જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધીમાં શું ફર્ક હતો? આ સવાલનો જવાબ તો અનેક રીતે વાળી શકાય પણ જો વાત કાર્ટૂનની થતી હોય તો કહી શકાય કે, નહેરુ તેમના પર વ્યંગ કરતાં કાર્ટૂન પણ માણી શકતાં હતા. નહેરુની સેન્સ ઓફ હ્યુમર સારી હતી, પરંતુ ઇન્દિરા ગાંધીથી કાર્ટૂન સહન નહોતાં થતાં અને તેમનામાં સેન્સ ઓફ હ્યુમરનો પણ સદંતર અભાવ હતો. નહેરુયુગમાં સુવર્ણકાળ ભોગવનારી રાજકીય કાર્ટૂન કળાનો ઇન્દિરા યુગમાં અસ્ત થવાની શરૂઆત થઈ ગઈ હતી. કાર્ટૂનકળા પર લખાયેલાં કેટલાંક પુસ્તકોમાં ચોક્કસ નહીં, પણ આ પ્રકારના તુલનાત્મક ઉલ્લેખો જરૂર જોવા મળે છે. નહેરુએ રાજકીય કાર્ટૂનિસ્ટોને ખુલ્લા દિલે પ્રોત્સાહન આપ્યું હતું, જ્યારે ઇન્દિરા ગાંધી કટોકટી લાદીને કાર્ટૂનિસ્ટોને મરણતોલ ફટકો મારવામાં નિમિત્ત બન્યાં હતાં. એવું કહેવાય છે કે, કટોકટી કાળમાં સૌથી જીવલેણ ફટકો લેખકો-પત્રકારોને નહીં પણ રાજકીય કાર્ટૂન બનાવનારા કાર્ટૂનિસ્ટોને લાગ્યો હતો. એટલે જ સમકાલીન ભારતના ‘બિલો ધ બેલ્ટ’ નિવેદનબાજી કરતા, નફરત અને બદલાનું રાજકારણ ખેલતા અને અસહિષ્ણુતાને પ્રોત્સાહન આપતા નેતાઓએ નહેરુમાંથી એટલિસ્ટ સહિષ્ણુતાનો ગુણ અપનાવવાની ખાસ જરૂર છે.
આજે ય દેશના અનેક અખબારો-સામયિકોમાં રાજકીય કાર્ટૂનનો સમાવેશ કરાય છે એ વાત ખરી, પરંતુ આ ઉચ્ચ પ્રકારની કળાએ તેની અસરકારતા ગુમાવી દીધી છે, એ કડવું સત્ય છે. આ સ્થિતિ રાતોરાત નહીં પણ વર્ષો સુધી કાર્ટૂન અને કાર્ટૂનિસ્ટની ઉપેક્ષાના કારણે સર્જાઇ છે. આંકડાકીય રીતે જોઈએ તો ભારતીય પ્રિન્ટ મીડિયામાં પહેલાં કરતાં કદાચ અત્યારે વધારે કાર્ટૂન સ્પેસ હોય છે. ૩૧મી માર્ચ, ૨૦૧૫ના તાજા આંકડા પ્રમાણે દેશભરની ૨૩ ભાષામાં એક લાખથી પણ વધારે અખબારો-સામાયિકો નોંધાયેલાં હતાં, જેમાંનાં અનેક પ્રકાશનોમાં કાર્ટૂનને સ્પેસ અપાય છે. રસપ્રદ વાત એ છે કે, અંગ્રેજી પ્રિન્ટ મીડિયા કરતાં પ્રાંતીય ભાષાનાં અખબારો અને સામાયિકોમાં વધારે કાર્ટૂન સ્પેસ ફાળવાય છે, પરંતુ તેમાં રાજકીય કરતાં સામાજિક કાર્ટૂન અને કોમિક સ્ટ્રીપનું પ્રમાણ વધારે હોય છે, પોલિટૂનનું નહીં. પોલિટિકિલ કાર્ટૂન મતલબ રાજકીય કાર્ટૂન ટૂંકમાં 'પોલિટૂન' તરીકે ઓળખાય છે.

અબુ અબ્રાહમ, ઓ. વી. વિજયન, શંકર, ઉન્ની અને કુટ્ટી
એક સમયે ભારતના અંગ્રેજી પત્રકારત્વમાં પોલિટૂનની કળા સોળે ય કળાએ ખીલી હતી. ભારતમાં આધુનિક કાર્ટૂન કળાના ભિષ્મ પિતામહ ‘શંકર’ તરીકે જાણીતા કેશવ શંકર પિલ્લાઇ ગણાય છે. શંકરે ૧૯૪૮માં 'શંકર્સ વિકલી' નામનું હાસ્યસભર સામાયિક શરૂ કર્યું હતું, જે તેની ગુણવત્તાના કારણે ભારતના 'પંચ'નું બિરુદ પામ્યું હતું. હેનરી મેથ્યુ નામના અંગ્રેજ પત્રકાર, નાટ્યકાર, સંશોધક અને સામાજિક સુધારાવાદીએ એબેન્ઝર લેન્ડલ નામના ઇલસ્ટ્રેટર સાથે મળીને વર્ષ ૧૮૪૧માં 'પંચ' નામનું કાર્ટૂન સાપ્તાહિક શરૂ કર્યું હતું. ઐતિહાસિક તથ્યો કહે છે કે, 'પંચે' શરૂઆતના દસ વર્ષ યુનાઇટેડ કિંગ્ડમના રાજકારણ પર ધારદાર વ્યંગ કરીને 'નામ જેવું કામ' કરીને ખળભળાટ મચાવી દીધો હતો. ઇલસ્ટ્રેશન એટલે કે રેખાચિત્રો માટે 'કાર્ટૂન' શબ્દ 'પંચે' જ ચલણી કર્યો હતો. ૧૮૪૧માં શરૂ થયેલા આ સામાયિકનો ફેલાવો ૧૯૪૦માં ટોચ પર હતો. એ પછી 'પંચ'નું વેચાણ ઘટ્યું અને ૧૯૯૨માં તો તેને બંધ કરવાનો વારો આવ્યો. વર્ષ ૧૯૯૬માં આ સામાયિક ફરી શરૂ કરાયું, પરંતુ ૨૦૦૨માં ફરી બંધ કરવું પડ્યું. 'શંકર્સ વિકલી'ની સરખામણી ‘પંચ’ જેવા માતબર સામાયિક સાથે થતી હોવાનાં અનેક કારણ હતાં.
શંકરે બાળપણથી જ કાર્ટૂનકળા પર હાથ અજમાવવાની શરૂઆત કરી દીધી હતી. શંકરે એકવાર ક્લાસરૂમમાં જ પોતાના શિક્ષક ઊંઘતા હોય એવું કાર્ટૂન દોર્યું હતું, જેના કારણે તેમને હેડ માસ્ટરનો ઠપકો સાંભળવો પડ્યો હતો. આ ઘટના પછી શંકરના કાકાએ તેમને વધુને વધુ કાર્ટૂન દોરવા પ્રોત્સાહિત કર્યા. સ્કૂલનું શિક્ષણ પૂરું કરીને શંકરે કેરળના મેવલિકારા તાલુકામાં આવેલી રાજા રવિ વર્મા સ્કૂલ ઓફ પેઇન્ટિંગમાં અભ્યાસ કર્યો. 'શંકર્સ વિકલી' શરૂ કર્યાના દોઢેક દાયકા પહેલાં, આશરે ૧૯૩૨માં, શંકરે 'હિંદુસ્તાન ટાઈમ્સ'માં કાર્ટૂનિસ્ટ તરીકે કારકિર્દી શરૂ કરી. અહીં તેમણે ૧૯૪૬ સુધી સ્ટાફ કાર્ટૂનિસ્ટ તરીકે ફરજ બજાવી. ત્યાર પછી 'ફ્રી પ્રેસ જર્નલ' અને 'બોમ્બે ક્રોનિકલ' જેવા એ સમયનાં માતબર દૈનિકોને શંકરના પોલિટૂનનો લાભ મળ્યો.
બ્રિટિશ કાળ અને એ પછી આઝાદ ભારતમાં પણ ઘણાં વર્ષો સુધી પોલિટૂન જે તે અખબાર કે સામાયિકનો 'રાજકીય અભિપ્રાય' ગણાતો. આ સ્થિતિમાં પણ ‘હિંદુસ્તાન ટાઇમ્સ’ અને ‘ફ્રી પ્રેસ જર્નલ’ જેવાં અખબારોમાં શંકર ધારદાર વ્યંગ સાથેનાં કાર્ટૂનો દોરતા. શંકરે બ્રિટિશ કાળમાં જ કાર્ટૂન ચિતરવાનું શરૂ કરી દીધું હોવાથી અનેક બ્રિટિશ વાઇસરોય પણ તેમની અડફેટે ચડી ગયા હતા. જો કે, કડક મિજાજી બ્રિટિશરોની સેન્સ ઓફ હ્યુમર પ્રમાણમાં ઘણી સારી હતી, જેથી કોઇએ શંકરનાં કાર્ટૂન સામે વાંધો લીધો હોય એવું નોંધાયું નથી. ઊલટાનું લોર્ડ વિલિંગ્ટન અને લોર્ડ લિનલિથગો જેવા વાઇસરોય શંકરનાં કાર્ટૂનથી ઘણાં પ્રભાવિત હતા.

ગાંધીજી સંભવત શંકરનું ઝીણા પર વ્યંગ કરતું આ કાર્ટૂન જોઈને ભડક્યા હતા
ઉચ્ચ કક્ષાની રમૂજવૃત્તિ ધરાવતા ગાંધીજી એકવાર શંકરનું કાર્ટૂન જોઈને ભડક્યા હતા. જો કે, એ કાર્ટૂન ગાંધીજી પર નહીં, પણ ઝીણા પર વ્યંગ કરવા દોરાયેલું હતું. આ મુદ્દે ગાંધીજીએ વર્ધાથી રેલવે મુસાફરી કરતી વખતે શંકરને ટપાલ લખીને ૨૦મી સપ્ટેમ્બર, ૧૯૩૯ના રોજ 'હિંદુસ્તાન ટાઇમ્સ'માં પ્રસિદ્ધ થયેલા ઝીણાના કાર્ટૂન સામે સખત વાંધો લીધો હતો. પરંતુ એ દિવસે શંકરના ઝીણા પરના બે કાર્ટૂન પ્રસિદ્ધ થયા હતા. એટલે ગાંધીજી કયું કાર્ટૂન જોઈને ગુસ્સે થયા હશે એ સંશોધનનો વિષય છે. આ ઘટના વિશે 'ગાંધીજીનો અક્ષરદેહ'માં ઉલ્લેખ નથી, પરંતુ આ ટપાલ આજે ય શંકર પરિવાર પાસે સચવાયેલી છે.
આ ટપાલમાં ગાંધીજીએ લખ્યું છે કે, ''ઝીણા વિશે દોરાયેલું તમારું કાર્ટૂન અરુચિકર અને હકીકતોથી વિપરીત હતું. તેમાં તમે ફક્ત એક કાર્ટૂનિસ્ટ તરીકે કામ પૂરું કરી દીધું છે. કળાની દૃષ્ટિએ તો તમારાં કાર્ટૂન સારાં હોય છે. પરંતુ તમારાં કાર્ટૂનો ચોક્સાઈથી બોલી ના શકતાં હોય અને લાગણી દુભાવ્યા વિના મજાક ના કરી શકતાં હોય તો તમે તમારા વ્યવસાયમાં હજુ ઉચ્ચ સ્તરે નથી પહોંચ્યા. વિવિધ પ્રસંગોનો તમારો અભ્યાસ દર્શાવે છે કે, તમારી પાસે તેનું ચોક્સાઇભર્યું જ્ઞાન છે. છતાં મૂળ વાત એ છે કે તમારે અસંસ્કારી નહીં બનવું જોઈએ. તમારા ઠઠ્ઠા-મશ્કરી કોઇને ડંખવા ના જોઇએ.''
બ્રિટિશ યુગમાં ગાંધીજી સહિતના અનેક નેતાઓ શંકરનાં કાર્ટૂનની નોંધ લેતા. આ પ્રકારની પોઝિટિવ-નેગેટિવ પબ્લિસિટી વચ્ચે શંકરને લંડનમાં ૧૪ મહિનાનો એડવાન્સ કાર્ટૂનિંગ કોર્સ કરવાની સ્કોલરશિપ મળી. આ દરમિયાન શંકરે બર્લિન, વિયેના, પેરિસ અને રોમ જેવી કળાની રાજધાનીઓનો પ્રવાસ કર્યો. ત્યાંથી પાછા આવ્યા પછી જ શંકરનો 'શંકર્સ વિકલી' શરૂ કરવાનો વિચાર વધારે દૃઢ થયો હતો. વર્ષ ૧૯૪૮માં આ સામાયિકના વિમોચન પ્રસંગે મુખ્ય અતિથિ જવાહરલાલ નહેરુ હતા, પરંતુ શંકરે લસરકા કરતી વખતે નહેરુને પણ છોડ્યા ન હતા. ૧૭મી મે, ૧૯૬૪ના રોજ શંકરે એક કાર્ટૂન દોર્યું હતું, જેમાં દુબળા-પાતળા-થાકેલા નહેરુ ટોર્ચ લઈને ગુલઝારીલાલ નંદા, લાલ બહાદુર શાસ્ત્રી, મોરારજી દેસાઈ, કૃષ્ણમેનન અને ઇન્દિરા ગાંધી જેવાં નેતાઓ સાથે દોડી રહ્યા હતા. આ કાર્ટૂન જોઈને નહેરુએ શંકરને કહ્યું હતું કે, ડોન્ટ સ્પેર મી, શંકર. શંકર સાથે આ સંવાદના બરાબર દસ દિવસ પછી ૨૭મી મે, ૧૯૬૪ના રોજ નહેરુનું મૃત્યુ થયું હતું.

આ વિખ્યાત કાર્ટૂન દોર્યાના દસ દિવસ પછી નહેરુનું મૃત્યુ થયું હતું
ભારતીય પત્રકારત્વમાં 'શંકર્સ વિકલી'નું બીજું ધરખમ પ્રદાન એટલે અબુ અબ્રાહમ, કુટ્ટી, ઓ. વી. વિજયન, રંગા, ઈ. પી. ઉન્ની અને રંગા જેવા જાણીતા કાર્ટૂનિસ્ટો. 'શંકર્સ વિકલી'માં પ્લેટફોર્મ મળવાના કારણે જ આપણને આ નક્કર કાર્ટૂનિસ્ટો મળી શક્યા. એક આશ્ચર્યજનક યોગાનુયોગ એ છે કે, શંકર સહિત આ તમામ કાર્ટૂનિસ્ટોનો (રંગા સિવાય) જન્મ કેરળમાં થયો હતો. આજે ય દક્ષિણ ભારતમાં, ખાસ કરીને મલયાલમ ભાષાના અખબારોમાં પહેલાં પાને તેમ જ અંદર પણ કાર્ટૂન સ્પેસ ફાળવાય છે, એ પાછળ પણ કદાચ શંકરયુગમાં શરૂ થયેલી પરંપરા જ જવાબદાર હશે!
જો કે, આજકાલ તંત્રીલેખ કે કોલમથી પણ વધારે અધરા અને મહેનત માગી લે એવા પોલિટૂન જેવા ગંભીર વિષયને ગંભીરતાથી નથી લેવાતો, જેની પાછળ અખબારોની કાર્ટૂનકળા પ્રત્યેની ઉદાસીનતા જવાબદાર છે. રાજકીય ઘટનાને ઊંડાણપૂર્વક સમજીને તેમાંથી વ્યંગ નિષ્પન્ન કરતું ચિત્રાંકન કરવું એ અત્યંત વિશિષ્ટ કળા છે. આવી કળા થોડી ઘણી હોય તો વિકસાવીને બહાર લાવવી પડે! એટલે જ એક કાર્ટૂનિસ્ટને મજબૂત વાચકવર્ગ ઊભો કરવામાં થોડો સમય લાગે છે, પરંતુ અખબારના માલિકો ‘માંડ થોડી જગ્યા’ ભરી આપતા કાર્ટૂનિસ્ટને ‘ઊંચો પગાર’ આપીને આર્થિક નુકસાન ભોગવવા તૈયાર નથી હોતા. આ સ્થિતિમાં ફૂલટાઇમ કાર્ટૂનિસ્ટની કારકિર્દી અપનાવીને લોકોના હોઠ પર હાસ્ય કેવી રીતે લાવી શકાય?
'શંકર યુગ'ના મોટા ભાગના કાર્ટૂનિસ્ટનો ખરાબ સમય કટોકટી વખતે જ શરૂ થઈ ગયો હતો. ઇન્દિરા ગાંધી સરકારના માહિતી અને પ્રસારણ મંત્રી વિદ્યાચરણ શુકલએ ૨૫મી જૂન, ૧૯૭૫ના રોજ દિલ્હીમાં પ્રેસ કોન્ફસન્સ બોલાવીને પ્રેસ સેન્સરશિપની જાહેરાત કરી હતી કે, ''રુમર્સ (અફવાઓ) ફેલાતી રોકવા માટે અમે પ્રેસ સેન્સરશિપની જાહેરાત કરીએ છીએ …'' આ પ્રેસ કોન્ફરન્સમાં અબુ અબ્રાહમ પણ હાજર હતા. શુકલ જેવું આ વાક્ય બોલ્યા કે તરત જ અબ્રાહમે તેમને કહ્યું કે, ''પણ હ્યુમરને ફેલાતી કેમ રોકવાની?'' કટોકટીમાં કાર્ટૂનિસ્ટોને લાગેલા જીવલેણ ફટકા અંગે વાત કરતા ઉન્નીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે, ''કટોકટી વખતે લેખકોએ કોઇ જુગાડ કરીને કમાઇ લેતા, પરંતુ અમે લાચાર હતા અને અમારી સ્થિતિ વધારે કફોડી હતી …''
કાર્ટૂનિસ્ટોને મોકળું મેદાન આપવામાં નહેરુનો જોટો જડે એમ ન હતો, જ્યારે ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદતા 'શંકર્સ વિકલી'ને પણ તાળાં મારવાની ફરજ પડી. આ ટ્રેજેડીને સરળ અને સાહજિક ભાવે કોઈ અઠંગ કાર્ટૂનિસ્ટ જ સમજાવી શકે!
[“ગુજરાત સમાચાર”ની ‘શતદલ’ પૂર્તિની 22મી ફેબ્રુઆરી 2017ની લેખકની ‘ફ્રેન્કલી સ્પીકિંગ’ નામક કોલમનો લેખ]
સૌજન્ય : http://vishnubharatiya.blogspot.co.uk/2017/03/blog-post.htmlVishal Shah
e.mail : vishnubharatiya@gmail.com
![]()


૧૫મી ઓક્ટોબર, ૧૯૨૩ના રોજ બોમ્બે વેઇટલિફ્ટિંગ ક્લબના અદિ હકીમ, જલ બાપાસોલા, રૂસ્મત ભૂમગરા, કેકી પોચખનવાલા, ગુસ્તાદ હાથીરામ અને નરીમાન કાપડિયા નામના છ યુવાન સાયકલ લઈને દુનિયાનો આંટો મારવા નીકળ્યા હતા. જો કે, આ સાહસ યાત્રા અદિ, જલ અને રૂસ્તમ જ પૂરી કરી શક્યા હતા. સરેરાશ વીસ વર્ષની ઉંમરના એ ત્રણેય યુવાનો બોમ્બેથી દિલ્હી, આગ્રા, મુલતાન (હાલ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં) બલુચિસ્તાનના ક્વેટાથી ભારતીય ઉપખંડની સરહદ પાર કરીને ઈરાન, ઈરાક, સીરિયા, પેલેસ્ટાઈન, ઇજિપ્ત, ઈટાલી, સ્વિત્ઝર્લેન્ડ, હંગેરી, ઝેકોસ્લોવેકિયા, જર્મની, હોલેન્ડ, બેલ્જિયમ, ફ્રાંસ, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, આયર્લેન્ડ, યુનાટેડ સ્ટેટ્સ, જાપાન, કોરિયા, બર્મા અને શ્રીલંકાનો સાયકલ પ્રવાસ કરીને ૧૮મી માર્ચ, ૧૯૨૮ના રોજ ભારત પરત ફર્યા, ત્યારે તેમના નામે ૭૦,૮૧૨ કિલોમીટરનું અંતર સાયકલ પર કાપવાનો વિક્રમ નોંધાઈ ગયો હતો. બોલતા બોલતા હાંફી જવાય એટલા દેશોનો પ્રવાસ કરવા અદિ, જલ અને રૂસ્તમે ચાર વર્ષ અને પાંચ મહિનાનો સમય લીધો હતો.






દેશના તમામ રાજ્યોમાં અમ્મા કેન્ટિન ઉદાહરણરૂપ બની ગયું છે એવી જ રીતે, મધ્યાહ્ન ભોજન યોજનાનાં મૂળ પણ તમિલનાડુમાં જ પડેલાં છે. દક્ષિણ ભારતના રાજકારણના ‘કિંગમેકર’ ગણાયેલા કુમારાસામી કામરાજ (જન્મ-૧૯૦૩, મૃત્યુ-૧૯૭૫) ઉર્ફે કે. કામરાજે ભૂખ અને કુપોષણ સામે લડવા વર્ષ ૧૯૬૨-૬૩માં સરકારી શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના શરૂ કરી હતી. ગાંધીવાદી વિચારોથી પ્રભાવિત કામરાજ ૧૯૬૪થી ૧૯૬૭ સુધી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રમુખ, ૧૯૫૪થી ૧૯૬૩ સુધી તમિલનાડુના મુખ્ય મંત્રી તેમ જ વર્ષ ૧૯૫૨-૫૪ અને ૧૯૬૭-૭૫ દરમિયાન લોકસભાના સાંસદ હતા. ૨૭મી મે, ૧૯૬૪ના રોજ નહેરુના અવસાન પછી કોંગ્રેસને ચોક્કસ દિશા આપનારા ગણ્યાગાંઠયા નેતાઓમાં પણ કામરાજની ગણના થાય છે. વર્ષ ૧૯૭૬માં કામરાજને મરણોત્તર ભારતરત્નથી નવાજવામાં આવ્યા હતા.