(‘સાહિત્યત્વ’ (સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક વિજેતાઓનાં વક્તવ્યોનું સંપાદન) સંપાદક : અદમ ટંકારવી અને પંચમ શુક્લ, પ્રકાશક – ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ – યુનાઈટેડ કિંગડમ, પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ માર્ગ, અમદાવાદ. ફોન:૦૭૯ – ૨૬૫૮૭૯૪૯ પ્રથમ આવૃત્તિ – એપ્રિલ, 2022, મૂલ્ય: રૂ. ૬૭૫)
યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીએ તાજેતરમાં એક મૂલ્યવાન કામ કર્યું છે. વર્ષ ૧૯૯૧થી ૨૦૧૬નાં વર્ષોમાં સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક વિજેતાઓનાં વક્તવ્યોના ગુજરાતી અનુવાદનું સંપાદન સાહિત્યકાર અદમ ટંકારવી અને પંચમ શુક્લએ કરીને એક માતબર પુસ્તક પ્રકાશિત કર્યું છે. જુદા જુદા દેશોના પ્રતિભાવાન સર્જકો વિશે અહીં ઘણું જાણવા મળે છે. તેમનો ઉછેર, એક દેશ કે પ્રદેશમાંથી બીજે સ્થળે જવું, નવી ભાષા શીખવી ,જીવનસંઘર્ષ, કુટુંબજીવન – વગેરે ઘણી વાતો વાચકને ક્યારેક તો સાવ અલગ અનુભવજગતની ઓળખાણ કરાવે !
‘લેખન અને હોવાપણું’ શીર્ષક હેઠળ ૧૯૯૧માં પારિતોષિક મેળવેલ નેડીન ગોર્ડીમર કહે છે, ‘જગતમાં જે સૌંદર્ય છે એનું સંશોધન એટલે સાહિત્ય ..’ (પૃ.૩૬) ‘તમે શું કામ લખો છો?’, ‘આપણે કોને માટે લખીએ છીએ?’ જેવા પ્રશ્નો હેઠળ તેઓ લેખનના પાયામાં રહેલ હેતુ તરફ મૂળગામી એવા નિર્દેશો કરે છે અને અંતે રાજ્યસત્તા અને લેખક વચ્ચે થતી અથડામણનાં કારણો કયાં છે તેની વાત પણ કરે છે. આ જ વાતને મળતી આવતી વાત ટોની મોરિસન પણ કરે છે. વૃદ્ધાનાં હાથમાં પક્ષીના પ્રતીકથી તેઓ પોતાની ભાષા અંગેની ચિંતા વ્યક્ત કરે છે. તેમના મતે ભાષાની સૂક્ષ્મ રચના એ એક મિલકત છે અને કોઈ ખતરા કે તાબેદારી ખાતર એ જતી કરવામાં આવે તેનાથી એ ભાષાની પદ્ધતિસરની લૂંટ ચાલે છે તેમ કહી શકાય.
જાપાનીઝ સાહિત્યકાર કેન્ઝાબુરો ઓએએ ૧૯૫૭માં કલમ હાથમાં લીધી. તે પછી એમને ત્યાં દીકરાનો જન્મ થયો અને દીકરા હિકારીની જન્મગત માનસિક વિકલાંગતાની અસરે પોતાની વેદનાને વાચા આપતું લખાણ થતું રહ્યું. હિકારી બાલ્યાવસ્થામાં માત્ર વનપંખીઓના કલરવને પ્રતિસાદ આપતો હતો. એક ગ્રીષ્મ દરમિયાન જ્યારે તે છ વર્ષનો હતો અને તેઓ કન્ટ્રી કોટેજમાં રહેતા હતા ત્યારે તેણે એક વનની પાર સરોવરના કિનારે ફરતા એક જળકૂકડીનાં જોડાનો કલરવ સાંભળ્યો ને એ સાંભળતાવેંત એક ઉદ્દઘોષકના સ્વરે તેણે કહ્યું, ‘તે જળકૂકડીઓ છે.’ દીકરાના મુખથી નીકળેલા એ પ્રથમ માનવશબ્દ હતા. બસ, ત્યાર પછી તેના શાબ્દિક સંવાદનો પ્રારંભ થયો. આ લેખક અંગ્રેજી કવિ W.B.Yeatsથી પ્રભાવિત છે એટલું જ નહીં તેમનાં પ્રભાવ હેઠળ તેઓ એક કથાત્રયી લખી રહ્યા છે એવું પણ જણાવે છે. સાહિત્ય વિશે અન્ય વાતો કર્યાં પછી અંતે ફરી એક વાર હિકારી વિશે તેઓ જણાવે છે કે પક્ષીઓના કલરવ દ્વારા તે બાખ અને મોઝાર્ટની સંગીતની દુનિયામાં પ્રવેશ્યો અને પોતાની સંગીતરચનાઓનું સર્જન કરે છે. માનસિક વિકલાંગતા છતાં તેના દુષ્કર પ્રયત્નોથી મંડિત એવું તેનું સર્જકકર્મ તેના આંતરવિશ્વની ગહનતાનાં ઇંગિત આપતાં રહ્યા છે. હિકારીને પોતાનાં હ્રદયના ગહન સ્તરે વસતા કોઈ શ્યામલ વિષાદની ભાળ મળી છે જે આજ પર્યંત શબ્દની મદદથી તે પામી શક્યો નહોતો. પૂરક માહિતી અંતર્ગત જાણવા મળે છે કે હિકારીને સંગીતનાં સ્વરાંકન માટે આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે.
પૉલિશ કવયિત્રી વિસ્લાવા સિમ્બોર્સ્કાએ પોતાનાં પ્રવચનમાં પ્રેરણા વિશે વાત કરી છે. તેઓ કહે છે, ‘.. એકંદરે પ્રેરણા એ કવિઓ કે કલાકારોને જ હિસ્સે આવેલો વિશિષ્ટ અધિકાર નથી.’(પૃ.૧૧૨) પ્રેરણા પર કવિઓના ઇજારાને નકારવા છતાં તેઓ કવિઓને ‘વસુંધરાના વહાલા’ સમુદાયમાં મૂકે છે. દારિયો ફો નામના ઇટાલિયન નાટ્યલેખક પોતાનાં વ્યક્તવ્યનું વિલક્ષણ શીર્ષક બાંધે છે – ‘વિદૂષકો કે જે ઠઠ્ઠા મશ્કરી અને અપમાન કરે છે તેના વિરોધમાં’. વળી, તેઓ વક્તવ્યની સમાંતરે પોતાનાં ચિત્રો બતાવે છે. તેઓ કહે છે, ‘કેટલાક સમયથી આ મારી ટેવ છે કે હું મારી સ્પીચ તૈયાર કરું તે પહેલાં એને ચિત્રોમાં દોરું. લખવા કરતાં એને આકૃતિ આપું. એનાથી મને છુટ્ટો દોર મળે,મારી કલ્પનાને વેગ મળે. તમે પણ એ માણી શકો.’ આ માટે તેઓ પ્રેક્ષકોમાં ચિત્રોની નાની પ્રત આપે અને તેનું પાનું ફેરવતા જવાનું કહે છે. વક્તવ્યની આ વિલક્ષણ રીત હાસ્ય પણ પ્રેરી શકે.
પોર્ટુગીઝ લેખક જોસે સરમાવો પોતાની વાત અભણ દાદા-દાદીને કેન્દ્રમાં રાખીને કરે છે. શિયાળામાં જ્યારે રાતે ઘરનાં માટલાનું પાણી પણ થીજાવી દે એટલી ટાઢ વધી જતી ત્યારે એમનાં દાદી વાડામાં જઈને ડુક્કરનાં નબળાં બચ્ચાંને ઉપાડીને પોતાની પથારીમાં લઈ આવતાં. બરછટ ધાબળા નીચે માણસોની હૂંફ આ નાનકડાં પ્રાણીઓને થીજી જવાથી થનાર નિશ્ચિત મૃત્યુથી બચાવી લેતી. દાદીએ કહેલી વાર્તાઓને તેઓ તીવ્રતાથી યાદ કરે છે.
જર્મન લેખક ગુન્ટર ગ્રાસનાં વક્તવ્યનું શીર્ષક છે, ‘વધુ, હવે પછી’ (To be continued). ધારાવાહિક નવલકથાના સુવર્ણયુગથી શરૂ થતું વક્તવ્ય વચ્ચે વચ્ચે આ જ મુદ્દા પર સમ પર આવે છે અને અંતે ઉપસંહારમાં પણ તેઓ કહે છે, ‘આપણી સર્વસાધારણ નવલકથાઓ ‘must be continued’ એ પ્રકારે ચાલતી જ રહેવી જોઈએ. જો કોઈ દિવસે લોકો લખતા કે પ્રગટ કરતાં બંધ થઈ જાય કે ફરજિયાત બંધ કરી દેવામાં આવે, જીવંત રહેવા માટે પુસ્તકો પ્રાપ્ય જ ન હોય તો પણ આપણને મુખથી કાન લગીના કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપનારા વાર્તાકથકો તો મોજૂદ રહેવાના.’ (પૃ.૧૬૮) આ લેખક નાનપણથી જ વાંચવામાં અત્યંત એકાગ્ર હતા. તેમની તીવ્ર તલ્લીનતાનું નિદર્શન પાડોશણને આપવાની ઇચ્છાથી તેમની મા એવું કરે છે કે દીકરો વચ્ચે વચ્ચે જેમાંથી બટકું ભરી લેતો હતો તે ખાવાના રોલને સ્થાને પામોલિન સાબુનું ચોસલું ગોઠવી દે છે અને પછી બંને સ્ત્રીઓ – મા તો જરા ગૌરવપૂર્વક નિરીક્ષણ કરે છે કે તેઓ વચ્ચેથી સાબુ ઉઠાવતા, એમાં દાંત બેસાડતા અને ખાસ્સી વાર એને ચગળતા. (પૃ.૧૫૩-૫૪)
ચીનમાં જન્મેલા, મોટા થયેલા પણ ચીનમાં લખવા પર પ્રતિબંધને કારણે ચીન છોડી ફ્રાન્સ ગયેલા અને ફ્રેંચ ભાષામાં લખનાર ગાઓ શીન્ગજિયાન કહે છે, ‘સાહિત્યની શરૂઆત સ્વગત બોલવાથી થાય છે, બીજા સુધી પહોંચાડવા માટે ભાષાનો ઉપયોગ કરવો એ ગૌણ છે.. મારી આંતરિક એકલતા દૂર કરવા માટે મેં મારી નવલકથા ‘Soul Mountain’ લખવાનું શરૂ કર્યું ત્યારે દેશમાં કડક શિસ્ત વચ્ચે લખાયેલી મારી બીજી કૃતિઓ પર પ્રતિબંધ મુકાયેલો હતો. ‘Soul Mountain’ મારા માટે જ લખી હતી અને એ વખતે એવી કોઈ આશા નહોતી કે એ પ્રકાશિત થઈ શકશે. પછીથી તેઓ એમ પણ કહે છે કે ‘લિખિત શબ્દ પણ ચમત્કારી છે. એ બે અલગ જગ્યાએ રહેલી વ્યક્તિઓને જોડે છે, ભલે ને બંનેની જાતિઓ જુદી હોય કે જીવનકાળ જુદો હોય !’ (પૃ.૧૭૩)
વી. એસ. નાયપોલ લખે છે કે સર્જનના માર્ગ પર હું જઈ શકાય એટલો આગળ ગયો. દરેક પુસ્તકથી હું આશ્ચર્યચકિત થયો છું. એ પુસ્તક લખવાની પળ સુધી હું જાણતો ન હતો કે એ કેવો આકાર લેશે. પણ સૌથી મોટો ચમત્કાર તો શરૂઆત હતી. પોતાનાં વક્તવ્યની શરૂઆત તેમણે પ્રુસ્ત(Proust)ના નિબંધ ‘અગેઈન્સ્ટ સાંત-બૂવ’થી કરી અને અંત પણ એની જ વાતથી જ કરે છે.
જેને પ્રેરણા કહી શકાય એવી કોઈ તીવ્ર ક્ષણની વાત હંગેરીના લેખક ઇમરે કરતેઝ પણ કરે છે. એવી કોઈક અનુભૂતિને તેઓ કલાત્મક સાક્ષાત્કારની શ્રેણીમાં નથી મૂકતા પણ તેને અસ્તિત્વની એક આત્મખોજ ગણે છે. તેમનાં લેખન પર બીજા વિશ્વયુદ્ધ દરમિયાનના હોલોકોસ્ટની અસર છે. તેઓ કહે છે હું કોના માટે અને શા માટે લખી રહ્યો છું તે વાતમાં મને જરા પણ રસ નહોતો. ઓળંગી ન શકાય તેવી એક રેખા તેમને સાહિત્ય અને જેના આદર્શો તથા સાહિત્યની કલ્પના સાથે સંકળાયેલા આત્માથી દૂર રાખતી હતી એ રેખાનું નામ ઓશ્વિત્ઝ ( Auschwitz – Nazi Concentration Camp ). તેઓ કહે છે, ‘મારા લખાણોમાં ‘હોલોકોસ્ટ’ ક્યારે ય પણ ભૂતકાળમાં નહીં લખાયેલું હોય.’ (પૃ.૨૦૯) પોતે યહૂદી કુટુંબમાં જન્મેલા અને યહૂદી હોવું એ તેમનાં માટે સૌથી મોખરાનો પડકાર છે. તેમનાં દાદા-દાદીના જીવન રોળાઈ ગયાં, મજૂરી કરવી પડી. પણ તેમાંથી તેઓ શીખ્યા કે દુ:ખમાં ફક્ત કડવાશ નથી રહેલી પણ અસાધારણ નૈતિક સંભાવના પણ રહેલી છે.
ભાષા પોતાની માતા છે પણ પોતાને પિતા નથી એમ કહીને જેઓ ભાષા સાથેનો પોતાનો સંબંધ વિગતે વર્ણવે છે તે ઑસ્ટ્રિયાનાં લેખિકા એલફ્રિડ યેલીનેક જર્મન ભાષામાં લખે છે અને કહે છે, ‘લેખન વાંકડિયા વાળ કરવાની દેણગી છે, વાસ્તવ સાથે વાંકડિયા વાળ વાળવાની .. જે વાસ્તવને જરી ય જાણતા જ નથી તેમની શી વલે થાય છે ? એ ખૂબ જ વીંખાયેલો છે. એને સરખો ઓળી શકે એવી કોઈ કાંસકી નથી. લેખકો હાથ ફેરવે છે અને હતોત્સાહ થઈ વાળને ભેગા કરી ભાત પાડે છે, પણ રાતે તરત એ વિફરે છે. પોતે દેખાય છે એમાં કશુંક અજુગતું છે. સુંદર રીતે ગોઠવાયેલા વાળને ફરી એની મૂળ પ્રકૃતિથી કરી શકાય, પણ કોઈ રીતે વશ કરી ન શકાય.
પ્રખ્યાત અંગ્રેજી નાટ્યલેખક અને દિગ્દર્શક હેરોલ્ડ પિન્ટરના મતે “વાસ્તવિક અને અવાસ્તવિક વચ્ચે, સાચા અને જૂઠા વચ્ચે જડબેસલાક તફાવત નથી. કોઈ બાબત અનિવાર્યપણે સાચી કે જૂઠી નથી. એ સાચી અને જૂઠી બંને હોઈ શકે. નાટયકૃતિનું સત્ય હંમેશાં છટકણું હોય છે. એ નિતાંત તમને લાધતું નથી, પણ એના માટેની ખોજ અપરિહાર્ય છે. આ ખોજ જ પ્રવૃત્ત કરે છે. આ ખોજ તમારું કર્મ છે. નાટ્યકળામાં ખરેખર તો એક જ સત્ય જડે એવું કદી નથી; ઘણાં બધાં હોય છે. આ સત્યો એકમેકને પડકારે છે, હડસેલે છે, પ્રતિબિંબિત કરે છે, એકમેકની ઉપેક્ષા કરે છે, એકમેકને ચીડવે છે, એક્મેકથી અજ્ઞાત રહે છે …” (પૃ.૨૪૦)
તુર્કી લેખક ઓરહાન પામુક ‘મારા પિતાની સૂટકેસ’ શીર્ષકથી પોતાનાં સર્જન વિશે વાત કરે છે. તેમના પિતાજીની લખેલી હસ્તપ્રતો એ સૂટકેસમાં વાંચવાનું લેખકપુત્રને કહેવામાં આવેલું. પિતાનું બાળપણ અને યુવાની આરામદાયક રીતે વીતેલાં અને સાહિત્ય માટે થઈને, લેખક થવા ખાતર અડચણો વેઠવાની તેમની તૈયારી નહોતી. એમને જિંદગી એની તમામ સુંદરતામાં વહાલી હતી. આગળ આ લેખમાં લેખક એક તુર્કી કહેવત – સોંયથી કૂવો ખોદવો – ટાંકે છે અને કહે છે, તે લેખકને ધ્યાનમાં રાખીને કહેવાઈ છે. પોતાના પિતા બાબતે, પિતાના વાચન અને લાયબ્રેરી બાબતે તથા પોતાના સર્જન બાબતે ઓરહાન પામુક રસપ્રદ વાતો કરે છે. આખા લેખમાં સૂટકેસમાં રહેલી પિતાના લેખનની હસ્તપ્રતો વિશે એક રહસ્ય અનુભવાય છે. એ વાંચ્યા પછીનો લેખકનો પ્રતિભાવ પણ રસપ્રદ છે. એક લેખકનો પિતા સાથેનો આ સંબંધ અનન્ય છે.
ઇરાનમાં જન્મેલ પણ યુવાવસ્થા ઝીમ્બાબ્વેમાં વિતાવનાર લેખિકા ડોરિસ લેસિંગ આફ્રિકાના એવાં પ્રદેશની વાત કરે છે જ્યાં શિક્ષણસંસ્થાઓમાં પણ પુસ્તકો સાવ ગેરહાજર છે. અહીં એવાં શિક્ષક છે જે છથી અઢાર વર્ષના વિદ્યાર્થીઓને પથ્થરથી ધૂળમાં લખી ભણાવે છે. અહીં વીસ વર્ષની એવી યુવતી છે જે ધૂળમાં સોટીથી એ,બી,સી,ડી લખે છે. લેખિકા કહે છે, લેખન માટે પુસ્તકોનું સાંનિધ્ય જરૂરી છે. અહીં એવા લેખકો થયા છે જે મુરબ્બાની બરણી પરની કાપલી વાંચીને વાંચતા શીખ્યા છે!!!
ફ્રાંસના જો મારી ગુસ્તાવ કલેઝિયો પોતાની તીવ્ર અનુભૂતિઓની વાત કરે છે જેમાં જંગલના અનુભવો, નાનીમા પાસેથી સાંભળેલી વાર્તાઓની અસર અને પુસ્તક-વાચનના અનુભવો છે. સ્ટિગ ડેગરમેન(સ્વીડિશ લેખક તથા પત્રકાર)નું તેમને પ્રિય એવું પુસ્તક ‘નિબંધો અને સત્ય-લખાણો’ છે જેમાં કલેઝિયોને બાળસહજ કોમળતાની સાથે સરળતા અને કટાક્ષનું સંમિશ્રણ જોવા મળે છે જેને ગ્રહણ કરવા તેઓ ઉત્સુક છે. પોતાનાં વક્તવ્યનાં શીર્ષક ‘વિરોધાભાસનું વન’ની સમજૂતી આ રીતે છે. એક તરફ દુનિયામાં સાહિત્ય કરતાં વધુ મહત્ત્વપૂર્ણ બીજું કંઈ હોઈ શકે નહીં એ રીતે વર્તવું અને બીજી તરફ જ્યાં જ્યાં દૃષ્ટિ પડે ત્યાં ક્ષુધાગ્રસ્ત અને સંઘર્ષરત માનવીઓ જોવા મળે છે અને એમને માટે તો મહિનાના અંતે થનારી કમાણીથી વધુ મહત્ત્વ કશાનું નથી હોતું – આ હકીકતને અવગણવી કઈ રીતે શક્ય છે ? અહીં જ સર્જકને એક નવા વિરોધાભાસનો સામનો કરવો પડે છે – એ ક્ષુધાર્તો માટે જ લખવા માગતો હોય છે, પણ હવે એ જાણે છે કે જેમની પાસે પેટ ભરીને ખાવાનું છે એમની પાસે જ લેખકના અસ્તિત્વની નોંધ લેવાની ફુરસદ છે. તો હવે લેખકે આ વિરોધભાસના વનમાં જ પડાવ નાખવાનો છે – આ વાતને ગૃહિત રાખીને લેખક કેટકેટલા દિગ્ગજ લેખકોની વાત કરે છે.
જર્મન લેખિકા હેરતા મ્યુલરે સત્તાની કદમપોશી ન કરી. તેઓ નોકરી કરતાં હતાં ત્યાં તેમની પર બળજબરી કરીને ખોટું લખાણ આપવાનું કહેવામાં આવ્યું પણ તેમણે તેમ ન કર્યું અને કેબિન આંચકી લેવામાં આવતા ડર્યા વગર કેબિનની બહાર પગથિયાં પર બેસીને કામ જારી રાખ્યું. નાનપણમાં તેમની મા રોજ સ્કૂલે જતી વખતે ટોકતી, ‘તેં હાથરૂમાલ લીધો?’ આ પ્રશ્ન સમગ્ર જીવન દરમિયાન જુદી જુદી રીતે તેમની કસોટી લે છે.
દક્ષિણ અમેરિકાના પેરૂ દેશના વતની મારિયો વરગાસ લોસા પછીથી સ્પેનનું નાગરિકત્વ લે છે અને સ્પેનિશ ભાષામાં સર્જનકાર્ય દ્વારા પ્રખ્યાત બને છે. તેઓ કૃતજ્ઞતાપૂર્વક એ ધરતીના લૂણનો સ્વીકાર પણ કરે છે. ફ્રેંચ લેખક પેટ્રિક મોદિયાનો નાની નવલકથાઓ લખે છે – ૧૨૦થી ૧૩૦ પાનાંની. તેમણે મોટે ભાગે યાદદાસ્ત, અવગણના-ઉપેક્ષાઓ, અસ્મિતા તેમ જ અપરાધભાવ જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખતું નવલકથા-સાહિત્ય આપ્યું છે. તેઓ કહે છે, ‘તમે જ્યારે પુસ્તક પૂરું કરવામાં છો, ત્યારે તમને એવી લાગણી થયા કરે છે કે જાણે પુસ્તક સ્વતંત્રતાનો શ્વાસ લેવાનું શરૂ કરી દે છે ને તમારા હાથમાંથી છટકી જવાની તૈયારી કરે છે ..’(પૃ.૩૭૯)
૨૦૧૫માં રશિયન લેખિકા સ્વેતલાના એલેક્સિયેવીચને નૉબેલ પારિતોષિક મળે છે જેઓ ગામડામાં ઉછર્યા છે. તેઓ કહે છે કે બીજા વિશ્વયુદ્ધ પછી અમારા ગામડામાં કોઈ પુરુષને જોયાનું મને યાદ નથી. અમે બાળકો માત્ર સ્ત્રીઓની દુનિયામાં જ મોટાં થયાં છીએ. મને સૌથી વધુ એ વાત યાદ છે કે એ સ્ત્રીઓ મૃત્યુની નહીં પણ પ્રેમની વાતો કરતી. લડાઈમાં જતાં પહેલાંના આગલા દિવસે તે પોતાનાં પ્રિયજનોને કેવી રીતે વિદાય આપતી તેની વાતો તે અમને કહેતી. તેમનાં પાછા આવવાની હજી પણ તેઓ રાહ જોઈ રહી છે. ૨૦૧૬માં નૉબેલ સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ સંગીતકાર બૉબ ડિલન સુધીના લેખકોનાં વક્તવ્યો અનુવાદ દ્વારા વાંચવા મળે છે.
આ એક એવું પુસ્તક છે જેમાં જુદા જુદા દેશ અને સંસ્કૃતિના લેખકોનો અવનવો પરિવેશ જાણવા મળે છે. એમનાં વક્તવ્યોમાં એમની સાદગી, સમસંવેદના, લખવાની અને વ્યક્ત થવાની તીવ્ર અભીપ્સા, મુક્તિ માટેની ઝંખના – આવા અનેક મુદ્દાઓ આપણને વિચારતા કરી દે છે. જીવનની વ્યાપકતાનો ખ્યાલ આવે તેવાં આ વક્તવ્યો વાંચવાનો આનંદ વ્યક્ત કરું છું.
‘સ્નેહલ’, પ્રજાપતિ વાડી સામે, ગાંધી રોડ, બારડોલી – 394 602. જિલ્લો સુરત. ગુજરાત.
e.mail Sandhyanbhatt@gmail.com