 દરેક દેશની, એની પ્રજાની, એક તાસિર હોય છે. આ તાસિર, એ દેશના રોજિંદા જીવનનો લય, એ પ્રજાની જીવનદૃષ્ટિ અને જીવનપદ્ધતિ ક્યારેક પહેલી નજરે દૃશ્યમાન ન થાય. ઓસ્ટ્રેલિયાના ભૂરાબિમ્બ સ્વચ્છ સાગરના, ચળકતી સફેદ રેતીવાળા તટ, ઓસ્ટ્રેલિયાના ટ્રોપિકલ રેઇનફોરેસ્ટ અને એનો લાલ મધ્ય ‘રેડ સેન્ટર’ તરીકે ઓળખાતો રણનો પટ – આ બધું એક પ્રવાસીને આકર્ષે છે. કોઈક પ્રવાસી વળી ઓસ્ટ્રેલિયાના ઇતિહાસમાં ડોકિયું કરવા પ્રયત્ન કરે, અહીંની આદિજાતિઓની સંસ્કૃિતની ઝલક લેવા મ્યુિઝયમ કે આર્ટ ગેલેરીનો આંટો મારે અને ચિનમાં ઉત્પાદિત એબોરિજિનલ આર્ટના નમૂના કે સુવેનિયર ખરીદી આ સ્મૃિતચિહ્નોમાં સમેટાયેલો આખો દેશ પોતાની સાથે લઈને ઘેર પાછા ફરે.
દરેક દેશની, એની પ્રજાની, એક તાસિર હોય છે. આ તાસિર, એ દેશના રોજિંદા જીવનનો લય, એ પ્રજાની જીવનદૃષ્ટિ અને જીવનપદ્ધતિ ક્યારેક પહેલી નજરે દૃશ્યમાન ન થાય. ઓસ્ટ્રેલિયાના ભૂરાબિમ્બ સ્વચ્છ સાગરના, ચળકતી સફેદ રેતીવાળા તટ, ઓસ્ટ્રેલિયાના ટ્રોપિકલ રેઇનફોરેસ્ટ અને એનો લાલ મધ્ય ‘રેડ સેન્ટર’ તરીકે ઓળખાતો રણનો પટ – આ બધું એક પ્રવાસીને આકર્ષે છે. કોઈક પ્રવાસી વળી ઓસ્ટ્રેલિયાના ઇતિહાસમાં ડોકિયું કરવા પ્રયત્ન કરે, અહીંની આદિજાતિઓની સંસ્કૃિતની ઝલક લેવા મ્યુિઝયમ કે આર્ટ ગેલેરીનો આંટો મારે અને ચિનમાં ઉત્પાદિત એબોરિજિનલ આર્ટના નમૂના કે સુવેનિયર ખરીદી આ સ્મૃિતચિહ્નોમાં સમેટાયેલો આખો દેશ પોતાની સાથે લઈને ઘેર પાછા ફરે.
નવો દેશ જોવા જઈએ ત્યારે આપણે બધાં આમ કરીએ છીએ. આપણા મર્યાદિત અનુભવોના આધારે જે તે દેશ, એની પ્રજા વિષે સારા-નરસા અભિપ્રાયો, ખૂબ આત્મવિશ્વાસપૂર્વક ઉચ્ચારીએ છીએ.
જીવન એક જ છે, એમાં જોવા જેવું અને અનુભવવા જેવું ઘણું છે. પ્રવાસ- પર્યટન કરીને સ્થળો જોવાં, અલગ અલગ સંસ્કૃિતઓનો પરિચય કરવો એ આહ્લાદક છે. પણ જ્યારે બીજા દેશમાં વસવાટ કરીને એક જિંદગીમાં બીજો જન્મ લેવાની તક મળે ત્યારે જે નિકટતાથી નવા દેશના પરિસરનો પરિચય કેળવાય છે, જે ઊંડાણથી એનું વિશ્લેષણ કરવાની તક મળે છે એ અનુભવ પરમ તૃપ્તિ આપે એવો હોય છે. નવા વાતાવરણમાં નવેસરથી ગોઠવાવામાં કષ્ટો તો પડે, પણ એ પરમ તૃપ્તિ સામે એ કષ્ટો ધીમેધીમે નગણ્ય લાગવા માંડે અને આપણે, આપણી જાણ બહાર, વિકસીએ; માનવીમાંથી વિશ્વમનાવી બનવાની દિશામાં આગળ વધીએ.
એની ભૌગોલિક સ્થિતિને કારણે ઓસ્ટ્રેલિયાને 'લેન્ડ ડાઉન અંડર' કહે છે. બાકીના વિશ્વથી ‘આઉટ ઓફ ધ વે’ કહેવાય એવા, પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં એનો ખૂબ મોટો પ્રદેશ વિસ્તરેલો છે. આ ‘લેન્ડ ડાઉન અંડર’નો વ્યાપ એટલો તો મોટો છે કે અહીં કોઈએ કોઈ સાથે સ્પર્ધા કરવી પડે એવું ભાગ્યે જ બને. એક ચોરસ કિલોમીટરમાં અહીં સરેરાશ માત્ર 3.2 વ્યક્તિઓ વસે છે એવું 2018ના પોપ્યુલેશન ડેન્સિટીના આંકડા કહે છે. સૌ માટે પૂરતો અવકાશ, સૌને માટે પૂરતી જગ્યા હોવાથી અહીંના જીવો એકંદરે સંતુષ્ટ અને આનંદી. ઓસ્ટ્રેલિયનો પોતાને 'લેઈડ બેક' પ્રજા તરીકે ઓળખાવે છે. અજાણ્યા લોકો પણ ચિરપરિચિત હોય એમ 'ગ ડાય માઈટ' (Good day, mate!) કરીને વાતોએ વળગે, એકમેકને બિયર પણ પીવડાવે અને કલાકો સુધી અલકમલકની વાતો કરીને હસી – હસાવી શકે.
અહીં વસવાટને હવે ત્રણ દાયકાથી વધુ થયા. શરૂઆતનાં કેટલાંક વર્ષો અહીંની મુખ્ય પ્રવાહની સ્કૂલ-કોલેજમાં શિક્ષિકાનું કામ કર્યા પછી હવે પતિની મેડિકલ પ્રેકટીસમાં મેનેજમેન્ટનું કામ કરું છું. ક્યાં શિક્ષણ અને ક્યાં તબિબી વાતાવરણનું કામ?- એવું કોઈને લાગે તો એ વ્યાજબી છે. પણ જ્યારે પાછું વાળીને જોઈએ ત્યારે લાગે કે સ્વેચ્છાએ અને અનાયાસે શરૂ કરેલા આ નવા વ્યવસામાં રોજેરોજ ઘટતી નાની-નાની ઘટનાઓ અને પ્રસંગો દ્વારા અહીંની પ્રજા વિષે, એમની સંસ્કૃિત વિષે અને સમગ્ર માનવજાત વિષે જે પાઠ શીખવાની તકો મળી છે એનાથી રળિયાત છું. સાવ સાદા લોકો, ન કોઈ વિશેષ ભણતર કે તેજસ્વી કારકિર્દીનાં છોગાં, ન તો કોઈ મહાન સંસ્કૃિતના વારસદાર હોવાનો દાવો, છતાં જાહેર જીવનમાં એમની સરળ-સહજ માનવીયતા જોઈને ક્યારેક ભાવવિભોર થઇ જવાય.
ગઈકાલની જ વાત કરું તો …. મેડિકલ પ્રેક્ટિસનો વેઇટિંગ રૂમ ભરચક છે. ત્રણ-ચાર વર્ષની એક બાળકી, વેઇટિંગ રૂમમાં બાળકો માટે રાખેલી વાર્તાની પુસ્તિકાઓ પૈકી એક પસંદ કરીને એના ડેડીને કહે છે મને આ વાંચી સંભળાવો, વાર્તા પૂરી થાય એ પહેલાં ડોક્ટર પાસે જવાનો એમનો વારો આવે છે. કન્સલ્ટિંગમાંથી પાછાં આવી બાળકીની હઠ પૂરી કરવા એના ડેડી ફરીથી વેઇટિંગ રૂમમાં બેસીને એ વાર્તાનું પઠન પૂરું કરે છે. છતાં એ બાળકી એ વાર્તાથી ધરાતી નથી. એને એ પુસ્તિકા ઘેર લઇ જવી છે. 'આઈ વોન્ટ ટુ બાય ધીસ બુક એન્ડ ટેઈક ઈટ હોમ' કહીને એ લગભગ રડવા માંડે છે. બાપ એને સમજાવે છે કે આ બુકશૉપ નથી, અહીંથી પુસ્તક ખરીદી શકાય નહીં, એ પુસ્તક આ ક્લિનિકનું છે’. બાળકીનો પુસ્તક-પ્રેમ મને સ્પર્શી જાય છે, વાર્તાના પુસ્તકને માટે આટલી જીદ કરે એવું બાળક આજે ક્યાં જડે? બાળકીના વાંચન શોખને બિરદાવવાના ભાવથી હું એના ડેડીને કહું છું કે કઈં વાંધો નહીં, એને એ વાર્તા ગમી તો એ પુસ્તક લઇ જાવ, અહીં ઘણી વાર્તાની ચોપડીઓ છે. માંડ ત્રીસ-પાંત્રીસ વર્ષનો યુવાન ડેડી મારો આભાર માનીને કહે છે કે ના, એને એ રીતે ખોટી ટેવ ન પડાય, કોઈની વસ્તુ એમ જીદ કરીને લઇ જવું બરાબર નથી.
થોડા દિવસ પર એક મહિલા એના દીકરા સાથે ક્લિનિક બંધ કરવાને થોડી મિનિટો હતી ત્યારે આવી. 'હું ડોક્ટરને બતાવી શકું? મેં એપોઇન્ટમેન્ટ નથી કરી'. એ કન્સલ્ટિંગ કરીને બહાર નીકળી ત્યારે ક્લિનિક બંધ કરવાના સમય બાદ દસ-પંદર મિનિટ થઇ હતી. અમને ઘેર જવાનું મોડું કરવા બાદલ એણે દિલથી માફી માંગી. મેં વિવેક કર્યો 'ઇટ્સ ઓકે', ત્યારે મને વઢપૂર્વક કહ્યું 'નો ઇટ્સ નોટ ઓકે, યુ હેવ આ ફેમિલી વેઇટિંગ ફોર યુ એટ હોમ'. જાણે મને કહેતી હોય 'તમારે ઘેર પણ બાળકો છે, એમની પાસે જવાની તમને ઉતાવળ નથી?'
આવા પ્રસંગોનું કદાચ આખું પુસ્તક લખી શકાય, પણ એક પ્રસંગ જે સ્મરણપટ પર સદાને માટે અંકિત થઇ ગયો છે તે થોડો રમૂજી પણ છે. એક 90 વર્ષિય વોર વિડો – યુદ્ધમાં જાન ગુમાવનાર સૈનિકનાં પત્ની, એક શનિવારે સવારે ડોક્ટરને બતાવવા આવે છે. આવે છે ટેક્સીમાં, કારણ કે ઓસ્ટ્રેલિયાની સરકાર વોર વેટરન્સને જે અનેક સવલતો આપે છે તે પૈકી એક સવલત એ પણ છે કે એમને ટ્રાન્સપોર્ટ માટે સસ્તા દરે ટૅક્સી મળે અથવા સરકારી ટ્રાન્સપોર્ટની વાન એમને યાતાયાત પૂરી પાડે. વયસહજ શરતચૂકથી એમણે ઘેર પાછા ફરવાની વ્યવસ્થા કરી નથી, કઈ ટેક્સી કંપની અથવા તો કઈ ટ્રાન્સપોર્ટ સેવા પાસે એમની આજની ટ્રીપનું બુકિંગ થયેલું છે એ એમને ખ્યાલ નથી. હું પાંચ-છ ફોન કરું છું, અને એમને પાછા જવા માટે ‘ડિપાર્ટમેન્ટ ઓફ વેટરન્સ અફેર્સ’ નામના સરકારી ખાતાની અધિકૃત સેવા શોધું છું, જેથી એમને એમની નિઃશુલ્ક સેવા મળી રહે, પણ એમાં નિષ્ફળતા મળે છે. આખરે હું એમને કહું છું 'કઈં નહીં, મારું કામ અહીં થોડું હળવું થાય એટલે હું જાતે જ તમને તમારે ઘેર મૂકી જઈશ, તમે થોડી વાર અહીં બેસી રાહ જોશો?' મારી બધી વાતચીત એક સિત્તેર વર્ષના નિવૃત્ત સાંભળી રહ્યા છે. આખી જિંદગી કોલસાની ખાણમાં કામ કરીને ઘસાઈ ગયેલા અને જકડાઈ ગયેલા સાંધા ઉપરાંત અનેક શારીરિક તકલીફો છતાં એમની રમૂજવૃત્તિ અકબંધ છે. મારી ડેસ્ક પાસે આવી, ધીમે રહીને મને એ વૃદ્ધાનું સરનામું પૂછે છે, 'હું એમને ડ્રાઇવ કરીને મૂકી આવું છું'. બીજા કોઈ ન સાંભળે એમ, પોતે કોઈ બહુ મોટું સેવાનું કામ કરી રહ્યા છે એવા કોઈ ભાર વિના એ સહજતાથી આ પ્રશ્ન પૂછે છે. અને પછી એ ઘેર જવાની રાહ જોતાં વૃદ્ધાને સત્તર વર્ષના યુવાનની અદાથી કહે છે 'કમ ઓન લવ, ધિસ હેન્ડસમ યંગ મેન વીલ ટેઈક યુ હોમ'- ચાલો પ્રિયે, આ દેખાવડો યુવાન તમને ઘેર મૂકી જશે!'
કોઈક જૂની હોલીવુડ ફિલ્મનું દૃશ્ય અથવા જૅઈન ઓસ્ટિનની નવલકથાનું દૃશ્ય ભજવાતું હોય એમ એમ અમે સૌ એ બંનેને હાથમાં હાથ નાંખીને જતાં જોઈ રહ્યાં!
જીવનમાં, માનવતામાં અને સારપમાં શ્રદ્ધા જળવાઈ રહે એનાથી વધુ સમૃદ્ધિ બીજી કઈ હોઈ શકે?
e.mail : aradhanabhatt@yahoo.com.au
 



 આપણા સ્વાતંત્ર્યદિનના વિકેન્ડ સાથે પહેલા પ્રસારણનો યોગ સર્જાયો એનો ઓચ્છવ તો મનમાં ખરો જ, અને સાથે કાર્યક્રમ માટે અનુકૂળ દિવસ-સમય મેળવવા અને રેડિયોના નામકરણથી લઈને આર્થિક અને અન્ય વહીવટી કાર્યો માટે મહિનાઓની દડમજલના અંતે આ અવસર આવ્યો એ પણ નાનીસૂની વાત નહોતી.
આપણા સ્વાતંત્ર્યદિનના વિકેન્ડ સાથે પહેલા પ્રસારણનો યોગ સર્જાયો એનો ઓચ્છવ તો મનમાં ખરો જ, અને સાથે કાર્યક્રમ માટે અનુકૂળ દિવસ-સમય મેળવવા અને રેડિયોના નામકરણથી લઈને આર્થિક અને અન્ય વહીવટી કાર્યો માટે મહિનાઓની દડમજલના અંતે આ અવસર આવ્યો એ પણ નાનીસૂની વાત નહોતી.