પુસ્તક પરિચય
● ‘માનુષ’ – લેખક : હકુ શાહ, આલેખન : પીયૂષ દઈયા, અનુવાદ : મોહન દાંડીકર, પ્રકાશક : ગૂર્જર, રૂ. 350/-
‘માનુષ’ એ ‘ચિત્રકાર અને લોકકલાવિદ હકુ શાહ(1934-2019)ની અંતરંગકથા’ છે. અહીં હકુભાઈએ કલા તરફનો પોતાના અભિગમ અને સર્જન પ્રક્રિયાની વાત કરી છે.
તદુપરાંત પોતાની કેટલીક અગત્યની કૃતિઓ અને દેશ-વિદેશમાં સફળતાપૂર્વક પાર પાડેલાં દેશજ કલાઓના ઉપક્રમોનું વર્ણન પણ મળે છે.
તેમની ખુદની કલાયાત્રા અને એ દરમિયાન મળેલાં વિલક્ષણ પાત્રો અને અનુભવો પુસ્તકનો સહુથી રસપ્રદ હિસ્સો છે. લેખકે કરેલો માટીનો મહિમા ભાવવિભોર બનાવી દેનારો છે.
હકુભાઈના દર્શનના કેન્દ્રમાં માનુષ – માણસ છે. આરંભે જ તેઓ લખે છે : ‘માનુષની વાત મને એટલી બધી નજીકની લાગે છે જેટલી પ્રકૃતિ, માટી અને ભૂ-માની વાત લાગે છે.’
રવીન્દ્રનાથની ‘સાબાર ઉપરેર મનુષ્ય’તેમની ધ્રુવ પંક્તિ છે. પણ તેમના હૈયામાં જે મનુષ્ય વસેલો છે તે આદિવાસી-વનવાસી, કુંભાર-સુથાર, કારીગર-કસબી, ઝૂંપડાવાસી-ફૂટપાથવાસી છે.
‘અદિવાસી લોકો કે એમનાં કામો મારે માટે એક મોટો પ્રેરણાસ્રોત બની રહ્યાં છે’ અને ‘જ્યારે પણ માણસની અસલિયત શોધવા નીકળું છું ત્યારે દરેક વખતે મારે લોકો પાસે અથવા આદિવાસીઓ પાસે જવું પડે છે’.
– આમ કહેનાર હકુભાઈ એમના આ ઉપેક્ષિત-વંચિત લોકની કલા અને પરંપરા, પરિશ્રમ અને પ્રતિભાને, જીવનસત્વ અને જીવનશૈલીની ઝલક આપે છે. ‘લોકોની સાથે મારો નાભિનાળ સંબંધ રહ્યો છે. લોકો જ સર્વોપરી છે મારે માટે’, એમ પણ તેઓ લખે.
‘માનુષ’ મૂળ તો દિલ્હી-સ્થિત કલાવિદ્દ અને હિન્દી કવિ પીયૂષ દઈયાએ હકુભાઈ સાથે 2007ના પહેલાં છ મહિના દરમિયાન રોજબરોજ સંવાદ કરીને હિન્દીમાં આલેખેલું પુસ્તક છે.
દિલ્હીના સેન્ટર ફૉર મીડિયા એન્ડ આલ્ટરનેટિવ કમ્યુનિકેશને 2009માં બહાર પાડેલા આ સ્વકથનનું ગુજરાતી ભાષાંતર મોહન દાંડીકરે (1932-2020) કર્યું છે.
જીવનના અંત સુધી ઊંડી સૂઝ અને પરિશ્રમથી, સામાજિક અનુબંધવાળા સંખ્યાબંધ અનુવાદ આપનાર મોહનભાઈએ આ અનુવાદ કર્યો ત્યારે ‘જીવનની સંધ્યા વેળાએ’ એક આંખ ‘અસહકાર’ પર ઊતરી હતી.
અર્થસભર અરૂઢ શીર્ષકો ધરાવતાં અગિયાર પ્રકરણોમાંથી પહેલાં પાંચ આ મુજબ છે : ‘અપરિચિત અસ્તિત્વ’, ‘આલોક સ્પર્શ્યું અસ્તિત્વ’, ‘યા ઘટ’ (કબીરના પદ પરથી), ‘દેહમાં દેવ તું’ અને ‘ચાકડા પર લીલા’.
આ બધાંમાં એકંદરે કલા તેમ જ જીવન વિશે ગંભીર, તત્ત્વજ્ઞાનપૂર્ણ, અમૂર્ત ખ્યાલોનું ચિંતન છે, જે વાચક પાસે વિશેષ રુચિ માંગી લે છે.
અહીં હકુભાઈ પોતાના સર્જનની પવિત્રતા, આયાસમુક્તતા, બાહ્યવાતાવરણ સ્વીકાર્યતાની, અપાર આનંદદાયકતા અને માનવી સૌંદર્યશાસ્ત્રમાંની આસ્થા જેવી વિભાવનાનો વિશે લખે છે.

હકુભાઈ શાહ
ચિત્રસામગ્રી, રંગસંયોજન, રૂપાકૃતિ, અવકાશ, નગ્નતા અંગેનું વિવરણ પણ અહીં છે. ‘માનુષનું વિશ્લેષણ અતિ કઠિન છે’ એવું લેખકનું નિરીક્ષણ પુસ્તકના પહેલા પાંચ પ્રકરણ માટે વિશેષ બંધબેસતું છે.
છઠ્ઠા પ્રકરણ ‘રૂપ ગોઠ’ અને તે પછીનાં પ્રકરણો પ્રત્યક્ષ કલાકૃતિઓ, કલા-ઉપક્રમો, અનુભવો, પ્રસંગો અને વ્યક્તિઓ વિશે વધતી રસાળતા સાથે લખાયેલી સામગ્રી છે. તેમનાં નામ છે : ‘તેજ તું’, ‘સર્વવ્યાપી સર્જનહાર’, ‘જીવને જે પૂજા’ અને ‘ગર્ભનો ખહરો’.
આ ગુચ્છમાં અનેક વિવિધ બાબતો છે. જેમ કે, ‘ગાંધી વિશે કંઈક કરવું જોઈએ’ એવી અંત:પ્રેરણાથી મહાત્માના આરાધકે ‘નૂર ગાંધીનું : મારી નજરે’ નામે રૂપ ગોઠ અર્થાત્ કોલાજ બનાવ્યું.
અમદાવાદમાં 2002માં કોમી રમખાણો થયાં. આ ‘જખમ’થી ચિતારો ‘વિહવળ’ થયો. ‘મારે આ સાંપ્રદાયિક તત્ત્વોની સામે હિંમતપૂર્વક ઊભા રહેવું જોઈએ’ એવા નિર્ધારથી હકુભાઈએ ‘હમન હૈ ઇશ્ક’ નામનું ચિત્રપ્રદર્શન કર્યું, જેને તે ‘હિંસક શક્તિઓ સામેનો મારો સવિનય વિરોધ’ તરીકે ઓળખાવે છે.
‘કેટલીક કવિતાઓને કેન્દ્રમાં રાખીને’ કરેલાં ચિત્રો, રેખાંકનો, વિનોબાના ભૂદાનના આવકાર માટેની સંસ્થાપન કૃતિઓની વાત આવે છે. દેશભરના કુંભાર ભાઈઓને લઈને કરેલું ‘માટી તેરે કિતને રૂપ’ પ્રદર્શનની મહત્તાની ધારણા થઈ શકે.
‘ધર્મનિરપેક્ષ અને સમતામૂલક’ મૂલ્યો, અભિવ્યક્તિની તક અને પ્રકૃતિ જેવી બાબતોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે દેશ અને દુનિયામાં કરેલી રચનાત્મક શાળાઓ તે પણ હકુભાઈનું મહત્ત્વનું પ્રદાન છે. ઉદયપુરના જે ‘શિલ્પગ્રામ’ સાથે હકુભાઈનું નામ જોડાયેલું છે તેની પરિકલ્પના અને રચનાનું બયાન મળે છે.
દેવીપૂજક સમુદાયની ઝૂંપડામાં રહેનારી ચીંથરેહાલ કસબી મહિલા ધૂળી માટીનાં સુંદર રમકડાં બનાવીને વેચતી. પરખંદા હકુભાઈ તે રમકડાંને પોતે રચેલાં ‘અનનોન ઇન્ડિયા’ નામના 1969માં રચેલાં આંતરરાષ્ટ્રીય કલાપ્રદર્શનમાં લઈ ગયા. હવે તે ફિલાડેલ્ફિયાના સંગ્રહમાં છે.
મેઘા નામના ઝૂંપડાવાસી વૃદ્ધ મહિલાના મધુબની શૈલીના ચિત્રોને પણ હકુભાઈએ વિદેશોમાં પ્રતિષ્ઠા આપાવી. હકુભાઈના તેમના સ્નેહી અને વિશ્વવિખ્યાત અમેરિકન ડિઝાઇનર ચાર્લ્સ ઇમ્સને એક એવું ઝૂંપડું બતાવે છે જે જેની અંદર દિવાલ પર સુંદર ચિત્ર હોય અને દાદા-પૌત્ર સહિતનો પરિવાર હોય.
ઇમ્સે પોણા કલાક સુધી નિરીક્ષણ કરીને ઝૂંપડીની અંદરના ફોટા પાડ્યા,અને બે વર્ષ પછી તેનું ‘યોર ફૅમિલી’ નામનું આલબમ ભારતમાં મોકલ્યું.
ઇમ્સની યાદ હકુભાઈએ અગિયારમા આખરી પ્રકરણ ‘આભલાં આતમ’માં લખી છે. તેમાં તેમણે જન્મ, ઉછેર, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નવા સ્થાપયેલા કલા વિભાગમાં અભ્યાસ તેમ જ ઘડતર તેમ જ 73 વર્ષ સુધીની તેમનાં કારકિર્દી અને સર્જનનું વાચનીય વર્ણન કર્યું છે. વાચક અભિભૂત થઈ જાય તેવા ફકરા અને ચિંતકણિકાઓ ઠેરઠેર મળે છે.
‘માટી મા છે, આખા ભારતના લોકો આવું માને છે’.
‘પૃથ્વી પર કોઈ જ વસ્તુ બાકી નથી જેમાં ફળદ્રુપતા ન હોય’.
‘આ દુનિયાને ઘણી મોટી ભેટ હુન્નર, કારીગરી અને સૌંદર્યરૂપે મળી છે’.
‘ભારતમાં ડિઝાઈન જીવનનો ભાગ છે’.
એક આદિવાસીએ મને કહ્યું હતું.
‘રાચ (વસ્તુ) છે તો ભાત પણ જોઈએ’.
‘ભારતની સામાજિક, સાંસ્કૃતિક અને બહુલતાવાદી પરંપરાઓમાં કેટલી ઊંડી રચનાત્મકતાઓ છુપાયેલી છે, જેને આપણે અત્યાર સુધી ઓળખી શક્યા નથી.’
હકુભાઈની ‘માનુષ’ ચિત્રશ્રેણીમાંથી ‘ખુદી કો’ નામનું ચિત્ર પુસ્તકના મુખપૃષ્ઠ પર છે, એમ કલા મરમી અધ્યાપક અજય રાવળ જણાવે છે.
વળી હકુભાઈના ચિત્રોની શ્વેતશ્યામ પ્રતિકૃતિઓ 230 પાનાંના પુસ્તકના અનેક પાનાં પર ગોઠવવામાં આવી છે.
જો કે ઘટનાપૂર્ણ વાચનની દૃષ્ટિએ આ પુસ્તક ગુજરાતીમાં ચિત્રકારોનાં જીવન પરના પુસ્તકોથી જૂદું છે. તે ગંભીર વાચકને સર્જકના મૂર્ત-અમૂર્ત આલોકમાં લઈ જનારી ચિંતનકથા છે.
-X-X-X-X-X-
30 એપ્રિલ 2023
-‘ગ્રંથવિહાર’, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ. ફોન : 079 – 265857949
– ગૂર્જર સાહિત્ય ભવન, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ. મો. 09227055777
– ગૂર્જર સાહિત્ય પ્રકાશન, 102,લૅન્ડમાર્ક બિલ્ડીંગ, સીમા હૉલની સામે, પ્રહ્લાદનગર, અમદાવાદ. મો. 9825268759
[‘દિવ્ય ભાસ્કર’માં આજે આવેલા પુસ્તક પરિચયનો કેટલાંક ઉમેરણ સાથેનો લેખ, 800 શબ્દો]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()



‘એક અનોખો રાજવી’ પુસ્તક ગરાસદાર સ્વાતંત્ર્યસૈનિક દરબાર ગોપાળદાસ દેસાઈ(1887-1851)ના, રાજમોહન ગાંધીએ લખેલા વિસ્તૃત જીવનચરિત્ર The Prince of Gujarat : The Extraordinary Story of the Prince Darbar Gopaldas Desai (2014)નો અમેરિકા-સ્થિત અશોક મેઘાણીએ કરેલ ખૂબ વાચનીય અનુવાદ છે.