
ઓમકારનાથ ઠાકુર
કેટલાંક પુસ્તકો પાસે અવારનવાર પહોંચું છું. એમાનું એક છે “વાગ્ગેયકાર પૂ.પં. ઓમકારનાથ ઠાકુર”, જેના લેખક-સંકલનકર્તા-પ્રકાશક ડૉ. પ્રદીપકુમાર દીક્ષિત ‘નેહરંગ’ છે, જેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીના સંગીત વિભાગમાં કંઠ્ય સંગીતના પ્રાધ્યાપક હતા અને જેમને પંડિત ઓમકારનાથજીનું સાન્નિધ્ય સાંપડ્યું હતું ને એમની પાસે શીખવાનું સદ્ભાગ્ય પણ મળ્યું હતું. આ પુસ્તક મુખ્યત્વે હિંદીમાં છે. એમાં ઓમકારનાથજીનું જીવન ચરિત્ર તો છે જ પણ એમણે આપેલાં વ્યાખ્યાનો અને એમનાં લખાણો ઉપરાંત એમનાં પુસ્તકોની યાદી અને કલાકારો અને સહૃદયીઓએ એમને આપેલી અંજલિ પણ છે.
જેમને પ્રત્યક્ષ નહિ મળી કે નહીં સાંભળી શકવાનો મને અત્યંત રંજ છે એવા આ સંગીતકાર વિષે આજે થોડુંક કહેવું છે.
સારંગદેવના “સંગીત રત્નાકર”માં વાગ્ગેયકાર માટે આમ કહ્યું છે : ‘વાચં ગેયં ચ કુરુતે ય: વાગ્ગેયકારક:’
જે શબ્દ અને સંગીત બંને પ્રયોજે તે વાગ્ગેયકાર કહેવાય. એ રીતે પંડિત ઓમકારનાથ ઠાકુર આપણા મૂલ્યવાન વાગ્ગેયકાર છે.
1943માં ગુજરાત સાહિત્ય સભાએ પ્રતિષ્ઠિત રણજિતરામ સુવર્ણ ચંદ્રક આપીને એમનું બહુમાન કર્યું ત્યારે એમણે આપેલા સ્વીકાર પ્રવચનમાં એમણે સાહિત્ય અને સંગીતના સંબંધ વિષે કેટલીક રસપ્રદ વાતો પણ કરેલી :
“સાહિત્ય અને સંગીતને હું તો સદૈવ સહોદર જ માનતો આવ્યો છું, કારણ ‘સંગીતમથ સાહિત્યં સરસ્વત્યા: કુચદ્વયમ્’…….
સાહિત્યકાર અને સંગીતકારને માટે માજણ્યા ભાઈ સિવાય અન્ય કયો સંબંધ યોગ્ય ગણાય?…..એક બીજી દૃષ્ટિ. સાહિત્યનું ઉન્નત અંગ એટલે કાવ્ય અને કાવ્યનો આત્મા એટલે સંગીત કારણ કાવ્યનું વૈશિષ્ટ્ય એની ગેયતામાં છે એમ વેદ પ્રતિપાદે છે.”
8મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી 1962 દરમિયાન મુંબઈ યુનિવર્સિટીના પદવીદાન સમારંભખંડમાં એમણે “ગુજરાતકા સંગીતસત્વ” વિષય પર પાંચ વ્યાખ્યાનો આપ્યાં. ગુજરાતી લોકસંગીતમાં નિહિત ઝુમરા તાલ (14 માત્રાનો તાલ જે સાધારણ રીતે શાસ્ત્રીય ગાયનમાં વિલંબિત ખયાલમાં પ્રયોજાય છે), હંસકિંકિણી રાગ, નરસિંહનાં પ્રભાતિયાંમાં આપોઆપ બેસી ગયેલો રાગ શુક્લ બિલાવલ – આ બધું જ એમણે સદૃષ્ટાન્ત રજૂ કરેલું. (કહે છે કે “કાનુડો કામણગારો”, “કાળજ કોર્યું તે કોને કહીએ” જેવી દયારામની રચનાઓ અને ન્હાનાલાલનું “વિરાટનો હિંડોળો ” એમણે ત્યારે ગાયેલાં.)
એમણે પ્રણવરંજની, નીલાંબરી જેવા રાગો બનાવ્યા; બનારસ હિંદુ યુનિવર્સિટીમાં સંગીત વિભાગનું અધ્યક્ષસ્થાન શોભાવ્યું અને શાસ્ત્રીય સંગીતના શિક્ષક તરીકે પણ બહુમૂલ્ય પ્રદાન કર્યું અને શાસ્ત્રીય સંગીત ઉપર અનેક પુસ્તકો ને લેખો લખ્યાં. ઈટાલીના સરમુખત્યાર મુસોલિનીનો અનિદ્રાનો રોગ એમની સમક્ષ એમણે રાગ પુરિયા રજૂ કરીને દૂર કર્યો હતો એમ કહેવાય છે.
અત્રે સુરતના કંચનલાલ મામાવાળાનો ઉલ્લેખ કરવો ઘટે, જે પંડિતજીના નિકટના મિત્ર હતા અને ખૂબ સારા સ્વરકાર હતા.(‘જય જય ગરવી ગુજરાત’નું સ્વરાંકન કંચનલાલ મામાવાળાનું છે.) મામાવાળાએ સ્વરબદ્ધ કરેલી બે રચનાઓ ઓમકારનાથજીએ ગાઈ અને તે બંને કાલાતીત બની ગઈ – એક તે કવિ ન્હાનાલાલનું ગીત “વિરાટનો હિંડોળો ઝાકમઝોળ” અને બીજી તે મીરાંબાઈની રચના “રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર”.
“રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર”ની રસસભર પ્રસ્તુતિ પંડિતજીના અવાજમાં જ માણો.
પછી સૂરદાસની કૃતિ “મૈંયા મૈં નહીં માખન ખાયો”નું ઓમકારનાથજીનું કાયદો અને અદાલતની પ્રક્રિયાનો આધાર લઈને કરેલું સંગીતસભર અર્થઘટન પણ પંડિતજીની સર્જનાત્મકતાનો પરિચય આપે છે.
. https://youtu.be/hElaD4xG_mY
ડિસેમ્બર 29, 1967ના દિવસે એ સ્વરલીન થયા.
ગુજરાતના સુખ્યાત શાયર ગની દહીંવાલાએ ઓમકારનાથજીની પ્રથમ પુણ્ય તિથિ પ્રસંગે એમની સ્મૃતિમાં રચેલી આ રચના કહીને અટકું? –
હતા સાધક, સ્વયં સ્મારક ગણાયા,
તમે સ્વરના પિરામિડે પૂરાયા.
ગહન કો અર્થ સમ ઊંડાણમાં રહી
સરળ કો શબ્દ પેઠે ઓળખાયા.
હતો સિદ્ધાંતનો સાચો અહંકાર
પરંતુ પ્રેમથી જીતી શકાયા.
મધુર તાનોં, નિજી નવલા પ્રયોગો,
ઋચા સમ સ્પષ્ટ ઉચ્ચારે સોહાયા.
‘ગનીં’ ગૂંજી રહી ઘૂમટે મધુરતા
નથી ‘ઓમ્ કાર’ના પડઘા વિલાયા”
![]()



આવું વિશ્વભરમા અન્યત્ર ક્યાં થયું હશે તેની મારી શોધ મને માઈકલ ઈગ્નેશીએફના પુસ્તક “On Consolation” પાસે લઇ ગઈ. ઈગ્નેશીએફ કેનેડાના ઉદારમતવાદી પક્ષના ભૂતપૂર્વ નેતા, ઇતિહાસવિદ્દ, હાર્વર્ડ અને ઑક્સફર્ડ જેવી યુનિવર્સિટીઓમાં પ્રૉફેસર અને અનેક પુસ્તકોના લેખક છે. તેમણે અનુભવ્યું કે કોરોના સમયમાં કલાકારો, કવિઓ અને લેખકો લોકોનાં ભય, ચિંતાઓ, તણાવોમાં રાહત આપવાનું કામ કરતા હતા. હૉલેન્ડના રોટરડેમ જેવાં શહેરમાં કોઈને વિચાર આવ્યો કે વિશ્વભરના કલાકારો બીથોવનની સિમ્ફની ઑનલાઇન પ્રસ્તુત કરે જેમાં દરેક કલાકાર પોતપોતાના દેશમાં પોતાને ઘેર હોય. ઑનલાઈન હોવા છતાં સૌએ અજબ તાલમેલ જાળવ્યો. કોઈક કવિએ ફેસબૂક પર કાવ્યપાઠ કર્યો તો કોઈએ પિયાનોવાદન રજૂ કર્યું. અપાર પીડામાં જાતને આશ્વસ્ત કરવા કલાનો સહારો લઈને થયેલાં ઐતિહાસિક સર્જનો પર પુસ્તક લખવાનો ઈગ્નેશીએફને વિચાર આવ્યો. તેના પરિણામરૂપે આ પુસ્તકમાં પુત્રીના અકાળ અવસાન સમયે અભિવ્યક્ત થયેલી સિસેરોની પીડાની વાત છે; તો કવયિત્રી આના આખ્માતોવાએ, લેનિનગ્રાદમાં ક્રેસ્ટો જેલમાં કેદ તેના પુત્રને મળવા માટેની પ્રતીક્ષાની પળોમાં અનુભવેલી અનિશ્ચિતતા અને તેનાં કાવ્યોમાં વ્યક્ત વેદના પણ આપણે ઈગ્નેશીએફનું આ પુસ્તક વાંચીને અનુભવી શકીશું. પાશ્ચાત્ય સંગીતના ખ્યાતનામ સ્વરકાર ગુસ્તાવ માહલર ઉપરના પ્રકરણમાં બીથોવનનો એક હૃદયદ્રાવક કિસ્સો છે. 1804માં વિયેનામાં ડોરોથી વૉન એર્ટમૅન નામની યુવા પિયાનોવાદક પોતાના ત્રણ વર્ષના પુત્રને ગુમાવીને ઊંડા માનસિક દબાવમાં હતી. બીથોવન એને મળવા એને ઘેર ગયો અને ત્યાં લગભગ એક કલાક એવું પિયાનોવાદન કર્યું કે ડોરોથી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. બીથોવન કાંઈ જ બોલ્યા વગર ડોરોથીનો હાથ વાત્સલ્યથી દાબીને નીકળી ગયો. એ પછી ડોરોથીએ એક પત્રમાં કોઈને જણાવ્યું હતું કે તે દૈવી સંગીત હતું અને જાણે કે પ્રકાશના વિશ્વમાં ગાંધર્વો તેના પુત્રને આવકારી રહ્યા હતા! નરસિંહરાવ દીવેટિયાનું “મંગલ મંદિર ખોલો” આવી જ વેદનામાંથી અવતરેલું ને! માહલરે પોતાના સંતાનને ગુમાવ્યાનું દુઃખ 1901થી 1904ની વચ્ચે પાંચ ગીતોમાં વ્યક્ત કર્યું. છેલ્લા ગીતમાં પોતાને આ માટે દોષિત માનતા એ કહે છે –
કોરોના સમયે અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી સ્થગિત કરવી પડી હતી. લોકશાહીના ત્રીજા સ્તંભ સમી અદાલતો ચાલે જ નહીં તે તો ન ચાલે એમ વિચારીને તમામ રાજ્યોની વડી અદાલતોએ ટેક્નોલોજીની સહાય લઇ ઑનલાઇન સુનાવણી શરૂ કરી. ગુજરાત હાઈકૉર્ટે આખા ભારતમાં પહેલ કરી અને અદાલતો ઑનલાઇન ચાલે તે માટે અથાગ જહેમત ઊઠાવી. આરંભની મુશ્કેલીઓ બાદ આ વ્યવસ્થા સૌને એવી તો કોઠે પડી ગઈ કે 2021 ઑગસ્ટમાં જ્યારે પ્રત્યક્ષ સુનાવણી પુન: શરૂ કરાઈ ત્યારે સૌએ ઑનલાઇન સુનાવણી બંધ ન કરવા વિનંતી કરી. કાયદાનું શાસન – Rule of Law – તે લોકશાહીનો પાયો છે. ન્યાયતંત્ર સુધી પહોંચી શકાય તેવી વ્યવસ્થા – access to justice – તે આ નિયમનું એક પાસું છે. ન્યાયપ્રક્રિયામાં ટેક્નોલોજીના ઉપયોગના પ્રણેતા અને પ્રચારક, યુ.કે.ની સુપ્રીમ કૉર્ટના મુખ્ય ન્યાયમૂર્તિના ટેક્નોલોજી અંગેના સલાહકાર અને ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રૉફેસર રિચર્ડ સસકિંડના પુસ્તકે આંખ ખોલી નાખી – “Online justice and Future of Courts”. ન્યાયતંત્ર લોકશાહીનો આધાર છે, પણ ન્યાયપ્રક્રિયા લાંબી અને ખર્ચાળ છે. પ્રૉફેસર સસકિંડ એમ કહે છે કે સામાન્ય માણસ સુધી ન્યાયવ્યવસ્થા પહોંચે તે માટે માટે ટેક્નોલોજી શ્રેષ્ઠ વિકલ્પ છે. પોતાના આ પુસ્તકમાં એ ફ્રાન્ઝ કાફકાના “The Trial”માંથી માર્મિક રીતે ટાંકે છે –
લોકોનાં મન કોરોનાને કોરે મૂકીને રચનાત્મક રીતે પરોવાયેલાં રહે તે માટે અમેરિકાની ખ્યાતનામ (પણ ખૂબ ઊંચી ફી લેતી) હાર્વર્ડ યુનિવર્સિટીએ કેટલાક વિષયો ઓનલાઇન વિનામૂલ્યે શીખવવાનું શરૂ કર્યું. એમાં ચાર અઠવાડિયા માટે એક વિષય શૅકસપિયરના જીવન અને સર્જનની ઝલક ઉપર હતો. કહે છે કે અમેરિકાની સુપ્રીમ કૉર્ટના લગભગ 750થી વધુ ચુકાદાઓમાં શૅક્સપિયરનું કોઈ ને કોઈ વાક્ય ટાંકવામાં આવ્યું છે. ભારતની અદાલતોના ચુકાદાઓમાં અને ઘણા વકીલોની દલીલોમાં પણ શૅક્સપિયરના ઉદ્દગારો સંભળાય છે. વકીલો માટે તો એણે ‘હેન્રી સિક્સ્થ’ નાટકમાં લખેલું જ કે “The first thing we do, let’s kill all the lawyers”. આ ઉપરાંત ટ્રેડમાર્ક ઉપરના કેસોમાં “What’s in a name?” (રોમિયો અને જુલિયેટ) કે સામા પક્ષની દલીલોમાં તથ્ય નથી તેવું કહેવા “Sound and fury, signifying nothing” (મૅકબેથ) જેવાં વાક્યો અમે અવારનવાર સાંભળ્યાં છે. “મર્ચન્ટ ઑફ વૅનિસ” તો લેણદાર-દેવાદાર વચ્ચેના કેસોમાં અવારનવાર કરારના અર્થઘટન માટે વપરાય છે. નાની પાલખીવાલાએ કટોકટીકાળ સમયે, તે પહેલાં અને પછી આપેલાં પ્રવચનોમાં “મૅઝર ફૉર મૅઝર” નાટકનો આ સંવાદ સત્તાના દુરુપયોગ માટે અર્થસભર રીતે વણી લીધેલો – “It is excellent To have a giant’s strength, but it is tyrannous to use it like a giant”. 600 વર્ષ ઉપરાંતથી જે સર્જક વિશ્વભરમાં સૌથી વધુ ભજવાતો હોય તેને માત્ર ચાર અઠવાડિયામાં તો કઈ રીતે સમજી શકાય? પણ મારા વકીલાતના વ્યવસાયને વધુ રસિક બનાવવા શેક્સપિયરના સર્જનાત્મક આકાશ ભણી એક નજર કરવા મારા મનની બારી ઊઘાડવાનું નક્કી કર્યું. અમેરિકાના વકીલ અને કાયદાના શિક્ષક ડૅનિયલ કૉર્નસ્ટેઇનનું પુસ્તક “Kill all lawyers? Shakespeare’s Legal Appeal” વાંચ્યું, માણ્યું અને ધન્ય થયો. શૅક્સપિયરનાં નાટકોમાં કાયદાને સ્પર્શતી બાબતો કેમ આવે છે તે સમજી શક્યો. તેણે પોતાના સમયમાં પણ ન્યાયપ્રક્રિયામાં વિલંબ જોયેલો. પોતે અનેક કેસો કરેલા અને અનેક કેસો તેની સામે થયેલા. ગોપનીયતાનો અધિકાર, કાયદાનું સમાન રક્ષણ, ઘાતકી અને બિનપ્રમાણસર સજા(ગુનાના પ્રમાણમાં સજાનું ઘણું વધારે પ્રમાણ), વ્યક્તિસ્વાતંત્ર્ય જેવા, કાયદા સાથે નિસબત ધરાવતા, અનેક વિષયો શૅક્સપિયર કેટલી સરળતાથી પોતાનાં નાટકોમાં ગૂંથી લે છે તે વિચારથી જ હું અભિભૂત થઇ ગયો. સહેજ રમૂજ કરું? – હવે બસ શૅક્સપિયરને ક્વૉટ કરી શકું એવા કેસો આવવાની રાહ જોઉં છું!

પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક સ્ટીવન સ્પિલબર્ગ દ્વારા દિગ્દર્શિત અને સ્વનામધન્ય અદાકારો મેરિલ સ્ટ્રીપ અને ટોમ હેન્કસ દ્વારા અભિનિત ફિલ્મ “ધ પૉસ્ટ” ફર્સ્ટ ઍમેન્ડમેન્ટ દ્વારા રક્ષિત વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર છે – જેમાં પ્રેસનું સ્વાતંત્ર્ય સમાવિષ્ટ છે. ફિલ્મનું કથાનક આમ છે – અમેરિકન સરકારની વિયેતનામ યુદ્ધ નીતિને લગતા કેટલાક ગોપનીય દસ્તાવેજો 1971માં વર્તમાનપત્ર ‘ન્યુ યોર્ક ટાઈમ્સ’ પાસે પહોંચે છે. તે પ્રકાશિત થાય તો સરકાર ઊઘાડી પડી જાય તેમ છે. તેથી તેનું પ્રકાશન નહીં કરવા સરકાર હુકમ કરે છે. નીચલી અદાલત પ્રકાશન સામે મનાઈહુકમ ફરમાવે છે. કેસ અંતે યુ.એસ.એ.ની સુપ્રીમ કોર્ટમાં પહોંચે છે. બીજા જાણીતા વર્તમાનપત્ર ‘વૉશિંગ્ટન પોસ્ટ’ની આર્થિક સ્થિતિ બહુ સારી નથી. જો આ દસ્તાવેજો ‘વૉશિંગ્ટન પોસ્ટ’ છાપે તો વર્તમાનપત્ર પોતાની પ્રતિષ્ઠા પુનઃ સ્થાપિત કરી શકે તેમ છે; પણ તે છાપે તો અદાલતના હુકમના અનાદર બદલ સજા પણ થઇ શકે તેમ છે. એટલે પ્રેસ સ્વાતંત્ર્ય અને જાહેર જનતાના સાચી વાત જાણવાના અધિકારના અમલ માટે સુપ્રીમ કૉર્ટમાં ‘ન્યુ યોર્ક ટાઈમ્સ’ના કેસમાં સાથે ‘વૉશિંગ્ટન પૉસ્ટ’ પણ જોડાય છે. કાયદાના ક્ષેત્ર માટે બહુ મહત્ત્વના પુસ્તક “The Least Dangerous Branch”ના લેખક અને બંધારણીય વિદ્વાન ઍલેક્ઝાન્ડર બિકેલ વર્તમાનપત્રો તરફથી વકીલ તરીકે દલીલો કરે છે. યુ.એસ.એ.ની સુપ્રીમ કૉર્ટ વર્તમાનપત્રોની તરફેણમાં ચુકાદો આપે છે. વાણી-અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનું આમ રક્ષણ થાય છે.
“માર્શલ” ફિલ્મ યુ.એસ.એ.ની સુપ્રીમ કૉર્ટના પ્રથમ શ્યામ ન્યાયાધીશ થરગૂડ માર્શલની, તે ન્યાયાધીશ બન્યા તે પહેલાંની, વકીલ તરીકેની કારકિર્દી પર છે – ખાસ કરીને શાળાશિક્ષણમાં જાતિભેદ નાબૂદ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર કેસ “બ્રાઉન વિ. બૉર્ડ ઑફ ઍજ્યુકેશન”માં માર્શલની વકીલ તરીકેની ભૂમિકા ઉપર આ ફિલ્મ આધારિત છે. અમેરિકામાં કાળી પ્રજાનાં સંતાનોને માટે અલગ શાળાઓ હતી. કૅન્ટકી નામના રાજ્યમાં ઓલિવર બ્રાઉનની પુત્રીને, તે કાળી હોવાથી, તેની નજીકમાં આવેલી શાળામાં દાખલ કરવાનો શાળા દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો. તેણે કાળા વિદ્યાર્થીઓ માટે અલગ સ્થપાયેલી ને બ્રાઉનના ઘરથી ઘણી દૂર આવેલી શાળામાં જવું પડે તેમ હતું. સમાનતાના અધિકારના રક્ષણ માટે બ્રાઉન દ્વારા કેસ કરવામાં આવ્યો, જે યુ.એસ.એ.ની સુપ્રીમ કૉર્ટ સુધી પહોંચ્યો. બ્રાઉન વતી વકીલ તરીકે થરગૂડ માર્શલે દલીલો કરી હતી. 1954માં આ કેસનો, સમાનતાના અધિકારનું રક્ષણ કરતો, ચુકાદો આવ્યો અને શાળાશિક્ષણમાં જાતિભેદનો અંત આવ્યો. જો કે ઘણાં રાજ્યોએ આ ચુકાદાનો વિરોધ કર્યો હતો. યુ.એસ.એ.ની દક્ષિણમાં આવેલ રાજ્ય આર્કાન્સોના ગવર્નરે આ ચુકાદાનો અમલ કરવાની ધરાર ના પાડી ત્યારે 1957માં તત્કાલીન રાષ્ટ્રપ્રમુખે રાષ્ટ્રીય સેના મોકલીને યુ.એસ.એ. સુપ્રીમ કૉર્ટના ચુકાદાનો અમલ કરાવ્યો હતો.
જેમ ગ્રીસના ડેમોસ્થેનિસ કે રોમના સિસેરોની વક્તૃત્વકલા વિષે ઘણું લખાયું છે તેમ પાલખીવાલાની, ખાસ કરીને આ કેસમાં પ્રદર્શિત થયેલી, વાક્ છટા વિષે પણ ઘણું બધું લખાયું છે. બંધારણમાં સુધારો કરવા ઉપર સંસદની ગર્ભિત મર્યાદાઓ હોવાથી સુધારા નીચે બંધારણનું મૂળભૂત માળખું બદલી શકાય નહીં તેવો સિદ્ધાંત સુપ્રીમ કૉર્ટે આ કેસમાં આપ્યો, જે વિશ્વભરમાં બૅઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન તરીકે જાણીતો છે. 13માંથી 11 ન્યાયાધીશોએ અલગ અલગ ચુકાદાઓ આપ્યા. 6 ન્યાયાધીશો સંસદની બંધારણમાં સુધારો કરવાની ગર્ભિત મર્યાદાના પક્ષમાં હતા; અન્ય 6 તેથી વિરુદ્ધનો મત ધરાવતા હતા. છેવટે 13મા ન્યાયમૂર્તિ હંસરાજ ખન્નાનો મત નિર્ણાયક બન્યો અને આમ સંસદની બંધારણ સુધારવાની સત્તા પર અંકુશ આવ્યો. કેસની આગળપાછળની ઘટનાઓ, તેમાંના રમૂજપ્રેરક પ્રસંગો, અદાલતમાં થયેલી ઉગ્ર દલીલો અને સ્વયંસ્ફૂર્ત ઉદ્દભવેલી હળવી ક્ષણો – આ બધું જ એક ઉત્તમ ફિલ્મ માટે કથાવસ્તુ બની શકે તેમ છે.