ્રવૃત્તિઓ અને હાલનાં તેના કાર્ય વિષે વિગતે માહિતી આપી. તેનાથી આ મુલાકાતીઓને ઘણી જાણકારી મળી. આવાં સ્થળોની મુલાકાત ભાગ્યે જ આ પદાધિકારીઓએ લીધી હશે. આ મુલાકાત બાદ ડૉ. બેરીને કેટલીક વિનંતીઓ મળી. તેને પરિણામે એક પ્રશ્ન ઊઠ્યો, આ કેન્દ્રને વર્લ્ડ હેરિટેજ સાઇટનું પદ કેમ નથી મળ્યું? યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ માટેના નિર્ણાયકે નિયમો વાંચી જવા ડૉ. બેરીએ તૈયારી બતાવી. તેઓને જાણ થઇ કે આ બાબત અંગે પહેલા કશી કાર્યવાહી નથી કરવામાં આવી. તરત જ પ્રોવોન્શિયલ, નેશનલ અને વર્લ્ડ હેરિટેજ સાઇટનું સ્થાન મળે તે માટેની પ્રકિયા શરૂ થઇ. 2017માં ઇલાબહેન ગાંધી સાથે પીટર મેરિત્ઝબર્ગ જઈને નોમિનેશન દર્જ કરાવ્યું.
પ્રો. ઉમા મિસ્ત્રી [Uma Misthrie], કે જેઓ ગાંધીજીનાં પ્રપૌત્રી છે, તેઓ હાલ ફિનિક્સ સેટલમેન્ટનો 1904થી 2020 સુધીનો – 116 વર્ષનો ઇતિહાસ લખે છે. સેટલમેન્ટમાં સ્થાપનાકાળમાં રહેતા એ લોકોની જીવની લખાઈ રહી છે. તેની સ્થાપનામાં ગાંધીજી અત્યંત મહત્ત્વના હતા, પરંતુ હરેક દાયકે એ મૂલ્યોને જીવિત અને કાર્યાન્વિત રાખવામાં કોનો કોનો ફાળો હતો, એ પણ અતિ મહત્ત્વનું છે, જે ઉમાબહેનના પુસ્તક પરથી જાણવા મળશે. ગાંધીજીના ભારત પરત ફર્યા બાદ તેમના પુત્ર મણિલાલ ગાંધીએ ફિનિક્સને સાંભળ્યું ન હોત, તો આજે તેનું અસ્તિત્વ અને આટલું મહત્ત્વનું પ્રદાન રહ્યું ન હોત. મણિલાલના અવસાન બાદ તેમનાં પત્ની સુશીલાબહેને એ મશાલ સળગતી રાખી. સેટલમેન્ટની યાત્રામાં રામ ગોવિંદ અને ઈલાબહેનનાં કાર્યને કેમ ભુલાય?
યુનેસ્કોના ગુડવિલ એમ્બેસેડર (રાજદૂત) અને સાંસ્કૃતિક બાબતોના આંતરરાષ્ટ્રીય સબંધો જાળવનાર દૂત તરીકે ખ્યાતનામ બનેલ હીવા સર[Hedva Ser]નું પણ આ વેબિનારમાં પ્રદાન રહ્યું. તેઓ શાંતિ, બંધુત્વ અને સહિષ્ણુતા જેવા ઉમદા માનવીય ગુણોને કળા દ્વારા રજૂ કરે છે અને વિશ્વભરમાં તેમની ગણના એક ઉત્તમોત્તમ માનવતાવાદી કલાકાર તરીકે થાય છે. યુનેસ્કોના પારિતોષિકો મેળવનાર આ સન્નારીનું કહેવું છે કે તેમનાં મોટા ભાગના શિલ્પો અને કલાકૃતિઓની પ્રેરણા તેમને ગાંધીના જીવન અને કાર્યમાંથી સાંપડી છે. સહઅસ્તિત્વ, બધા ધર્મો પ્રત્યે પરસ્પર માનની લાગણી, પ્રકૃતિ માટે આદરભાવ વગેરે જેવા ખ્યાલોને તેમણે કલામાં મૂર્તિમંત કર્યા છે. યુનેસ્કોનું પ્રતીક Tree of Peace એ હીવા સરની જ કૃતિ છે. તેઓ એ શિલ્પ દ્વારા યુવા પેઢીને શાંતિનો સંદેશ અને શિક્ષણ આપવા ચાહે છે. યુનેસ્કોના આંતરદેશીય વાટાઘાટો દ્વારા સંઘર્ષ નિવારણના આદર્શોને પોતાની કલામાં મૂર્તિમંત કરવાનો તેમનો પ્રયાસ છે તેમ કહ્યું. દુનિયામાં હરેક ક્ષેત્રે સ્થિરતા આવે અને રાજકીય પક્ષો વચ્ચે સંવાદિતા કેળવાય તે માટે સંઘર્ષ વાળા વિસ્તારોમાંથી આવતા ઊગતા કલાકારોને કેળવવા તેઓ સતત કાર્યરત રહે છે. “હું ગાંધીની દેણગી દુનિયા પાસે મુકવા માંગુ છું.” હીવા સરના આ વિધાનને સમજવા તેમની કૃતિઓ જોવી રહી. ફિનિક્સ સેટલમેન્ટ માટે A Road of Peace – શાંતિ પથ બનાવવાનો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો.
વિકટર સાબેક યુગોસ્લાવિયામાં જન્મેલા, જે બંને વિશ્વયુદ્ધોમાં ખેદાનમેદાન થઇ ગયેલું, એટલે તેમને શાંતિમય સમાધાનનું મહત્ત્વ બરાબર સમજાય. તેમના પિતાનો પરિવાર જર્મનીના કોન્સન્ટ્રેશન કેમ્પમાં કેદ થયેલો અને માતાનું કુટુંબ સ્વાતંત્ર્યની લડાઈમાં જોડાયેલું. તેમનાં માતા હિટલરના પ્રોગ્રમમાંથી નાસી છુટેલાં. પોતાના માતૃ અને પિતૃ પક્ષે બધા જાતિગત સમાનતા માટે લડેલા અને એટલે જ તો કદાચ વિક્ટર સાબાકે લિબિયા, સીરિયા અને યમનમાં યુદ્ધ પીડિત લોકોનાં કલ્યાણ માટે કામ કર્યું છે. એ બધા દેશો યુદ્ધ અને સંઘર્ષમાં ધરાશાયી થઇ ગયા, એ તેમણે નજરોનજર જોયું. પશ્ચિમી જગતમાં લાંબામાં લાંબો સંઘર્ષ કોલંબિયામાં 50 વર્ષથી ચાલ્યો આવે છે, હાલમાં વિકટર સાબેક ત્યાં કામ કરે છે. આથી જ ગાંધીના શાંતિમય સમાધાનના સિદ્ધાંતો કેટલા આજે પણ અને આજે તો વધુ પ્રસ્તુત છે એનો તેમને જાત અનુભવ છે. તેઓને લાગે છે કે સંસ્થાનવાદનું પ્રચલિત રૂપ હવે ખતમ થયું ગણાય, પરંતુ બીજા અનેક પ્રકારના સંસ્થાનવાદનો પ્રસાર, ખાસ કરીને આફ્રિકન દેશોમાં વધવાને કારણે સંઘર્ષો નિવારવા અને તેના નિરાકરણ માટે શાંતિમય ઉપાયો યોજવા અનિવાર્ય થઇ પડ્યા છે. 



એક ઘરમાં કોઈ સભ્ય શરીર કે મનથી નબળો હોય તો તે ભૂખ્યો ન રહે, તો દેશનો નબળો વર્ગ ભૂખ્યો શે રહે? માનો કે સ્થાનિક સ્તરે જરૂરિયાત પ્રમાણે બધું જ પેદા ન થાય તો જેટલું થાય તેટલું પેદા કરવું, તો જ સ્થાનિક લોકોની શક્તિઓ વાપરી શકાય. સ્થાનિક કારીગરો અને મજૂરોના પેટ ભરાય અને એ લોકોને સ્થળાંતર કરવા વારો ન આવે. કોરોનાએ આપણને એક બીજાથી શારીરિક અંતર રાખવા મજબૂર કર્યા, તેમ આર્થિક બાબતોમાં પણ સ્વનિર્ભર થવા વિચારતા કર્યા. એ તો તો જ સંભવ બને જો રાજકીય માળખું પણ તેને અનુરૂપ હોય. ગ્રામ સ્વરાજ એ સ્વેચ્છાએ સ્વીકારેલ અંતર રાખવાંનો નમૂનો છે; એવી જ રીતે શિક્ષણનું માધ્યમ માતૃભાષા રાખવી એ પણ સોશ્યલ ડિસ્ટન્સનું ઉદાહરણ છે. કદાચ આપણે સોશ્યલ સિસ્ટન્સને બદલે મહત્તમ નિકટતા (optimum nearness) લાવવાની જરૂર હતી. આપણી પાસે બ્રેડ માર્યાદિત છે, બે ભાઈઓમાંથી એક ભાઈ નવ ભાગ લઇ લે તે બીજો એક ભાગ બ્રેડ પર કેવી રીતે નભે? ભાઈચારો કેળવીએ અને વિશ્વનું સમાનકેન્દ્રી વર્તુળ રચીએ.
1916માં અલ્હાબાદમાં યોજાયેલ સંમેલનમાં ગાંધીને આર્થિક વિકાસ નૈતિક વિકાસમાં અડચણ રૂપ છે એ વિષે વક્તવ્ય આપવા નિમંત્રેલા. બુદ્ધિજીવીઓએ ગાંધીના વિચારોનો વિરોધ કરેલો. તે સમયે ગાંધીજીએ ભારતીય પ્રજાને અમેરિકન વિકાસના માર્ગને અનુસરવા માટે ચેતવેલ. પણ આપણે તેમનું કહ્યું ન સાંભળ્યું. કોઈ પણ દેશની સમૃદ્ધિની પારાશીશી તેની પાસે કેટલા લાખોપતિ છે એ નહીં પણ ત્યાં કેટલો ભૂખમરો છે અને ગરીબીની રેખા નીચે કેટલા લોકો જીવે છે એ છે. સ્વતંત્રતા બાદ ભારતે ઘણા કરોડાધિપતિઓ ઊભા કર્યા. અંગ્રેજોથી છુટકારો તો મેળવ્યો, પણ હવે ભારતની મોટા ભાગની પ્રજાને વિભાજીત કરનારા રાજકારણીઓ અને લાલચુ ઉદ્યોગપતિઓથી છુટકારો મેળવવો બાકી છે. ગાંધીજીએ એ માટેનો માર્ગ બતાવેલો. પરંતુ અફસોસ એ વાતનો છે કે રાજ્યબંધારણના ઘડવૈયાઓએ નજર સામે ગાંધીજીના સિદ્ધાંતો ન રાખ્યા. ગ્રામપંચાયત દ્વારા ગ્રામસ્વરાજની વાત તેમાં હતી જ નહીં. એ જાણીને “આ સ્વરાજ મારા સ્વપ્નનું નથી, એ હજુ મેળવવું બાકી છે.” એમ ગાંધીજીએ કહેલું. આપણે તેમના એ ઉદ્ગારો એકદમ વિસરી ગયા. એ વિચારધારાથી વિરુદ્ધ દિશામાં એટલા ઝડપથી ભાગ્યા કે આજે સમગ્ર માનવ જાતિનો વિનાશ નજર સામે દેખાય છે, ઘોર રજનીમાં માર્ગ નથી સૂઝતો.