મૂ્ળ લખપત તાલુકાના નરા ગામના વતની, રાપર ખાતે વકીલાત કરતા દેવજીભાઇ મહેશ્વરીની સપ્ટેમ્બર ૨૫, ૨૦૨૦ના રોજ રાપરના ભરચક બજારમાં સાંજે પઃ૫૩ વાગ્યે ઘાતકી હત્યા કરવામાં આવી. આશ્વર્યની વાત એ છે કે રાપર મતવિસ્તારના ધારાસભ્યની ઓફિસ નીચે જ એડવોકેટની ઑફિસમાં બેખોફ રીતે આરોપી છરીના ઘા મારીને ભાગી જાય … ગુંડા ધારો પસાર કરનાર ગુજરાત સરકારનો પણ લેશમાત્ર ડર નહીં રાખનાર ગુંડાઓથી સ્વાભાવિક રીતે નબળા સમાજના લોકો તો ડરી જાય. આવા લોકો સમાંતર સરકાર ચલાવતા હોય છે.
હત્યાનો ભોગ બનેલા દેવજીભાઈ મહેશ્વરીનાં શિક્ષિકા પત્ની મીનાક્ષીબહેને પોલીસતંત્રને લલકારતા મીડિયાને સ્પષ્ટ બયાન આપ્યું કે, “તમામ નવ આરોપીઓ રાપરમાં જ છે. હાલો, એમના ઘર બતાવું.” જોગાનુજોગ એવું પણ બન્યુ છે કે કચ્છ (પૂર્વ) ગાંધીધામના એસ.પી. તરીકે એ જ પોલીસ અધિકારી કાર્યરત છે, જેમણે અગાઉ અરવલ્લી જિલ્લાના એસ.પી. તરીકે સાયરા દલિત યુવતી બળાત્કાર-હત્યા કેસ વખતે ગુનેગારોને હત્યાના ત્રણ-ચાર દિવસ સુધી છૂટા ફરવા દઈને પુરાવાઓને રફેદફે કરવામાં ખૂબ જ શરમજનક ભૂમિકા ભજવી હતી. અહીં પણ કઈક રંધાતું હોવાનું દેવજીભાઇના પત્નીને લાગી રહ્યું છે. સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ(સીટ)ની રચના કરી છે. પરંતુ કચ્છના દાઝેલા દલિત સમાજની માગણી છે કે સીટમાં તટસ્થ ઓફિસરનો સમાવેશ કરવો જોઈએ.
આ વિસ્તારના પૂર્વ ધારાસભ્યે એવું જાહેર નિવેદન આપ્યું કે આ વિસ્તારમાં ખનિજ ખૂબ હોવાથી પૈસો અઢળક આવે છે. શિક્ષણનો વ્યાપ નહીંવત્ છે. લૉક ડાઉન પછી રાપર તાલુકામાં હત્યાઓનો સિલસિલો અટક્યો નથી. હમીરપરમાં ચાર વ્યક્તિઓની હત્યા, તગા ગામના પૂર્વ સરપંચની હત્યા અને તાજેતરમાં દલિત સમાજના એડવોકેટની હત્યા કરવામાં આવી. ભૂતકાળમાં પણ કોળી સમાજ અને ગઢવી સમાજ વચ્ચે ખૂની ધિંગાણું ખેલાયું હતું. તેમાં ગઢવી સમાજના આઠ – નવ લોકોનાં અરેરાટીભર્યા મોત નીપજ્યાં હતાં ને સામે પક્ષે કોળી સમાજના દસથી બાર લોકોને આજીવન જેલ થઈ હતી. આમ, બંને પક્ષે ખુવારી વેઠવી પડી હતી.
મદદનીશ કલેક્ટર (પ્રાંત અધિકારી) તરીકે આઇ.એ.એસ. ઓફિસરે ખનિજચોરીના કિસ્સામાં જાતે રેડ પાડી હતી, ત્યારે તેમની ઉપર પણ ખનિજ માફિયાઓએ ખુલ્લેઆમ ફાયરિંગ કર્યું હતું. પરિણામે, ઑફિસરને સ્થળ છોડી દેવું પડ્યું હતું. કચ્છના વાગડ વિસ્તાર તરીકે ઓળખાતા આ પ્રદેશ વિશે કહેવાય છે કે, "વાગડ સૌથી આગળ." પરંતુ અહીં આજે પણ સામંતશાહીનાં વરવાં દૃશ્યો દારુણ ગરીબી, જાતિવાદ, કોમવાદ વચ્ચે જીવતા લોકોને જોવા મળે છે. કમનસીબી તો એ છે કે ગાંધીધામ ધારાસભાની બેઠક છેલ્લી ચાર મુદ્દતથી અને કચ્છની લોકસભાની બેઠક છેલ્લી બે મુદ્દતથી અનુસૂચિત જાતિ માટે અનામત છે. છતાં, આ લખાય છે ત્યારે, સપ્ટેમ્બર ૨૮, ૨૦૨૦ સુધીમાં હત્યારાઓને પકડવા મૃતક એડવોકટેનાં પત્નીને પોલીસ સ્ટેશન સામે ધરણાં કરવા પડે છે અને સમગ્ર કચ્છના દલિત સમાજને રસ્તા પર આવવાની ફરજ પડે છે.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 05 ઑક્ટોબર 2020; પૃ. 15